Monday, February 18, 2013
યંત્ર મટીને મિત્ર બનતા ‘સામાજિક રોબોટ’
રોબોટની ઉત્ક્રાંતિઃ સિદ્ધિ કે સમસ્યા? (૧)
ચારેક વર્ષ પહેલાં અંગ્રેજીમાં એક પુસ્તક આવ્યું હતું : ‘લવ એન્ડ સેક્સ વિથ રોબોટ્સઃ ધ ઇવોલ્યુશન ઓફ હ્યુમન-રોબોટ રીલેશનશિપ’. ડેવિડ લેવીએ લખેલું આ પુસ્તક વાંચવાનું બન્યું નથી, પણ એ પુસ્તકનો કેન્દ્રવર્તી વિચાર હતોઃ માણસ અને રોબોટ વચ્ચે વધતી નિકટતા. (આડચેતવણીઃ આ કે બીજી કોલમોમાં ઉલ્લેખાતાં પુસ્તકો લેખકોએ હંમેશાં વાંચ્યાં જ હોય - અને વાંચ્યા પછી પણ તે સમજ્યા જ હોય- એવું માની લેવું નહીં.)
‘રોબોટ’ની અસલ કલ્પના માણસના આકારના બુદ્ધિશાળી યંત્રની હોવાથી, અત્યાર લગી રોબોટ ‘યંત્રમાનવ’ તરીકે ઓળખાતા રહ્યા છે. તેમનો બાહ્ય દેખાવ, નાકનકશો અને અંગોપાંગો પણ માણસ જેવાં બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. એમાં કશું ખોટું નથી. કારણ કે માણસનાં વિવિધ અંગ ઉત્ક્રાંતિની આકરી પરીક્ષામાંથી પાસ થઇને વર્તમાન આકાર પામ્યાં છે. સમસ્યા એ છે કે માણસની કામગીરીને લગતી ઘણી જરૂરિયાતો માટે રોબોટનો ‘મનુષ્ય અવતાર’ કામ લાગતો નથી. ફેક્ટરીમાં વજન ઉંચકવાથી માંડીને બગીચામાં ઘાસ કાપવા સુધીનાં અનેક કામ માટે એવા રોબોટ વપરાય છે, જેમે ચહેરેમહોરે માણસ જોડે દૂરદૂરનો સંબંધ હોતો નથી. તેમનાં કદ પણ રાક્ષસીથી માંડીને ટચૂકડાં હોઇ શકે છે. એવા રોબોટને યંત્રમાનવ કહેવામાં આવે તો યંત્ર અને માનવ- બન્નેની ઓળખમાં ગુંચવાડા ઊભા થાય.
જાપાનની ‘સોની’ કંપનીએ બનાવેલો અત્યાર સુધીનો સૌથી લોકપ્રિય અને જથ્થાબંધ ‘વસ્તી’ ધરાવતો રોબોટ ‘આઇબો’ (આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ રોબોટ) દેખાવમાં કૂતરા જેવો હતો. ૧૯૯૯થી ૨૦૦૬ સુધીમાં તેનાં આશરે ૧ લાખ ૪૦ હજાર નંગ વેચાયાં. એ રોબોટનું ગુજરાતી શું કરીશું? ‘યંત્રમાનવ’ તો નહીં જ. ‘યંત્રશ્વાન’ પણ શા માટે કરવું? આમ, બધા પ્રકારના રોબોટ માટે ‘યંત્રમાનવ’ને બદલે ‘યંત્રસાથી’ કે ‘યંત્રમિત્ર’ જેવો શબ્દપ્રયોગ વધારે ઠીક લાગે છે.
ઉત્ક્રાંતિ વખતે મનુષ્યોની સાથે અને સમાંતરે સાવ જુદા પ્રકારની ક્ષમતા અને મર્યાદા ધરાવતા જીવો પાંગરી રહ્યા હતા, એવું જ કંઇક આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ અને રોબોટિક્સના ક્ષેત્રે થઇ રહ્યું છે. મુખ્ય તફાવત હોય તો એટલો સજીવસૃષ્ટિની ઉત્ક્રાંતિનો દોર પ્રકૃતિના હાથમાં - અને માણસના કાબૂની બહાર - હતો, જ્યારે રોબોટની ઉત્ક્રાંતિ સંપૂર્ણપણે માનવજાતનું સર્જન છે. બુદ્ધિમતા અમુક હદથી વધી જતાં રોબોટ માનવજાતને ગુલામ બનાવી દેશે કે તેની પર રાજ કરતા થઇ જશે, એવી બીક સાહિત્યમાં દાયકાઓથી વ્યક્ત થતી રહી છે. એ કલ્પના સાવ કાઢી ન નાખીએ તો પણ, તેના સાકાર થવાની શક્યતા બહુ ઓછી છે. તેની સરખામણીમાં, લેખના આરંભે જેનો ઉલ્લેખ કર્યો એ પુસ્તકમાં રજૂ થયેલી કલ્પના વાસ્તવિકતાની ઘણી વધારે નજીક છે. બલ્કે, અમુક હદે તે વાસ્તવિકતામાં પલટાઇ પણ ચૂકી છે.
