Friday, February 22, 2013

નાટકની વર્કશોપઃ (કાચાપાકા) સર્જનનો આનંદ, સહિયારાપણાનો જલસો


એકાદ-બે બાબતોમાં મારું તંત્ર ચેખવની પ્રખ્યાત વાર્તા ડાર્લિંગની નાયિકા જેવું છે. જે મારા મનને સ્પર્શે એમાં હું ગળાડૂબ થઇ જાઉં- ઊંડે સુધી ખૂંપી જાઉં (અલબત્ત, મારાપણું ગુમાવ્યા વિના).

ગમવાની તીવ્રતા બહુ હોય તો મનના અનેક પ્રવાહોમાં ગમતો પ્રવાહ સૌથી ઉપર અને સૌથી પ્રભાવી રહે. તેનાથી મનમાં એક પ્રકારના ઝીણા પણ સ્થિર આનંદની અનુભૂતિ થતી રહે. એવું લાગે જાણે મનના ખૂણે આનંદના અર્કમાં ઝબોળાયેલું પૂમડું પડ્યું છે ને એમાંથી સતત પ્રસન્નતા પથરાય છે. બીજાં કામ કરતી વખતે પણ તેનો અહેસાસ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જેમ ચાલ્યા કરે.

અંગત અનુભૂતિની આટલી વાત કરવાનું કારણ એ કે છેલ્લા એકાદ અઠવાડિયાથી આવી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થઇ છે. તેનું નિમિત્ત અને કારણઃ નાટકની વર્કશોપ.

નાટક સાથે મારો નાતો બહુ ઓછો. નાટક ખાસ જોયેલાં- વાંચેલાં નહીં. તેના માટેનું આકર્ષણ નહીં.અને તેનો કશો વસવસો પણ નહીં. છતાં, છેલ્લા પંદર દિવસમાં પરિસ્થિતિ બદલાઇ. એના માટેની થોડીક ભોંય અગાઉ ગુજરાત સમાચાર-આઇએનટીની ફાઇનલ વખતે બની હતી, પણ તેનું આવું મજબૂત અનુસંધાન નીકળશે એવો ત્યારે અંદાજ ન હતો.
***

’માસ્ટર્સ ઇન માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ’ના અભ્યાસમાં આખું બીજું સેમેસ્ટર વર્કશોપ-પ્રધાન હોય છે. (૧૭ વર્ષના પત્રકારત્વના અનુભવ પછી હું શા માટે પત્રકારત્વનું ભણવા બેઠો, એની થોડી વાત ૮૦૦મી પોસ્ટમાં કરી છે. (૮૦૦મી પોસ્ટની લિન્ક) એમાં પ્રખ્યાત નાટ્યકાર નિમેષ દેસાઇ સાથે નાટકની બે અઠવાડિયાંની વર્કશોપ પણ ખરી.

