Tuesday, November 20, 2012

શિવાજી પાર્કમાં ઉદય-અસ્ત


૧૯૬૬ની દશેરાથી ૨૦૧૨ની લાભપાંચમ. શિવાજી પાર્કના મેદાનથી શિવાજી પાર્કના મેદાન સુધી. આ હતી બાળ ઠાકરેની રાજકીય યાત્રા. પરંતુ વચ્ચેનાં ૪૬ વર્ષમાં તેમણે મહારાષ્ટ્રના રાજકારણને તળેઉપર કરી નાખ્યું અને રાષ્ટ્રિય રાજકારણમાં પણ હાજરી પુરાવતા રહ્યા.

સમાજસુધારક પિતા કેશવ ‘પ્રબોધનકાર’ ઠાકરેના પુત્ર બાળ ઠાકરેનો જાહેર જીવનમાં આડકતરો પ્રવેશ કાર્ટૂનિસ્ટ તરીકે થયો. ‘આડકતરો’ એટલા માટે કે તેમનાં રાજકીય ટીપ્પણી-વ્યંગ-તીખાશની, ક્યારેક શિષ્ટાચારની હદો વટાવતી અભિવ્યક્તિનો આરંભ કાર્ટૂનમાં થયો. છતાં કાર્ટૂનિસ્ટ તરીકેનું કામ તેમને કળાકારનો દરજ્જો અપાવે એ બરનું હતું.  એ જ સમયથી તેમના મનમાં ‘મહારાષ્ટ્રને અન્યાય’ અને ‘મરાઠી માણૂંસ’ના હિતના વિચારો શરૂ થઇ ચૂક્યા હોવાનું, તેમના એક સમયના સાથી કાર્ટૂનિસ્ટ આર.કે.લક્ષ્મણે નોંઘ્યું છે. તેનું પરિણામ એ આવ્યું કે ઠાકરેનું કાર્ટૂનસામયિક ‘માર્મિક’ સરવાળે તેમના રાજકીય પક્ષ ‘શિવસેના’ માટેનો તખ્તો તૈયાર કરનારું બની રહ્યું.

શિવાજી પાર્કના મેદાનમાં ૧૯૬૬ની દશેરાએ શિવસેનાની શરૂઆત થઇ. તેનો પાયો સંકુચિત પ્રાંતવાદ અને પરપ્રાંતીયો માટેના અણગમા-ધીક્કાર પર રચાયેલો હતો. ‘અસ્મિતા’ના રાજકારણની એ ખાસિયત હોય છે, કારણ કે ‘અસ્મિતા’ની રાજકીય વ્યાખ્યા ‘પોતાનું સારું’ કરતાં પણ વધારે ‘બીજા ખરાબ’ પર આધારિત હોય છે. ‘શિવસેના’ને  લાંબા સમય સુધી કોંગ્રેસ તરફથી સગવડપૂર્વક આડકતરું પ્રોત્સાહન મળતું રહ્યું. એક સમયે મુંબઇમાં સમાજવાદીઓની બોલબાલા હતી ત્યારે તેમની સામે ઠાકરેને ટેકો આપવામાં કોંગ્રેસને શિવસેનાના પ્રાંતવાદી રાજકારણનો કોઇ છોછ નડ્યો ન હતો.

‘મહારાષ્ટ્રવાદ’ (જો એવું કશું હોય તો)ના રાજકારણમાંથી ધીમે ધીમે ઠાકરેએ કોમવાદની દિશા લીધી. સિત્તેરના દાયકામાં ભીવંડીમાં થયેલાં કોમી રમખાણોમાં શિવસેના તરફ આંગળી ચીંધાઇ હતી. પરંતુ એંસીના દાયકામાં શિવસેના પૂરા કદનો અંતિમવાદી-કોમવાદી રાજકીય પક્ષ બન્યો. મુસ્લિમો વિશે બેફામ વિધાન કરવાં અને શિવસૈનિકોના બાહુબળ-અનિષ્ટ શક્તિપ્રદર્શનથી બધાને ડારો દેવો, એ ઠાકરેની પ્રિય કાર્યપદ્ધતિ બની. એ વખતે મુંબઇ અને મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકારો ન હતી. છતાં, બીજા પક્ષોએ સ્વાર્થવશ કે બીકવશ ઠાકરેની ગેરબંધારણીય અને કાયદાનો છડેચોક ભંગ કરતી ચેષ્ટાઓને ચલાવી લઇને, તેમના તેજવર્તુળમાં અનેક વલયો ઉમેરી આપ્યા. ‘મુંબઇના બેતાજ બાદશાહ’ અને ‘ટાઇગર’ જેવાં ઉપનામોથી તેમના ઉલ્લેખ થવા લાગ્યા, જે કાયદો-વ્યવસ્થા પ્રત્યેની રાજકીય પક્ષોની ઉદાસીનતા અને મૂલ્યનિષ્ઠ રાજકારણના સહસ્ત્રમુખ વિનિપાતનું સૂચક હતું.

