Wednesday, January 13, 2021

કોરોનાની રસીકરણઃ જાણવા જેવી માહિતી, પૂછવા જેવા સવાલ

ઉર્વીશ કોઠારી

ઉત્તરાયણ પછી દેશભરમાં કોરોનાની રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. તે માટેના ડોઝ જુદાં જુદાં રાજ્યોમાં પહોંચી ચૂક્યા છે. પ્રસાર માધ્યમોમાં મંગળ-મંગળ મથાળાં બની ચૂક્યાં છે. વડાપ્રધાને માનવજાતને બચાવવા માટેની કટીબદ્ધતા વ્યક્ત કરી દીધી છે. આરોગ્ય-સુવિધાઓમાં અવ્વલ ગણાતા પશ્ચિમી દેશોમાં રસીનાં ઠેકાણાં નથી, ત્યારે ભારતમાં રસીકરણ શરૂ થઈ જશે, એ વાતે પણ ગૌરવની છોળો ઉછળી રહી છે. ત્યારે રસી વિશે કેટલીક માહિતી જાણી લેવી સારી.

ભારતના રસીકરણ અભિયાનમાં બે પ્રકારની રસી અપાશે. ૧) બ્રિટનમાં શોધાયેલી કોવિશિલ્ડ અને ૨) ભારતીય કંપની ભારત બાયોટેકે શોધેલી કોવેક્સિન.

કોવિશિલ્ડ

  • આ રસીનું સંશોધન યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ અને તેમાંથી ઊભી થયેલી કંપની વૅક્સિટૅકે આરંભ્યું હતું. એપ્રિલ ૩૦, ૨૦૨૦ના રોજ આ બંને સંસ્થાઓ રસી વિકસાવવાની કામગીરી તેમ જ તેના મોટા પાયે ઉત્પાદન અને વિતરણ માટે બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકા સાથે હાથ મિલાવ્યા. બ્રિટિશ સરકારે ઑક્સફર્ડ યુનિવર્સિટીને સંશોધન અને ટ્રાયલ માટે ૨ કરોડ યુરોનું ભંડોળ આપ્યું. 
  • વર્ષની મધ્યમાં એસ્ટ્રાઝેનેકાએ રસીના ઉત્પાદન-વિતરણ માટે ભારતની સિરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયા (SII) સાથે ભાગીદારી કરી. કેમ કે, તે રસીના જથ્થાબંધ ઉત્પાદનમાં વિશ્વસ્તરે નંબર વન ગણાય છે. સિરમ ઇન્સ્ટિટ્યુટ ખાનગી કંપની છે અને તેની સ્થાપના ૧૯૬૬માં થઈ હતી. 
  • સિરમ ઇન્સ્ટિટ્યુટ કોરોનાની રસીનું ઝડપથી અને અસરકારક રીતે ઉત્પાદન કરી શકે, તે માટે બિલ ગેટ્સના ફાઉન્ડેશને બે તબક્કે થઈને ૩૦ કરોડ ડોલર ફાળવ્યા. પંદર-પંદર કરોડ ડોલરના બે ભાગમાં વહેંચાયેલી આ રકમ રસીકરણ માટેની વૈશ્વિક ભાગીદારી કરતી સંસ્થા ગેવી થકી સિરમ ઇન્સ્ટિટ્યુટને ફાળવાઈ. (ગેવીઃ ધ ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સિન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન્સ) 
  • ગેવી સિરમ ઇન્સ્ટિટ્યુટને તેની ઉત્પાદનક્ષમતા વધારવા માટે આગોતરું ભંડોળ પૂરું પાડે. તેના બદલામાં સિરમ ઇન્સ્ટિટ્યુટે ગેવી માટે ૨૦ કરોડ વેક્સિન તૈયાર કરવાની. એક વેક્સિનની કિંમત ૩ ડોલર રાખવાની અને તેને ગેવીના સભ્ય એવા મધ્યમ અને ઓછી આવકવાળા ૯૨ દેશોને ૩ ડોલર પ્રતિ રસીના ભાવે જ આપવાની. ભારત પણ ગેવીનું સભ્ય છે. (સંદર્ભઃ સપ્ટેમ્બર ૨૯,૨૦૨૦, SII વેબસાઇટ)  ‘ગેવીએ આપેલું લક્ષ્યાંક પૂરું થઈ ગયા પછી સિરમ ઇન્સ્ટિટ્યુટ ભારતમાં રસી તેને ઠીક લાગે તે બજારભાવે વેચી શકે. 
  • જાન્યુઆરી ૧૧ના રોજ સરકારે સિરમ ઇન્સ્ટિટ્યુટને આપેલા ૧.૧ કરોડ રસીના ઓર્ડરમાં રસી દીઠ રૂ. ૨૦૦ કિંમત વત્તા ૧૦ રૂ. જીએસટી એક રસીની કિંમત રૂ.૨૧૦ ઠરાવવામાં આવી છે. સિરમ ઇન્સ્ટિટ્યુટને અપાયેલો ઓર્ડર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વતી, ભારતના સરકારના જાહેર સાહસ The HLL Lifecare Limited તરફથી અપાયો છે.

