Monday, March 23, 2020

કોરોના વાઇરસ પછીનું વિશ્વ આપણે કેવું ઈચ્છીએ છીએ?

યુવાલ નોઆ હરારી / Yuval Noah Harari

Sapien અને Homo Deus જેવાં સરસ અને સુપરહિટ પુસ્તકોના લેખક હરારીનો આ લેખ ૨૦ માર્ચના રોજ Financial Times માં છપાયો હતો. તેનો વાંચવા-વિચારવાના આનંદ ખાતર--અને કોરોના વિશેનાં કેટલાંક ચિંતાજનક ચિંતનીયાં લખાણો જોયા પછી, વાચકો પ્રત્યેની અનુકંપાથી પ્રેરાઈને-- કરેલો અનુવાદ. 
(રસ ધરાવતા મિત્રો માટે મૂળ લેખની લિન્ક)


માનવજાત હાલમાં વૈશ્વિક ખતરાનો સામનો કરી રહી છે. આપણી પેઢીએ જોયેલી કદાચ આ સૌથી મોટી આફત હશે. હવે પછીનાં અઠવાડિયાંમાં લોકો અને સરકારો જે નિર્ણય લેશે તે આવનારાં વર્ષોમાં દુનિયા કેવી હશે એ નક્કી કરવામાં મહત્ત્વનાં સાબીત થઈ શકે છે. માત્ર આરોગ્યસુવિધાઓ જ નહીં, અર્થતંત્ર, રાજકારણ અને સાંસ્કૃતિક બાબતોમાં પણ તેની અસર પડશે. આપણે ત્વરિત અને નિર્ણાયક પગલાં ભરવાં પડશે. સાથોસાથ, આપણાં પગલાંની લાંબા ગાળાની અસરોને પણ ધ્યાનમાં લેવી પડશે. વિકલ્પોની પસંદગી કરતી વખતે આપણે વર્તમાન ખતરાના મુકાબલા ઉપરાંત એ પણ વિચારવું જોઈશે કે એક વાર આ મુસીબત પસાર થઈ જાય ત્યાર પછીની આપણી દુનિયા કેવી થશે.  હા, વર્તમાન વાવાઝોડું તો પસાર થઈ જશે. માનવજાત ટકી જશે, આપણામાંથી મોટા ભાગના જીવીત રહેશે, પણ ત્યાર પછીની આપણી દુનિયા બદલાઈ જશે.

વર્તમાન આપત્તિ માટે લેવાયેલાં ઘણાં પગલાં કાયમી બની જશે. આપત્તિઓની એ જ પ્રકૃતિ હોય છે. તે ઐતિહાસિક પ્રક્રિયાઓની ઝડપને એકદમ વધારી મૂકે છે. સામાન્ય સંજોગોમાં જે નિર્ણય લાંબી વિચારણા પછી લેવાય, તે આવા સંજોગોમાં કલાકોમાં થઈ જાય છે. કાચીપાકી અને ખતરનાક ટેકનોલોજી પણ વપરાવા લાગે છે.  કેમ કે, કશું નહીં કરવાનું જોખમ ઘણું મોટું હોય છે. વિશાળ સ્તરના સામાજિક પ્રયોગોમાં આખેઆખા દેશો પ્રયોગનું સાધન બની જાય છે.

બધા લોકો ઘરેથી કામ કરવા માંડે ને એકબીજાથી સલામત અંતર રાખીને જ વાત કરતા થઈ જાય તો શું થાય? અને બધી શાળાઓ-યુનિવર્સિટીઓ ઓનલાઇન થઈ જાય તો? સામાન્ય સ્થિતિમાં સરકારો, ધંધાદારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ આવા પ્રયોગ માટે કદી તૈયાર ન થાય. પણ આ સામાન્ય સ્થિતિ નથી.

આપત્તિના આ સમયમાં આપણે ખાસ તો બે બાબતોમાં પસંદગી કરવાની છે. પહેલી પસંદગી એકહથ્થુ (સરમુખત્યારશાહી પ્રકારની) દેખરેખ અને નાગરિક સશક્તિકરણ વચ્ચેની છે, તો બીજી રાષ્ટ્રની અલગતા અને વૈશ્વિક સાથસહકાર વચ્ચેની.

શરીરની અંદર સુધીનો ચોકીપહેરો
મહામારીને રોકવા માટે આખેઆખા લોકસમુદાયે અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે. તે બે રીતે થઈ શકે.  પહેલી રીતમાં, સરકાર લોકો પર ચોકીપહેરો રાખે અને નિયમો તોડનારને સજા કરે.

