Sunday, April 22, 2012
થ્રી-ડી ‘ટાઇટેનિક’ : રોમાંચક રૂપાંતરની આંતરિક કથા
‘ટાઇટેનિક’ જેવી ફિલ્મને ટુ-ડીમાંથી થ્રી-ડીમાં ફેરવવી એટલે? ‘નેઇલકટરથી આખા બગીચાનું ઘાસ કાપવું.’ આ સરખામણી ‘ટાઇટેનિક’ના ડાયરેક્ટર જેમ્સ કેમેરને આપી છે. તેમની વાતમાં અલ્પોક્તિ હોઇ શકે છે, અતિશયોક્તિ નહીં.
સાદી (ટુ-ડી) ફિલ્મનું થ્રી-ડી રૂપાંતર કરવા માટે તેની પ્રત્યેક ફ્રેમને ‘સંસ્કાર’ આપવા પડે. ફિલ્મની એક સેકન્ડમાં સરેરાશ ૨૪ ફ્રેમ હોય. એ હિસાબે ૧૯૭ મિનીટ લાંબી ‘ટાઇટેનિક’માં આશરે ૨.૭૯ લાખ ફ્રેમમાં થ્રી-ડીની જરૂરિયાત પ્રમાણે કલાકસબ કરવો પડે. આ કામ એક વર્ષથી પણ વઘુ સમયમાં, જેમ્સ કેમેરનની દેખરેખ તળે, ૩૦૦ કમ્પ્યુટર કલાકારો દ્વારા, ૧.૮ કરોડ ડોલરના ખર્ચે સંપન્ન થયા પછી ‘ટાઇટેનિક’નું થ્રી-ડી સ્વરૂપ દિવસનું અજવાળું- એટલે કે થિએટરનું અંધારું- જોવા પામ્યું.
કોઇ પણ દૃશ્ય થ્રી-ડી એટલે કે લંબાઇ, પહોળાઇ ઉપરાંત ઉંડાણ ધરાવતું દેખાય? તેનો સાદો જવાબ છેઃ એકબીજા વચ્ચે સરેરાશ અઢી ઇંચનું અંતર ધરાવતી મનુષ્યની ડાબી આંખ અને જમણી આંખ એક જ વસ્તુનાં પોતપોતાની રીતે બે જુદાં દૃશ્ય ઝીલે છે. સહેજ જુદા એન્ગલથી ઝડપાયેલાં બન્ને દૃશ્યો મગજમાં ભળે ત્યારે દુનિયા થ્રી-ડી દેખાય છે.
વાસ્તવિકતા ખરેખર થ્રી-ડી હોવાથી એ જોવા માટે માણસના મગજને વધારાનું કષ્ટ લેવું પડતું નથી. પરંતુ પડદા પરની ફિલ્મની વાત જુદી છે. એ હકીકતમાં થ્રી-ડી હોતી નથી. તેમાં બે આંખ વચ્ચે હોય એટલું અંતર ધરાવતા બે કેમેરાની મદદથી એક જ દૃશ્યની બે ફિલ્મ ઉતારવામાં આવે છે. તેમના સંયોજનથી પડદા પર રચાતાં દૃશ્યો ઘૂંધળાં અને અસ્પષ્ટ હોય છે. થ્રી-ડી ચશ્મા પહેર્યા પછી એક જ દૃશ્યમાંથી ડાબી આંખ ડાબું અને જમણી આંખ જમણી તરફનું દૃશ્ય તારવીને મગજને મોકલે છે. એટલે મગજ તેને થ્રી-ડી તરીકે ગ્રહણ કરે છે.
