Friday, April 13, 2012
જીએમ બીયારણઃ ફાયદા-નુકસાનની સાપસીડી
એક તરફ જનીન પરિવર્તીત - જિનેટીકલી મોડિફાઇડ (ટૂંકમાં જીએમ) બિયારણના અધધ ફાયદાની વાતો કરતી ખાનગી કંપનીઓ બીજી તરફ પોતાના પક્ષે પૂરતા અભ્યાસ કે ચકાસણી કર્યા વિના, તેમને ખભે બેસાડવા ઉત્સુક સરકારો, ત્રીજી તરફ ટૂંકા ગાળાનો ફાયદો જોઇને - પૂરતી સમજણ વિના જીએમ બીયારણ અપનાવી રહેલા ખેડૂતો અને ચોથી તરફ જીએમ બીયારણ-પાકનો તથા તે વેચતી વિદેશી કંપનીઓનો વિરોધ કરી રહેલી સ્વૈચ્છિક સંસ્થાઓ- આમ ચોપાંખિયો જંગ છેલ્લા ઘણા વખતથી ચાલી રહ્યો છે.
આ જંગ બરાબરીનો બિલકુલ નથી. જનીન પરિવર્તીત બિયારણોના ધંધામાં પડેલી બહુરાષ્ટ્રિય કંપનીઓ સરકારી મંત્રીઓથી માંડીને સ્વૈચ્છિક સંસ્થાઓ, વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકો સુધીના સૌ કોઇને નાણાંકોથળીના જોરે પોતાના વશમાં કરવાની ક્ષમતા ધરાવે છે. તેનો એક નમૂનો છેઃ ભારતના વડાપ્રધાન પર મોકલવા માટે તૈયાર કરવામાં આવેલો એક પત્ર.
વડાપ્રધાનને ‘સ્પોન્સર્ડ’ પત્ર
મૂળ અંગ્રેજી લખાણ પરથી તરજુમિયા ગુજરાતીમાં - અને બીજી સ્થાનિક ભાષાઓમાં- આ પત્રની નકલો બનાવવામાં આવી છે, જે ગામડાના ખેડૂતો તરફથી વડાપ્રધાનને મોકલવામાં આવે એવું આયોજન છે. પત્રનો વિષય છે : ‘ભારતમાં બાયોટેક પાકોની જરૂરિયાતની તરફેણ માટે આભાર.’
‘બાયોટેકનોલોજીની વિશાળ ક્ષમતાઓ છે અને આવતા સમયમાં આપણે જિનેટિક એન્જિનિયરિંગ થકી આપણા ખેતી પાકોની ઉત્પાદકતામાં વધારો કરવો જ જોઇએ’ - એવા વડાપ્રધાનના વિધાનથી પત્રની શરૂઆત કરવામાં આવી છે. ખેતીનો ધંધો કેવો જોખમી છે તેનો અછડતો ચિતાર આપ્યા પછી પત્રમાં લખાયું છેઃ ‘અમારે પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર તરફથી બીજમાં નવી ટેકનોલોજીની જરૂરિયાત છે, જે આપણી ઉત્પાદનની સમસ્યાઓનું સમાધાન કરશે.’
કોઇ પણ ખેડૂત ‘બીજમાં નવી ટેકનોલોજીની જરૂરિયાત છે’ એવું લખે ત્યાં સુધી સમજ્યા, પણ પબ્લિક સેક્ટર ને પ્રાઇવેટ સેક્ટરની પળોજણમાં એ શું કામ પડે? પરંતુ આખો ખેલ પ્રાઇવેટ સેક્ટર દ્વારા સ્પોન્સર્ડ હોય, ત્યારે ‘આ બઘું અમે નથી કરાવતા. ખેડૂતોએ પોતાની મેળે કર્યું છે.’ એવું દર્શાવવાના બાલીશ પ્રયાસ તરીકે પ્રાઇવેટ સેક્ટરની સાથે પબ્લિક સેક્ટરનો પણ ઉલ્લેખ નાખવામાં આવ્યો હોય એવું લાગે.