એ વખતે એસ્ટ્રાઝેનેકાની વૅક્સિન ઉપરાંત નોવાવેક્સ નામની વેક્સિન પણ સંશોધનના તબક્કે હતી. જો તેને મંજૂરી મળે તો, તેનું પણ ઉત્પાદન ગેવી અને ગેટ્સ ફાઉન્ડેશન સાથેની ભાગીદારી અંતર્ગત સિરમ ઇન્સ્ટીટ્યુટે કરવાનું હતું. પરંતુ હજુ નોવાવેક્સ મંજૂરીના તબક્કે પહોંચી નથી.

ટૂંકમાં

  • કોવિશિલ્ડ રસીની શોધ ભારતમાં થઈ નથી. તેની શોધ માટેનાં નાણાં બ્રિટિશ સંસ્થાને બ્રિટિશ સરકારે આપ્યાં છે. 
  • તેના જથ્થાબંધ ઉત્પાદન માટે ક્ષમતામાં વધારો કરવો પડે. તેનાં નાણાં સિરમ ઇન્સ્ટિટ્યુટને ભારત સરકારે નહીં, ગેટ્સ ફાઉન્ડેશને આપ્યાં છે. 
  • આ કામ ભારતીય કંપની એવી સિરમ ઇન્સ્ટિટ્યુટને મળે તે બેશક ગૌરવની વાત છે. પણ તે ખાનગી માલિકીની કંપની છે અને તેની સ્થાપના ૧૯૬૬માં થઈ હતી. માટે તેમાં સરકારે કશું ગૌરવ લેવાપણું નથી.

 કોવિશિલ્ડની અસરકારકતાઃ કંપનીએ જાહેર કરેલી માહિતી

  • એસ્ટ્રાઝેનેકાની રસી તેના બીજા ડોઝના ૧૪ દિવસ પછી, સિમ્પ્ટોમિક કોવિડ-૧૯નો ચેપ અટકાવવામાં સરેરાશ ૭૦.૪ ટકા કિસ્સામાં અસરકારક નીવડી છે. રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલ બ્રિટન અને બ્રાઝિલમાં હાથ ધરવામાં આવ્યા હતા અને ઉપરનું પરિણામ ડિસેમ્બર ૨૩, ૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવ્યું. 
  • બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા ચાર ક્લિનિકલ ટ્રાયલમાં ૨૦ હજારથી વધુ લોકોએ ભાગ લીધો. તે કોઈને રસીના બે ડોઝ લીધા પછી ગંભીર ચેપ કે દવાખાનામાં દાખલ થવું પડ્યું હોય એવું બન્યું નથી. 
  • અમેરિકા અને બીજા દેશોમાં મંજૂરી મેળવવા માટે એસ્ટ્રાઝેનેકા તરફથી મોટા પાયે ટ્રાયલ (પ્રયોગો) ચાલી રહ્યા છે. રસીની અસરકારતા વિશેના પ્રયોગો અને તેની આંકડાકીય માહિતી પીઅર-રીવ્યૂડ (એટલે કે બીજા નિષ્ણાતો દ્વારા ચકાસાયા બાદ પ્રકાશિત થતા) લાન્સેટ જર્નલમાં છપાઈ હતી. તે એસ્ટ્રાઝેનેકા કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. 
  • ડિસેમ્બર ૩૦, ૨૦૨૦ના રોજ બ્રિટનની નિયંત્રક સંસ્થાએ એસ્ટ્રાઝેનેકાને ઇમરજન્સી સપ્લાય તરીકે માન્યતા આપી. ત્યાર પછી કંપનીએ યુરોપમાં આવી માન્યતા માટે અરજી કરી છે અને અમેરિકામાં મોટા પાયે ટ્રાયલ ચલાવી રહી છે. પરંતુ ત્યાં તેને હજુ આવી માન્યતા મળી નથી.

