Monday, March 30, 2020

કોરોના, હિજરતીઓ, વડાપ્રધાન અને આપણે

બે-ત્રણ દિવસ પહેલાં, મને જેમના માટે માન છે એવાં મધુ ત્રેહાનનો એક લેખ હતો. તેમણે લખ્યું હતું કે વડાપ્રધાન મોદી સમક્ષ રહેલા બંને વિકલ્પ (લોક ડાઉન કરવું અથવા ન કરવું) ખરાબ હતા. આવી સ્થિતિ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દપ્રયોગ Sophie’s choice તેમણે યાદ કર્યો હતો.

લોક ડાઉન જરૂરી જ નહીં, ઇચ્છનીય છે એના વિશે મારા મનમાં કશી અવઢવ નથી. કોરોના વાઇરસના સાવ શરૂઆતના ગાળામાં તેનાં લક્ષણો અને પ્રસાર વિશેની કેટલીક પ્રાથમિક છતાં આધારભૂત માહિતી સંકલિત કરીને મૂકી હતી. ત્યારથી આ મામલાને સમજવાના અને સમજ્યા પછી તેને સરળતાથી લખવાના પ્રયાસ કરતો રહું છું.

એ દૃષ્ટિએ મને લોક ડાઉનનો નિર્ણય સદંતર યોગ્ય લાગ્યો હતો. પરંતુ સવાલ કેવળ લોક ડાઉનના નિર્ણયનો નથી અને એ નિર્ણય ગમે તેટલો વાજબી હોય તો પણ, તેના પગલે ઊભી થયેલી અરાજકતા કેવળ લોકોનો પ્રોબ્લેમ નથી થઈ જતી.

જરા વિચારી જુઓ : વડાપ્રધાને લોક ડાઉનની જાહેરાત કરતી વખતે કહ્યું હોત કે બે દિવસ પછી લોક ડાઉન અમલમાં આવશે. જે જ્યાં છે ત્યાં જ રહે એવી વિનંતી કરીને તેમણે વિગતવાર માહિતી આપી હોત કે પ્રાથમિક ધોરણે, મોટાં અને મધ્યમ કદનાં શહેરોમાં કામ કરવા આવેલા બીજા પ્રાંત કે બીજા જિલ્લાના લોકોને ભોજનની તકલીફ ન પડે, એ માટે રાજ્ય સરકારની સાથે રહીને અમુક સો કેન્દ્રો ખોલવામાં આવશે. એ કેન્દ્રોની યાદી મોબાઇલ ફોન થકી તમને મળી જશે. તમારે ત્યાં જઈને સવાર સાંજ, સલામત અંતરેથી ઊભા રહીને ભોજન મેળવી લેવાનું રહેશે. એવું જ નાણાંની ચૂકવણી અને મકાનભાડાની માફી કે રહેવાની વ્યવસ્થા વિશે.

આ ત્રણ બાબતો વિશે સરકારે કરેલા નક્કર આયોજનના પ્રયાસની વિગતો આપ્યા પછી તેમણે સમજાવ્યું હોત કે તમને વતન જવાનું મન થાય તે સ્વાભાવિક છે, પણ તમે વતન જઈને તમારા પરિવારને અને આખા ગામને જોખમમાં મૂકી શકો છો. માટે મહેરબાની કરીને તમે છો ત્યાં જ રહેજો.

--અને ત્યાર પછી પણ લોકોએ વતન જવા દોટ કાઢી જ હોત. પણ કદાચ થોડા લોકોને શહેરમાં રહી જવા જેવું પણ લાગ્યું હોત. સોફીઝ ચોઈસ ફક્ત વડાપ્રધાન સમક્ષ જ હોય? લોકો પણ તે ન અનુભવે? વ્યક્તિગત રીતે મારી વાત કરું તો, હું મુંબઈ કામ કરતો હોત અને મને જાણ થાત કે ૨૧ દિવસનું લોક ડાઉન છે, તો મારી પહેલી પ્રતિક્રિયા મહેમદાવાદ પહોંચવાની જ હોત. પણ મને કદાચ સમજાવવામાં આવત કે ઘરે જઈને હું મારા પરિવાર કે મારાં ફળિયાનાં લોકોને જોખમમાં મૂકીશ અને અહીં મુંબઈમાં મારી મૂળભૂત જરૂરિયાતો સચવાઈ જશે, તો કદાચ હું વિચારત. જોકે, એ પણ નક્કી ન કહી શકાય.

ઘણાને આવું થાય, ઘણાને આવું ન પણ થાય. પરંતુ જેમને આવું થાય તેમનો વાંક કાઢી શકાય નહીં. એમ થવું માનવસહજ કે ભારતીયસહજ પ્રતિક્રિયા છે.

