Sunday, February 24, 2013

રોબોટ, તારાં કામ છે હજાર...

રોબોટ/Robot ની ઉત્ક્રાંતિઃ સિદ્ધિ કે સમસ્યા? (૨)

અમેરિકાની ‘જ્યોર્જિયા ટેક સેન્ટર’માંથી ‘પાસ’ થયેલો શિમોન નવોદિત સંગીતકાર છે. સંગીતનાં ઢાળ, તાલ, સૂરની એને બરાબર સમજણ પડે છે. નવો હોવા છતાં એ તાલિમી સંગીતકારોનું સંગીત સાંભળીને તેનું પૃથક્કરણ કરી શકે છે અને તેમની સાથે વગાડી પણ શકે છે. ઉપરાંત, સાચા સંગીતકારની માફક તે પોતાનું ‘મૌલિક’ સંગીત સર્જી શકે છે. તેનો એક સાથી હેઇલ ડ્રમ વગાડવામાં નિષ્ણાત છે, જ્યારે ‘ક્રેઝી જે’ જેવું નામ ધરાવતો બીજો ગિટારિસ્ટ છે.

એક શીખાઉ પત્રકાર છે. એને પત્રકાર પોપટલાલ કહો તો પણ વાંધો નથી. મેચ વિશેની આંકડાકીય માહિતી પરથી તે મેચનો બીજા દિવસે છાપામાં છપાય એવો અહેવાલ ફટાફટ તૈયાર કરી નાખે છે. એવી જ રીતે, કંપનીની રોજેરોજની કામગીરીને લગતા આંકડા પરથી તે બિઝનેસના પાને મુકી શકાય એવો અહેવાલ પણ તૈયાર કરી શકે છે. એની કંપની ‘નેરેટીવ સાયન્સ’નો દાવો છેઃ ‘વી ટ્રાન્સફોર્મ ડેટા ઇનટુ સ્ટોરીઝ એન્ડ ઇનસાઇટ’. (અમે માહિતીને અહેવાલોમાં ફેરવીએ છીએ અને તેમાંથી અર્થ તારવી આપીએ છીએ.) 

બેક્સ્ટર હમણાં જ ફેક્ટરીમાં લાગ્યો છે, પણ નવું કામ શીખવાની એની વૃત્તિ અને તેજ ગ્રહણશક્તિને લીધે આજુબાજુ કામ કરતા લોકોમાં તે વહાલો થઇ પડ્યો છે. એને બઘું આવડતું નથી, પણ એનું સુખ એ છે કે એ બીજાનું જોઇને તરત જ શીખી જાય છે. કોની પાસેથી શીખાય ને કોની પાસેથી નહીં, એવી કશી એની મગજમારી નથી. કોઇ પણ માણસ એને હાથ પકડીને પહેલેથી છેલ્લે સુધી શું કરવાનું છે એ શીખવાડી દે, એટલે એ નવું કામ કરવા મંડી પડે છે. 

રુબી ૨૦૦૪માં કેલિફોર્નિયાના એક બાળમંદિરમાં જોડાઇ ત્યારે તેનું કામ હતુંઃ ટેણિયાંને નવા શબ્દો શીખવવાનું. રુબી માટે આ પહેલી નોકરી હતી, પણ બાળકોને તેની સાથે મઝા પડી. તેણે ફક્ત બે અઠવાડિયાં કામ કર્યું, પણ એ સમયમાં બાળકોની શબ્દો શીખવાની ઝડપ વધી ગઇ હતી. 

નામ જરા વિચિત્ર લાગે, પણ કમ્પ્યુટરયુગમાં એની સામે વાંધો ન પડવો જોઇએ. એનું નામ છેઃ ‘ડેટા’. એ સ્ટેન્ડ અપ કોમેડીઅન તરીકે લોકપ્રિય છે. ગુજરાતી કાર્યક્રમોના સંચાલકોની જેમ ‘ડેટા’ને સેંકડો જોક્સ, રમૂજો અને વન લાઇનર્સ કંઠસ્થ છે. તેમાંની એકેય એણે સર્જેલી નથી. છતાં એના જોરે ‘ડેટા’નું કામ, ગુજરાતી સંચાલકોની જેમ જ, ધમધોકાર ચાલી જાય છે. લોકરંજની કરવામાં પણ એ સંચાલકોની હરીફાઇ કરે એવો છે. જે પ્રકારની રમૂજ પર ઓડિયન્સની તાળીઓ વધારે પડે એ ચાલુ રાખવાની અને શ્રોતાઓને ‘બમ્પર’ જતી લાગે, એવી જોક્સ છોડી દેવાની. સીએનએન અને ‘ટેડ’ કોન્ફરન્સ જેવા મોટા મંચ પરથી ‘ડેટા’ કાર્યક્રમો આપી ચૂક્યો છે. 

