Monday, July 30, 2012
આઝાદ હિંદ ફોજનાં કેપ્ટન લક્ષ્મી સહગલને આખરી સલામ
બ્લોગમાં કેપ્ટન લક્ષ્મી સહગલને તસવીરી અંજલિ
http://urvishkothari-gujarati.blogspot.in/2012/07/blog-post_24.html
પછી, હવે તેમના જીવનકાર્યની આછી ઝલક વિશનો પહેલો ભાગ
http://urvishkothari-gujarati.blogspot.in/2012/07/blog-post_24.html
પછી, હવે તેમના જીવનકાર્યની આછી ઝલક વિશનો પહેલો ભાગ
Captain Lakshmi Sehgal / કેપ્ટન લક્ષ્મી સહગલ |
રાજેશ ખન્નાના મૃત્યુનાં મથાળાં બનાવનાર અને દિવસો સુધી તેમની ઝીણી ઝીણી વિગતો હોંશથી આપનાર પ્રસાર માઘ્યમોમાં એક સમાચારનું ઝંખવાઇ જવું સ્વાભાવિક હતું : આઝાદ હિંદ ફોજની રાણી ઝાંસી રેજિમેન્ટનાં લેફ્ટનન્ટ કર્નલ લક્ષ્મી સહગલ/ Lakshmi Sehgal નું મૃત્યુ.
આ સમાચાર સાવ ખોવાઇ ગયા તો ન કહેવાય. અખબારોએ પહેલા પાને લીધા. ટીવી ચેનલોએ તેમની નોંધ લીધી. પણ ચાર-પાંચ વર્ષ માટે સુપરસ્ટાર તરીકે અને ત્યાર પછીનો સમય ભૂતકાળના નશામાં જીવી જનારા રાજેશ ખન્નાને જે મહત્ત્વ મળ્યું, તેની સરખામણીમાં વાસ્તવિક જીવનનાં નાયિકા લક્ષ્મી સહગલના મરણની નોંધ કેવળ ઔપચારિકતા અને શરમાશરમી ખાતર, સમાચાર ચૂકી ન જવાય એટલા પૂરતી લેવાઇ હોય એવું લાગે. કેપ્ટન લક્ષ્મી સહગલ અને મૃણાલિની સારાભાઇ સગાં બહેન થાય, એટલી સાદી પ્રાથમિક માહિતી પણ ઘણાં પ્રસાર માઘ્યમો આપી ન શક્યાં.
કેપ્ટન લક્ષ્મી સહગલ અત્યારની વ્યાખ્યા પ્રમાણેનાં ‘ફક્ત જાણીતાં હોવા બદલ જાણીતાં’ સેલિબ્રિટી ન હતાં. સુભાષચંદ્ર બોઝ સાથે એક ફ્રેમમાં ફોટો હોવો એ કેવળ તેમનું માહત્મ્ય ન હતું. ૧૯૪૬માં આઝાદ હિંદ ફોજનો અંત આવી ગયા પછી, ૨૦૧૨ સુધી તે પોતાની ભૂતકાળની મહત્તામાં ડૂબેલાં ન રહ્યાં. જીવનના અંત સુધી તે એક ડોક્ટર (ગાયનેકોલોજિસ્ટ) તરીકે અને ડાબેરી વિચારસરણી ધરાવતાં સ્વતંત્રમિજાજી વ્યક્તિ તરીકે સામાન્ય લોકો સાથે સંકળાયેલાં રહ્યાં. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં તે ઇજનેર ડો.અબ્દુલકલામ સામે નહીં, પણ ભાજપનાં ઉમેદવાર એવા ડો.કલામ સામે એક ડાબેરી ઉમેદવાર તરીકે લડ્યાં હતાં.
