Tuesday, June 25, 2013
કેદારનાથ: દુર્ઘટના પછી
મોદી-નીતિશકુમાર-અડવાણીની ખેંચતાણ, કોલસાકૌભાંડ, આઈપીએલ અને બીસીસીઆઇનો કકળાટ- આ બઘું ગયા અઠવાડિયે બાજુ પર હડસેલાઇ ગયું. શ્રદ્ધાળુઓ માટે પવિત્ર ગણાતાં ચાર ધામમાંથી એક કેદારનાથમાં પુર અને ભૂસ્ખલનની વિનાશલીલામાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા. તેમનો સાચો આંકડો જાણી શકાય એટલું પણ ઠેકાણું હજુ પડ્યું નથી. ગૌરીકુંડથી કેદારનાથ સુધીના આખા પહાડી વિસ્તારમાં રસ્તા ઓળખાય નહીં એ હદે ભાંગીતૂટી ગયા છે. કાદવકીચડનો છ-આઠ ફૂટનો થર પથરાયેલો છે.
વિનાશક વરસાદ અને તેના પરિણામે આવેલા ઓચિંતા પૂરમાં કેટલા તણાઇ ગયા એનો હિસાબ નથી. બચી ગયેલા લોકોએ ગામડાં સિવાયની જગ્યાઓએ, જંગલમાં કે રસ્તા વચ્ચે ક્યાંય આશરો લીધો હોય તો તેમના માટે દિવસો સુધી ખોરાકપાણી વિના જીવતર ટકાવી રાખવાની કસોટી સૌથી કપરી હશે. બચાવ માટે ઉડતાં લશ્કરી હેલિકોપ્ટરનું પહેલું ઘ્યેય ચોક્કસ મંદિરની આસપાસ કે ગામડાંમાં આશરો લેનારા લોકોને સહીસલામત બહાર કાઢવાનું હોય. ફસાયેલા લોકોની સંખ્યા એટલી મોટી છે (અંદાજે પચાસ હજાર) અને દુર્ઘટનાસ્થળની ભૂગોળ એટલી પ્રતિકૂળ કે મોટા પાયે રાહતકાર્ય ચલાવવાનું અશક્ય બની જાય. આ દુર્ઘટનાની થપાટ એવી આકરી છે કે કેદારનાથને ફરી યાત્રાને લાયક બનાવતાં બે-ત્રણ વર્ષ નીકળી જશે, એવું ઉત્તરાખંડના મુખ્ય મંત્રીએ કહ્યું છે.
આવું પહેલી વાર થયું?
એના જવાબમાં કેટલાક સમાચાર જોઇએઃ
‘ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ અને બાઘેશ્વર જિલ્લામાં ‘ક્લાઉડબર્સ્ટ’- વાદળ ફાટવાને કારણે ઓછામાં ઓછા ૩૦નાં મૃત્યુ થયાં અને ૪૦ હજુ લાપતા છે. આગલી રાતથી વરસાદ ચાલુ હતો અને વહેલી સવારે વાદળ ફાટતાં રૂદ્રપ્રયાગનાં અનેક ગામડાંમાં તબાહીનાં દૃશ્યો સર્જાયાં છે. સરયુ અને કાલીગંગા નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.’ (સપ્ટેમ્બર, ૨૦૧૨)
‘વાદળ ફાટતાં થયેલા ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં એક સ્કૂલનું મકાન પડી ગયું. તેમાં ૧૮ બાળકો મૃત્યુ પામ્યાં અને બીજાં ૩૦ હજુ કાટમાળમાં સપડાયેલાં છે. ભારે વરસાદ વચ્ચે બાળકોને બચાવવાની રાહતકામગીરી ચાલી રહી છે. ભારે વરસાદને લીધે છેલ્લાં બે દિવસમાં મૃત્યુઆંક ૬૦નો આંકડો વટાવી ગયો છે. અલકનંદામાં આવેલાં પુરને લીધે બદ્રીનાથના મંદીરને નેશનલ હાઇ વે સાથે જોડતો રસ્તો ધોવાઇ જતાં સંખ્યાબંધ યાત્રાળુઓ અટવાઇ ગયા હતા. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશને કામચલાઉ રસ્તો તૈયાર કરી દીધો હોવા છતાં પાંચેક હજાર યાત્રાળુઓ હજુ ફસાયેલા છે.’(સપ્ટેમ્બર, ૨૦૧૦)
