Wednesday, July 25, 2012

‘સત્યમેવ જયતે’ને બદલે નવો મુદ્રાલેખઃ કિંચિદપિ કઃ કરોતિઃ આટલું પણ કોણ કરે છે?


આમીરખાનના રીઆલીટી શો ‘સત્યમેવ જયતે’ વિશે ઘણી ચર્ચા થઇ ચૂકી છે. શોના પ્રશંસકોનો મુખ્ય સૂર હોય છેઃ ભારતમાં કેટલી બધી સમસ્યાઓ છે, જેના વિશે પ્રસાર માઘ્યમો (છાપાં-સામયિકો-ટીવી ચેનલો) ધરાર ઉપેક્ષા અને ઉદાસીનતા દાખવે છે. પરિણામે, દેશનો બોલકો, સમૃદ્ધ  વાચક-દર્શક વર્ગ આ સમસ્યાઓથી અજાણ રહી જાય છે. ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ થકી આમીરખાન ભારતની અનેક સમસ્યાઓને પ્રકાશમાં લાવે છે. એ કેટલું સારું કહેવાય? આમીરખાન જેવો ફિલ્મસ્ટાર પોતાના પ્રભાવ અને સ્ટાર વેલ્યુનો ઉપયોગ ગંભીર સમસ્યાઓને ઉજાગર કરવા માટે કરે તેનાથી રૂડું શું હોઇ શકે?

આટલે સુધી બરાબર છે, પણ વાત ફિલ્મસ્ટારની અને ટીવી શોની હોય ત્યારે તે અહીંથી પૂરી થતી નથી. આક્રમક માર્કેટિંગ અને ટીઆરપીની  રેસને કારણે ‘સત્યમેવ જયતે’ને ફક્ત સમસ્યાઓની દસ્તાવેજી રજૂઆત કરતો શો બનાવી શકાય નહીં. ખુદ આમીરખાન પણ કહે છે કે એવી રીતે સમસ્યાઓ દર્શાવવામાં આવે તો મોટા ભાગના લોકો એ જુએ નહીં. એટલે એક જૂની રમૂજમાંથી સરખામણી લઇએ તો, સમસ્યાઓની કડવી ગોળીને મનોરંજન-લાગણીના પેંડામાં ખોસીને દર્શકોને પીરસવામાં આવે છે. એમ કરવા પાછળનો પવિત્ર આશય એટલો કે લોકો મનોરંજનના બહાને, રીઆલીટી શોની જેમ કાર્યક્રમ જુએ અને ભારતની ગંભીર સમસ્યાઓથી પરિચિત થાય- તેમના વિચારજગતમાં એ સમસ્યાઓ પ્રવેશે.

પરંતુ જૂની રમૂજમાં બાળક પેંડામાંથી ‘ઠળિયો’ (કડવી ગોળી) ફેંકી દઇને પેંડો ખાઇ જતો હતો. કંઇક એવી જ રીતે, શોના બહુમતી દર્શકો સમસ્યાઓની રજૂઆતમાંથી સમસ્યાઓના મૂળની કડવી ગોળી કાઢી નાખીને, બાકીનો અનુકંપા- અરેરાટી- આંસુ પેદા કરતો કાર્યક્રમ હોંશે હોંશે જોઇ જાય છે. એટલું જ નહીં, એ જોઇને પોતે સામાજિક જાગૃતિ અથવા બદલાવની પ્રક્રિયાનો ભાગ બન્યાનો છૂપો સંતોષ અનુભવે છે. કેટલાક દર્શકોનો સુધરેલા હોવાનો ભાવ પણ એ વિચારે પ્રબળ થાય છે કે ‘આ બઘું તો બીજા લોકો કરે છે. આપણે કેટલા સારા કે આપણે ભ્રુણહત્યા નથી કરતા કે દલિતો માટે કપરકાબી જુદાં નથી રાખતા.’

બહુમતી દર્શકો ‘પેંડામાંથી ગોળી કાઢી નાખે છે’- એવું શી રીતે કહી શકાય? એ માટે અભ્યાસ- સર્વેક્ષણો થયાં નથી, પરંતુ સરેરાશ ભારતીય મથરાવટી માટે એ વાત નવી નથી. ‘કથા સુણી સુણી ફૂટ્યા કાન’ કહેનાર અખાનો મુદ્દો આ જ હતોઃ લોકો ગમે તેવી બોધદાયક કથામાંથી પોતે ગ્રહણ કરવાનો ભાગ બાજુ પર રાખીને, વાર્તારસ માણે છે. એમ કરવામાં બેશક કશું ખોટું નથી- શરત એટલી કે કથાકાર અને કથાશ્રોતાનો વાર્તારસથી વધારે કશો દાવો ન હોવો જોઇએ. માણસ જેમ ફિલ્મ કે નાટક કે ટીવી સીરીયલો જુએ છે, તેમ એ કથા સાંભળે. મનોરંજન, બસ, કેવળ મનોરંજન.

