Thursday, November 05, 2020

આશિષ કક્કડ : સ્મરણ થઈ રહ્યા આપણે

(મથાળું : આશિષ કક્કડની ફિલ્મ ‘બૅટર હાફ’ના ગીત ‘આમ અચાનક’ની એક પંકિત, કવિઃ ચિરાગ ત્રિપાઠી)

દરવાજો ખોલીને નાનકડા કમ્પાઉન્ડમાં પ્રવેશીએ એટલે, રોડના સતત લેયરિંગને કારણે કમ્પાઉન્ડ રોડથી નીચું જતું રહ્યું છે એનો ખ્યાલ આવે અને બગીચો હર્યોભર્યો હોવા છતાં આયોજનબદ્ધ નથી—એવો ખ્યાલ આવે. કમ્પાઉન્ડમાં જમણા છેડે સ્ટેન્ડવાળો, શાંતિથી બે ને જરા ગોઠવાઈને ત્રણ જણ બેસી શકે એવો હિંચકો. કમ્પાઉન્ડનું થોડાં ડગલાં ચાલીને દરવાજે બેલ મારીએ, તો ખબર ન પડે કે અંદર બેલ વાગ્યો કે નહીં. દરવાજો ખટખટાવીએ, એટલે અંદરથી આશિષ કક્કડનો રણકાદાર અવાજ આવે, ‘એ આવો…આવો.’ પછી બોલાય, ‘ખુલ્લું જ છે...કે હું ભૂલી ગયો ખોલવાનું? એક મિનીટ...’  

ઘણી વાર ધક્કો મારતાં દરવાજો ખુલી જાય અને આવે આછી રોશની ધરાવતો ડ્રોઇંગ  રૂમ. ડાબી ભીંત પર આશિષભાઈનાં મમ્મી-પપ્પાનો કલર કરેલો ફોટો, જમણી તરફ કાટખૂણે ગોઠવાયેલી બે, સહેજ ઊંચી બેઠકો. બંનેની પાછળ બારી ને બારી ઉપર પડદા, જેનાથી રૂમમાં આછું અંધારું પથરાતું હોય. સામે થોડે દૂર, એક લાંબા, આડા શો-કેસની ઉપર મોટું સ્માર્ટ ટીવી, તેની પાસે અને ભીંત પરની શેલ્ફમાં કેટલાક અવોર્ડ-ટ્રોફી,શો-કેસની આગળ ઘણી વાર એક સાઇકલ હોય, ટીવીની પાછળ થોડે દૂર ઉપરના માળે જવાનો દાદર, રૂમમાં એક નાની, નીચી બેઠકવાળી જાળીદાર ખુરશી, એક બીન બેગ અને એક લાંબી ટીપોઇ, જેની ઉપર તેમ જ નીચેના ખાનામાં જાતજાતની ચીજવસ્તુઓ, વણખોલાયેલી ટપાલો, મેગેઝીન ને કંઈક કાગળીયાં અસ્તવ્યસ્ત પડ્યાં હોય. ઉપરાંત એશ ટ્રે્, ક્યારેક મુખવાસની બોટલ અને પાણીની બોટલ પણ હોય..

રૂમમાં આગળ જતાં ડાબી તરફ ડાઇનિંગ ટેબલ અને રસોડું. ડાઇનિંગનું અડધું ટેબલ તો જાતજાતની ચીજવસ્તુઓથી ઉભરાતું હોય. ડાઇનિંગ ટેબલ પૂરું થાય એટલે તેના જમણા છેડે એક દરવાજો, જે કમ્પાઉન્ડમાં પડે. તે ખુલ્લો હોય ત્યારે ત્યાંથી અજવાળું આવતું હોય. ડાઇનિંગ ટેબલની બરાબર પાછળ વૉશ બેસિન અને થોડે દૂર બાથરૂમ.

બપોરે અમારી લંચ કમિટીના ડબ્બા પાર્ટીના સમયે આશિષ કક્કડના ઘરમાં દાખલ થઈએ ત્યારે આવું કંઈક દૃશ્ય હોય. ઘણી વાર આશિષભાઈ રસોડામાં ભજિયાં તળતા હોય કે હાંડવાનો કે વેજિટેબલ ખીચડીનો વહીવટ કરતા હોય કે પુલાવ કે એવું બીજું કંઈ બનાવતા હોય. ઘણી વાર તેમના લૅપટોપ પર કશુંક લખતા કે જોતા હોય, તો ક્યારેક ટીવી જોતા હોય. છેલ્લાં ઘણાં વર્ષથી એવો ક્રમ થયો હતો કે ત્યાં જમવાનું અને ગપ્પાંગોષ્ઠિ માટે બેસવાનું સાથે જ હોય. હું મારું સાડા ચાર ડબ્બાનું મજબૂત ટિફીન લઈને ગયો હોઉં. પહોંચું એટલે અમે થોડી વાર બેસીએ. આમતેમ વાતો કરીએ. એ રસોડામાં હોય તો હું ત્યાં જઉં. થોડી વારમાં ઝાંપો ખખડવાનો અવાજ આવે અને અમે કહીએ ‘આરતી’.

આરતી નાયર તેનું ટુ વ્હીલર લઈને આવી હોય. ઝાંપો ખોલીને ટુ વ્હીલર અંદર મૂકીને તે અંદર આવે. ઘણી વાર હું પહોંચું ત્યારે એ ત્યાં હાજર જ હોય. બહારથી આવી હોય તો તેનું પર્સ વગેરે બહાર બેઠક પર મુકીને રસોડામાં આવે ને પૂછે, ‘શું કરો છો એબી?’ (આશિષભાઈને તે ‘એબી’ તરીકે બોલાવતી હતી.). આશિષભાઈ રાંધવામાં કશુંક વધારે ચઢી ગયું કે મસાલામાં કશોક લોચો થયો કે એવી કશી વાત કરે અને તેને સરખું કરવાનો રસ્તો પણ તેમણે કાઢી લીધો હોય. મૌલિક રીતે અને વિચારપૂર્વક રાંધવામાં આશિષભાઈ ભારે કુશળ હતા. કયા સ્વાદની સાથે શું જાય, તેનો બરાબર વિચાર કરે, લૉજિક લડાવે અને આરોગ્યનો પણ વિચાર કરે. શેકેલાં ભજિયાંથી માંડીને તેમની બનાવેલી બીજી અનેક વાનગીઓ વિશે ફેસબુક પર પણ શોખીનો ચર્ચા કરતા. (ફેસબુક પરની તેમની બીજી હિટ સિરીઝ એટલે My_City_Mornings હેશટેગ સાથે તેમણે મૂકેલી સવારની તસવીરો અને ત્રીજી ચીજ તે ‘આશિયાસ્પદ’ હેશટેગ સાથે આવતી વિશિષ્ટ રમુજો.)

Ashish Kakkad / આશિષ કક્કડ (ફોટોઃ શૈલી ભટ્ટ)
આરતી, આશિષભાઈ અને હું બેઠાં હોઈએ ને આશિષભાઈના ફોનની રીંગ વાગે. એ મારી સામે જોઈને કહે, ‘બિનીતભાઈ.’
એ ફોન ઉપાડે ને મને પૂછે, ‘કશું લાવવાનું છે? બિનીતભાઈ પૂછે છે.’
પછી તેમણે શું બનાવ્યું છે, તેના આધારે ને ઇચ્છા પ્રમાણે ક્યારેક ખમણ કે એવું કંઈક લાવવા કહીએ ને ઘણી વાર ‘તમે ફટાફટ આવી જાવ. રાહ જોઈએ છીએ.’ કહીને તે ફોન મુકી દે.