પત્રમાં અત્યાર સુધીના એકમાત્ર માન્યતાપ્રાપ્ત બાયોટેક પાક બીટી કપાસનાં ગુણગાન ગાયા પછી- તેના ફાયદા વર્ણવ્યા પછી મુદ્દાની વાત આવે છે : ‘જેવું ટેકનોલોજી થકી કપાસના પાકમાં થયું એવું જ પરિવર્તન અન્ય કૃષિ પાકો જેવા કે મકાઇ, ડાંગર અને ઘઉંના પાકોમાં પણ થવું જોઇએ. અમે અત્રે સરકારશ્રી, પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર, ગ્રામવિકાસ અભિગમ ધરાવતા એનજીઓ જેમણે સંયુક્તપણે ભાગીદારી કરી ખેડૂતોનું જીવનધોરણ સુધારવા અને ખેતી સમૃદ્ધ કરવા મદદ કરી તે બદલ સૌનો આભાર માનીએ છીએ. અમારા જેવા અસંખ્ય ખેડૂતો છે જે બે છેડા ભેગા કરવા મથામણ કરતા હતા, પણ હવે ઘણું પકવે છે, બજારમાં ઉપજનું સારું વળતર પણ મેળવે છે અને સારી જિંદગી જીવવાનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છીએ.’
જનીન પરિવર્તીત બીટી કપાસના બિયારણથી ઉત્પાદનમાં વધારો નોંધાયો છે અને ખેડૂતોને આર્થિક ફાયદો પણ થયો છે. તેને આગળ ધરીને, બીટી કપાસની હરોળમાં મકાઇ-ડાંગર-ઘઉં જેવા ખોરાકમાં વપરાતા પાકોને મૂકી દેવાની કંપનીની મહત્ત્વાકાંક્ષા છે, જે ખેડૂતોના ‘સારી જંિદગી જીવવાના સ્વપ્ન’ના નામે રજૂ કરવામાં આવી છે. સરકારને રાજી રાખવા માટે પ્રાઇવેટ સેક્ટરની સાથે એક જ શ્વાસમાં પબ્લિક સેક્ટરનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે (જેણે આ ક્ષેત્રે પ્રાઇવેટ ક્ષેત્રને સીધો કે આડકતરો ટેકો આપવાની ભૂમિકા અદા કરી છે.) સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પનારો પાડતાં અને તેમનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરતાં પણ બીટી-પ્રચારક કંપનીઓને આવડે છે.
પત્રના અંતે બીટી રીંગણ પરના સરકારી પ્રતિબંધ સામે કયા શબ્દોમાં વિરોધ રજૂ કરવામાં આવ્યો છે, એ ખાસ નોંધવા જેવું છેઃ ‘બીટી રીંગણને પ્રતિબંધિત કરી ખેડૂતોને વિશ્વકક્ષાની ટેકનોલોજીની પસંદગીથી વંચિત રખાયા છે અને સપ્રમાણિત જીવન જીવવામાં અવરોધરૂપ થયું છે. અમે આશા રાખીએ છીએ કે અન્ય પાકોમાં આવી ટેકનોલોજીના ઉમદા ફાયદાઓથી હવે પછી અમને વંચિત ન રખાય.’ અને છેલ્લે કોર્પોરેટ કંપનીના પીઆરઓની મસકાબાજી શૈલીથી લખાયું છે, ‘માનનીય વડાપ્રધાનશ્રી, અમે તમારામાં ભરોસો વ્યક્ત કરીએ છીએ કે તમે અદ્ભૂત હોંશિયારી ધરાવો છો અને અમારી આ વિનંતીનો સ્વીકાર કરશો કે કૃષિમાં ટેકનોલોજીને કેન્દ્રિત કરવા પૂરતું લક્ષ્ય આપવું જેથી ખેડૂતોને કૃષિ ઉપજ વધારામાં મદદરૂપ થાય. અમારું સામાજિક-આર્થિક જીવનધોરણ સુધરે અને અમારું કુટુંબ ઉચ્ચતર જીવન જીવી શકે.’
પેટમાં દુઃખાડતો પ્રતિબંધ
બે વર્ષ પહેલાં તત્કાલીન પર્યાવરણ મંત્રી જયરામ રમેશે બીટી રીંગણને મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો, એટલે બીટી-પાકોના માર્ગે ભારતનું બજાર સર કરવા માગતી કંપનીઓના પેટમાં કેવું તેલ રેડાયું છે, તેનો અંદાજ કંપનીઓ દ્વારા પ્રાયોજિત પત્રમાંથી આવી શકે છે. પરંતુ સરકારે બીટી રીંગણને મંજૂરી આપવાનું કેમ મોકૂફ રાખ્યું તેની અછડતી વાત યાદ કરી લેવા જેવી છે.