માનવજાતના ઇતિહાસમાં પહેલી વાર, ટેક્નોલોજીના પ્રતાપે માણસ પર ચોવીસ કલાક દેખરેખ રાખવાનું શક્ય છે.  પચાસ વર્ષ પહેલાં, સોવિયેત રશિયાની (ખતરનાક) જાસુસી સંસ્થા કેજીબી પણ ૨૪ કરોડ રશિયનો પર ૨૪ કલાકનો ચોકીપહેરો રાખી શકે અને ૨૪ કલાક દરમિયાન મળતી માહિતીનું અર્થઘટન કરી શકે, એવી ક્ષમતા ધરાવતી ન હતી. કેજીબી પાસે ત્યારે જાસુસો અને વિશ્લેષકો હતા, પણ તે કેટલા હોય? દરેક માણસ પાછળ તો એક જાસુસ લગાડી શકાય નહીં.  પણ હવે સરકારોને માણસ પર આધાર રાખવાની જરૂર નથી. તેમની પાસે સર્વવ્યાપી સેન્સર અને શક્તિશાળી અલ્ગોરિધમ (ખાસ પ્રકારની ક્ષમતા ધરાવતા કમ્પ્યુટર પ્રોગ્રામ) હાજર છે.

કોરોના વાઇરસ સામેના જંગમાં ઘણે ઠેકાણે ચોકીપહેરા માટેનાં નવાં સાધનો વપરાયાં છે. તેમાં સૌથી નોંધપાત્ર કિસ્સો ચીનનો છે. લોકોના સ્માર્ટફોન પર કડક જાપ્તો રાખીને, ચહેરાની ઓળખ કરનારા કેમેરા લાખોની સંખ્યામાં વાપરીને, લોકોને તેમના શરીરનું તાપમાન અને બીજી તબીબી વિગતો તપાસવાની અને તેને સરકારમાં જણાવવાની ફરજ પાડીને, ચીન વાઇરસના વાહકોને ઝડપથી ઓળખી શકે છે, એટલું જ નહીં, તે ક્યાં જાય છે અને કોના સંપર્કમાં આવે છે, તે પણ જાણી શકે છે. ઘણાં મોબાઇલ એપ લોકોને વાઇરસગ્રસ્તોથી નજીદીકીની ચેતવણી આપે છે.

આવી ટેકનોલોજી પૂર્વ એશિયા પૂરતી સીમિત નથી. ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ, સામાન્ય રીતે ત્રાસવાદીઓ પર દેખરેખ રાખવા માટે વપરાતી ટેક્નોલોજી કોરોનાગ્રસ્ત દર્દીઓનું પગેરું રાખવા માટે વાપરવાની સત્તા ઇઝરાઇલ સિક્યુરિટી એજન્સીને આપી દીધી.  સંસદની સંબંધિત ઉપસમિતિએ આ પગલા સામે વાંધો ઉઠાવ્યો, ત્યારે નેતાન્યાહુએ તેને 'આપત્તિકાલીન ફરમાન' તરીકે જાહેર કરીને અમલી બનાવી દીધી.

તમને થશે કે એમાં નવું શું છે? છેલ્લાં વર્ષોમાં સરકારો અને કંપનીઓ લોકોની હિલચાલનું પગેરું દાબવા, તેમની પર દેખરેખ રાખવા અને તેમને ભરમાવવા માટે વધુ ને વધુ પ્રમાણમાં આધુનિક ટેક્નોલોજી વાપરી રહ્યાં છે.

છતાં, આપણે સાવધ ન રહીએ તો કોરોનાની મહામારી ચોકીપહેરો રાખવાની કામગીરીના ઇતિહાસમાં મહત્ત્વનો વળાંક બને એમ છે.  કેમ કે, અત્યાર સુધી જે દેશોએ સામુહિક જાપ્તા માટેની ટેકનોલોજી અપનાવી ન હતી, તે પણ એ રસ્તે જઈ શકે છે. એટલું જ નહીં, દેખરેખનું ક્ષેત્ર ‘ઓવર ધ સ્કીન’ કહેવાતી બાહ્ય બાબતો ઉપરાંત ‘અન્ડર ધ સ્કીન’ એટલે કે શરીરની આંતરિક માહિતીના સ્તરે વિસ્તરી શકે છે.

