Saturday, April 28, 2012

હિંદી સંવાદો જાતે બોલનારી હું એકમાત્ર દક્ષિણ ભારતીય અભિનેત્રી છું: વૈજયંતિમાલા


(Vaijayantimala Bali, 27-4-12, ahmedabad. Pic: Urvish Kothari)


હિંદી ફિલ્મોમાં દક્ષિણ ભારતીય અભિનેત્રીઓ અને ડાન્સર-હીરોઇનની પરંપરા શરૂ કરનાર વૈજયંતિમાલા બાલી ૭૮ વર્ષની વયે પણ એક નૃત્યાંગનાની ચુસ્તી અને સ્ટાર અભિનેત્રીની અદાઓ ધરાવે છે. ‘દક્ષિણમાંથી આવનારી હું જ એકમાત્ર એવી અભિનેત્રી છું, જેને  હિંદી  સંવાદો માટે કદી બીજા કોઇનો અવાજ વાપરવાની જરૂર પડી નથી. મારી સમગ્ર કારકિર્દીમાં બધા  હિંદી  સંવાદ હું જાતે જ બોલી છું અને એ પણ દક્ષિણ ભારતીય છાંટ વગર.’ આવું કહેનાર વૈજયંતીમાલા બાલીએ ‘ગુજરાત સમાચાર’ સાથેની ખાસ મુલાકાતમાં પોતાની કારકિર્દી વિશે ઓછી જાણીતી એવી ઘણી વાતો કરી.

‘સૈંયા દિલમેં આના રે’ જેવાં હિટ ગીતો ઉપરાંત નૃત્યોથી જાણીતી બનેલી ‘બહાર’ (૧૯૫૧) વૈજયંતિમાલાની પહેલી  હિંદી  ફિલ્મ હતી. ત્યાર પહેલાં ‘બહાર’ની અસલ તમિલ અને તેલુગુ આવૃત્તિઓમાં તે કામ કરી ચૂક્યાં હતાં. એ વખતે એમની ઉંમર માંડ પંદર-સોળ વર્ષ. અમદાવાદની ‘સુરાંગન ક્લબ’નાં મહેમાન બનેલાં વૈજંયતિમાલા કહે છે, ‘મારા ઘરમાંથી કોઇ ભણ્યું ન હતું. મારી માતા વસુંધરાદેવી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનેત્રી હતાં. મારાં દાદી ઇચ્છતાં હતાં કે હું આગળ ભણું. પણ પ્રોડ્યુસર અમારા કૌટુંબિક મિત્ર હતા. તે મારા નૃત્યના કાર્યક્રમોથી અત્યંત પ્રભાવિત હતા. એટલે નવા ચહેરાની તલાશ વખતે તેમણે મને પસંદ કરી. તેમના આગ્રહને કારણે મારાં નાનીએ મને ફિલ્મોમાં જવા દીધી.’

નિર્માણસંસ્થા એવીએમ સાથે વૈજયંતિમાલા પાંચ વર્ષના કરારથી બંધાયેલાં હતાં. તેમાં શરત એવી હતી કે એ ગાળામાં વૈજયંતિ દક્ષિણ ભારતના બીજા કોઇ નિર્માતા માટે કામ ન કરી શકે. મુંબઇના નિર્માતાઓને તેમાં મોકળું મેદાન મળી ગયું.‘નાગિન’ મુંબઇમાં વૈજયંતિમાલાની પહેલી સુપરહિટ ફિલ્મ હતી. તેના હીરો પ્રદીપકુમાર સાથે વૈજયંતિમાલાએ સૌથી વઘુ- આઠ ફિલ્મોમાં કામ કર્યું. ત્યાર પછીના ક્રમે દિલીપકુમાર સાથે તેમણે સાત સફળ ફિલ્મો આપી. તેમાં ‘દેવદાસ’ અને ‘ગંગાજમના’ સૌથી યાદગાર ગણાય છે.

