Thursday, April 28, 2011

મનુષ્યો માટેનું દૈવી વાહનઃ રિક્ષા


ધાર્મિક કથાઓમાં દેવોનાં અનેક વાહનની કલ્પના કરવામાં આવી છે. તેમાંથી ઘણાંખરાં જીવંત ‘વાહન’ને અત્યારે આરટીઓ પાસંિગ મળવું અશક્ય છે. ભૂલેચૂકે આરટીઓ તેમને પાસ કરે તો જીવદયાપ્રેમીઓ આરટીઓ અને વાહનમાલિકો બન્નેને ફાડી ખાય.

બાકી રહ્યાં રથ પ્રકારનાં વાહન. તેમાં ઘોડા જોડવાનો, એ ઘોડાને પાલવવાનો અને ખાસ તો તેમને પાર્ક કરવાનો સવાલ આવે. રથનું પીયુસી કેવી રીતે કઢાવવું, તેમાં સીટ બેલ્ટ કેવી રીતે બાંધવો, એવા ગૌણ પ્રશ્નો પણ ખરા. ટ્રાફિક પોલીસ સામે આવીને ઉભા રહે ત્યારે એ પ્રશ્ન ગૌણ મટીને મુખ્ય બની જાય છે. ધારો કે ટ્રાફિક પોલીસ સડક પર ચાલતા રથને સરકારની રાબેતા મુજબની નાટકબાજીનો હિસ્સો ગણીને ન અટકાવે તો પણ, કોઇ શહેરી માતા-પિતા હાથ લાંબો કરીને રથ ઉભો રખાવે અને ‘બાબાને સી.જી.રોડનો એક આંટો મરાવવો છે. શું લઇશ?’ એવું પૂછી પાડે તો? રથ પર આરૂઢ સવારની આબરૂનું શું?

પૌરાણિક વાહનો સાથે સંકળાયેલાં જોખમો ઘ્યાનમાં રાખતાં એવું ધારી શકાય કે દેવતાઓ કળિયુગમાં પૃથ્વી પર- ભારતમાં- ગુજરાતમાં આવે તો પોતાના વાહન તરીકે એ આરટીઓ માન્ય કોઇ વાહન જ પસંદ કરે. દેવોની પસંદગીનું વાહન- ‘ધ ચોઝન વન’- રિક્ષા જ હોય એ બાબતે કોઇ શંકા ખરી?

રિક્ષા દૈવી વાહન છે કે આસુરી, એ વિશે ઉગ્ર મતભેદ થઇ શકે છે, પરંતુ બન્ને પરસ્પર વિરોધી વિશેષણોમાં આખરે રિક્ષાની શક્તિનો સ્વીકાર થયેલો છે એ યાદ રહે. રિક્ષાને અમથેઅમથું દૈવી વાહન જાહેર કરી દેવાયું નથી. દૈવી વાહન બનવા માટે કેટલીક મૂળભૂત લાયકાતો રિક્ષામાં મોજૂદ છે.

જેમ કે, દૈવી વાહન પહેલી નજરે, દેખાવમાં બીજાં વાહનથી જુદું તરી આવવું જોઇએ. એ રીતે જોઇએ તો, બૈ પૈડાંવાળાં (દ્વિચક્રી) અને ચાર કે વઘુ પૈડાંવાળા (ચતુષ્ચક્રી- બહુચક્રી) વાહનો ઘણાં છે. તેમાંથી કોને દૈવીનો દરજ્જો આપવો? બે પૈડાં ગાડાને હોય ને મોટરસાયકલને પણ હોય. ચાર પૈડાંવાળી હાથલારી પણ હોઇ શકે ને મર્સિડીઝ પણ. તેમની સરખામણીએ ત્રિચક્રીની કલ્પના કરતાં, રિક્ષા અને ફક્ત રિક્ષા જ યાદ આવશે. ત્રણ નેત્રવાળા શિવ કે ત્રણ મસ્તક ધરાવતા બ્રહ્માનાં ઉદાહરણ પરથી ત્રિચક્રી રિક્ષાને દૈવી ગણવાનું સહજ બની જાય છે.