સંઘ પરિવારના દાયકાઓના પ્રયાસ પછી દેશના રાજકારણની મુખ્ય ધારામાં ‘હિંદુત્વ’નો પ્રવેશ થયો ત્યારે ઠાકરે એ મુકામ પર પહેલેથી જ બિરાજમાન હતા. હિંદુત્વના રાષ્ટ્રિય ઉદયે ઠાકરેને રાષ્ટ્રિય નેતા તરીકેની આભાસી આભા આપી. મુસ્લિમો અને પાકિસ્તાનને એકરૂપ ગણતા અને એ બન્નેને ભાંડવાના પ્રસંગો ઊભા કરતા ઠાકરે માટે ‘હિંદુહૃદયસમ્રાટ’ જેવું વિશેષણ પ્રયોજાયું અને વ્યાપક ધોરણે ચલણી બન્યું, તે માર્કેટિંગની જબરી સફળતા હતી. કેમ કે, ઠાકરેની ‘હિંદુ’ની વ્યાખ્યામાં દલિતો કે બીજા પ્રાંતના લોકોનો સમાવેશ થતો ન હતો. તેમની વિરુદ્ધ દ્વેષપૂર્ણ અને હિંસક વિધાનો કરવામાં તથા ઉશ્કેરણી ફેલાવવામાં ઠાકરેને જરાય સંકોચ થતો ન હતો.

અસરકારક પ્રતિકાર અને બીજા પક્ષોની રાજકીય ઇચ્છાશક્તિના અભાવે મુંબઇને બાનમાં લેવું એ ઠાકરેની તાકાત અને ‘લોકપ્રિયતા’ ગણાવા લાગ્યાં. શહેરના અંગ્રેજી નામ ‘બોમ્બે’ને બદલીને ‘મુંબઇ’ કરવું કે ‘વિક્ટોરિયા ટર્મિનસ’ને ‘છત્રપતિ શિવાજી ટર્મિનસ’ બનાવવું એ તેમનો મરાઠી અસ્મિતાનો ખ્યાલ હતો, જેને જરાક જ ફેરફાર સાથે વિસ્તારીને હિંદુ અસ્મિતા સુધી લઇ જવામાં આવ્યો. ઠાકરે પ્રકારના રાજકારણીઓનું સમગ્ર રાજકારણ વિરોધ અને ઉગ્રતા-આત્યંતિકતા પર આધારિત હોય છે, જેને ‘વ્યવહારુ’ લોકો સ્પષ્ટવક્તાપણું કહે છે. પોતે જેના નેતા હોવાનો દાવો કરતા હોય, એવા લોકોને સતત બીજાની બીક બતાવીને પોતાની નેતાગીરીના વાવટા ફરકાવવા અને એવા બીધેલા લોકોના હાથમાં હથિયારો પકડાવીને, તેમના જોરે પોતાના વિરોધીઓને દબડાવવા, એ આ પ્રકારના રાજકારણનો મુખ્ય સિદ્ધાંત હોય છે. આ મોડેલને ઠાકરે રાજ્યસ્તરે સ્થાપી શક્યા અને લાંબા સમય સુધી ટકાવી શક્યા. સફળતાના મૂલ્યનિરપેક્ષ પ્રેમીઓ આ બાબતને બિરદાવી શકે છે.

લોકશાહી-બંધારણ જેવી બાબતોમાં શ્રદ્ધા ન ધરાવતા ઠાકરે ચૂંટણી લડ્યા વિના મહારાષ્ટ્ર પર રાજ કરી શક્યા. ભારતના રાજકારણમાં અપવાદો સર્જનારા ઠાકરેની અંતિમ વિધી માટે, અપવાદરૂપે આઝાદી પછી પહેલી વાર, શિવાજી પાર્કના જાહેર મેદાનના ઉપયોગની પરવાનગી આપવામાં આવી. શ્રદ્ધાંજલિના સામાન્ય રિવાજ પ્રમાણે ઠાકરેની વિદાયને ‘એક યુગનો અંત’ ગણાવવી પડે. પરંતુ શિવસેના અને રાજ ઠાકરેના પક્ષની નીતિરીતિ જોતાં, એ યુગનો અંત આવ્યો છે એવું ભાગ્યે જ કહી શકાય.

(તંત્રીલેખ,  'ગુજરાત સમાચાર')

2 comments:

  1. Very well summed up.

    ReplyDelete
  2. Anonymous11:58:00 AM

    The Racist Man, who never allowed other state people in MAHARASTRA, who never respect Human or his own country man.
    People make him big , cos he was legal mafia of Mumbai. people lives with fear, He created fear in People , this can happen in Only India. MERA BHARAT MAHAN... I think Urvish bhai, don't west your time to write anything for this Idiotic so call Politician. He 'd made his own life comfortable using so call "DESHBHAKTI" ....rubbish ....India have nothing to lose and nothing to gain for producing this type nonsense idiotic mafia politician. I blame US...the people who create this type characters and worship them like God. We have to grow up...

    ReplyDelete