અત્યાર સુધી તમારી આંગળી સ્માર્ટફોનને અડે અને કોઈ લિન્ક પર તે ક્લિક કરે, તો સરકારને એ જાણવું હોય કે તમે કઈ લિન્ક પર ગયા. પણ કોરોના વાઇરસને કારણે સરકારની દેખરેખનું ક્ષેત્ર બદલાય છે. હવે સરકાર એ જાણવા ઇચ્છે છે કે તમારી આંગળીનું તાપમાન કેટલું છે અને  લોહીનું દબાણ—બ્લડ પ્રેશર—કેટલું છે.

ઇમરજન્સી પુડિંગ ઉર્ફે ગુંદરીયા કટોકટી
દેખરેખ અને જાપ્તાને લગતી એક સમસ્યા એ છે કે આપણી પર કઈ હદનો જાપ્તો રખાય છે અને આગામી સમયમાં તે ક્યાં સુધી પહોંચશે, તે જ આપણે જાણતા નથી. જાપ્તો રાખવાની ટેક્નોલોજી પ્રચંડ ઝડપે વધી રહી છે. દસ વર્ષ પહેલાં જે વિજ્ઞાનકથા જેવું લાગતું હતું, તે હવે વાસી સમાચાર ગણાય છે.

એક કાલ્પનિક પ્રયોગ વિચારી જોઈએ. ધારો કે સરકાર બધા નાગરિકોને હાથે એક બાયોમેટ્રિક પટ્ટી પહેરવાનું કહે છે. તેનો આશય પહેરનારના શરીરનું તાપમાન અને તેના હૃદયના ધબકાર માપવાનો છે. આ પટ્ટી થકી મળતો ડેટા સરકાર એકત્ર કરે છે અને અલ્ગોરિધમ (ચોક્કસ પ્રકારનું પ્રોગ્રામિંગ ધરાવતાં કમ્પ્યુટર) વડે તેનું અર્થઘટન થતું રહે છે. આવી સ્થિતિમાં, માણસ બીમાર છે તેની જાણ તેને પોતાને થાય તે પહેલાં કદાચ સરકારી અલ્ગોરિધમને થઈ જશે. તેને એ પણ ખબર પડી જશે કે તમે ક્યાં છો અને કોને કોને મળ્યા. તેના લીધે ચેપનો સિલસિલો ટૂંકાવી શકાશે કે સદંતર રોકી શકાશે. આવી વ્યવસ્થા મોજૂદ હોય તો મહામારીને થોડા દિવસમાં જ અટકાવી શકાય. આ તો કેટલું સારું કહેવાય, નહીં?

તેની બીજી બાજુ એ છે કે તેનાથી નવા પ્રકારની ખતરનાક જાપ્તા પદ્ધતિને માન્યતા મળી જશે.  ધારો કે તમને ખબર પડે કે મેં એનડી ટીવીની નહીં, રીપબ્લિક ટીવીની લિન્ક પર ક્લિક કર્યું છે, તો તમને મારા રાજકીય વિચારો ને કદાચ મારા વ્યક્તિત્વ વિશે થોડો અંદાજ આવી શકે. પણ હું કોઈ વિડીયો જોતો હોઉં એ વખતે તમે મારા શરીરનું તાપમાન, હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર જાણી શકો તો તમને એ પણ ખબર પડે કે શાનાથી મને હસવું આવે છે, શાનાથી રડવું આવે છે અને ક્યારે જોરદાર ગુસ્સો આવે છે.

ગુસ્સો, આનંદ, કંટાળો અને પ્રેમ તાવ અને ખાંસીની માફક જ જૈવિક બાબતો છે, એ યાદ રાખવા જેવું છે.  જે ટેક્નોલોજી ખાંસી ઓળખી શકે તે હાસ્ય પણ પારખી શકે. સરકારો અને કંપનીઓ મોટા પાયે લોકોની આવી વિગતો સંઘરવાનું ચાલુ કરે, તો આપણી જાતને આપણા કરતાં એ લોકો વધારે ઓળખતા થઈ જાય. તે આપણી લાગણીઓ કલ્પી શકે, એટલું જ નહીં, તેની સાથે છેડછાડ કરીને આપણને કોઈ વસ્તુથી માંડીને કોઈ નેતા સુધીનું કંઈ પણ વેચી શકે. આ પ્રકારની દેખરેખ—બાયોમેટ્રિક મોનિટરિંગ-ની સરખામણીમાં કેમ્બ્રિજ એનાલિટીકાનું ડેટાકૌભાંડ તો પથ્થરયુગનું હોય એવું લાગે.