અહીં સરકાર સામે ફરી સોફીઝ ચોઇસ આવેઃ લોકોને વતનમાં મોકલવાની વ્યવસ્થા કરવી કે તેમને બળપૂર્વક જ્યાં છે ત્યાં રોકવા?  વતન જવા દેવાની વ્યવસ્થા કરવામાં રોગચાળો ફેલાવાનો ડર હોય અને બળજબરીથી રાખવામાં, એક હદ પછી લોકો મરણીયા બને તો ગમે તેટલી પોલીસ ઓછી પડે ને લશ્કર બોલાવીને પોતાના જ નાગરિકો પર અમર્યાદ બળપ્રયોગ વાપરવાનો વારો આવે--એક પ્રકારે વિદ્રોહની સ્થિતિ પેદા થાય અને રોગચાળાની જેમ વિદ્રોહ પણ ભારતમાં રહેલી વસ્તીની સંખ્યાને કારણે ભયંકર સ્વરૂપ ધારણ કરે.

પણ નિર્ણય તો લેવો જ પડે. એટલે, જાહેરાત અને અમલની વચ્ચે રહેલા બે દિવસમાં સરકાર લોકોને સતત સમજાવે, મંત્રીઓ અને સ્થાનિક ધારાસભ્યો-સંસદસભ્યો અને પક્ષવિપક્ષ સૌ નેતાઓની મદદ લઈને સ્થાનિક લોકોને સમજાવવાનો પ્રયાસ થાય.

આટલું કર્યા પછી પણ સરકારના પ્રયાસ નિષ્ફળ જાય અને લોકોનાં ટોળાં ઉમટે, ત્યારે ટોળાંને લાગણીથી દોરવાઈને બેજવાબદાર બનેલાં ગણાવી શકાય અને સરકાર કહી શકે કે અમે બનતું બધું કર્યું. છતાં આ સ્થિતિ પેદા થઈ છે. હવે તેની સાથે કેવી રીતે પનારો પાડવો, તે વિચારીએ. (ખરેખર તો તેની પણ માનસિક તૈયારી હોય જ.)

પરંતુ આવું કશું જ કર્યા વિના, એક રાત્રે જાહેરાત કરીને, ચાર કલાક પછી લોક ડાઉન અમલી બનાવી દેવામાં આવે, તેને શું કહેવું?  કશા વિગતવાર આયોજનની જાહેરાત વિના, અડધા કલાકના ભાષણથી લોકો સમજી જશે અને સરકાર પર ભરોસો મૂકી દેશે, એમ માની લેવું તે અહંકારભર્યા આત્મવિશ્વાસની પરાકાષ્ઠા છે.

અલબત્ત, ભૂતકાળમાં નોટબંધી જેવા ટાણે આવો અહંકારભર્યો આત્મવિશ્વાસ ફળાઉ નીવડ્યો હોવાથી વડાપ્રધાન એવા ખ્યાલમાં રાચે, એ પણ સમજાય એવું છે.

એવા વખતે આપણે, નાગરિકોએ, મનમાં કે મોટેથી, એટલું તો કહેવું પડે કે સાહેબ, આવું ન હોય. આવડી મોટી આફતનું મેનેજમેન્ટ પ્રાઇમ ટાઇમ શોની જેમ ન થાય અને તમે તમારા પોતાના ગમે તેટલા પ્રેમમાં હો, એક નોંધપાત્ર સમુહ તમારું ઉપરાણું કે તમારા સાયબરસેલનો પગાર લઈને તમારા ટીકાકારોનું ગમે તેટલું ટ્રોલિંગ કરતો હોય, પણ આવા વખતે એ પૂરતું ન ગણાય.

લોકોને તેમની સ્વાભાવિક લાગણીથી વિરુદ્ધ જવા માટે સમજાવવાના-તૈયાર કરવાના હોય ત્યારે માઇલેજ લેવાનો મોહ છોડીને જરા હેઠા ઉતરવું પડે. લોકલાગણી થકી ફેલાયેલી અરાજકતાની ટીકા કરવા માટે, પહેલાં આપણે એ અરાજકતાને કાબૂમાં લેવા માટે આગોતરું આયોજન કરવું પડે, એ બાબતે ફાંકાફોજદારીથી નહીં, નક્કર આયોજનથી લોકોને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરવો પડે અને લોકલાગણીના પ્રવાહમાં એ આયોજન નિષ્ફળ બને ત્યારે આપણને ફરિયાદ કરવાનો કંઈક અધિકાર મળે. એ સિવાય નહીં.

