Wednesday, April 04, 2012

દૂધના ‘સમુદ્રમંથન’નો દૈવી પ્રસાદઃ કોઠી આઇસક્રીમ


‘એવી કઇ ચીજ છે જેમાં ઘન, પ્રવાહી અને વાયુ- ત્રણે સ્વરૂપોનું મિશ્રણ થયેલું છે?’-આ સવાલના જવાબમાં નોકરીયાત વર્ગ વિચારશે કે નક્કી, ઉપરીના ઠપકા વિશે વાત થતી લાગે છે. કારણ કે બોસ ખખડાવે ત્યારે માથામાં ઘન સ્વરૂપના હથોડા વાગે છે, કપાળેથી પ્રવાહી સ્વરૂપે પરસેવો છૂટી જાય છે અને મગજની અંદરથી વાયુ સ્વરૂપે વરાળો નીકળવા લાગે છે. વિદ્યાર્થીઓને બોસને બદલે કડક શિક્ષકનો વિચાર આવી શકે છે. કેટલાક લોકો સવાલ પૂરો થાય તે પહેલાં જ ‘આપણે કોમર્સ લીઘું હતું’ એમ કહીને સ્વેચ્છાનિવૃત્તિ જાહેર કરી દેશે, તો સાયન્સબહાદુરો પોતાના ભૂતકાળની શરમે માથું ખંજવાળશે અને ‘એવું કંઇક આવતું હતું ખરું, પણ હવે બહુ વખત થઇ ગયો એટલે યાદ નથી.’ એમ કહીને આબરૂ બચાવવા પ્રયાસ કરશે.
 ઉપરનો સવાલ આઇસક્રીમ ખાતાં ખાતાં પૂછાયો હોય, તો પણ તેનો જવાબ ન સૂઝે એવું બને. જવાબ છેઃ ખુદ આઇસક્રીમ. પરંતુ આઇસક્રીમનું પ્રમુખ લક્ષણ અને તેનું માહત્મ્ય જ એ છે કે તેના પ્રેમીઓ આઇસક્રીમ ખાતા હોય ત્યારે તેમને બાકીનું બઘું મિથ્યા લાગે છે. ‘સમય અને સમુદ્રી મોજાં કોઇની રાહ જોતાં નથી’ એવું કહેનારા ચંિતકોએ કદી આઇસક્રીમ નહીં ખાધો હોય. નહીંતર તેમણે એ યાદીમાં આઇસક્રીમનો પણ ઉમેરો કર્યો હોત.

ઓગળતા આઇસક્રીમને ફ્રીઝર સિવાય બીજા કશાની શરમ નડતી નથી. ભલભલો વડાપ્રધાન હોય કે તાનાશાહ, એક વાર હાથમાં આઇસક્રીમ પકડ્યો એટલે તેનો પાર લાવ્યે જ છૂટકો. સ્વમાની આઇસક્રીમ પોતાની અવગણના સાંખી શકતો નથી. ‘મોટા ઉપાડે મને બોલાવ્યો ને હવે મારા માટે ટાઇમ નથી? તો લો, હું આ ઓગળ્યો. તમને મારી પડી નથી, તો મનેય તમારી પરવા નથી.’ સૌ જાણે છે કે ઓગળેલો આઇસક્રીમ ખાવા-એટલે કે પીવા- માટે કોઇ ભૂંગળી (સ્ટ્રો) આપતું નથી. દરેકે પોતાના હિસાબે અને જોખમે કપ કે બાઉલ મોઢે માંડવાનો રહે છે.