બિનીત મોદી પહોંચે તે પહેલાં ઋતુલ જોષી આવે. ત્રણ જણ ભેગા થયા પછી જે આવે તે સૌનું થોડા હર્ષનાદથી સ્વાગત થાય. ઋતુલને વચ્ચેની બેઠકોમાં ખાડો પડ્યો હોય, મળ્યે વખત થયો હોય. એ મતલબની થોડી વાત થાય, ત્યાં બિનીત મોદી માથે હેલ્મેટ અને હાથમાં વિવિધ પાકીટો- કોથળીઓ સાથે દાખલ થાય. દરમિયાન નિશા પરીખ ચૂપચાપ આવીને, ‘હા..ય’ કહીને, બેસી ગઈ હોય. તેની સામેલગીરી પૂરેપૂરી, પણ હાજરી બહુ વરતાય નહીં. અમુક સમયગાળામાં કેતકી જોશી ઘરે હોય. ‘ભાવેસાહેબ બાકી રહ્યા’ એવું કોઈ બોલે. તે આવી શકવાના હોય તો વેળાસર આવી ગયા હોય. પણ ક્યારેક જાહેરાત થાય, ‘ભાવેસાહેબ આજે આવશે ખરા, જમવામાં નહીં જોડાય.’ થોડી વાર પછી સંજય ભાવે, ઘણી વાર મીઠાઈના પેકેટ સાથે આવે. હર્ષનાદોથી તેમનું અને મીઠાઈનું સ્વાગત થાય. આ મંડળીમાં ક્યારેક શારીક લાલીવાલા, ક્યારેક શૈલી ભટ્ટ, ઉષ્મા શાહ, ક્યારેક અનુષ્કા જોશી જેવાં મિત્રો જોડાય.

પછી ‘બહુ ભૂખ લાગી છે’ કહેતાં બધા જમવાના ટેબલ પર ગોઠવાય. ટિફીનો ખુલે. ઋતુલ ઘણી વાર જમીને આવે કે બિનીત મોદીનું ટિફીન ન હોય..એવું બધું થાય. મારા ટિફીનના ડબ્બા ફરતા થાય અને વચ્ચે આશિષભાઈએ બનાવેલી મુખ્ય વાનગી પડી હોય—મોટે ભાગે જરૂર કરતાં વધારે જથ્થામાં. આ મિટિંગના આગલા દિવસે મેં સંદેશો મોકલ્યો હોય, Lunch meeting at Kakkad’s. --day. 1 pm onwards. Pl confirm your presence to Ashishbhai. છતાં ઘણી વાર આશિષભાઈને અંદાજ ન હોય કે કોણ કેટલું જમશે અથવા કોણ ટિફીન લાવશે કે નહીં.

જમતાં જમતાં દુનિયાભરની ગંભીર-અગંભીર, તાત્ત્વિક-બિનતાત્ત્વિક ચર્ચાઓ થાય, સાથે જમવાનો દૌર ચાલતો જાય. છેલ્લે મારા ડબ્બામાં ઘરની બનાવેલી ખજૂર-અંજીરની મીઠાઈ કે એવું કશું હોય તે બધા એક-એક ખાય. પણ ત્યાં સુધીમાં આશિષભાઈ એક-બે વાર બોલી ચૂક્યા હોય, ‘સખ્ખત ઓવરઇટિંગ થઈ ગયું. બસ, હવે નહીં...’ પછી એક તબક્કે તે ‘હવે મારે ઉભા થઈ જવું પડશે...’ એવું કંઈક કહીને ખુરશી પરથી ઉઠી જાય. ‘ઓવરઇટિંગ થઈ ગયું’ એ તેમનો કાયમી સંવાદ. જોકે, મને હંમેશાં એવું લાગતું કે ઓવરઇટિંગથી બચવા માટે તેમણે યોજેલો એ નુસ્ખો હશે.

જમ્યા પછી બેઠકરૂમમાં જઈને બધા પોતપોતાની પ્રિય મુદ્રાઓમાં કે જગ્યાએ ગોઠવાય. આશિષભાઈ ‘હું વ્યસન કરીને આવું’ એમ કહીને સિગરેટ-બ્રેક માટે રૂમના સામા છેડાના દાદર પર જાય. થોડો વખત તેમણે ઇ-સિગરેટ પણ અજમાવી જોઈ હતી. ‘વ્યસન’ પતાવીને તે મંડળીમાં જોડાઈ જાય. દેશદુનિયાની, ફિલ્મોની-કળાની-રાજકારણની ને વિવિધ પાત્રોની વાતો ચાલતી રહે. ઘણી વાર ત્યાં જ પાંચ-સાડા પાંચ થઈ જાય. બપોરના સાડા બાર-એકે ત્યાં પહોંચ્યા પછી, ઑફિસે જવાનું માંડવાળ કરીને ત્યાંથી જ મણિનગર સ્ટેશનનો રસ્તો લીધો હોય એવા દાખલા છે. બીજા લોકો પોતપોતાની અનુકૂળતા પ્રમાણે બેસે. વાતોનો દૌર એવો ચાલતો હોય કે ચા પણ યાદ ન આવે.
આરતી એક વર્ષ માટે બ્રિટન જવાની હતી ત્યાર પહેલાંની કમિટી બેઠકઃ બિનીત મોદી, સંજય ભાવે, આરતી નાયર અને ઋતુલ જોષી
એટલે, ગયા મહિને અમે (છેલ્લી વાર) મળ્યા, ત્યારે તેમણે ચા યાદ કરી. લગ્ન પછી મુંબઈ સ્થાયી થયેલી આરતી અમદાવાદ આવી હતી, એ નિમિત્તે અમે મળ્યાં હતાં. જમ્યા પછી આશિષભાઈ કહે, ‘આપણે યાર દરેક વખતે ચા ભૂલી જઈએ છીએ. તમે લોકો જાવ પછી મને યાદ આવે છે ને દૂધ બહુ બધું વધે છે.’ એટલે તે દિવસે બપોરે જમીને બેઠાં પછી થોડી વાર રહીને ચા પણ પીધી. લૉક ડાઉનમાં ફોન પર વાત થતી હતી, પણ ત્યાર પછી મળવાનું પહેલી વાર થયું હતું. એ ‘સાર્થક જલસો’ માટે લેખ લખતા હતા. તેની શરૂઆત તેમણે કરી દીધી હતી. કહે, ‘જેટલું લખાયું છે એટલું વાંચી લો, તો આગળ વધવાનો ખ્યાલ આવે.’ લખતી વખતે એ હંમેશાં ‘મારું કામ નહીં’—એવી મુદ્રામાં હોય. લેખની શરૂઆત મેં વાંચી. મને ગમી. એકાદ સૂચન કર્યું ને કહ્યું કે ‘તમે શરૂ કર્યો છે તો લખી જ  કાઢો. ‘જલસો’ના આ અંક સુધીમાં ન પતે તો આવતા અંકમાં લઈશું.’

