Sunday, July 08, 2012

ચશ્મે બદ્‌દૂર: જાદુઇ ચિરાગની કમ્પ્યુટર આવૃત્તિ જેવા ‘ગુગલ ગ્લાસ’



કાચ વગરની, અડધીપડધી ફ્રેમ પહેરીને નીકળેલો એક માણસ   ઘરની બહાર નીકળે એટલે તેને જમણી આંખની સામેના ટચૂકડા જણાતા ડિસ્પ્લે પર, બહાર કેટલું તાપમાન છે તેનો આંકડો દેખાય છે. એટલામાં આંખ સામેના સ્ક્રીનના ખૂણે મિત્રનો મેસેજ આવે છેઃ ‘મળવું છે?’

ફ્રેમ પહેરનાર માણસ મૌખિક જવાબ આપે છેઃ ‘બપોરે બે વાગ્યે, સ્ટ્રેન્ડ બુક સ્ટોલ પાસે.’ એટલે બોલાયેલો સંદેશો સામા છેડે લેખિત સ્વરૂપમાં પહોંચી જાય છે. ફ્રેમધારી માણસ રસ્તા પર આગળ વધે તેમ આંખ સામેના સ્ક્રીન પર રસ્તાના નકશા આવતા જાય છે. અજાણી જગ્યાએ પહોંચવાનું હોય અને માણસ એ જગ્યાનું નામ બોલે, એટલે સ્ક્રીન પર ત્યાં સુધી પહોંચવાનો નકશો આવી જાય. રસ્તે આવતો એકાદ સબ-વે બંધ હોય તો એની માહિતી પણ મળી જાય છે. રસ્તામાં તે એક કાર્યક્રમનું પોસ્ટર જોઇને મૌખિક આદેશ આપે છે, એટલે કાર્યક્રમની ટિકિટોનું બુકિંગ થઇ જાય છે. એક દૃશ્યનો ફોટો પાડીને પોતાના સર્કલમાં શેર કરવાનો આદેશ આપતાં જ, ફોટો પડી જાય છે અને સૌ મિત્રોને પહોંચી જાય છે. આંખ સામેના એ સ્ક્રીનની મદદથી તે વિડીયો ચેટંિગ કરી શકે છે, પોતાને જે દૃશ્ય દેખાતું હોય તેની વિડીયો લાઇવ ઇન્ટરનેટ પર બતાવી શકે છે, ચાલતાં ચાલતાં હાથ ઝુલાવતાં ઝુલાવતાં એ ફેસબુક પર સ્ટેટસ મુકી શકે છે અને મેસેજ મોકલી શકે છે....

આ વર્ણન કોઇ વિજ્ઞાનકથાનું નહીં, પણ ‘ગુગલ’ના તિલસ્મી ગ્લાસ (ચશ્મા)ની કામગીરી દર્શાતા વિડીયોનું છે. હમણાં સુધી ‘ગુગલ’ કંપનીના ‘પ્રોજેક્ટ ગ્લાસ’/ Project Glass વિશે સાવ ઓછી માહિતી ઉપલબ્ધ હતી, પરંતુ ગયા સપ્તાહે સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલી ગુગલની ડેવલપર્સ માટેની વાર્ષિક કોન્ફરન્સમાં ગુગલ ગ્લાસ/ Google Glassના કેટલાક પરચા જાહેર થયા. જેમ કે, કેટલાક સાહસિકોએ ગુગલ ગ્લાસ સાથે વિમાન (ઝેપેલીન) માંથી નીચે ઝંપલાવ્યું અને તેમની આંખે દેખાતો નજારો કોન્ફરન્સ હોલના પડદા પર, સૌની સામે લાઇવ રજૂ કર્યો.