આઇસક્રીમની પહેલી ચમચી કે પહેલું બટકું, અઘ્યાત્મની પરિભાષામાં કહીએ તો, સાક્ષાત્કારની ક્ષણ હોય છે. એક જ બટકું અને આખા અસ્તિત્ત્વમાં બત્રીસે કોઠે ટાઢક પ્રસરી જાય છે. ઘણાને જોકે આઇસક્રીમની અતિશય ઠંડક માફક ન આવતી હોય તો બત્રીસ કોઠે ટાઢકને બદલે બત્રીસી ખડી પડતી હોય એવો અહેસાસ પણ થાય છે. ટોમ એન્ડ જેરીની એનિમેશન ફિલ્મોમાં જેમ બિલાડાના દાંતે કશું અથડાવાથી બધા દાંત ખડીંગ ખડીંગ ખડી પડે છે, એવું ક્યાંક પોતાની સાથે ન થાય, એ બીકે ઘણા લોકો આઇસક્રીમ ખાતાં ખચકાય છે. ભૂલથી એકાદ બટકું ઉતાવળે મોંમાં મુકાઇ જાય તો તેમના હાવભાવ એવા હોય છે, જાણે તેમના મોઢામાં કોઇ રેડિયોએક્ટિવ પદાર્થ આવી ગયો હોય.

પરંતુ આ પ્રકારનું વર્ણન ઘણા આઇસક્રીમપ્રેમીઓને, ગુજરાતની લેટેેસ્ટ ફેશન પ્રમાણે, આઇસક્રીમને બદનામ કરવાનું કાવતરું  લાગી શકે છે. આઇસક્રીમ આપણી ‘બઘું જ શોધી ચૂકેલી’ સંસ્કૃતિનો વારસો નથી. કમ સે કમ, હજુ સુધી કોઇએ એવો દાવો કર્યો નથી કે કૃષ્ણ અને સુદામા મળ્યા ત્યારે સુદામાના તાંદુલના બદલામાં શ્રીકૃષ્ણે કસાટા કે કેસરપિસ્તા કે સ્ટ્રોબેરીનો આઇસક્રીમ ખવડાવ્યો હતો. પાંચે પાંડવો સ્લાઇસ પાડ્યા વિના એક જ ફેમિલી પેકમાંથી કુંડાળે વળીને આઇસક્રીમ ખાતા હતા, એવું મહાભારતના કોઇ અભ્યાસીએ નોંઘ્યું નથી. છતાં, કોઠીને કારણે આઇસક્રીમ આપણા ભવ્ય ભૂતકાળનો સાંસ્કૃતિક વારસો બની ગયો  છે. હકીકતમાં ઇન્ડોલોજિસ્ટો થોડી મહેનત કરે તો સમુદ્રમંથન વખતે રત્નોની સાથે આઇસક્રીમ પણ નીકળ્યો હતો, એવો ઉલ્લેખ મળવાની પૂરી શક્યતા છે.

કોઠીનો આઇસક્રીમ બનાવવો એ આઇસક્રીમ ખાવા જેટલી જ આનંદદાયક સામુહિક પ્રવૃત્તિ હતી. કોઠીના નળાકારમાં દૂધ ભરવાનું, કેરીનો રસ, ટુકડા કે કાજુ-દ્રાક્ષ નાખવાનાં, કોઠીની ચોતરફ બરફ, તેમાં મીઠાના ગાંગડા હોય અને બહારની બાજુ કંતાન વીંટાળેલું હોય. એ વખતે એવું લાગે કે બસ, કોઇ લાયક માણસ હેન્ડલ લઇને કોઠીમંથન કરે એટલે દૈવી પ્રસાદી તરીકે આઇસક્રીમ મળશે.