પ્રચલિત માન્યતા એવી છે કે પહેલેથી જ થ્રી-ડીમાં ઉતરેલી ‘એવેટર’ (હિંદીમાં ‘અવતાર’) જેવી ફિલ્મમાં ‘અસલ થ્રી-ડીની મઝા’ આવે, જ્યારે ‘ટાઇટેનિક’ જેવી રૂપાંતરિત થ્રી-ડીમાં એવો અહેસાસ ન આણી શકાય. ટેકનોલોજીના નિષ્ણાતો જોકે આ વાત સ્વીકારતા નથી. તેમનો ખુલાસોઃ પડદા પર રજૂ થતી થ્રી-ડી ફિલ્મનું મૂળભૂત કામ મગજને છેતરવાનું છે. એક જ દૃશ્યના બે જુદા એન્ગલ પહેલેથી શૂટ થયા હોય કે બીજો એન્ગલ પાછળથી ઉમેરાયો હોય, એનાથી દિમાગને કશો ફરક પડતો નથી. શરત એટલી કે થ્રી-ડી રૂપાંતરની પ્રક્રિયા સરખી રીતે થવી જોઇએ. આ હકીકતનો પુરાવો આપતાં કહેવાય છે કે ‘એવેટર’નું શૂટિંગ જેમ્સ કેમેરને ખાસ તૈયાર કરાવેલા થ્રી-ડી કેમેરામાં થયું હતું. ફિલ્મનો કેટલોક હિસ્સો ટુ-ડીમાં શૂટ કરીને, પાછળથી થ્રી-ડીમાં રૂપાંતરિત કરાયો. પરંતુ ફિલ્મમાં ‘અસલી થ્રી-ડી’ અને ‘રૂપાંતરિત થ્રી-ડી’ દૃશ્યો વચ્ચેનો ભેદ દર્શકો તો ઠીક, ટેકનિશ્યનો પણ ઘણી વાર પાડી શકતા ન હતા.
Avatar ફિલ્મનાં દૃશ્યોની કારીગરી જોતા જેમ્સ કેમેરન / courtesy : Wired |
‘એવેટર’ જેવી ફિલ્મ થ્રી-ડીમાં બનતી હોય, છતાં તેમાં કેટલુંક શૂટિંગ ટુ-ડીમાં કર્યા પછી તેનું થ્રી-ડી રૂપાંતર કરવાનો શો અર્થ? તેનો જવાબ મેળવવા માટે આ બન્ને પ્રકારના શૂટિંગ ની ખાસિયતો અને મર્યાદાઓ પર અછડતી નજર કરીએ. થ્રી-ડી શૂટિંગ કરવા માટે વપરાતી, ‘કેમેરા રીગ’ તરીકે ઓળખાતી કેમેરા પ્રણાલી તોતિંગ હોય છે. તેનાથી થતા શૂટિંગ વખતે સ્ટીરીઓ મોનિટર જેવી ખાસ સાધનસામગ્રી અને નિષ્ણાતોની જરૂર પડે છે. (સ્પેશ્યલ ઇફેક્ટ્સના જમાનામાં કમ્પ્યુટર થકી બનેલાં મોડેલ ‘થ્રી-ડી’ તરીકે ઓળખાય છે. ફિલ્મના સંદર્ભે થ્રી-ડી માટે વપરાતો શબ્દ છેઃ ‘સ્ટીરીઓસ્કોપીક’)
થ્રી-ડી કેમેરામાં શૂટિંગ માટે બન્ને કેમેરામાં દેખાતાં દૃશ્યો વચ્ચે, ખાસ કરીને કેટલીક નાજુક બાબતોનો ચીવટપૂર્વક મેળ સાધવો પડે છે. જેમ કે સામે દેખાતા દૃશ્યમાં ડામરનો રોડ હોય, તો તેની પર પડતા તડકાની અસર બે જુદા ખૂણેથી જુદી દેખાય. શૂટિંગ પછી તેમાં યથાયોગ્ય ફેરફાર કરવામાં ન આવે, તો ફાઇનલ દૃશ્ય જોતી વખતે બે દૃશ્યો સંપૂર્ણપણે એકરૂપ થઇ શકે નહીં. પરિણામે થ્રી-ડીના અહેસાસમાં થોડી કસર રહી જાય. એવું જ પાણી કે કાચમાં દેખાતા પ્રતિબિંબ જેવી ચીજો માટે પણ ઘ્યાન રાખવું પડે. (તેમાં ગોટાળા થાય ત્યારે ટુ-ડી શૂટિંગ કરીને થ્રી-ડી રૂપાંતર કરવું પડે.) સામે પક્ષે, થ્રી-ડી કેમેરાથી શૂટ કરવાનો એક ફાયદો એ છે કે તેમાં આગ, ઘુમાડો, વરસાદ, પાંદડાં જેવી ચીજો આબેહૂબ, વધારાની મહેનત વિના, ઝીલી શકાય છે.
