Tuesday, November 08, 2011
પેટ્રોલિયમ પેદાશોનું રાજકારણ અને અર્થકારણ
ગયા અઠવાડિયે પેટ્રોલનો ભાવ ફરી એક વાર વઘ્યો. એપ્રિલ, ૨૦૧૧થી શરૂ થયેલા આ નાણાંકીય વર્ષનો તે ચોથો અને જૂન, ૨૦૧૦માં પેટ્રોલના ભાવ પરથી સરકારી અંકુશ ઉઠી ગયા પછીનો તે દસમો ભાવવધારો હતો. એક જ વર્ષમાં પેટ્રોલની કિંમત આશરે ૪૦ ટકા વધી ગઇ.
પેટ્રોલનો ભાવ વધે એટલે દરેક વખતે વિપક્ષો અને મોરચા સરકારના સાથીપક્ષો બૂમરાણ મચાવે છે. આ વખતે યુપીએ સરકારનાં મહત્ત્વનાં સાથી મમતા બેનરજીએ ‘ઇનફ ઇઝ ઇનફ’ (હવે બહુ થયું)નો ધ્રુજારો બતાવ્યો. સામે પક્ષે નાણાં મંત્રી પ્રણવ મુખર્જીએ આ ભાવવધારો કેમ જરૂરી હતો તે સમજાવવાનું આશ્વાસન આપ્યું. એક સમયે એવો રિવાજ હતો કે સરકાર વધારો જાહેર કર્યા પછી, ‘લોકલાગણીને માન આપીને’, વધારામાં ઘટાડો કરીને લોકોને પટાવી લે. હવે તો એટલી ઔપચારિકતા પણ થતી નથી. એક લિટર પેટ્રોલનો ભાવ સિત્તેર રૂપિયાની ઉપર આગેકૂચ કરવા માંડે, તો પણ જનવિરોધ એવો હોતો નથી કે સરકારને ભાવવધારો મોકૂફ રાખવાની ફરજ પડે.
રાજકીય દૃષ્ટિએ વિચારતાં વાસ્તવિકતા એ પણ છે કે ભાવવધારો એ દરેક સત્તાધારી પક્ષ કે મોરચાની નીયતી બની ચૂક્યો છે અને તેનો વિરોધ દરેક વિપક્ષનો કાર્યક્રમ. કદાચ એટલા માટે જ, વિપક્ષી વિરોધની ખાસ અસર પડતી નથી. પેટ્રોલથી ચાલતાં વાહનો વાપરનારો વર્ગ ભાવવધારો અમલી બનવાનો હોય તે પહેલાં પેટ્રોલપમ્પો પર લાઇન લગાડીને, ઓછા ભાવે ટાંકી ફુલ કરાવીને રૂપિયા બચાવ્યાનો ઠાલો સંતોષ મેળવે છે.
રાજકીય પક્ષો ‘જુઓ, અમે વિરોધ કરીએ છીએ. પછી કહેતા નહીં કે અમે વિરોધ નહોતો કર્યો’ એવી મુદ્રામાં ભાવવધારાના વિરોધમાં નિવેદનબાજી કરે છે અને નિવેદનો છપાઇ જાય-ટીવી પર આવી જાય, પછી આખો મુદ્દો ભૂલી જાય છે. અથવા એક બોજનો વિરોધ કરવા માટે તે સંસદની કાર્યવાહી ખોરવે છે અને પ્રજાકીય નાણાંનો વેડફાટ કરે છે.
સામાન્ય નાગરિક દરેક ભાવવધારા વખતે માથું ખંજવાળે છે કે આમાં આપણે શું સમજવું? ભાવવધારો કેમ થાય છે? ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રિય ભાવમાં આટલી બધી ચડઉતર થતી હશે કે એક વર્ષમાં અગિયાર વાર પેટ્રોલનો ભાવ વધારવો પડે? ભાવ કોણ વધારે છે? સરકાર જો આ પ્રક્રિયામાંથી નીકળી ગઇ હોય, તો પછી સરકારી ઓઇલ કંપનીઓ મન ફાવે તેમ ભાવ વધારી શકે? સરકાર તેમને અંકુશમાં રાખી શકે નહીં? શું સરકારી કંપનીઓ ખોટ ખાઇને પેટ્રોલ વેચે છે, એટલે ભાવવધારો જરૂરી બને છે? શું આટલા ભાવવધારા પછી પણ કંપનીઓ પેટ્રોલના ધંધામાં ખોટ ખાય છે? પેટ્રોલની જેમ કેરોસીન-ડીઝલ જેવાં બળતણોનો ભાવ આટલો ઝડપથી કેમ વધતો નથી?
