Tuesday, June 24, 2008
વાઇબ્રન્ટ ગુજરાત- ૨૦૦૯: રસમાં મીઠું નાખવાથી રાજદ્રોહ થાય?
ગુજરાતમાં થોડા વખતથી ખાસ પ્રકારની ડબલ સીઝન ચાલે છે. એક તરફ સરકારી કર્મચારી સરકારની શીળી છાયા હેઠળ પત્રકારો પર રાજદ્રોહના આરોપ લગાડે છે, http://%20www.%20indianexpress.%20com/%20story/%20317305.html તો બીજી તરફ રાજદ્રોહના વિચારોમાં રમમાણ મુખ્ય મંત્રી જાહેરમાં વિરોધ પક્ષને કહે છે,‘તાકાત હોય તો મારી પર રાજદ્રોહનો આરોપ લગાડો.’ http://www.expressindia.com/latest-news/Book-me-for-sedition-and-hang-me-Modi-dares-Cong/323421/
આ વિધાનના ઉત્તરાર્ધ તરીકે હવે શું? એક શક્યતાઃ મુખ્ય મંત્રીએ અગાઉ પોતાના નામ સાથે થવા દીધેલી સૌરભ શાહના ‘વિચારધારા’ અઠવાડિકની જાહેરાતમાં લખાતું હતું ‘નરેન્દ્ર મોદીએ વિચારધારાનું લવાજમ ભર્યું. તમે ભર્યું?’ હવે એ જાહેરખબર નવા સ્વરૂપે કંઇક આ રીતે આવી શકેઃ ‘મુખ્ય મંત્રી પર રાજદ્રોહનો આરોપ થયો છે. તમારી પર થયો?’ અથવા ‘ફલાણા સરકારી કર્મચારીએ ઢીકણા ભાઇ પર રાજદ્રોહનો આરોપ લગાડ્યો. તમે લગાડ્યો? આજે જ લગાડો. રાજદ્રોહનો આરોપ.’ અને પંચલાઇન તરીકે લખ્યું હોયઃ‘આપણું ગુજરાત, રાજદ્રોહપ્રેમી ગુજરાત.’
રાજદ્રોહના આરોપ પ્રત્યે બેધારી આસક્તિને કારણે, મનોમન ‘શોલે’ના અસરાનીનું સ્મરણ કરીને, મુખ્ય મંત્રીના મોઢેથી ‘હમ અંગ્રેજ કે જમાને કે મુખ્ય મંત્રી હૈં’ એવો સંવાદ કલ્પી શકાય છે. કેમ કે, આટલી સહજતાથી રાજદ્રોહના આરોપની વાતો અંગ્રેજોના જમાનામાં થતી હતી. એ વખતે કોને ખ્યાલ હશે કે લોકશાહીનાં સાઠ-સાઠ વર્ષ પછી પણ દેશી અંગ્રેજોમાં રાજદ્રોહનો ચસકો ચાલુ રહેશે! સાઠે ભારતીય લોકશાહીની બુદ્ધિ નાઠી હોય એવું પણ ઘણાને લાગે છે.