‘દેવદાસ’ની મૂળ કથામાં પારો અને ચંદ્રમુખી- એમ બે નાયિકાઓ છે. વૈજયંતિમાલાએ ચંદ્રમુખીનો રોલ ભજવ્યો હતો, પરંતુ એ ભૂમિકા માટે ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’નો એવોર્ડ તેમણે ઠુકરાવી દીધો. ‘(ડાયરેક્ટર) બિમલદાએ મને કહ્યું હતું કે ફિલ્મમાં બે હીરોઇન છે. મારી ભૂમિકા સરખેસરખી જ હતી. પછી હું સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ કેવી રીતે સ્વીકારી શકું?’ વૈજયંતિમાલા નૃત્યાંગના માટે સહજ એવી ભાવભંગીમાઓ સાથે કહે છે,‘એ વખતે ઘણા લોકોને લાગ્યું કે હું બહુ અભિમાની છું. પણ મારા માટે એ સિદ્ધાંતનો સવાલ હતો.’ ‘દેવદાસ’માં વૈજયંતિમાલાની કામગીરીથી રાજી બિમલ રોયે તેમને ‘મઘુમતિ’માં દિલીપકુમાર સાથે મુખ્ય ભૂમિકા આપી.

પોતે ગુમાવેલા કે ઠુકરાવેલા રોલ વિશે વાત કરતાં વૈજયંતિમાલા કહે છે, ‘દેવદાસથી હું ‘ડાન્સિંગ સ્ટાર’ મટીને ગંભીર અભિનેત્રી તરીકે સ્થાપિત થઇ. તેને કારણે મેં ‘મિસ્ટર એન્ડ મિસિસ ૫૫’માં કામ કરવાની ગુરૂદત્તની ઓફર નામંજૂર રાખી. એ હલ્કીફૂલ્કી ફિલ્મ હતી અને ગુરૂદત્ત ગંભીર પ્રકૃતિના માણસ. મને એમ કે એ કેવુંક જામશે? પણ પછી એ રોલ છોડી દીધાનો બહુ અફસોસ થયો. એવો જ અફસોસ બિમલ રોયનું ‘બંદિની’ હાથથી જતું રહ્યું એનો પણ થયો હતો. ટાઇટલ રોલ માટે મારું નામ નક્કી હતું, પણ છેલ્લી ઘડીએ શું થયું ખબર નથી, પણ એ રોલ નૂતનને મળી ગયો.’ ગુલઝારની ફિલ્મ ‘આંધી’માં સુચિત્રા સેને કરેલી ભૂમિકા માટે પહેલાં વૈજયંતિમાલાનું નામ વિચારાયું હતું, પણ ‘ઇંદિરા ગાંધી અને તેમની પહેલાં નેહરુ મારા આદર્શ હતા. એટલે ઇંદિરા ગાંધીનું મેનરિઝમ લાવવાનું હોય, એવું પાત્ર ભજવવાની મારી હિંમત ન ચાલી.’

અફસોસ-કથા વિશે હવે ભવ્ય ભૂતકાળના યાદગાર ભાગ તરીકે વાત કરતાં વૈજયંતિમાલા કહે છે,‘એમ તો ‘રામ ઔર શ્યામ’માં મારું આઠ-દસ દિવસનું શૂટિંગ થઇ ગયું હતું. પછી હું અને ફિલ્મના નિર્માતા વિમાનમાં જતા હતા ત્યારે એમણે કહ્યું કે ફિલ્મમાં હીરોઇન બદલાઇ ગઇ છે. એ સાંભળીને મને આંચકો લાગ્યો.’ એ ફિલ્મમાં વૈજયંતિમાલાનો રોલે વહીદા રહેમાનને મળ્યો. ‘નયા દૌર’માં જરા જુદું બન્યું. અસલ જોડી દિલીપકુમાર-મઘુબાલાની હતી. શૂટિંગ શરૂ થઇ ચૂક્યું હતું, પણ મઘુબાલાના પિતાએ કેટલાક વાંધા લેતાં મઘુબાલા સાથેનો હિસાબ પૂરો કરીને બી.આર.ચોપ્રાએ વૈજયંતિમાલાને એ રોલ આપ્યો.  રાજ કપુર સાથેના તેમના સંબંધોના ચઢાવઉતારની કથા (‘બોલ રાધા બોલ, સંગમ હોગા કે નહીં?’) ફિલ્મી દંતકથાઓનો હિસ્સો છે.