આમીરખાનનો કાર્યક્રમ એ દૃષ્ટિએ આવકાર્ય છે. પરંતુ જેવો કાર્યક્રમના મૂલ્યાંકનનો પ્રદેશ શરૂ થાય કે તરત દલીલ થાય છે, ‘લોકો સમસ્યા વિશે કશું ન જાણતા હોય એના કરતાં થોડુંઘણું કાચુંપાકું પણ જાણતા થાય, એ સારું ન કહેવાય? એમાં ખોટું શું છે? એવા કાર્યક્રમની ગુણવત્તામાંથી ખામી કાઢવી, એ દૂધમાંથી પોરા કાઢવા જેવો વાંકદેખો ઉદ્યમ છે. કોઇ જેટલું પણ સારું કરતું હોય, એટલાનાં આપણે વખાણ કરવાં જોઇએ. બીજા કશું નથી કરતા, ત્યારે એક માણસ આટલું તો કરે છે. બાકી, આપણે ત્યાં આટલું પણ કોણ કરે છે?’


આગળના ફકરામાં થયેલી દલીલો પહેલી નજરે ગળે ઉતરી જાય એવી છે. પરંતુ વાસ્તવિકતાનો થોડો ખ્યાલ કરતાં જણાશે કે મામલો આટલો સીધોસાદો, ફક્ત હકારાત્મક અભિગમ કેળવવાનો નથી. ટીકા કરનારા બધા નકારાત્મક અભિગમ ધરાવતા ટીકાખોર પણ નથી. તેમની ફરિયાદમાં રહેલા તથ્યના આધારે જ ટીકાનો પ્રકાર નક્કી થઇ શકેઃ એ વ્યક્તિગત-પ્રકૃતિગત દ્વેષ-નકારાત્મકતા જેવા ભાવથી કરાયેલી ટીકા છે કે તેમાં આમીરખાન પ્રત્યેના કોઇ અભાવ વિના, ચોક્કસ મુદ્દાને લગતી વાત છે?


‘સત્યમેવ જયતે’ જેવા શોની મુદ્દાસર, બિનવ્યક્તિગત ટીકામાં પણ બધા સંમત હોય એ જરૂરી નથી. ઉદાહરણ તરીકે, આમીરખાન જંતુનાશકોની ખતરનાક અસરો વિશેનો આખો કાર્યક્રમ કરે અને તેમાં મોન્સાન્ટો કંપનીનું નામોનિશાન ન હોય, તો એ વાતને પણ બે રીતે જોઇ શકાય. એક વર્ગ કહેશે,‘તમે જંતુનાશકોનાં અનિષ્ટોની વાત કરતા હો અને એ માટે આખા જગતમાં ગવાઇ ગયેલી કંપનીની વાત જ ન કરો, એ કેવી રીતે ચલાવી લેવાય?’

 જ્યારે‘હકારાત્મક દૃષ્ટિકોણ’ ધરાવતા લોકો કહેશે,‘એમાં શું? મોન્સાન્ટોનું નામ ન લીઘું તો કંઇ નહીં. જેટલા મુદ્દા આવ્યા તે બરાબર હતા કે નહીં? જે આવ્યું તેની વાત કરવાને બદલે, જે નથી આવ્યું તેની પિંજણમાં શા માટે પડવું જોઇએ? એમ તો ટીકા કરનારા લોકોને કાર્યક્રમ બનાવવાનો થાય, તો એમાં પણ ઘણું બઘું રહી જાય.’

‘હકારાત્મક’ ઉત્સાહમાં જે મુદ્દો ચૂકાઇ જાય છે તે આઃ જે રહી  ગયું તે સમયની અછતના અભાવે- વિષયના બહોળા વ્યાપના અભાવે રહી ગયું કે પછી તેને ઇરાદાપૂર્વક બાકાત રખાયું? અંગ્રેજીમાં ‘સિન્સ ઓફ ઓમિશન’ (જાણીબુઝીને ગુપચાવવાનો ગુનો) કહેવાય છે, એવું  તો નથી ને? લખાણોમાં સ્થળસંકોચના અભાવે કે ટીવી પર સમયની મારામારીમાં ઘણી વાર મહત્ત્વના મુદ્દા રહી જતા હોય છે. એ યોગ્ય નથી, છતાં ક્ષમ્ય ગણી શકાય. પરંતુ મોટા ભાગના વિષયમાં ‘રહી જાય તો ચાલે જ નહીં’ એવા કેટલાક મુદ્દા પણ હોય છે.