ત્યાર પહેલાં પપેટ્રીની વર્કશોપ હતી. તેના સંચાલક વયોવૃદ્ધ મહિપત કવિ જાણીતા પપેટ-કળાકાર, પણ કદાચ કોઇ ગેરસમજણ કે પરંપરાને કારણે એ અમને કમ્યુનિકેશનને બદલે ક્રાફ્ટ શીખવવા બેઠા. એવું લાગે જાણે ચોથા ધોરણનાં બાળકો માટે વેકેશનમાં પેપરક્રાફ્ટનો ક્લાસ ચાલતો હોય. આટલું ઓછું હોય તેમ એ લેફ્ટ-રાઇટ ને દૂર હટો એ દુનિયાવાલોં, હિંદુસ્તાન હમારા હૈ ગીત પર અડધા કલાક સુધી બાળબોધી અભિનય કરાવે. તેમનો ઇરાદો નેક કે છોકરાંમાં શિસ્ત, દેશદાઝ જેવા ગુણ ખીલે, એમનો ઉત્સાહ ને જુસ્સો પણ જબરાં. છતાં, જુદીજુદી વિદ્યાશાખાઓમાં સ્નાતક થઇને કમ્યુનિકેશન ભણવા આવેલા વિદ્યાર્થીઓ માટે તે સાવ અપ્રસ્તુત લાગે. એક દિવસ એ વર્કશોપનો અનુભવ લીધા પછી અઠવાડિયા દરમિયાન તેમાં ફરી જવાની કદી ઇચ્છા ન થઇ. એ વર્કશોપના નામનું નાહી નાખ્યું. નાહ્યા પછી બહુ તાજગી લાગીઃ-)
પપેટ્રીની વર્કશોપના અંતેઃ મારો ક્લાસ માઇનસ હું
ત્યાર પછી નિમેષભાઇની વર્કશોપ શરૂ થઇ. એમાં પણ પહેલા દિવસે ન ગયો. કંઇક કામ હતું ને થોડો પપેટ્રીની વર્કશોપનો તાજો અનુભવ. બીજા દિવસે નિમેષભાઇની વર્કશોપમાં ગયો તો પણ શંકાશીલ મનથી. અધવચ્ચેથી ગયો, ને બેઠો પણ રૂમના બારણાની પાસે. વિચાર્યું હતું કે આપણે ક્યાં નાટક બાજુ જવું છે? ને આ વર્કશોપ પણ પપેટ્રી જેવી જ હશે તો? કલાકમાં કામનું બહાનું કાઢીને નીકળી જઇશ.
***
નિમેષ દેસાઇ / Nimesh Desai
નિમેષભાઇ સાથેનો પરિચય ગાઢ નહીં, પણ ખાસ્સો જૂનો. ૧૯૯૫-૯૬માં મારી પત્રકારત્વની કારકિર્દીના સાવ આરંભે મુંબઇ રહેતો હતો ત્યારે નિમેષ દેસાઇ રજનીકુમાર પંડ્યાની બહુ વખણાયેલી નવલકથા કુંતી પરથી હિંદી સિરિયલ બનાવતા હતા. અમદાવાદની કોઇ પોળમાં તેનું શૂટિંગ ચાલતું હતું. (મોહન ગોખલે સિરીયલમાં મોટો રોલ કરતા હતા.) એ વખતે અભિયાન જૂથના દૈનિક સમાંતર પ્રવાહ માટે નિમેષભાઇનો ઇન્ટરવ્યુ કર્યો હતો. ત્યાર પછી અલપઝલપ મળવાનું થયેલું. એમના વિશે અનેક દંતકથાઓ સાંભળેલી. તેમની બોલવાની લઢણની મિમિક્રી નાટક સાથે સંકળાયેલા દસમાંથી અગિયાર લોકો બહુ સન્નિષ્ઠ રીતે કરતા એ પણ સાંભળેલું. થોડાં વર્ષ પહેલાં, મિત્ર ચંદુ મહેરિયા આયોજિત ચર્ચામંચ અધિકારના ઉપક્રમે નિમેષભાઇએ ઉમાશંકર જોશીના નાટક ઢેડના ઢેડ ભંગીનું સરસ પઠન કર્યું હતું. એનું તો વિડીયો રેકોર્ડિંગ પણ જેવું થયું એવું કરીને યુટ્યુબ પર મૂક્યું હતું. ( નિમેષભાઇનું પઠન-૧,    નિમેષભાઇનું પઠન-૨ 
એ બધું બરાબર, પણ એનાથી વર્કશોપનું ભવિષ્ય ઉજળું બની જતું ન હતું.
***
પહેલા દિવસે નિમેષભાઇએ નાટકનાં મૂળભૂત તત્ત્વો અને પરિભાષાની વાત કરી. ત્યારે હું હાજર ન હતો. પછી તેમણે નાટકકેન્દ્રી રમતો રમાડવાનું શરૂ કર્યું. તેમાં અવાજના આરોહ-અવરોહ, અભિનય, સિચ્યુએશન, પઠન જેવાં પાસાં આવી જતાં હતાં. કુંડાળું વળીને ક્લાસમાં કે બહાર લોનમાં બેસવાનું. રોજ ચારેક કલાકના સેશનમાં ચાર-પાંચ ચીજો થાય. તેમાનું કેટલુંક બધાએ જુદાં જુદાં ગ્રુપમાં કરવાનું હોય.