ધારો કે ઉત્તર કોરિયામાં વર્ષ ૨૦૩૦માં બધા નાગરિકોએ ચોવીસે કલાક કાંડે આવા પટ્ટા પહેરવાના છે. પછી તે કિમ જોંગ ઉનનું ભાષણ સાંભળી રહ્યા છે અને તેમાંથી કોઈના કાંડે પહેરેલો પટ્ટો એવું સૂચવે છે કે તેમને ભાષણ સાંભળીને ગુસ્સો આવી રહ્યો છે. તો પછી એ જણનું શું થાય તે વિચારી લેવાનું.

બાયોમેટ્રિક દેખરેખ કામચલાઉ અને આપત્તિના સમય પૂરતી જ છે, એવું કહી શકાય. એક વાર આપત્તિ જતી રહેશે, પછી એવી દેખરેખ પણ નહીં રહે.
પરંતુ કામચલાઉ પગલાંની માઠી બાબત એ છે કે આપત્તિ જાય ત્યાર પછી પણ તે રહી પડે છે. કારણ કે, કોઈક ખૂણેથી નવી આપત્તિ ડોકાતી જ હોય છે. મારા વતન ઇઝરાઇલમાં ૧૯૪૮માં સ્વતંત્રતાની લડાઈ ટાણે કટોકટી ઘોષિત કરવામાં આવી હતી. માધ્યમો પર સેન્સરશિપ, જમીનસંપાદન અને પુડિંગ બનાવવા ઉપર પ્રતિબંધ (આ ગમ્મત નથી) જેવાં પગલાં કામચલાઉ ધોરણે લેવાયાં. પછી યુદ્ધ તો ક્યારનું જીતાઈ ગયું, પણ ૧૯૪૮ની કટોકટી વખતે લેવાયેલાં ઘણાંખરાં કામચલાઉ પગલાં હજુ પણ અમલમાં છે. (કટોકટી વખતે આવેલો પુડિંગને લગતો વટહુકમ વર્ષ ૨૦૧૧માં રદ થયો, એટલી દયા.)

કોરોનાનો ચેપ સાવ અટકી જાય, દર્દીઓની સંખ્યા શૂન્ય પર પહોંચે, ત્યાર પછી પણ નાગરિકોની વિગતો ઝંખતી સરકારો કહી શકે છે કે કોરોનાના બીજા હુમલાની તૈયારીરૂપે તે બાયોમેટ્રિક ચોકીપહેરો ચાલુ રાખવા ઇચ્છે છે. અરે, કોરોના નહીં, તો આફ્રિકામાંથી આવતો ઇબોલા ને ઇબોલા નહીં તો...ટૂંકમાં, તમે મુદ્દો સમજી ગયા. છેલ્લાં થોડાં વર્ષોમાં આપણી પ્રાઇવસી--આપણી અંગતતા-અંગત વિગતો-માહિતી-ના અધિકાર માટે ભારે યુદ્ધ છેડાયેલું છે. કોરોના વાઇરસથી પેદા થયેલી કટોકટી આ યુદ્ધમાં નિર્ણાયક બની શકે છે. કારણ કે, લોકોને પ્રાઇવસી અને આરોગ્ય બેમાંથી એકની પસંદ કરવાનું કહેવામાં આવે તો લોકો આરોગ્ય જ પસંદ કરશે

સાબુ-ઇન્સ્પેક્ટર?
લોકોને પ્રાઇવસી અને આરોગ્યમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહેવું, એ જ અસલમાં સમસ્યાનું મૂળ છે. કારણ કે આ વિકલ્પો જ ખોટા છે. આપણે પ્રાઇવસી અને આરોગ્ય બંને સાથે મેળવી જ શકીએ અને આપણે તે બંને સાથે મેળવવાં જોઈએ. આપણે એકહથ્થુ જાપ્તો રાખતી પદ્ધતિને શરણે થયા વિના, નાગરિકોના સશક્તિકરણથી આપણી તબિયત સાચવી શકીએ અને કોરોનાનો ફેલાવો પણ અટકાવી શકીએ. છેલ્લાં થોડાં અઠવાડિયાંમાં કોરોનાને કાબૂમાં રાખવાના સૌથી સફળ પ્રયત્નો દક્ષિણ કોરિયા, તાઇવાન અને સિંગાપોરમાં જોવા મળ્યા. આ દેશોએ લોકો પર દેખરેખ રાખતી ટેક્નોલોજીનો થોડો ઉપયોગ ચોક્કસ કર્યો, પણ તેમનો મોટો આધાર ટેસ્ટ કરવા પર, સાચી માહિતી આપવા પર અને માહિતીથી સજ્જ લોકોના ઉત્સાહી સહકાર પર રહ્યો.