એ પ્રમાણે તેમણે કામ આગળ વધાર્યું. ઓક્ટોબર ૧૫,૨૦૨૦નો તેમનો ઇ-મેઇલ છે. તેમાં તેમણે આશરે ૧,૯૦૦ શબ્દો લખીને મોકલ્યા હતા. તેમાં શરૂઆતમાં સળંગસૂત્ર લેખ પછી અમુક કાચા, છૂટાછવાયા મુદ્દા પણ હતા, જે લેખમાં આવરી લેવાનો તેમનો ખ્યાલ હતો. મેં વાંચીને તેમને એકાદ કલાકમાં જવાબ લખ્યો, ‘વાહ. એકદમ મારા મનમાં હતું એવી જ રીતે જઈ રહ્યું છે. પાછળના મુદ્દા ડેવલપ થશે એટલે ફરી વાંચીશ. પણ જ્યાં સુધીનું સળંગ લખાયું છે એ તો એકદમ સરસ છે... ટૂંકમાં, આગે બઢો. હમ તુમ્હારે સાથ હૈ :-)’

તેમનો ખડખડાટ હાસ્યવાળા ઇ-મોજી સાથેનો જવાબ આવ્યો, ‘થેન્ક યુ’ અને મને તેમના અવાજમાં-તેમના અંદાજમાં ‘થેન્ક યુ. થેન્ક યુ’ સંભળાયું. અંગત માણસોને ‘થેન્ક યુ’ અને ‘સૉરી’ ન કહેવાય, એવા પ્રચલિત મતના તે બહુ વિરોધી હતા. ઘણા વખત પહેલાં તેમણે એ મતલબનું કહ્યું હતું, ‘થેન્ક યુ ને સૉરી તો સભ્યતા છે. અંગત માણસો જોડે સભ્યતાથી નહીં વર્તવાનું, એવું થોડું હોય?’ મને તેમનો મુદ્દો ચોંટી ગયો હતો. અંગત માણસો સાથે ઔપચારિકતા ન થાય, પણ સભ્યતા કેમ નહીં?

‘સાર્થક જલસો’ માટેના તેમના અધૂરા રહેલા લેખનો વિષય હતોઃ ફિલ્મોના રીવ્યુ. જે પ્રકારે ફિલ્મોના રીવ્યુ લખવાની પ્રવૃત્તિ ચાલી (કે હાલી) નીકળી છે, તેની પશ્ચાદભૂમાં તે રીવ્યુની સાચી ભૂમિકા અને રીત વિશે લખવા ઇચ્છતા હતા. અધૂરા લેખના છેડે, લગભગ તો ઇન્ટ્રો તરીકે રાખેલો ફકરો એવો સરસ હતો કે વાંચીને મને થયું, આમાં કશા ફેરફારની જરૂર નથી. તેમનો અધૂરો રહેલો લેખ તો સાર્થક જલસો-૧૫માં (મે, ૨૦૨૧માં) યથાયોગ્ય રીતે આવશે. પણ તેનો ઇન્ટ્રો અહીં આપવાની છૂટ લઉ છું:
  

જીવનના ગણિતમાં એક વત્તા એક બે થાય એવું સાદુ સમીકરણ નથી હોતું. આ લખાણ પણ ફિલ્મ વિવેચનની વ્યાખ્યા નથી. અને અપવાદો પણ બધે જ હોય છે. માનો ને, કહેવાનો મુદ્દો સહેલાઇથી કહી શકાય એ માટે આ લખાણ ‘ફિલ્મ વિવેચન’ નામના એક ‘પાત્ર’ના જીવનની ઉપર લખાયેલી કથા-પટકથા છે.
 

‘સાર્થક જલસો’માં સૌથી વધુ લેખો લખનારા લેખકોમાં તેમનો સમાવેશ થતો હતો. તેમણે અત્યાર સુધીમાં છ લેખ લખ્યા અને તે બધાના વિષય એકબીજાથી સાવ જુદા હતા. પહેલા અંકમાં તેમણે ‘બેટર હાફ’ની સર્જનપ્રક્રિયા વિશે અને ફિલ્મનિર્માણની સમજ વિશે બહુ સરસ અને અનોખો લેખ લખ્યો. પછી એક વાર તેમના રસોઈના પ્રયોગો વિશે, એક વાર જુદી જુદી પ્રકારની ચા વિશે, એક વાર ગંભીર સંદેશ આપતી નાનકડી રમુજો (જેનું તેમણે નામ પાડ્યું હતું ‘મરમિયાં’) અને સાર્થક જલસો-૧૩માં તેમનો એક અજાણ્યા બીમાર વૃદ્ધ સાથેની નાનકડી મુલાકાતનો અતિશય ભાવવાહી લેખ હતો. આશિષભાઈના લેખમાં મૂળ સામગ્રી કે લેખના પ્રવાહમાં એડિટિંગ ભાગ્યે જ કરવું પડતું. તેમના તમામ છ લેખ વાંચનારને કે ‘ડિજિટલ દૈનિક નિરીક્ષક’માં પ્રગટ થયેલો લૉક ડાઉન દરમિયાનના અવાજો વિશેનો લેખ વાંચનારને, લેખક તરીકે આશિષભાઈની સજ્જતાનો ખ્યાલ આવે.

'સાર્થક જલસો'માં આશિષ કક્કડનો છઠ્ઠો અને છેલ્લો લેખ, સાર્થક જલસો-૧૩, ઓક્ટોબર ૨૦૧૯
હું હંમેશાં તેમને લેખક તરીકે અત્યંત ગંભીરતાથી લેતો. ‘બેટર હાફ’ ફિલ્મ તેમણે જ લખી હતી. અને મને તે બહુ ગમી હતી. એ ફિલ્મનું વિષયવસ્તુ બહુ સ્પર્શે એવું હતું ને મને અનેક ઠેકાણે બહુ સ્પર્શ્યું હતું. મેં તેમને એકથી વધારે વાર કહ્યું હતું કે એ ફિલ્મ જોઈને કેટલીક બાબતો પ્રત્યેના મારા અભિગમમાં સ્પષ્ટતા આવી હતી, એટલું જ નહીં, કેટલીક બાબતોમાં ‘સુધરવાનો’ પ્રયાસ પણ મેં કર્યો હતો. આ મુખ્યત્વે તેમના લેખનની કમાલ હતી. પરંતુ બીજા પાસે લખાવવાના ઘણા પ્રયાસ નિષ્ફળ રહ્યા પછી છેલ્લા વિકલ્પે જ તેમણે ‘બેટર હાફ’નું લેખન હાથ પર લીધું હતું. તેમની બીજી ફિલ્મ ‘મિશન મમ્મી’નું લેખન તેમણે દીપક સોલિયાને સોંપ્યું—દીપકના થોડાઘણા ખચકાટને અવગણીને પણ. એ ફિલ્મમાં આવતા કેટલાક ભદ્રંભદ્રીય ગુજરાતી શબ્દો માટે અને એકંદરે સ્ટોરીના વાચન તથા પ્રતિભાવ માટે તે વડોદરા બીરેનના ઘરે ગયા હતા અને ત્યાં આખા પરિવાર સમક્ષ સ્ટોરી વાંચી હતી.

મૌખિક અભિવ્યક્તિમાં તેમનો અવાજ તો તેમની ઓળખ હતો જ, પણ મારા જેવાને તેમની વૈચારિક સ્પષ્ટતા અને અભિવ્યક્તિ બહુ ગમતાં. ઘણી વાર તે અટપટી લાગતી વાતને કે વિવાદને તેમની સમજથી બહુ ટૂંકમાં, એકાદ-બે વાક્યોમાં બોલીને અભિવ્યક્ત કરી દેતા હતા અને એ માટે તેમનાં વખાણ કરીએ ત્યારે તેમનું પડઘાતું હાસ્ય સાંભળવા મળતું.