તેનાથી સૌથી પહેલું અને મોટું કામ એ થયું કે સાત-આઠ મહિનાથી એક ક્લાસમાં બેસતાં છોકરા-છોકરીઓનાં જુદાં જુદાં ગ્રુપ વચ્ચેનું અદૃશ્ય અંતર ઓગળી ગયું. ઘણાએ સાત-આઠ મહિનામાં પહેલી જ વાર એકબીજા સાથે વાત કરી, તો કેટલીક જણસોના અસ્તિત્વનો પહેલી વાર ખ્યાલ આવ્યો. ક્લાસના ધ્રુવપ્રદેશમાં જાણે અચાનક મીઠો ઉનાળો બેસી ગયો ને થીજેલો બરફ ખળખળતી નદીમાં ફેરવાઇ ગયો.

હૂંફનું વર્તુળ વિસ્તર્યાનો આનંદ બીજા જેટલો જ મને પણ હતો. ક્લાસમાં સામાન્ય રીતે જાહેરમાં ’સર અને ખાનગીમાં કદાચ પેલા આપણાથી મોટા છે એ ભાઇ/ ફિલ્ડના સિનિયર તરીકે મોટા ભાગના ક્લાસમેટ્સમાં મારી ઓળખ હશે. તેમાંથી કેટલાક સાથે નિયમિત ધોરણે અલપઝલપ વાત થતી હોય, બીજા કેટલાક સાથે લટકસલામનો સંબંધ હતો જે પરીક્ષા વખતે, પેપર શરૂ થતાં પહેલાં અને પૂરું થયા પછીની વાતોને કારણે વિસ્તર્યો હતો. પણ ઘણા બધા સાથે તદ્દન અપરિચયમેં એવું વલણ રાખ્યું હતું કે ક્લાસમાં મારી હાજરી બને એટલી વરતાવા ન દેવી. કોઇ કંઇ પૂછવા ઇચ્છે, મદદ માગે કે વાતચીત કરવાનો ઉત્સાહ બતાવે તો તેની સાથે શાંતિથી વાત કરવી, પણ સામે ચાલીને મને ગણો, મને ગણો વાળા ધંધામાં ન પડવું.

નાટકની વર્કશોપ શરૂ થયા પછી મારા સહિત જુદાં જુદાં લોકો ને જૂથોનું એક ક્લાસ તરીકે નવું અસ્તિત્ત્વ ઉભું થઇ રહ્યું હોય એવું લાગ્યું. જુદી જુદી રમતોમાં અને ક્રિયા-પ્રક્રિયાઓમાં લોકોમાં રહેલા ચમકારા દેખાવા માંડ્યા. પંદર દિવસની વર્કશોપના અંતે કોઇ બાદલ સરકાર કે વિજય તેંડુલકર કે સૌમ્ય જોશી ન જ બની શકે, પણ પોતાના ગ્રુપ સિવાયના બીજા લોકોની ખૂબીનો પણ સૌને પરિચય થવા લાગ્યો. એકબીજા સાથેના વર્તનમાં મોકળાશ અને અમુક અંશે આત્મીયતા ભળ્યાં.

