Friday, February 06, 2009

‘આસિમ’ રાંદેરીએ લીલા સંકેલી


(Aasim in 1939, Aasim with Jigar muradabadi, 1952)


ભીની ભીની સાંજનો મંજુલ મધુર પગરવ મળે
એ જ તાપી, એ જ લીલા સહ પ્રણય ઉત્સવ મળે
એ જ દૃષ્ટિએ થતું લીલા ને ‘આસિમ’નું મિલન
રાધાને માધવ ને સીતાજીને રાઘવ મળે

ગઝલસંગ્રહ ‘લીલા’થી જાણીતા, ગઝલની રાંદેર સ્કૂલના રોમેન્ટિક શાયર ‘આસિમ’ રાંદેરીનું ગઇ કાલે 105 વર્ષના દીર્ઘ આયુષ્ય પછી અવસાન થયું.

મહેમૂદમિંયા તરીકે 2 ડિસેમ્બર, 1904ના રોજ તેમનો જન્મ થયો હતો. યુવાન વયે ગઝલના રંગે રંગાયા. પછી ગઝલ છૂટી, પણ રંગ છૂટ્યો નહીં. અંગ્રેજીમાં જેને ‘ડીસન્સી’ કહેવામાં આવે છે તે શાલીનતા કે ખાનદાની ‘આસિમ’ની મૂળભૂત પ્રકૃતિ. ચાર વર્ષ પહેલાં રાંદેરના તેમના જૂના છતાં આલિશાન મકાનમાં ભાઇ બીરેન તથા મિત્રો બકુલ ટેલર (સુરત), હસિત મહેતા (નડિયાદ) સાથે તેમને મળવાનું થયું, ત્યારે એ ખાનદાનીનો પ્રત્યક્ષ પરિચય પણ થયો.

મિજાજની જેમ ચહેરો પણ 101 વર્ષની વયે ગુલાબી, ફ્રેન્ચ કટ દાઢી, પગની તકલીફ સૂચવતું સામે પડેલું વૉકર. સાંભળવામાં ખાસ્સી અને બોલવામાં થોડી તકલીફ પડે. છતાં જાણવા મળ્યું કે (અમે મળ્યા એના) ચાર મહિના પહેલાં મુશાયરામાં ગઝલપાઠ કરી આવ્યા હતા. અમારો મળવાનો ખાસ હેતુ જ્યોતીન્દ્ર દવે વિશેના મારા સંશોધન સંબંધે તો ખરો જ. ઉપરાંત, આટલા વયોવૃદ્ધ શાયરની મુલાકાતનો આશય પણ ખરો. અમે સૌ સવાલો પૂછીએ એટલે સવાલ સાંભળ્યા પછી થોડો સમય તેમના ચહેરા પર કોઇ ભાવ ન દેખાય. સવાલ તેમને સંભળાયો હશે કે કેમ એ વિશે આપણે શંકા થાય. પણ થોડી વાર સુધી શબ્દો અને શક્તિ એકઠી કરી લીધા પછી ધ્રુજતા હોઠે તે બોલવાનું શરૂ કરે, ધ્રુજતી હથેળીઓ એકબીજા સાથે ભીંસાય, ચહેરાની રેખાઓમાં વરતાતી થોડી કરચલીઓ તેમની આશિકાના ગુલાબીયતમાં ખલેલ પાડ્યા વિના ઉપસી આવે અને વાત આગળ વધે એમ ચહેરા પર ભૂતકાળને સાંભરવાનું સુખ પથરાતું જાય.

જેમ રમેશ પારેખની ‘સોનલ’ એમ ‘આસિમ’ની લીલા. એમને મળીએ- અને ગમે તેટલો ચાલુ સવાલ લાગવાનું જોખમ સ્વીકારીને પણ લીલા વિશે ન પૂછીએ એ કેમ બને? પૂછ્યું. એટલે એમણે કહ્યું,’હજુ ઘણા લોકો માને છે કે લીલા ખરેખર મારા જીવનમાં આવેલું કોઇ પાત્ર હશે. પણ એવું કોઇ નથી.’ થોડો વિરામ. શબ્દો અને શક્તિ એકઠા કરવાની પ્રક્રિયા ચાલે છે. પછી આગળ,’હા, એક જગ્યાએ દિલ લાગ્યું હતું. પણ એનું નામ લીલા ન હતું. રોજ તાપીના કાંઠે એને મળવાનું થતું. શું દિવસો હતા અને શું લખાયું એ દિવસોમાં. એવું લાગે છે જાણે કોઇ લખાવતું હતું.’ અને એ દિવસોની યાદમાં 101 વર્ષના ‘આસિમ’ જરા ખોંખારો ખાઇને કહે છે,

રેતી ઉપર નસીબની રેખા મળી ગઇ
પાણીની પાસ પ્રેમપ્રતિમા મળી ગઇ
કાલે પવિત્ર લીલાનું એવું મિલન થયું
તાપીના તટ પર જાણે ગંગા મળી ગઇ

‘આસિમ’ વ્યસાયાર્થે અને પછી પરિવાર સાથે લાંબો સમય અમેરિકા રહ્યા. પહેલેથી અત્યંત સમૃદ્ધ. ઉદાર પણ ખરા, મોટે ભાગે પાતળી આર્થિક સ્થિતિ ધરાવતા શાયર મિત્રોને મદદરૂપ પણ થાય. ‘મરીઝ’ પર કામ કરી ચૂકેલો મિત્ર જિજ્ઞેશ મેવાણી પુરાવાસહિત પ્રકાશ પાડી શકે, પણ ‘આસિમ’ની કેટલીક ગઝલો મરીઝે લખી આપી હતી એવી પણ વાત છે. ‘આસિમ’ને ન્યાય ખાતર એટલું કહેવું પડે કે તેમણે ‘મરીઝ’ સહિત ઘણા ગઝલકાર મિત્રો માટે મદદનો ભાવ રાખ્યો હતો. એ તેમની પ્રકૃતિ હતી.