આ સવાલોની સાથે સંકળાયેલા પેચીદા અર્થકારણને બદલે, આંકડાના આધારે કેટલાક જવાબો મેળવવાથી, ગૂંચવાડા ઘટવાની અને સમજણ વધવાની શક્યતા રહે છે.
આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઇલના ભાવ ઘટવા છતાં પેટ્રોલના ભાવ કેમ વધે છે?
ભાવવધારાના સંદર્ભે થતી સૌથી દેખીતી દલીલ આ છે. ત્રણેક વર્ષ પહેલાં (૨૦૦૮માં) ક્રુડ ઓઇલના ભાવ બેરલ દીઠ ૧૦૦ ડોલરથી વધીને ૧૪૭ ડોલરની વિક્રમજનક સપાટીએ પહોંચી ગયા હતા. ત્યાર પછી એ ભાવોમાં ઘટાડો થયો છે. હાલમાં તેનો ભાવ બેરલ દીઠ ૧૧૦ ડોલરની આસપાસ છે. છતાં ભારતમાં પેટ્રોલના ભાવ ક્રુડના આંતરરાષ્ટ્રિય ભાવ પ્રમાણે ઘટવાને બદલે કેમ વધે છે?
જેવો કાયમી સવાલ, તેવો જ કાયમી જવાબ છેઃ સરકાર ભારે ખોટ ખાઇને પેટ્રોલ વેચે છે. એટલે કે ગ્રાહકોને મોંધું લાગતું પેટ્રોલ, સરકારની સબસિડી ન હોય તો, હજુ વઘુ મોંધું થાય. ક્રુડ ઓઇલના ભાવ ઘટે, તો સરકારને વેઠવી પડતી ખોટમાં થોડી રાહત મળે. પરંતુ તેની ખોટ એટલી મોટી છે કે સરકારને લાંબા સમય સુધી એ ખોટ કરવાનું પરવડે નહીં. આ કારણથી સરકાર પોતાની ખોટ ઘટાડવા માટે ધીમી ગતિએ ભાવવધારાનો આશ્રય લે છે, જેથી ગ્રાહકો પર એકસામટો બોજો પડે નહીં.
ગયા વર્ષથી સરકારે પેટ્રોલને અંકુશમુક્ત કરી દીઘું. તેની પાછળનાં હાર્દ અને આદર્શ એવાં હતાં કે હવે અર્થતંત્રનાં બીજાં પરિબળો ઉપરાંત સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય બજારનાં પરિબળોથી - માર્કેટ ફોર્સીસથી- પેટ્રોલના ભાવ નક્કી થશે. એ પ્રમાણે, ભાવની વધઘટનો નિર્ણય હવે સરકારી મંત્રાલય નહીં, પણ (ઇન્ડિયન ઓઇલ જેવી) સરકારની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ લે છે. પરંતુ તાત્ત્વિક રીતે બઘું એકનું એક જ છે. કેમ કે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સરકારી છે. પેટ્રોલ ‘સસ્તું’ આપવાને લીધે તેમને વેઠવી પડતી ખોટ છેવટે સરકાર પોતે જ ભરપાઇ કરે છે.
એ જ રીતે, ભાવવધારા-ઘટાડાનો નિર્ણય ટેકનિકલ હોવા છતાં, રાજકીય સાહેબોની સંમતિ વિના જાહેર થઇ શકતો નથી. એટલું જ નહીં, લેટેસ્ટ ભાવવધારાનું બૂમરાણ મચ્યું ત્યારે સરકારી ઓઇલ કંપનીઓના સાહેબોએ કહી દીઘું હતું કે સરકાર કહે તો અમે ભાવઘટાડો કરવા તૈયાર છીએ. આમ, કાગળ પર પેટ્રોલના ભાવ કંપનીઓ નક્કી કરે છે. છતાં વાસ્તવમાં સરકાર ચાહે ત્યારે તેમાં વધઘટ કરાવી શકે છે.
બીજા દેશોની સરખામણીમાં ભારતમાં પેટ્રોલના ભાવ તોતિંગ છે?