એક દિવસ ઇ-મેઇલ પર બધાને કંઇક મોકલવાની વાત થઇ, એટલે ક્લાસની એક-બે છોકરીઓએ કહ્યું કે એમનું ઇ-મેઇલ એડ્રેસ નથી. એ સાંભળીને સામાન્ય સંજોગોમાં તેમની છૂપી હાંસી થઇ હોત, પણ એવું ન થયું. બીજી છોકરીએ એમાં કશો વાંધો નહીં. એનાથી કશો ફરક નથી પડતો એવું કંઇક કહીને વાત વાળી લીધી. આપણા પ્રકારના’ ન હોય એ બધા હાંસીપાત્ર કે એલિઅન ગણાય, એવી માનસિકતા વ્યાપક બની રહી છે ત્યારે થિએટરની વર્કશોપ આવા કોઇ પણ પ્રકારની ખુલ્લાશ પેદા કરવામાં કે મનમાં રહેલી ખુલ્લાશને બહાર આણવામાં નિમિત્ત બની હોય તો, (મારે મન) વર્કશોપ વસૂલ છે.  
***
નિમેષભાઇનું અત્યાર સુધીનું એક સુખ એ પણ લાગ્યું કે એ આત્મકથામાં સરી પડતા નથી અને પોતાની ભૂતકાળની કે વર્તમાનકાળની પ્રવૃત્તિઓના અહેવાલો વિદ્યાર્થીઓના માથે મારતા નથી. વિદ્યાર્થીઓને કેવી રીતે વધારે તૈયાર કરી શકાય, એમાં જ તેમનું મુખ્ય ધ્યાન રહે છે. નાટક સિવાયના વિષયોમાં પણ મિત્રો આત્મકથાનાં છૂટાંછવાયાં પ્રકરણો વિદ્યાર્થીઓને કહેવાની લાલચ ટાળી ન શકતા હોય, ત્યારે નિમેષભાઇની આ સિદ્ધિની ખાસ નોંધ લેવી પડે.
***

બીજી નાટકકેન્દ્રી પ્રવૃત્તિઓ- રમતો પછી નાટક કરવા માટે નિમેષભાઇએ એક-એક શબ્દમાં વિષયો માગ્યા. તેમાંથી વિરોધાભાસ, ક્રાઇસિસ અને ટેવ- આ ત્રણ પર કામ કરવાનું નક્કી થયું. ત્રણ ટીમ બની. એક-બે દિવસ સૌએ ટીમ પ્રમાણે કામ કર્યું, પણ પછી એવું થઇ ગયું કે બધા સાથે જ છીએ. કોઇ અલગ નહીં. ધીમે ધીમે વિરોધાભાસની થીમ પરનું નાટક શરૂ થયું.

નાટક કે એ પ્રકારનું ફિક્શન લખવાનો મને કશો અનુભવ નથી. એના માટે જરૂરી એવી અમુક પ્રકારના ડીટેઇલિંગની આવડત કે એના માટેની વૃત્તિ પણ નથી. છતાં હાસ્યલેખોમાં સંવાદો લખવાની ફાવટના આધારે થોડું લખ્યું. ક્લાસના બીજા થોડા ઉત્સાહી અને હોંશથી ભાગ લેતા લોકો પણ ચર્ચા કરવામાં અને આઇડીયા લડાવવામાં સાથે ભળ્યા. વિરોધાભાસ અંગે બહુ ઝીણવટથી વિચાર્યા વિના, કેચલાઇન તરીકે મેં આ બે લાઇન આપી.

વિકાસ માટે કોઇકે તો ભોગ આપવો જ પડેજ્યાં સુધી એ કોઇક આપણે ન હોઇએ.
 સૂઇ જા, બેટા. નહીંતર બુલડોઝર આવશે ને વિકાસ કરી નાખશે.
બધાને અને નિમેષભાઇને પણ એ પસંદ પડી, એટલે આગળ લખવાનું શરૂ થયું. અવનવી ટેવો વિશે કામ કરતાં મિત્રોની વાતમાં રસ પડ્યો એટલે તેમની સાથે પણ જોડાયો અને એ થોડું લખ્યું. પરંતુ પહેલી વાર નિમેષભાઇ સમક્ષ એ વાંચી સંભળાવ્યું ત્યારે તેમણે બહુ ઉપયોગી દિશા આપી.

