Tuesday, April 17, 2012

‘બંધારણના ઘડવૈયા’નો ભૂલાયેલો સંઘર્ષ


ડો.આંબેડકરને યાદ કરવાની એક દિવસીય સીઝન આવી અને ગઇ. હવે વહેલી આવે ૬ ડિસેમ્બર. સમય વીતે એમ આંબેડકર અને ગાંધી જેવા નેતાઓનાં વ્યક્તિત્વોનો વ્યાપ જાણે વઘુ ને વઘુ સંકોચાતો જાય છે- સીમિત થતો જાય છે. તેમના વિશેની ગણીગાંઠ ચાર-છ વાતોના આધારે તેમને વખાણવાની કે વખોડવાની પ્રવૃત્તિ ચાલતી રહે છે. બન્નેમાંથી કઇ પ્રવૃત્તિ વધારે નુકસાનકારક છે એ નક્કી કરવું કેટલીક વાર અઘરૂં થઇ પડે છે. કારણ કે દ્વેષપૂર્ણ ટીકા અને અંધ અનુયાયીપણું - બન્ને સરવાળે મહાનુભાવના અસલી જીવનકાર્યને ભૂલાવી દે છે.

દલિતો અને બિનદલિતો બન્ને માટે ડો.આંબેડકરની સૌથી જાણીતી ઓળખ ‘બંધારણના ઘડવૈયા’ તરીકેની છે. પાંચમા ધોરણના પાઠ્‌યપુસ્તક પૂરતી એ ઓળખાણ ઠીક છે, બાકી બંધારણસમિતિ સુધી પહોંચવામાં ડો.આંબેડકરનો સંઘર્ષ, તેમની સિદ્ધિ અને છેવટે તેમની નિરાશા- આ કશાનો ખ્યાલ ‘બંધારણના ઘડવૈયા’ વિશેષણમાંથી મળતો નથી.

કપરો માર્ગ

ડો.આંબેડકર બેશક બંધારણની ડ્રાફિ્‌ટંગ કમિટીના અઘ્યક્ષ હતા. પરંતુ ત્યાં સુધી પહોંચવાનો તેમનો રસ્તો ભૂલી જવા જેવો નથી. ડો.આંબેડકર એ સમયની કોંગ્રેસને કારણે નહીં, પણ તેના હોવા છતાં બંધારણ સમિતિમાં પહોંચ્યા હતા, એમ કહેવામાં ખાસ અતિશયોક્તિ નથી.

આઝાદી પહેલાંની ચૂંટણીમાં ડો.આંબેડકરના પક્ષ શીડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશનને ભારે પરાજય મળ્યો. ત્યાર પછી સ્ટેફર્ડ ક્રિપ્સનું ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યું ત્યારે અસ્પૃશ્યોના પ્રતિનિધિ તરીકે તેમણે  રજૂઆત કરી. (એ સમયે દલિતો માટે ‘અસ્પૃશ્ય’ શબ્દનો પ્રયોગ થતો હતો.) ૧૯૪૬માં તેમણે કરેલી આ માગણીઓમાં અસ્પૃશ્યો માટે સરકારી નોકરીમાં અનામત, લોકસભા-વિધાનસભામાં પૂરતું પ્રતિનિધિત્વ, અસ્પૃશ્ય વિદ્યાર્થીઓને કેળવણી માટે પૂરતા પ્રમાણમાં સહાય વગેરેનો સમાવેશ થતો હતો. આ માગણીઓનો બંધારણમાં સમાવેશ કરવાનું ડો.આંબેડકરે સૂચવ્યું ત્યારે તેમને ભાગ્યે જ અંદાજ હતો કે ટૂંક સમયમાં તે બંધારણ સમિતિમાં પહોંચવાના છે.

કોંગ્રેસ અને ડો.આંબેડકરના પક્ષ વચ્ચે ભારે અથડામણો થઇ. પૂણેમાં મુંબઇ વિધાનસભાની બેઠક યોજાઇ ત્યારે ડો.આંબેડકરના ટેકેદારોએ તેની સામે અહિસક સત્યાગ્રહ અને વિરોધ પ્રદર્શન કર્યાં. એ સંજોગોમાં કોંગ્રેસ ડો.આંબેડકરની ઉમેદવારીને ટેકો આપે અને તે બંધારણસભામાં ચૂંટાય એવો પ્રશ્ન જ ન હતો. ડો. આંબેડકર બંગાળમાં અનુસૂચિત જાતિની બેઠક પરથી, કોંગ્રેસના નહીં પણ મુસ્લિમ લીગના ટેકાથી ચૂંટાયા અને બંધારણસભામાં પહોંચ્યા. ત્યાર પછી પણ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો સાથેનો તેમનો સંઘર્ષ ચાલુ રહ્યો.