ભાવવધારાનો વિરોધ કરનારાથી માંડીને દેશી લોકોનાં અમેરિકન સગાંસંબંધીઓ ઘણી વાર કહે છે કે ‘અમારે ત્યાં ગેસ બહુ સસ્તો.’ એ વખતે સાંભળનાર ખભા ઉલાળીને કહે છે, ‘હોય. અમેરિકા લશ્કરનો આટલો મોટો ખર્ચો શાના માટે વેઠે છે? તેલિયા દેશોમા લોકશાહી સ્થાપવાની માળા શું કરવા જપે છે? તમને પેટ્રોલ સસ્તા ભાવે મળી રહે એટલા માટે.’
આ આશ્વાસન સાચું હોવા છતાં, તેમાંથી સંપૂર્ણ ચિત્ર મળતું નથી. કેમ કે, સવાલ ફક્ત અમેરિકા જેવા દેશોનો નથી. એક અભ્યાસીએ ૨૦૦૮ થી ૨૦૧૧ની શરૂઆત સુધીના ગાળામાં ભારત અને અમેરિકા ઉપરાંત કેનેડા, શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશોમાં પેટ્રોલના સરેરાશ ભાવની સરખામણી પણ આપી હતી. તેના આંકડા પર એક નજર નાખવાથી ચિત્રનો થોડો ખ્યાલ આવશે. દરેક ભાવ લિટર દીઠ અને એ સમયના વિનિમય દર પ્રમાણે રૂપિયામાં છે.
ભારત: રૂ.૫૦.૬૫ (૨૦૦૮), રૂ.૫૨.૫૩ (૨૦૧૦) અને રૂ.૫૬.૫૨ (૨૦૧૧). હવે તેની સરખામણીમાં બીજા દેશોનો ભાવ જુઓ.
પાકિસ્તાનઃ રૂ.૩૦.૫૪ (૨૦૦૮), રૂ.૩૧.૪૩ (૨૦૧૦), રૂ.૩૯.૨૨ (૨૦૧૧).
શ્રીલંકા રૂ.૫૪.૧૨ (૨૦૦૮), રૂ.૪૦.૬ (૨૦૧૦), રૂ.૪૭.૦૪ (૨૦૧૧)
કેનેડા રૂ.૨૬.૫૯ (૨૦૦૮), રૂ.૩૫.૯૯ (૨૦૧૦), રૂ.૫૩.૦૧ (૨૦૧૧)
અમેરિકાઃ રૂ.૧૭.૫૭ (૨૦૦૮), રૂ.૨૬.૨૫ (૨૦૧૦) અને રૂ.૩૯.૬૪ (૨૦૧૧)
આમ, ૨૦૦૮માં શ્રીલંકાને બાદ કરતાં બધી વખતે ભારતમાં પેટ્રોલનો ભાવ સૌથી વધારે હતો. કેનેડા જેવા દેશમાં ત્રણ વર્ષમાં પેટ્રોલનો ભાવ લગભગ બમણા જેવો થઇ ગયો હોવા છતાં, તે ભારત કરતાં ઓછો હતો, જ્યારે પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ ભારતની સરખામણીએ અડધાથી થોડોક જ વધારે હતો.
પેટ્રોલ સિવાયનાં બળતણોનું શું?
સરકારી મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ) દ્વારા ૨૦૦૯-૧૦માં અપાયેલા આંકડા પ્રમાણે, ડીઝલ અને કેરોસીનના ભારતના અને આંતરરાષ્ટ્રિય (અખાતી દેશોના) ભાવમાં પેટ્રોલના ભાવ જેટલો મોટો તફાવત ન હતો. ગરીબોનું બળતણ ગણાતા કેરોસીનનો ૨૦૦૨-૦૩માં આંતરરાષ્ટ્રિય બજારમાં ભાવ રૂ.૮.૯૪ (પ્રતિ લિટર) અને ભારતમાં રૂ.૮.૯૮ (પ્રતિ લિટર) હતો, જે ૨૦૦૯-૧૦માં અનુક્રમે રૂ.૨૨.૯૧ અને રૂ.૯.૩૨ થયો. એટલે કે કેરોસીન અખાતી આરબ દેશો કરતાં ભારતમાં બે થી અઢી ગણું સસ્તું થયું.