વિરોધાભાસમાં એમને ઘણો કસ દેખાતો હતો. અમે કરેલા સીન ટૂંકા હતા. તેમાં એમણે સરસ રીતે સામગ્રી પૂરી. વાતવાતમાં આવી જતા સટાકા, અવાજના નાટકીય આરોહ-અવરોહ, રમતિયાળપણું અને રમૂજો-આ ખાસિયતોને લીધે નિેમેષભાઇએ વિરોધાભાસની સ્ક્રીપ્ટમાં કેવળ સંવાદોને બદલે તેમાં નાટકીય તત્ત્વો ઉમેર્યાં અને ઉભાર્યાં. વચ્ચે વચ્ચે સમુહગાન તરીકે લાઇનો મુકવાનું તેમણે સૂચવ્યું. એટલે વિરોધાભાસ અને પછીથી નક્કી થયેલા ટેવો વિશેના બીજા નાટકમાં તાલમાં બોલી શકાય એવી લાઇનો લખવામાં બહુ મઝા આવી. બીજાં મિત્રોએ પણ થોડી સરસ લાઇનો આપી અને કોઇ પણ પ્રકારની કસર પૂરી કરવા માટે અથવા અસર જમાવવા માટે નિમેષભાઇ તો ખરા જ. 

આ માહોલને કારણે કોલેજથી ઓફિસે ગયા પછી પણ મનમાં નિમેષભાઇએ ગવડાવેલી લાઇનો ગુંજતી હોય કે રાત્રે પણ સ્ક્રીપ્ટ લઇને બેસવાનું- તેને આગળ વધારવાનું મન થાય. આપણું લખેલું ગવાતું કે ભજવાતું જોવાનો આનંદ જુદો હોય છે. રાજુભાઇ બારોટે એમના નાટક ચક્રથી ચરખા સુધીમાં મારા બે હાસ્યલેખ વાપર્યા, ત્યારે તેની ભજવણી જોઇને- લખાયેલા શબ્દનું જીવંત સ્વરૂપ જોઇને- મઝા પડી હતી. કંઇક એવી જ મઝા વિરોધાભાસ અને ટેવવાળી સ્ક્રિપ્ટમાં પણ આવી. એ સિવાય એક મિત્ર હરિશંકર પરસાઇની હાસ્યકથા ભોલારામકા જીવ લાવી હતી, તેની પરથી નિમેષભાઇએ સ્ક્રીપ્ટ કરાવી. બીજી મિત્રે આપેલી ગુલઝારની ૧૮૫૭ વિશેની હિંદી કવિતાનું પઠન પણ એ કરાવવા લાગ્યા.

એ ખરું કે બધા આ પ્રક્રિયામાં એકસરખી રીતે સામેલ થતા ન હતા. છતાં, સક્રિય ભાગ ન લેતા મિત્રોમાંથી મોટા ભાગનાને જે લોકો કરતા હોય એ કરે. આપણે શું?’ એવી વૃત્તિને બદલે, આ તો આપણું છે નો ભાવ થવા લાગ્યો. તખ્તો એવો જામ્યો કે રવિવારે પણ ઘણાખરા મિત્રો આવ્યા, કામ થોડું આગળ વધાર્યું, ડબ્બા ખોલીને સાથે જમ્યા અને સાથે આઇસક્રીમ ખાવા પણ ગયા. સામાન્ય રીતે રવિવારે મહેમદાવાદ છોડીને બહાર નીકળવાનું મને બહુ અકારું લાગતું હોય છે, પણ એ દિવસે ન લાગ્યું. મારા મિત્રપ્રેમી જીવને થોડા વધુ નવા સંભવિત મિત્રો મળ્યાનો આનંદ થયો. એમને શું લાગ્યું હશે, એ તો એ લોકો જાણે.
***
          અત્યારે અમે આખી પ્રક્રિયાના અંત તરફ આગળ વધી રહ્યાં છીએ. ૨૮ ફેબ્રુઆરીએ ફાઇનલ રજૂઆત છે. નાટકનો કે અભિનયનો કશો અનુભવ ન હોય એવા અમે સૌ, સ્ક્રિપ્ટના સ્તરે આવી એટલી જ મઝા ૨૮મીએ નાટકની રજૂઆતમાં આવે, એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.