ગુગલ ગ્લાસની ચમત્કારિક લાગે એવી કામગીરી વિશે જાણીને ‘સિક્સ્થ સેન્સ’થી જાણીતા ગુજરાતી પ્રણવ મિસ્ત્રીની યાદ આવે. પહેરી શકાય એવી (વેરેબલ) કમ્પ્યુટર ટેકનોલોજીના ક્ષેત્રે ક્રાંતિકારી સંશોધનો માટે પ્રણવ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે. એ સિવાય હૃદયના ધબકારા  અને બ્લડસુગરનું લેવલ માપતાં સાધનોથી માંડીને દોડવાની ઝડપ, કપાયેલું અંતર, બળેલી કેલરી જેવાં અનેક નાનાંમોટાં કામ અને શારીરિક માહિતી પૂરી પાડતાં સાધનો અત્યારે ઉપલબ્ધ છે. પરંતુ ભવિષ્યની પ્રચંડ શક્યતાઓ ઘ્યાનમાં રાખતાં આ બઘું સાવ આરંભિક- નર્સરીની કક્ષાનું લાગે. માઇક્રોસોફ્‌ટ, એપલ અને ગુગલ જેવી અગ્રણી કંપનીઓ તેનાથી ઘણી આગળ વધવા માગે છે. તે કમ્પ્યુટરને પહેરી શકાય એવાં કરવાને બદલે, કમ્પ્યુટિંગ ટેકનોલોજીને સીધાસરળ સ્વરૂપે, કશી અડચણ વિના પહેરી શકાય એ રીતે રજૂ કરવા માગે છે. લેખની શરૂઆતમાં આપેલું વર્ણન તેનો એક નમૂનો છે. 

ગુગલ ગ્લાસનું વર્તમાન, પ્રાયોગિક-પ્રોટોટાઇપ સ્વરૂપ કેમેરા, ટચ પેડ, જાયરોસ્કોપ, એક્સલરોમીટર, કંપાસ, ટચૂકડાં માઇક્રોસ્કોપ અને સ્પીકર જેવાં સાધનો અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમથી સજ્જ છે. ઇન્ટરનેટ સાથે તેનું જોડાણ વાઇ-ફાઇ અને બ્લૂ ટૂથ વડે થાય છે. બેટરીથી ચાલતા ચશ્માને ચાલુ-બંધ કરવા માટે બાજુ પર બટન છે. તેનાથી તસવીરો પણ ખેંચી શકાય છે. તસવીરો માટે બીજો વિકલ્પ છેઃ દર દસ સેકન્ડે આપમેળે ફોટો ક્લિક થયા કરે.  એ રીતે બાઇક ચલાવતાં કે પહાડ ચડતાં આજુબાજુનાં દૃશ્યોની તસવીર સતત ખેંચી શકાય. કેમેરા હાથને બદલે આપણી આંખમાં જ હોય તો કેવી આશ્ચર્યજનક તસવીરો લઇ શકાય તેનો એક નમૂનોઃ

ફ્રેમની બાજુ પર રહેલા ટચપેડ ઉપરાંત (જાયરોસ્કોપના પ્રતાપે) માથું હલાવવા જેવી ચેષ્ટાઓથી પણ ચશ્માને કમાન્ડ આપી શકાય, એવી ગણતરી છે.

‘હેન્ડ્‌સ ફ્રી કેમેરા-કમ-સ્માર્ટ ફોન’ની ગરજ સારતા ગુગલ ગ્લાસના ઉપયોગોની શક્યતાનો પાર નથી. તેના થકી ફક્ત સાહસયાત્રાઓનું જ નહીં, કૌટુંબિક મેળાવડા અને મિત્રો સાથેની ગપ્પાંગોષ્ઠિનું પણ લાઇવ વિડીયો સ્ટ્રીમિંગ થઇ શકે છે. ખરીદી કરતી વખતે લાઇવ વિડીયો ચેટના અંદાજમાં ચીજવસ્તુની પસંદગીથી માંડીને ભાવતાલ વિશેનું માર્ગદર્શન આપી-લઇ શકાય છે. આવાં કામોની યાદી અનંત છે. એક વિકલ્પ સર્ચની સુવિધા ઉમેરવાનો પણ છે. જો એ શક્ય બને તો પછી, ચશ્માનું બટન દબાવીને મૌખિક સવાલ પૂછવાનોઃ ‘ભારતની રાજધાની કઇ?’ તરત આંખ સામે ‘દિલ્હી’નું નામ અને ભલું હોય તો નકશામાં દિલ્હીનું સ્થાન પણ આવી જશે.

