Wednesday, December 09, 2020

રસી ભવિષ્ય

ખરાબ વસ્તુ માટે ચરોતરમાં એક વિશેષણ વપરાય છેઃ રાશી. જેમ કે, ‘આવો રાશી માલ કંઈથી ઉઠાઈ લાયો?’ કેટલાક લોકો માને છે કે તેને ‘રાશિ ભવિષ્ય’ સાથે સીધો સંબંધ છે. ચોક્કસ સમયગાળામાં જન્મેલાં સેંકડો લોકોનું ભવિષ્ય ચોક્કસ દિવસે કે ચોક્કસ અઠવાડિયે એકસરખું જ હશે, એવી આગાહીઓને મનોરંજક ગણવી કે ‘રાશી’ ભવિષ્ય, તેનો આધાર વાંચનારની રુચિ પર છે. પરંતુ અત્યારના સમયમાં લોકોને પોતાના રાશી ભવિષ્ય કરતાં કોરોનાની રસીના ભવિષ્યની વધારે ચિંતા છે. એ તો સારું છે કે રામાયણમાં રાવણપુત્ર ઇન્દ્રજિતે લક્ષ્મણને કોરોના વાઇરસના ચેપવાળું બાણ ન માર્યું. નહીંતર, હનુમાન પણ શું કરી શકત? મૂર્છા દૂર કરવાની જડીબુટ્ટી તે આખા પહાડ સાથે ઉપાડી લાવ્યા. બાકી, ચાલુ યુદ્ધે ત્રણ-ત્રણ તબક્કાનાં પરીક્ષણો ધરાવતી રસીનો મેળ શી રીતે પડત?

ઇસવી સનના કોરોનાવર્ષનો ડિસેમ્બર બેસતે લોકોને સમજાઈ ચૂક્યું છે કે રસી બાબતે હરખપદુડા થવાની જરૂર નથી. વડાપ્રધાન જાત્તે રસીનાં સંશોધનોનું નિરીક્ષણ કરી આવે, તેનાથી વડાપ્રધાનના સમર્થકોને અને તેમના ટીકાકારોને ફરક પડતો હશે-વિષય મળતો હશે, પણ રસીના સંશોધન સાથે સંકળાયેલી વૈજ્ઞાનિક પ્રક્રિયાને કશો ફરક પડતો નથી.

વડાપ્રધાનની રસીશોધક સંસ્થાઓની મુલાકાતથી ઘણા સંસ્કૃતિપ્રેમીઓને જૂના વખતના જમણવારની યાદ તાજી થઈ છે. પહેલાં વાડીઓમાં થતા જમણવારોમાં મહારાજ તેમના સ્ટાફ સાથે આગલી રાતે આવીને રસોઈની તૈયારી કરવા માંડતા. એ વખતે યજમાનપક્ષના કેટલાક યુવાનો મહારાજની સેવામાં રહેતા-તેમને જોઈતી ચીજવસ્તુઓ લાવી આપતા, ખૂટતી ચીજવસ્તુઓ માટે દોડાદોડ કરતા. એ બધું કામ પતી જાય અને મહારાજ રસોઈકામે વળગે, લાડુ વળાવા લાગે કે ચકતાં પડાવા લાગે, ત્યારે યજમાનપક્ષના એક-બે વડીલો ‘શું ચાલે છે, મહારાજ? બધું બરાબર છે  ને? કશી તકલીફ તો નથી ને? કામકાજ કેટલે પહોંચ્યું?’ એમ કરતા આવી પડતા હતા. તેમના ચહેરા પરનું ગાંભીર્ય જોઈને એમ જ લાગતું કે તેમણે આવું ન પૂછ્યું હોત તો મહારાજ તો બાપડા મૂંઝાઈ મરત.

ત્યાર બાદ ચહેરા પર ચુસ્તી અને જવાબદારીના ભાવ સાથે વડીલો આસપાસ નજર ઘુમાવતા અને મીઠાઈની પ્રક્રિયા તરફ ધ્યાન કેન્દ્રિત કરતા. તેમની ગંભીરતા જોઈને મહારાજને લાગતું કે પ્રસંગ પછી બિલ પણ આ વડીલો પાસેથી જ લેવાનું હશે. એટલે મહારાજ પણ તેમના એક માણસને હાક મારીને તાસકમાં તાજી બનેલી મીઠાઈ ને બીજી બાજુ ઉતરેલી ફુલવડી મંગાવીને આ નિરીક્ષકોને ધરતા.

