Sunday, November 27, 2011

અડધી સદીની કાર્ટૂનયાત્રા પછી કુટ્ટીની વિદાય


ભારતમાં આર.કે.લક્ષ્મણ કાર્ટૂનનો પર્યાય ગણાય છે. કાર્ટૂનજગતના અમિતાભ બચ્ચન જ કહો. કાર્ટૂનકળામાં એકથી દસ નંબર સુધી લક્ષ્મણનું નામ મૂકવું પડે, એવું ઘણા લોકો અને ખુદ લક્ષ્મણ પણ માનતા હતા. ઊંચી ગુણવત્તા ઉપરાંત ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ જેવા માતબર રાષ્ટ્રિય અખબારમાં દાયકાઓ સુધી અવિચળ સ્થાન મળવાને કારણે લક્ષ્મણ જીવતેજીવ દંતકથા સમા કાર્ટૂનિસ્ટ બની રહ્યા છે. તેમના સર્જન ‘કોમનમેન’નું પૂતળું મુકાવાથી માંડીને કોમનમેનના કોટમાં કેટલાં ચોખંડાં છે એની પર સટ્ટો રમાવા સુધીનો લક્ષ્મણનાં કાર્ટૂનનો વ્યાપ છે. વડાપ્રધાનોથી અંગ્રેજી અખબારના સામાન્ય વાચકો સુધી અને લક્ષ્મણનાં કાર્ટૂન પરથી બનેલી સિરીયલ ‘વાગલેકી દુનિયા’ના દર્શકો સુધી તેમનો દબદબો પથરાયેલો છે. દૂરદર્શન યુગની ‘વાગલેકી દુનિયા’ના દોઢ-બે દાયકા પછી ફરી એક વાર ‘આર.કે.લક્ષ્મણકી દુનિયા’ સિરીયલ સ્વરૂપે લક્ષ્મણનાં કાર્ટૂન માઘ્યમાંતર પામીને આવી રહ્યાં છે.

લક્ષ્મણ-મહિમાનું અતિશયોક્તિ વગરનું વર્ણન કર્યા પછી કહેવાનું એટલું જ કે એ બઘું સાચું હોવા છતાં, ‘કાર્ટૂન એટલે લક્ષ્મણ’ એ લોકપ્રિય સમીકરણ સાચું નથી. આઝાદી પહેલાં અને પછીના ભારતમાં સંખ્યાબંધ ઉત્તમ કાર્ટૂનિસ્ટ પાક્યા છે. ઘણા ભારતીય કાર્ટૂનિસ્ટોના ગુરૂપદે રહેલા કાર્ટૂનિસ્ટ શંકર (પિલ્લઇ)થી શરૂ કરીને વિજયન્‌, અબુ અબ્રાહમ, રાજિન્દર પુરી, સુધીર દર,  મારિઓ મિરાન્ડા, ઉન્ની, કેશવ, રવિશંકર, સુધીર તેલંગ, જન્મે ગુજરાતી એવા મુંબઇના હેમંત મોરપરિઆ..આ યાદી હજુ ઘણી લાંબી થઇ શકે એમ છે અને આ તમામ કાર્ટૂનિસ્ટોનું કામ અવ્વલ દરજ્જાનું છે. તેમનું નામ લક્ષ્મણ જેટલું જાણીતું ભલે ન લાગે, પણ તેમના કામની ગુણવત્તા અને તેનો વ્યાપ-વિસ્તાર-જથ્થો ઘ્યાનમાં લેતાં ‘કાર્ટૂન એટલે લક્ષ્મણ’ એ સમીકરણ કેટલું ખોટું છે એ સમજાઇ શકે છે.

