Thursday, December 24, 2020
મજરે મહેમાનો ઉર્ફે 'ગેસ્ટ ક્રૅડિટ'
કોરોનાકાળમાં બીજા ‘ચાળા’ શાંત રહ્યા હોય, તો પણ છેલ્લા થોડા સમયથી લગ્નચાળો પુરજોશમાં ફાટી નીકળ્યો છે. લગ્નો ચાલુ રહે એ તો જાણે બરાબર, પણ લગ્નોની ઉજવણી ચાલુ રહી છે—જાણે સરકારના કુશાસન સામે લોકો પોતાની બેદરકારી લઈને, સરકારને હરાવી દેવાના દૃઢ નિશ્ચય સાથે હરીફાઈમાં ઉતર્યા હોય. જો એવું હોય તો એ સ્પર્ધાના પરિણામ તરીકે લોકોની બેદરકારીને વિજેતા જાહેર કરી દેવી જોઈએ, જેથી એ ભયાનક સ્પર્ધાનો અંત આવે.
સરકારે લગ્નમાં મહેમાનોની સંખ્યા પર અંકુશ મૂક્યો, તેનાથી ઘણા લોકોની સામાજિક લાગણી દુભાઈ છે. ‘અમારે ઘેર પહેલો/બીજો જ/છેલ્લો પ્રસંગ અને અમારે જ બધો અંકુશ રાખવાનો?’ એવો આક્રોશમય સવાલ તેમના મનમાં જાગે છે. નોટબંધી જેમને તઘલકી લાગી ન હતી એવા કેટલાક લોકોને પણ, લગ્નમાં બંને પક્ષે પચાસ—એમ કુલ સો જ મહેમાન બોલાવવાના,એ નિર્ણય તઘલકી અને આપખુદશાહી લાગે છે. આંતરધર્મીય લગ્ન માટે સરકારમાં નોંધણી કરવાની જોગવાઈમાં જેને મૂળભૂત અધિકારનો ભંગ નથી લાગતો, એવા ઘણા લોકોને મહેમાનોનાં નામ કલેક્ટર કચેરીમાં નોંધાવતાં, ધામધૂમ કરવાના પોતાના મૂળભૂત અધિકાર પર તરાપ વાગી હોય એવું લાગે છે. કેટલાક લોકો આખી વાતને આક્રોશને બદલે મજબૂરીના ખાનામાં લઈ જાય છે અને કહે છે કે ‘પચાસ મહેમાનોમાં કોને બોલાવવા અને ખાસ તો કોને ન બોલાવવા, એનું ધર્મસંકટ ઊભું થાય છે. અમારા તો વર્ષોના સંબંધ સરકારે કસોટી પર ચડાવી દીધા. હવે અમારે કેમ કરવું?’
આપણી ધરતી બહુરત્ના છે અને લોકોમાં મૌલિકતાનો ભંડાર છે. છલકાઈ રહેલી મૌલિકતા જ કદાચ તેમને કાયદાના પાલનને બદલે કાયદાના ભંગ ભણી પ્રેરે છે. કાયદો પાળવામાં શી કમાલ? એની તો બધા માટે એક જ રીત હોય. પછી પોતીકી મૌલિકતાનો ઉપયોગ ક્યારે કરવાનો? તેને બદલે કાયદો ન પાળવા માટે અનેક તરકીબો ને તિકડમો કરવાં પડે છે. તેના લીધે મગજની ધાર નીકળેલી રહે છે ને નવા નવા કાયદાના ભંગની નવી નવી રીતો સૂઝતી રહે છે. કમનસીબે આઇડીયા અને ઇનોવેશનની વાતો કરતી સરકારો આવી મૌલિકતાને પ્રમાણી શકતી નથી અને તેને ગુનાઈત ઠરાવવાની કોશિશ કરે છે.