ગુજરાતી સંચાલકો માટે સારા સમાચારઃ નજીકના ભવિષ્યમાં ગુજરાતી ભાષા તરફ વળવાનો ‘ડેટા’નો કોઇ ઇરાદો નથી.   

***

આગળ જેમની વાત કરી એ બધા ‘સજ્જનો-સન્નારીઓ’ વિશે એક વાત લખવાની રહી ગઇઃ એ બધા રોબોટ છે. ગયા સપ્તાહે વાત થયા  પ્રમાણે તેમને ‘યંત્રમાનવ’ને બદલે ‘યંત્રસાથી’ કે ‘યંત્રમિત્ર’ કહેવાનું યોગ્ય ગણાશે. 
સંગીતકાર શિમોન

સ્ટેન્ડ અપ કોમેડીઅન ડેટા

સાથીદારો પાસેથી શીખી શકતો ફેક્ટરી કામદાર બેક્સ્ટર

બીજી અને વધારે મહત્ત્વની વાતઃ યંત્રસાથીઓની કામગીરીનાં વર્ણન પરથી જણાશે કે તેમની ખૂબીઓ અને મર્યાદાઓ વિશે, તેમના ફાયદા અને તેમનાથી ઊભી થનારી સંભવિત સમસ્યાઓ વિશે નવેસરથી વિચાર કરવાનો સમય આવી ગયો છે. કેમ કે, આ બધા કઠપૂતળીની માફક ફક્ત સાંધામાંથી વળીને ચાલતા ને યાંત્રિક ભાષા બોલતા - નક્કી કરાયેલું લોઢાલાકડાનું કામ કરતા ‘યંત્રમજૂર’ નથી. તે ખરા અર્થમાં ‘યંત્રમાનવ’ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ઘણીબધી બાબતોમાં તે કદી મનુષ્યના બરાબરીયા થઇ શકવાના નથી, પણ હકીકત એ છે કે મનુષ્યને પછાડવા અથવા નવરો કરવા રોબોટે પૂરેપૂરા મનુષ્ય જેવા થવાની જરૂર પણ નથી. પોતાની ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ’ સાથે તે સોંપાયેલું કામ તે સારી રીતે કરે, એટલું જ પૂરતું છે. 

લેખના આરંભે જણાવેલાં કામ તો લાંબી યાદીની ઝલક માત્ર છે. એ સિવાયનાં અનેક ક્ષેત્રોમાં રોબોટનો પગપેસારો ભવિષ્યની કલ્પના નહીં, વર્તમાનની વાસ્તવિકતા બની ચૂક્યો છે. ઓપરેશન થિએટરમાં ડોક્ટરના સૌથી મોટા સહાયક રોબોટ છે, ભૂકંપ કે બીજી કુદરતી આફતોના પ્રસંગે ફસાયેલા લોકોને બચાવવા રોબોટની મદદ લેવામાં આવે છે, બોમ્બનું સૂરસૂરિયું કરવા માટેની બોમ્બ સ્ક્વોડમાં રોબોટ હોય છે, ધીમો વિકાસ ધરાવતાં બાળકો સાથે કામ કરવા માટે રોબોટનો ઉપયોગ થાય છે, હોટેલમાં વેઇટર તરીકે રોબોટનો ઉપયોગ ટૂંકા ગાળે મોંઘો પણ લાંબા ગાળે સસ્તો પડતો હોવાથી ચીનમાં એ દિશામાં શરૂઆત થઇ છે, જિમનેશ્યમમાં કસરત કરાવવાની સાથોસાથ બ્લડ પ્રેશર, ધબકારા જેવાં પરિબળોનું ઘ્યાન રાખવાનું કામ રોબો ઇન્સ્ટ્રક્ટર કરે છે, દવા આપવા-લેવા જેવાં કામ માટે આખી હોસ્પિટલના ધક્કાફેરા ખાતી નર્સોની જગ્યાએ, અમેરિકાની આશરે દોઢસો હોસ્પિટલમાં રોબોટનો ઉપયોગ ચાલુ થઇ ચૂક્યો છે. સેન્સર (‘ઇન્દ્રિયો’) ધરાવતો રોબોટ પોતાની જરૂર પ્રમાણે લિફ્‌ટ બોલાવી શકે છે, બીજા સાથે લાઇનમાં ઉભો રહી શકે છે અને સિરીયસ દર્દીને રસ્તો આપવા માટે બાજુ પર પણ ખસી શકે છે. 