કોંગ્રેસ અને ડો.આંબેડકર વચ્ચેના મતભેદનો એક મુખ્ય મુદ્દો એ હતો કે ડો.આંબેડકર દલિતોના પ્રતિનિધિ છે એવું સ્વીકારવા કોંગ્રેસ તૈયાર ન હતી. તે પોતે દલિતો સહિત સૌનું પ્રતિનિધિત્વ કરે છે, એવો કોંગ્રેસનો દાવો હતો અને એ સ્વીકારવા માટે ડો.આંબેડકર તૈયાર ન હતા. બલ્કે, તેમને ભારે ચિતા હતી કે અંગ્રેજો એક વાર કોંગ્રેસના હાથમાં સત્તા સોંપી જશે, તો દલિતો માટે માંડ ઉભી થયેલી તક રોળાઇ જશે.

પરંતુ ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ મળેલી બંધારણસભાની બેઠકમાં ડો.આંબેડકરના પ્રભાવશાળી પ્રવચનથી આખી પરિસ્થિતિ બદલાઇ ગઇ. આંતરિક પક્ષાપક્ષી ભૂલીને વ્યાપક સ્તરે કામ કરવાની તેમની તૈયારીથી કોંગ્રેસીઓની તેમના પ્રત્યેની દૃષ્ટિ બદલાઇ ગઇ. ડો.આંબેડકરના ચરિત્રકાર ધનંજય કીરે નોંઘ્યું છે તેમ, ‘બહુ થોડાં ભાષણોએ કોઇ વક્તાના જીવનને આવો વળાંક આપ્યો છે.’

બંધારણસભામાં સરદાર પટેલે ૨૯ એપ્રિલ, ૧૯૪૭ના રોજ  અસ્પૃશ્યતાની રૂઢિ નાબૂદ કરવાની જાહેરાત કરી, ત્યારે પણ ડો.આંબેડકર  એ સભાના સભ્ય જ હતા. ડ્રાફિ્‌ટંગ કમિટીના અઘ્યક્ષ બન્યા ન હતા. કદાચ એટલા માટે જ, આ જાહેરાત બદલ ગાંધીજીની (યોગ્ય રીતે જ) અને કોંગ્રેસની (ગાંધીજીના પછવાડે) વિશ્વભરમાં પ્રશંસા થઇ, પણ તેમાં ડો.આંબેડકરના પ્રદાનનું નામોનિશાન ન હતું.

ડો.આંબેડકર જે બંધારણ સમિતિમાં જોડાયા તે અખંડ ભારતની હતી. ૧૫  જુલાઇ, ૧૯૪૭ના રોજ બ્રિટને ભારતની આઝાદી અંગેનો ઠરાવ પસાર કરતાં બંધારણ સમિતિ અલગ ભારતની બની. દેશના બે ભાગ પડતાં બંધારણ સમિતિમાં બેઠકોની સંખ્યા પણ એ પ્રમાણે ઘટી. ડો.આંબેડકર બંગાળમાંથી ચૂંટાઇને આવ્યા હતા અને બંગાળના બે ભાગ પડ્યા. એટલે આંબેડકરને પોતાની બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ આવી. પરંતુ ત્યાં સુધીમાં કોંગ્રેસે તેમને અપનાવી લીધા હતા. એટલે આ વખતે મુંબઇ વિધાનસભામાં કોંગ્રેસના ટેકાથી તે ચૂંટાયા અને  ફરી એક વાર, અખંડ નહીં પણ ભારતની બંધારણ સભામાં પહોંચ્યા. જુલાઇના અંતમાં નવું મંત્રીમંડળ રચાયું ત્યારે ડો.આંબેડકર તેમાં કાયદાપ્રધાન તરીકે નીમાયા.

