Thursday, February 21, 2013

સુરંગતરંગ : બાકોરામાંથી ગુજરાતદર્શન

પુરાતત્ત્વવિદો ખાસ સાધન વડે ધીમે ધીમે ખોદકામ કરીને, દટાયેલાં નગર કે તેની ચીજવસ્તુઓ શોધવાની મહેનત કરે છે. તેમના કરતાં અમદાવાદની સાબરમતી જેલના કેટલાક કેદીઓની નૈતિક ભૂમિકા વધારે ઊંચી ગણાય. કારણ કે એ લોકોએ કોઇ ભૌતિક ઉપલબ્ધિ માટે નહીં, પણ મુક્તિ જેવા ઉચ્ચ આદર્શ માટે ધીમી ગતિએ ખોદકામ આદર્યું હતું. તેમની કામગીરી જાહેર થઇ ત્યારે જમીન તળેથી આખું શહેર મળી આવે એના કરતાં પણ મોટા સમાચાર બન્યા. એ જોઇને ઘણા પુરાતત્ત્વવાળા માથું ખંજવાળીને વિચારતા હશેઃ ‘આપણે આખેઆખી વસાહતો શોધી કાઢીએ તો પણ આપણને કોઇ સૂંઘતંુ નથી ને પેલા કેદીઓએ આટલા વિસ્તારમાં ખોદાણ કર્યા પછી પણ ફક્ત માટી જ કાઢી, છતાં એમની આટલી બધી પબ્લિસિટી? ખરેખર, સજ્જનોનું આ દુનિયામાં કામ જ નથી.’

સુરંગકાંડથી મુખ્ય મંત્રી જરા જુદી રીતે દુઃખી થઇને કહી શકે છે. ‘આ ઘટના ગુજરાતના બદનામ કરવાનું કાવતરું છે. ગુજરાતમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે તેજી છે. મોટી મોટી કંપનીઓ આઘુનિક મશીનો સાથે ગુજરાતમાં કામ કરે છે, પણ બાંધકામ- ખોદકામ માટે ચમચી અને થાળીનો ઉપયોગ કરીને આ ગુજરાતવિરોધી ટોળકી ગુજરાતનું પછાતપણું સાબીત કરવા માગે છે મિત્રો..’

સાબરમતી જેલમાં મળી આવેલી સુરંગ પછી જેલની બહાર પણ સઘન તપાસ કરવામાં આવે તો, બીજે ક્યાં સુરંગો મળી આવવાની સંભાવના રહે? અમદાવાદ-ગાંધીનગરનાં સંભવિત સુરંગકેન્દ્રો અને તેમને લગતા કાલ્પનિક અહેવાલ.

કોંગ્રેસહાઉસ

અમદાવાદમાં કોંગ્રેસહાઉસના મકાનની બરાબર નીચે સુરંગ ખોદાતી હોવાનાં એંધાણ મળ્યાં છે.  આ એક જ મકાનની નીચેથી ખોદાતી પાંચ-છ સુરંગોમાંથી કેટલીક પંદર-વીસ વર્ષ જૂની હોય એવી લાગે છે. એ બધી સુરંગોની દિશા ગાંધીનગરના મુખ્ય મંત્રીનિવાસ તરફની છે, પણ હજુ અમદાવાદના પાદર સુધી પણ એ પહોંચી નથી. કારણ કે દરેક જૂથને પોતાની સુરંગ ખોદવા કરતાં, તેમાંથી નીકળેલી માટી લઇને બીજા જૂથની સુરંગ પુરી દેવામાં વધારે રસ હોય એવું લાગે છે. એટલે હજુ આ સુરંગોમાંથી કઇ ક્યારે ગાંધીનગર પહોંચશે એ કહેવું અઘરું છે.

સુરંગ ખોદવાનું કામ જે ગતિએ ચાલે છે, એ જોતાં સાબરમતી જેલના કેદીઓએ કદાચ ઓજાર વાપર્યાં હોય, પણ કોંગ્રેસીઓ ખરેખર ચમચી અને થાળી લઇને જ ગાંધીનગર સુધીની સુરંગ ખોદતા હશે. થાળી-ચમચીથી સુરંગ ખોદવાના કામને ‘મહાત્મા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના’ અંતર્ગત આવરી લેવાની દરખાસ્ત પણ ગુજરાત કોંગ્રેસ તરફથી રજૂ થાય એવી સંભાવના છે.

નવાઇની વાત એ છે કે કોંગ્રેસહાઉસ નીચેથી નીકળતી એક સુરંગ દિલ્હીમાં અહમદ પટેલના નિવાસસ્થાન નીચેથી નીકળે છે. એ વર્ષોથી બંધાઇ ચૂકી હોય અને સતત વપરાઇને જીર્ણ થઇ ગઇ હોય એવી લાગે છે.

