Wednesday, November 07, 2012

દિવાળીના નાસ્તા વચ્ચે રાજકીય ચર્ચા

ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ હજુ જોઇએ એવું જામ્યું નથી. ‘કોને જોઇએ એવું?’ એવો સવાલ અસ્થાને છે. શાસકપક્ષ વઘુ એક વાર એક તગડા ‘ગુજરાતશત્રુ’ની શોધમાં છે. છે કોઇ કાલ્પનિક-વાસ્તવિક પાત્ર, જેનાથી ગુજરાતીઓને ‘હું નહીં હોઉં તો બાવો પકડી જશે’ સ્ટાઇલમાં બીવડાવી શકાય? અને જેનાથી છ કરોડ ગુજરાતીઓના રક્ષણનો દાવો કરી શકાય? ફળદ્રુપ કલ્પનાશીલતા ધરાવતા લોકો પોતપોતાની કલ્પના - અને યોગ્ય વળતરની અપેક્ષા-સાથે શાસક પક્ષનો સંપર્ક સાધી શકે છે.

દરમિયાન, વિરોધ પક્ષે એટલા બધા મુદ્દા શોધી કાઢ્‌યા છે કે મતદારોની હાલત પચાસ-પંચોતેર વાનગીઓના બુફે ડીનરમાં પહોંચી ગયેલા નિમંત્રીતો જેવી થઇ શકે છે. વઘુ પડતી પસંદગીના ગૂંચવાડાને લીધે, જમનાર મૂંઝાઇ જાય અને ‘આના કરતાં તો ઘરનાં ખીચડી-કઢી સારાં’ એવા નિષ્કર્ષ પર પહોંચે, એવું પણ બનતું હોય છે.

ચૂંટણી નજીક આવશે તેમ દરેક ચર્ચાનું ચૂંટણીકરણ થવા લાગશે. રાજકારણના રસિયા જીવોને જડચેતનઅર્ધચેતન તમામ પદાર્થો ચૂંટણીરંગે રંગાયેલા લાગશે. તો પછી દિવાળી નિમિત્તે આવનારા નાસ્તા ને મીઠાઇઓ તેમાંથી કેવી રીતે બાકાત રહી શકે?

ધારો કે જુદા જુદા દિવાળીનાસ્તા વચ્ચે ગુજરાતની ચૂંટણીસંબંધી રાજકીય ચર્ચા છેડાઇ જાય તો?

***

ચોળાફળીઃ (નિઃસાસાના સૂરમાં) આવી ગઇ વઘુ એક ચૂંટણી. અમારામાંથી ઘણા સંગઠનનું કામ કરવામાં જ ઘસાઇને લાંબા થઇ ગયા.  છતાં ચૂંટણી જીત્યા પછી કોઇ એમનો ભાવ સરખો પૂછતું નથી.ઉપરથી અમારી ગેરહાજરીમાં એવું કહેવામાં આવે છે કે ‘ચોળાફળી આમ બહુ સરસ, પણ એ એક જ વાર લેવાય. બીજી વાર લઇએ તો તબિયત બગાડે.’ આ કુપ્રચાર વિશ્વસનીય લાગે એટલે તેને ‘નો રીપીટ થીયરી’ જેવું નામ આપવામાં આવ્યું છે... ખરેખર, હવે બહુ થયું. આપણી આ છેલ્લી દિવાળી...એટલે કે છેલ્લી ચૂંટણી.

ધુઘરોઃ (પોતાની ફુલેલી દેહયષ્ટિ ભણી ગૌરવછલકતી નજર નાખીને) એમ લાંબા થઇ જવાથી રાજકારણમાં આગળ આવી જવાતું હોત તો અમિતાભ બચ્ચન ક્યારનો વડાપ્રધાન બની ગયો ન હોત? આપણામાં જુદી જાતનો મસાલો હોવો જોઇએ. સમજ્યા? ખિસ્સાં ભરેલાં ને તેમાં રહેલો મસાલો વેરવાની તૈયારી રાખવી પડે. બાકી, સંગઠનવાળા તો ધક્કાફેરા ને મજૂરીનાં કામ આવે ત્યારે જ બધાને યાદ આવે છે. મને યાદ છે, પહેલાં મારું ખિસ્સું ભરેલું ન હતું ત્યારે લોકો મને ‘પૂરી’ કહેતા હતા ને મારી મજાક ઉડાવતા હતા.