કેપ્ટન લક્ષ્મી તરીકે જાણીતાં ડો.લક્ષ્મી સહગલ વીસમી સદીના ભારતના ઇતિહાસનું એવું ગૌરવવંતુ પાત્ર હતાં, જેમનું સ્થાન ઓછામાં ઓછું પાઠ્યપુસ્તકોમાં અને ખરેખર તો (પ્રસારમાઘ્યમો થકી) લોકહૃદયમાં હોવું જોઇએ. પરંતુ પ્રસાર માઘ્યમો વાસ્તવિક ‘હીરો’ની પરેજી પાળવા લાગ્યાં, એટલે કેપ્ટન લક્ષ્મી જેવાં પાત્રો હયાત હોવાના સમાચાર ઘણા લોકો સુધી તેમના મૃત્યુ નિમિત્તે જ પહોંચ્યા.
કેપ્ટન લક્ષ્મી સહગલ સાથે સતત ચાર દિવસ સુધી રોજ મળીને તેમનો ઇન્ટરવ્યુ કરવાની તક ૧૯૯૭માં મળી હતી. એ વખતે કાનપુરના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલા તેમના ઘર ઉપરાંત તેમના ક્લિનિક અને રોજિંદા જીવનના સાક્ષી બનવાનો લ્હાવો પણ મળ્યો હતો. એ વખતે પણ આઝાદ હિંદ ફોજનાં નાયિકા કેપ્ટન લક્ષ્મી હયાત અને સાબૂત છે, એની કાનપુરની બહાર બહુ થોડાને ખબર હતી. પરંતુ તેમની સાથેની વાતચીતમાં કદી એ વાતનો જરાસરખો વસવસો તો ઠીક, ઉલ્લેખ પણ આવતો ન હતો. પરંતુ તારીખટાણે પોતાને કોઇ કેવળ ‘શોભામાં અભિવૃદ્ધિ’ ખાતર યાદ કરે, એની તેમને જબરી ચીડ હતી.
અમારી સાથે વાતચીત ચાલુ હતી અને ફોન રણક્યો. એ વખતે (ઓગસ્ટ ૧૯૯૭માં) આઝાદીનાં પચાસ વર્ષની ઉજવણીનો માહોલ હતો. સામે છેડેથી સુવર્ણજયંતિ સમારંભ નિમિત્તે કોઇ ઔપચારિક નોતરું આવ્યું હશે. એટલે ફોન પર જ કેપ્ટન લક્ષ્મી ધણધણી ઉઠ્યાં, ‘સબ લોગ અભી જગ ઉઠે હૈં...પચાસ સાલ હમેં બિલકુલ ભૂલ ગયા. અભી હમ ઐસે હી ખતમ હો જાયેગા. હમારા ઇન્તઝાર ન કીજીએ’ અને ધડામ્ અવાજ સાથે રિસીવર ક્રેડલ પર મૂકાઇ ગયું.
Dr.Lakshmi Sehgal at her Kanpur residence, 1997 photo : Biren Kothari |
પારિવારિક કારણોસર તેમનો ઝુકાવ શરૂઆતમાં ગાંધીજી તરફ હતો. ગાંધીજી સાથેની એકમાત્ર મુલાકાત યાદ કરતાં તેમણે કહ્યું હતું, ‘એક વખત અમે જે ટ્રેનમાં જતાં હતાં એમાં ગાંધીજી આગળથી બેસવાના હતા. ગાંધીજી આવ્યા એટલે અમે એમને મળવા ગયા. મેં એમના હસ્તાક્ષર માગ્યા. તેમણે આપ્યા પણ ફી તરીકે મારા હાથે પહેરેલું કડું માગી લીઘું અને કહ્યું કે આટલું પૂરતું નથી. તારે ખાદી પહેરવી પડશે.’ પરંતુ સરોજિની નાયડુનાં બહેન સુહાસિની ચટ્ટોપાઘ્યાયના સંસર્ગથી ડો.લક્ષ્મી સામ્યવાદી વિચારસરણીથી રંગાયાં. ડોક્ટર બન્યા પછી ટાટા એર લાઇન્સના એક પાઇલટ સાથે લગ્ન થયું, પણ છ મહિનામાં જ તેનો અંત આવ્યો. એટલે, મદ્રાસ છોડીને ડો.લક્ષ્મી સંિગાપોર ઉપડ્યાં. બીજું વિશ્વયુદ્ધ અને આંતરરાષ્ટ્રિય રાજકારણની ગતિવિધીઓ તેમને યોગાનુયોગે સુભાષચંદ્ર બોઝની નજીક ધકેલી રહી હતી.