લાભદાયી સૂચનાઓનું પાલન કરાવવા માટે કેન્દ્રીય જાપ્તો અને આકરી સજાઓ એકમાત્ર રસ્તો નથી. લોકોને વૈજ્ઞાનિક માહિતી જણાવવામાં આવે અને લોકો સત્તાધીશો પર આ બાબતે વિશ્વાસ મૂકી શકતા હોય, તો સર્વશક્તિમાન સરકારની દેખરેખ વિના પણ લોકો કરવાયોગ્ય હશે તે કરશે. જાતે તૈયાર થયેલા અને યોગ્ય માહિતી ધરાવતા લોકો પોલીસના દંડે હંકારાતા અબુધ લોકો કરતાં વધારે શક્તિશાળી અને અસરકારક હોય છે.

સાબુથી હાથ ધોવાની જ વાત કરીએ. માનવજાતના આરોગ્યના મામલે આ બહુ મોટી પ્રગતિ હતી. આ સીધાસાદા પગલાથી દર વર્ષે લાખોના જીવ બચે છે. અત્યારે એ ભલે સામાન્ય લાગે, પણ પણ વિજ્ઞાનીઓને છેક ૧૯મી સદીમાં સાબુથી હાથ ધોવાના મહત્ત્વની જાણ થઈ. તે પહેલાં ડોક્ટર અને નર્સ પણ એક ઓપરેશન કર્યા પછી હાથ ધોયા વિના જ બીજું ઓપરેશન કરતાં હતાં. આજે અબજો લોકો રોજ હાથ ધુએ છે, તે શું કોઈ સાબુ-ઇન્સ્પેક્ટરથી ડરીને? ના, તેમને પોતાને એ મહત્ત્વ સમજાયું છે એટલે. હું સાબુથી હાથ ધોઉં છું. કારણ કે મેં વાઇરસ અને બેક્ટેરિયા વિશે સાંભળ્યું છે. મને ખબર છે કે એ ટચૂકડાં જીવ રોગ ફેલાવી શકે છે અને મને ખબર છે કે સાબુથી તેમને દૂર રાખી શકાય છે.

પણ આ સ્તરની સામેલગીરી અને સહકાર મેળવવા માટે ભરોસો જોઈએ. લોકોએ વિજ્ઞાન પર, જાહેર સંસ્થાઓના હોદ્દેદારો પર અને પ્રસાર માધ્યમો પર વિશ્વાસ મૂકવો પડે. છેલ્લાં થોડાં વર્ષોમાં બેજવાબદાર રાજનેતાઓએ ઇરાદાપૂર્વક વિજ્ઞાન પરના, જાહેર સંસ્થાઓના હોદ્દેદારો પરના અને પ્રસાર માધ્યમો પરના લોકોના વિશ્વાસમાં ગાબડું પાડ્યું છે. હવે આ જ બેજવાબદાર રાજનેતાઓ આપખુદશાહીના રસ્તો લેવા લલચાશે. તેમની દલીલ હશે કે લોકો બધું બરાબર જ કરશે એવો ભરોસો રખાય નહીં.

સામાન્ય સંજોગોમાં, વર્ષોથી ઉડી ગયેલો વિશ્વાસ રાતોરાત પાછો આણી શકાય નહીં. પણ આ સામાન્ય સંજોગો નથી. આપત્તિના સમયમાં મન ઝડપથી બદલાઈ શકે છે. તમારાં ભાઈભાંડુ સાથે વર્ષોથી તકરાર ચાલતી હોય, પણ આફતના સમયમાં તમને અચાનક સૌહાર્દ અને ભરોસાનો છૂપો ખજાનો મળી આવે અને તમે એકમેકની સાથે થઈ જાવ. માટે, જાપ્તો રાખવાની વ્યવસ્થાઓ ઊભી કરવાને બદલે લોકોનો વિજ્ઞાનમાં, જાહેર સંસ્થાઓના હોદ્દેદારોમાં અને પ્રસાર માધ્યમોમાં ભરોસો બેેસે, એ માટેના પ્રયાસ કરવા. તેમાં હજુ મોડું થયું નથી. નવી ટેક્નોલોજીનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ, પણ નાગરિકોના સશક્તિકરણ માટે. મારા શરીરના તાપમાન અને બ્લડપ્રેશર પર દેખરેખની હું તરફેણ કરું છું, પણ એ ડેટાનો ઉપયોગ સરકારને સર્વસત્તાધીશ બનાવવામાં ન થવો જોઈએ. ઉલટું, એ ડેટાથી મારા માટે વ્યક્તિગત પસંદગીના વિકલ્પ વધવા જોઈએ અને સરકારને તેના નિર્ણયો માટે જવાબદાર ઠેરવી શકવાની નાગરિકોની ક્ષમતા વધવી જોઈએ.