‘બેટર હાફ’ બની ગઈ હતી અને રિલીઝ થવાની બાકી હતી એ અરસામાં અમારો પરિચય થયો. તેના માટે નિમિત્ત બન્યાં મિત્ર ઉષ્મા શાહ. ત્યારે તે અમદાવાદની ગર્લ્સ પોલિટેકનિકમાં આર્કિટેક્ચર વિભાગનાં હેડ હતાં. અવનવું વાંચનારાં, અંગ્રેજી સામયિકો-પુસ્તકો ઉપરાંત બંગાળી-મરાઠી પ્રવાહોનાં પરિચયમાં રહેનારાં. તેમણે લગભગ ૨૦૦૯માં એક વાર કહ્યું કે ‘માતૃભાષા દિવસની ઉજવણી વિશે અમે થોડા લોકો મળવાના છીએ. તમે આવો.’ એ બેઠકમાં સાત-આઠ સમવયસ્ક કહેવાય એવાં લોકો હતાં. તેમાં આશિષ કક્કડ એક. એ નિમિત્તે થોડી વધુ બેઠકો થઈ. એક વાર દીપક સોલિયા મુંબઈથી આવ્યા હતા, ત્યારે તે પણ આ બેઠકમાં સામેલ થયા હતા. અમારો સૌનો એકમત હતો કે માતૃભાષાનો પ્રેમ અંગ્રેજીનો વિરોધી ન બનવો જોઈએ અને માતૃભાષા વિશે શરમ ન હોવી જોઈએ. આ બંને ભાવ સૂચવતાં કેટલાંક સૂત્રો પણ મેં તૈયાર કર્યાં હતાં.
આશિષ કક્કડ સાથેની આરંભિક મુલાકાતોની યાદગીરી
તેમાંથી ‘દિલની ભાષા, દિલથી બોલો’ બધાને ગમ્યું. આ ચર્ચાઓમાં આશિષભાઈની વૈચારિક સ્પષ્ટતાનો ખ્યાલ આવ્યો. સાથે થોડો ખ્યાલ તેમના અમુક બાબતોમાં કે વિચારમાં આગ્રહી હોવા વિશે પણ આવ્યો. અમુક કામ કેવી રીતે કરવું તે વિશે એક મિત્રનો એક આગ્રહ હતો ને આશિષભાઈનો બીજો. ત્યારે તે પોતાની વાતને અને તેની પાછળના તર્કને તેમના ભરાવદાર અવાજે, પૂરા જોશથી સમજાવવાનો પ્રયાસ કરતા હતા. ઘડીભર મને લાગ્યું કે બે મિત્રો ક્યાંક લડી ન પડે. મેં વચ્ચેનો રસ્તો કાઢ્યો, પછી સમજાયું કે આશિષભાઈનો જુસ્સો કેવળ તેમની વાત અને તેમાં રહેલા તર્કને રજૂ કરવા પૂરતો હતો. તેમાં કટુતા ન હતી અને આક્રમકતા મુખ્યત્વે તેમના અવાજને કારણે લાગતી હતી.

આ પરિચય થોડો થોડો વિકસ્યો હશે, ત્યાં ‘બેટર હાફ’ તૈયાર થઈ. ભૂલતો ન હોઉં તો જોધપુર ચાર રસ્તા પાસે પંદર-વીસ-પચીસ બેઠક ધરાવતા એક મીની થિએટરમાં તેમણે પ્રીવ્યુ રાખ્યો હતો. મને પણ આવવા કહ્યું. સાથે ફિલ્મના સંગીતકાર નિશીથ મહેતા પણ લગભગ હતા. મને ફિલ્મનું વિષયવસ્તુ બહુ સ્પર્શ્યું. તે સચોટ રીતે કહેવાયું હતું. કેટલાક ઠેકાણે હું પણ મારા પોતાના વર્તન વિશે વિચારતો થયો. ત્યાર પછી માર્ચ, ૨૦૧૦માં ફિલ્મ આવી. તેને છવાઈ જવાય એવી સફળતા ન મળી, તો ડબ્બો પણ ન થઈ ગઈ. તે નવી તાજગીનો સંચાર કરનારી બની રહી—અને આગળ જતાં નવી ધારાની ગુજરાતી ફિલ્મોમાં પાયારૂપ ગણાઈ.

આશિષભાઈનો મૂળ વ્યવસાય (આર્થિક પ્રવૃત્તિ) વોઇસ આર્ટિસ્ટ તરીકેનો. નાટકમાં તેમનાં પ્રેમ અને સમજ ઘણાં ઊંડાં, કામ પણ ઘણું. પરંતુ એ વખતે અમારો પરિચય નહીં ને મારો નાટકમાં ઝાઝો રસ નહીં. એટલે એ વિશે સાંભળેલું જ. થોડો સમય તેમણે હૈદરાબાદ ‘ઇ ટીવી’માં કામ કર્યું હતું. તે વિશે પણ તે ઘણી વાર વાત કરતા. એ બધામાં તેમની વિચારવાની પદ્ધતિ અને નૈસર્ગીક વિશ્લેષણશક્તિ દેખાઈ આવતાં. તેમની એક ખાસિયત એવી હતી કે અજાણી વ્યક્તિને જોઈને કે તેની વાત સાંભળીને તે વ્યક્તિ વિશે અમુક બાબતો કહેતા. તેમાં કશું દૈવી કે ગૂઢ નહીં, પણ અત્યંત વિકસીત નિરીક્ષણશક્તિ. એટલે ઘણુંખરું તેમનાં અનુમાન સાચાં પડતાં. વ્યક્તિની લાક્ષણિકતાઓ તે બહુ ઝડપથી પકડી લેતા. ક્યારેક મીમીક્રી પણ કરતા.

આ બધો પરિયય ૨૦૧૦ પછી થયો. ‘બેટર હાફ’ પછીના અરસામાં અમે થોડા મિત્રોએ તેમને અમારી અનૌપચારિક બેઠકમાં આમંત્રિત મહેમાન તરીકે બોલાવ્યા હતા. ઘણે ભાગે પત્રકારત્વ સાથે સંકળાયેલા અમે થોડા મિત્રો વસ્ત્રાપુરના એક રેસ્ટોરાં ‘રૂડું કાઠિયાવાડ’માં અનિયમિત રીતે અને અનૌપચારિક ઢબે મળતા. દર વખતે એકાદ ગમતી વ્યક્તિને મહેમાન તરીકે બોલાવીએ. નિયમ એવો કે ભોજનના રૂપિયા બધા વચ્ચે વહેંચી દેવાના, પણ મહેમાનના ભોજનના રૂપિયા અમારા ખાતે. તેમાં આશિષભાઈ આવ્યા મહેમાન તરીકે અને પછી તેમના રાબેતા મુજબના ઉમળકાથી અમારી ‘રૂડું’ મંડળીના કાયમી સભ્ય થઈ ગયા.
'રૂડું કાઠિયાવાડ'માં રતિલાલ બોરીસાગર સાથે સત્સંગ, (ડાબેથી)આશિષ કક્કડ, લલિત ખંભાયતા, રતિલાલ બોરીસાગર, બિનીત મોદી, પ્રણવ અધ્યારુ, 17-9-2010
‘રૂડું’ મિલનનાં શરૂઆતનાં એ વર્ષોમાં એક વાર આશિષભાઈ એક મહેમાનને લઈને આવ્યા હતા. (મહેમાન લાવવા વિશે તેમણે અગાઉથી પૂછી પણ લીધું હતું.) જમ્યા પછી રાબેતા મુજબ મુક્ત ચર્ચા ચાલતી હતી અને પેલા મહેમાન તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીનાં વખાણ કરવા લાગ્યા. ત્યાર પહેલાં ‘રૂડું’માં મિત્રો વચ્ચે કદી રાજકીય ચર્ચા થઈ ન હતી. પણ તે દિવસે વિષય નીકળ્યો અને આશિષભાઈથી માંડીને અમે બધા પેલા મહેમાનના વિચારોથી સામા છેડાના નીકળ્યા. ત્યારે અમને એ વિચારે સારું લાગ્યું કે આપણે ભલે નામ પાડીને વાત ન થઈ હોય, પણ મૂળભૂત બાબતોમાં આપણે એકસરખું વિચારીએ છીએ. ત્યાર પછી તો આશિષભાઈ પાસેથી તે સરકારમાં વોઇસ ઑવરનું કામ કરતા હતા ત્યારના અને તે કામ છોડ્યું તેના અનુભવ પણ સાંભળ્યા, જે મારી માન્યતા દૃઢ કરનારા અને સમજમાં થોડો વધારો કરનારા હતા.