દા.ત. હિગ્સ-બોસોન પાર્ટિકલની વાત ચાલતી હોય અને કોઇ સત્યેન્દ્રનાથ બોઝને યાદ ન કરે, તો એ કેમ ચાલે? વિદેશીઓ ભારતીયોના પ્રદાનને ઉવેખે કે તેમને યાદ ન કરે ત્યારે તરત એમની પર રંગદ્વેષનો (ઘણી વાર સાચો) આરોપ થતો હોય છે, પરંતુ એ ફૂટપટ્ટી ઘરઆંગણે લાગુ પાડવામાં આવતી નથી. એટલે, આમીરખાન આભડછેટ વિશેનો આખેઆખો કાર્યક્રમ ડો.આંબેડકરને યોગ્ય રીતે સંભાર્યા વિના કરી નાખે, ‘આઉટલૂક’ (૨૩ જુલાઇ,૨૦૧૨)માં એસ.આનંદ શોમાં થયેલા ‘સિલેક્ટીવ એડિટિંગ’ની, અણીયાળા ઉલ્લેખો પર ફરેલી કાતરની ઉદાહરણો સાથે ટીકા કરે, તો પણ આમીરખાન દોષમાં આવતા નથી. ઉલટું, એમની ટીકા કરનારા ટીકાખોરમાં ખપી જાય છે. કારણ કે એ વખતે આપણી અસલ ફુટપટ્ટી-આપણો રાષ્ટ્રિય ઘ્યેયમંત્ર કામે લાગે છેઃ કિંચિદપિ કઃ કરોતિ? (આપણે ત્યાં) આટલું પણ કોણ કરે છે? આવું બીજા લોકો ઉપરાંત કરનારા પોતે પણ માની બેસે ત્યારે ખરી મુશ્કેલી થાય છે.

સમાજસુધારો-જાતસુધારો


સ્વૈચ્છિક સંસ્થા હોય કે સરકારી તંત્ર, ભ્રષ્ટ અધિકારીઓ હોય કે ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશકારો- ‘આટલું પણ કોણ કરે છે?’ના જાદુઇ મંત્રથી તેમની બધી મર્યાદાઓ માફ થઇ જાય છે- એટલું જ નહીં, તેમની મર્યાદાઓ ચીંધનારાને વાંકદેખા તરીકે ખપાવી શકાય છે. સ્વૈચ્છિક સંસ્થાઓ તેમને મળતા ફંડમાંથી મોટો ભાગ વહીવટી ખર્ચમાં વાપરી કાઢે, તો પણ એમની ટીકા ન થાય. ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશની દિશા વિશે પાયાના સવાલો ઊભા ન કરી શકાય. એવું કરનાર પર વળતો પ્રહાર તૈયાર જ હોયઃ ‘બહુ એવું હોય તો તમે કરી બતાવો. તમારે તો બસ બેઠાં બેઠાં પથરા ફેંકવા છે. એક વાર કામ કરવા આવો. પછી ખબર પડશે કે કેટલા વીસે સો થાય છે.’

પરંતુ પ્રશ્ન એ છે કે બીજા જે ન કરતા હોય એવું કામ (કે તેનો દાવો) કરનારને, અહોભાવરહિત મૂલ્યાંકનમાંથી મુક્તિ મળી જાય?  તેમનું મૂલ્યાંકન બીજું કોઇ કરી જ ન શકે? સ્વૈચ્છિક સંસ્થાઓની વાત કરીએ તો, સંસ્થા ચલાવવા માટે કેટલીક મર્યાદાઓ અનિવાર્ય હોઇ શકે છે, પરંતુ તેનું પ્રમાણભાન હોય કે નહીં? સંસ્થાને મળતા ભંડોળમાંથી મોટો ભાગ કેવળ વહીવટી ખર્ચા અને કાગળ પરના કાર્યક્રમોમાં ખર્ચાઇ જતો હોય, તો પણ તેમની ટીકા ન કરવી? અને ક્યાં સુધી ન કરવી?