પણ એમ રીઝી જાય તો વડીલ શાના? મીઠાઈ ભરેલી તાસક આવતાં વડીલ હાલતીચાલતી એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી)ની ભૂમિકામાં આવી જતા. જાણે આંખોથી સ્વાદ પારખવાનો હોય તેવી ધારદાર નજરે મીઠાઈનું અવલોકન કરતા. પછી પ્રયોગશાળાનો માણસ સેમ્પલ લે, એવી રીતે મીઠાઈનો ટુકડો કરીને મોંમાં મુકતા. એ સાથે જ તેમના મનમાં રસાયણશાસ્ત્રનાં અનેક સમીકરણો વિદ્યુતવેગે થવા માંડ્યાં હશે, એવું જોનારે ધારી લેવાનું રહેતું. વાતાવરણ તો એવું જ લાગતું કે હમણાં તેમના મોઢામાંથી છાપેલો એનાલિટીકલ રીપોર્ટ બહાર આવશે. પણ નિરીક્ષકના મોંમાં જડબાંના હલનચલન સિવાયની બીજી કોઈ ક્રિયા ન થતાં, કાર્ડ નાખીને વિગત ભર્યા પછી એટીએમમાંથી રૂપિયા બહાર ન આવે એવી સ્થિતિ સર્જાતી. મહારાજ શબ્દોમાં મીઠાઈ કરતાં પણ વધારે મીઠાશ ભેળવીને, ‘આટલા ટુકડામાં શું ખબર પડે મારા સાહેબ?’ એમ કહીને તેમને મીઠાઈનું આખું ચકતું લેવા પ્રેરતા. હકીકતમાં નિરીક્ષકને આવી કોઈ બાહ્ય પ્રેરણાની જરૂર ભાગ્યે જ પડતી. તે મસ્તીથી તાસકમાં પડેલાં ચકતાં ઉડાવ્યે જતા અને ટાંકીમાં પેટ્રોલ ભરાતાં જેમ બળતણનો કાંટો ઉંચો જાય તેમ ચકતાંની સંખ્યા સાથે રસોઈ નિરીક્ષકના ચહેરા પર સંતોષનો કાંટો ચઢતો હોય એમ દેખાતું.

મીઠાઈનો નાનો ટુકડો મોંમાં મુક્યા પછી નિરીક્ષક મૌન રહે, તો તેમના મૌનમાં રસોઈ કરનાર મહારાજને અવિશ્વાસની દરખાસ્તનો અવાજ સંભળાતો. પણ તાસકમાંથી ચકતાંની સંખ્યા ઓછી થાય, તેમ મહારાજની ચિંતા ઓછી થતી. એટલે ઘણી વાર ચકતાં ખાય નિરીક્ષક, પણ તેનો આનંદ મહારાજના ચહેરા પર ઝળકતો. કેટલાક નિરીક્ષકો શબ્દો વેડફવામાં માનતા નહીં. તે તાસક સાફ કરવામાં જ ધ્યાન કેન્દ્રીત કરતા અને એ કામ પૂરું થયા પછી તેમનું ડોકું હકારમાં ધુણાવીને ‘ટેસ્ટેડ ઓકે’નું પ્રમાણપત્ર જારી કરતા. કેટલાક યજમાન-નિરીક્ષકોને એવી ચિંતા રહેતી કે મહારાજની રસોઈનાં વખાણ કરીશું તો તે કદાચ ઠરાવ્યા કરતાં વધારે રૂપિયા માગશે. એટલે તાસકમાંનાં બધાં ચકતાં દબાવ્યા પછી પણ તે ચહેરા પર દિવ્ય જ્યોતિ પથરાઈ ન જાય તેની કાળજી રાખતા અને મહારાજ સામેથી મોંમાં આંગળાં નાખીને અભિપ્રાય પૂછે ત્યારે તે ‘ઠરશે એટલે આવી જશે’ એવો ‘નરો વા કુંજરો વા’ અભિપ્રાય આપીને ચાલતી પકડતા.

હવે તૈયાર જમણના સમયમાં આવાં દૃશ્યો દુર્લભ બન્યાં છે. યજમાનો આગોતરું ભોજન ચાખીને તેની ગુણવત્તાની ચીવટ રાખવાને બદલે, મહેમાનો સાથે જ જમણસ્થળે આવવામાં અને તેમના પછી ભોજન કરવામાં ગૌરવ માને છે. પરંતુ વડાપ્રધાન પરંપરાના માણસ છે. તેમને થયું હશે કે રસી તૈયાર થઈ જાય, પછી તેને સીધેસીધી લૉન્ચ કરવામાં શો સ્વાદ આવે? આગલા દહાડે જઈએ, ‘રસોઈયા’ જોડે થોડી વાતોચીતો કરીએ, તેમની આગળ અને ખાસ તો આ બધું જોનારની આગળ પોતાની જવાબદારીનો થોડો ખેલ પાડીએ, તો રંગત આવે-પ્રસંગ જેવું લાગે. બાકી, કોરોના તો આવે ને જાય.

1 comment:

  1. Hiren Joshi7:55:00 PM

    Your comparison of Prime Minster's virus ctr. visit to Maharaj, Jamanvar, Nyat-Rasoi testing made me laugh. Although you have been writing humorous columns regularly, your writing style seemed serious to me so far. But this article was exceptionally comical. Also your criticism of PM was right on spot; but this time in a lighter tone!

    ReplyDelete