ડિઝલની વાત કરીએ તો, ૨૦૦૨-૦૩માં આંતરરાષ્ટ્રિય બજારમાં તેનો ભાવ રૂ.૮.૮૩ (પ્રતિ લિટર) અને ભારતમાં રૂ.૨૨.૧૨ પ્રતિ લિટર હતો. વર્ષ ૨૦૦૯-૧૦માં તે અનુક્રમે રૂ.૨૨.૭૦ અને (ભારતમાં) રૂ.૩૮.૧૦ થયો. એટલે કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય ભાવો વચ્ચે રહેલો તફાવત નોંધપાત્ર રીતે ઘટ્યો.
ભારત સરકારની સબસિડીના પ્રતાપે અને આ ચીજોની કિંમત નક્કી કરવાનું કામ સરકારને હસ્તક હોવાથી, એ શક્ય બન્યું. આ બન્ને ચીજોને ગરીબલક્ષી ગણીને તેને પેટ્રોલની સરખામણીમાં વિશેષ લાભ આપવામાં આવતો હતો. એ જ કારણસર કેરોસીન-ડિઝલનો ભાવ પેટ્રોલની સરખામણીમાં ઓછા વધતા હતા-વધે છે. ડીઝલમાં સરકાર દ્વારા અપાતી સબસિડી અને તેને ખાવી પડતી ખોટની સામે થતી એક દલીલ એવી છે કે ઘણી વૈભવી કાર ડીઝલ પર ચાલે છે. એ ચલાવનાર ધનિક વર્ગ બિનજરૂરી રીતે ડીઝલ પરની સરકારી સબસિડીનો લાભ ખાટી જાય છે અને પેટ્રોલનાં વાહન ચલાવનારને એ લાભ મળતો નથી.
આ દલીલ સાચી છે, પરંતુ ડીઝલના ભાવવધારાની સીધી અસર વાહનવ્યવહાર સાથે અને તેના દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચતી ચીજવસ્તુઓના ભાવ સાથે સંકળાયેલી છે. ડીઝલના ભાવ વધે તે સાથે જ ખાધાખોરાકીથી માંડીને કલ્પના પણ ન આવે એવી ચીજોના ભાવમાં વધારો ઝીંકાઇ શકે છે, જે ગરીબમાં ગરીબ માણસને સ્પર્શે છે. એ કારણથી સરકાર ડીઝલના ભાવ સાવચેતીપૂર્વક અને ફૂંકી ફૂંકીને વધારે છે. તેની સરખામણીમાં પેટ્રોલના ભાવવધારાની અસર સીધી રીતે ‘આમઆદમી’ (પેટ્રોલીયા વાહન પરવડતું ન હોય એવા ગરીબો) પર પડતી નથી. એટલે થોડા હોબાળા પછી બધું શાંત પડી જાય છે.
ડીઝલની સબસિડીનો ઉપયોગ ધનિકોની મોંઘીદાટ કારના બળતણમાં ન થાય એ માટે સરકાર પક્ષે યોગ્ય પગલાં લેવાની જરૂર છે. પરંતુ આ મુદ્દા પૂરતી એ આડવાત થઇ. કરોડો રૂપિયાનો સવાલ એ છે કે પેટ્રોલ હોય કે ડીઝલ, સરકાર દાવો કરે છે તેમ, આ ધંધામાં તે ખરેખર ખોટ ખાય છે? કે પછી સરકારી- ઓઇલ કંપનીઓના આંકડામાં રજૂ થતી તોતિંગ ખોટ આંકડાની માયાજાળનો એક ભાગ છે? કેરળની હાઇકોર્ટે શા માટે સરકારી અને ખાનગી ઓઇલ કંપનીઓને પોતાના ચોપડા-સરવૈયાં બતાવવા કહ્યું છે?
(આ સવાલના જવાબ સહિત બીજી કેટલીક નક્કર હકીકતો આવતા સપ્તાહે)
Subscribe to:
Post Comments (Atom)
સરસ એનાલીસીસ કર્યું છે.