હું ચોવીસે કલાક મારી શારીરિક સ્થિતિ પર નજર રાખી શકતો હોઉં, તો હું ક્યારે બીજાના આરોગ્ય માટે જોખમરૂપ બનુ છું એ તો હું જાણી જ શકું, સાથોસાથ કઈ ટેવો મારા આરોગ્ય માટે ઉપકારક છે એની પણ મને ખબર પડે. કોરોના વાઇરસના પ્રસાર વિશેની પ્રમાણભૂત માહિતી મને જાણવા મળે અને હું તેનું વિશ્લેષણ કરી શકું તો મને એ પણ ખબર પડે કે સરકાર સાચું બોલે છે કે નહીં અને તે મહામારી સામે યોગ્ય નીતિ અપનાવી રહી છે કે નહીં. લોકો જ્યારે પણ દેખરેખની વાત કરે ત્યારે યાદ રાખો કે દેખરેખની ટેક્નોલોજી ફક્ત સરકાર લોકો પર નજર રાખવા નહીં, લોકો પણ સરકાર પર નજર રાખવા માટે વાપરી શકે.

આમ, કોરોના વાઇરસ નાગરિકતા માટે મહત્ત્વની કસોટી છે. આગામી સમયમાં આપણે સ્વાર્થી રાજનેતાઓ અને પાયા વગરનાં પડીકાંને બદલે વૈજ્ઞાનિક માહિતી અને આરોગ્યક્ષેત્રના નિષ્ણાતો પર ભરોસો મૂકવો જોઈએ. આપણે યોગ્ય પસંદગી નહીં કરીએ તો મહામૂલી આઝાદીને એમ સમજીને જતી કરી બેસીશું કે આરોગ્ય સાચવવાનો એ એક જ રસ્તો છે.

વૈશ્વિક આયોજનની જરૂર
બીજી મહત્ત્વની પસંદગી રાષ્ટ્રીય અલગતા અને વૈશ્વિક સહભાગીતા વચ્ચેની છે. મહામારી પોતે અને તેના કારણે પેદા થનારી આર્થિક મુશ્કેલી વૈશ્વિક સમસ્યાઓ છે. તેમને વૈશ્વિક સહકારથી જ અસરકારક રીતે ઉકેલી શકાય.

સૌથી પહેલાં તો, વાઇરસને હરાવવા માટે વૈશ્વિક સ્તરે માહિતીનું આદાનપ્રદાન જરૂરી છે. ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસ અને અમેરિકામાં ફેલાયેલા કોરોના વાઇરસ માણસને કેવી રીતે ચેપ લગાડવો એ વિશે વાત કરી શકવાના નથી. પણ કોરોના વાઇરસ સાથે કેવી રીતે કામ પાડવું તે વિશે ચીન અમેરિકાને ઘણું શીખવી શકે. ઇટાલીનો ડોક્ટર સવારમાં કોઈ શોધ કરે, તેની મદદથી એ સાંજે તાઇવાનમાં કોઈનો જીવ બચી જાય એવું બને. બ્રિટનની સરકાર અનેક નિર્ણયો વચ્ચે અટવાતી હોય તો તે મહિનાઓ પહેલાં એ પ્રકારની મૂંઝવણ અનુભવી ચૂકેલી કોરિયાની સરકારની સલાહ લઈ શકે.  પણ તેના માટે વૈશ્વિક સહકાર અને વિશ્વાસનું વાતાવરણ જોઈએ.