‘ઉત્તરાખંડમાં વાદળ ફાટવાને કારણે પડેલા ધોધમાર વરસાદમાં ભૂસ્ખલનને કારણે ૧૫ માણસો મૃત્યુ પામ્યાં છે અને બીજાં ૩૮ કાટમાળ નીચે દટાયેલાં હોવાની આશંકા છે. રાજ્યના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ‘મેજર ટ્રેજીડી’ ગણાવી છે.’ (ઓગસ્ટ, ૨૦૦૯)
મતલબ એટલો જ કે ચોમાસાની ૠતુમાં ઉત્તરાખંડમાં અને એમાં પણ રૂદ્રપ્રયાગ જેવા જિલ્લામાં વાદળ ફાટવાની અને નદીઓમાં ભયંકર પુર આવવાની નવાઇ નથી. પહાડી ઇલાકામાં સાંકડા રસ્તે બધો વ્યવહાર ચાલતો હોય. એમાં વાદળ ફાટે અને ભૂસ્ખલન થાય- ભેખડો ધસી પડે, રસ્તા તૂટી જાય એટલે પૂર્વવત્ વ્યવહાર સ્થપાતાં સમય નીકળી જાય છે. કાશ્મીરમાં આવેલા યાત્રાધામ અમરનાથમાં પણ ભૂસ્ખલનોને કારણે યાત્રાળુઓને જીવનું કે અટવાઇ પડવાનું જોખમ રહે છે અને યાત્રાને અટકાવી દેવી પડે છે.
આમ, ૨૦૧૩માં કેદારનાથમાં થયેલી દુર્ઘટના વિનાશવ્યાપની રીતે વધારે ખતરનાક નીવડી છે, પણ પ્રકારની રીતે આ તેનું અનેકમી વારનું પુનઃપ્રસારણ છે.
વાદળનું ફાટવું એટલેે?
ક્લાઉડબર્સ્ટ ઉર્ફે વાદળ ફાટવું એ કુદરતી ઘટના છે. આ શબ્દપ્રયોગ વૈજ્ઞાનિક નહીં, પણ બોલચાલની ભાષાનો છે. પાણી ભરેલા ફુગ્ગાની જેમ વાદળમાં પણ ઠાંસોઠાંસ પાણી ભરાવાના કારણે એ ફાટતું હશે, એવી માન્યતાના કારણે તેનું આવું નામ પડ્યું છે. ઉત્તરાખંડ કે લદ્દાખ જેવા પહાડી વિસ્તારોથી માંડીને મુંબઇ-પૂના જેવા મેદાની ઇલાકામાં પણ વાદળ ફાટવાની ઘટનાઓ બની ચૂકી છે. ભરેલું વાદળ ધીમે ધીમે ખાલી થવાને બદલે, જાણે ઠલવાઇ જવાની ઉતાવળ હોય એમ એકસામટું મર્યાદિત વિસ્તાર પર ગાજવીજ સાથે વરસી પડે ત્યારે ક્લાઉડબર્સ્ટ સર્જાય છે. સામાન્ય રીતે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગર પરથી સર્જાયેલું વરસાદી વાદળ ઉત્તર તરફ ઢસડાઇને હિમાલયની પર્વતમાળા સુધી પહોંચીને ‘ફાટે છે’. એવી સ્થિતિમાં એક કલાકમાં આઠ-દસ ઇંચ જેટલો વરસાદ આવી શકે છે. થોડા વિસ્તારમાં એકદમ અને એકસામટું આટલું પાણી પડે એટલે ભારે પૂર આવે અને રસ્તામાં જે આવે તેને તાણી જતો પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય.
ક્લાઉડબર્સ્ટને કારણે આવેલા પૂર માટે ‘ફ્લેશફ્લડ’ જેવો શબ્દપ્રયોગ વપરાય છેઃ હમણાં કશો અણસાર ન હોય, જોતજોતાંમાં વાદળ ખાબકે અને થોડા વિસ્તારમાં સ્થળ ત્યાં જળ થઇ જાય. પહાડી વિસ્તારમાં વાદળ ફાટે ત્યારે ઠેકઠેકાણેથી ભેખડો ધસી પડવાની કે તોતિંગ શીલાઓ ગબડવાની ઘટનાઓ પણ બને છે, જેના લીધે ફ્લેશફ્લડની ઘાતકતામાં વધારો થાય છે. કેદારનાથમાં એવું જ બન્યું હતું. ત્યાં ક્લાઉડબર્સ્ટ, તેને કારણે છલકાઇ ઉઠેલી નદીઓ અને મોટી શીલાઓ ધસવાના બનાવને કારણે ત્રિપાંખિયો વિનાશ થયો.