૨૮મીએ શું થયું અને ત્યાર પહેલાં સ્ક્રીપ્ટ વાચન- લાઇનોના ગાયનમાં કેવી મઝા આવતી હતી તેની કેટલીક વિડીયો ૨૮મી પછી મૂકીશ. ત્યાં સુધી સૌ મિત્રોને ટીમ તરીકેનો આ જુસ્સો કાયમ ટકી રહે અને આપણા નજીકના પરિચયને દોસ્તીનો પાકો રંગ ચડે એવી શુભેચ્છા.

થિએટર-વર્કશોપની અમારી મંડળી
નરેશ, અંજલિ, અલ્પા, રાજેશ, અર્પિત, જૈમિન, દિલીપ વોરા, પુનિતા, ઉત્સવ, દિગિશા, માનસી શાહ, ઉર્વીશ, માનસી મુલિયા, નિકિતા, શૈલી, દિલીપ કાપડિયા, કિશન, રવિ, દીપક, સુરભિ, જ્યોતિ, વિઓલા
(તસવીરો- શૈલી ભટ્ટ) 

10 comments:

  1. નિમિષભાઇ જોડે ભૂતકાળમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. નાટક એટલે મારો તો જીવ...

    ReplyDelete
  2. Superb piece. All the very best for the 28th!

    ReplyDelete
  3. તમને વર્કશોપમાં મજા આવી, મને વાચવાની મજા આવી.

    ReplyDelete
  4. વાહ, જમાવટ છે...
    લગે રહો...
    અને જોવા બોલાવજો...

    ReplyDelete
  5. દીપક સોલિયા5:25:00 PM

    વાહ... જાતે પ્રવાસ ખેડ્યા વિના ફક્ત પ્રવાસવર્ણન (સારી રીતે લખાયેલું પ્રવાસવર્ણન) વાંચીને જેમ મજા પડે એમ દૂર બેઠાં બેઠાં આ બધું વાંચીને પણ ઘણો આનંદ અનુભવાયો.
    ભગવાન આવાં 'અણધાર્યાં બોનસ' સૌને આપે.

    ReplyDelete
  6. Anonymous2:55:00 PM

    ’સૂઇ જા, બેટા. નહીંતર બુલડોઝર આવશે ને વિકાસ કરી નાખશે.’

    ReplyDelete
  7. As urvish sir has rightly said that this workshop actually helped us a lot in breaking the ice between us.
    અમારા ક્લાસ માં બહુ ઓછા એવા મિત્રો છે જેને થિયેટર સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ હોય! અને માટે અહી મુખ્ય ઉદ્દેશ માત્ર શીખવાનો હતો બધા પોતપોતાની કોરી પાટી લઇ ને આવ્યા હતા... without any notions and pre notions... મારા મતે આ પણ એક કારણ હોઈ શકે કે જેથી વર્કશોપ માં મજા આવી અને અને મિત્રતા સાધવાનો મોકો મળ્યો .