દેશો એકબીજા સાથે માહિતીના આદાનપ્રદાન માટે તથા નમ્રતાથી સલાહ લેવા માટે તૈયાર હોવા જોઈએ અને આ રીતે જે માહિતી તથા સૂઝ મળે તેની પર ભરોસો કરી શકવા જોઈએ. તબીબી સામગ્રી બનાવવામાં પણ વૈશ્વિક પ્રયાસોની જરૂર છે--ખાસ કરીને ટેસ્ટ કરવા માટેની કિટ અને શ્વાસ માટેનાં સાધનો. બધા દેશો બધું જાતે બનાવીને બધું દેશમાં જ ભરી રાખે તેને બદલે, વૈશ્વિક સંકલનથી ઉત્પાદન ઝડપી બનાવી શકાય અને જીવનરક્ષક ઉપકરણોનું વિતરણ વધારે ન્યાયી રીતે કરી શકાય. જેમ દેશો યુદ્ધના સમયે મહત્ત્વના ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરે છે, તેમ કોરોના વાઇરસ સામે માનવજાતના યુદ્ધમાં મહત્ત્વની ચીજોના ઉત્પાદનનું 'માનવીયકરણ' થવું જોઈએ. કોઈ સમૃદ્ધ દેશમાં ઓછા દર્દીઓ હોય તો તે પોતાની સાધનસામગ્રી વધારે કેસ ધરાવતા ગરીબ દેશમાં મોકલે અને તેને એવી ખાતરી હોય કે ભવિષ્યમાં તેને જરૂર પડશે તો બીજા દેશો મદદે આવીને ઊભા રહેશે.

એવું જ તબીબી ક્ષેત્રે કામ કરનારા લોકોની બાબતમાં પણ વિચારી શકાય. ઓછી અસર ધરાવતા દેશો તેમનો મેડિકલ સ્ટાફ સૌથી ખરાબ અસર ધરાવતાં ઠેકાણે મોકલી આપે. તેનાથી યજમાન દેશને મદદ મળે અને સ્ટાફને બહુમૂલ્ય અનુભવ. આગળ જતાં રોગનું ઠેકાણું બદલાય, તો સ્ટાફનો પ્રવાહ પણ એ દિશામાં ફંટાય.

આર્થિક મામલે પણ વૈશ્વિક સહયોગની જરૂર છે. અર્થતંત્ર અને પુરવઠાના તંત્રનો વૈશ્વિક વ્યાપ ધ્યાનમાં રાખતાં, જો બધી સરકારો બીજાની પરવા કર્યા વિના પોતાનું જ દીધે રાખે, તો અરાજકતા ફેલાય અને કટોકટી વધુ ગંભીર બને. અત્યારે વૈશ્વિક એક્શન પ્લાનની જરૂર છે અને એ પણ પહેલી તકે.

બીજી એક જરૂર આવનજાવન માટેની વૈશ્વિક સમજૂતી માટેની છે. બધી આંતરરાષ્ટ્રીય અવરજવર મહિનાઓ સુધી બંધ રાખવામાં મુસીબતોનો પાર નહીં રહે અને કોરોના વાઇરસ સામેની લડાઈમાં તે નડતરરૂપ બનશે. આથી, જરૂરી લોકોની અવરજવર સરહદપાર પણ ચાલુ રહે તે માટેની સમજૂતી જરૂરી છે. એવા લોકોમાં વિજ્ઞાનીઓ, તબીબો, પત્રકારો, રાજનેતાઓ અને ધંધાદારીઓનો સમાવેશ થઈ શકે. તે માટે એવો વૈશ્વિક કરાર કરી શકાય કે દરેક દેશ પોતાના માણસોને બહાર મોકલતાં પહેલાં તેનું પાકા પાયે ટેસ્ટિંગ કરશે અને પછી જ તેને વિમાનમાં બેસવા દેશે. આવા મુસાફરોને આવકારવામાં બીજા દેશોને પણ વાંધો ન હોય.

કમનસીબે, અત્યારે કોઈ દેશ આવું કશું કરતો નથી. આંતરરાષ્ટ્રીય સમુદાય સામુહિક ધોરણે લકવાગ્રસ્ત જણાય છે. આ બધાની વચ્ચે કોઈ પુખ્ત વિચારણાવાળો માણસ જ જાણે નથી. વિશ્વના ટોચના નેતાઓ વચ્ચે અઠવાડિયાઓ પહેલાં આવી બેઠક થઈ જવી જોઈતી હતી. જી-૭ દેશોના નેતાઓ આ અઠવાડિયે  માંડ વિડીયો કોન્ફરન્સ થકી ભેગા થયા, પણ તેમની બેઠકમાંથી કોઈ પ્લાન નીપજ્યો નથી.