અમારી વચ્ચે સંપર્ક વધતો ગયો. ત્યારે હું ‘ગુજરાત સમાચાર’માં (ઑફિસે જવાનું બહુ ન  થાય એ રીતે) કામ કરતો હતો. પણ ‘દલિતશક્તિ’ માસિકના સંપાદક તરીકે ‘નવસર્જન’માં બેસવાનું ચાલુ રાખ્યું હતું. એટલે આશિષભાઈ ધરણીધર દેરાસર પાસે આવેલી ‘નવસર્જન’ની ઑફિસે આવતા. અમે ત્યાં વાતો કરતા હતા. એ વખતે ફેસબુક પ્રમાણમાં નવું હતું, કેટલાંક પાત્રો ફેસબુકના આકાશમાં ઉડતાં હતાં. તેમાંના એક ભાઈ અમારા બંનેના સંપર્કમાં આવેલા ને અમને બંનેને તેમનામાં કંઈક ગરબડ લાગી હતી. પછી એ ભાઈના નિકટના ગણાતા મિત્રને અમે ‘નવસર્જન’ પર બોલાવ્યા અને તેમની સાથેની વાતચીતમાં અમારી શંકાઓ સાચી પાડતાં કેટલાંક રહસ્યો ખૂલ્યાં. ત્યારે પણ આશિષભાઈની તીક્ષ્ણ નિરીક્ષણશક્તિનો અને સમજનો વધુ એક વાર પરિચય થયો.

‘નવસર્જન’ પરની મુલાકાતોમાં ક્યારેક એવું પણ થયું હશે કે બપોરે જમવાનો સમય હોય, તે બેઠા હોય, હું ટિફીન ખોલું અને તે પણ જોડાઈ જાય. એકાદ વાર તેમણે મને તેમના ઘરે આવવા કહ્યું હશે. એવી રીતે તેમના ઘરે જવાની શરૂઆત થઈ. શરૂઆતમાં અમે બે જણ હોઈએ. જમતાં જમતાં વિવિધ પ્રકારની વાતો થાય. મને તેમની સમજમાં અને તેમના દૃષ્ટિબિંદુમાં બહુ રસ પડે. ઘણી બાબતોમાં મારી સમજ પણ તેમની સાથે વાત કરીને સાફ થતી લાગે.

અમારા બે જણના બપોર-ભોજનમાં ધીમે ધીમે બિનીત મોદી, ઋતુલ જોષી, સંજય ભાવેને અમે ઉમેર્યા. એકાદ-બે વાર કબીરભાઈ ઠાકોર અને ઉષ્માબહેન શાહ પણ આવ્યાં હશે. ત્યારે આરતી સાવ નાની. શરૂઆતમાં તો એ ત્યાં હોય તો પણ અમારી સાથે વાત ન કરે અને પછી ધીમે રહીને નીકળી જાય. પણ પછી એ મારી સાથે ભળતી થઈ અને જોતજોતાંમાં મારી સૌથી નિકટની મિત્રોમાંની એક બની રહી. આરતીને કારણે તેના સમવયસ્ક મિત્ર શારીક લાલીવાલાને મળવાનું થયું-દોસ્તી થઈ ને એ પણ વખતોવખત આવતો થયો. નિશા પરીખ અમેરિકાથી કાયમ માટે આવી ગઈ અને અમે નિયમિત રીતે મળતાં થયાં, એટલે તે પણ અમારી લંચ કમિટીમાં સામેલ થઈ. થોડો સમય તે ‘સેપ્ટ’ના ‘સેન્ટર ફોર અર્બન ઇક્વિટી’માં હતી ત્યારે તે અને ઋતુલ જોષી સાથે આવતાં હતાં. તેના લગ્નમાં અત્યંત ઓછા આમંત્રિતોમાં આખેઆખી લંચ કમિટીનો સમાવેશ થતો હતો.

‘લંચ કમિટી’ તો અમે ગમ્મતમાં પાડેલું ઔપચારિક નામ હતું. હકીકતમાં તે મૈત્રીની ફ્રી-સ્ટાઇલ મહેફિલ હતી, જેમાં આશિષભાઈ રજમાત્રના ભાર વિના, યજમાનની ભૂમિકાનો અહેસાસ તો ઠીક, અણસાર સુદ્ધાં આવવા દીધા વિના યજમાનગીરી કરતા. લંચ કમિટીની બેઠકો અનિયમીત રીતે મળતી, પણ જ્યારે મળવાનું થાય ત્યારે અનહદ આનંદ આવતો હતો. કલાકો સુધી સમરસિયા મિત્રો સાથે જ્ઞાનચર્ચાના ભાર વગરની વિશુદ્ધ ગપ્પાંગોષ્ઠિ કરવી અને તેમાંથી ઘણું પામવું એ જીવનની બહુમૂલ્ય ઉપલબ્ધિ છે, એવું મને હંમેશાં લાગ્યું છે અને આશિષભાઈની-લંચ કમિટીની સોબતે એ રીતે મને અઢળક સંતોષ-માનસિક સમૃદ્ધિ આપ્યાં.
બ્રિટન જતી આરતીને યાદગીરી માટે આપેલા પુસ્તકની આગળ, કદાચ લંચ કમિટીના એક માત્ર સત્તાવાર દસ્તાવેજ જેવું, બધા સભ્યોની સહી અને બે ગેરહાજર સભ્યોનાં નામ ધરાવતું પાનું
આશિષભાઈ સાથેની બેઠકોમાં અવનવી ચર્ચાઓ થતી. તે હૅરી પૉટર શ્રેણીના પ્રેમી હતા. ક્યારેક નવલકથાની થીમ અને તેનાં પાત્રોના અર્થવિસ્તાર કરતા. કેટલાંક પરિચિત પાત્રોની લાક્ષણિકતાઓ હૅરી પોટરનાં પાત્રોની મદદથી સમજાવતા. જેમ કે, એક ભાઈ વિશે તેમણે કહ્યું હતું, ‘તે હૅરી પોટરના એક પાત્રની જેમ જ્યાં જાય ત્યાંના વાતાવરણમાંથી પૉઝિટીવ એનર્જી શોષી લે છે.’ એક મિત્રની હૅરી પોટરના એક પાત્ર સાથે સરખામણી કરતાં કહ્યું હતું કે ‘તે ખોટા માણસોની સાથે છે, પણ તેનું મન સારા માણસો તરફ ઢળી શકે છે કે ઢળેલું રહે છે..’એવું કંઈક. તેમનો ફિલ્મપ્રેમ અને સંવેદનશીલતા- બંનેનો અંદાજ આવે એવી એક વાત તેમણે બહુ સહજતાથી કરી હતી. યહુદી કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં જીવનની હકારાત્કમતાનું વિષયવસ્તુ ધરાવતી ફિલ્મ ‘લાઇફ ઇઝ બ્યુટીફુલ’ જોયા પછી, તેમણે (નદીના) બ્રિજ પર જઈને મોટેથી બૂમો પાડી હતી— ફિલ્મ જોયા પછી બાઝેલો ડૂમો ઓગાળવા માટે.

તેમના જીવનમાં માતાપિતાનું નજીકના અંતરે (કેન્સરના કારણે) થયેલું મૃત્યુ અને તેમનું એકલા થઈ જવું, એ પણ એવો જ સમયગાળો હતો. પછીથી એ વિશે વાત થતી ત્યારે તે સ્વસ્થતાથી વાત કરતા. અમારી બધી મિત્રાચારી છતાં તેમના અંગત જીવન કે દાંપત્યજીવન વિશે મેં કદી વાત છેડી ન હતી. એ તેમનાં પત્ની તોમાલી કે સાળી (જાણીતાં સ્ક્રીપ્ટ રાઇટર) પુબાલી ચૌધરી વિશે જ્યારે પણ ઉલ્લેખ કરે ત્યારે સહજતાથી-લાગણીથી વાત કરતા હતા. દીકરો રંગ તેમના સાસરે કોલકાતા હતો. તે અવારનવાર કોલકાતા જતા. રંગ પણ ક્યારેક અહીં આવતો. પુબાલી ચૌધરી તેમને ‘બેટર હાફ’માં અને કદાચ ‘મિશન મમ્મી’માં સલાહસૂચનની રીતે મદદરૂપ થયાં હતાં. વાતચીતથી આટલું જાણતો હતો અને એથી વધારે પૂછવામાં મને અંગતતાનો ભંગ લાગતો હતો. તેમની સાથેનો જે ભાવસંબંધ હતો, તેને કોઈ લેબલ મારવાની જરૂર લાગતી ન હતી. તેમનો મિત્રપ્રેમ એવો હતો કે ૨૦૧૨-૧૩ની આસપાસ મારે ‘નવસર્જન’ જવાનું બંધ થયું અને અમદાવાદમાં ક્યાં બેસવું એ વિશે વિચારતો હતો ત્યારે તેમણે બહુ સાહજિકતાથી તેમના ઘરે બેસીને કામ કરવા કહ્યું હતું. મેં કાર્તિકભાઈની ઑફિસે બેસવાનું નક્કી કર્યું, પણ તેમના આ પ્રસ્તાવથી મને બહુ સારું લાગ્યું હતું.

તેમની સંવેદનશીલતા અને દેખીતું બહિર્મુખીપણું નાની નાની બાબતોમાં સહજતાથી વ્યક્ત થતાં રહેતાં. અમદાવાદના ઉનાળામાં બપોરે આવતા કુરિયર કે પોસ્ટમૅનને તે અચૂક પાણી માટે પૂછતા અને ઘડીક શાંતિથી બેસવું હોય તો અંદર આવવા માટે પણ કહેતા. સોસાયટીમાં કચરો વાળનારના પગારવધારા માટે તે સોસાયટીના લોકો સાથે દલીલબાજીમાં ઉતરી શકતા હતા. તેમના કમ્પાઉન્ડમાં કે બીજે ક્યાંય આખા મિત્રમંડળનો ગ્રુપ ફોટો પાડવાનો હોય ત્યારે તે રસ્તે ચાલતા કોઈને પણ એટલા પ્રેમથી ફોટો પાડવા બોલાવી લાવતા કે આવનાર માણસને વપરાઈ ગયાનો અહેસાસ નહીં, કામમાં લાગ્યાનો આનંદ થાય. ફોટો પડી જાય, એટલે છેલ્લે તેમનું ‘થેન્ક યુ, થેન્ક યુ’ તો ખરું જ. પોતે ટોચના વોઇસ આર્ટિસ્ટ છે કે ફિલ્મ ડાયરેક્ટર કે એક્ટર કે નાટકવાળા છે, એવો ભાર કે નાટકીયાવેડા કે ફિલ્મી અંદાજ તેમનામાં જરાય ન હતો અને એવો ભાર નથી, એનો ભાર પણ જરાય નહીં.

અમારી દોસ્તી પછી અમારા દરેક કાર્યક્રમમાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી. તેમના ઘરે બેસીને ઘણાં આયોજન થયાં. એપ્રિલ,૨૦૧૩માં સાર્થક પ્રકાશનની શરૂઆતનો કાર્યક્રમ હોય કે સપ્ટેમ્બર, ૨૦૧૯માં ‘પ્રકાશોત્સવ’—આશિષભાઈએ કામ ઉપાડ્યું એટલે તે કદી રખડાવે નહીં. એટલું જ નહીં, ઉજાળી આપે. સાર્થક પ્રકાશનના આરંભનો કાર્યક્રમ છઠ્ઠી એપ્રિલે, સાહિત્ય પરિષદના મોટા હૉલમાં. તે દિવસે ભાજપના સ્થાપના દિનનો મહામેળાવડો હતો. ત્યારે ટ્રાફિકની અને પોલીસની અડચણો વચ્ચે રતિલાલ બોરીસાગરને ઘરેથી હૉલ પર લઈ આવવાનું અઘરું કામ આશિષ કક્કડે હસિત મહેતા સાથે ઉપાડી લીધું. એ હસિત મહેતાને કહે,’તમે પત્રકાર ને હું નાટકવાળો...ચાલો, કંઈક ખેલ પાડી દઈશું.’ અને બંને બોરીસાગરસાહેબને લઈ આવ્યા હતા. ‘પ્રકાશોત્સવ’માં મૉક કોર્ટનો સેટ બનાવવાનો હતો, ત્યારે પણ આશિષભાઈ અને કબીરભાઈ ઠાકોરના ભરોસે હું નિરાંતમાં હતો અને બધું સરસ રીતે પાર પડ્યું હતું.

આશિષભાઈને ત્યાં મિત્રમંડળીના ઘણા મેળાવડા થયા. મુંબઈથી દીપક સોલિયા-હેતલ દેસાઈ આવ્યાં ત્યારે તો મિત્રોનો મોટો મેળાવડો થયો હતો. ક્યારેક વડોદરાથી બીરેન-કામિની અને મારી પત્ની સોનલ તો ઘણી વાર અમારી મહેફિલમાં સામેલ થયાં હશે. પ્રકાશ ન. શાહ, ચંદુ મહેરિયા, વિપુલ કલ્યાણી, જયંત મેઘાણી જેવા પણ એકાદ વાર અમારા એ અડ્ડે આવ્યાં ને મઝા કરી. એ વખતે આશિષભાઈ જરાય યજમાનગીરીના ભારમાં ન હોય. અમને એવું જ લાગે, જાણે અમારું જ ઘર છે અને આશિષભાઈ પણ અમારી જેમ જ ત્યાં ‘આવ્યા’ છે. એવા વખતે અશ્વિની ભટ્ટના ઐતિહાસિક બંગલા ‘૬૫’ની યાદ તાજી થઈ જતી હતી.