કોવિશિલ્ડની અસરકારકતાઃ કંપનીએ આપેલી માહિતીનો સાદી ભાષામાં અર્થ

  • રસીના બે ડોઝ પછી પણ તે  ૭૦.૪ ટકા કિસ્સામાં કોવિડ-૧૯નો બાહ્ય લક્ષણો દર્શાવતો ચેપ રોકવામાં અસરકારક બની છે. (…the vaccine was 70.4% effective at preventing symptomatic COVID-19 occurring more than 14 days after receiving two doses of the vaccine). 
  • યાદ રહે કે બે ડોઝ વચ્ચેનો સમયગાળો એક મહિનાથી ત્રણ મહિના સુધીનો હોઈ શકે છે. માટે બીજો ડોઝ ન મળી જાય ત્યાં સુધી તો એમ જ માનવાનું છે કે રસી લીધી નથી અને એ રીતે સાવચેતીનું પાલન કરવાનું છે.   
  • રસી બંને ડોઝ પછી પણ ૭૦.૪ ટકા લોકો પર તેની અસર કરે છે અને ૨૯.૬ ટકા લોકો પર તેની અસર થતી નથી. એટલે કે (અત્યારે ઉપલબ્ધ પરિણામો મુજબ), દર ૧૦૦૦માંથી ૭૦૪ લોકો પર રસી અસર કરે છે અને ૨૯૬ લોકો પર અસર કરતી નથી. માટે, રસીના બંને ડોઝ મળ્યા પછી પણ એવી આશા રાખવાની કે આપણો સમાવેશ પેલા ૭૦.૪ ટકામાં થાય.  
  • આ વાતને એ રીતે પણ મુકી શકાય કે ૧૦૦૦ લોકોમાંથી ૨૯૬ લોકોને રસીના બંને ડોઝ લીધા પછી પણ કોરોનાનો ચેપ લાગવાની શક્યતા રહે છે.  
  • બ્રિટનની નિયંત્રક સંસ્થાએ ડિસેમ્બર ૩૦, ૨૦૨૦ના રોજ એસ્ટ્રાઝેનેકાની રસીને ઇમરજન્સી સપ્લાય (કટોકટીકાળના પુરવઠા) તરીકે માન્યતા આપી. તે ૧૮ વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિને જ આપી શકાય છે. તેમાં રસીના બે ડોઝ વચ્ચેનો સમયગાળો એક મહિનાથી ત્રણ મહિના સુધીનો રાખવાનું જણાવાયું છે.

પણ ફાઇઝર અને મોડર્નાની ૯૦ ટકા અસરકારકતા ધરાવતી રસી મોજૂદ છે, છતાં બ્રિટને ૭૦.૪ ટકા અસરકારકતાવાળી રસીને મંજૂરી શા માટે આપી?

  • ફાઇઝર અને મોડર્ના અમેરિકાની કંપનીઓ છે. તેમની રસીની જાળવણીમાં અત્યંત નીચું તાપમાન જરૂર છે. એટલે તેના માટે નવેસરથી સુવિધાઓ ઉભી કરવાની થાય. તેના જથ્થાની ઉપલબ્ધિના પણ પ્રશ્નો થાય. કારણ કે અમેરિકા પોતે રસીની તાતી જરૂરિયાત ધરાવે છે. 
  • બીજી તરફ, એસ્ટ્રાઝેનેકાની રસી માટે બ્રિટનની સરકાર ૨ કરોડ યુરો આપી ચૂકી છે. તેની જાળવણીમાં ઓછા તાપમાનની કે વધારાની સુવિધાની કશી માથાકૂટ નથી. માટે, એસ્ટ્રાઝેનેકાની રસીની અસરકારકતા ૧૦૦ ટકા સુધી પહોંચે ત્યાં સુધી રાહ જોવાને બદલે, બ્રિટનની સરકારે તેને ઇમરજન્સી સપ્લાય તરીકે માન્યતા આપવાનું પસંદ કર્યું છે.

બ્રિટનની સરકારે ડિસેમ્બર ૩૦ના રોજ એસ્ટ્રાઝેનેકાની રસીને ઇમરજન્સી સપ્લાય તરીકે માન્યતા આપી, તેની પાછળ ને પાછળ જાન્યુઆરી ૧,૨૦૨૧ના રોજ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) તરફથી સિરમ ઇન્સ્ટિટ્યુટમાં ઉત્પાદિત થનારી કોવિશિલ્ડને ઇમરજન્સી યુઝ અપ્રુવલ આપવામાં આવ્યું છે. 