ભારતના પ્રતાપી, સિનિયર અને લક્ષ્મણના સમકાલીન કાર્ટૂનિસ્ટોમાં માનભર્યું સ્થાન ધરાવતા કુટ્ટી/Kuttyનું ગયા મહિને અવસાન થયું. ૫૭ વર્ષની લાંબી કાર્ટૂન કારકિર્દી ધરાવતા કુટ્ટીની કમાલ એ હતી કે તે જન્મ્યા કેરળમાં (૪-૯-૧૯૨૧), કારકિર્દીનો મોટો ભાગ દિલ્હીમાં રહ્યા અને તેમનાં મોટા ભાગનાં કાર્ટૂન બંગાળી ભાષામાં છપાયાં. કારણ કે એમનાં કાર્ટૂન એ ટુચકા જેવા લાંબા લખાણની ઉપર દોરેલાં ચિત્રો નહીં, પણ ચોટદાર દૃશ્યાત્મક રમુજનાં ઉત્તમ ઉદાહરણ હતાં. ભાષાનો તેમાં ઓછામાં ઓછો ઉપયોગ થતો. એટલે બંગાળી આવડતું ન હોવા છતાં, તે કાર્ટૂનિસ્ટ તરીકે બંગાળમાં એટલા જાણીતા બન્યા કે તેમની કારકિર્દીનાં પચાસ વર્ષ નિમિત્તે એક મલયાલી પત્રકારે લખ્યું હતું, ‘બંગાળમાં ત્રણ મલયાલીઓ અત્યંત જાણીતા છેઃ આદિ શંકર(શંકરાચાર્ય), શંકર (ઇએમએસ) નામ્બુદ્રિપાદ અને શંકરન્‌ (પીકેએસ) કુટ્ટી.’
પત્તાના બાદશાહ જેવા ખોખલાં પાત્રો અને 'એલિસ' તરીકે ઇન્દિરા ગાંધી/ Kutty

કેરળના ‘માતૃભૂમિ’ અખબાર જૂથના ‘વિશ્વરૂપમ્‌’ સામયિકમાં ૧૯ વર્ષની ઉંમરે કુટ્ટીએ કાર્ટૂન દોરવાની- અને તેમાંથી કમાણીની- શરૂઆત કરી. સરદાર પટેલ અને માઉન્ટબેટનની સાથે દેશી રાજ્યોના વિલીનીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર મલયાલી અફસર વી.પી.મેનન કુટ્ટીના કૌટુંબિક સગા હતા. તેમની સાથે દિલ્હીમાં (૧૯૪૦માં) થયેલી મુલાકાત પછી મેનને કુટ્ટીને કાર્ટૂનના નમૂના મોકલવા કહ્યું. એ વખતે દિલ્હીમાં કાર્ટૂનિસ્ટ તરીકે શંકરનો દબદબો હતો.  એ જમાનામાં ફક્ત પત્રકારોને સરકાર તરફથી એક્રેડીટેશન (માન્યતાપત્ર) મળતું હતું, ત્યારે આ માન્યતા મેળવનાર શંકર પહેલા અને એ સમયે એકમાત્ર  કાર્ટૂનિસ્ટ હતા. જવાહરલાલ નેહરૂ જેવા નેતાઓ સાથે તેમના ઘનિષ્ઠ સંબંધ હતા.

જવાહરલાલને કોંગ્રેસના મુખપત્ર તરીકે શરૂ કરેલા પોતાના અખબાર ‘ધ નેશનલ હેરલ્ડ’ માટે એક કાર્ટૂનિસ્ટની જરૂર હતી. તેમણે શંકરને વાત કરી. શંકરે વી.પી.મેનનની ભલામણથી કુટ્ટીનું કામ જોયું અને તેમને તાલીમ આપીને તૈયાર કરવાનું સ્વીકાર્યું. યુવાન કુટ્ટી ગુરૂશિષ્ય પરંપરા પ્રમાણે શંકરને ઘેર જતા, ત્યાં જમતા, તેમના બાળકો સાથે રમતા અને કાર્ટૂનકળાના પાઠ પણ શીખતા. કુટ્ટીએ ૨૦૦૯માં પ્રકાશિત થયેલી આત્મકથા ‘યર્સ ઓફ લાફ્‌ટરઃ રેમિનિસન્સિસ ઓફ એ કાર્ટૂનિસ્ટ’/ Years of Laughter: Reminiscences Of a Cartoonist માં નોંઘ્યું છે કે ‘જીવનમાં હું ફક્ત બે જણથી બીતો હતોઃ એક મારા પિતા અને બીજા શંકર. એમના મૃત્યુ સુધી મારા મનમાં એ બન્ને માટેની બીક રહી.’