અને જે આવા અણઘડ આયોજન (એટલે કે તેના અભાવ)ની ટીકા કરે, તેમને લોક ડાઉન કેમ અનિવાર્ય હતું, તે સમજાવવાની જરૂર નથી.  તે લોક ડાઉનનું મહત્ત્વ તો સમજે જ છે, પણ જે રીતે કશા આયોજન વગર તેનો અમલ કરવામાં આવ્યો,  તેની સામે ફરિયાદ છે- તેની ટીકા છે.

અલબત્ત, વડાપ્રધાનની કાર્યશૈલીથી પરિચિત અને એટલે જ એ કાર્યશૈલીના ટીકાકાર તરીકે તેમાં કશું નવાઈ લાગે એવું નથી.
***

તૈયારી વગરની જાહેરાત એ વડાપ્રધાનની કાયમી શૈલી છે.  જ્યોર્જ બુશ જુનિયર જેને shock & awe કહેતા હતા એવું કંઈક. આ મામલે વડાપ્રધાન જેટલો સહારો નાટ્યાત્મકતાનો અને નાટકીય અસરનો લે છે, તેટલો નિષ્ણાતો અને આગોતરી તૈયારીનો લેતા હોય, એવું જણાયું નથી. પછી તે નોટબંધી હોય, જીએસટી હોય કે લોક ડાઉન.

યાદ રહે, નોટબંધીના નિર્ણય પાછળ પ્રાથમિક ધોરણે કંઈક લોજિક જણાયું હતું. નોટબંધી વિશે જાણ્યું ત્યારે મારી પહેલી પ્રતિક્રિયા 'ભલું થયું ભાંગી જંજાળ’ની હતી. એવી જ રીતે, જીએસટી પણ લોક ડાઉનની જેમ ઇચ્છનીય જ હતો. પરંતુ આ દરેક અનુભવે સમજાયું કે

૧) વડાપ્રધાનનો મુખ્ય રસ ડ્રામાબાજીનો છે. એમ કરતાં કંઈક સારું થઈ જાય તો તેને આડપેદાશ ગણવી. ડ્રામાબાજીનો અને માઇલેજ લેવાનો મુખ્ય હેતુ સરી ગયા પછી, બાકીની બાબતો વડાપ્રધાન માટે ગૌણ હોય છે. તેમાં તેમને સતત લક્ષ્યાંક બદલતાં કે જૂઠું બોલતાં કશો સંકોચ થતો નથી. મુખ્ય હેતુ સિદ્ધ થઈ ગયા પછીની લડાઈ તો મુખ્યત્વે સાયબરસેલ અને બાકી રહેલા તરફીઓ સંભાળી લેતા હોય છે.

૨) પૂરતી તૈયારી કે પૂરતા વિચારવિમર્શ વિના નિર્ણયો લેવાની તેમની પદ્ધતિ એટલે પણ વકરી છે કે તે કદી કોઈને ઉત્તરદાયી રહ્યા નથી. એ વન વે ટ્રાફિકમાં જ સમજે છે અને ક્યારેક સમ ખાવા પૂરતા ગણ્યાગાંઠ્યા પત્રકારો કે લોકો સાથે સંવાદ કરે છે, ત્યારે પણ તે સાહેબલીલાનો જ અંશ બની રહે છે. લોકશાહી દેશના વડાપ્રધાને છ વર્ષમાં એકેય ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ ન કરી હોય એવો શરમજનક રેકોર્ડ વડાપ્રધાન મોદીના નામે છે અને તેનો જગતના કોઈ ધોરણથી બચાવ થઈ શકે તેમ નથી. આમ કરવામાં નકરી તુમાખી સિવાય બીજા કોઈ કારણની કલ્પના કરવી અઘરી છે. કોરોના જેવી ભયંકર વૈશ્વિક મહામારી પછી પણ તે ટીવી પર પ્રાઇમ ટાઇમમાં શબ્દાળુ ભાષણ ફટકારીને જ સ્ટેટ્સમેન તરીકે સ્થાપિત થવાની કોશિશ કરે છે.

વડાપ્રધાન અગત્યની વાત કહેવા માટે રાષ્ટ્રજોગ પ્રવચન કરે અને તેમાં પોતાના પગલાનું વાજબીપણું સમજાવે તેમાં કશું ખોટું નથી. પણ વર્તમાન વડાપ્રધાનના પ્રવચનમાં મહત્ત્વના મુદ્દાની ચોખવટો લગભગ હોતી નથી અને ડ્રામાપ્રેમ જ છલકતો હોય છે. તેની સાથે વિગતો આવતી હોય તો ડ્રામાપ્રેમ તરફ આંખ આડા કાન કરી શકાય. એવું પણ થતું નથી.