ડેવિડ લીવે અટકળ કરી હતી કે શુષ્ક, ઠંડાગાર અને યાંત્રિક લાગતા રોબોટ ધીમે ધીમે માનવજાતના પ્રીતિપાત્ર બનતા જશે- માણસને સાથીપણાનો અહેસાસ આપવા લાગશે. આ દલીલને ટેકો આપતાં લેવીએ પાળેલાં પશુપંખીઓથી માંડીને વર્ચ્યુઅલ પાત્રો પ્રત્યે માણસજાતના લાગણીના સંબંધોની- આસક્તિની વાત કરી હતી અને કહ્યું હતું કે આ જ ક્રમમાં હવે રોબોટનો વારો આવશે.
ડેવિડ લેવી કલ્પનાના ઘોડા દોડાવનાર વાર્તાકાર નહીં, પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના નિષ્ણાત છે. તેમની અભ્યાસ-આધારિત કલ્પના છે કે ઇ.સ.૨૦૫૦ સુધીમાં માનવ અને રોબોટ વચ્ચે એકદમ નિકટના તમામ પ્રકારના સંબંધ સ્થપાઇ શકે છે. લેવી અને એ ક્ષેત્રના બીજા નિષ્ણાતોની આ પ્રકારની આગાહીઓમાં કેટલું તથ્ય છે, એ જાણવા માટે ભવિષ્યની રાહ જોવી પડે એમ નથી. રોબોટની ઉપયોગિતા અને તેમની સાથે બંધાનારા લાગણીના સંબંધોના પરચા મળવાના શરૂ થઇ ગયા છે.
ગયા વર્ષે પ્રગટ થયેલા એક અખબારી અહેવાલમાં સામાજિક કામગીરી કરતા ‘સોશ્યલ રોબોટ’ વિશે વિગતે માહિતી આપવામાં આવી હતી. જેમ કે, લકવાના હુમલા પછી સારવાર મેળવતા દર્દીઓના રેહેબિલિટેશન સેન્ટરમાં દર્દીઓની દેખરેખ રાખનારા રોબોટ. ડાઉની, કેલિફોર્નિયાના આ સેન્ટરમાં ‘બેન્ડિટ’ નામનો એક યંત્રમિત્ર દર્દીઓની શારીરિક સ્થિતિ પ્રમાણે તેમને કસરત કરાવે છે. ૧ થી ૧૦ સુધીના આંકડા લખ્યા હોય એવી પેનલ પર દર્દીઓ બેસે. ત્રણ ફૂટિયો ‘બેન્ડિટ’ એમને સૂચનાઓ આપે. જેમ કે, ‘સાત નંબરનું બટન તમારા જમણા હાથે દબાવો.’
કસરતમાં દર્દીઓ ભૂલી કરે એટલે તરત ‘બેન્ડિટ’ તેમને ટોકે અને સરસ કસરત થાય તો એ અભિનંદન પણ આપે. આ રીતે જે થાય તેને પરંપરાગત અર્થમાં ‘વાતચીત’ ભાગ્યે જ કહી શકાય, પણ ‘બેન્ડિટ’ અને એના જેવી સામાજિક કામગીરી કરતા બીજા રોબોટ પર સંશોધન કરનારા યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના એક અભ્યાસી એરિક વેડે પાંચ વર્ષના અનુભવોમાં નોંઘ્યું કે દર્દીઓ ‘બેન્ડિટ’ રોબોટ સાથે વાતો કરતા હતા, એ અભિનંદન આપે ત્યારે મરકતા હતા, તેનાં અભિનંદન મેળવવા માટે કસરત અને ટેસ્ટમાં બહેતર બનવા પ્રયાસ કરતા હતા.
‘બેન્ડિટ’ માણસ નથી, પણ સર્કિટ અને વાયરોનું ગૂંચળું છે એ બરાબર જાણવા છતાં, કેટલાક દર્દીઓ તેને લાગણીવશ થઇને ભેટવાનો પ્રયાસ પણ કરતા હોવાનું એરિકને જાણવા મળ્યું. હોસ્પિટલમાં અને ઘરમાં દર્દીઓ કે ચોક્કસ પ્રકારની માનસિક મર્યાદાઓ ધરાવતાં બાળકો ‘બેન્ડિટ’ જેવા રોબોટ સાથેના સંબંધો પછી તેમના હેવાયાં થઇ જતાં હોવાનું પણ અભ્યાસીઓનેે જોવા મળ્યું છે. અમેરિકા જેવા દેશોમાં સમુહકેન્દ્રીને બદલે વ્યક્તિકેન્દ્રી સમાજની બોલબાલા હોય અને એકલવાયાપણું મુખ્ય સમસ્યાઓમાંની એક હોય, ત્યારે ‘વસ્તી’નો અહેસાસ આપતા અને સેવા કરવા ઉપરાંત સાથ આપતા રોબોટ બહુ વહાલા લાગે એમાં ખાસ આશ્ચર્ય નથી.
સામાજિક કામગીરી કરતા સોએક પ્રકારના રોબોટ અત્યારે વિશ્વભરમાં સક્રિય છે. તેમાં ઘરકામ કરનારાથી માંડીને પાળેલાં પશુપંખીઓનો અહેસાસ આપનારા જુદા જુદા આકારપ્રકારના રોબોટનો સમાવેશ થાય છે. અત્યાર લગી જેનાં સાઠેક લાખ નંગ વેચાઇ ચૂક્યાં છે એવા ‘રુમ્બા’ રોબોટ દેખાવમાં જરાય માણસ જેવા નથી. છતાં તેની લોકપ્રિયતા જોઇને કોઇને પણ ‘યે રુમ્બા રુમ્બા ક્યા હૈ?’ એવું પૂછવાનું મન થાય.
જ્યોર્જિયાની ટેક કોલેજ ઓફ કમ્પ્યુટિંગના અભ્યાસ પ્રમાણે, રુમ્બાનો ઉપયોગ કરનારા લોકોમાંથી ઘણા તેને મશીન નહીં, પણ પરિવારના સભ્ય સમકક્ષ ગણવા લાગે છે. કેટલાક તો એની સાથે વાતો કરતા હોવાનું પણ નોંધાયું છે. એ ‘બિમાર’ પડે તો કામ અટકી પડે એટલા માટે નહીં, પણ લાગણીવશ થઇને ઉદાસ થઇ જનારા લોકો પણ હોય છે.
ફક્ત સામાજિક માણસો જ નહીં, કઠણ હૃદયના ગણાતા સૈનિકો પણ રોબોટ સાથે લાગણીનો નાતો અનુભવતા થઇ જાય છે. ‘વોશિંગ્ટન પોસ્ટ’માં નોંધાયેલા એક પ્રસંગ પ્રમાણે, ઇરાકમાં ફરજ બજાવતા અમેરિકન સૈનિકો બોમ્બ નિષ્ક્રિય બનાવવા માટે ‘સ્કૂબી-ડૂ’ નામનો એક રોબોટ વાપરતા હતા. એ રોબોટ એકાદ વિસ્ફોટમાં ઘાયલ થયો, ત્યારે કોઇ ઇજાગ્રસ્ત સિપાહીને લવાય એટલી જ કાળજીથી ‘સ્કૂબી-ડૂ’ને રીપેરીંગ માટે લઇ જવામાં આવ્યો. પરંતુ તેને થયેલું નુકસાન એટલું મોટું હતું કે રોબોટના ‘ડોક્ટરે’ માથું ઘુણાવીને ના પાડી દીધી અને ‘સ્કૂબી-ડૂ’ના બદલામાં નવો રોબોટ આપવાની તૈયારી બતાવી. ત્યારે તેની સાથે રહેલા સૈનિકે સાફ ના પાડીને કહ્યું કે ‘મારે તો સ્કૂબી-ડૂ જ જોઇએ છે.’
Subscribe to:
Post Comments (Atom)
ReplyDelete'ડેવિડ લેવી કલ્પનાના ઘોડા દોડાવનાર વાર્તાકાર નહીં, પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના નિષ્ણાત છે.' અને છતાં 'ડેવિડ લીવે અટકળ કરી હતી કે શુષ્ક, ઠંડાગાર અને યાંત્રિક લાગતા રોબોટ ધીમે ધીમે માનવજાતના પ્રીતિપાત્ર બનતા જશે- માણસને સાથીપણાનો અહેસાસ આપવા લાગશે.' એવા બંને વિધાનોને જક્ષ્ટાપોઝ કરીને વાંચીએ છીએ તો લાગે છે કે આધુનિક સીવીલાઈઝેશને સર્જેલા ઈમોશનલ વેક્યુમ, ફાઈડલીટી ક્રાઈસીસ જેવા સામાજિક અલગાવમાં પણ જીવનને એક વૈકલ્પિક સધિયારો મળી શકે ! માનવીની ભૌતિક કરતા પણ વિશેષ તો ભાવનાત્મક જરૂરિયાતોના માહિર એવા, કલ્પના આધારિત સાહિત્ય લખતા લેખકો પણ લેવીને એમની શોધની વિવિધ 'એપ્લીકેશન' માટે સારું એવું ભાથું આપી શકે. વિજ્ઞાન અને સાહિત્ય એકબીજાની મદદે લાગીને આવતી કાલના પડકારોને પહોંચી વળવા પ્રયત્ન કરે તો એ કોલેબરેશન આવકાર્ય લેખાવું જોઈએ. અને આ સહયોગથી રોબોટીક્સ એક 'સમસ્યા' નહિ બલકે એક 'સિદ્ધિ' સાબિત થઇ શકે.