મુખ્ય મંત્રીનિવાસ

ગાંધીનગરમાં આવેલા મુખ્ય મંત્રીનિવાસ નીચેથી ઘણી સુરંગો મળી આવી છે. કેટલીક સુરંગો દિલ્હીનાં અંગ્રેજી છાપાં ને ટીવી ચેનલોની ઓફિસની નીચે નીકળે છે. તેમનું બાંધકામ પૂરું થઇ ગયું છે અને એ નિયમિત વપરાતી હોય એવી એંધાણી મળી છે. એક સુરંગ નાગપુરમાં આવેલા સંઘના કાર્યાલય પાસે નીકળે છે. એ પણ તૈયાર અને નિયમિત વપરાશમાં હોય એવી લાગે છે. બીજી કેટલીક સુરંગો બીજા રાજ્યોના મુખ્ય મંત્રીઓના નિવાસની દિશામાં બંધાઇ રહી છે, પણ હજુ એ પૂરી થઇ નથી. બધી સુરંગો ખોદવાનું કામ ખર્ચની ચિંતા કર્યા વિના ઇન્ટરનેશનલ કંપનીઓને સોંપાયેલું છે. એક સુરંગનું કામ હજુ શરૂ થયું નથી, પણ તેનું સર્વેક્ષણ ચાલુ હોય એમ લાગે છે. એ સુરંગ સીધી અમેરિકા નીકળવાની હોય એવું લાગે છે. સૌથી વઘુ ઘ્યાન ખેંચતી એક સુરંગ દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસની દિશામાં આગળ વધતી જણાય છે. તેના પ્રવેશદ્વાર પાસે મોટું બોર્ડ જોવા મળે છેઃ ‘કામ ચાલુ, (બીજા માટે) રસ્તો બંધ’.

વાઇબ્રન્ટ ગુજરાત

દર બે વર્ષે  વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થાય છે, એ જગ્યાની નીચે ઉત્ખનન કરતાં કેટલીક ટૂંકી ને અઘૂરી સુરંગો મળી છે. તેમનો ઉપયોગ જોકે સુરંગ તરીકે નહીં, પણ જૂનાં વખતનાં ભોંયરાંની જેમ વધારે થયો હોય એવું લાગે છે. તેમાં અત્યાર સુધીના ‘વાઇબ્રન્ટ ગુજરાત’ની મોંઘાદાટ કાગળ પર કરોડો રૂપિયાના ખર્ચે છપાયેલી સ્ટેશનરી અને પ્રચારસાહિત્યના ઢગલેઢગલા ખડકાયેલા છે. તપાસ કરતાં જાણવા મળે છે કે સામાન્ય પરંપરા તો આવી સામગ્રીનો બારોબાર નિકાલ કરી દેવાની કે વર્ષો સુધી તેમને સરકારી તિજોરીમાં મૂકી રાખવાની હતી. પણ ગુજરાતનો વિકાસ થયા પછી પ્રચારસામગ્રી એટલા મોટા જથ્થામાં હોય છે કે ટ્રક ભરીને તેમનો નિકાલ કરી શકાય નહીં કે પસ્તીમાં પણ આપી શકાય નહીં. એટલે તેમને ભોંયરામાં ખડકવાનો ઉપાય યોજવામાં આવ્યો છે. લાંબા ગાળે આ સ્ટેશનરીનું કુદરતી ખાતરમાં રૂપાંતર થતાં તેની પાછળ કરેલો ખર્ચ નકામો નહીં ગણાય.

મોટાં ઉદ્યોગગૃહોની કોર્પોરેટ ઓફિસ

ગુજરાતમાં કેટલાંક મોટાં  ઉદ્યોગગૃહોની ઓફિસ નીચે અન્ડરગ્રાઉન્ડ રેલવે માટેનાં ભોંયરાંને શરમાવે એવી એકથી વધારે પાકી સુરંગો જોવા મળી છે. કેટલીક સુરંગો ગાંધીનગર સુધી એક હોય અને ત્યાં પહોંચ્યા પછી તે મુખ્ય મંત્રીનિવાસ, વિરોધ પક્ષના નેતાનો નિવાસ, પક્ષપ્રમુખનિવાસ એવી જુદી જુદી દિશામાં ફંટાઇ જાય છે. કેટલાંક રાષ્ટ્રિય ઉદ્યોગગૃહોએ તો દિલ્હી સુધીની ‘ફોર લેન’ સુરંગો બનાવી છે.

હવે ખબર પડી કે દેશમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે તેજી કેમ છે?

રહેણાંક વિસ્તારો

સુરંગસમિતિ પહેલાં અમુક સ્થળે શંકાના આધારે સુરંગની તપાસ કરતી હતી, પરંતુ એક દિવસ અનાયાસે કોઇ ફ્‌લેટની બહાર ગેસની લાઇન માટેનું ખોદકામ ચાલુ હતું, ત્યારે સુરંગ જેવું કંઇક મળી આવ્યું. એ સમાચાર જાણ્યા પછી સમિતિએ વઘું તપાસ આદરી તો દરેક ફ્‌લેટની નીચે સુરંગ ખોદાતી હોવાનું જણાયું છે. કેટલાંક સિનિયર સિટિઝન મંડળોએ  બાકાયદા ‘સુરંગફી’ ઉઘરાવીને કામ ચાલુ કરાવ્યું હોય એવું લાગે છે.

