Monday, November 14, 2011

આઝાદી પછીના અસલી ભારતનો એક્સ-રે: રાગ દરબારી

(બ્લોગ પર તો શ્રીલાલ શુક્લ/Shrilal Shukla અને 'રાગ દરબારી'/Raag Darbari/राग दरबारी વિશે સારું એવું લખ્યું હતું, પરંતુ એટલું પૂરતું નથી અને તેના વિશે વ્યાપક પ્રસાર ધરાવતી કોલમમાં લખવું જ જોઇએ, એવું લાગતાં કરેલો આ, બ્લોગની અંગતતા અને અંગત ઉલ્લેખોની બાદબાકી સાથેનો, આ લેખ.).

ગામડું એટલે? આહા! ચોખ્ખાં હવાપાણી, ભેળસેળ વગરનાં ઘીદૂધ, તાજાં શાકભાજી, રોટલા પર માખણના લચકા, ગાડાનું કીચુડ કીચુડ, ભોળા-મદદગાર-નિષ્કપટ- ગરીબ છતાં દિલના અમીર લોકો, તળાવ, ખેતર, સીમ, વાડી, વગડો વગેરેનાં નિબંધકારો-ચંિતનખોરોએ ઉપસાવેલાં મંગલ-મંગલ શબ્દચિત્રો...

આ માન્યતા હજુ સુધી પૂરેપૂરી નાબૂદ થઇ નથી. પોતાના શહેરના દૂરનાં પરાંને ગામડા સમકક્ષ ગણતા ઘણા શહેરીજનો માટે અસલી ગામડું એટલે હિંદી ફિલ્મોમાં કેમેરાની આંખે રજૂ થતું કુદરતી સૌંદર્ય અથવા શહેરની મોંઘી રેસ્ટોરાંમાં ઉભા કરાયેલા આભાસી સેટ અને નોકરીના માર્યા ગામઠી અભિવાદનના પોપટિયા પાઠ કરતા સાફાવાળા વેઇટર.
પરંતુ ભારતનું અસલી ગામડું કેવું હતું? તેનો હાસ્ય-કટાક્ષથી ભરપૂર છતાં અતિશયોક્તિ વગરનો, ક્રૂર છતાં પ્રામાણિક અને વાર્તારસથી ભરેલો દસ્તાવેજ એટલે શ્રીલાલ શુક્લ લિખિત હિંદી નવલકથા ‘રાગ દરબારી’. ગયા મહિને (૨૮ ઓક્ટોબર,૨૦૧૧) ૮૬ વર્ષની ઉંમરે લખનૌમાં શ્રીલાલ શુક્લનું અવસાન થયું. તેમના ચારેક દાયકાના સાહિત્યસર્જનની યાદીમાં ‘અંગદકા પાંવ’ જેવા હાસ્યવ્યંગના લેખસંગ્રહથી માંડીને ગંભીર નવલકથાઓ, સંસ્મરણ, પરંતુ ૧૯૬૮માં પ્રગટ થયેલી વ્યંગ નવલકથા ‘રાગ દરબારી’ ફક્ત શ્રીલાલ શુક્લનાં જ નહીં, ભારતીય સાહિત્યનાં સર્વકાલીન શ્રેષ્ઠ પુસ્તકોમાં સ્થાન પામે એવી છે.

આઝાદીના માત્ર બે દાયકા પછી સેવેલા આદર્શથી બહુ દૂર નીકળી ચૂકેલી વાસ્તવિકતાનો પરિચય સરકારી અધિકારી તરીકે શ્રીલાલ શુક્લને પાકા પાયે હતો. ઉત્તર પ્રદેશની સિવિલ સર્વિસમાં અફસર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર શુક્લ ડિસેમ્બર ૩૧, ૧૯૨૫ના રોજ લખનૌ જિલ્લાના એક ગામડામાં જન્મ્યા હતા. નોકરીને કારણે ગામડાં અને ગામલોકો સાથેનો તેમનો સંપર્ક ચાલુ રહ્યો હતો. ગામડાં સુખ-સમૃદ્ધિ-સંતોષ-સદાચાર જેવી બાબતોમાં ભારતનાં આદર્શ એકમ બનવાને બદલે, બાબુશાહી-વંશપરંપરાગત શાસન-ખટપટ-લોભ-સ્વાર્થ-સારામાં સારા હેતુઓના ખરાબમાં ખરાબ અમલ જેવી ઘણી બાબતોમાં ભારતનું પ્રતિબંિબ બન્યાં હતાં. તેનો તીવ્ર અહેસાસ શ્રીલાલ શુક્લની કલમેથી ૩૩૦ પાનાંની, પાને પાને, ફકરે ફકરે અને ઘણી વાર તો વાક્યે વાક્યે વ્યંગના સટાકા બોલાવતી નવલકથાના સ્વરૂપે પ્રગટ્યો.

નવલકથાનું મુખ્ય કેન્દ્ર શિવપાલગંજ નામનું કાલ્પનિક ગામ છે. તેમાં વૈદ્ય મહારાજનો દબદબો છે. તે ‘નવયુવકોંકે લિયે આશાકા સંદેશ’ આપતી દવાઓ બનાવે છે, ગામની કોલેજ અને કો-ઓપરેટિવ યુનિયનના સર્વેસર્વા છે. ગામમાં શાંતિથી રહેવું હોય એ બધાએ વૈદ્ય મહારાજ ઉપરાંત તેમના મોટા પુત્ર- ‘બિના સૂંઢકા હાથી’જેવા પહેલવાન પુત્ર બદ્રી અને ‘ચા બિસ્કીટ પર જીવતા ખડમાંકડી છાપ છતાં બાર ખાંડીનો મિજાજ ધરાવતા’, કોલેજના ‘ઇશ્ટુડેન્ડ યુનિયન’ના લીડર, નાના પુત્ર રૂપ્પનને સલામ કરવી પડે. વૈદ્ય મહારાજ ભાગ્યે જ ગુસ્સે થાય છે, પણ એ ફિલસૂફીવચનો બોલે એટલે જાણકારો સમજી જાય છે કે હવે સામેવાળાને કોઇ બચાવી નહીં શકે. વૈદ્ય મહારાજનો પરિચય આપતું ‘રાગ દરબારી’ શૈલીનું એક ચોટદાર વાક્ય છેઃ વૈદ્ય મહારાજ થે, હૈ ઔર રહેંગે.

વૈદ્ય મહારાજના દરબારીઓમાં લંગોટી પહેરીને ભાંગ લસોટતા, ‘હનુમાનજીને એકમાત્ર ભગવાન અને વૈદ્ય મહારાજને એક માત્ર માણસ સમજતા’ સનિચરથી માંડીને કોલેજના પ્રિન્સિપાલનો સમાવેશ થાય છે. પ્રિન્સિપાલ છે એનાં કરતાં વધારે ડફોળ દેખાઇને પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખે છે. વૈદ્ય મહારાજનો શહેરી ભાણીયો રંગનાથ એમ.એ.(‘રાગ દરબારી’નાં પાત્રોની શૈલીમાં, ‘એ.મે.’) કર્યા પછી રીસર્ચ માટે મામાને ઘેર આવે છે અને પોતાના શહેરી દૃષ્ટિકોણથી આ ઘટનાઓને જુએ છે, ‘કુછ કરના ચાહિયે’ જેવા અધકચરા એક્ટિવિઝમથી તેમાં તણાય છે, પણ છેવટે કશું કરી શકતો નથી.

મહાભારત માટે જે કહેવાય છે, તે શિવપાલગંજ વિશે - અને ‘રાગ દરબારી’ વિશે પણ -કહેવાય છે, ‘જે અહીં છે એ બઘું જ બહાર છે અને જે અહીં નથી તે ક્યાંય નથી.’ ઉદારીકરણના અને ઇન્ટરનેટના જમાનામાં હવે કદાચ નવલકથા વિશે આવું ન કહી શકાય, પણ તેમાં આવરી લેવાયેલા વિષયો જોતાં એવું લાગે કે લગભગ કશું જ બાકી રહેતું નથીઃ ન્યાયતંત્ર, બાબુશાહી, પ્લાનિંગ કમિશન, નેતાઓ, તેમના ‘પાલક બાલક’ એવા ચેલાચમચા, ચૂંટણી, તેમાં થતા ગોટાળા, રાજકારણનું અપરાધીકરણ, સહકારી સંસ્થાઓના ગોટાળા, સરકારી યોજનાઓના દુરુપયોગ, શિક્ષણ-અઘ્યાપકો-સંશોધકો, પોલીસતંત્ર, રીક્ષાવાળા, વિરોધ પક્ષો, જૂથબંધી, લાગવગશાહી, ગામના મેળા, અખાડા, ચબૂતરા, પ્રેમપ્રકરણો, દારૂડિયા, ગામનાં પંચ...

નવલકથા આઝાદીના બે દાયકા પછી લખાઇ હોવા છતાં, તેમાં ગાંધીનો ઉલ્લેખ કેવી રીતે આવે છે? ‘ગાંધી, જૈસા કિ કુછ લોગોંકો આજ ભી યાદ હોગા, ભારતવર્ષમૈં હી પૈદા હુએ થે ઔર ઉનકે અસ્થિ-કલશકે સાથ ઉનકે સિદ્ધાંતોંકો સંગમમેં બહા દેનેકે બાદ યહ તય કિયા ગયા થા કિ ગાંધીકી યાદમેં અબ સિર્ફ પક્કી ઇમારતેં બનાયી જાયેંગી ઔર ઇસી હલ્લેમેં શિવપાલગંજમેં યહ ચબૂતરા બન ગયા થા.’

ન્યાયતંત્રની ગતિથી માંડીને તેના અનિવાર્ય અંગ જેવા બની ગયેલા પ્રોફેશનલ નકલી સાક્ષીઓ અને તેમના દ્વારા છડેચોક ટેકનિકલી સાચી, પણ ખરેખર જૂઠી-ઉડાઉ જુબાનીઓ અને અદાલતો દ્વારા એ અંગે કરાતા આંખ આડા કાન અંગે પણ માર્મિક સંવાદો અને ટીપ્પણીઓ નવલકથામાં છે. અદાલતોનો ઉલ્લેખ કરતાં શ્રીલાલ શુક્લ લખે છે, ‘પુનર્જન્મકે સિદ્ધાંતકી ઇજાદ દીવાની અદાલતોંમેં હુઇ થી, તાકિ વાદી ઔર પ્રતિવાદી ઇસ અફસોસકો લેકર ન મરેં કિ ઉનકા મુકદ્દમા અઘૂરા હી પડા રહા.ઇસકે સહારે વે સોચતે હુએ ચૈનસે મર સકતે હૈં કિ મુકદ્દમેકા ફૈસલા સુનનેકે લિએ અભી અગલા જન્મ તો પડા હી હૈ.’

‘રાગ દરબારી’ની એક વિશિષ્ટતા એ હતી કે તેમાં સ્ત્રી-પાત્રો નહીંવત્‌ અને જે છે તે પણ મુખ્યત્વે પુરૂષ પાત્રોનાં ચરિતર ઉપસાવવા માટેનાં છે. કદાચ એ જ કારણથી સાહિત્ય અકાદમી પુરસ્કૃત આ નવલકથા પરથી હજુ સુધી ફિલ્મ બની નથી. ૧૯૯૭માં શ્રીલાલ શુક્લના લખનૌના ઘરે તેમની સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે ‘ગર્મ હવા’ના ડાયરેક્ટર એમ.એસ.સથ્યુ અને તેમનાં પત્ની શમા ઝૈદીએ ‘રાગ દરબારી’ પરથી ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શ્રીલાલ શુક્લના જણાવ્યા પ્રમાણે, ‘મેં તેમને હતોત્સાહ કરવા બહુ પ્રયાસ કર્યો. સ્ત્રીપાત્ર વિના ફિલ્મ કેવી રીતે બનાવશો? હજુ લોકોના મનમાં ગામડાની છબી રોમેન્ટિક છે. શહેરી યુવાનો ગામડે જઇને ત્યાંની છોકરી સાથે ઝાડની ફરતે ગીતો ગાય એવું જ લોકોને ગમે છે.’ છતાં સથ્યુ ફિલ્મ બનાવવા ઉત્સુક હતા. ‘કથા’ના નિર્માતા સુરેશ જિંદાલ આ પ્રોજેક્ટ માટે નાણાં રોકવાના હતા. તે છેવટ સુધી તૈયાર હતા, પણ ઘણા વખત પછી સથ્યુએ ફિલ્મ બનાવવાનો વિચાર પડતો મૂક્યો. શ્રીલાલ શુક્લે કહ્યું હતું,‘હું એમને જે પહેલેથી સમજાવતો હતો, એ તેમને કદાચ પછી સમજાયું હશે.’

એંસીના દાયકામાં ‘રાગ દરબારી’ પરથી કૃષ્ણ રાઘવ રાવે બનાવેલી ૧૩ હપ્તાની ટીવી સિરીયલ દૂરદર્શન પર પ્રસારિત થઇ હતી. તેમાં ઓમ પુરી, મનોહર સિંઘ, આલોકનાથ, રાજેશ પુરી, દિનેશ શાકુલ જેવાં સજ્જ કલાકારોએ કામ કર્યું હતું. પરંતુ ‘રાગ દરબારી’ના આલેખનની-ભાષાની ચુસ્તી અને કાતિલતા એવી છે કે બીજા માઘ્યમમાં તો ઠીક, બીજી ભાષામાં પણ તેની ધાર જાળવવાનું અઘરું પડે. નેશનલ બુક ટ્રસ્ટે તેનો ગુજરાતી સહિત બધી ભાષાઓમાં અનુવાદ કરાવ્યો હોવા છતાં, હિંદી વાંચી શકનારા માટે તે હિંદીમાં જ વાંચવાનું સલાહભર્યું છે.

‘રાગ દરબારી’ની સરખામણી એક રીતે ‘શોલે’ સાથે કરી શકાયઃ બન્નેનાં નાનામાં નાનાં પાત્રો અવિસ્મરણીય બન્યાં છે અને બન્નેના આખેઆખા સંવાદો અને નિરૂપણો મોઢે કડકડાટ બોલી જાય એવા તેના ચાહકો મોટી સંખ્યામાં છે.

મરણપથારીએ જ્ઞાનપીઠથી સન્માનિત શ્રીલાલ શુક્લે આ દુનિયામાંથી ભલે વિદાય લીધી, પણ ‘રાગ દરબારી’ના કર્તા તરીકે તે ‘થે, હૈ ઔર રહેંગે.’

ફ્‌લેશબેક
સામા છેડાનાં બે ગામઃ શિવપાલગંજ અને માલગુડી
ભારતીય સાહિત્યના ઇતિહાસમાં બે કાલ્પનિક ગામડાં અમર થઇ ગયાંઃ એક ‘રાગ દરબારી’નું શિવપાલગંજ અને બીજું અંગ્રેજીમાં લખતા ભારતીય લેખક આર.કે.નારાયણે સર્જેલું માલગુડી. કાવાદાવા અને અનિષ્ટોથી ખદબદતા શિવપાલગંજની સરખામણીમાં નારાયણનું માલગુડી, તેમાં રહેતા ‘સ્વામી એન્ડ ફ્રેન્ડ્‌સ’ અને બીજા લોકો સીધાસાદા, ભોળાભાળા ગામડાના લોકો છે. તેમની સમસ્યાઓ અને તેના ઉકેલો પણ પેચીદા નથી. માલગુડીના સ્વામી સહિતનાં પાત્રો વિશે વાંચીને દરેકને થાય કે કાશ, આપણું ગામ આવું હોય અને શિવપાલગંજ વિશે વાંચ્યા પછી દરેકને થશે કે આપણા ગામમાં પણ આમાંનું ઘણું બઘું હતું.

4 comments:

  1. great informational for "rag darbari"& n last compare with "malgudi day's" is nice

    ReplyDelete
  2. Anonymous11:47:00 AM

    Nice review of book, titled 'Rag Darbari'. Request from where it is available in Ahmedabad?

    ReplyDelete
  3. Bharat kumar2:29:00 PM

    રાગ દરબારી એ સાચે જ એક અદભુત કૃતિ છે.1968માં શ્રીલાલ શુક્લાની કલમે અવતરેલી આ ઉત્કૃષ્ટ કૃતિ આજે 43 વર્ષ પછી ય એટલી જ તરૌતાજા લાગે છે.જો તમે સંવેદનશીલ હો,તો રમૂજના આવરણ હેઠળ વ્યક્ત થતો ધારદાર કટાક્ષ તમારા અસ્તિત્વને ખળભળાવી મૂકે,એવું અપિલિંગ પુસ્તક વાંચવાનું ચૂકવા જેવું નથી.આ પુસ્તકની અસલી મજા એની મૂળ કૃતિમાં જ અનુભવાય.હિન્દીમાં વાંચવાની ફાવટ અને ધીરજ હોય તો,રાગ દરબારીમાં પ્રવેશવું એ એક યાદગાર અનુભવ છે.દિલ્હી,રાજકમલ પ્રકાશન ખાતેથી V.P.P થી આ પુસ્તક મંગાવી શકાય છે.ત્યાંનો નંબર છે-01123274463.આ નંબર પર સંપર્ક કરવો.

    ReplyDelete
  4. T. G. Christian4:15:00 PM

    મેં રાગ દરબારી તો વાંચી નથી પણ માલગુડી Days વાંચી છે. એક જગ્યા એ એવું વાંચ્યું, કદાચ પ્રિન્ટર ઓફ માલગુડીમાં, કે building ની એક બાજુ ની બારી ખોલવાની મનાઈ હતી. પ્રિન્ટર નો બહુ અવાજ આવતો હોવાના કારણે બાજુના ઘર વાળા બારી ખોલવા પર stay લઇ ને આયા હતા. એ વાંચતી વખતે બાજુના ground floor ના ઘરમાંથી અમારા બીજે માળ ના ઘરમાં ધુમાડો આવતો હતો. એ લોકો નારિયેળની કાચલીઓ રસોડામાં બાળતા અને એમને ચીમની ની કોઈ વ્યવસ્થા કરેલ નહિ. મને થયું, સાલું એ સમય નું ન્યાયતંત્ર જોરદાર કહેવાય કે અવાજ ના આવે એટલા માટે stay આપે. અત્યારે મારે એ લોકો ને ચીમની વગર કાચલીઓ બળતા રોકવા હોય તો કોઈ 'ભાઈ' ની ઓળખાણ જોઈએ. અને હું court માં જાઉં તો કદી case ચાલે જ નહિ.

    ReplyDelete