ReplyDeleteઆજે જ એક આર્ટીકલ જોયું જેની લિંક મૂકી છે.
http://www.hindustantimes.com/IndiaSectionPage/India/Government-the-biggest-gainer-from-petrol-price-hikes/Article1-766147.aspx
સમયસરનો સરસ લેખ આપવા બદલ ધન્યવાદ.છાશવારે થતા પેટ્રોલના ભાવવધારાને કોઈ પણ સંજોગોમાં વાજબી ઠેરવી ન શકાય.ભાવવધારા માટે પ્રણવ મુખર્જીનો સરકારી બચાવ ગળે ઉતરે એવો નથી.જો સાચે જ બજારના પરિબળ મુજબ જ જો પેટ્રોલની કિંમત નક્કી થતી હોય તો આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટે ત્યારે પેટ્રોલના ભાવ ઘટવા જોઈએ,પણ એવું બનતું નથી.પેટ્રોલ પર સરકારી વેરાઓનું અમર્યાદિત ભારણ ભાવવધારા માટેનું મહત્વનું કારણ છે.આપણા વડાપ્રધાન અર્થશાસ્ત્રી નહી પરંતુ અનર્થશાસ્ત્રી હોય વર્તી રહ્યા છે,ત્યારે થાય છે કે આમ ધડાધડ ભાવવધારાને લીધે પ્રજાની બચત અદ્રશ્ય હાથ દ્વારા લૂંટી લેવાય એને ભ્રષ્ટાચાર ન કહેવાય? ને હા,આ શ્રેણીનો બીજો ભાગ જલ્દી આપજો.
ReplyDeleteવાત સાચી છે ને અઘરો વિષય છે. લેખ સારો અને તર્કબદ્ધ છે.
ReplyDeleteએક વાત માનીને ચાલવાની જરૂર છે કે જે વસ્તુ ભારતીય ઉપખંડમાં 'ઉગતી' ન હોય અને જેને બહારથી લાવવાની હોય, જેની ડીમાન્ડ વર્ષોવર્ષ વસ્તી વધારા અને વાહન-વધારા સાથે વધતી હોય, તે વસ્તુ (એટલેકે પેટ્રોલીયમ)ના ભાવ દિવસેને દિવસે વધશે. તેમાંથી બચવાનો કોઈ આરો નથી. પાકિસ્તાનમાં ભલે પેટ્રોલ સસ્તું હોય અને તેના કારણે તેનું અર્થતંત્ર ખાધ વધવાને લીધે પાયમાલ થશે જ, થઇ રહ્યું છે.
વાત હવે UPA2ની છે. ડીઝલ-કેરોસીનને સબસીડી આપીને પેટ્રોલની સબસીડી ઘટાડવી તે આવકારદાયક છે. પણ આ સરકારની તકલીફ એ છે કે તેની કોઈ નીતિવિષયક દિશા નથી. પેટ્રોલ મોંઘુ કરવાની સાથે શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ની વ્યવસ્થા ઉભી કરવી પડે, તેને સસ્તી કરવી પડે, બસને સસ્તી બનાવવા ઉત્તેજન આપવાનું હોય ( જે કંપની એક લાખમાં કાર બનાવી શકે કે વીસ-પચીસ લાખમાં સારી ગુણવત્તાની, લો-ફ્લોર બસ પણ બનાવી શકે), મ્યુનીસીપાલીટીને આવી વ્યવસ્થા ઉભી કરવા સસ્તી લોન આપવી શકાય વગેરે વગેરે. જાહેર વાહન વ્યવસ્થા સસ્તી અને ખાનગી વાહન મોંઘા કરી શકાય. પણ લાગે છે કે 'દિલ્હી અભી દૂર હૈ'.
dear urvish bhai.
ReplyDeleteaapna politician na original sanskar dekhadtu ek stetment petrolium misister murlee devara e ek var karel ke duniya ma bharat j ek evo desh chhe ke jya minaral water karta kerosin na bhav ochha chhe.ketli vahiyat vat! aapna nasib nu rovu ke hasvu?
Currently in Canada petrol price is around 1.20$ to 1.40 $ considering current exchange rate it is around 65Rs. to 70 Rs depend upon province). Even though Canada is a net producer of oil ( Alberta oil sand )It is really hurting us very much as cities are to large geographically and average commute sometimes 100 Km a day.In Vancouver govt.has added 5 cent carbon tax to reduce consumption and adding cess of 2 cents on every litter of gas for infrastructure project.Still consumption is not decreasing and continue to take out large chunk of personal budget .
ReplyDeleteIn India our emerging middle class has no sense regarding environmental consequences and government has no vision regarding mass transit infrastructure.This boom for cars especially in India will not last long due to high inflation and limited resources.Government and people should understand oil is scarce resources and will not last long or infinite and has to plan accordingly for future generation.Current politicians has no sense other then electing them selves again for next term .Unfortunately Present middle class who has seen first test of financial success is apathetic towards any other environmental concerns other then vulgar display of wealth and one up man-ship
.
Rajan Shah ( Vancouver, Canada)