ગુજરાતમાં રાજદ્રોહના આરોપની સામાન્યતાને ઘ્યાનમાં રાખીને કેટલાક અવેતન સલાહકારોએ સૂચન કર્યું છે કે ‘વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૦૯’ના કેન્દ્રસ્થાને- મુખ્ય ‘થીમ’ તરીકે ‘રાજદ્રોહ’ રાખી શકાય. બીજા કોઇ પણ વિષયની જેમ રાજદ્રોહના મુદ્દે પણ ગુજરાતની પ્રગતિ - એટલે કે મુખ્ય મંત્રીની પ્રતિભા- ઉજાળવાની ભરપૂર તક રહે છે. જરા કલ્પના કરોઃ ‘વાઇબ્રન્ટ ગુજરાત, ૨૦૦૯’ના પ્રવેશદ્વાર પાસે જ મુખ્ય મંત્રીએ વઘુ એક ફોટોસેશન કરાવીને, કાળા પાણીના કેદી જેવા ડ્રેસમાં પડાવેલી તસવીરનું મોટું કટ-આઉટ હોય, સફેદ કાપડમાં કાળી લાઇનિંગ ધરાવતું પહેરણ, એવું જ હાફપેન્ટ અને બેડીઓથી જકડાયેલા બન્ને હાથ તેમણે જુસ્સાભેર ઉંચા કર્યા હોય. કટ-આઉટના ઉપરના ભાગમાં મુખ્ય મંત્રીની પ્રેરક વાણી, અનુસ્વારની બાદબાકી સાથે, મુકાયેલી હોયઃ ‘તાકાત હોય તો મારી પર રાજદ્રોહનો ગુનો દાખલ કરો.’ રોકાણકારોને પ્રભાવિત કરવા માટે પ્રવેશદ્વાર પાસેનું આ દ્રશ્ય જ પૂરતું થઇ પડે એવું નથી? એ જોઇને કોઇ ઉદ્યોગપતિ રતન ટાટાની શૈલીમાં કહી દેશે,‘જેમણે ગુજરાતમાં રોકાણ નથી કર્યું તે મૂર્ખ છે’ અને મનોમન વિચારશે, ‘જે ગુજરાતમાં લોકશાહી પદ્ધતિઓની, લોકશાહી સંસ્થાઓની અને લોકશાહી પ્રણાલિની વાતો કરે છે, એ પણ મૂર્ખ છે.’
રાજદ્રોહની થીમ ધરાવતા વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૦૯ના તમામ સ્ટોલમાં એક સ્ટોલ ગુજરાત પોલીસ માટે ફાળવવો જોઇએ. તેમાં ‘હું આપને શું મદદ કરી શકું?’ને બદલે ‘આપની પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં હું આપની શું મદદ કરી શકું?’ એવું બોર્ડ મુકેલું હોય. બાજુમાં રાજદ્રોહ સાથે સંકળાયેલી આઇપીસીની કલમો સોનેરી અક્ષરે ચીતરી હોય અને બેકગ્રાઉન્ડમાં મુખ્ય મંત્રીના ૩૩મા ફોટોસેશનમાંથી પસંદ કરેલો એક ફોટો હોય. ‘વાઇબ્રન્ટ’ પ્રકારના સરકારી મેળાઓમાં સ્વૈચ્છિક સંગઠનોને પ્રવેશ આપવામાં જોખમ છે, પણ એનઆરઆઇ પ્રજાના લાભાર્થે થોડાં સંગઠનોને પણ સ્ટોલ આપી શકાય. ઘણાંખરાં સંગઠનો સંસ્થાઓ પણ સ્ટોલની જેમ ચલાવતાં હોય છે, એટલે તેમને ખરેખરો સ્ટોલ ચલાવવામાં તકલીફ નહીં પડે. સંસ્થાની જેમ સ્ટોલમાં પણ તેમણે વાતો સિવાય બીજું કંઇ કરવાનું નહીં રહે. સરકારના લાભાર્થે ગુજરાતની ગૌરવ- ગાથાઓનો ખુમચો ચલાવનારાને પણ જમીન પર એક ખુમચો-સ્ટોલ ખોલવાની તક આપવી જોઇએ, જેથી તેમની કામગીરીને લોકો કેવી રીતે જુએ છે, એનો તેમને અંદાજ આવે.
