Tuesday, June 11, 2013
નક્સલવાદઃ સમજણ, પ્રતિકાર અને ઉકેલના પ્રશ્નો
માઓવાદના પર્યાય બની ચૂકેલા નક્સલવાદ વિશે વાત કરતી વખતે, વર્તમાન નક્સલવાદીઓને આંખ મીંચીને ‘પીડિતોના પ્રતિનિધિ’ તરીકે વધાવી શકાય નહીં શકાય નહીં. એવી જ રીતે, નક્સલવાદ વિશેની ચર્ચામાં બે જ પક્ષો (સરકાર વિરુદ્ધ નક્સલવાદીઓ-ગરીબો-પીડિતો) ધારી લેવાને બદલે, સ્થાનિક લોકોને સરકાર અને નક્સલવાદીઓથી અલગ એવા ત્રીજા પક્ષ તરીકે ગણવા પડે. ગયા સપ્તાહે શરૂ કરેલા આ મુદ્દા અંગે થોડી વઘુ વાત.
‘સાલ્વા જુડુમ’નો સરકારમાન્ય ત્રાસવાદ
મઘ્ય પ્રદેશના બસ્તર જિલ્લામાં નક્સલવાદીઓના ધામા એંસીના દાયકાથી હતા. વર્ષ ૨૦૦૦માં છત્તીસગઢનું અલગ રાજ્ય બન્યું ત્યારે બસ્તર નવા રાજ્યમાં ગયું. એ જ વર્ષે માઓવાદીઓએ ‘પીપલ્સ લીબરેશન ગુરીલા આર્મી’ની સ્થાપના કરી, જેમાં આગળ જતાં ‘પીપલ્સ વૉર ગુ્રપ’ જેવાં અગાઉનાં હિંસક જૂથ પણ ભળ્યાં. પરિસ્થિતિ વણસવાની આ શરૂઆત હતી. વર્ષ ૨૦૦૫માં છત્તીસગઢની ભાજપી સરકારે કોંગ્રેસી ધારાસભ્ય મહેન્દ્ર કર્માના સક્રિય પ્રયાસથી ‘સાલ્વા જુડુમ’ નામનું દળ સ્થાપ્યું. સ્થાનિક ગૌંડી બોલીમાં તેનો અર્થ ‘શાંતિકૂચ’ થતો હોવાનું કહેવાય છે, પણ તેનો વાસ્તવિક મતલબ અત્યંત લોહિયાળ નીકળ્યો. રમણસિંઘની ભાજપી સરકારે ‘સાલ્વા જુડુમ’ને ‘માઓવાદી હિંસા સામે આદિવાસીઓનો સ્વયંભૂ પ્રતિકાર’ ગણાવ્યો.આ દાવો બિલકુલ ગળે ઉતરે એવો ન હતો.
‘સાલ્વા જુડુમ’માં આશરે ચારેક હજાર આદિવાસીઓની ભરતી કરવામાં આવી. તેમાં ભૂતપૂર્વ માઓવાદીઓ પણ ખરા. આ સૌના હાથમાં સરકાર બંદૂક પકડાવે, માસિક અઢી-ત્રણ હજાર રૂપિયા પગાર આપે અને સ્પેશ્યલ પોલીસ ઓફિસર (એસપીઓ) તરીકેની ઓળખ આપે. તેમનું મુખ્ય કામ? માઓવાદીઓને - અથવા તેમને જે માઓવાદી લાગે એને- ખતમ કરવા અને આખેઆખાં ગામનાં ગામ માઓવાદીઓથી ‘મુક્ત’ કરાવવાં. આટલી મોટી ‘જવાબદારી’ સાથે કામે લગાડાયેલા એસપીઓને લૂંટફાટ, હત્યા અને બળાત્કાર કરવાની ‘સત્તા’ અલગથી આપવાની હોય? ઘણા એસપીઓએ પોતાને મળેલા બંદૂકના જોરનો બેફામ ઉપયોગ કર્યો અને ઘાતકીપણામાં માઓવાદીઓને ક્યાંય ટપી ગયા. આ દળમાં પુખ્ત વયના ન હોય એવા કિશોરોની બિનધાસ્ત ભરતી કરતાં પણ સરકારને શરમ ન આવી.