કોઇ માણસ ફક્ત પોતે ખાવા માટે કોઠીનો આઇસક્રીમ ન બનાવે. કુટુંબપરિવાર ને મિત્રમંડળનું ટોળું બેઠેલું હોય. તેમાં વડીલો પોતાના જમાનાની અને પોતે કોઠી ફેરવવામાં કેવા ચેમ્પિયન હતા તેની વાતો કરતા હોય. સાથે સાથે, કોઠીમાં નાખવા માટે અલગ રખાયેલા કાજુના કોઇ ન જુએ તેમ ફાકડા મારવાનું પરાક્રમ પણ પોરસથી યાદ કરવામાં આવે. મહિલાવર્ગ આઇસક્રીમની પ્રતીક્ષામાં અને આઇસક્રીમ પાર્ટી પૂરી થયા પછી સાફસફાઇના વહીવટની માનસિક તૈયારી સાથે બેઠો હોય. મોટી ઉંમરના જુવાનિયા ઘડીકમાં કોઠી બાજુ, તો ઘડીમાં પોતાનાં બાવડાં તરફ જોઇને ‘આવી તો કંઇક કોઠીઓ ઊંચી મૂકી દીધી’ ના ભાવ સાથે નવી પેઢીને આગળ આવવા માટે આહ્વાન કરતા હોય. નવી પેઢીને મેદાને જંગમાં પોતાનું પાણી બતાવી દેવા માટે થનગનતા હોય. એવા વાતાવરણમાં, અણુબોમ્બના  પરીક્ષણ માટે બોમ્બને ભૂગર્ભમાં ઉતારવામાં આવે એવી રીતે, દૂધ ભરેલો બંધ નળાકાર કોઠીના બર્ફસ્તાનમાં ઉતરે. એ સાથે જ, ‘નૈયા તેરી મઝધાર, હોશિયાર, હોશિયાર’ ગાતા ઉત્સાહી ફિલ્મી નાવિકોની જેમ રંગરૂટો વારાફરતી કોઠીનો મોરચો સંભાળે.

પહેલી વાર કોઠી ફેરવનારને એમ જ હોય કે ‘એમાં શી મોટી વાત છે? આટલા બધા ફેરવનારાની કશી જરૂર નથી. હું એકલો જ હમણાં જોતજોતામાં આઇસક્રીમ ઠારી નાખીશ.’ પરંતુ થોડો સમય વીત્યા પછી  તેને લાગે કે દૂધ તો કોઠીમાં મૂક્યું હતું ને એ બાવડાંમાં જામતું હોય એવું કેમ લાગે છે? પછી તેને ખ્યાલ આવે કે આઇસક્રીમની તો વાર છે, પણ બાવડાં જામી ચૂક્યાં છે. એટલે ‘હું જરા પાણી પીને આવું. ત્યાં સુધી કોણ ચલાવે છે?’ એમ કહીને બહાદુરીભરી પીછેહઠ કરે. પરંતુ અગાઉ કોઠી ફેરવી ચૂકેલાઓ પાણી પીવાનો અર્થ બરાબર જાણતા હોય. એટલે તે મર્માળુ સ્મિત કરીને, ‘જા, શાંતિથી બઘું પતાવીને જ આવજે’  એમ કહીને, છૂપા ઉપાલંભ સાથે હેન્ડલ સંભાળે.

અનુભવી માણસ હેન્ડલ ફેરવવા માટે આવે ત્યારે રાહુલ દ્રવિડ કે સચિન તેંડુલકર બેટંિગ કરવા ઉતર્યા હોય એવું લાગે. એ આવીને સીધા ઠોકાઠોક શરૂ ન કરી દે. પહેલાં પીચ જુએ. ફિલ્ડંિગ જુએ. ઘડીક સૂરજ સામે જુએ. આમતેમ ખભા હલાવે.  એવી જ રીતે અનુભવીઓ કોઠી પર આવ્યા પછી, હેન્ડલ પકડતાં પહેલાં આજુબાજુનો બરફ જરા ઊંચોનીચો કરે. મીઠાના ગાંગડા નાખે. ભલું હોય તો કોઠી ખોલે અને અંદર જોઇને જાહેર કરે કે ‘હજુ તો દૂધનું દૂધ જ છે.’ (એટલે કે આગળવાળાએ કશું ઉકાળ્યું નથી. હવે જોજો ભાયડાના ભડાકા.)