અત્યાર લગી બહુમતી વર્ગમાં અળખામણા બની રહેલા ડો.આંબેડકર પ્રધાન થતાં અચાનક ઘણા લોકોને અને અખબારોને પણ તેમની સિદ્ધિનો ખ્યાલ આવ્યો. તેમના ચરિત્રકાર ધનંજય કીરે નોંઘ્યા પ્રમાણે, મુંબઇના બાર એસોસિએશને ‘પોતાના માણસ’ તરીકે ડો.આંબેડકરનું સન્માન કર્યું.

પ્રધાનપદ પછીના મહિને, ૨૯ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ બંધારણસમિતિએ બંધારણનો મુસદ્દો/ડ્રાફ્‌ટ ઘડવા માટે ડ્રાફિ્‌ટંગ કમિટીની રચના કરી અને તેના પ્રમુખ તરીકે ડો.આંબેડકરને નીમવામાં આવ્યા. ‘જાતિવાદી’- ‘મનુવાદી’ રૂઢિના આધારે ચાલતા ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનું કામ એક દલિત હાંસલ કરે, તે ઐતિહાસિક બાબત હતી અને બંધારણની પ્રક્રિયા પૂરી થયા પછી ડો.આંબેડકર ‘આઘુનિક મનુ’ જેવા વિશેષણથી નવાજાયા એ ઇતિહાસનો વિશિષ્ટ કટાક્ષ અથવા વિરોધાભાસ.

પ્રદાન અને પ્રહાર

બંધારણની ડ્રાફિ્‌ટંગ કમિટીના ચેરમેન હોવામાત્રથી- ફક્ત હોદ્દાની રૂએ- ડો.આંબેડકર ‘બંધારણના ઘડવૈયા’ બની ગયા એવુ ન હતું. કુલ સાત સભ્યોની નિમણૂંક આ કામ માટે થઇ હતી.  પરંતુ એ સાતેયનો હિસાબ બંધારણસમિતિમાં ટી.ટી.કૃષ્ણામાચારીએ આપેલા ભાષણ (પ નવેમ્બર, ૧૯૪૮) પરથી મળે છે. સાતમાંથી એક સભ્યે રાજીનામું આપ્યું. તેમની જગ્યા ખાલી રહી. બીજા એક સભ્ય મૃત્યુ પામ્યા. તેમની જગ્યા પણ ખાલી પડી. ત્રીજા સભ્ય અમેરિકા ગયા એટલે તેમની પણ ગેરહાજરી જ બોલતી રહી. ચોથા સભ્ય રજવાડાંની કામગીરીમાં એટલા વ્યસ્ત હતા કે ડ્રાફિ્‌ટંગ કમિટી માટે સમય આપી શક્યા નહીં. બે સભ્યો  દિલ્હીથી દૂર હતા, એટલે તેમનો લાભ મળી શક્યો નહીં. છેવટે રહ્યા એકલા ડો.આંબેડકર. ધનંજય કીરે નોંઘ્યું છે કે ‘લેખનસમિતિની બેઠકમાં અનેક વાર આંબેડકર અને તેમના મંત્રી એમ બે જ જણ ઉપસ્થિત રહેતા હતા.’ આમ, આ મહાકાર્ય ડો.આંબેડકરે અને નાદુરસ્ત તબિયતે લગભગ એકલા હાથે (બીજા સભ્યોની નહીં, પણ સાથીદારોની સહાયથી) પૂરું કર્યું.

બંધારણનો પહેલો ખરડો તેમણે ફેબ્રઆરી, ૧૯૪૮માં બંધારણ સમિતિના પ્રમુખ ડો.રાજેન્દ્રપ્રસાદને સુપ્રત કર્યો. ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટનું બંધારણ તૈયાર કરવામાં ડો.આંબેડકરે બહુ સમય લીધો છે એવી પણ છાપ એ વખતે ઊભી થઇ હતી. એ પ્રચલિત છાપના આધારે વિખ્યાત કાર્ટૂનિસ્ટ શંકરે એક એવું કાર્ટૂન બનાવ્યું, જેમાં ડો.આંબેડકર ગોકળગાય પર બેઠા હતા અને નેહરુ  ચાબુક લઇને પાછળ ઊભા હતા. એ કાર્ટૂન તત્કાલીન રાજકીય પરિસ્થિતિનું પ્રતિબિબ પાડતું હતું અને તેમાં ડો.આંબેડકરનું વ્યક્તિગત અવમૂલ્યન થતું હોય એવું પુખ્ત વાચકોને લાગે નહીં. પરંતુ એન.સી.ઇ.આર.ટી.ના કિશોરો માટેના પાઠ્‌યપુસ્તકમાં એ કાર્ટૂન મુકાતાં આ મહિને તેનો વિવાદ થયો. પૂરતી રાજકીય સમજ કે પરિપ્રેક્ષ્ય ન હોય એવાં વિદ્યાર્થીઓ આ કાર્ટૂનમાંથી ખોટો અર્થ ગ્રહણ કરે એ આશંકા યોગ્ય હતી.