મઠિયાં: સાવ એવું પણ નથી. મારું ખિસ્સું ભરેલું દેખાય છે? છતાં અમે  કેટલાં લોકપ્રિય છીએ. ગુજરાતમાં નેનો પ્લાન્ટે જેટલી રોજી પેદા નહીં કરી હોય, એટલી અમારા થકી લોકોને મળી છે. અમારા લીધે કેટલાંય ઉદ્યોગગૃહો, આઇ મીન ગૃહઉદ્યોગો, કમાઇ ગયા ને બે પાંદડે નહીં, બે સેઝે થઇ ગયા. ચોળાફળીઓને આવડ્યું નહીં. મેં એમને પૂછ્‌યું હતું કે બોલો, અમારી ટીમમાં રહેશો? પણ ચોખ્ખો જવાબ આપવાને બદલે એ લોકો કે’શું, કે’શું- એમ કહીને ટાળતા રહ્યા ને પછી કહેવા બેઠા ત્યારે બહુ મોડું થઇ ગયું હતું.

ચોળાફળીઃ હા, ભઇ. કહેવામાં મોડું થયું એ તો લાગે જ છે. આપણે ત્યાં કોઇ એક વાર ચાલે એટલે ચાલી નીકળે. પછી કોઇ બહુ વિચારતું નથી. બાકી મઠિયાં ખાધા પછી દાઢે વળગે કે ન વળગે, પણ દાંતે તો ચોંટે જ છે. છતાં મઠિયાંનું ઇમેજ બિલ્ડિંગ જ એવું થયું કે જાણે એ ગુજરાતની  સંસ્કૃતિનાં પ્રતિનિધિ અને ગુજરાતની અસ્મિતાનો પર્યાય હોય. ગુજરાતમાં તો ઠીક, ઇંગ્લેન્ડ-અમેરિકામાં પણ ગુજરાતોએ ‘ગુજરાતી નાસ્તો એટલે મઠિયાં ને મઠિયાં એટલે ગુજરાતી નાસ્તો’ એવું ફેલાવી દીઘું.

મઠિયાં: આ બધી તો જૂની વાત થઇ. હવે મારી ગણતરી ગુજરાતી નહીં, રાષ્ટ્રિય નાસ્તા તરીકે થાય છે. બ્રિટિશ એરવેઝની ફ્‌લાઇટમાં વેજિટેરિયન મુસાફરોને નાસ્તામાં મઠિયાં અપાય એવી પણ વાત છે.

ચોળાફળીઃ અમે લોકોને કહી કહીને થાક્યા કે ‘હવે મઠિયાં ક્યાં સુધી ખાધા કરશો? કંઇક બદલો. પરિવર્તન કરો.’

ફરસી પુરીઃ પણ જેવું તમે કહો કે ‘પરિવર્તન એટલે મઠિયાંની જગ્યાએ ચોળાફળી’, એ સાથે જ બાકીના બધા હસવા લાગે છે. તમારી પીઠ પાછળ કહે છે પણ ખરા કે ‘મઠિયાં ને ચોળાફળી- બન્ને એક જ ફેક્ટરીમાંથી બહાર પડેલાં છે. એમાં પરિવર્તન ક્યાં આવ્યું?

સુંવાળીઃ એક વખતે અમારું મહત્ત્વ પણ આટલું જ હતું.  એક જ થાળીમાંથી અમે ખવાતાં, ભૂકામાં ફેરવાતાં અને દિવાળીના તહેવારો પૂરા થયા પછી બનતી વધેલા નાસ્તાની ભેળમાં પણ અમે સાથે જ ઠલવાતાં. હવે તો જાણે અમે કોઇને યાદ જ આવતાં નથી. ઘણા સ્વાદશાસ્ત્રીઓ કહે છે કે ગુજરાતમાં લોકોને ચટાકેદારનો ચસકો લાગ્યો છે એટલે સુંવાળીનો સ્વાદ તેમને નહીં ભાવે.