લગ્નમાં મહેમાનોની સંખ્યાનો અંકુશ તોડવા માટે કેટલાક લોકો એક જ પ્રસંગના એકથી વધુ જમણવાર યોજીને સોના ગુણકમાં દરેક વખતે જુદા મહેમાનોને બોલાવી લે છે. તેનાથી બંને પક્ષનું સચવાઈ રહે છેઃ મહેમાનોને માઠું લગાડવાની તક રહેતી નથી અને યજમાનની વટ પાડવાની તક છિનવાતી નથી. બીજો રસ્તો શહેરથી-પોલીસની હાજરીથી દૂર જઈને આવા સમારંભ પાર પાડી આવવાનો છે. તેમાં યજમાન ‘એ દિલ મુઝે ઐસી જગહ લે ચલ, જહાં કોઈ ન હો’ જેવી લાગણી અનુભવે છે. એ પંક્તિમાં ‘કોઈ’નો અર્થ ‘પોલીસ’ થાય છે. આ પ્રકારના લગ્નને બીજા અર્થમાં ‘ડેસ્ટિનેશન વેડિંગ’ પણ કહી શકાય. ફરક એટલો કે તેમાં ડેસ્ટિનેશન કોઈ દરિયાકિનારો કે પરદેશી પર્યટનસ્થળ કે કોઈ મહેલ નહીં, પણ શહેરથી દૂર આવેલું કોઈ ખેતર હોઈ શકે. આ સ્થળ એવું હોય, જ્યાં ચોક્કસ બાતમી વિના પોલીસ પહોંચી ન શકે અને તે પહોંચી જાય તો પણ તેની સાથે એકાંતમાં ‘સંવાદ’ થઈ શકે એવી મોકળાશ હોય.
મિત્ર બિનીત મોદીએ મહેમાનોના ટ્રેડિંગનો વિકલ્પ સૂચવ્યો છે. તેની પાછળનો સાદો સિદ્ધાંત એવો છે કે ૧૦૦ મહેમાનોની પરમિટ ધરાવનારને ત્યાં ૮૦ મહેમાનો આવે, તો તે સિલકમાં રહેલો ૨૦ મહેમાનોનો ક્વૉટા ખુલ્લા બજારમાં, બીજા જરૂરતમંદ યજમાનને વેચી શકે. પહેલી નજરે આવી ગોઠવણ અવ્યવહારુ કે અશક્ય લાગે, પણ ‘કાર્બન ક્રૅડિટ’ વિશે જાણતા લોકોને તે એટલી મોં-માથા વગરની નહીં લાગે. કેમ કે, કાર્બન ક્રૅડિટ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છેઃ કોઈ ઉદ્યોગ પાસે વર્ષના અમુક ટન કાર્બન ડાયોક્સાઇડ (કે બીજો પ્રદૂષણકારી વાયુ) પેદા કરી શકવાની પરમિટ હોય અને તે પરમિટ કરતાં ઓછી માત્રામાં આવો વાયુ પેદા કરે, તો બાકી રહેલો ક્વોટા તે બીજા ઉદ્યોગને વેચી શકે (જેને ત્યાં પરમિટ કરતાં વધુ વાયુ પેદા થતો હોય). આવું ગંભીર ઉદાહરણ ફક્ત એટલું સિદ્ધ કરવા માટે આપ્યું કે પ્રદૂષણકર્તા વાયુની જેમ મહેમાનોનું પણ ટ્રેડિંગ થઈ શકે. એક સમયે અખબારો છાપવાનો કાગળ મર્યાદિત જથ્થામાં મળતો હતો ત્યારે કેટલાંક નાનાં પ્રકાશનો પોતાની ઓછી નકલ છાપીને, બાકીનો કાગળ ઊંચા ભાવે બજારમાં વેચીને, પોતાના પ્રકાશન કરતાં વધારે કમાણી કરતાં હતાં. એવી જ રીતે, મહેમાનોના ખરીદ-વેચાણની આ પદ્ધતિને કારણે કેટલાક લોકોને સાદગીથી પ્રસંગ પાર પાડવાની અને એ રીતે બાકીjરહેલો મહેમાનોનો ક્વોટા ખુલ્લા બજારમાં વેચીને, બીજો ખર્ચ કવર કરવાની ઇચ્છા થશે-તક પણ મળશે.
ભારતમાં અર્થતંત્રની પડતી દશા વચ્ચે મહેમાનોનું નવું માર્કેટ ખુલવાથી બજારમાં થોડીઘણી તેજી આવશે. ભલે નાના પાયે, પણ મહેમાનોનુ કૉમોડિટીની જેમ ટ્રેડિંગ શરૂ થતાં અર્થતંત્રમાં નવી હવાનો સંચાર થશે. હા, એવું બિલકુલ શક્ય છે કે લોકો વગર લગ્નપ્રસંગે ફક્ત બે-પાંચ કંકોત્રી છપાવીને તેના આધારે ૧૦૦ મહેમાનોનો ક્વોટા મેળવી લાવે અને પછી તેને બારોબાર બીજા કોઈ સાચા પ્રસંગવાળાને ફટકારી મારે. પરંતુ આવા કોઈ મૌલિક ક્ષેત્રમાંથી જ કાલના કોઈ મહાન ઉદ્યોગપતિ પેદા થવાના હોય તો પણ કોને ખબર?
No comments:
Post a Comment