એક સ્ટોલ માત્ર ને માત્ર એન્કાઉન્ટર અંગેનો રાખવામાં આવે, જેથી પ્રજાના મનમાં રહેલી એન્કાઉન્ટર વિશેની રહીસહી આશંકાઓ પણ દૂર થઇ જાય. એન્કાઉન્ટર-કલાકારો મૂળભૂત રીતે સર્જક હોય છે, એ તો સૌ સ્વીકારે છે. એન્કાઉન્ટર કર્યા પછી તેમના દ્વારા રજૂ થતું ઘટનાનું વર્ણન કોઇ પણ ક્રાઇમથ્રીલરની ટક્કર ઝીલી શકે એવું હોય છે. તેમ છતાં, આ સ્ટોલની મુલાકાત લેનાર દરેકને એન્કાઉન્ટર-સ્પેશ્યાલિસ્ટે લખેલી કવિતાઓની, ગુણવંત શાહ જેવા તેમના પ્રશંસક-ચિંતકે લખેલો આવકાર ધરાવતી પુસ્તિકા ભેટ આપી શકાય, જેથી એન્કાઉન્ટર-કલાકારને હીરો તરીકે સ્થાપિત કરવાનું આવકાર-લેખકનું મિશન સફળ થાય. આ સ્ટોલમાં ‘એન્કાઉન્ટરનું જીવનસંગીત’ એવા મથાળા હેઠળ પૌરાણિક ચિત્રોની સ્ટાઇલમાં રામાયણ-મહાભારતના પ્રસંગોને ‘આદિ-એન્કાઉન્ટર’ તરીકે રજૂ કરતાં ચિત્રો મુકીને, ‘આપણી સંસ્કૃતિ, એન્કાઉન્ટર સંસ્કૃતિ’ જેવું સૂત્ર પ્રચલિત બનાવી શકાય.
હમણાં પૂરી થયેલી ટ્વેન્ટી-ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટની હવે પછીની સ્પર્ધામાં વાઇબ્રન્ટ ગુજરાતની ટીમ ઉતરશે, એવા સમાચાર છે. ટીમ ભલે ખાનગી માલિકીની હોય, પણ ‘માલિકના માલિક’ તરીકેની છાપ ધરાવતા મુખ્ય મંત્રી એવો નિયમ કાઢી શકે છે કે ગુજરાતમાં રહેતા હોવા છતાં જે ખેલાડીઓ રૂપિયાની લાલચે બહારની ટીમમાં જોડાયા હશે, તેમની પર રાજદ્રોહનો આરોપ દાખલ થઇ શકે છે. ધારો કે રાજદ્રોહની ફરિયાદની બીકે ખેલાડી વાઇબ્રન્ટ ગુજરાતની ટીમમાં જોડાઇ જાય તો પણ રાજદ્રોહનો ખતરો ટળતો નથી. કારણ કે વાઇબ્રન્ટ ગુજરાનતી ટીમમાં એવી જોગવાઇ હશે કે ટીમમાંથી જે બેટ્સમેન સસ્તામાં આઉટ થઇ જાય કે જે બોલરની બોલિંગ ઝૂડાય તેની ઉપર પણ રાજદ્રોહનો આરોપ લાગી શકે. બઘું સમુંસુતરૂં ઉતરે, પણ ગુજરાતની ટીમ મેચ હારી જાય તો? મુખ્ય મંત્રીના ૨૮મા ફોટોસેશનનો પહોળા સ્મિતવાળો એક ફોટો મનોમન કલ્પી લેવાનો. કેમ કે, અમ્પાયર પર રાજદ્રોહ કરવાનો વિકલ્પ ખુલ્લો જ છે.
આ બઘું વાંચીને કોઇ રખે એવું માની લે કે ગુજરાતમાં તો કંઇ પણ કરવાથી રાજદ્રોહ લાગી શકે છે. ગુજરાત
સરકાર વિશે ગેરસમજણ કરવાની જરૂર નથી. લોકોને ભડકાવો, ઉશ્કેરો, તેમની વચ્ચે દ્વેષ વધારો, વખત આવ્યે હુલ્લડ મચાવો, વરદી પહેરીને કે પહેર્યા વગર, ‘એન્કાઉન્ટર’નું નામ આપીને કે એવું નામ આપ્યા વગર લોકોને મારી નાખો, સાક્ષીઓને દબડાવો-ધમકાવો, કલાકારોને ગુંડાગીરીથી ત્રાસ આપો, પત્રકારો પર ખોટેખોટા કેસ કરો, ધરમના નામે ગોરખધંધા ચલાવો...ગુજરાત સરકાર કંઇ નહીં કરે. એક મુખ્ય મંત્રી, એક સરકાર લોકોને આથી વધારે કેટલું સ્વાતંત્ર્ય આપી શકે?
Labels:
Gujarat/ગુજરાત,
Narendra Modi/નરેન્દ્ર મોદી,
ngo,
politics,
sedition
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment