Wednesday, April 25, 2012
પાણીઃ ફ્રિજનું અને માટલાનું
પાણી ગુજરાતનું સૌથી વિવાદાસ્પદ બનવાની શક્યતા ધરાવતું સૌથી બિનવિવાદાસ્પદ પીણું છે.
ગુજરાતમાં પીવાના પાણીના પ્રશ્ન અને નર્મદા યોજનાની વાત કરી જુઓ, એટલે રાજકીય વિવાદ સર્જવાની પાણીની ક્ષમતાનો ખ્યાલ આવશે. ‘સારા માણસ થઇને રાજકારણની વાત ક્યાં કરવી?’ એવો ખચકાટ થતો હોય તો પાણી ક્યારે પીવાય, કેટલું પીવું જોઇએ, જમતી વખતે વચ્ચે પાણી પીવાય કે નહીં, એવા સવાલ જાહેરમાં, વગર પાણીએ, તરતા મૂકી જુઓ. એ સાથે જ વાદવિવાદ શરૂ. આખી વાતને ગોસિપને બદલે જ્ઞાનચર્ચાનો દરજ્જો આપવો હોય તો પાણી વિશે આયુર્વેદમાં શું કહ્યું છે ને હોમિયોપેથી શું કહે છે એ પૂછો અને પછી નરણા કોઠે સાંભળ્યા કરો.
મિથુનને ‘ગરીબોનો અમિતાભ’ કે ડુંગળીને ‘ગરીબોની કસ્તૂરી’ કહેનારા લોકોએ પાણીને હજુ સુધી ‘ગરીબોનું દૂધ’ કહ્યું નથી એટલી તેમની દયા છે. આયુર્વેદ કે ‘શાસ્ત્રો’ ટાંકવાના શોખીન લોકો પોતપોતાનાં રૂચિ-સમજણ-અનુકૂળતા પ્રમાણે પાણીને ‘અમૃત’થી માંડીને ‘ઝેર’ સુધીની ઉપમાઓ આપે છે. ‘જમતાં જમતાં પાણી? એ તો ઝેર કહેવાય ઝેર. જઠરાગ્નિ મંદ કરી નાખે અને ખોરાકને પચવા ન દે.’ એવું જાણકારોનો એક વર્ગ કહી શકે છે. પરંતુ એવો બીજો વર્ગ ‘જમતાં જમતાં જેટલું પીવાય એટલું પાણી પીવું જોઇએ. ગુણ કરે. ખોરાક સહેલાઇથી પચી જાય.’ એવા અભિપ્રાય સાથે તૈયાર હોય છે.
તો તંદુરસ્ત રહેવા માટે કરવું શું? સીધો ઉપાય છેઃ જમતી વખતે પાણી ન પીતા લોકોએ પહેલો અભિપ્રાય માનવો, જેથી તે પાણીની ઝેરી અસરમાંથી બચી જશે અને જમતી વખતે વચ્ચે પાણી પીનારાએ બીજા વર્ગની વાત માનવી, જેથી તેમને પાણીની ગુણકારી અસરોનો લાભ મળશે.
ઉનાળો આવે એટલે પાણીવિષયક વિવાદો તાજા થઇને છલકાવા માંડે છે. ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે, એવું ઘણાં વર્ષો પહેલાં સાંભળ્યું ત્યારે તેનો અર્થ પૂરો સમજાયો ન હતો. પણ સાદા પાણી વિરુદ્ધ ફ્રીઝના-બરફના પાણીની, સાદા પાણી વિરુદ્ધ મીનરલ વોટરની કે પછી પાણીથી થતા લાભ-ગેરલાભની ઉગ્ર ચર્ચાઓ જોયા પછી એ વિધાનનો મર્મ સમજાય છે.