સિનિયર સિટિઝનોને સુરંગ બંધાવવાની શી જરૂર પડી હશે? તપાસ કરતાં જણાયું છે કે રસ્તા પર વધી ગયેલા ટ્રાફિકને કારણે  વડીલોને રસ્તે ચાલતાં બહુ બીક લાગે છે. એના લીધે ઘરની બહાર નીકળે નહીં તો અનેક પ્રશ્નો ઊભા થાય છે. એટલે ઘરની બહાર નીકળી શકાય અને ખાસ તો, બહાર નીકળ્યા પછી સહીસલામત ઘરે પાછા ફરી શકાય એ માટે તેમણે સુરંગનું કામ ચાલુ કરાવ્યું છે. મોટાં ભાગનાં મંડળોએ ભંડોળના અભાવે, કેદીઓ પાસેથી પ્રેરણા લઇને જાતે જ થાળી-ચમચી વડે સુરંગ ખોદવાનું શરૂ કર્યું છે.

વિસ્થાપિતોની કોલોની

સિદ્ધરાજ જયસિંહના રાજમાં પાણીનો ‘વિકાસ’ થાય એ માટે બત્રીસ લક્ષણા વીર માયાનું બલિદાન આપવામાં આવ્યું હતું, એવી કથા છે. વર્તમાન સમયમાં પણ શહેરોમાં રીવરફ્રન્ટથી માંડીને બીજા અનેક પ્રકારના વિકાસ માટે કેટલાક લોકોને ‘ફરજિયાત શહીદ’ બનાવીને, તેમને શહેરથી દૂર ઊભી કરાયેલી વસાહતોમાં મોકલવામાં આવે છે. એવી કેટલીક વસાહતો નીચે પણ સુરંગો ખોદાતી હોય એવું જોવા મળ્યું. સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે નવી જગ્યાએથી જૂના કામ પર જવા માટે એમને એટલું ભાડું ખરચવું પડે છે કે એ પોસાતું નથી. જૂના જમાનામાં સુરંગ શોર્ટકટ માટે પણ બનાવાતી હતી, એવું ઘરડાંબુઢાં પાસેથી જાણ્યા પછી, એમણે નવી જગ્યાએથી કામના સ્થળે ઝડપથી અને સસ્તામાં પહોંચવા માટે સુરંગ બનાવવાની કામગીરી હાથ ધરી છે.  પરંતુ તેમની સુરંગ પૂરી થઇ રહે ત્યાં સુધીમાં શહેર વિકસતું વિકસતું તેમના સુધી પહોંચી જશે અને તેમને નવેસરથી વિસ્થાપિત થવાનું આવશે તો? એવો સવાલ સુરંગસમિતિના મનમાં થયો, પણ વિસ્થાપિતોનો ઉત્સાહ ટકાવી રાખવા માટે એ સવાલ સત્તાવાર અહેવાલમાં મુકવામાં આવતો નથી.

3 comments:

  1. diya shah9:01:00 AM

    સુરંગ ક્ષેત્ર માં ગુજરાત ને નંબર 1 નો એવોર્ડ આપી શકાય !!!

    ReplyDelete
  2. ગિરિરાજ4:21:00 PM

    આ સુરંગકથામાં થોડા વખત પછી એવું જાહેર થશે કે એ તો ગટરલાઇન બનાવવા માટે આ પ્રકારનું ખોદકામ થયેલ હતું અને પછી આખી વાત જ દબાઇ જશે. આમેય ભયજનક ઝડપે વિકાસ પામતી પ્રજા માટે સુરંગકાંડનું કોઇ જ મહત્વ નથી. એમને તો કોઇ પણ ભોગે બસ કહેવાતો વિકાસ જ ખપે છે.

    ReplyDelete
  3. Anonymous1:53:00 PM

    એક કહેવત છે 'ગાંડી ગુજરાતી'. ભદ્રલોકને સ્વીકારવી નહીં ગમે પણ કહેવત છે તો છે એને બજેટમાં અગરબત્તીના ભૂસાની માફક માફી આપીને ભૂંસી તો શકાય નહીં. માટે ગાંડી ગુજરાતી પહેલાં એ જાણી લે કે વિકાસ અને માનવવિકાસ વચ્ચે શું અંતર છે. પછી મંજીરા વગાડવા છે કે નહીં તે નક્કી કરે. મંજીરાસંપ્રદાયના અનુયાયીઓ યાદ રાખે એમના સંત 'માનવવિકાસ' શબ્દ નથી ઉચ્ચારતા ફક્ત 'વિકાસ' શબ્દો જ વાપરે છે.

    ReplyDelete