૩) કોરોના લોક ડાઉન હોય કે અગાઉનાં પગલા, તેમાં નિષ્ણાતોની સલાહ લેવાઈ હોય કે તેની પર અમલ થયો હોય એવું તે પગલાંના અમલ પરથી તો લાગતું નથી. તેમનાં નાટકીય પગલાનો ધબડકાજનક અમલ જોયા પછી એવું લાગે કે તે દરેક સમસ્યાને રાજકીય દૃષ્ટિકોણથી જોઈને, તેનો રાજકીય ઉકેલ જ શોધવા મથે છે અને કહેવાતા રાજકીય 'માસ્ટર સ્ટ્રોક’થી જ સમસ્યાને ઉડાડી દેવા કોશિશ કરે છે.

અમારા એક અત્યંત પ્રિય, દિવંગત વડીલ રવજીભાઈ સાવલિયા હંમેશાં કહેતા હતા કે આપણી મોટા ભાગની સમસ્યાઓના ઉકેલ ટેકનિકલ હોય છે. તે પોતે આવા ઉકેલો કાઢવાના નિષ્ણાત હતા. પરંતુ વડાપ્રધાન મોદી અને સરકારની બીજી મુદતમાં મોખરે ને મોખરે રહ્યા પછી આપત્તિના સમયમાં અચાનક અદૃશ્ય બની ગયેલા તેમના જોડીદાર અમિત શાહ, દરેક બાબતોમાં રાજકીય કુકરીથી જ કામ લેતા હોય એવું છે. તેમની પાસે રાજકીય ગણતરીઓનું એક જ બેટ હોય એવું જણાય છે, જે તે ક્રિકેટ ઉપરાંત બેઝબોલ, હોકી, ફુટબોલ, બેડમિંટન, ટેનિસ...અરે કબડ્ડીમાં પણ એ જ વાપરે છે.
***

કોરોનાની કટોકટી એટલી મોટી છે કે મહાનમાં મહાન શાસકથી તેમાં ભૂલો થઈ શકે. શાસક માત્ર, ભૂલને પાત્ર. પણ લોક ડાઉનના નિર્ણયના અમલની આટલી ટૂંકી મુદત આપવાથી માંડીને, માનવીય કટોકટી ઊભી થયા પછી, તેને પહોંચી વળવાના બનતા પ્રયાસ કરવાના મામલે ક્યાંય ભૂલ થઈ હોય એવું વડાપ્રધાન સ્વીકારતા નથી. તેમનો અહમ્ તેમને એ સ્વીકારવા દે એમ નથી અને તેમની ફરતે રચાયેલા મંડળમાંથી તેમને કહેવાની કોઈની જિગર નથી.

‘મનકી બાત’માં માફી માગી તો પણ શાની?  ‘કઠણ પગલાં તમારા હિત માટે જરૂરી હોવાથી ભરવા પડ્યાં, એ બદલ તમને અગવડ થઈ’ તેની.
અલ્યા ભાઈ, કઠણ પગલાં નક્કર આયોજનની વિગતો વિના ભર્યાં એની માફી ક્યારે માગશો?

તેમના અહંકારનો ક્વોટા અને સાયબરસેલનો ધીક્કારનો ક્વોટા અખૂટ લાગે છે.  ધીક્કારના આ વાહકો જાતને છેતરવામાં એટલા ઊંડા ઉતરી ગયા છે કે વડાપ્રધાનની મુદ્દાસર ટીકા કરનારને તે ધીક્કાર ફેલાવનારા તરીકે જાહેર કરે છે અને પોતાની જાતને ખરા દેશભક્ત.

ધીક્કારના આ વાહકોએ એવો પ્રચાર ઊભો કર્યો, જાણે બીજે ક્યાંય તો હિજરતની મુશ્કેલી જ નથી, પણ દિલ્હીમાં કેજરીવાલના પાપે હિજરતીઓની મુશ્કેલી ઊભી થઈ. એટલે ટ્વિટર પર તો કેજરીવાલને દૂર કરવાનો અને કટોકટી લાદવાનો એમ બે મુદ્દા ટ્રેન્ડિંગ પણ થયા. આવા અપપ્રચારમાં ભારતનાં બીજાં રાજ્યોમાં હિજરતીઓને પડેલી મુશ્કેલી સલુકાઈથી ગુપચાવી દેવામાં આવી.
ઝેરી પ્રચાર કરતા સાયબરસેલના અસલી લાભાર્થી કોણ છે એ તો ઉઘાડી સચ્ચાઈ છે અને ઘણા ટ્રોલને વડાપ્રધાન બેશરમીથી ફોલો કરે છે, તે હવે જૂના સમાચાર છે.