દિલ્હીમાં રહેતા કુટ્ટી ટપાલ દ્વારા લખનૌ ‘નેશનલ હેરલ્ડ’ માટે કાર્ટૂન મોકલતા હતા. થોડો સમય તે લખનૌ જઇને પણ રહ્યા અને ત્યાં ‘કોફીહાઉસ પર્સનાલિટી’ (બૌદ્ધિકોમાં વિખ્યાત જણ) તરીકે જાણીતા થયા. ‘નેશનલ હેરલ્ડ’ પછી કુટ્ટીનો મુકામ મુંબઇનું ‘ધ ફ્રી પ્રેસ જર્નલ’ હતો. બીજાં છાપાંમાં એક કાર્ટૂનિસ્ટનાં ફાંફાં હતાં, ત્યારે એસ.સદાનંદના તંત્રીપદે નીકળતા ‘ફ્રી પ્રેસ’માં બાળ ઠાકરે સહિત ત્રણ-ત્રણ કાર્ટૂનિસ્ટ હતા અને કુટ્ટી તેમાં ચોથા ઉમેરાયા. પગાર મહિને રૂ.૩૦૦ , જે એ જમાના પ્રમાણે માતબર ગણાય. તંત્રી સદાનંદ એવા ઘૂનકીવાળા કે કુટ્ટી પહેલો પગાર લેવા ગયા ત્યારે તેમને રૂ.૩૦૦ને બદલે રૂ.૩૫૦ મળ્યા. કારણ પૂછતાં ખબર પડી કે ‘સાહેબે (સદાનંદે) તમારો પગાર વધારી દીધો છે.’ આઝાદી પહેલાંના એ સમયમાં પણ કુટ્ટીએ લખ્યું છે કે ‘હું મરાઠી નહીં, પણ કેરળનો હતો - છતાં મારાં કાર્ટૂન નિયમિત પ્રગટ થવા લાગ્યાં, એ વાતે બાળ ઠાકરેને વાંધો પડ્યો હોય એવું જણાતું હતું.’ એક વર્ષના મુંબઇનિવાસ દરમિયાન આ જ અખબારમાં એ. એફ. એસ. (બોબી) તાલ્યારખાન રમતગમતનું પાનું સંભાળતા અને કુટ્ટીએ (એમના દાવા પ્રમાણે) ભારતમાં પહેલી વાર સ્પોર્ટ્‌સ કાર્ટૂન શરૂ કર્યાં.

છૂટીછવાયી કામગીરી પછી ૧૯૫૧થી મલયાલી કાર્ટૂનિસ્ટ કુટ્ટીનો બંગાળી પ્રકાશનો સાથેનો વિશિષ્ટ નાતો શરૂ થયો, જે છેક ૧૯૯૭ સુધી ચાલ્યો. સૌથી લાંબા સમય (૧૯૫૧-૧૯૮૬) સુધી તેમણે આનંદબજાર પત્રિકા જૂથનાં પ્રકાશનોમાં અને ત્યાર પછી બંગાળી અખબાર ‘આજકાલ’ માટે કાર્ટૂન દોર્યાં. કાર્ટૂનિસ્ટ તરીકેની ૫૭ વર્ષની (૧૯૪૦-૧૯૯૭) સુધીની કારકિર્દીમાં ‘શંકર્સ વીકલી’ સહિત બીજાં અંગ્રેજી પ્રકાશનો અને નામી અખબારો માટે પણ સમાંતરે કાર્ટૂન દોરવાનું તેમણે ચાલુ રાખ્યું. એક સમયે તેમના ગુરૂ શંકરની શૈલીનો તેમની પર એવો પ્રભાવ હતો કે તે શંકરે આપેલા આઇડીયા પર કાર્ટૂન દોરતા હોવાનું કહેવાતું હતું. પોતાની પ્રતિભાના બળે તે આ છાપમાંથી બહાર નીકળી શક્યા.