બ્રિટનમાં એ રસીને ૧૮ વર્ષની ઉપરનાં લોકો માટે વાપરી શકાશે, જ્યારે ભારતમાં ૧૨ વર્ષની ઉપરનાં સૌને એ રસીના બે ડોઝ આપવાના છે. એક જ રસીની વયમર્યાદા ભારતમાં ઘટાડીને ૧૨ વર્ષ કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

કોવેક્સિન અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા

ખાનગી કંપની ભારત બાયોટેક દ્વારા તૈયાર થઈ રહેલી કોવિડ-૧૯ની રસી કોવેક્સિન તરીકે ઓળખાય છે. ભારતની સિરમ ઇન્સ્ટિટ્યુટમાં બનનારી બ્રિટનની કોવિશિલ્ડને ભારતના નિયંત્રકે જાન્યુઆરી ૧, ૨૦૨૧ના રોજ મંજૂરી આપી, તેના બીજા જ દિવસે ભારત બાયોટેકની કોવેક્સિનને પણ મંજૂરી આપી દેવામાં આવી. 

ભારતમાં રસીને મંજૂરી આપવાનું કામ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)નું છે. તેમણે વિષયનિષ્ણાત સમિતિની ભલામણના આધારે મંજૂરી આપી હોવાનું જણાવ્યું. 

DCGIના જોઇન્ટ ડ્રગ્સ કન્ટ્રોલર ડૉ. સોમાણીએ કોવિશિલ્ડને મંજૂરી આપતી વખતે તેના ટ્રાયલ (પ્રયોગો)ને લગતા આંકડા આપ્યા, પરંતુ ભારત બાયોટેકની કોવેક્સની વાત કરતી વખતે કહ્યું કે તે સલામત છે અને રોબસ્ટ ઇમ્યુન રીસ્પોન્સ આપે છે. (રોગપ્રતિકારતાના મામલે મજબૂત પ્રતિભાવ આપે છે). તેમણે એમ પણ કહ્યું કે બંને વેક્સિન ૧૧૦ ટકા સેફ છે. બાકી, જરા પણ અવઢવ હોય તો અમે પરવાનગી આપીએ નહીં.

  • ડૉ. સોમાણીની વાતમાં પહેલો મુદ્દો એ છે કે વિજ્ઞાનના પ્રયોગોમાં રોબસ્ટ ઇમ્યુન રીસ્પોન્સ જેવાં વિશેષણોનું કશું મહત્ત્વ નથી. તેના આંકડા આપવા પડે. રોબસ્ટ એટલે કેટલા ટકા? 
  • બીજો મુદ્દોઃ કોઈ પણ વેક્સિન ૧૧૦ ટકા સેફ ન હોઈ શકે. DCGI તરફથી વિજ્ઞાનની વાત થતી હોય ત્યારે ૧૧૦ ટકા જેવા બોલચાલના પ્રયોગો ન ચાલે. 
  • ત્રીજો મુદ્દોઃ ભારત બાયોટેકના કૃષ્ણ એલ્લા ખુદ કહે છે કે તેમની રસીના ટ્રાયલમાં ૧૦ ટકા કરતાં ઓછા કિસ્સામાં સાઇડ ઇફેક્ટ્સ થાય છે. તો પછી DCGI ૧૧૦ ટકા સલામતીની ખાતરી કયા આધારે આપી શકે?

કોવેક્સિનઃ અધકચરી અને શંકાસ્પદ માહિતી

કોવેક્સિનના ત્રણ તબક્કાના ટ્રાયલના સમયગાળા અને કેટલા લોકો પર પ્રયોગો હાથ ધરાયા તેના વિશેની માહિતી પણ ચિંતા ઉપજાવનારી છે. સાકેત ગોખલેએ દસ્તાવેજો ટાંકીને રજૂ કરેલી માહિતી પ્રમાણે, ભારત બાયોટેકની કોવેક્સિનનો--