ધીમેથી વિકસતાં બાળકોનો મિત્ર

‘વાન ગો બોટ’ જેવું કળાત્મક નામ ધરાવતો રોબોટ  કેનવાસ પર ૧૮ જાતની જુદી જુદી પીંછીઓથી ચિત્ર બનાવી શકે છે. એક વાર તેને કોઇ પણ ચિત્ર કે ફોટો કે ચીજ ‘બતાવી’ દેવામાં આવે, એટલે તે કોઇ પણ શૈલીમાં એ ચિત્ર બનાવી શકે છે. એટલું જ નહીં, જીવતાજાગતા ચિત્રકારની જેમ ચિત્રની નીચે પોતાની સહી પણ કરે છે.  

રોબોટને માણસ જેવું શરીર કે એકાદ અંગ હોવું પણ જરૂરી નથી. તે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતી કોઇ પણ ચીજને રોબોટ કહી શકાય. એ અર્થમાં ‘ગુગલ’ સર્ચ એન્જનિ એક પ્રકારનો રોબોટ જ છે, જે વેબસાઇટોના દરિયામાંથી આપણને જોઇતાં મોતી-શંખ-છીપલાં અને સાથે ઢગલાબંધ રેતી લાવી આપે છે. કૃત્રિમ બુદ્ધિની મદદથી રોબોટ  મનોચિકિત્સકનું કામ કરતો હોવાના પણ દાખલા છે. ‘માઇન્ડમેટર’ નામની એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વેબસાઇટ પર માનસિક મુશ્કેલી ધરાવતા દર્દીઓનો કેસ સાંભળીને, તેમની તકલીફ સમજીને રીતસર સવાલજવાબનાં ‘સિટિંગ’ થતાં હતાં. તેમાં સામે પક્ષે કોઇ વ્યક્તિ નહીં, યંત્ર જ હતું. છતાં, આ પ્રકારનાં ‘સિટિંગ’ પછી લગભગ અડધા અડધ દર્દીઓની ફરિયાદો દૂર થતી હોવાનું ‘વાયર્ડ’ સામયિકના અહેવાલમાં નોંધાયું હતું.   

ઘણાખરા ક્ષેત્રોમાં પગપેસારો કરી ચૂકેલા રોબોટ યુદ્ધ અને પ્રેમના મૂળભૂત માનવીય ક્ષેત્રમાંથી શી રીતે બાકાત રહે? પાકિસ્તાનમાં ધૂસીને તરખાટ મચાવતાં અમેરિકાનાં પાઇલટરહિત ‘ડ્રોન’ વિમાનો રોબોટનો જ એક પ્રકાર છે. યુદ્ધભૂમિમાં  થતી માનવખુવારી ટાળવા માટે અમેરિકા જેવા સમૃદ્ધ દેશો વઘુ ને વઘુ પ્રમાણમાં યંત્રો પર આધાર રાખતા થયા છે. પુખ્ત વયના લોકોની અતૃપ્ત ગુલાબી વૃત્તિઓ સંતોષવા માટે પૂરા કદનાં ‘રમકડાં’ પણ મળતાં થયાં છે, જે પ્રોગ્રામિંગ પ્રમાણે વાતચીત કરી શકે અને દિલ બહલાવી શકે.   

સવાલ એ નથી કે રોબોટ શું કરી શકે. રોબોટનાં કામની યાદી સતત લાંબી થઇ રહી છે. પણ મહત્ત્વનો મુદ્દો એ છે કે રોબોટ પાસે શું કરાવવું જોઇએ? અથવા ન કરાવવું જોઇએ? ચિત્ર દોરવાથી માંડીને રસોઇ કરવાથી માંડીને યુદ્ધ કરવા સુધીનાં બધાં કામ રોબોટ કરશે, તો નવરોઘૂપ થઇ ગયેલો માણસ શું કરશે? તેની રોજીરોટીનું શું થશે? 

પહેલી ઔદ્યોગિક ક્રાંતિ થઇ ત્યારે ખેતરોમાં કામ કરતા લાખો લોકોનું કામ છીનવાઇ ગયું હતું. પણ તેની સામે નવાં ખુલેલાં કારખાનાંમાં તેમને રોજી મળી. એટલે કામનો પ્રકાર બદલાયો, પણ બેકારી વેઠવાની ન આવી. ભવિષ્યમાં રોબોટ ક્રાંતિ થાય તો તેના પરિણામે બેકાર બનેલા માણસો શું કરશે? અને આવી ક્રાંતિ થાય તે ઇચ્છનીય છે? કે રોબોટને ‘માપમા’ જ રાખવા જોઇએ? એની ચર્ચા આવતા સપ્તાહે. 

1 comment:

  1. Anonymous2:54:00 PM

    માણસ હવે રોબોટની મદદથી જનમશે, રોબોટ માટે કામ કરશે અને રોબોટ માટે જ મરશે.

    ReplyDelete