‘બીટી’ એ જમીનમાં થતા ‘બેસીલસ થુરીન્જેન્સીસ’ પ્રકારના બેક્ટેરિયાનું ટૂંકું નામ છે. આ બેક્ટેરિયા પાકને નુકસાન કરતી કેટલીક મુખ્ય જીવાતો માટે જીવલેણ ઝેર પેદા કરે છે. ખાનગી કંપનીઓના સંશોધકોએ બીટીના શરીરમાંથી (તેના ડીએનએમાંથી) ઝેર પેદા કરવા માટે જવાબદાર જનીન જુદો તારવ્યો અને એ જનીનને રીંગણના ડીએનએમાં દાખલ કરી દીધો. તેનું અપેક્ષિત પરિણામ એ છે કે બીટીના ઝેરથી સજ્જ બીટી-રીંગણને જીવાતોનો ભય ન રહે. તેની પર જંતુનાશક દવાઓ છાંટવાની પણ જરૂર નહીં. જીવાતોનો ખાત્મો બોલાવવા માટે રીંગણનો છોડ પોતે જ (બીટીના જનીનના પ્રતાપે) ઝેર પેદા કરી લે. એ ઝેરથી જીવાતોનો ખાત્મો અને પાક સલામત.
આ વર્ણન આકર્ષક અને લલચામણું લાગે, પરંતુ તેમાં સૌથી પહેલો અને પાયાનો સવાલ છેઃ જનીન પરિવર્તીત બિયારણ ધરાવતા પાક માણસ ખોરાકમાં લઇ શકે? અમેરિકામાં મકાઇ અને સોયાબીન સહિતના ચાર પાકમાં જનીન પરિવર્તીત બિયારણને મંજૂરી આપવામાં આવી છે, પણ તેમાંથી એકેય પાક માણસના ખોરાકમાં વપરાતો નથી. મકાઇ મુખ્યત્વે પશુઓના ખોરાકમાં વપરાય છે.
બીટી બિયારણ ઝેરી કે અનિષ્ટ છે અને તેને ધોળા ધરમે પણ વપરાય નહીં, તે એક અભિપ્રાય છે. બીટી બિયારણથી ખેડૂતો ઊંચા આવી જશે, તે બીજો પ્રચાર છે. આ મુદ્દો મૂળભૂત રીતે વિજ્ઞાનનો છે. માટે થવું એવું જોઇએ કે સરકારે વિચારધારાઓની ટક્કરમાં પડ્યા વૈજ્ઞાનિક તથ્યોની ચકાસણી કરવી જોઇએ અને તેના આધારે આખરી નિર્ણય લેવો જોઇએ. પરંતુ જનીન ટેકનોલોજી આઘુનિકતમ હોવાથી, એવું બને છે કે સરકારી સંસ્થાઓ પાસે તેની અસરો-આડઅસરો ચકાસવાનાં પૂરતાં સાધનસુવિધા-સજ્જતા કે એ વસાવવાની દાનત હોતાં નથી. ભારતભરમાં કૃષિ સંશોધન કેન્દ્રો ચાલે છે. ખોરાકમાં લેવાતા બીટી પાકોની આડઅસર તપાસવા માટે જીલ્લે જીલ્લે કેન્દ્રો ખોલવાની જરૂર નથી. એકાદ-બે કેન્દ્રો એ માટે પૂરતાં થઇ પડે.
પરંતુ આવી બિનરાજકીય બાબતોમાં બગાડવા માટે કોની પાસે સમય હોય છે? એટલે બને છે એવું કે ‘ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં’ના ધોરણે, બીટી બિયારણ બનાવનારી કંપનીઓએ જ કરાવેલાં સંશોધનોના આધારે ‘સબ સલામત’ જાહેર કરી દેવામાં આવે છે. ફક્ત સરકારો કે સ્વૈચ્છિક સંસ્થાઓ જ બિકાઉ હોય એવું માની લેવાની જરૂર નથી. સંશોધકો-વૈજ્ઞાનિકો પણ યોગ્ય ભાવ લઇને અનુકૂળ પરિણામો લાવી આપે છે અને પ્રતિકૂળ પરિણામો ઢાંકી આપે છે. સામાન્ય ખેડૂત માટે આર્થિક ફાયદાનું પરિબળ એટલું મોટું હોય છે કે પર્યાવરણ, જૈવવૈવિઘ્ય/બાયોડાયવર્સિટી જેવા વિષયો અંગે ચિંતા કરવાનું તેને પરવડતું નથી. પરંતુ બીટી-પાકો ખોરાકમાં લેવાતા થાય ત્યારે તેની અસરો અને ખાસ તો આડઅસરો વિશે સૌએ ચિંતા કરવી પડે.