દેવોની ત્રિમૂર્તિમાં સૃષ્ટિના પાલનનું કામ વિષ્ણુનું અને સંહારનું કામ શિવનું ગણાય છે, પણ સડકની સૃષ્ટિમાં ત્રિચક્રી રિક્ષા પાલન અને સંહારની સંયુક્ત જવાબદારી નિભાવે છે. ચાલકોના અસંખ્ય પરિવારોને તે પુરાણકથાના વિષ્ણુની જેમ પોષે છે અને કંઇક રાહદારીઓને તે સંહારક શિવની માફક ભયભીત કરે છે. ભરટ્રાફિકમાં સડસડાટ ચાલી જતી રિક્ષાને જોઇને શ્રદ્ધાળુઓને તાંડવની યાદ ન આવે તો જ નવાઇ.

દૈવી વાહનનું બીજું મહત્ત્વનું લક્ષણ એ કે તે ટ્રાફિકના દુન્યવી નિયમોથી પર હોય છે. ‘રુકના તેરી શાન નહીં, ચલના તેરી શાન’ એ ઘણાખરા રિક્ષાચાલકોનો ઘ્યેયમંત્ર હોય છે. જેમ્સ કેમેરૂનની ફિલ્મ ‘અવતાર’નાં વિરાટકાય પક્ષીઓની જેમ, ચાલક એક વાર દૈવી વાહનને અંકુશમાં કરી લે એટલે ખલાસ! તે ચાલકની ઇચ્છા સિવાય બીજા કશાની પરવા કરતું નથી. રિક્ષા શા માટે ટ્રાફિક પોલીસની, આરટીઓના કાયદાની કે રસ્તાના નિયમોની પરવા કર્યા વિના, ચાલકને મનફાવે ત્યાં ધસી જાય છે, એનો ખ્યાલ હવે આવ્યો? આઘ્યાત્મિક ઊંડાણ વિના કેટલીક બાબતો ન સમજાય, એટલે અજ્ઞાનીઓ રિક્ષા અને તેના ચાલકોની ‘બેફામ ગતિ’ની ટીકા કરે છે. ક્યારેક પોલીસ પણ દૈવી વાહનનો માર્ગ રોકીને કાયદાનું ટિપણું ધરે છે. એ વખતે બ્રહ્મા અને શિવની લીલા આત્મસાત્‌ કરી ચૂકેલી રિક્ષાના ચાલકો વિઘ્નહર્તા ગણેશના નહીં, પણ વિષ્ણુપ્રિયા લક્ષ્મીના સાક્ષાત્કાર દ્વારા પોલીસનું વિઘ્ન ટાળે છે.

મોર, ઉંદર, વાઘ કે હંસ દૈવી વાહન હોય એનો અર્થ એવો નહીં કે બધા મોર, બધા ઉંદર, બધા વાઘ કે બધા હંસ દિવ્ય બની જાય. દૈવીપણાનો આધાર ચાલકના ‘સત્‌’ પર હોય છે. તેના થકી સામાન્ય વાહન ‘દૈવી’નો દરજ્જો મેળવે છે. આ નિયમ રિક્ષાને પણ લાગુ પડે ઃ બધી રિક્ષા એકસરખી હોય છે, પણ તેના દૈવી પ્રતાપનો આધાર ચાલક પર રહે છે.