દરેકમાં માઇલેજ લેવાની માનસિકતાનું પ્રતિબિંબ, જેની કશી જરૂર નથી એવા નવા ઊભા કરાયેલા ફંડમાં પણ પડ્યું. વડાપ્રધાન રાહતનિધિ ઓલરેડી હોય ત્યારે લોકો પાસેથી દાન માગતા અને 'પીએમ-કેર'  જેવું નામ ધરાવતા ટ્રસ્ટનું ઔચિત્ય બીજી કોઈ રીતે સમજવું અઘરું છે.
***

એટલે વડાપ્રધાનના લોક ડાઉનના નિર્ણયનું હું સમર્થન કરું છું. પરંતુ લોક ડાઉનનું સમર્થન કરનારા દરેકને એ વિચારવા વિનંતી કરું છું કે શું તમારું એ સમર્થન વડાપ્રધાનની બેદરકારી ને અવિચારીપણાને પણ છે?
અને તેમને સાવધ રહેવા પણ સૂચવું છું કે જોજો, તમે આપેલા લોક ડાઉનના સમર્થનને સલુકાઈથી વડાપ્રધાનના સમર્થનના ખાંચામાં વાળી લેવામાં ન આવે.

કપરા સમયમાં રાજકીય ટીકાથી દૂર રહેવું જોઈએ, એવું ઘણાને લાગી શકે. તેને કહેવાનું કે કેટલો કપરો સમય છે એ મને બરાબર ખબર છે. એટલે જ, મારે નાગરિક તરીકે જે કરવાનું છે તે હું કરી જ રહ્યો છું. વડાપ્રધાને આપેલા લોક ડાઉનના એલાનનું સપરિવાર વફાદારીપૂર્વક પાલન કરી રહ્યો છું. ઉપરાંત ક્યાંક મદદરૂપ થવાય તેનો પ્રયાસ પણ.

તેનો મતલબ એમ નથી કે આવા કપરા સમયમાં નાગરિક તરીકેની વિચારશક્તિ જવાબો આપવાથી કતરાતા નેતૃત્વના શરણે મૂકી દેવી.

કોરોનાના પ્રસારને અટકાવવાના તમામ પ્રયત્નોમાં યથાશક્તિ સહભાગી થઈને, નેતૃત્વનાં દેખીતાં ગાબડાં વિશે સવાલો કરતા રહેવું, એ પણ દેશના નાગરિક તરીકેની ફરજ છે.

વડાપ્રધાને દેશને લોક ડાઉન કરવાનું એલાન આપ્યું છે, મગજને લોક ડાઉન કરવાનું નહીં.

5 comments:

  1. I have the same feelings. If you say so they troll you.મોદીનું ઘેન એવું ચઢ્યું છે કે લોકો કુંભકર્ણ ની સ્થિતિમાં જીવે છે. સાચી સમજણને દેશવટો દઈ દીધો છે.

    ReplyDelete
  2. 'હું દાઢી ખંજોળું તો એ ય ન્યુઝ આઈટેમ થઈ જાય' વાળો અહંકાર જ્યાં ને ત્યાં વ્યક્ત થયા જ કરે છે.

    ReplyDelete
  3. દેશના લોકોને સવાલ પુછવાની હિંમત આવી છે.

    ReplyDelete
  4. આપણા દેશની મોટાભાગની પ્રજા ભક્તિપ્રધાન જોવા મળે છે. જેનો દરેક તબક્કે માઈન્ડ વોશ કરીને લાભ લેવામાં આવે છે.
    લોકો તર્કથી વિચારતા બંધ થઈ ગયા હોય એવું લાગે છે.
    કોઈ પણ નિર્ણયની યથાર્થતા અને સમર્થન સાથે ત્રુટીઓ પણ વિવેકબુદ્ધિ થી જોવી અને ઉજાગર કરવી એ પણ મોટી દેશ સેવા છે.

    ReplyDelete
  5. પાર્થિવ12:22:00 AM

    આવા પગલાંની જાણ, અગોતરેથી માલેતુજારોને કરાવી હતી એવા સમાચાર છે. સામાન્ય નાગરિકોને પણ સમય આપવો જોઈતો હતો. બાંગ્લાદેશે સામાન્ય નાગરિકોને ૨ દિવસનો સમય આપી સુઆયોજનનો ઉત્તમ દાખલો બેસાડ્યો જ છે.

    ReplyDelete