‘તમે કદી ગાયું છે ખરું?’ એવા સવાલના જવાબમાં વૈજયંતિમાલા ચહેરા પર સુખદ આશ્ચર્યના હાવભાવ પાથરીને કહે છે, ‘અત્યાર સુધી માત્ર એક જ ફિલ્મમાં મેં ગીત ગાયું છે. એ ફિલ્મ હિંદી કે તમિલ-તેલુગુ નહીં, પણ બંગાળી હતી. તપન સિંહાની ‘હાટે બાજારે’ (૧૯૬૭) ગીતના શબ્દો અને સંગીત બઘું તપન સિંહાનું હતું.’ એ વાતનાં પિસ્તાળીસ વર્ષ પછી પણ નાની બાળકી જેવા ખિલખિલાટ ચહેરે ગીતના બંગાળી શબ્દો  યાદ કરી બતાવે છે. ‘ગીત તો પ્લેબેક ,સિંગર (મોટે ભાગે સંઘ્યા મુખર્જી)ના અવાજમાં રેકોર્ડ થઇ ચૂક્યું હતું. પડદા પર હોઠ હલાવવા પૂરતી હું એ ગીત ગણગણી રહી હતી. પાછળ તપનદા ઉભા હતા. તેમણે મારું ગીત સાંભળ્યું. એટલે કહે, ‘તું સરસ ગાય છે. તારું જ ગીત રેકોર્ડ કરીએ તો એ વધારે સ્વાભાવિક લાગશે.’ હું ગભરાઇ. એમણે આશ્વાસન આપ્યું કે ‘તારું ગીત સારું નહીં થાય, તો રેકોર્ડ થયેલું ગીત વાપરીશું.’ પણ એ ગીત સરસ થયું અને મેં ગાયેલું એકમાત્ર ગીત બની રહ્યું.’ એવી જ રીતે, પતિ ડો.બાલીનાં પહેલ અને પ્રોત્સાહન વૈજયંતિમાલાએ એક મરાઠી ફિલ્મ ‘ઝેપ’ (૧૯૭૧)નું નિર્માણ કર્યું હતું. જોકે, તેમણે એમાં અભિનય કર્યો નહીં.

ઓગસ્ટ ૧૩, ૧૯૩૪ (સ્કૂલની જન્મતારીખઃ ૧૯૩૩)ના રોજ જન્મેલા વૈજયંતિમાલાએ ‘ગંવાર’ (૧૯૭૦) પછી ફિલ્મકારકિર્દી છોડી. ‘નિરૂપા રોયે ‘દીવાર’માં જે રોલ કર્યો, તે પહેલાં મને ઓફર થયો હતો. એમ તો મનોજકુમારે ‘ક્રાંતિ’માં કામ કરવા માટે આગ્રહ કર્યો હતો. પણ મારે ફિલ્મોમાં પાછા જવું ન હતું અને ચરિત્રભૂમિકાઓ પણ કરવી ન હતી.’ એમ કહેતાં વૈજયંતિમાલા ‘હજુ આજે પણ લોકો મને હીરોઇન અને ડાન્સર તરીકે યાદ કરે છે’ તેનાથી સંતુષ્ટ જ નહીં, રાજી છે.

6 comments:

  1. મારી હિંદી ફિલ્મો(જુની)માં જે ૩ હિરોઈન્સ ફેવરિટ છે તેમાની એક વૈજંતીમાલા...વર્સેટાઈલ હિરોઈન....

    ReplyDelete
  2. હિંદી ફિલ્મનાં સંગીતના સુવર્ણ યુગ સમા ૧૯૫૦ અને ૬૦ના દાયકાની ફિલ્મોની ખૂબી એ હતી કે બ્લૅક એન્ડ વ્હાઇટના જમાનામાં પણ બેનમૂન સૌંદર્ય પડદા પરજેમને કારણે છવાઇ જતું તેમાંનાં વૈજયંતિમલા એક અગ્રગણ્ય અભિનેત્રી હતાં.
    બ્લૅક એન્ડ વ્હાઇટ ફૉટૉગ્રાફીને કારણે તે જમાનાની અભિનેત્રીઓનાં ફીચર્સ નયન રમ્ય હોય તે મહત્વનું બની રહેતું. તે જ રીતે તેમની પાસેથી અભિનય અંગે પણ ખાસી અપેક્ષા પણ રખાતી.
    વૈજયંતિમાલા આ બન્ને માપદંડ્માં પણ બહું ઉંચી કક્ષાનું સ્થાન ધરાવતાં હતાં.