કુટ્ટીનાં કાર્ટૂન અને વ્યંગચિત્રો (કેરિકેચર)ની વિશિષ્ટતા હતીઃ ઓછામાં ઓછી છતાં સચોટ અને અસરકારક રેખાઓ. તેમનાં કાર્ટૂનમાં શબ્દોનું-લખાણનું મહત્ત્વ સાવ ઓછું અને દૃશ્યાત્મક રમૂજનું પ્રમાણ સૌથી વધારે રહેતું. કાર્ટૂનની સર્જનપ્રક્રિયા વિશે તેમણે આત્મકથામાં લખ્યું હતું,‘આઇડીયા વિશે વિચાર કરતી વેળા હું આડાંઅવળાં ચિતરામણ (ડૂડલિંગ) કરતો. એમાં ને એમાં મોટે ભાગે, મને અગાઉ કલ્પના પણ ન આવી હોય એવો કોઇ  આઇડીયા ટપકી પડતો ને હું કાર્ટૂન દોરવા બેસી જતો.’ જવાહરલાલ નેહરૂથી સોનિયા ગાંધી સુધીનો જમાનો દોરનાર રાજકીય કાર્ટૂનિસ્ટ કુટ્ટીએ લખ્યું હતું, ‘કોંગ્રેસના મોટા ભાગના ટોચના નેતાઓ રૂઢિચુસ્ત હતા. એમનું ચાલ્યું હોત તો અમને આઝાદ ભારતમાં જે મોકળાશ મળી તે કદી શક્ય બની ન હોત. તેમાંથી ઘણા તો કાર્ટૂનો પર પ્રતિબંધ મૂકવાના મતના હતા. પરંતુ નેહરુ કાર્ટૂનિસ્ટોના પ્રબળ સમર્થક હતા. કાર્ટૂન પ્રત્યેના વિરોધને તે મોટે ભાગે હસી કાઢતા હતા.’ કુટ્ટીના ગુરૂ શંકરને ‘ડોન્ટ સ્પેર મી, શંકર’ (મને છોડતા નહીં, શંકર) કહેનારા નેહરૂને લીધે કાર્ટૂનિસ્ટોને અભયારણ્ય મળ્યું. આ હકીકત, નેહરૂ પ્રત્યે નીચો અભિપ્રાય- અને એ માટેનાં કારણો- ધરાવનાર કુટ્ટીએ ભારપૂર્વક નોંધી છે.
(ડાબેથી) સરોજિની નાયડુ, ડો.આંબેડકર, લોર્ડ માઉન્ટબેટન, ગુલઝારીલાલ નંદા, રામમનોહર લોહિયા, આચાર્ય કૃપલાણી, શ્યામાપ્રસાદ મુખર્જી

કુટ્ટીએ કાર્ટૂનગુરૂ શંકરના ‘શંકર્સ વીકલી’ના ઉદ્‌ઘાટન સમારંભમાં ચાહીને આવનારા વડાપ્રધાન નેહરૂના જમાનાથી, ‘શંકર્સ વીકલી’ બંધ થવા માટે કારણભૂત બનેલી કટોકટી લાદનાર નેહરૂપુત્રી ઇંદિરા ગાંધીનો, રાજીવનો અને છેલ્લે સોનિયા ગાંધીનો જમાનો પણ જોયો. છેલ્લાં વર્ષોમાં તે અમેરિકા રહેતા હતા, ત્યારે તેમના મૃત્યુના સમાચાર આવ્યા. ‘આજકાલ’(કલકત્તા)ના સંચાલકોએ કુટ્ટીને અમેરિકા ફોન કરતાં માલૂમ પડ્યું કે એ અફવા હતી. કુટ્ટીએ આ અફવા ખોટી પાડવા માટે લસરકાથી પોતાની લાગણી વ્યક્ત કરી અને પોતાનું તાજું કેરિકેચર છાપવા માટે મોકલી આપ્યું (જે આ લેખ સાથે મૂક્યું છે). તેની સાથે મોકલેલી હળવી નોંધમાં તેમણે લખ્યું હતું કે ‘બંગાળ અને કેરળમાં માણસ મરી જાય પછી મોટો દેખાડો કરવામાં આવે છે...પણ અફસોસ. હમણાં હું મૃત્યુ પામ્યો ત્યારે મને કોઇ જાતનાં માનસન્માન મળ્યાં નહીં.’