પાયાના સવાલ
આર્થિક સામ્રાજ્યવાદ ફેલાવવા માટે કોઇ પણ હદે જઇ શકતી બળુકી બહુરાષ્ટ્રિય કંપનીઓ સામે બાથ ભીડવાનું ફક્ત સરકારી અને નાગરિકી રાહે જ શક્ય છે. વૈજ્ઞાનિક પ્રગતિનો ઇન્કાર કર્યા વિના કે રાસાયણિક ખેતીનો ઝનૂની વિરોધ કર્યા વિના, બીટી-પાકોની વાત આવે ત્યારે આટલા સવાલના સંતોષકારક અને ભરોસાપાત્ર જવાબ મેળવવા જરૂરી છે.
- જે પાકમાં બીટી બિયારણ દાખલ કરવામાં આવે છે (દા.ત.રીંગણ) તેના જથ્થાબંધ ઉત્પાદનની જરૂર છે? કે ફક્ત જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવા માટે બીટીનો પ્રચાર કરવામાં આવે છે? તેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાથી ખેડૂતો માલામાલ થશે કે બજારમાં આવતાં રીંગણાંનો ભાવ ઘટતાં તેમને સાવ સસ્તા ભાવે વેચવાનો વારો આવશે?
- બીટી બિયારણના સરકારી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કેટલા વર્ષ સુધી ‘ફિલ્ડ ટ્રાયલ’ થયા છે? તેનાં પરિણામો સંશોધકોએ જાતે તારવેલાં છે કે કંપનીઓએ તૈયાર કરી આપેલાં છે? ફિલ્ડ ટ્રાયલમાં બીટી બિયારણ ધરાવતા પાકની સાથે એ જ પાકની બીજી જાતોનું સહઅસ્તિત્ત્વ શક્ય બન્યું છે? કે પછી બીટી આવે એટલે બાકીની બધી જાતોનું અસ્તિત્ત્વ જોખમમાં આવી પડે છે?
- કંપનીઓએ તૈયાર કરેલું બીટી બિયારણ અમુક જ પ્રકારની જીવાતો સામે રક્ષણ આપનારું હોય છે. એ જીવાતો બધા પ્રદેશોમાં હોય જ એવું જરૂરી નથી. એટલે પૂરતી ચોક્સાઇ રાખવામાં ન આવે તો એવું બને કે મોટા ઉપાડે બીટી બિયારણને મંજૂરી તો અપાઇ જાય, પણ એ જે જીવાતોથી રક્ષણ આપે છે એ જીવાત જ આખા પ્રદેશમાં ન હોય.
- ઉત્ક્રાંતિના કુદરતી ક્રમ પ્રમાણે, બીટીના ઝેરથી નાબૂદ થતી જીવાતો ધીમે ધીમે પ્રતિકારક શક્તિ કેળવે એ બહુ વાસ્તવિક શક્યતા છે. એવું થાય તો પછી ઝેરની માત્રા વધારતા રહેવું પડે. બીટી બિયારણ કંપનીઓની માલિકીનાં હોય છે. ખેડૂતો પોતાના પાકમાંથી બિયારણ લઇને બીજા વર્ષે તેની વાવણી ન કરી શકે. દરેક વર્ષે તેમણે કંપની પાસેથી બિયારણ ખરીદવું પડે. બીટી બિયારણ આડઅસરોની બાબતમાં નિર્દોષ સાબીત થાય તો પણ, કોઇ પણ કંપનીના એકાધિકારને અને તેમની પરની સંપૂર્ણ પરાધીનતાને મંજૂરી આપી શકાય નહીં.
- ખોરાકમાં લેવાતા પાકોમાં બીટીના ઝેરની અસર થાય છે કે કેમ, એ વિશે પ્રમાણભૂત અને એકથી વઘુ જગ્યાએથી એકસરખાં પરિણામ ન મળે, ત્યાં સુધી તેને માન્યતા આપી શકાય નહીં.