    ReplyDelete
  3. જાણીતા અભિનેત્રી વૈજયંતી માલાની મુલાકાતમાં થોડું જાણ્યું પણ જોઈતેવી

    ખાસ મઝા ના પડી અને કોઈ સાવ નવી વાત જાણવા ના મળી,આપણાં હિંદીઓ

    પોતાની આત્મકથામાં(અગર પોતે લખી હોય તો) પણ કોઈ સાચી વાત નથી

    કહેતા કે લખતા આ એક ખાસિયત કહો કે તેમની નિર્બળતા છે તેનું સહેજે

    અનુમાન થઇ શકે.પોતાની પોરસાઈ અને વાહ વાહ થાય તેવુંજ 'મટીરીયલ'

    હોય છે.પણ જયારે કોઈ બીજા તેના નજીકના 'ભાંડો'ફોડે છે ત્યારે ગલાંતલ્લાં

    કરતા રહેતા હોય છે,બીજી પણ એક વાત કે 'મુલાકાત' લેતા પત્રકારો પણ

    જાણે પગચંપી કરવા આવ્યા હોય તેમ લળીલળીને સાથે ડોકું હલાવતા હોય છે!!

    આવુંજ ચલતાં ફરતાં મુલાકાત લેતા જાણીતા પત્રકાર શેખર ગુપ્તા પણ આમાંથી

    બાકાત નથી,હવે આ પગચંપી કરવાનું કામ પત્રકારોએ છોડીને જાહેર જનતાને

    સાચી અને શેહ વિનાની વાતો કરવાનો શું હવે વખત નથી આવ્યો ?

    ReplyDelete
  4. પ્રભુલાલભાઇ, વૈજયંતીમાલાએ પોતાની કારકિર્દીનું એકમાત્ર ગીત બંગાળી ફિલ્મમાં ગાયું હતું,'આંધી'નો રોલ પહેલાં તેમને ઓફર થયો હતો, હિંદીમાં ડાયલોગ બીજાનો અવાજ લીધા વિના બોલનારાં તે એકમાત્ર દક્ષિણ ભારતીય અભિનેત્રી છે- આવી કેટલીક હકીકતો જાણનારા તમારા જેવા બહુ જૂજ જ્ઞાની લોકો હશે. એટલે તમારી લાગણીનો સાદર સ્વીકાર.
    બાકી કલાકારોની મુલાકાતમાં તમારી અપેક્ષા'ભંડાફોડ'ની જ હોય, તો એ કમ સે કમ હું તો સંતોષી શકું એમ નથી. કલાકારની કારકિર્દી વિશે અને એ નિમિત્તે તેમના સમયના ફિલ્મઉદ્યોગ વિશે જાણવાની મને વધારે ઇચ્છા રહેતી હોય છે અને લોકોને એમાં ભંડાફોડ જેટલો ભલે નહીં, પણ રસ તો પડે જ છે.
    તમે બધા પત્રકારો વિશે એકસરખો અભિપ્રાય બાંધી જ લીધો છે, પછી મારે શું કહેવાપણું હોય?

    ReplyDelete
  5. Sumant Vashi Phoenix USA9:52:00 PM

    mr. Bharadia,
    Is it not good to know only good side of an actor or a celebraty ? Everyone has good amount of black side also. What will you do by peeping that side? Will you Honour to adapt those in your life??

    ReplyDelete
  6. પ્રિય બીરેન ભાઈ,

    આપે પ્રત્યુત્તર આપ્યો તે બદલ હું આભારી છું,મારી ટીકા ટીપ્પણીમાં તમારા પ્રત્યે કોઈ અંગત પ્રતિકાર નહતો,અગર આપને કોઈ માનહાની જેવું લાગ્યું હોયતો ક્ષમા ચાહું છું.
    મારી એક ફરિયાદ છે કે આપને કેમ પશ્ચિમમાંથી દરેક સારી/નઠારી ટેવો/કુટેવો આયાત કરીએ છીએ અથવા નકલ કરીએ છીએ અને પછી તેમનેજ 'ગાળ' ભાંડતા રહીને ભારતની સંસ્કૃતિના ગાના ગાવામાંથી ઊંચા નથી આવતા!
    ભરતનાં બધાં વિખ્યાત અને લોકપ્રિય લોકોએ પણ પશ્ચિમમાં જઈ સારી
    રીતભાત,શિક્ષણ મેળવીને તેમના તે શિક્ષણનો લાભ ભારતની પ્રજાને આપ્યો છે એક આપને બધાંજ જાણીએ છીએ,આ એક આડ વાત થઇ.