અશ્વિનીભાઈ અમદાવાદમાં હતા ત્યારે એક વાર પચાસથી પણ વધુ મિત્રો-ચાહકો તેમને મળે એવું આયોજન નક્કી થયું. પણ આટલાં માણસ ક્યાં સમાય? અને તે પણ એવી રીતે કે જમવાની વ્યવસ્થા થઈ રહે, છતાં કેન્દ્રસ્થાને અશ્વિનીભાઈ સાથેનો સંવાદ રહે? આશિષભાઈએ તેમના ઘરે આ યોજ્યું અને બહુ સફળતાપૂર્વક, યાદગાર રીતે આખો કાર્યક્રમ પાર પડ્યો.
અશ્વિનીભાઈ સંપૂર્ણ પરિવાર-પુત્ર-પુત્રવધુ-પૌત્રો- મિત્રો સાથે હોય અને અમારા પણ ઘણા મિત્રો-તેમના ચાહકો હોય એવો આ કાર્યક્રમ આશિષભાઈના બંગલાના કમ્પાઉન્ડમાં બહુ સરસ રીતે થઈ શક્યો. 16-3-2012

આશિષભાઈના બંગલે કમ્પાઉન્ડમાં ચાહકો-મિત્રોને પ્રેમથી મળતા અશ્વિની ભટ્ટ, 16-3-2012

એવી રીતે મહેમદાવાદના મારા ઘરે પણ મિત્રોના ઘણા મેળાવડા થતા. તેમાં આશિષભાઈ હોય જ. એક વાર બધાં મિત્રો ઉપરાંત અશ્વિનીભાઈનો દીકરો નીલ પણ મહેમદાવાદ આવ્યો હતો. બીજા મિત્રો રોકાવાનાં હતાં ને નીલને રાત્રે નીકળવું હતું. ત્યારે આશિષભાઈ સહિતનું અમારું આખું ધાડું રાત્રે જંપી ગયેલા મહેમદાવાદના પ્લેટફોર્મ પર નીલને મુકવા પહોંચ્યું. આખા પ્લેટફોર્મ પર લગભગ અમે એકલાં જ હતાં અને લાઇટ પણ એક-બે જ ચાલુ હતી. એટલે કોઈ ફિલ્મના દૃશ્ય જેવું લાગતું હતું. ટ્રેન આવી ને ઉપડી, એટલે એ લાઇટો પણ બંધ થઈ અને અમે ચાલતાં ચાલતાં પાછાં ઘરે આવ્યાં. એ વખતની બધાની મસ્તી જોઈને લાગે કે દોસ્તીનો પણ નશો હોય છે.

એક વાર પરમ મિત્ર હસિત મહેતાએ નડિયાદમાં તેમની મહિલા આર્ટ્સ કૉલેજમાં ફિલ્મો વિશેનો એક શાસ્ત્રીય સૅમિનાર રાખ્યો હતો. આશિષ કક્કડ, અભિષેક શાહ (‘હેલ્લારો’ખ્યાત, ત્યારે રેડિયોમાં કામ કરતા નાટ્યકર્મી), બિનીત મોદી, બીરેન, હું અમે પહોંચ્યા. પણ મામલો એકેડેમિક વધારે હતો. એટલે થોડા કલાક તો સુખેદુઃખે, મસ્તી કરીને કાઢ્યા. પછી અભિષેકને આણંદ નાટકનો શો હતો. એટલે એ ત્યાં ગયો અને અમે મહેમદાવાદ આવી ગયા. રાત્રે મંડળી જમાવી. મોડી રાત્રે અભિષેક નાટકનો શો પૂરો કરીને ટીમ સાથે ખેડા નજીકના કોઈ રોડ પર ઉતરવાનો હતો, જ્યાંથી અમારે તેને લઈ આવવાનો હતો. અભિષેકના આવ્યા પછી અમે વાતોમાં ને નાસ્તાપાણીમાં સવાર પાડી દીધી. ઉંઘવાજોગું રહ્યું નહીં. સેમિનારનો બીજા દિવસનો કાર્યક્રમ તો સવારે શરૂ થઈ જવાનો હતો, પણ ત્યાં અમને બહુ ગોઠે એમ ન લાગ્યું. એટલે અમારો સમાંતર સેમિનાર ડાઇનિંગ ટેબલની આસપાસ ચાલુ રહ્યો. બપોરે રજનીકુમાર પંડ્યાના વક્તવ્યનો સમય થયો, એટલે ‘ગુરુમાં તો જવું પડશે’ એમ વિચારીને તૈયાર થઈને નડિયાદ પહોંચ્યા. આવી બેઠકોમાં કોઈ બાહ્ય નશાના ટેકા વિના આશિષભાઈ બહુ ખીલતા અને મઝા કરતા-કરાવતા.

આશિષભાઈ ઘરે આવે કે ‘સાર્થક જલસો’ની પાર્ટીમાં હોય, પણ મારી દીકરીને કે બીરેનનાં સંતાનોને ચહીને સામેથી મળે. તેમની સાથે તેમની રીતની મસ્તી કરે. બાળકો સાથે તે બહુ સહેલાઈથી ભળી શકતા હતા. કેટલાક પુરુષોમાં સ્ત્રીહૃદય હોય છે. તેનો સૌથી જાણીતો દાખલો ગાંધીજી. સ્ત્રીઓ તેમની સાથે હોય ત્યારે ભારે સલામતી અનુભવે અને તેમની આગળ મન ખોલી શકે. મને પાકી ખબર નથી, પણ ધારું છું કે આશિષભાઈમાં પણ સ્ત્રીહૃદય કે તેના અંશ હશે. તેમની સાથેના વ્યવહારમાં સલામતી, આત્મીયતા અને મૈત્રીમાં-વ્યવહારમાં સરખાપણાની હૂંફ અનુભવતી હોય એવી ઘણી, જુદા જુદા વયજૂથની સ્ત્રીઓ હશે. તેમનાં અમેરિકાનિવાસી મિત્ર શચિ પટેલ મુખ્યત્વે બ્લોગ થકી મારાં લખાણોના પણ સંપર્કમાં હતાં. તે ભારત આવ્યાં ત્યારે અમારા પરિચયના શરૂઆતના એકાદ-બે વર્ષના ગાળામાં તે શચિ સાથે ‘નવસર્જન’ની ઑફિસે આવ્યા હતા અને અમે રાજકીય સહિતની ઘણી વાતો બહુ આનંદથી કરી હતી. પછી તેમણે યાદગીરી માટે મારો અને શચિનો ફોટો પાડી આપ્યો અને મેં તેમનો. આશિષભાઈની એ સમયગાળાની અને ખાસ તો એ દેખાવની તસવીરો ઓછી છે. એટલે એ યાદગીરી તરીકે આ ફોટો.
આશિષ કક્કડ, શચિ પટેલ, 6-1-2011
સાર્થક જલસોના મેળાવડામાં આશિષભાઈ હોય જ. હું અ-કવિ મિત્રોને મસ્તીમાં ‘કવિ’ તરીકે સંબોધું. એટલે આશિષભાઈ પણ વળતા વ્યવહારે મને ‘કવિ’ કહે. તેમના બુલંદ અવાજમાં ‘આવો, આવો કવિ’ એવું કોઈ સાંભળે, તો તેને મારા કવિ હોવા વિશે કશી શંકા ન રહે. એક વાર ‘સાર્થક જલસો’નો મેળાવડો પૂરો થયા પછી બપોરે તેમના આમંત્રણથી અમે બધાં ‘મિશન મમ્મી’ના સૅટ પર ગયાં હતાં. ત્યાં એમણે થોડા મિત્રો સાથે પરિચય કરાવ્યો હતો અને ‘સાર્થક જલસો’નો અંક ‘પ્રોપર્ટી’ તરીકે રાખી લીધો હતો. એટલે ‘મિશન મમ્મી’ના એકાદ દૃશ્યમાં એક પાત્ર ‘સાર્થક જલસો’નો અંક વાંચતું જોઈ શકાય છે.

