Friday, July 13, 2012

દારાસિંઘને અંજલિઃ ‘હનુમાન’ બન્યા પછી તેમને કેવી મુશ્કેલી પડતી હતી?


બધાં વેજીટેબલ ઘી જેમ ‘ડાલડા’ કહેવાતાં ને ‘પોલ્સન’ બટરનો પર્યાય હતા, એ જમાનામાં પહેલવાન એટલે બસ એક જ. દારાસિંઘ. 
DaraSingh (courtesy: santabanta.com)

રંધાવા (ડાબે) અને દારાસિંઘ/ Randhawa and DaraSingh
બીજા બધા હોય. એમ તો દારાસિંઘનો ભાઇ રંધાવા પણ ખરો. છતાં દારાસિંઘ એટલે દારાસિંઘ. દારાસિંઘની કુસ્તી કે તેમની ફિલ્મો- બન્નેમાંથી કશું એ વખતે જોવા મળ્યું ન હતું. દારાસિંઘનું અને રંધાવાનું નામ પણ પહેલી વાર પ્રાથમિક શાળામાં ભણતી વખતે, પંજાબી મૂળિયાં ધરાવતા એક સહાધ્યાયી પાસેથી સાંભળ્યું હતું. ‘રંધાવા’ જેવું નામ સાંભળીને રમૂજ પણ અનુભવી હતી. એ અરસામાં કોઇક રીતે દારાસિંઘ અને કિંગકોંગ ટાઇપના મુકાબલા વિશે પણ જાણવા-સાંભળવા મળતું હતું. તેમાં અપાતી લોહિયાળ ચુનૌતી અને ફેંકાતા વિકરાળ પડકાર ડબલ્યુડબલ્યુએફના પૂર્વરંગ જેવા લાગતા હતા. દારાસિંઘના પરદેશી હરીફોનાં શરીર જેવાં જ વજનદાર તેમનાં નામ રહેતાં. 
DaraSingh Wrestling Bout Ad-1

DaraSingh-Randhawa Wrestling Bout Ad-2
કદાચ એકાદ મુકાબલો જોવાનો મળ્યો હોત તો તેની ગંભીરતા સમજાત. (આ વિશે પ્રિય કાર્ટૂનિસ્ટ અને મિત્ર હેમંત મોરપરિયાએ કાર્ટૂન તથા નાનો લેખ કર્યાં છે. તેની લિન્ક)


મોટા થયા પછી દારાસિંઘ અને મુમતાઝની ટારઝન અને જેન જેવી જોડી ક્યારેક જોવા મળી. (ટારઝન-જેન યાદ આવતાં જ આડવાત તરીકે એક મસ્ત કાર્ટૂન યાદ આવે છે, જેમાં ટારઝન ‘જેન્સ ડીફેન્સ વીકલી’ વાંચી રહ્યો હતોઃ-)) 
DaraSingh- Mumtaz
દારાસિંઘને અંજલિમાં વ્યાપક રીતે એવું લખાયું કે તે હિંદી સિનેમાના ‘ઓરિજિનલ હીમેન’ હતા. આ વાત ઐતિહાસિક દૃષ્ટિએ સાચી નથી. કાયદેસરના પહેલવાન તરીકે ફિલ્મોમાં આવનારા દારાસિંઘ પહેલા હશે, પણ હિંદી ફિલ્મોના પહેલા ‘હીમેન’ તરીકે સુગઠિત કદકાઠી ધરાવતા પ્રેમનાથનું નામ લેવું પડે. (પ્રેમનાથના એ ‘ગુણ’ પર મધુબાલાથી માંડીને એ સમયની અનેક સુંદરીઓ મોહિત થઇ હતી) અને પ્રેમનાથથી પણ પહેલાં પૃથ્વીરાજ કપૂર હતા. તેમને કેમ 'હીમેન' ગણવા એ જાણવા માટે નીચેની તસવીરમાં દેખાતા પૃથ્વીરાજના બાવડા પર એક નજર નાખવી પૂરતી થઇ પડશે. 
Prithviraj Kapoor
Premnath
ધર્મેન્દ્ર - પૃથ્વીરાજ કપુર/Two HeMen: young Dharmendra with Prithviraj Kapoor
સમજણમાં દારા સિંઘનો હનુમાન અવતાર અને સાંસદ અવતાર જોવા મળ્યાં. એ સિવાય ‘મિલ્કફુડ દેસી ઘી’ની જાહેરાતમાં પણ દારાસિંઘ ટીવી પર 'ભઇ વાહ' બોલતા જોવા મળતા હતા.

‘રામાયણ’ જેવી વિલંબિત ગતિએ ચાલેલી મહાલોકપ્રિય સિરીયલમાં દારાસિંઘનું હનુમાન તરીકેનું કાસ્ટિંગ કેવું આબાદ હતું, તેનો દારાસિંઘના જ એક યાદ રહી ગયેલા અવતરણ પરથી આવશે.
જય હનુમાન?
સિરીયલ પૂરી થયા પછી હનુમાન તરીકેની પ્રચંડ લોકપ્રિયતાના અરસામાં દારાસિંઘે એક ઇન્ટરવ્યુમાં તેમના વ્યક્તિત્વની ખાસિયત જેવી માસૂમિયત સાથે કહ્યું હતું કે ‘હનુમાનનો રોલ કર્યા પછી હું ભારે મુસીબતમાં આવી પડ્યો છું. એક કુસ્તીબાજ તરીકે હું બે હાથ જોડીને આંખ મીંચીને હનુમાનનું સ્મરણ કરવા ટેવાયેલો છું, પણ હવે (રામાયણમાં હનુમાનનો રોલ કર્યા પછી) હું જ્યારે આંખ મીંચીને હનુમાનનું સ્મરણ કરું છું, ત્યારે મને મારો જ ચહેરો દેખાય છે.’

દારાસિંઘને વિદાયસલામ.

2 comments:

  1. Nicely reminisced. Love his quip about Hanuman towards the end. What a gentle giant he was.

    ReplyDelete
  2. Rs. 1.60 ticket??? how cheap was there at that time?? Who would have gone for Rs. 10/- ticket??

    ReplyDelete