ધારો કે કોઇ સંસ્થા બાળમજૂરી, ભ્રષ્ટાચાર કે દલિત સમસ્યા જેવા મુદ્દે કામ કરતી હોય તો,બે-પાંચ-દસ વર્ષમાં તે આ બઘું નાબૂદ કરી નાખે એવી અપેક્ષા કોઇ રાખતું નથી. પરંતુ આ સમસ્યા સામે લડવાનો દાવો તે કરતાં હોય ત્યારે -અને એ માટે અઢળક નાણાં મેળવતાં હોય ત્યારે તો ખાસ- તેમના કામની દિશાની અને પદ્ધતિની પૂરતી તપાસ શા માટે ન થવી જોઇએ?

અભિનેતા આમીરખાન માટે ‘સત્યમેવ જયતે’ એક શો છે. ‘કૌન બનેગા કરોડપતિ’ કે ‘દસકા દમ’ જેવા શોની સરખામણીમાં તેની વધારાની ખાસિયત એ છે કે એ ભારતની રોજબરોજની છતાં ગંભીર સમસ્યાઓની વાત કરે છે. આ સમસ્યાઓ પોતાની આસપાસ હોવા છતાં, તેમની પ્રાથમિક જાણકારી મેળવવા માટે લોકોને આમીરખાનના શોની જરૂર પડે છે એ જુદી કરુણતા છે.

આમીરખાને જે સમસ્યાઓ વિશે ‘સત્યમેવ જયતે’માં  વાત કરી, તેના વિશે પ્રસાર માઘ્યમોમાં કશું આવતું નથી એમ કહેવું પણ સાચું નથી. અખબારો-સામયિકો અને અમુક અંશે ચેનલો ઉપર આ બધી જ સમસ્યાઓ અને તેમના કારણે સર્જાતા સમાચાર, ભલે અપૂરતી માત્રામાં, પણ આવતા હોય છે. પરંતુ તેમને આમીરખાનની સ્ટારવેલ્યુનો લાભ મળતો નથી. આમીરખાનને કારણે શો જોવા બેઠેલા લોકોને સમસ્યાના અસ્તિત્ત્વ વિશે શો જોયા પછી જ ખબર પડે, તો તેમાં એમણે પ્રસાર માઘ્યમોના વાંકની સાથોસાથ, વાસ્તવિકતા પ્રત્યે આંખ આડા કાન કરતી પોતાની જીવનદૃષ્ટિ વિશે પણ વિચારવાની જરૂર નથી?

પરંતુ આમીરખાનનો કાર્યક્રમ પોતાનો વાંક કાઢવા માટે નથી.  દુનિયા કેટલી ખરાબ છે, એ જાણીને ડચકારા બોલાવવા અને આંસુ સારવા માટે છે. એ વખતે આપણે પણ એ જ દુનિયાનો હિસ્સો છીએ, એ કેટલાને યાદ રહેતું હશે?

સમસ્યાઓની અખંડ આગમાં અત્યાર સુધી અનેક લોકો યથાશક્તિ ડોલ-પીપડાં-ટેન્કર ભરીને પાણી રેડી ગયા. હવે આમીરખાન પણ તેમાં પોતાના તરફથી ચમચી રેડી રહ્યા છે. આમીરખાનના પ્રયાસનું માપ ચમચીમાં એટલા માટે કે એ જે પ્રકારની સમસ્યાઓની વાત કરે છે, તેમાં એક સ્વપ્ને સવાર પડી જતું નથી. વર્ષોની કામગીરી પછી પણ સમસ્યાઓની ગંભીરતા ઓછી ન થઇ નથી એ યાદ રાખીને, આમીરખાનના દોઢ-બે કલાકના એક કાર્યક્રમનું મૂલ્યાંકન કરવું પડે. સાથોસાથ તેની અસર અને એ કેટલું ટકી તેની પણ માહિતી સમાવી શકાય તો પ્રમાણભાન બરાબર જળવાય.

 - અને એ પણ યાદ રાખવું પડે કે સમાજસુધારો - એટલે કે જાતસુધારો- એ હેરઓઇલ- કોલા- ચ્યવનપ્રાશ-સૌંદર્યપ્રસાધનની બ્રાન્ડ નથી કે કોઇ સ્ટાર કહે એટલે લોકો એને હોંશેહોંશે અપનાવી લે.

(શીર્ષકપંક્તિ સૌજન્યઃ સ્વાતિ શાહ)

7 comments:

 1. a little bit confusing lekh urvish bhai.. SMJ na pro's and con's banne batava no tame try karyo chhe e baraabar.. pan enaa kaarane article no ane lekhak no exact point of view clearly convey nathi thato.. badhu bhel-sel thai gayeli hoy em laage chhe.. madhy maarge chaalva na badle koik ek proper stand lidhu hot to vadhaare clarity aavat..