મગસઃ ખોટી વાત છે. આ બધી માર્ક્‌સવાદી સ્વાદશાસ્ત્રીઓની કાલ્પનિક થીયરી છે. ગુજરાતીઓને ફક્ત ચટાકેદાર જ ભાવે છે એ વાત સાચી હોત, તો અમે પણ ડાયનોસોરની માફક દિવાળીના નાસ્તાની થાળીમાંથી લુપ્ત ન થઇ ગયા હોત?

કાજુકતરી (આળસ મરડીને): એટલે તમે એમ કહેવા માગો છો કે તમે હજુ ‘વેરી મચ ઇન’ છો? તમને ખબર લાગતી નથી કે દિવાળીની શહેરી ‘થાળી’માંથી તમને ક્યારની વિદાય મળી ગઇ છે.

મગસઃ પણ અમે ગાંધીવાદી સંસ્કાર ધરાવીએ છીએ.બાપુએ કહ્યું હતું કે  અસલી ભારત તો ગામડાંમાં વસે છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ અમારું ચલણ છે.

રતલામી સેવઃ આવા ને આવા ભ્રમમાં રાચવાને કારણે અને બીજું કશું કર્યા વગર ગાંધીનું નામ વટાવી ખાવાની ફિરાકમાં ગુજરાત કોંગ્રેસની હાલત કેવી થઇ હતી, ખબર નથી? પોતાનો પક્ષ કદી ગુજરાતનો શાસક પક્ષ હતો, એ વાત જ કોંગ્રેસના ઘણા નેતા ભૂલી ગયા...પણ જવા દો. અમે સાચું કહીએ ત્યારે અમારી વાત બધાને બહુ તીખી લાગે છે.

સાદી સેવઃ એ રતલામી સેવ, તારે ગુજરાતની બાબતમાં માથું મારવાની જરૂર નથી. તું બહારની હોવા છતાં તને માનપાન આપીએ એનો અર્થ એવો નહીં કે તારે ગાંધીજી વિશે એલફેલ બોલવાનું.

રતલામી સેવઃ જોયું? કહ્યું’તું ને કે મરચાં લાગશે? પણ ગાંધીજી વિશે મેં ક્યાં કશું કહ્યું? મેં તો પડ્યા પછી પણ ટંગડી ઊંચી રાખતા મગસના બચાવને રાજકીય સંદર્ભમાં મૂકી આપ્યો.

પૌંઆનો ચેવડોઃ આ ખરું કહેવાય. મગસની ઝાટકણી કાઢો તો ગાંધીનું અપમાન થાય ને મઠિયાંની ટીકા કરો તો ગુજરાતની ટીકા થાય.

બેકરીમાં પડાવેલાં બિસ્કિટ મગસના બચાવમાં કંઇક કહેવાનો પ્રયાસ કરે છે, ત્યારે મઠિયાં ને ચોળાફળી ભેગાં મળીને બિસ્કિટને ‘વિદેશી કુળનાં’ ગણાવીને, ‘આ દિવાળીની વાત ચાલે છે. નાતાલ વિશે વાત કરીએ ત્યારે તું બોલજે’ એમ કહીને તોડી પાડવાનો પ્રયાસ કરે છે. તેનાથી હોહા થઇ જાય છે અને સંસદની જેમ ઘોંઘાટથી ચર્ચાનો અવિધિવત્‌ અંત આવે છે.

2 comments:

 1. Fortunately I found your blog at
  Indian blog aggregator - blogillu
  Very intresting...!! I will follow you my dear blogger.


  Good Information - Keep it up


  -Srinivas

  ReplyDelete
 2. Truly awesome build-up to the festival of lights and the election of unqualified darkness. :-)

  ReplyDelete