    આપણાં દેશમાં ઘણાં ઉત્તમ કોટીના પત્રકારો છે તેની કોઈ ના પડી શકે તેમ નથી,અને ઘણું સારું કામ 'journalism ' માં થતું રહે છે,જેમાં તમારા જેવા પત્રકારોનો સમાવેશ અને યોગદાન છે,ને હજુ પણ આવતા વર્ષોમાં પણ તમે અને તમારા જેવા પત્રકારો નવીનવી પરંપરાને અને ચીલો ચાલુ કરતાજ રહેશો તેમ કોઈ શંકા નથી.
    તમેજ વિચારો કે તમે જે વાંચકો સમક્ષ રજુ કરો છો તેમાં નવીજ પ્રણાલી છે.
    કેટલીક વાર જેમ એકજ 'શોધ' અલગ અલગ દેશ ને જગાએ થાય તેમ પણ હોઈ શકે કે તમે જે રીતનું સંશોધન/વિવરણ અને રજૂઆત કરો તે મુજબ દેશના બીજા પ્રાંતમાં કે વિદેશોમાં લગભગ સાથે પણ શરુ થયું હોય.તમારી આ પ્રણાલિકા માટે કોઈજ ફરિયાદ નથી.
    આપણાં ભારતમાં પોતે લખેલી 'આત્મકથા' અને બીજાએ લખેલી 'જીવનકથા'માં બહુધા સાચી વસ્તુ અથવા તો પોતે જીવનમાં કરેલી ભૂલોની કબુલાત કે 'એકરાર' હોતાં નથી!

    આત્મકથામાં સાચી વાત કહેવાથી ઘણી માહિતીઓ અને સંબધોના ખુલાસા અને જાહેરાત થાય છે,ચુપકીદી સેવવાથી કે દબાવી રાખવાથી તેમને પણ મૂંઝવણ અને ગુંગળામણ થતી હશે જ.જયારે પછીના દિવસો કે વર્ષોમાં કોઈ તેમનો મિત્ર,સંબધી કે નજીકનો સગો આ મહાશયની કોઈ વાત કે વર્તણુકનો 'ભેદ કે ભાંડો' ખુલ્લો કરી દે છે ત્યારે ખાસ્સો ઉહાપોહ થાય છે અને 'પોલ'ના 'દાવા'અને આક્ષેપો ને રદિયો આપતા હોય છે,

    ઘણીવાર વાત સાચી પણ હોય છે અને તો કોઈવાર પૂર્વગ્રહને લીધે પણ બને.

    ગાંધીજીએ પણ 'આત્મકથા' લખી અને ઘણી વાતો પણ ન લખી પણ

    પાછળથી 'ઘોરખોદિયા'ઓએ ઘણું છાનુંછપનું બહાર લાવીને જાહેરમાં મૂકી દીધું કેટલું સાચું કે ખોટુંએ લોકોએ નક્કી કરવાનું!!

    પશ્ચિમમાં સારા/નઠારા લોકો બહુધા 'આત્મકથા' સાચું કહી દેતા હોય છે,પોતાની પત્ની હોય કે સંતાનો તેના વિષે પણ સાચું અને ઘસાતું હોય છે તે પણ ચુકતા નથી.

    અરે! માંબાપના ગેરવર્તનો અને કડવા અનુભવો કહેવાનું ચુકતા નથી.

    આવી ખેલદિલી આપને ત્યાં બહુ ઓછી દેખાય છે !!

    મને નથી લાગતું કે મેં પશ્ચિમના દેશોની કે લોકોની દલાલી કરી કે 'માખણ' માર્યું.

    અરીસો મેલો છે!! તેને સાફસુરતો ક્યારે કરીશું? નથી ભક્તિ માર્ગ કે

    હોમહવનથી કશુંય નથી વળવાનું.

    ભારતના ગરીબ લોકો પીસાય રહ્યા છે,નેતાલોકો,પૈસાદારો અને

    અમલદારો પૈસાના ઢગો જમા કરતા રહે છે લુફ્ત ઉઠાવતા રહે છે .

    આત્મકથાઓ પણ લખાય છે અને આત્મશ્લાઘાના પાનાના પાના

    ભરતા રહે છે.આ છે હકીકત.

    આપે આપના 'બ્લોગ'માં આટલું લખવાની જગા આપી તે માટે આભાર.

    ReplyDelete