ટેકનોલોજી સાથે સંકળાયેલા ઘણા નિષ્ણાતો હવે એવું માનતા થયા છે કે થ્રી-ડી શૂટિંગના ગેરલાભોની યાદી લાભ જેટલી જ- કે તેનાથી પણ વધારે લાંબી છે. કેટલાંક ઉદાહરણઃ એક વાર થ્રી-ડી કેમેરામાં શૂટ થઇ ગયેલાં દૃશ્યોમાં એકલદોકલ ચીજવસ્તુના ઊંડાણમાં ફેરફાર કરી શકાતો નથી. થ્રી-ડી કેમેરાનું માળખું ઘણું મોંધું અને વાપરવા માટે ખાસ પ્રકારની કુશળતા માગી લેનારું છે. સાદા કેમેરા કરતાં થ્રી-ડી શૂટિંગની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલે છે. એટલે વધારે ખર્ચાળ બને છે. સારું થ્રી-ડી શૂટિંગ કરતા કેમેરા લેન્સમાં સાદા કેમેરાના લેન્સ જેટલું વૈવિઘ્ય મળતું નથી. સ્પેશ્યલ ઇફેક્ટ્સ વાપરવાની હોય ત્યારે મામલો વધારે પેચીદો અને સરવાળે વધારે ખર્ચાળ બને છે. ગમે તેટલી ચોક્સાઇથી થ્રી-ડી શૂટિંગ કર્યા પછી પણ બે જુદા એન્ગલનાં દૃશ્યો વચ્ચે રંગ, પ્રકાશ અને સીધ મેળવવા જેવી કડાકૂટ ઉભી રહે છે. એ વિના ધાર્યું પરિણામ મળતું નથી.
ફિલ્મ થ્રી-ડીમાં બનાવવી હોય તો પણ તેનું મૂળભૂત શૂટિંગ ટુ-ડીમાં કરવાનો વિકલ્પ ઘણી રીતે ફાયદાકારક નીવડી શકે છે. અમુક દૃશ્યો થ્રી-ડી અસરને ઘ્યાનમાં રાખીને યોજ્યાં હોય, તો રૂપાંતર વખતે મહત્તમ નાટકીયતા પેદા કરી શકાય છે. સૌથી મોટો ફાયદો ગણો તો ફાયદો અને મર્યાદા ગણો તો મર્યાદા પણ એ છે કે ટુ-ડી શૂટિંગ ના એક દૃશ્યમાં રહેલી દરેકે દરેક ચીજને કે અભિનેતાને ઇચ્છિત ઊંડાણ બક્ષી શકાય છે (જે થ્રી-ડી શૂટિંગમાં શક્ય નથી). આ સુવિધા વિવેકપૂર્વક અને કળાસૂઝથી વાપરતાં આવડે તો મૂળ થ્રી-ડી શૂટિંગ જેવું જ, બલ્કે ક્યારેક તેનાથી ચડિયાતું પરિણામ મેળવી શકાય છે. પરંતુ એ જ કામ આડેધડ હાથ ધરવામાં આવે તો તેનું પરિણામ થ્રી-ડી રૂપાંતરણનું નામ બોળે એવું હોય છે. પાત્રો કે દૃશ્યો જાણે કાર્ડબોર્ડ ચોંટાડીને બનાવ્યાં હોય એવાં કૃત્રિમ લાગી શકે છે.