કેટલાક રિક્ષાચાલકો એટલી ટાઢકથી, ગપ્પાંગોષ્ઠિ કરતાં કરતાં રિક્ષા ચલાવે છે, જાણે આપણે રિક્ષાને નહીં, પણ એમણે આપણને (એમની વાતો સાંભળવા) ભાડે કર્યા હોય. એવા ચાલકોના હાથમાં સાવ બળદગાડા જેવી લાગતી રિક્ષા કોઇ તેજતર્રાર ડ્રાઇવરના હાથમાં બેકાબૂ સાંઢણી જેવી બની જાય છે. ‘હમણાં બહાર ફંગોળ્યા કે ફંગોળશે’ એવી બીક ઉતરવાનું ન આવે ત્યાં સુધી તેમાં બેઠેલા મુસાફરોને રહે છે. એવી માતેલી રિક્ષાના ચાલકોની જીભેથી રાહદારીઓ અને બીજા વાહનો માટે સ્વસ્તિવચનો નીકળે, ત્યારે રિક્ષાની ગતિ વધારેહિંસક છે કે જીભની, એ નક્કી કરવું અઘરું બની જાય છે. રિક્ષાચાલક જાણે (અશ્વમેધની જેમ) રિક્ષામેધ યજ્ઞ પર નીકળ્યા હોય, આખી દુનિયા તેમની રિક્ષાને- અને યજ્ઞમાં વિઘ્નો નાખવા ઇચ્છતી હોય અને ચાલકે ‘હું કોઇને તાબે નહીં થાઉં’ એવો નિર્ધાર કર્યો હોય, એવું વીરરસભર્યું દૃશ્ય સર્જાય છે.

રિક્ષા સંસ્કૃત સાહિત્યના યુગમાં શોધાઇ હોત તો રસશાસ્ત્રીઓએ તેને વીરરસના ખાનામાં મુકી હોત. આમ પણ રિક્ષાનો મિજાજ એકવીસમી સદીને બદલે મઘ્ય યુગને વઘુ અનુરૂપ છે. જરા કલ્પના કરોઃ પૃથ્વીરાજ ચૌહાણ સંયુક્તાનું અપહરણ કરવા માટે ઘોડા પર બેસીને જવાને બદલે રિક્ષા લઇને ગયો હોત અને સંયુક્તાને રિક્ષામાં ભગાડી લાવ્યો હોત તો? એવું બિલકુલ માની શકાય કે જયચંદના યોદ્ધા મોટી મોટી ગાડીઓ લઇને પૃથ્વીરાજની પાછળ પડ્યા હોત, પણ કનૌજથી દિલ્હીના ટ્રાફિકમાં જયચંદના યોદ્ધાઓની ગાડીઓ અટવાઇ પડી હોત અને પૃથ્વીરાજની રિક્ષા સડસડાટ દિલ્હી પહોંચી ગઇ હોત. સંભવ છે કે એ પ્રસંગ પૂરતું સંયુક્તાનું પરાક્રમ, સૌંદર્ય અને લાવણ્ય રિક્ષા સામે ઝાંખું પડી ગયું, એવો કોઇ છંદ કવિ ચંદે ગાયો હોત.

આ યુગમાં કે બીજા યુગમાં રિક્ષાને કવિતા કે સાહિત્ય સાથે શો સંબંધ? એવો સવાલ કોઇ અરસિકને અથવા એકદંડીયા મહેલ/આઇવરી ટાવરમાં બેઠેલા જણને જ થઇ શકે. ‘હૂડ પર કોઇએ હાથ મૂકવો નહીં’, ‘સભ્યતાથી બેસવું’ એવાં અસ્મિતાસૂચક વચનોથી માંડીને ‘ચેમ્બુરકી રાની, બોરીવલીકા રાજા/ મિલના હૈ તો દહીસર આજા’ જેવી ઇશ્કે મિજાજી અને ‘ધીરે ધીરે ચલોગે તો ફિર મિલોગે/ ફાસ્ટ ચલોગે તો સીધે હરિદ્વાર મિલોગે’ જેવી ઇશ્કે હકીકીની રચનાઓ રિક્ષા થકી બહોળા જનસમુદાય સુધી પહોંચી છે. આ રચનાઓ સંસ્કૃતમાં લખાઇ નહીં, એ જ તેમનો વાંક?

લોકોની વાચનની ટેવ (જો હોય તો) એ છૂટી રહી છે એવી ફરિયાદો ચોતરફ થઇ રહી છે, ત્યારે રસ્તા પર ચાલતાં રિક્ષાઓ થકી સાહિત્યનો પ્રસાર થાય એ પ્રશંસનીય છે. ફરી ક્યારેક સરકારને ‘વાંચે ગુજરાત’ જેવું કંઇક ઊભુ કરવાનું મન થાય તો તે તરતા પુસ્તકની યોજનાને બદલે સાહિત્યપંક્તિઓ લખેલી રિક્ષાઓ તરતી મુકવાનું પણ વિચારી શકે. તેનાથી ‘વહીવટ’ની રકમમાં અનેક ગણો વધારો થશે અને અનેકવિધ વ્યવસાયો હાથ ધરતા પ્રકાશકોને રિક્ષાક્ષેત્રે ઝંપલાવવાની પણ પ્રેરણા મળશે. પ્રેરણાની જરૂર ફક્ત લેખકો-કવિઓને જ હોય એવું કોણે કહ્યું?

સાહિત્યપ્રસારમાં રિક્ષાઓનો ફાળો- અને ગુજરાતી સાહિત્યની વર્તમાન સ્થિતિ- જોતાં ભવિષ્યમાં રિક્ષાચાલકોના એસોસિએશન માટે રણજીતરામ ચંદ્રકની માગણી ઉઠી શકે છે. અમેરિકામાં યુવતીઓ માટે બોલચાલની ભાષા/સ્લેન્ગમાં ‘ચિક’ શબ્દ વપરાય છે અને તેમના દ્વારા, તેમના માટે લખાતું સાહિત્ય ‘ચિકલિટ’ કહેવાય છે. એ જ તરાહ પર ગુજરાતી રિક્ષાચાલકો સત્તાવાર રીતે ‘રિક-લિટ’ જેવો કોઇ પ્રકાર સ્થાપિત કરે તો રણજીતરામ માટેનો તેમનો દાવો વધારે મજબૂત બને.

રણજીતરામ મળે કે ન મળે, પણ પોષક અને સંહારક એવી રિક્ષાની કામગીરીમાં ‘સર્જન’ની લીલા ઉમેરાતાં, રિક્ષાનો દૈવી દરજ્જો સંપૂર્ણતા પામશે એ નક્કી.

11 comments:

 1. સાચી વાત છે, ઉર્વીશ ભાઈ રિક્ષા વાળા ને avoid ના કરી શકાય.

  ReplyDelete
 2. Ashok Patel9:07:00 AM

  ઉર્વીશભાઈ,
  બહુ ખરાબ લેખ. લખવાનો કોઈ વિષય બચ્યો ના હોય એટલે ગમે તે લખવાનું? કોઈ નિર્જીવ વસ્તુનો વિષય લઇ ને પણ બહુ સારું લખી શકાય છે. થોડા વખત પહેલા તમારું 'બત્રીસ કોઠે હાસ્ય' પુસ્તક વાંચ્યું હતું અને એનું સ્તર પણ ખુબ ખરાબ હતું. પણ અમને એમ કે તમે નવું નવું લખતા થયા છો તો બહુ અપેક્ષા ના રખાય. પણ હવે તો તમે હદ કરો છો.
  અશોક પટેલ

  ReplyDelete
 3. ગમ્યું, પરગજુ, સંસ્કૃત, સાહિત્યકાર, ભજનીક, ચુસ્ત અનુયાયી, પ્રચારક, સહજ, શાળા વર્ધી ના નીષ્ઠ્થાવાન વાળી, તો અઠંગ, અડીયલ, બાઘા, દાંડ, રીક્ષા અને તેની વ્યાપકતા પર કદીક લખજો.