ડો.આંબેડકર કે બંધારણ વિશે બીજી કશી જ ખબર ન હોય એવા કેટલાક એવું કહી નાખે છે કે એમણે તો બીજા દેશોનાં બંધારણમાંથી ઉતારો કર્યો છે. આ આરોપ ત્યારે પણ થયો હતો અને ડો.આંબેડકરે તેનો સચોટ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યુ હતું કે રાજ્ય બંધારણની મર્યાદા અથવા કક્ષા શી હોઇ શકે એ પહેલેથી જ નક્કી થયેલું છે. એવી જ રીતે બંધારણના મૂળભૂત સિદ્ધાંત કયા હોવા જોઇએ તેનો પણ આખા વિશ્વમાં  સ્વીકાર થયેલો છે...આઘુનિક કાળમાં તૈયાર થયેલા આ બંધારણમાં જો કોઇ નવી વાત હોય તો એ બંધારણના દોષો નિવારવા અને દેશની જરૂરિયાત પ્રમાણે તેમાં કરેલા ફેરફારો હોઇ શકે. ભારત સરકારના ૧૯૩૫ના કાયદાનો આ બંધારણે ઘણો જ ઉપયોગ કર્યો છે. એ સંબંધમાં શરમાવાનું કોઇ કારણ નથી.’

બંધારણની બધી કલમો પર વારાફરતી ચર્ચા અને જરૂર પ્રમાણે ફેરફાર- સુધારવધારા થતા રહ્યા. નવેમ્બર ૨૯, ૧૯૪૮ના રોજ અસ્પૃશ્યતાનાબૂદીને લગતી બંધારણની ૧૧મી કલમ સ્વીકારવામાં આવી. પ્રચંડ જયજયકાર થયા. શરૂઆત તરીકે એ યોગ્ય હતું, પણ ત્યાર પછીની વાસ્તવિકતા સૌ જાણે છે. બંધારણસમિતિ સમક્ષ પોતાનો પ્રતિભાવ આપવા ઉભા થયેલા ડો.આંબેડકરે ઇતિહાસ તાજો કર્યો અને ભારતની જનતાની પોતાની જ વિશ્વાસઘાતી અને દેશદ્રોહી મનોવૃત્તિથી કેવી રીતે ભૂતકાળમાં ભારત ગુલામ બન્યું તેની યાદ અપાવીને તેમણે કહ્યું કે બંધારણ ગમે તેટલું સારું હોય કે ખરાબ, પણ છેવટે તે કેવું નીવડે છે તેનો આધાર રાજ્યકર્તા ઉપર છે. એ તેનો કેવો ઉપયોગ કરે છે તે મહત્ત્વનું છે.  જ્ઞાતિ અને પંથ વચ્ચેના ભેદભાવ ધરાવતા ભારતમાં એકબીજા સાથે લડતા રાજકીય પક્ષોનો ઉમેરો થયો છે એ તરફ ઘ્યાન દોરીને ડો.આંબેડકરે કહ્યું કે એ લોકો દેશના હિત કરતાં પક્ષનું હિત વધારે સમજશે તો ભારતની આઝાદી માટે બીજી વાર ખતરો પેદા થશે.