  • પહેલો તબક્કો ઑગસ્ટ ૧, ૨૦૨૦થી માર્ચ, ૨૦૨૧ સુધીનો હતો. આ વિગત કંપનીએ લેખિતમાં જુલાઇ ૧, ૨૦૨૦ના રોજ રજિસ્ટર કરી. તેમાં જણાવ્યા પ્રમાણે, પહેલા તબક્કામાં ૧૧૨૫ લોકો પર પ્રયોગ થવાના હતા. 
  • બીજો તબક્કો સપ્ટેમ્બર ૮, ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૧ સુધીનો હતો. આ વિગત કંપનીએ સપ્ટેમ્બર ૮, ૨૦૨૦ના રોજ રજિસ્ટર કરાવી. તેમાં કુલ ૧૨૪ લોકો પર પ્રયોગ થવાના હતા. 
  • ત્રીજો તબક્કો નવેમ્બર ૨૦, ૨૦૨૦થી શરૂ થઈને નવેમ્બર, ૨૦૨૧ (એટલે કે બીજો તબક્કો પુરો થવાના એક મહિના પહેલાં) પૂરો થવાનો હતો. તેમાં કુલ ૨૫,૮૦૦ લોકો પર પ્રયોગ થવાનો હતો.

આ બધી વિગતો કંપનીએ લેખિતમાં આપેલી છે.

કોવેક્સિનને સરકારે ઇમરજન્સી મંજૂરી આપી દીધી, ત્યારે કોવેક્સિનનો પહેલો અને બીજો બે તબક્કા પૂરા થયા હોવાનું કંપનીએ જણાવ્યું છે. મતલબ, કુલ ૧૧૨૫ + ૧૨૪ = ,૨૪૯ લોકો પર જ કોવેક્સિનનો પ્રયોગ થયો છે. અને તેનાં પરિણામો કંપનીએ વિગતવાર, પીઅર-રીવ્યૂ ધરાવતા જર્નલમાં પ્રમાણિત રીતે જાહેર કર્યાં નથી. કંપનીના માલિક કૃષ્ણ એલ્લાનો દાવો છે કે તેમની કંપનીએ '૨૦૦ ટકા પ્રામાણિક રીતે' ક્લિનિકલ ટ્રાયલ કર્યા છે.
  • ફરી એ જ વાત. આમાં ૨૦૦ ટકા ક્યાંથી આવ્યા? ૧૦૦ ટકા જ પૂરતા થાય, પણ એ બીજા નિષ્ણાતો ચકાસીને કહે ત્યારે. જાતે ને જાતે ૨૦૦ ટકાનાં પ્રમાણપત્રો ફાડ્યાનો શો અર્થ? 
  • ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે કૃષ્ણ એલ્લાએ જ કહ્યું છે કે તે પરિણામો માર્ચ,૨૦૨૧માં આવશે. 
  • મતલબ, સરકારે કોવેક્સિનનાં પહેલા બે તબક્કાના, માત્ર ૧,૨૪૯ લોકો પરના પ્રયોગો અને તેના નિષ્ણાતો દ્વારા પ્રમાણીત નહીં એવાં પરિણામોના આધારે કોવેક્સિનને મંજૂરી આપી દીધી છે. 
  • આરોગ્યમંત્રી હર્ષવર્ધને તો જાન્યુઆરી ૪ના રોજ એવું પણ જાહેર કરી દીધું કે ભારત બાયોટેકની વેક્સિન બ્રિટનમાં આવેલા કોરોનાના નવા સ્વરૂપ સામે પણ અકસીર નીવડી શકે છે. હજુ પ્રચલિત કોરોના સામે જેની અસરકારકતા પુરવાર થવી બાકી હોય, દેશના આરોગ્યમંત્રી ટાઢા પહોરે આવી બડાઈ મારે છે.

આજના અખબારી અહેવાલ પ્રમાણે, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે જાન્યુઆરી ૧૪ સુધીમાં કોવિશિલ્ડના ૧.૧ કરોડ ડોઝ અને કોવેક્સિનના ૫૫ લાખ ડોઝ મળી જશે.

મતલબ, જેની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ છે એવી કોવેક્સિનના ૫૫ લાખ ડોઝ ટૂંક સમયમાં દેશભરમાં ફરતા થઈ જશે. પીટીઆઇના અહેવાલ પ્રમાણે, એક કોવેક્સિનની કિંમત રૂ.૨૯૫ છે. (કોવિશિલ્ડની કિંમત રૂ. ૨૧૦ છે.)