    ઉર્વિશ સર is always been a supportive hand in the class, he will make sure that his presence wont make us uncomfortable. વર્કશોપ માટે ના એમના ઉત્સાહ અને involvement એ અમને પ્રોત્સાહિત કર્યા. ખાસ બનાવેલા 3 ગ્રુપ માં જયારે હું અમારા ગ્રુપ વિષે એમને વાત કરવા ગઈ અને કહ્યું ક સર we are not in your group but we need your suggestion ત્યારે તેમણે કહ્યું કે આ આપણી બધા ની જવાબદારી છે કે કામ સારું થાય એમાં ગ્રુપ તો માત્ર નામ ના જ છે પણ we all have to work together and make it an interesting learning process. and Thats it! we listened, we shared, we said, we argued and we agreed!

    મારી વાત કરું તો હું એ શીખી કે, people may not agree with you and they differ but make sure that you accept it when they differ for better!
    અને લખાયેલા શબ્દો ની લાગણી ને વાંચતા ના આવડે તો એ સંવાદ ના બની શકે.

    ક્લાસ ના બ્રેક મેં લાવતા ગાંઠીયા, ખમણ અને મરચાની મજા એ સ્કૂલના દિવસો યાદ કરવ્યા અને sunday ક્લાસ અને સમૂહ ભોજનનો જલસો miss કરશું અને સૌથી વધુ યાદ આવશે નિમેષ સર અને એમના ગીતો અને એમના compositions ની જેમાં થી અમૂક તો એન્થમ બની ગયા છે.

    અને જ્યાં સુધી વાત પરફોર્મન્સ ની છે તો definitely its much more exciting than a "ppt presentation or assignment"!

    ReplyDelete
  8. ખંડમાં આંખ છતની વરસતી રહી કોઈ ચાલ્યું ગયું;
    શૂન્યતા ખાલી ખીંટીને ડસતી રહી કોઈ ચાલ્યું ગયું.

    છાપરું શ્વાસ રૂંધી ધીમાં ધીમાં પગલાંઓ ગણતું રહ્યું,
    ભીંત ભયભીત થઈને કણસતી રહી કોઈ ચાલ્યું ગયું.

    બારીએ બારીએ ઘરના ટુકડાઓ બેસીને જોતા રહ્યા,
    સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું.

    બેક પગલાંનો સંગાથ આપીને પડછાયા ભાંગી પડ્યા,
    શેરીનાકામાં બત્તીઓ ભસતી રહી કોઈ ચાલ્યું ગયું.

    - રમેશ પારેખ

    રમેશ પારેખની આ રચના વાસ્તવિકતા બનશે એવો વિચાર સુધ્ધા મનમાં નહોતો.જેમ પ્રિયજનનું અચાનક વિદાય થવું એટલે નર્યા વિષાદનું ખાબકવું.કોઇ ગમતાની ગેરહાજરીથી જેમ ખાલીખાલી લાગે કાઇક એવી જ લાગણી પ્રસરી ગઇ છે દિલોદિમાગમાં... માંડ બાંધેલો માળો નજર સામે વિખાઇ ગયો. મારો થિયેટરનો એ વર્કશોપ પુરો થઇ ગયો દોસ્તો....ભલે આંખમાં આંસું નથી પણ 15 દિવસનો એ વર્કશોપ પુરો થયો અને ઘેરા વિષાદનું પોત રચતો ગયો છે.જેની અસર મનમાંથી જવાનું નામ જ નથી લેતીને..જેમ સાકળો બારણે હાથ ઘરતી રહી એમ હું એને ફરી પામવાની ઝંખના સાથે ઉભો રહી ગયો... મારો એ થિયેટર વર્કશોપ પુરો થઇ ગયો દોસ્તો....
    માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઇ જાય,ઘડી પહેલા જે ઘર કહેવાતું હોય અને ક્ષણમાં દિવાલ થઇ જાય.. કાઇક આવું જ અનુંભવી રહ્યો છું,,,,,


    ReplyDelete
  9. સર કાસ તમે અમારી સાથે વિદ્યાપીઠમાં હોત તો કેવી મજા પડેત તમારી જોડેથી થોડું સીખવા મળેત

    ReplyDelete