ક્લાઉડબર્સ્ટ અને ફ્લેશફ્લડ ઓચિંતી ઘટનાઓ હોવાથી, તેમની સવેળા આગાહી થાય અને એ વિસ્તારમાં પ્રવાસીઓ જવાનું ટાળે તો જ જાનહાનિ નિવારી શકાય. બાકી સ્થાનિક લોકોના માથે જાનની નહીં તો કમ સે કમ માલની નુકસાનીનો ખતરો તોળાયેલો જ રહે છે. ગૌરીકુંડથી કેદારનાથ જવાના આશરે ૧૩-૧૪ કિ.મી.ના પગપાળા પહાડી રસ્તા પર સેંકડો યાત્રાળુઓ ચાલતા, ડોળીમાં કે ઘોડા પર જતા હોય અને સાંજ પડ્યે પાછા આવી જતા હોય, ત્યારે આગોતરી આગાહીથી યાત્રાળુઓ એ દિવસ પૂરતું કેદારનાથ જવાનું માંડી વળે એ શક્ય છે. પરંતુ ક્લાઉડબર્સ્ટની સચોટ આગાહીની સમસ્યા અને હવામાનખાતા પર લોકોના અવિશ્વાસને કારણે, ચાર ધામ જાતરાની મોસમમાં ક્લાઉડબર્સ્ટ વિનાશ ફેલાવે, ત્યારે વહીવટી તંત્રની સ્થિતિ ખરેખર લાચાર બને છે. ક્લાઉડબર્સ્ટ થકી થયેલા વિનાશ માટે વહીવટી તંત્રનો વાંક કાઢવાનો ઝાઝો અર્થ નથી. અલબત્ત, ક્લાઉડબર્સ્ટની સ્થિતિ કેમ સર્જાઇ એના માટે સરકારો અને વહીવટી તંત્રોને આરોપીના કઠેડામાં ઊભાં રાખવામાં આવે છે.
પર્યાવરણ સાથે છેડછાડ અને બંધોને લીધે આ સ્થિતિ સર્જાય છે?
ઉત્તરાખંડમાં ક્લાઉડબર્સ્ટ અને જાનમાલની વ્યાપક હાનિના સમાચારને પગલે અરેરાટી અને સહાનુભૂતિની સાથે બે પ્રતિક્રિયાઓ વિશિષ્ટ અને નોંધપાત્ર હતી. ઇશ્વરમાં ન માનતા ઘણા લોકોએ દુર્ઘટનામાં જીવ ખોનારા અને ફસાયેલા લોકો પ્રત્યે યથાયોગ્ય લાગણી પ્રગટ કર્યા પછી એવો પણ મુદ્દો ઊભો કર્યો કે ભગવાને તેમના ભક્તોનું રક્ષણ કેમ ન કર્યું? ખાસ કરીને કેદારનાથનું મંદિર અને તેની બહાર નંદીની પ્રતિમા સલામત રહી હોવાના સમાચારને ઇશ્વરી સંકેત તરીકે ખપાવવાનો પ્રયાસ થયો ત્યારે ભક્તોની સલામતીનો પ્રશ્ન તાર્કિક અને વાજબી લાગે. પરંતુ આટલા મોટા પાયે કરૂણ ઘટના સર્જાઇ હોય ત્યારે શ્રદ્ધાળુઓ થોડા સમય માટે ઇશ્વરી સંકેતો શોધવાનું માંડવાળ કરે અને વિવેકબુદ્ધિવાદીઓ દુર્ઘટનાનું કેવળ નિરીશ્વરવાદી દૃષ્ટિકોણથી વિશ્લેષણ મોકૂફ રાખી શકે, એ સમયની માગ ગણાય.