આઝાદી પછીનાં થોડાં વર્ષોમાં બંધારણની કેટલીક મર્યાદાઓ દેખાવા લાગી. ભાષાવાર પ્રાંતરચનાના અને અલગ આંધ્રપ્રદેશના સર્જન વખતે સરકાર સાથે તેમને સંઘર્ષ થયો. અલગ આંધ્રના ખરડામાં દલિતો પર થતા અત્યાચાર  બાબતે કાયદાપ્રધાન કૈલાસનાથ કાત્જુએ કોઇ ખાસ જોગવાઇ રાખી ન હતી. બંધારણમાં પણ લધુમતીનાં હિતોની રક્ષા માટે રાજ્યપાલોને વિશેષ અધિકાર ન હતા. એ બાબતે દુઃખ વ્યક્ત કરતાં ડો.આંબેડકરે કહ્યું, ‘લોકો મને સતત કહે છે કે તમે બંધારણના ઘડવૈયા. હું એ લોકોને કહું છું કે હું તો ભાડૂતી લેખક હતો. મને જે કંઇ કરવા કહ્યું તે મેં મારા પોતાના મતથી વિરુદ્ધ જઇને કર્યું.’ તેમના આ વિધાનમાં પ્રકૃતિસહજ રોષ અને ગુસ્સાનો મોટો હિસ્સો હતો. છતાં, બંધારણના ઘણા અંશો તેમની મરજી મુજબના ન હતા એ સચ્ચાઇ હતી.

પોતે જ ઘડેલા બંધારણ વિશે આદર-અનાદરની ડો.આંબેડકરની અવઢવ વ્યાપક અર્થમાં નહીં, પણ મુદ્દા આધારિત સમજી શકાય એવી છે. બંધારણની મર્યાદા હોય તો પણ એ તેમનાં મહત્ત્વનાં જીવનકાર્યોમાંનું એક છે. તેનો સમૂળગો ઇન્કાર ખુદ ડો.આંબેડકરનું અવતરણ આગળ ધરીને પણ કરી શકાય એમ નથી. સાથોસાથ, તેની સાથે જોડાયેલો ઘટનાક્રમ સાવ ભૂલી ન જવાય, એ પણ એટલું જ જરૂરી છે.

11 comments:

  1. રસપ્રદ ને માહિતીસભર...

    ReplyDelete
  2. arun shourie in worshiping false gods draws a radically different picture from popular perception. i would like to know ur opinion on it.

    ReplyDelete
  3. @kavan: I haven't read Shourie's but reliable friends have informed it's crap.

    ReplyDelete
  4. ભરતકુમાર ઝાલા9:24:00 AM

    ડૉ.આંબેડકરના જીવનસંઘર્ષના સાવ અજાણ્યા ને અપ્રગટ રહી ગયેલી બાબતો વિશે પહેલીવાર આટલા ઉંડાણથી જાણવા મળ્યું. વ્યક્તિની ટીકા કે ભક્તિ બંનેમાં જો સંતુલન જાળવવામાં આવે, તો જ સાચુ ચિત્ર મળે- એ વાત સાવ સાચી.

    ReplyDelete
  5. ૧૪મી એપ્રિલ અને ૩૦મી જાન્યુઆરીના રોજ આંબેડકરની હજારો નાનીમોટી પ્રતિમાઓ સામે ઉમટતો દલિત-બહુજન માનવ મહેરામણ એ વાત ની સાક્ષી પૂરે છે કે આ સૌ દલિતો-વંચિતો આ મહામાનવને પોતાનો મુક્તિદાતા સમજે છે. એમને મન દલિતો -વંચિતો -શોષિતોના દેશનો સાચો 'રાષ્ટ્રપિતા' આ જ છે. આંબેડકરની દિનપ્રતિદિન વધતી જતી આવી અદભૂત લોકપ્રિયતા અને સામે પક્ષે ગાંધીજીની દિનપ્રતિદિન ઘટતી જતી લોકપ્રિયતાથી અકળાયેલા શૌરીએ 'વર્શીપીંગ ફોલ્સ ગોડસ ' લખીને પોતાનો દ્વેષ જાહેર કર્યો. એ આશાએ કે હવે લોકો એનું આ પુસ્તક વાંચીને આ 'ખોટા દેવતા' ને ભૂલી જશે, પૂજવાને બદલે ધિક્કારશે. પણ થયું તેનાથી સાવ વિપરીત : આંબેડકરની લોકપ્રિયતામાં લગીરે પણ ઘટાડો ન થયો બલકે ઉત્તરોત્તર એમની લોકપ્રિયતા ઓર વધી રહી છે તે સૌ જોઈ શકે છે.