  ASTU

  SATYAMEV JAYTE

  ReplyDelete
 2. Very true Urvish. Presenting facts by concealing the inconvenient bits takes away from the integrity of the whole enterprise. Sins of omission is a malaise and does not go a long way in promoting all-round understanding. Incidentally I wonder whether you have read this piece by Sucheta Dalal? It's interesting in its own way. http://www.suchetadalal.com/?id=b1b30315-0240-c4d9-4fec2792c92b&base=sections&f

  ReplyDelete
 3. @darshan: thanks. I can understand your confusion but i suppose my take is clear from the title itself. નવો મુદ્રાલેખઃ કિંચિદપિ કઃ કરોતિઃ આટલું પણ કોણ કરે છે? is the motto, which i don't endorse and have indicated amply in the piece. 'the other side' is not for the sake of 'objectivity' but for the perspective as to what kind of arguments we are supposed to face when we don't agree with આટલું પણ કોણ કરે છે?

  ReplyDelete
 4. તમે કહો છો તેવી જ એક હકારાત્મક ટીકા કરૂં.
  ગયા અઠવાડિયે પાણી વિશે કાર્યક્રમ હતો. ઇંટરવ્યૂ પણ સારા હતા. પરમ્તુ ઉપસંહાર એ હતો કે પાની બાબતમાં જેટલી જવાબદારી સરકારની છે, એટલી જ જનતાની પણ છે.
  સાવ સાચું. પણ ખરેખર એવું છે? સરકાર પાસે નિર્ણય લેવાની સત્તા છે અને એનો અમલ કરાવવાનું તંત્ર છે. જનતા પાસે નથી.
  આજે સરકાર પાણીને લગતી સેવાઓ ખાનગી વિદેશી કંપનીઓને આપવા લાગી છે. વિશ્વબૅંકના દબાણ અથવા પ્રેરણાથી વિદેશી કંપનીઓ નફો કમાવા માટે દેશમાં આવે છે. એમાં હવે પાણીનું ક્ષેત્ર પણ
  જનરલ ઍગ્રીમેન્ટ ઑન ટ્રેડ એન્ડ સર્વિસીઝ (GATS)હેઠળ ્મલ્ટીનૅશનલ કંપનીઓ માટે ખોલી દેવાયું છે. પાણી તો ફૅક્ટરીમાં બનાવી ન શકાય. એ કુદરતી સંપદા છે અને પાણીના વિતરણ માટે કંપનીઓને પાણીનો સ્ટૉક આપવાની જવાબદારી સરકારોની ર્હે છે. તો માત્ર વિતરણ અને બિલિંગ માટે સરકાર શા માટે જવાબદારી ન લઈ શકે? કૉન્ટ્રૅક્ટ પણ એવા હોય છે કે વિતરણ માટે સરકાર કંપનીએ પૂરતું પાણી ન આપીશકે અને એના કારણે કંપની પાણી આપવામાં નિષ્ફળ જાય તો સરકાર એની પેનલ્ટી કંપનીને ચૂકવી આપે! નીતિ નિર્ધારણના સ્તરે થતા ભ્રષ્ટાચાર તરફ કોઈનું ધ્યાન જતું નથી. સત્યમેવ જયતેનું ધ્યાન પણ આ ખાનગી કરણ પર ન ગયું!

  ReplyDelete
 5. i don't use to comment or present my view baenith the artical... butt this time urvesh had compelled me by this artical... i say this artical is mearely a wast of his(urrvish ) talent n our time by reading it.
  what amir doing is some thing that every one needs to do. to remove any problem or defect we must need to admit it as problem. n that amir is doing by his show.... now its ur perception problem if u take wrong part of it.
  so, try to analyze some good thing in ur blog, bcz by blindly n religiously following u n ur talent.. n its ur responsibility to maintain that standard.

  ReplyDelete
 6. ઉર્વીશ, આ વખતે તમારો અભિગમ મને નેગેટીવ લાગ્યો. આટલા ઉમદા પ્રયાસને તમે આ રીતે મૂલવો છો? અને આ હું કોઈ ભાવુકતાથી નથી કહેતો : હું ચોકસ માનું છું કે આમીર ખાને દેશના સામાજિક દૂષણો વિષે લોકોને સેન્સીટાઈઝ કરવાનો બહુ પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. બહેતર સામાજિક બદલાવ માટે કરવામાં આવતા નાનામોટા તમામ પ્રયત્નો હંમેશા આવકાર્ય ગણાવા જોઈએ.

  ReplyDelete