જો તમે એમ વિચારતા હો કે કંઈ વાંધો નહીં, મારે રસી લેવાની આવશે ત્યારે હું ૭૦.૪ ટકા અસરકારકતાવાળી પણ કમ સે કમ પ્રમાણીત પરિણામોવાળી કોવિશિલ્ડ જ લઈશ. તો એ વાત પણ મનમાંથી કાઢી નાખજો. કેમ કે, આરોગ્ય સચિવે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે વેક્સિન લેનારને બેમાંથી કઈ વેક્સિન લેવી છે તે નક્કી કરવાની પસંદગી નહીં મળે.

રાજેશ ભૂષણે કહ્યું કે 'દુનિયાના કોઈ દેશમાં આવી પસંદગી નથી મળતી.' પણ ભાઈ, અહીં સવાલ દુનિયાના દેશોનો કે શોખ ખાતર પસંદગીનો નથી. અહીં તો પ્રમાણીત પરિણામો ધરાવતી અને પ્રમાણીત પરિણામો વગરની-ફક્ત ૧,૨૪૯ લોકો પર પ્રયોગ થયેલી રસી વચ્ચેની પસંદગીનો છે. 

સરકાર શા માટે પૂરતી ચકાસણી વિનાની, શંકાસ્પદ ગુણવત્તા ધરાવતી કોવેક્સિન ઠોકી બેસાડવા માગે છે?

સરકારે તો કારણ કહ્યું નથી. કેટલાક જવાબની કલ્પના કરી શકાય.

  • આત્મનિર્ભરતાની બડાઈ મારવા. (વડાપ્રધાને જાન્યુઆરી ૩ના રોજ ટિ્વટમાં લખ્યું કે આ આપણા વિજ્ઞાની સમુદાયની આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પૂરું કરવાની આતુરતા સૂચવે છે, જેના પાયામાં કાળજી અને કરુણા છે.’) 
  • બ્રિટનમાં સંશોધનથી તૈયાર થયેલી કોવિશિલ્ડથી અમે કંઈ પાછળ નથી,એવું દર્શાવવાની ઉત્સુકતા. 
  • પોતાનો ગેરવહીવટ ઢાંકવા માટે, કંઈ પણ સારું થાય જશ ખાટી લેવાની વડાપ્રધાનની પ્રકૃતિ.

સિરમ ઇન્સ્ટિટ્યુટ વિરુદ્ધ ભારત બાયોટેકઃ સમાધાન થતાં પહેલાંની સ્થિતિ

જાન્યુઆરી ૩, ૨૦૨૦ સિરમ ઇન્સ્ટિટ્યુટના માલિક અદાર પૂનાવાલાએ કહ્યું કે ફક્ત ત્રણ રસી બધાં વૈજ્ઞાનિક પરીક્ષણોમાંથી પાર ઉતરી છે. ફાઇઝર-બાયોએનટેક, મોડર્ના અને ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા. બાકીની બધી પાણી જેટલી સલામત છે, પણ તેમની અસરકારકતાની ચકાસણી થવી હજુ બાકી છે.

જાન્યુઆરી ૪, ૨૦૨૦  ભારત બાયોટેકના કૃષ્ણ એલ્લાએ કહ્યું, અમે ૨૦૦ ટકા પ્રામાણિક ક્લિનિકલ ટ્રાયલ કર્યા છે. છતાં અમને નકારાત્મક પ્રતિક્રિયાઓ મળે છે. કેટલીક કંપનીઓ અમારી રસીને પાણી જેવી કહે છે.

ઉપરાંત, કૃષ્ણ એલ્લાએ કોવિશિલ્ડના ડોઝના પ્રમાણમાં વાંધો કાઢ્યો. એમ પણ કહ્યું કે કોવિશિલ્ડ બનાવનાર એસ્ટ્રાઝેનેકા કંપની ટ્રાયલ દરમિયાન રસી લેનાર દરેકને સાથે ચાર ગ્રામ પેરાસિટામોલ આપતી હતી, જેથી વેક્સિનની આડઅસર દબાઈ જાય. તેમણે કહ્યું કે રસીની બિલકુલ આડઅસર ન હોય તે માનવાજોગ નથી. તેને બદલે અમારી કોવેક્સિનમાં ૧૦ ટકાથી ઓછા પ્રમાણમાં આડઅસર થાય છે, જે વાસ્તવિક લાગે છે.

કોવિશિલ્ડને મંજૂરી મળતાં અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે તેમણે લીધેલું (રસીઓનું આગોતરું ઉત્પાદન કરી રાખવાનું) જોખમ ફળ્યું.