ઓક્ટોબર ૨૨, ૨૦૧૧ના રોજ આવેલા કુટ્ટીના મૃત્યુના સમાચાર અફવા ન હતા. પરંતુ અફવાની જેમ તેમના મૃત્યુના સાચા સમાચારને પણ મુખ્ય ધારાનાં પ્રસાર માઘ્યમોમાં ખાસ મહત્ત્વ મળ્યું નહીં. રાજકીય કાર્ટૂનની ભારતીય પરંપરામાં ‘કાર્ટૂન એટલે લક્ષ્મણ’થી આગળ વધવા માગનાર કોઇને પણ એ સફરમાં કુટ્ટીનાં કાર્ટૂન મળી આવશે.

6 comments:

  1. આર.કે. લક્ષ્મણ કે સિવા...જહાં મેં ઔર ભી હૈ કાર્ટૂનીસ્ટ...!
    બહુ જ મસ્ત આર્ટીકલ.... ખરેખર જોવા જઈએ તો ઘણા એવા કાર્ટૂનીસ્ટ છે જેમના કાર્ટૂન્સમાં ભારોભાર વ્યંગ જોવા મળે... અને એ આર.કે.લક્ષ્મણ કરતાં પણ ચડિયાતું હોય છે.
    રસ ધરાવતા લોકોને કૂવાની બહારની દુનિયા બતાવવા બદલ ખૂબ ખૂબ આભાર...
    મજ્જા પડી !

    ReplyDelete
  2. આપડે તમારી સાથે સહમત છીએ. લક્ષમણના કાર્ટૂન સારા હોય કે ખરાબ એ કેવાનું મારું કોઈ ગજું નથી. પણ એના કાર્ટૂનના જેટલા વખાણ થાય એટલી મજા ક્યારેય આવી નથી. એના કરતા તો મંજુલના કાર્ટૂનમાં જમાવટ હોય છે!

    ReplyDelete
  3. પ્રિય લલિત.
    આવું થવાનું કારણ એ હોઇ શકે કે તમારા ભાગે એમની સાવ ઉતરતી કળાએ થયેલુ કામ આવ્યું હોય.

    ReplyDelete
  4. એક વાત કહેવાની રહી ગઈ...
    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પૂર્વ તંત્રી તુષાર ભટ્ટ સાથેની હમણાંની મુલાકાતમાં શ્રી કુટ્ટીએ તુષાર ભટ્ટ નું કાર્ટૂન દોરેલું એ જોવા મળ્યું... અને એમણે કુટ્ટી સાથે કામ કર્યું છે એ વાત પણ જાણવા મળી !

    ReplyDelete
  5. વિશાલ પાટડિયા1:08:00 PM

    કુટ્ટીને સારી અંજલિ. પગારવધારાવાળી વાત, ઠાકરે કળાકાર હતા ત્યારે પણ રાજકારણી હતા, કુટ્ટીની પોતાના મૃત્યુની અફવા પરની કોમેન્ટ (જેમાં તેમને ન મળતાં સન્માનની પીડા વ્યક્ત થતી જણાય છે), કેરળ-દિલ્હી-કોલકાત્તાનો વિષમબાજુ ત્રિકોણ, પ્રતિભાના જોરે ગુરુની છાપમાંથી બહાળ નીકળ્યા, ગુરુનો ડર... વગેરે બાબતો નોંધનીય રહી.

    ReplyDelete
  6. Anonymous10:43:00 PM

    કાર્ટૂનીસ્ટની એ યાદીમાં ગુજરાતી તરીકે બંસી વર્મા [ચકોર] નો ઉલ્લેખ રહી ગયો.......!- અમિત શાહ ઇસનપુર અમદાવાદ

    ReplyDelete