‘સાલ્વા જુડુમ’ની કાર્યપદ્ધતિ કંઇક આવી હતીઃ ગામમાં જવું, ગામલોકોને (‘તેમની સલામતી માટે’) ઘર ખાલી કરીને સરકારે સ્થાપેલી છાવણીઓમાં જતા રહેવા કહેવું (જેથી એ ગામમાં માઓવાદીઓ ગામલોકોની ઓથે રહી ન શકે- તેમની મદદ મેળવી ન શકે), ગામ છોડવા માટે લોકોને થોડી મહોલત આપવી, ત્યાર પછી પણ ગામલોકો તેમનાં ઘર ખાલી ન કરે તો બળજબરીથી તેમને ઘરમાંથી હાંકી કાઢવાં, તોડફોડ મચાવવી. આ પ્રક્રિયામાં જે લોકો (મુખ્યત્વે આદિવાસીઓ) પોતાનાં ઘરબાર-ઢોરઢાંખર છોડીને જેલ જેવી સરકારી છાવણીને બદલે જંગલમાં નાસી જવાનું પસંદ કરે, તેમને માઓવાદી ગણી લેવા અને તક મળ્યે ઠાર કરવા, તેમની સ્ત્રીઓ પર અત્યાચાર ગુજારવા અને માઓવાદ સામે કડકાઇથી કામ લીધાનાં બણગાં ફૂંકવાં.
ટૂંકમાં, ‘સાલ્વા જુડુમ’ એટલે કોઇ જમીનદારનું કે ગુંડાનું નહીં, પણ લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારનું ખાનગી લશ્કર. તેને કોઇ નીતિનિયમ-કાયદાકાનૂન લાગુ ન પડે. તેમ છતાં તત્કાલીન (કોંગ્રેસી) કેન્દ્રીય ગૃહમંત્રી ચિદમ્બરમ્થી માંડીને રાજ્યના (ભાજપી) મુખ્યમંત્રી રમણસિંઘ ‘સાલ્વા જુડુમ’ની કામગીરીનાં ગુણગાન ગાય.
આવાં ક્રૂર આંખમીંચામણાં અથવા ઘાતકી યોજના પાછળનું કારણ? કેટલાક અહેવાલ પ્રમાણે એક ખાનગી કંપનીને મસમોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવો હતો. તેના માટે મેદાન ચોખ્ખું કરી આપવાની ખાનગી સમજૂતી મુજબ કોંગ્રેસી-ભાજપી સાંઠગાંઠથી ‘સાલ્વા જુડુમ’ની સ્થાપના થઇ. આવા આરોપના નક્કર પુરાવા નથી હોતા, પરંતુ સરકારના ખાનગી લશ્કરે જે રીતે આતંક મચાવ્યો એ જોતાં આરોપ તાર્કિક લાગે એવો હતો. (નક્સલવાદનાં એકથી વઘુ પાસાં, અલબત્ત ફિલ્મી ઢબે, રજૂ કરતી પ્રકાશ ઝાની ફિલ્મ ‘ચક્રવ્યૂહ’માં પણ સાલ્વા જુડુમ-ઉદ્યોગપતિ-સરકારની સાંઠગાંઠ દર્શાવાઇ છે)
‘સાલ્વા જુડુમ’ વિરુદ્ધ માઓવાદીઓના સંગ્રામમાં સ્થાનિક લોકોનો મરો થયો ઃ સાલ્વા જુડુમના ગુંડાઓએ ગામ ખાલી કરવાની મહોલત આપ્યા પછી, ગામલોકો ગામ ન છોડે તો એ ‘માઓવાદી’ અને ગામ છોડીને સરકારી છાવણીમાં જાય તો ‘સરકારી બાતમીદાર’. જે ગામમાં ‘સાલ્વા જુડુમ’ની છાવણી હોય તેના લોકો પણ ગમે ત્યારે નક્સલવાદી હિંસાનો શિકાર બની શકે.
છતાં, ‘સાલ્વા જુડુમ’ના ભયંકર અત્યાચારોની કથા બહાર આવતી ગઇ તેમ એક કામ અસરકારક રીતે થયું: નક્સલવાદ-માઓવાદ સાથે કશી લેવાદેવા ન હોય એવા સ્થાનિક લોકો પણ નક્સલવાદીઓની સરકારવિરોધી હિંસાથી રાજી થવા લાગ્યા- પોતાની પર થતા અત્યાચારોનો બદલો કોઇકે તો લીધો, એમ ગણીને. માઓવાદીઓ તેમને આનાથી વઘુ ભાગ્યે જ કશું આપી શકે એમ હતા. પ્રાથમિક સુવિધા-સંસાધનોની દૃષ્ટિએ બસ્તર જિલ્લો દેશભરમાં તળિયે હતો ને ત્યાં જ રહ્યો.