કોવેક્સિનના કૃષ્ણા એલ્લાએ કહ્યું કે આખા દેશમાંથી જોખમ તો અમે જ લીધું હતું. અમને ગેટ્સ ફાઉન્ડેશનના રૂપિયા નથી મળ્યા.  તેમણે એમ પણ કહ્યું કે હું એસ્ટ્રાઝેનેકાની જેમ ટ્રાયલ કરું તો (મારી) કંપની બંધ થઈ જાય. અને મારી કંપની ભારતીય છે એટલે તેને નીચી પાડવામાં આવે છે.

બે દિવસની લડાઈ પછી, સંભવતઃ સરકારી દરમિયાનગીરી પછી, પૂનાવાલા અને એલ્લાએ સહિયારું, ડાહ્યુંડમરું નિવેદન બહાર પાડીને મામલો આટોપી લીધો. પરંતુ નાગરિકો માટે તો પ્રશ્નો ઊભા રહે જ છે.

છેલ્લે

  • સરકારે સિરમ ઇન્સ્ટિટ્યુટને આપેલો ૧.૧ કરોડ રસીનો ઓર્ડર ઇન્સ્ટિટ્યુટે બિલ ગેટ્સ ફાઉન્ડેશન અને 'ગેવી' સાથે કરેલા ૨૦ કરોડ રસી આપવાના કરારનો હિસ્સો છે? કે ભારત સરકારે તેનો અલગથી ઓર્ડર કર્યો છે? 
  • કોવિશિલ્ડ માટે વડાપ્રધાને રસીનું સંશોધન કરનાર (ઓક્સફર્ડ યુનિ.-એસ્ટ્રાઝેનેકા) અને ઉત્પાદન માટે આગોતરાં નાણાં આપનાર (બિલ ગેટ્સ ફાઉન્ડેશન)નો આભાર માન્યો છે કે પછી આત્મનિર્ભરતાનાં જ બિલ ફાડ્યાં છે? 
  • પ્રમાણીત આંકડા અને ટ્રાયલ પરિણામો તથા ૭૦ ટકા અસરકારકતા ધરાવતી કોવિશિલ્ડની એક રસી સરકારને રૂ.૨૧૦માં મળશે. (થેન્ક્સ ટુ બિલ ગેટ્સ ફાઉન્ડેશન). પ્રમાણીત ન હોય એવા આંકડા અને ફક્ત ૧,૨૪૯ લોકો પર જેનો ટેસ્ટ થયો છે એવી રસી સરકારને રૂ. ૨૯૫માં પડશે. 
  • પૂરતા ક્લિનિકલ ટ્રાયલ વગર, ઇમરજન્સી અપ્રુવલની જોગવાઈનો (ગેર)લાભ લઈને કોવેક્સિનને અપાયેલી ઇમરજન્સી મંજૂરી પછી, તેની સંભવિત આડઅસરો કે બીજાં પરિણામોની જવાબદારી કોણ ઉપાડશે અને કેવી રીતે, એ અંગે સ્પષ્ટતાપૂર્વક જાણવા મળ્યું નથી.

માટે, વેક્સિનની ઝળહળતી સફળતા બદલ તોરણીયાં બાંધવા ને વાજાં વગાડવા મંડી પડતાં મથાળાંથી ચેતજો. સરકારનાં ગીત ગાનારાને તો બક્ષિસ મળશે, પણ આપણને કાચાપાકા પરીક્ષણવાળી કોવેક્સિન મળે એવી પૂરતી સંભાવના છે. 

--અને કોવિશિલ્ડ મફત મળે તો સરકારને થેન્ક્સ કહેજો-માપસરનો આભાર માનજો. સાથોસાથ, તેની કિંમત રૂ.૨૦૦ સુધી આણી દેનારા બિલ ગેટ્સ ફાઉન્ડેશન અને ખાસ તો, એ રસીની શોધ કરનાર યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ, તેને ર કરોડ પાઉન્ડ આપનાર બ્રિટન સરકાર, એસ્ટ્રાઝેનેકા કંપની અને ઉત્પાદક સિરમ ઇન્સ્ટિટ્યુટને યાદ કરવાનું ભૂલતા નહીં. 

તમને કોવિશિલ્ડ મળી ગઈ, એટલે જેમના ભાગે કોવેક્સિન આવવાની છે તેમના વતી અને દેશના જાગ્રત નાગરિક તરીકે સવાલો કરવાનું ભૂલતા નહીં.