થ્રી-ડીમાં રૂપાંતર પામેલી ‘ટાઇટેનિક’ કે બીજી ફિલ્મોમાં જુદી જુદી કંપનીઓ પોતપોતાની માલિકીના સોફ્ટવેર જેવી ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, પરંતુ દરેક ફ્રેમમાં કરવાની થતી મૂળભૂત કરામતો આટલીઃ ટુ-ડીમાં એક દૃશ્યની એક જ ફ્રેમ હોય છે, જ્યારે થ્રી-ડીમાં એક જ દૃશ્યની બે જુદા ખૂણેથી લેવાયેલી બે ફ્રેમની જરૂર પડે છે. એ માટે મૂળ ટુ-ડી ફિલ્મને કોઇ એક બાજુની ફ્રેમ ગણીને તેને અનુરૂપ બીજી બાજુની ફ્રેમ તૈયાર કરવાની રહે છે. કેટલીક વાર મૂળ ટુ-ડી ફિલ્મને ફાઇનલ ગણીને તેના આધારે ડાબી અને જમણી તરફની ફ્રેમ તૈયાર કરવામાં આવે છે. રૂપાંતર વખતે બન્ને ફ્રેમો એક જ દૃશ્યની હોવા છતાં, એક તરફની ફ્રેમમાં ઢંકાઇ જતી ચીજનો બીજી તરફની ફ્રેમમાં ઉમેરો કરવો પડે છે. (કોઇ પણ દૃશ્ય વારાફરતી ડાબી અને જમણી આંખે જોતાં ફ્રેમમાં કેટલી ચીજોની બાદબાકી અને ઉમેરો થાય છે તેનો ખ્યાલ આવશે.)
થ્રી-ડીનો એટલે કે દૃશ્યના ઊંડાણનો વાસ્તવિક અહેસાસ આણવા માટે ફ્રેમમાં રહેલા દરેક પાત્ર અને ચીજને કેટલી ઊંડાઇ આપવી, એ નક્કી કરવું જરૂરી છે. આ હેતુ માટે દરેક ફ્રેમનો ‘ડેપ્થ મેપ’ તૈયાર કરવામાં આવે છે. આખી ફ્રેમને ઊંડાઇના જુદા જુદા તબક્કામાં- ‘ડેપ્થ પ્લેન’માં- વહેંચી નાખવામાં આવે છે, જેથી એક જ ઊંડાઇએ રહેલી જુદી જુદી ચીજવસ્તુઓ આગળપાછળ ન થઇ જાય.
એક જ દૃશ્યની ડાબા-જમણા એન્ગલથી લેવાયેલી ફ્રેમ અને નીચે તેનો ડેપ્થ મેપ |
આટલું પૂરતું નથી. પાત્રોનાં શરીરના જુદા જુદા ભાગ પણ જુદી ઊંડાઇ ધરાવતા હોઇ શકે છે. જેમ કે, ફ્રેમમાં દેખાતો માણસ ત્રાંસો ઊભો હોય તો તેનો એક ખભો અંદરની તરફ અને બીજો ખભો બહારની તરફ હોય. એ બન્નેનું ઊંડાણ જુદું જુદું થાય. એક જ ‘ડેપ્થ પ્લેન’માં- ઊંડાણના એક જ સ્તરે હોય એવી ચીજવસ્તુઓ અને પાત્રોની આસપાસ લીટી દોરીને, તેમની હદ આંકી દેવામાં આવે છે. રોટોસ્કોપિંગ તરીકે ઓળખાતી આ પદ્ધતિને લીધે અલગ ઊંડાણ ધરાવતી બે ચીજો એકબીજામાં ભળી જવાને બદલે અલગ રહે છે.
ટુ-ડી ફ્રેમમાં એક પાત્ર બીજા પાત્રનો થોડો હિસ્સો ઢાંકીને ઊભું હોય તો થ્રી-ડી માટે એ બન્ને વચ્ચે યોગ્ય ‘અંતર’ ઊભું કરવું પડે છે, જેથી તે આગળપાછળ ઊભેલાં છે એવો ખ્યાલ આવે. પાત્રોનાં શરીર થ્રી-ડીમાં બતાવતી વખતે પણ સ્વાભાવિકતાનો અને પ્રમાણભાનનો ખ્યાલ રાખવો પડે છે.