ઠંડું પાણી ક્યારથી પીવું જોઇએ, એ બાબતે કુટુંબે કુટુંબે જ નહીં, વ્યક્તિએ વ્યક્તિએ ભિન્નમત પ્રવર્તે છે. શિયાળો-ઉનાળો-ચોમાસુ આ ત્રણે ૠતુઓ વચ્ચે ભાજપ-કોંગ્રેસ જેટલો ચોખ્ખો તફાવત હતો ત્યારે શિયાળો બેસતાંવેંત ઘણાં પરિવારો શિયાળામાં ફ્રિજ બંધ કરવાની હદનાં પગલાં લેતાં હતાં. શિયાળાના દિવસોમાં ફ્રિજ કબાટ તરીકે વપરાતું. તેમાં ઇસ્ત્રી કરેલાં કપડાં મુકાયા હોવાના દાખલા ઇતિહાસમાં નોંધાયેલા છે. (એ ઇતિહાસ હજુ પ્રકાશિત નથી થયો એ જુદી વાત છે.) છેક આ હદે જવા ન ઇચ્છતા કેટલાક વડીલો ‘હવેથી ફ્રિજમાં પાણીના જગ-બોટલ મૂકવા નહીં’ એવો આદેશ જારી કરીને શિયાળાના સત્તાવાર પ્રારંભનું એલાન કરતા હતા. તેમનો વટહુકમ ઉનાળાના દિવસો શરૂ થઇ જાય ત્યાં સુધી અમલી રહેતો. વાતાવરણમાં ગરમી થવા લાગે અને કાવ્યાત્મક બાનીમાં કહીએ તો, પંખો જોઇને હૃદયમાં સ્વીચ પાડવાની ઊર્મિ જાગે, ત્યારથી ફરી એક વાર ફ્રિજમાં પાણીના જગ મૂકાવાનો સિલસિલો ચાલુ થતો.
ફ્રિજની નવાઇ હતી ત્યારથી શરૂ થયેલો ફ્રિજના પાણી વિરુદ્ધ માટલાના પાણીનો જંગ વર્ષો સુધી ચાલ્યો. સંસ્કૃતિપ્રેમી-આરોગ્યપ્રેમી-પરંપરાપ્રેમી વર્ગ ફ્રિજના પાણીને ઉતારી પાડવા અને તેની પર માટલાના પાણીની સરસાઇ સિદ્ધ કરવા હંમેશાં તત્પર હતો. તેમનો હુમલો બેપાંખિયો રહેતોઃ માટલાના પાણીનો મહિમા અને ફ્રિજના પાણીની અનિષ્ટ અસરો.
અખબારી આયુર્વેદાચાર્યો આદુ કે લસણ કે હળદર કે તુલસીના ‘ઔષધીય ગુણ’ વર્ણવતી વખતે જેમ પ્રમાણભાન ગુમાવી બેસે છે અને તે કફથી એઇડ્સ સુધી બધા રોગોમાં ગુણકારી ગણાવવા લાગે છે, એવું જ માટલાપ્રેમીઓની બાબતમાં થતું. એક તરફ તે ફ્રિજના પાણીથી થનારા સંભવિત રોગોની બિહામણી યાદી આપતા. તેની સાથોસાથ, લતા મંગેશકરને તેમના ગુરુએ ફ્રિજનું પાણી નહીં પીવાની સલાહ આપી હતી, એવી ખુફિયા- ખુદ લતા મંગેશકરને પણ ખબર ન હોય એવી- બાતમીઓથી માંડીને, સાયગલ હંમેશાં માટલાનું જ પાણી પીતા હતા એવી જાણકારી તે પૂરી પાડતા હતા. ‘માટલાનું પાણી ફ્રિજના પાણી કરતાં પણ વધારે ઠંડું હોય છે’ એ તેમનું બીજું દલીલાસ્ત્ર હતું. આર્ય-દ્રવિડ સંઘર્ષ પ્રકારના આ જંગમાં માટલા-બ્રિગેડને પીછેહઠ કરવી પડી અને ફ્રિજ-પલટણનો વિજય થયો. હવે ઉનાળામાં ઘણાં ઘરમાં ફ્રિજનું પાણી પીવું કે માટલાનું એની ચર્ચા થતી નથી. ફ્રિજમાંથી કાઢેલી બોટલ, કોઇ જુએ નહીં એમ સીધી મોઢે માંડવી કે બોટલમાંથી સભ્યતાપૂર્વક પાણી પ્યાલામાં કાઢીને પીવું- એ વિવાદનો મુખ્ય મુદ્દો હોય છે. કેટલાક લોકોને ફ્રિજના પાણીમાં પણ એટલું ઠંડું પાણી જોઇએ છે કે ‘એ ગયા જનમમાં ધ્રવપ્રદેશનાં સફેદ રીંછ હશે?’ એવી શંકા, પૂર્વજન્મમાં ન માનતા લોકોને પણ થાય.