અનુભવી બેટ્‌સમેનો પહેલા બોલે છગ્ગો મારવાની મહત્ત્વાકાંક્ષા ન રાખે, એવી રીતે અનુભવી કોઠીમાસ્ટરો ધીમી પણ મક્કમ ગતિથી, ચહેરા પરના હાવભાવમાં ફેરફાર ન થાય ને કરચલીઓની સંખ્યામાં વધઘટ ન થાય એ રીતે મૂંગું બળ બતાવીને કોઠી ફેરવવામાં પ્રવૃત્ત થાય. શ્રમ પડતો હોવા છતાં ચહેરા પર જળવાયેલી સમધારણતા અને તેમનું આખું અસ્તિત્ત્વ કોઠીના હેન્ડલમય થઇ ગયું હોય એવી તેમની સ્વાભાવિક એકાગ્રતા જોઇને એ પ્રક્રિયાને ‘કોઠીયોગ’ કહેવાનું મન થઇ જાય. થોડી વાર કોઠીનું હેન્ડલ ફેરવ્યા પછી તે ‘બસ, આ જગતમાં મારું અવતારકાર્ય પૂરું થયું. હવે મને તેડું આવી ગયું છે. હું જાઉં.’ એવા ભાવથી તે, કોઇ પણ જાતની બહાનાબાજી વિના ઊભા થઇ જાય. ત્યાં સુધીમાં કોઇ નવો રંગરૂટ કોઠીનું સુકાન સંભાળવા તલપાપડ ઉભો જ હોય.

આ રીતે વારાફરતી હેન્ડલ ફેરવ્યા પછી છેવટે આઇસક્રીમને ઠરેલો જાહેર કરવામાં આવે એટલે રંગરૂટોના હૈયામાં હરખની હેલી ચઢે. આ પ્રક્રિયામાં પોતાનું પ્રદાન કેટલું મહત્ત્વનું રહ્યું, એ વિશે તે મનોમન વિચારવા અને પોરસાવા લાગે. પરંતુ એક લીટરીયો નળાકાર બહાર કાઢીને તેમાંથી આઇસક્રીમ વહેંચતાં ખ્યાલ આવે કે આખો જથ્થો વડીલો અને મહિલા વર્ગમાં જ પૂરો થઇ ગયો છે. રંગરૂટોના ભાગે ફરી એક વાર ‘હોશિયાર, હોશિયાર’ કરીને કોઠી ચલાવવાનું આવ્યું છે, એટલે તે પ્રેરણાનાં પિયુષની અવેજીમાં એકાદ ચમચી આઇસક્રીમ ચાખીને, તેમાંથી કોઠી ચલાવવાનું બળ પ્રાપ્ત કરે.

આમ ને આમ, બે રાઉન્ડ પછી જ્યારે ત્રીજા રાઉન્ડમાં આઇસક્રીમ ખાવાનો વારો આવે ત્યારે, શરૂઆતમાં હોંશે ઉભરાતા રંગરૂટમાં આઇસક્રીમ ઝાપટવાના હોશકોશ રહ્યા ન હોય. મનમાં એવું પણ હોય કે હવે વધારે ખાવો હોય તો એના માટે કોઠી ફેરવવામાં, જેટલો ખાધો છે એટલો આઇસક્રીમ પણ બળી જશે. એટલે ‘કોઠી ભરીને અમે એટલું ફેરવ્યો ત્યારે માંડ બાઉલ ભરીને અમે મેળવી શક્યાં’ એવું કાવ્યાત્મક સમાધાન સાધીને તે વ્યવહારના પાઠ શીખે છે. ફરી વાર કોઠી ફેરવવાની થાય ત્યારે તે થનગનતો રંગરૂટ રહેતો નથી.

કોઠીનો આઇસક્રીમ એક યા બીજા સ્વરૂપે મળે છે, પણ કોઠી ફેરવવાની પ્રક્રિયા નામશેષ થઇ છે. બાકી, કાનમાં ઇયરફોન ખોસીને મોબાઇલ પર વાત કરતાં કરતાં કોઠી ફેરવનારા મીઠાના ગાંગડા દૂધમાં ને કાજુ-દ્રાક્ષ બહાર નાખીને આઇસક્રીમ બનાવતા જોવા મળત.