આવતા વર્ષે ૧૫૦૦ ડોલરમાં ફક્ત ડેવલપર્સ માટે ઉપલબ્ધ થનારા ગુગલ ગ્લાસમાં હજુ ઘણું કામ થવું બાકી છે, પરંતુ તેનો પાયો જે રીતે મંડાયો છે એ જોતાં, ગુગલ ગ્લાસ વાસ્તવિકતા બને તે થોડાં વર્ષનો જ મામલો છે. કંપની ૨૦૧૪થી સામાન્ય ગ્રાહકો માટે બત્રીસ લક્ષણા ગુગલ ગ્લાસ (૧૫૦૦ ડોલર કરતાં ઘણી ઓછી કિંમતે) બજારમાં મૂકવા ધારે છે. તેના અત્યારે કરાયેલા બધા દાવા સાચા પડે તો, એ ગ્લાસ પહેરનારને સ્માર્ટફોન કે ટેબ્લેટ વાપરવાની ખાસ જરૂર નહીં રહે. કારણ કે તેમના થકી કરવાનાં બધાં કામ, ખુલ્લા હાથે અને મૌખિક આદેશથી, ચશ્મા વડે પાર પડી જશે. સ્માર્ટફોન-ટેબ્લેટની ઉપયોગીતા અનેક ગણી વધારી મૂકતાં એપ્સ (જુદી જુદી એપ્લિકેશન્સ) ગુગલ ગ્લાસમાં પણ સામેલ કરવામાં આવશે.

એક તરફ ગુગલ ગ્લાસ ટેકનોલોજીની ઉત્ક્રાંતિને નવી દિશા આપી શકે એવા મનાય છે, તો તેને લગતા કેટલાક સવાલ પણ પૂછાઇ રહ્યા છે. સૌથી પહેલો અને પ્રાથમિક સવાલ ચશ્માના વજનને લગતો અને નંબર ન હોય એવો માણસ ચશ્મા પહેરવાનું પસંદ કરશે કે કેમ, એ છે. ગુગલના કર્મચારીઓ સિવાયના બીજા કેટલાક ચશ્મા પહેરી જોનારા એકમતે સ્વીકારે છે કે તેનું વજન બહુ ઓછું છે અને ચશ્મા પહેર્યાનો ભાર જરાય લાગતો નથી. ‘પ્રોજેક્ટ ગ્લાસ’ સાથે સંકળાયેલા લોકોનો દાવો છે કે આંખ સામેના સ્ક્રીન પર મેસેજ કે બીજી માહિતી તરીકે આવતો રહેતો ડેટા આંખને તેની સામાન્ય કામગીરીમાં બિલકુલ અવરોધરૂપ નહીં બને. ફ્રેમ પર સ્ક્રીન એવી રીતે ગોઠવવામાં આવ્યો છે કે આંખ તેની સહેલાઇથી અવગણના કરી શકે અને ઇચ્છે ત્યારે જ સ્ક્રીન પર જોઇ શકે.

ફોન અને ટેબ્લેટને કારણે માણસોને સતત સ્ક્રીનમાં મોં ખોસીને આજુબાજુના જીવતાજાગતા માણસોને અવગણવાની આદત પડતી જાય છે, ત્યારે ગુગલ ગ્લાસથી એ સમસ્યા વઘુ નહીં વકરે? એવા સવાલનો કંપની તરફથી અપાતો જવાબ ‘ના’ છે, પરંતુ નવી ટેકનોલોજીના ઉપયોગ અને તેની આડઅસરો વિશે પહેલેથી ખાતરીપૂર્વક કંઇ જ કહી શકાતું નથી.