સમદૃષ્ટિ ધરાવતા ઘણા લોકોએ, બીજી વધારે મહત્ત્વની સમસ્યાઓ પર ઘ્યાન કેન્દ્રિત કરી શકાય એ માટે, ફ્રિજ વિરુદ્ધ માટલાના વિવાદમાંથી રાજીનામું આપી દીઘું છે. તેમ છતાં, આદર્શપણાના ખ્યાલથી ઉભરાતા યજમાનો ક્યારેક તેમની કસોટી કરી નાખે છે. ‘કયું પાણી આપું? માટલાનું કે ફ્રિજનું?’ એવા સવાલના જવાબમાં ‘કોઇ પણ ચાલશે’ સાંભળીને તેમને પોતાના યજમાનધર્મનું અપમાન લાગે છે. ‘એવું તે કંઇ હોય? તમારે જે જોઇએ - તમને જે ફાવતું હોય તે છે. ઉકાળેલું ફાવતું હોય તો એવું પણ છે ને બરફનું જોઇતું હોય તો એવું પણ બનાવી દઉં. વાર કેટલી?’
વિકલ્પો સાથે જવાબ આપનારની મૂંઝવણ અને અકળામણ વધે છે. ‘હું જૂઠું નથી બોલતો’ના હાવભાવ સાથે એ બોલી ઉઠે છે, ‘ખરેખર, કોઇ પણ ચાલશે. આપણને એવું કશું નથી.’ પરંતુ યજમાન પોતાના ધર્મમાર્ગેથી એમ ચ્યુત નહીં થાય તેની ખાતરી થતાં, તે કોઇ પણ એક પ્રકારનું નામ પાડીને પોતે મુક્ત થાય છે અને યજમાનને પણ અપરાધભાવમાંથી મુક્ત કરે છે.
સામાન્ય લોકો તરસ છીપાવવા માટે પાણી પીએ છે, પણ કેટલાક જાણભેદુઓ આરોગ્યનાં અવનવાં કારણસર પાણી ગટગટાવે છે. ક્યાંક એમના વાંચવામાં આવે કે સવારે ઉઠ્યા પછી બ્રશ કર્યા વિના એક લીટર પાણી પીવું જોઇએ. એટલે તે પાણીને દવાની માફક પીવાનું શરૂ કરે છે. કોઇ કહે કે આખા દિવસમાં પીવાય એટલું પાણી પીવું જોઇએ, એટલે તે પાણી પીવાની બાબતમાં માણસ મટીને ઊંટ બની જાય છેઃ જ્યારે જ્યાં જેટલું મળે એટલું પાણી પીવું. ન પીવાય તો પણ પીવું. કારણ? ‘ગુણ કરે.’ આવા લોકોને જોઇને ‘પ્યારકો પ્યાર હી રહેને દો, કોઇ નામ ન દો’ એ પંક્તિ જરા ફેરફાર સાથે ટાંકવાનું મન થાય, ‘પાણીને પાણી જ રહેવા દો અને એ જ રીતે પીઓ તો ઘણું છે.’
Labels:
food,
humor-satire/હાસ્ય-વ્યંગ
Subscribe to:
Post Comments (Atom)
આ વાંચીને કિશોરકુમારનું પેલુ ગીત પાણી માટે ગાવાનું મન થઈ જાત...'સર્દીમેં જો પીયોગે યારો...તુ પી ઔર જી..."...
ReplyDeleteઆ તો હસીહસીને આંખમાં પાણી આવી ગયું હો...
ReplyDelete