અગાઉની વૈશ્વિક કટોકટીમાં-- જેમ કે, ૨૦૦૮ની વૈશ્વિક મંદીમાં કે ૨૦૧૪ની ઇબોલા મહામારી વખતે-- અમેરિકાએ વિશ્વનેતાની ભૂમિકા લીધી હતી. પણ વર્તમાન અમેરિકન તંત્રે એ પદ તજી દીધું છે.  તેણે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તેને માનવજાતના ભવિષ્ય કરતાં (ટ્રમ્પના સુત્ર 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન' સંદર્ભે) અમેરિકાની મહાનતામાં વધારે રસ છે.

આ તંત્રે તેના સૌથી નિકટના સાથીદારોથી પણ છેડો ફાડી નાખ્યો છે. અમેરિકાએ યુરોપીઅન યુનિઅનમાંથી આવનારા પર પ્રતિબંધ મૂકી દીધો, ત્યારે યુરોપીઅન યુનિઅનને વિશ્વાસમાં લેવાનું તો દૂર રહ્યું, એ બાબતે આગોતરી નોટિસ આપવાની તસ્દી પણ તેમણે લીધી ન હતી.  એક જર્મન ફાર્માસ્યુટિકલ કંપનીને વાઇરસની રસીના એકાધિકાર પેટ એક અબજ ડોલરની ઓફર કરીને અમેરિકાએ જર્મનીને પણ દુઃખી કર્યું છે. તેમ છતાં, વર્તમાન તંત્ર પાટો બદલે અને ફરી વિશ્વનેતાની ભૂમિકામાં આવે તો પણ, જે કદી જવાબદારી ન લે, ભૂલો સ્વીકારે નહીં અને દોષ બીજા પર ઢોળીને હંમેશાં જશ લેવા માટે તલપાપડ હોય એવા નેતાની પાછળ કોણ ઊભું રહે?

અમેરિકાએ છોડેલો શૂન્યાવકાશ બીજા દેશો નહીં ભરે તો વર્તમાન મહામારી અટકાવવાનું તો અઘરું પડશે જ, પણ ત્યાર પછીના સમયમાં આંતરરાષ્ટ્રીય સંબંધો પર તેની માઠી અસર પડશે. અલબત્ત, દરેક આપત્તિમાં તક છુપાયેલી હોય છે. વૈશ્વિક કુસંપથી પેદા થનારા ખતરાનો અહેસાસ માનવજાતને   વર્તમાન આપત્તિ નિમિત્તે થાય, એવી આપણે આશા રાખીએ.

માનવજાતે પસંદગી કરવાની વેળા છે. આપણે કુસંપનો રસ્તો લઈશું કે વૈશ્વિક સાથસહકારનો? આપણે કુસંપના માર્ગે ચાલીશું તો તેનાથી વર્તમાન આપત્તિ લંબાશે, એટલું જ નહીં, ભવિષ્યમાં તેનાથી મોટી આપત્તિની સંભાવના ઊભી થશે.
આપણે વૈશ્વિક સ્તરે સાથસહકાર અપનાવીશું તો તે ફક્ત કોરોના વાઇરસ સામેની જ નહીં, એકવીસમી સદીમાં માનવજાત સામે આવનારી બધી મહામારીઓ અને કટોકટી સામેની જીત હશે. 
***
નોંધઃ હરારીના પુસ્તક Sapienનો મિત્ર રાજ ગોસ્વામીએ કરેલો ગુજરાતી અનુવાદ આર. આર. શેઠની કંપની દ્વારા પ્રગટ થયો છે. પુસ્તક મેળવવાની લિન્કઃ
https://www.instamojo.com/@rrsheth/l275368fa098d4836ad7d64bcde0786c7/

9 comments:

  1. ખૂબ જ સુંદર અનુવાદ.ને વિચારપ્રેરક પણ એટલો જ. અભિનંદન.

    ReplyDelete
  2. Thanks for sharing this . . .

    ReplyDelete
  3. Worth long read. 🥂

    ReplyDelete
  4. Anonymous11:33:00 AM

    બાયોમેટ્રિક ચોકીપહેરો એટલે "mark of the beast"
    https://www.google.com/search?q=mark+of+the+beast

    ReplyDelete
  5. Thank yo for this amazing post

    ReplyDelete