અમારી વાતચીત પૂરી થઇ. ‘આસિમ’ સ્થિતપ્રજ્ઞ ભાવે કહે,’મિત્રો ગયા, વાતાવરણ ગયું, અમે પ્રભાતના દીવા જેવા છીએ. ગમે ત્યારે બુઝાશું.’

અમે ઊઠીને દરવાજા સુધી પહોંચી ગયા હતા, પણ ‘આસિમ’ને તેમના સેવકની મદદથી ઊભા થતા જોઇને અમે સૌ દરવાજા આગળ અર્ધવર્તુળાકારે ઊભા રહી ગયા. વૉકરના ટેકે ‘આસિમ’ આવ્યા. ચહેરા પર સ્મિત. બધાએ થોડું ઝૂકીને તેમની વૃદ્ધ છતાં ભરાવદાર હથેળીમાં પોતાની હથેળી મુકી અને રજા માગી. તેમણે યજમાની વિવેકથી કહ્યું,’આપ લોગોંસે મિલકર અગલે ઝમાને કી શરાફત યાદ આ ગઇ.’
ખરેખર તો એ અમારો સંવાદ હતો. તેમના જ એક શેરથી ‘આસિમ’ને અલવિદા.

મૃત્યુ તણા બહાને મને યાદ તો કર્યો
ઇશ્વરે છાને છાને મને યાદ તો કર્યો


(‘આરપાર’ના 10-10-2005ના અંકમાં દીપક દેસાઇના ઉપનામથી છપાયેલો આસિમ વિશેનો મારો લેખ.)

નોંધઃ મિત્ર સંજય ભાવેએ ગઇ કાલે રાત્રે એસએમએસથી સમાચાર આપ્યા એટલે સવારના સમયનો સદુપયોગ કરીને આટલી ઝડપથી આ નોંધ તૈયાર થઇ શકી છે.

7 comments:

  1. Anonymous2:02:00 PM

    Asimsaheb ne joine,maline shalinata ane bhadrata no arth sakar thato lage evu temnu vyaktitva hatu.temni 101 varas ni ummare temne mali shakayu ane shantithi vaat pan thai shaki a jeevan bharnu sambharanu chhe.Shayar tarike te adarpatra chhe pan vyakti tarike ethiy vadhu sanmanniy chhe.

    ReplyDelete
  2. Anonymous6:20:00 PM

    tamari pase thi apexa hati j. matra be gujarati akhbaro e nondh lidhi chhe e pan ghanu chhe.loko ne maja nai aave em kari ne je chalavvama aave chhe tena karne loko ghanu gumave pan chhe

    ReplyDelete
  3. આસિમ રાંદેરીને મળવાનો મોકો મને મળેલો. એમના અવાજમાં ગઝલ પણ સાંભળી છે. વીસ વર્ષ પહેલાની વાત છે. એમની ઉમ્મર એ વખતે પંચ્યાસી વર્ષ હશે. મને એમનો કોઈ પરિચય ન હતો. પણ જ્યારે એમના અવાજમાં ‘એક એક લટમાં સો દિલ લટકે’ પંક્તિ સાંભળી તો તરત દેખાઈ આવ્યું કે કેટલો ‘રોમેંટિક’ માણસ છે ! એમને જ્યારે જ્યારે જોયા ત્યારે હંમેશા ‘સૂટ’ પહેરેલો હોય અને જાણે સાંજે ‘લીલા’ને મળવા જવાનું હોય એમ સરસ તૈયાર થયેલા હોય. તાપીને ગાનાર આ એક જ બંદો નીકળ્યો છે. એમની ગઝલમાં લીલા પછી બીજા નંબરનું ‘કેરેકટર’ હોય તો ‘તાપી’ છે. બહુ ખાનદાન માણસ હતા. અને દોસ્તીનો કાફિયો મેળવવામાં કદી પાછા ન પડતા.

    સલામ, રાંદેરીસાહેબને ! લાંબુ જીવવું એક વાત છે અને લાંબા જીવનને ઉત્તમ રીતે જીવી બતાવવું એ વળી અલગ વાત છે

    ReplyDelete
  4. It was a delight to hear him reciting "Lila" gazal-Most romantic ever green Gazalkaar- He will be missed-

    ReplyDelete
  5. ઉર્વીશ, સાયબરસફર પર આની લિંક આપી છે. અને આવતી કાલે, સફારીના લેખની.

    હિમાંશુ

    ReplyDelete
  6. Anonymous5:26:00 PM

    આસિમ રાંદેરી વિશે ઘણું નવું જાણવાનું મળ્યું... આભાર...


    આસિમ રાંદેરીની આકસ્મિક વિદાય પર ગુજરાતી કવિતાની સહુથી વિશાળ વેબસાઈટ- લયસ્તરો.કોમ પર રજૂ થયેલી એમની છ ઉત્તમ રચનાઓ એમના ટૂંક પરિચય સાથે આપ અહીં માણી શકો છો:


    http://layastaro.com/?cat=185

    ReplyDelete
  7. Anonymous3:16:00 AM

    સાચે જ આસિમજી વિશે થોડું નવીન જાણવાનું મળ્યું... ઘણો ઘણો આભાર!


    એમનું એક લીલાકાવ્ય અહીં સાંભળી શકશો...

    http://urmisaagar.com/saagar/?cat=47

    ReplyDelete