‘મિશન મમ્મી’ પછી તેમના મનમાં બે-ત્રણ ફિલ્મોનું કથાવસ્તુ રમતું હતું. તેમની એક વાર્તા ‘રાજિયો ફટ્ટુ’ વિશે તેમણે વિગતે વિચાર્યું હતું અને એક વાર તેની કથા પણ કહી હતી. તેના કેન્દ્રસ્થાને રાજુ નામનો દેખીતી રીતે બીકણ એવો એક રિક્ષાચાલક હતો, જે છેવટે એક મોટું પરાક્રમ કરી દેખાડે છે. તેમાં હળવાશ માટે પણ પૂરતો અવકાશ હતો. ઉપરાંત, ઘણા વખતથી શિક્ષણ પદ્ધતિ વિશે તે ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા. તેને લગતી મૌલિક યોજના વર્ણવતો લેખ ‘સાર્થક જલસો’માં લખવો અને તેને ફિલ્મ તરીકે વિકસાવવો એવો તેમનો ખ્યાલ હતો. એ વિશે તેમણે થોડું લખ્યું હતું, પણ તેના બધા છેડા મળતા ન હતા. એટલે તે આગળ વધવામાં સમય લેતા હતા. અમને એમ જ હતું કે હજુ ક્યાં ઉતાવળ છે?

આ બે અધૂરાં કામ તો મને ખ્યાલ છે તેવાં. એ સિવાય પણ ઘણાં હશે, જે તેમના બીજા મિત્રો જાણતા હશે. અમારી લંચ કમિટી જેવી બીજી પણ તેમની ઘણી મિત્રમંડળી હતી અને એ બધા સાથે તેમને એવી જ નિકટતા હતી. તે ‘અટીરા’ મૉર્નિંગ વૉક માટે જાય ત્યારે પણ જાણીતાં-અજાણ્યાં સૌ કોઈને બોલાવે, તેમના રણકતા અવાજમાં ‘ગુડ મૉર્નિંગ’ કહે, હાથ ઊંચો કરીને સ્માઇલ આપે.

ત્યારે મને એ તેમનો બહુ મોટો ગુણ લાગતો હતો. હું વિચારતો કે આ માણસ કેટલાં બધાં લોકોને, કેટલી સહજતાથી અને નિર્મળતાપૂર્વક પ્રસન્નતા વહેંચી શકે છે.
હવે એ જ બાબતે તેમની સામે સૌથી મોટો વાંધો છેઃ આટલો વહાલો ને નિઃસ્વાર્થ ભાવે પ્રસન્નતા વેરતો માણસ, કેટલા બધા લોકોને દુઃખના દરિયામાં વહેતા મૂકીને, બસ આમ જ, પળવારમાં ચાલી નીકળ્યો. બસ, આમ જ…
***

આમ અચાનક શાને અળગાં થયાં આપણે,
છૂટ્યો જ્યાં એકમેકનો સાથ, સ્મરણ થઈ રહ્યા આપણે

મન લાગતું નહીં કશામાં વીતી પળોને ઝંખે
બળબળતું એકાંત હૃદયની ભીતર જઈને ડંખે
સમયની મુઠ્ઠીમાંથી રેત થઈને સર્યાં આપણે...આમ અચાનક

કાલ હતું જે પાસે એ સઘળું આજ બન્યું આભાસ
આંસુઓને પીવા છતાં શમે નહી આ પ્યાસ
પ્રેમઆકાશે ઝૂલતી સાંજ થઈને ઢળ્યાં આપણે...આમ અચાનક

(મથાળાની પંક્તિ અને ઉપરનું ગીતઃ ચિરાગ ત્રિપાઠી, સંગીતઃ નિશીથ મહેતા, ફિલ્મઃ બૅટર હાફ)

આશિષ કક્કડના સ્મરણ માટે મુકેલી તસવીરોનો બ્લોગ http://urvishkothari-gujarati.blogspot.com/2020/11/blog-post.html

આશિષભાઈ વિશે આરતી નાયરે લખેલા અંગ્રેજી બ્લોગની લિન્કઃ
https://aartinair.wordpress.com/2020/11/04/a-tribute-to-ashish-kakkad-and-life-lessons-learnt/

5 comments:

  1. Your affecting piece is for the ages my friend. It brings out so many beautiful facets of this priceless young man's loss, that the regret on his passing becomes even more acute. Just what he meant to you personally Urvish, and to his vast assembly of friends who benefited continually from his love, graciousness and intellect, comes through in these recollections so very effortlessly. People like these who light up our lives are a rare privilege and all of you rightly held on to him for dear life until fate jealously decided to intervene and snatch him away. This is not a eulogy. It's a piece of your heart laid bare for the world to see. Salaam Ashishbhai. ❤️

    ReplyDelete
  2. મને એમનો ફિલ્મકાર તરીકે ઝાઝો પરિચય નહીં પણ જલસોનાં તેમનાં એક કરતાં વધુ લેખો મને ગમ્યાં હતાં ને યાદ પણ છે. તમને અને લંચ કમિટીને તેમની વિદાયનો ફટકો કેટલો જોરથી લાગ્યો હશે એ આ વાંચી અને ફોટા જોઈ ખ્યાલ આવે છે. તૂટીની કોઈ બૂટી નહીં ન્યાયે તેમની ગેરહાજરી સહેવી જ રહી. હા, આ વ્યાવહારિક અને કેલક્યુલેટીવ દુનિયાદારીનાં દિવસોમાં, લંચ કમિટી અને મિત્રોની મૂડી અક્ષુણ્ણ રહે એવો શુભાશય.

    ReplyDelete
    Replies
    1. એમના સ્વભાવ, અવાજ દરેક વિશે એમને સહેજ પણ જાણતા દરેકનો અભિપ્રાય આવો જ હશે.. એવું નિખાલસ વ્યક્તિત્વ..

      Delete
  3. આશિષ કક્કડ ... અનેકાનેક યાદો...પ્રસન્ગો ... the memories from the 'theatre days' from Hutheesing Visual Arts Centre, the ANDHA YUG as a production and many other things ... the beginning of 'Theatre Group, Ahmedabad' and such immense, insightful and innovative contributions from so many ... Ashish, Bhavesh, Ghanshayam (who left us suddenly in 2019), Saumya, Abhijat, Shailesh, Rajoo etc. etc. etc. - the 'teamwork' - the dreams being lived, discussed, dissected - love, jokes, creativity, idiosyncrasies, brilliant ideas and inputs, collegial atmosphere - equality - fraternity - liberty BEING LIVED actually. You will always be in our hearts dear friend. Departed too early, but while I still think that there is nothing, if there is something, he/she/it may be looking for company of some wonderful people as well. Respect, Tributes, Eye-watering moments and memories fleet around and when Kiran Joshi gave me the news ... that feeling of 'being and nothingness' overwhelmed. You earned respect and love because you deserved those and you gave it back in multiples. My last memories are attending Narayanbhai Desai's GANDHI-KATHA in the evenings...and some quality time I had the privilege to share with you dear friend. E te hoa (in Maori language, it means Goodbye, Dear Friend). (Thank you Urvishbhai for a brilliant write up and we all know that you have done your best to put these in words about our lost friend but any number of words with deepest meanings will not be able to describe completely one of the dearest friends and a wonderful human being we were privileged to have amongst us).

    ReplyDelete
  4. Thank you for including me in this tribute to Ashish. I wish I could been part of those amazing "samvad sabha" at his home! He will be dearly missed. I am really saddened by the reminder that when I was in Amadavad last time, I couldn't meet you or Ashish despite the intentions. E vasavaso hammesha raheshe!

    ReplyDelete