માનવ અધિકાર સંસ્થાઓના અહેવાલોમાં ‘સાલ્વા જુડુમ’નાં કરતૂતો જાહેર થયા પછી પણ ‘નક્સલવાદ સામે કડક હાથે કામ’ના બહાને આ ત્રાસ થોડાં વર્ષ ચાલ્યો. તેનાથી માઓવાદીઓની હિંસાને ‘જવાબી હિંસા’ ગણાવી શકાય એવી સ્થિતિ સર્જાઇ. માઓવાદી હિંસા (કે પ્રતિહિંસા) ચરમસીમાએ પહોંચી. ‘સાલ્વા જુડુમે’ માઓવાદી હિંસાની આગ પર પાણીને બદલે પેટ્રોલ છાંટવાનું કામ કર્યું.
સમર્થકો જેને ‘પોલીસ એક્ટ અંતર્ગત કાયદેસર રચાયેલું દળ’ ગણાવતા હતા, એ ‘સાલ્વા જુડુમ’ને જુલાઇ, ૨૦૧૧માં સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય જાહેર કર્યું. સ્પેશ્યલ પોલીસ ઓફિસરને અપાયેલાં હથિયાર પાછાં ઉઘરાવી લેવાનો આદેશ પણ અદાલતે રાજ્ય સરકારને આપ્યો. સાથોસાથ, સાલ્વા જુડુમ દ્વારા થયેલા અત્યાચારોના તમામ બનાવોની તપાસ કરવા જણાવાયું. જસ્ટિસ રેડ્ડી અને જસ્ટિસ નિજ્જરની બેન્ચે ‘સાલ્વા જુડુમની અસરકારકતા’ની લોકપ્રિય દલીલનો છેદ ઉડાડતાં કહ્યું કે ‘(ધારો કે તે અસરકારક હોય તો પણ) કોઇ પગલું બંધારણીય છે કે નહીં એ કેવળ તેની અસરકારકતાથી નક્કી કરી શકાય નહીં.’
માઓવાદીઓએ સાલ્વા જુડુમ સાથે સંકળાયેલા નેતાઓને વીણી વીણીને માર્યા. તેમાં ગયા મહિને કોંગ્રેસી કાફલા પર થયેલા હુમલામાં ‘સાલ્વા જુડુમ’ના મૂળમાં રહેલા મહેન્દ્ર કર્મા પણ સપડાઇ ગયા. હવે ‘સાલ્વા જુડુમ’ નથી, પરંતુ માઓવાદના પ્રતિકાર અને તેના ઉકેલની ચર્ચા વખતે તેના ઓળા કાયમ ઝળુંબતા રહે છે.
‘નહીં ચાલે’, પણ શું?
કોંગ્રેસી કાફલા પર થયેલા ઘાતકી હુમલા પછી ગુજરાતના મુખ્યમંત્રી જેવા કેટલાક ઉત્સાહીઓએ ‘ઝીરો ટોલરન્સ’ની વાત કરી, પરંતુ આ મહાન નીતિ કેવી રીતે અમલમાં મૂકી શકાય એની વાત ભાગ્યે જ થાય છે. નેતાઓ ‘સાલ્વા જુડુમ’ને ‘ઝીરો ટોલરન્સ’ નીતિ સાથે સાંકળે છે. ખરેખર, બસ્તર-દાંતેવાડા-સુકમાથી માંડીને બીજા પ્રદેશો-રાજ્યોના લોકોની અવદશા અંગે ‘ઝીરો ટોલરન્સ’ અપનાવવાની જરૂર છે. બસ્તર જેવા જિલ્લામાં સરકારી સહાયનો કે સલામતી દળોનો તોટો નથી. છતાં, શાળાઓ અને આરોગ્યકેન્દ્રોનો કારમો અભાવ છે. શાળાઓમાં મકાન હોય ત્યાં છાપરાં કે શૌચાલયનાં ઠેકાણાં ન હોય.