    આંબેડકરને ઉતારી પાડવા માટે શૌરીના મુદ્દા હતા : આ માણસે ભારતની આઝાદી માટે કઈ કર્યું નથી. આંબેડકર પાકિસ્તાન અને ઝીણાના સમર્થક હતા. આંબેડકર બ્રિટિશરોના સહયોગી હતા. આ મુદ્દાઓ વિષે વાત કરવા સારું એવું લંબાણ જોઈએ, પણ ત્રણે મુદ્દાઓ સાંકળીને ટૂંકી વાત કરું. આંબેડકરના લખાણો વાંચનાર હરકોઈને એ વાતનો હરહમેશ એહસાસ થશે કે આ માણસ પૂરેપૂરો 'દેશભક્ત' અને 'દેશાભીમાની' છે. એ પોતાના દેશબાંધવોને ખરા દિલથી ચાહે છે. અને એટલે જ પોતાના દેશ અને દેશવાસીઓને સાચી સ્વતંત્રતા મળે એવું તે માનતો હતો. એ પ્રામાણિકપણે માનતા હતા કે કોંગ્રેસ અને ગાંધીની આઝાદીની લડાઈ કેવળ સત્તાંતરણ માટેની છે, તેઓ પ્રામાણીકપણે માનતા હતા કે આ દેશ ગોરાઓની ગુલામીમાંથી મુક્ત થઈને ઉચ્ચ વર્ણ-વર્ગનાં લોકોની નવી ગુલામીમાં પરિવર્તિત થશે. અને આપણે આજે જોઈ રહ્યા છીએ કે તેમની દહેશત કેટલી સાચી હતી! સર્વહારા એવીં આમ જનતા આજે ગોરાઓનાં રાજને યાદ કરે છે કારણકે એમીની આજીવિકા સમાન આ દેશના તમામ કુદરતી સંસાધનો - જમીન, પાણી,જંગલ , ખાણ - સૌ પેલા ઉચ્ચ વર્ગીય-ઉચ્ચ વરણીય મુઠ્ઠીભર લોકોના હાથમાં આવી ગયા છે. લોકો સાચી આઝાદી ઝંખે છે, અને એટલે આંબેડકર ની પ્રસ્તુતતા અને ગાંધીની અપ્રસ્તુતતા સૌ કોઈને દેખાઈ રહ્યા છે.

    ReplyDelete
  6. Anonymous5:17:00 PM

    Indian Constitution: Definitely his great achievement and contribution can not be compartmentalized with narrow views.

    ReplyDelete
    Replies
    1. Anonymous12:12:00 AM

      His work made him legend.

      Delete
  7. શ્રી ઉર્વીશ ભાઈ,
    નીરવ ભાઈ ની કોમેન્ટ જોય.તેના મંતવ્ય ને હું આદર આપું છું.શ્રી બાબા શાહેબ સાચા ભારતીય હતા તેમે કોઈ શંકા ને સ્થાન જ નથી.પણ ગાંધી પણ એટલે જ મહાન હતા,ગાંધી ક્યારેય અપ્રતુત થાય જ નહિ જો આપણે ગાંધી ના વિચાર નું હાર્દ રેટિયા માં અટવાયા વિના સમજીએ તો ત્યારની અભણ પ્રજા માટે તાત્કાલિક રોજી આપે તેવી વસ્તુ ની જરૂર હતી તે વસ્તુ એટલે રેટિયો. કદાચ અત્યારે ગાંધી હોત તો તેને રેટિયા ના બદલે બીજું કઈક આપ્યું હોત. માટે જ્યાં સુધી ગરીબ માણસ પૃથ્વી પંર હશે ત્યાં સુધી ગાંધી નું મહત્વ રહેશે.

    ReplyDelete
  8. PLS.GIVE MORE INFO. ABOUT BABA.

    ReplyDelete
  9. A thoroughly fascinating read. I cannot overemphasise enough as to how important it is to read the chronology of events more than 60 years after this giant of a man gave shape to our Constitution. Not only is the piece extremely timely and relevant, its historical perspective provides a brilliant context to the state of affairs then, and how even a man of his intellect had to push and plod his way towards mainstream acceptance. Only ignoramuses deride his contribution to the Indian constitution as derivative. You have done extremely well here to set the record straight.

    ReplyDelete
  10. good article. Yet I have a question. What was Dr. Ambedkar's opinion on OBC reservation? SC reservation is because they were untouchables. But current list of OBC castes didn't face discrimination of the same magnitude.
    I agree to the Ambedkar's assertion about us moving from British rule to elites' rule. I think there was a plea submission to british government with similar effect around 1912 by some dalit leaders.

    ReplyDelete