‘ટાઇટેનિક’ની દરેકેદરેક ફ્રેમને થ્રી-ડી બનાવવામાં આવી છે, એવું પણ નથી. ‘એવેટર’ જેવી મુખ્યત્વે થ્રી-ડીમાં ઉતરેલી ફિલ્મ ખાસ ચશ્મા વિના જોતાં તેનું દરેક દૃશ્ય ઘૂંધળું દેખાશે, પરંતુ ‘ટાઇટેનિક’ના થ્રી-ડી રૂપાંતરમાં એવું બનતું નથી. તેનાં કેટલાંક દૃશ્યો ચશ્મા વિના પણ સ્પષ્ટ અને સુરેખ દેખાય છે. મતલબ કે, એ દૃશ્યો ટુ-ડીમાં જ રાખવામાં આવ્યાં છે. જેમ કે, લોંગ શોટમાં દરિયામાં તરતી ટાઇટેનિકનું દૃશ્ય. એવી જ રીતે, જહાજની રે શૂટિંગ પર બે હાથ પહોળા રાખીને ઊભેલાં હીરો-હીરોઇનના ક્લોઝ-અપમાં બન્ને પાત્રોની આકૃતિ થ્રી-ડી ચશ્મા વિના પણ એકદમ સ્પષ્ટ દેખાય છે. ફક્ત તેમના લંબાયેલા હાથની હથેળી ઘૂંધળી દેખાય છે. એટલે કે, દૃશ્યની મૂળ ટુ-ડી ફ્રેમને થ્રી-ડી કરતી વખતે ફક્ત હથેળીના ભાગમાં જ ઊંડાણ ઉમેરવામાં આવ્યું છે. આવું ઘણા ક્લોઝ-અપ દૃશ્યોમાં પણ જોઇ શકાશે.
ડાઇનિંગ રૂમનાં કે દાદર દેખાતો હોય એવાં દૃશ્યોમાં ઊંડાણનાં ઘણાં સ્તરે કામ કરવું પડે. એ વખતે ફ્રેમમાં મુખ્ય પાત્રને સંદર્ભબિંદુ/રેફરન્સ પોઇન્ટ તરીકે લઇને, તેમાં કશો ફેરફાર કરાયો નથી. ચશ્માની મદદ વિના પણ એ પાત્ર સ્પષ્ટ જોઇ શકાય છે, જ્યારે આજુબાજુનાં પાત્રો અને ચીજવસ્તુઓમાં ઊંડાણ ઉમેરવામાં આવ્યું છે. આવું કરવામાં આવે ત્યારે સંદર્ભબિંદુ વારંવાર બદલાયા ન કરે એ જરૂરી છે. કારણ કે એવું થાય તો દર્શકોને માનસિક કષ્ટ પડી શકે છે.
ટુ-ડીમાંથી થ્રી-ડી રૂપાંતરની પેચીદી પ્રક્રિયાનું આ પ્રાથમિક વર્ણન છે. રિલીઝ થયાનાં પહેલાં બે અઠવાડિયામાં વિશ્વભરમાં ટાઇટેનિકે ૧૯.૧ કરોડ ડોલરનો ધંધો કર્યો છે, એ જોતાં બીજી સફળ ફિલ્મો પણ ‘ટાઇટેનિક’ને અનુસરે તે સ્વાભાવિક છે. (‘ઇન્સેપ્શન’ના થ્રી-ડી રૂપાંતરનું કામ શરૂ થઇ ચૂક્યું છે.) સફળતા માટે ફિલ્મ સારી હોવા ઉપરાંત બીજી શરત એટલી જ છે કે થ્રી-ડીનો આડેધડ ઉપયોગ કરવાને બદલે ફિલ્મ બનાવવા જેટલી જ ધીરજથી અને એવી કળાદૃષ્ટિથી તેનું રૂપાંતર થાય.
Labels:
3d,
film/ફિલ્મ,
it
Subscribe to:
Post Comments (Atom)
Dear Urvish,
ReplyDeleteYou have done a marvellous piece.
your scientific understanding is one of rare quality seen in journalism.
Deepak Doshi
મઝા આવી !
ReplyDelete3D-Article !
"ઇન્સેપ્શન" મુવી સાથે એ અંગેના લેખનો પણ ઇન્તેઝાર રહેશે.
સરસ લેખ.
ReplyDeleteજ્ઞાનવર્ધક લેખ! :)
ReplyDelete