ગુગલ ગ્લાસ પોતે પ્રોસેસિંગ અને ડેટા સ્ટોરેજની સારી એવી ક્ષમતા ધરાવે છે. છતાં, તેનો એક મૂળભૂત આશય ડેટા સ્ટોરેજ કરતાં ડેટા શેરિંગનો- એટલે કે પોતાના વર્તુળોને તસવીરો અને વિડીયો મોકલતા રહેવાનો વધારે છે. ગ્લાસમાં સ્ટોર થયેલો ડેટા ફોન, ટેબ્લેટ કે કમ્પ્યુટરમાં લઇ શકાય છે. પરંતુ સવાલ એ થાય કે તસવીરો અને વિડીયો લેવાનું આટલું સહેલું બની ગયા પછી, તેમનો કેવો ખડકલો થશે? અને તેનો યથાયોગ્ય વહીવટ- તેમની સરખી ગોઠવણ કેવી રીતે શક્ય બનશે?

બીજી તરફ, ‘વેરેબલ કમ્પ્યુટર’થી બહુ અંજાતા ન હોય એવા લોકો પણ, કોઇ પણ જાતની મહેનત કે તકલીફ વિના પોતાના જીવનનું સતત રેકોર્ડિંગ કે શૂટિંગ થતું રહે એ ખ્યાલથી આશ્ચર્યચકિત થયા છે. એવા એક ઉત્સાહીએ ગણી કાઢ્‌યું છે કે રોજના છ કલાકની ઉંઘ બાદ કરતાં બાકીના બધા સમયનું રેકોર્ડિંગગ કરવાનું હોય તો વર્ષના ૪૫ ટેરાબાઇટના હિસાબે ૮૦ વર્ષનો ૪.૫ પેટાબાઇટ ડેટા થાય. ડેટાના ‘ટેરા’ અને ‘પેટા’ જેવા એકમો હજુ રોજબરોજના વપરાશમાં આવ્યા નથી, પણ જે રીતે ગીગાબાઇટની ક્ષમતા સામાન્ય અને સસ્તી બની છે એ જોતાં, નજીકના ભવિષ્યમાં ટેરા (૧ હજાર ગીગાબાઇટ) અને પેટા (૧૦ લાખ ગીગાબાઇટ) પણ સામાન્ય બની જાય તો નવાઇ નહીં. ડેટાના આટલા ખડકલાની સામાજિક, માનસિક આડઅસરો થવાની પૂરી શક્યતા છે, પણ વેરેબલ ટેકનોલોજીના અશ્વમેધ યજ્ઞનો ઘોડો કોઇ અટકાવી શકે, એવું અત્યારે તો લાગતું નથી.

કાચ વગરની ફ્રેમ પહેરીને ફરનારાનો દેખાવ અત્યારે ભલે વિચિત્ર લાગતો હોય, પણ ગુગલ ગ્લાસ સફળ થશે તો એકાદ દાયકામાં હાથમાં ફોન કે ટેબ્લેટ લઇને ફરનારા એવા વિચિત્ર દેખાતા થઇ જશે.

3 comments:

  1. આપની વાત સાચી છે, "સામાજિક, માનસિક આડઅસરો થવાની પૂરી શક્યતા છે."

    ReplyDelete
  2. સાહેબ, કેટકેટલી શોધો થશે? કોના માટે? તેનો ખરેખર ઉપયોગ કેટલો? શું આવી શોધો સંતોષ આપે છે? આવાં સંશોધન ન થાય તોય શું?

    http://www.livehindustan.com/news/editorial/guestcolumn/article1-story-57-62-241993.html

    वैज्ञानिकों ने दावा किया है कि उन्होंने वह कण खोज लिया है, जो भगवान के 99.99997 प्रतिशत करीब है। क्या वे सही दिशा में बढ़ रहे हैं? अगर हां, तो सोचता हूं कि 48 साल में वे यहां तक पहुंच गए हैं, हो सकता है अगले कुछ वर्षों में वे पूरी तरह ईश्वरीय सत्ता के रहस्य लोक में दाखिल हो जाएं। अगर ऐसा होता है, तो क्या ‘धर्म’- जो अब तक तर्कों से ज्यादा आस्था के सहारे हजारों साल से हम पर हुकूमत कर रहा है- उसकी हम कोई नई व्याख्या रचेंगे?

    ReplyDelete
  3. વાહ....જીવતાં કરતાં જોયું ભલું ---આ કહેવતનો અર્થ બદલાઈ જશે....

    ReplyDelete