  ReplyDelete
 4. અશોકભાઇ:જરા પણ દુર્ભાવ વિના એક વાત કહું? ‘બત્રીસ કોઠે...’ તમને ન ગમી હોય, તો માનજો કે એ પ્રકારનું હાસ્ય તમને અનુકૂળ નથી. દરેકને એ અનુકૂળ આવવું જરૂરી પણ નથી. મારા ઘણા લેખ એ પ્રકારના-સૂક્ષ્મ હાસ્યવાળા અને નિબંધાત્મક- હોય છે. એટલે દર વખતે અણગમતું વાંચીને સમય-મગજ બગાડવાને બદલે, તમને ગમતું હોય એવું બીજું કંઇ વાંચશો તો ‘બચી જશો.’
  તમારા પ્રામાણિક અભિપ્રાય બદલ આભારી છું.

  ReplyDelete
 5. Ashok Patel9:25:00 PM

  ઉર્વીશભાઈ,
  તમારી જાણ માટે તમને કહું કે સુક્ષ્મ હાસ્ય મને ગમે છે. જ્યોતીન્દ્ર દવે થી માંડી વિનોદ ભટ્ટ સુધી અને પીજી વૂડહાઉસ થી માંડી માર્ક ટ્વૈન સુધીના ને અમે માણીએ છીએ. અમે એમ પણ કહ્યું કે નિર્જીવ વસ્તુનો વિષય લઇ ને પણ ખુબ સારું હાસ્ય સર્જન થઇ શકે છે. વાત તો તમારા પોતાના લખાણની છે. હું એ પણ ચોખવટ કરું કે મારે તમારી સામે કોઈ અંગત વિરોધ નથી. પરંતુ જયારે સરકાર વાંચે ગુજરાત જેવા કાર્યક્રમો યોજતી થઇ છે તો આપણી પણ ફરજ છે કે લોકોને સારું વન્ચાવીએ.
  અશોક પટેલ

  ReplyDelete
 6. અશોકભાઇ,
  તમને પણ મારે કંઇક જણાવવાનું છે. મારા હાસ્યલેખો વિશે તમારા અંગત અભિપ્રાય સામે મારો કશો વાંધો ન હોય. પરંતુ તમે તેને શાસ્ત્રીય આધારો આપીને પુરવાર કરવા ઇચ્છો તો એની સાથે મારી બિલકુલ અસંમતિ છે. આ સાથે મુકેલી લિન્કમાં રતિલાલ બોરીસાગરે લખેલો ‘બત્રીસ કોઠે હાસ્ય’નો રીવ્યુ વાંચવા ભલામણ છે. એનાથી તમારો અભિપ્રાય બદલવા ઇચ્છતો નથી, પણ તમે જે નામો ટાંક્યાં છે તેમને આદર આપીને આ લિન્ક મૂકી છે. તેમાં તમને શાસ્ત્રીય ઢબે લખાયેલો ‘બત્રીસ કોઠે..’નો રીવ્યુ વાંચવા મળશે.

  http://urvishkothari-gujarati.blogspot.com/2010/12/blog-post_23.html

  નિર્જીવ વિષયવસ્તુ લઇને હાસ્યનું સર્જન થઇ શકે એવું ‘બત્રીસ કોઠે..’ વાંચ્યા પછી પણ તમે મને સમજાવો છો, ત્યારે શો પ્રતિભાવ આપવો એ સમજાતું નથી. સમજ સમજનો ફેર. બીજું શું?
  સારું વાચન આપવા માટે મારા જેવા ઘણા લોકો ‘વાંચે ગુજરાત’ જેવાં સરકારી અભિયાનોની રાહ જોતા નથી. એટલે આખી વાતમાં ‘વાંચે ગુજરાત’ની દુહાઇ આપવાની જરૂર ન હોય.

  ReplyDelete
 7. Ashok Patel12:02:00 AM

  ઉર્વીશભાઈ,

  સમાજ-ફેર તમને થતી લાગે છે. તમે તમારી કમેન્ટમાં કહ્યું કે ' તમને ન ગમી હોય, તો માનજો કે એ પ્રકારનું હાસ્ય તમને અનુકૂળ નથી.' જેનો જવાબ આપવા મે કહ્યું કે 'સુક્ષ્મ હાસ્ય મને ગમે છે.' 'શાસ્ત્રીય આધાર' તમારા લેખ ને ખરાબ પુરવાર કરવા નહિ પણ મને સુક્ષ્મ-હાસ્ય ગમે છે તે માટે વાપર્યા છે. ફક્ત તમે બીજાએ લખેલા રીવ્યુ ને આધાર બનાવ્યો છે.