--અને ૭૦ ટકા અસરકારકતાને બદલે (૧૧૦ કે ૨૦૦ ટકા નહીં) ૧૦૦ ટકાની નજીકની અસરકારકતા ધરાવતી રસી આવે તેની રાહ જોજો.

5 comments:

  1. રસી બંને ડોઝ પછી પણ ૭૦.૪ ટકા લોકો પર તેની અસર કરે છે અને ૨૯.૬ ટકા લોકો પર તેની અસર થતી નથી. એટલે કે (અત્યારે ઉપલબ્ધ પરિણામો મુજબ), દર ૧૦૦૦માંથી ૭૦૪ લોકો પર રસી અસર કરે છે અને ૨૯૬ લોકો પર અસર કરતી નથી. માટે, રસીના બંને ડોઝ મળ્યા પછી પણ એવી આશા રાખવાની કે આપણો સમાવેશ પેલા ૭૦.૪ ટકામાં થાય. ... રસી બંને ડોઝ પછી પણ ૭૦.૪ ટકા લોકો પર તેની અસર કરે છે અને ૨૯.૬ ટકા લોકો પર તેની અસર થતી નથી. એટલે કે (અત્યારે ઉપલબ્ધ પરિણામો મુજબ), દર ૧૦૦૦માંથી ૭૦૪ લોકો પર રસી અસર કરે છે અને ૨૯૬ લોકો પર અસર કરતી નથી. માટે, રસીના બંને ડોઝ મળ્યા પછી પણ એવી આશા રાખવાની કે આપણો સમાવેશ પેલા ૭૦.૪ ટકામાં થાય. This statement is half truth. 2 full dose has efficacy around 63% only. As 1.5 dose doesn't got approval, 70% total should be ignored.
    I am living in UK, here oxford vaccine reputation is same as that of Bharat Biotech in India :)

    ReplyDelete
  2. Hiren Joshi10:46:00 PM

    On Dec. 22, 2020, Ocugen signed a letter of intent to co-develop Covaxin, a COVID-19 vaccine candidate from Bharat Biotech. Ocugen is a US based company and its CEO is Dr. Musunuri is of Indian origin. Lots of speculation is noticed in its stock here in USA! Lots of Modi fans are making money!

    ReplyDelete
  3. પૂરક માહિતી :
    રસીની અસરકારકતાના % શું દર્શાવે છે/? એ કેમના ગણાય છે?
    Oxfordની રસીના પરીક્ષણના ત્રીજા તબક્કામાં કુલ 23848 સ્વયંસેવકોએ ભાગ લીધો. તે પૈકી વચગાળાના પરિણામો જાહેર થયા તેમાં શરૂઆતના 11636 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાંથી 5807ને કોવિડ વિરોધી રસી અને 5829ને પ્લસીબો રસી આપવામાં આવી હતી. બંને સમૂહના લોકોને માસ્ક પહેરવાની તથા સામાજિક અંતરાલ પાળવાની સરખી સલાહ અપાઈ હતી અને પરિણામો પ્રકાશિત થયા સુધી તમામ 11636 લોકોનું સરેરાશ 3.4 મહિના સુધી નિરીક્ષણ કરાયું હતું. રસી આપેલા લોકોમાંથી 30 લોકોને (રસી લીધેલા પૈકી 0.5% ને) અને પ્લસીબો રસી લીધેલા પૈકી 101 જણાને (5829માંના 1.7% ને). આમ સામાન્ય કાળજી ઉપરાંત રસી લેવાથી 70.4% જેટલા કોવિડ ચેપ ઓછા ફેલાય (101 વિરુદ્ધ 30 કે 1.7% વિરુદ્ધ 0.5%) એવું કહી શકાય.

    ReplyDelete
  4. Covaxin was given conditional approval as a back up in emergency situation like a sudden new surge. If i remember right either Central Health Minister or an expert had given the analogy of drugs like Remedsvir which are used to treat Covid 19 patients at a certain stage of health though its efficacy has not been established. So Covaxin was not given a full fledged approval for kass innoculation. But now we find that it has been rolled out as a mass programne. Why this sudden change? Well, Urvish has already alluded to possible reasons! This is serious and we have to be very cautious. Who will be accountable for cases gone wrong?
    Thanks for the well researched blog.
    Subhash Joshi

    ReplyDelete
  5. Brilliantly " distilled"

    ReplyDelete