બીજી પ્રતિક્રિયા પણ ‘કરો એવાં ભોગવો’ પ્રકારની હતી. પહાડી અને જંગલ ધરાવતા ઉત્તરાખંડ કે હિમાચલપ્રદેશ જેવા વિસ્તારોમાં આડેધડ વ્યાપારીકરણ, જમીનોની સોદાબાજી, પર્યાવરણનો કે સલામતીનો વિચાર કર્યા વિના કેવળ ધંધાદારી ગણતરીથી ઊભાં થઇ રહેલાં મકાન અને રીઅલ એસ્ટેટનો ધંધો, પહાડોમાં થઇ રહેલું ખાણકામ, પહાડી વિસ્તારમાં નદીઓના પ્રવાહ પર બનેલા બંધ અને આ બધાના કારણે ખોરવાતું પર્યાવરણનું સંતુલન- આ કારણ ઠીક ઠીક ચર્ચામાં રહ્યું. પર્યાવરણના મુદ્દે ઝુંબેશ ચલાવતાં ઘણાં વ્યક્તિઓ- સંસ્થાઓએ ‘જોયું? અમે નહોતા કહેતા? પણ અમારું સાંભળે કોણ?’ એવા વલણ સાથે આ દુર્ઘટનાને જોઇ. પ્રસાર માઘ્યમોને પણ આ મુદ્દો સૌથી હાથવગો લાગ્યો.
છેલ્લા એકાદ દાયકાથી મોસમના મિજાજમાં અણધાર્યા અને વિચિત્ર પલટા આવ્યા છે. પુર-વાવાઝોડાં-ત્સુનામી-ભૂકંપ જેવી ઘટનાઓ કાર્યકારણનો સંબંધ સમજાવી ન શકાય એ રીતે વધી રહી છે. આ પ્રકારની કોઇ પણ ઘટના બને ત્યારે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને થઇ રહેલા નુકસાન તરફ આંગળી ચીંધવામાં આવે છે. પરંતુ કુદરતી આફતો માટે જવાબદાર પરિબળો એટલાં સંકુલ હોય છે કે દુર્ઘટના સાથે તેમનો સીધો સંબંધ સ્થાપિત કરી શકાતો નથી. બીજી તરફ, પર્યાવરણપ્રેમીઓના ઇરાદા ગમે તેટલા સારા હોય, પણ ઘણી વાર તે પોતાનો પ્રચાર સાચો ઠેરવવા માટે કાર્યકારણના સગવડિયા સંબંધ ઉપજાવી લેતા હોય છે. એને આધાર આપવા માટેના નક્કર અભ્યાસ કે પુરાવા પૂરતા પ્રમાણમાં અથવા પૂરતા વિશ્વસનીય હોતા નથી. સામા પક્ષે ‘વિકાસ’વાદીઓ પોતાનાં ગુલાબી ચિત્રો વેચવા તૈયાર જ હોય છે. ઉત્તરાખંડમાં પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં પણ આડેધડ બાંધકામો થાય અને બધા પક્ષો તેની સામે આંખમીંચામણાં કરે ત્યારે, દુર્ઘટનાનાં તો ખબર નહીં, પણ દુર્ઘટનામાં ભારે નુકસાનનાં મૂળિયાં અવશ્ય નખાય છે.
ભારત હોય કે અમેરિકા, કુદરતી આફત સામે સૌ લાચારી અનુભવતા હોય છે. ફરક ત્યાર પછીના બોધપાઠ શીખવામાં પડે છે. પરંતુ ગુજરાતમાં ૨૦૦૧ના ભૂકંપ પછી થોડા સમય પૂરતું, કોલમ (ઉભા થાંભલા) પર ઉભા કરાયેલા ફ્લેટનું બજાર ગગડીને ફરી પહેલાંના જેવું થઇ ગયું, એવું જ રીઅલ એસ્ટેટની તેજી બાબતે ઉત્તરાખંડમાં બનવાની પૂરી શક્યતા છે. સ્વાર્થઅંધો બોધપાઠ શીખે એવી અપેક્ષા રાખવી એ ક્લાઉડબર્સ્ટ પછી પૂર ન આવે એવી અપેક્ષા રાખ્યા બરાબર છે.

Subscribe to:
Post Comments (Atom)
Urvish, the best, unbiased article I ever read on this sad news. And thanks for very easy and simple explanation of cloud-bursting and flash-flood. Urvish you prove again and I am fan of your writing- simply to the point, plain truth!
ReplyDeleteખરે ખર સાચી વાત કહી. માનવી સ્વાર્થીપણું ભુલી ને પોતાનું કામ જવાબદારી પુર્વક કરે તે જરુરી છે.
ReplyDelete