  તમે જે લીંક આપી છે તેમાં મે જાણ્યું કે 'બત્રીસ કોઠે હાસ્ય' ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી એવોર્ડ પણ મળેલો છે. 'કિંગ્સ સ્પીચ' નો સંવાદ અહીં વાપરી શકું: That makes it [my statement about your writing] official!!!


  અશોક patel

  ReplyDelete
 8. @ashokbhai: ‘કોઇનો’ એટલે કે રતિલાલ બોરીસાગરનો રિવ્યુ વાંચ્યા પછી પણ તમારે આ જ કહેવાનું હોય તો, બીજું શું? તમારો અભિપ્રાય તમને મુબારક:-)

  ReplyDelete
 9. btw, ‘અશોકભાઇ’, તમારા 'જ્યોતીન્દ્રથી વિનોદ ભટ્ટ' અને 'વુડહાઉસથી ટ્વેન' તથા 'કિંગ્સ સ્પીચ' જેવા ઉલ્લેખો પરથી અને તમારી 'સેન્સ ઓફ હ્યુમર' પરથી, હું શેરલોક હોમ્સ ન હોવા છતાં મને લાગે છે કે હું તમને ઓળખું છું...એકાદ દાયકા કરતાં પણ વધારે સમયથી:-)

  ReplyDelete
 10. Very enjoyable.

  Loved this para...
  આ યુગમાં કે બીજા યુગમાં રિક્ષાને કવિતા કે સાહિત્ય સાથે શો સંબંધ? એવો સવાલ કોઇ અરસિકને અથવા એકદંડીયા મહેલ/આઇવરી ટાવરમાં બેઠેલા જણને જ થઇ શકે. ‘હૂડ પર કોઇએ હાથ મૂકવો નહીં’, ‘સભ્યતાથી બેસવું’ એવાં અસ્મિતાસૂચક વચનોથી માંડીને ‘ચેમ્બુરકી રાની, બોરીવલીકા રાજા/ મિલના હૈ તો દહીસર આજા’ જેવી ઇશ્કે મિજાજી અને ‘ધીરે ધીરે ચલોગે તો ફિર મિલોગે/ ફાસ્ટ ચલોગે તો સીધે હરિદ્વાર મિલોગે’ જેવી ઇશ્કે હકીકીની રચનાઓ રિક્ષા થકી બહોળા જનસમુદાય સુધી પહોંચી છે.
  The following statement takes the whole message to a different level- probably beyond common understanding!
  આ રચનાઓ સંસ્કૃતમાં લખાઇ નહીં, એ જ તેમનો વાંક?

  ReplyDelete
 11. Jayesh Parekh6:02:00 PM

  પૂજ્યપાદ અશોકભાઈ પટેલ,
  ઉર્વીશ કોઠારીના હાસ્ય લેખો તમને વાંચવા ના ગમે કે સમજાય નહિ તો કંઈ નહિ પણ ટીકા કરવા માટે નામ તો સાચું વાપરો. હાસ્ય લેખો લખતા એમને આજકાલ કરતા એક દાયકો વીતી ગયો છે. માર્ક ટ્વેઇન અને પી.જી. વુડહાઉસને વાંચવા બહુ પસંદ હોય તો હવે પછીનો જનમ તેમના ગામમાં લેજો. એ પહેલા ગુજરાત સરકારના 'SCOPE' કાર્યક્રમમાં જઈને થોડું ઘણું અંગ્રેજી પણ શીખી લેજો. એ પછી સમય મળે તો 'વાંચે ગુજરાત'ના નામના થોડા મંજીરા પણ વગાડી લેજો.
  જયેશ પારેખ, ભરૂચ.

  ReplyDelete