નક્સલવાદીઓ છે ત્યાં દરેક જગ્યાએ સરકાર આદિવાસીઓને તેમના ગામમાંથી હાંકી કાઢીને કિમતી ખનીજો પડાવી લેવા માગે છે એવું પણ નથી. સરકારની દાનત ખોરી જ હોય છે, છતાં આ પ્રકારના આરોપનું સામાન્યીકરણ કરવાથી નક્સલવાદના હેતુ વિશે ભ્રમ ઉભો થાય છે. ઘણા લોકો તેમને ‘ગરીબોના હક માટે લડનારા’ ગણવા પ્રેરાય છે. નક્સલવાદીઓ ગેરીલાયુદ્ધમાં પાવરધા અને વર્તનમાં ક્રૂર છે. પણ સંખ્યાબળની રીતે સરકારની સરખામણીમાં એ ઘણા ઓછા છે. છતાં તેમની પ્રચંડ શક્તિ વિશે સાચીખોટી-રોમેન્ટિક કથાઓ ચાલતી રહે, તેમાં બન્ને પક્ષોને લાભ છેઃ નક્સલવાદીઓનો દબદબો ચાલુ રહે છે અને સરકારને છેવાડાના વિસ્તારો સુધી સુવિધાઓ પહોંચાડવાની તસ્દી લેવી પડતી નથી. નક્સલવાદી હિંસાનું કારણ આગળ ધરીને સરકાર હાથ ઊંચા કરી દે છે. માટે, બધી બાજુથી વેઠવાનું સામાન્ય માણસને જ આવે છે.
લોકોના નામે સરમુખત્યારશાહી
વ્યક્તિગત અન્યાયનો ભોગ બનેલા બંદૂક ઉપાડનારા ચંબલના બાગીઓથી માંડીને અલગ પ્રદેશ માગતા ખાલિસ્તાનના શીખો સુધીની અનેક હિંસક સરકારવિરોધી કાર્યવાહીઓ ભારતમાં થઇ છે, પરંતુ એમાં સૌથી અસ્પષ્ટ છતાં સૌથી લાંબી ચાલેલી ઝુંબેશ નક્સલવાદ ઉર્ફે માઓવાદની છે. તેમને લોકયોદ્ધા કે અન્યાય સામે ઝઝૂમનારા ગણતી વખતે પાયાનો સવાલ એ થાય કે ‘આખરે તેમને જોઇએ છે શું?’
આ સવાલના જવાબમાં શોષણનો વિરોધ ને લોકોના અધિકાર જેવી આદર્શ અને કહેવાની વાતોને બાદ કરીએ તો, મુદ્દાની વાત એ છે કે નક્સલવાદીઓને ભારત સરકાર અને ભારતીય લોકશાહી ખપતી નથી. તેમને બંદૂકના જોરે પોતાનું રાજ સ્થાપવું છે. ભારતીય લોકશાહીની લાખ મર્યાદાઓ અને તેમાં આવેલી ભારે વિકૃતિ છતાં, તે સરમુખત્યારશાહી કરતાં સારી છે. બીજી તરફ ‘પીપલ્સ લીબરેશન’ના- એટલે કે લોકોના નામે ચીનમાં લોકોની મૂળભૂત સ્વતંત્રતા પર થતું લોખંડી દમન માઓવાદીઓની કાર્યપદ્ધતિનો જ એક નમૂનો છે.
નક્સલવાદીઓને સૌથી પહેલાં દેશના વંચિત-શોષિત નાગરિકોથી અલગ પાડીને જોવાની જરૂર છે. કેમ કે, શોષિતોને ‘ભારત સરકારની ગુલામી’થી છોડાવવા ઇચ્છતા નક્સલવાદીઓ અંતે તેમની પર પોતાની હકૂમત સ્થાપવા ઇચ્છે છે. વંચિતો-શોષિતો માટે તો ફરી એક વાર આ માલિકીપલટાની જ વાત છે. ‘વંચિતો-શોષિતોનું સશક્તિકરણ’ એ અમલમાં મૂકવાનો નહીં, પણ રાજસત્તા સુધી પહોંચવાનો જ નારો હોય છે અને માઓવાદ-નક્સલવાદ તેમાંથી બાકાત હશે એમ માનવાનું કારણ નથી.
નક્સલવાદ સામેની ઝુંબેશમાં સ્થાનિક લોકોનો સક્રિય ટેકો મેળવવા માટે સર્વસમાવેશક વિકાસ અનિવાર્ય છે. પરંતુ નક્સલવાદીઓનું આખરી ઘ્યેય શોષણ અટકાવવાને બદલે પોતાનું રાજ સ્થાપવાનું હોય ત્યાં સુધી, કેવળ સર્વસમાવેશક વિકાસથી નક્સલવાદ આપોઆપ નાબૂદ થઇ જશે એવું પણ માનવાજોગ લાગતું નથી.

Labels:
naxal violence
Subscribe to:
Post Comments (Atom)
વાહ, ખુબ સરસ લેખ. આજકાલ આવું તટસ્થ રિપોર્ટિંગ વાંચવા મળ્યું તેનો ખુબ આનંદ થયો. આભાર.
ReplyDelete