7 comments:

 1. બીરેન કોઠારી6:00:00 PM

  - ચંદ્રકાંત બક્ષીએ 'રશિયા રશિયા'માં લખેલું કે રશિયામાં કોફી અને આઈસ્ક્રીમ મૂકાયાં હોય ત્યારે આપણને કહેવામાં આવે- પહેલાં કોફી પી લો, એ ઠંડી થઈ જશે. (માઈનસ તાપમાનને કારણે) આઈસ્ક્રીમ નહીં ઓગળે.
  - આઈસ્ક્રીમ બનાવવાનો હોય એના થોડા કલાક પહેલાં કોઠીના લાકડાને પાણીમાં બોળી રાખવું પડતું, જેથી તે ફૂલે અને વચ્ચેની ગેપ પૂરાઈ જાય. એટલે જેને ત્યાં આઈસ્ક્રીમનો પ્રોગ્રામ હોય એને ત્યાં જતાં અગાઉ એ પણ ચિંતા હોય કે - કોઠી પલાળવાનું ભૂલી તો નહીં ગયા હોય ને!
  - ઈલેકટ્રીક મોટરથી ફરતી કોઠી એક કંપનીએ બજારમાં મૂકી, પણ એમાં 'કર્મયોગ' નહોતો. અડધા કલાક સુધી એ 'ઘરર ઘરર' ફર્યા કરે અને આપણે જોયા કરવાનું. અને પછી નીકળે માંડ અડધો લીટર આઈસ્ક્રીમ! સ્વાભાવિક છે કે આ 'ઈલેકટ્રીક કોઠી' બજારમાં ન ચાલી.
  - ફેરવીને બનાવેલા આઈસ્ક્રીમમાં મહેનતનું મહત્વ એટલું બધું હતું કે એ રીતે બનેલા આઈસ્ક્રીમના સ્વાદ પર ધ્યાન જ ન જતું, સિવાય
  કે પોતે એ ફેરવવાની ક્રિયામાં ભાગ ન લીધો હોય.

  ReplyDelete
 2. દૂધમંથન અને તેમાંથી બહાર નીકળતા 'મધુર' આઇસક્રીમ અને તેની સાથેની ખાટી મીઠી યાદોની હળવીફૂલ સફર કરાવીને ઉર્વીશભાઇએ કેટલાં વર્ષો પછી પાછા તર કરી દીધા!

  ReplyDelete
 3. સુપર્બ વર્ણન...
  ઉર્વીશભાઈ.....હજુ અમારે ત્યાં એ કોઠી છે ...પણ કોઈ ને હવે એમાં આઈસક્રીમ બનાવવામાં રસ નથી !!

  ReplyDelete
 4. URVISHBHAI,
  COOL ARTICAL ON ICECREAM , REALLY NICE ONE .
  RAJESH SHAH

  ReplyDelete
 5. ભરતકુમાર6:58:00 PM

  પ્રિય ઉર્વિશભાઇ, આઇસ્ક્રિમ જેવો જ મસ્ત ને મલાઇદાર લેખ. કોઠી આઇસ્ક્રિમ મેળવવા માટેની મંથન પ્રક્રિયાનું જે વર્ણન કર્યુ છે, તે તો અદભુત છે. સાવ હળવા શૈલીમાં પણ કોઠી ફેરવનારાઓના જે વ્યક્તિચિત્રો ઉપસાવ્યા છે, એ તો બેમિસાલ છે જ. તમારા લેખો વાંચીને જ્યારે કોમેન્ટ આપતો હોઉ, ત્યારે હું જાણે પોતે જ મારો પોતાનો બરડો થાબડતો હોઉ, એવું લાગે છે. પણ આવા લેખો મળે, ત્યારે જાતને રોકવી મુશ્કેલ થઇ જાય છે.

  ReplyDelete
 6. Anonymous12:05:00 AM

  ઉર્વીશભાઈ,તમારા હાસ્ય ને લગતા લેખ વાંચવાની ખુબ મજ્જા આવે છે. તમારા લેખ ખુબજ મૌલિક હોય છે. આવું બધું લખતા રહેજો....આભાર.....

  ReplyDelete
 7. ઉર્વીશભાઈ,

  આપનું નામ આપના અમૂક મિત્રો પાસે સાંભળેલ, પરંતુ આપના બ્લોગ નો કોઈ પરિચય ના હતો. ખરું પૂછો તો ખૂબજ સુંદર અને મૌલિક -સરળ છતાં સચોટ રજૂઆત સાથેનો લેખ વાંચવાનો આનંદ થયો. ધન્યવાદ !

  ReplyDelete