બીટી પાકોના મુદ્દે સરકારો પૂરતી ચકાસણી વિના ઉતાવળીયા નિર્ણય લેશે તો દેશની ખેતીને જ નહીં, નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણને પણ ખાનગી કંપનીઓની ખિદમતમાં ધરી દીધા બરાબર ગણાશે.
Labels:
bt brinjal,
gm crops
Subscribe to:
Post Comments (Atom)
જીએમ ખેતી એ પશ્ચિમના દેશોની આપણા જેવા ખેતીપ્રધાન અને શાકાહારી પર મારીઠોકીને વળગાડી દેવાના ચારસા જ ગણાય. તે અંગે objectivelyઠ વિચારી શકે અને તેને જાહેર પ્રસાર કરી શ્કે તેવી શ્રધ્ધેય વ્યવસ્થા જ નથી તેનો લાભ જીએમ ખેતી સાથે સંકળાયેલ સંસ્થાઓ ઉઠાવે છે તેમાં શંકા નથી.
ReplyDeleteતેઓએ પોતાના દેશોમાં તો પોતાની જાળ ફેલાવી જ ચૂકેલ છે,અને ત્યાંની સફળ(!?) થયેલી અસરોનું એકપક્ષી વિવરણ અને ન ફાવતાં regulations અંગે ચુપકીદી એ એમને ફાવે છે.
આશા કરીએ કે આ બાબતે બધાને સદબુધ્ધિ જ થશે જેથી ટુંકા ગાળાની તેમ જ લાંબા ગાળાની આડઅસરોથી આપણે બચી શકીએ.
આવું જ દવાઓના ઉદ્યોગમાં પણ થઇ રહ્યું છે. ડૉ. પ્રદીપ પંડ્યા જેવા રડ્યાખડ્યા લોકો માનવ સમાજ માટે પાયાનાં મહ્ત્વનો એવો આ ઉદ્યોગ માત્ર આર્થિક નફાના ખરાબે ભરાઇ ન જાય એટલે દીવાદાંડી જેવું કાર્ય પણ કરી રહ્યા છે.
આપનો આ લેખ પણ અમાસની કાળી ડીબાંગ રાતમાં દૂર ટમી ટમી રહેલા એક દિવડાને બદલે જાગરૂકતાના દાવાનળને પ્રગટાવનારી ચિનગારી બની રહે તેવું ઇચ્છીએ.
Aankho ughadnar ane saune jagrut kare tevo lekh. Saune vadhare jaan thay ane loko jagrut tahy e rite tene felavvo joiye. Aabhaar.
ReplyDeleteसरस लेख! अभिनन्दन!
ReplyDeleteअशोक भार्गव
Difference between British Colony culture, MNC Culture could be well experienced through your article.
ReplyDeleteRice crop recently harvested in Sanand region were not the same as previous crop.
Prices of Bhindi is now no more Rs.12/- per k.g.
A result of RURURBAN and exploit the natural resources.
'ફક્ત સરકારો કે સ્વૈચ્છિક સંસ્થાઓ જ બિકાઉ હોય એવું માની લેવાની જરૂર નથી. સંશોધકો-વૈજ્ઞાનિકો પણ યોગ્ય ભાવ લઇને અનુકૂળ પરિણામો લાવી આપે છે અને પ્રતિકૂળ પરિણામો ઢાંકી આપે છે.'
ReplyDeleteprofessionals and businessmen and industrialists and intellectuals and bureaucrats and judges and religious heads and the list can go bigger and bigger if we can think of all influential segments of society that are thriving on corruption. this kind of moral corruption leaves little hope for masses.
Anna & co, please take note you have to include all these constituents of corruption and not single out a few politicians for your sinister motives. no, it is not your naivety, it is your calculated motive to exclude these powerful others from the 'fight against corruption'.
one would wonder, why should i bring in this issue when the issue is 'જીએમ બીયારણઃ ફાયદા-નુકસાનની સાપસીડી'. don't you think these are all manifestation of the bigger malaise called 'moral corruption'?
wow Neeravbhai, you've taken the discussion to deeper level. I agree about moral corruption. It would be good to study how it is caused and how can it be removed.
ReplyDelete