યુદ્ધમાં ઘવાયેલાઓની સારવાર જેવી કામગીરીને કારણે ડો.લક્ષ્મીને બીજા વિશ્વયુદ્ધનો નજીકથી પરિચય થયો, પણ ત્યારે એમને કલ્પના ન હતી કે એ પોતે પણ તેનો હિસ્સો બનશે. વિશ્વયુદ્ધમાં યુરોપમાં જર્મનીએ અને એશિયામાં જાપાને સપાટો બોલાવ્યો હતો. તેને કારણે અંગ્રેજ ફોજ વતી લડતા સેંકડો ભારતીય સૈનિકો જાપાનમાં કેદ પકડાયા હતા. તેમાંથી કેપ્ટન મોહનસિંઘે જાપાની સરકારના આશીર્વાદથી આઝાદ હિંદ ફોજની રચના કરી. ડો.લક્ષ્મીએ ત્યારે પણ પોતાની સેવાઓ આપવાની વાત કરી હતી. કારણ કે ફક્ત ડોક્ટરી પ્રેક્ટિસ કરીને તેમને સંતોષ મળતો ન હતો. દેશ માટે તેમને કંઇક કરી છૂટવું હતું. પરંતુ રૂઢિચુસ્ત મોહનસિંઘે ‘એક સ્ત્રી ડોક્ટરનું લશ્કરમાં શું કામ?’ એવા ખ્યાલથી ડો.લક્ષ્મીને ના પાડી હતી.
ટૂંકી દૃષ્ટિ ધરાવતા મોહનસિંઘનાં વળતાં પાણી થયા પછી, આઝાદ હિંદ ફોજના ત્રીસેક હજાર સૈનિકો જનરલ ભોંસલેની આગેવાની નીચે, ઇન્ડિયા ઇન્ડીપેન્ડન્સ લીગ સાથે જોડાઇ ગયા. આ સંસ્થા જાપાનાં રહીને ભારતની આઝાદી માટે સક્રિય એવા રાસબિહારી બોઝે સ્થાપી હતી. ૧૯૪૩માં સુભાષચંદ્ર બોઝ સીંગાપોર આવ્યા ત્યારે વૃદ્ધ રાસબિહારી બોઝે એક જાહેર સભામાં લીગની સાથોસાથ આઝાદ હિંદ ફોજનું સુકાન સુભાષબાબુને સોંપી દીઘું. એ સભામાં શ્રોતા તરીકે હાજર ડો.લક્ષ્મીએ માહોલનું વર્ણન કરતાં કહ્યું હતું,‘નેતાજી (સુભાષચંદ્ર બોઝ) પહેલી વાર સીંગાપોર આવ્યા હતા. સભામાં તેમણે સફેદ સુટ પર ગાંધીટોપી પહેરી હતી. સભાની શરૂઆત ‘વંદે માતરમ્’થી થઇ. પછી ‘મને પૂરો વિશ્વાસ છે કે તમારું નેતૃત્વ હિંદને આઝાદી અપાવશે’ એવા ઉદ્ગાર સાથે રાસબિહારી બોઝે સુભાષબાબુને લીગના અઘ્યક્ષ અને આઝાદ હિંદ ફોજના સુપ્રીમ કમાન્ડર જાહેર કર્યા.’
લીગના સીંગાપોરના અઘ્યક્ષ યેલપ્પા થકી ડો.લક્ષ્મી સુભાષબાબુને તેમના ‘સી વ્યુ’ બંગલે મળ્યાં. એ મુલાકાતમાં શી વાત થઇ હતી?
ડો.લક્ષ્મીએ સ્મરણો પરથી સમય ખંખેરતાં કહ્યું હતું,‘કોઇ અંગ્રેજે બહાદુરીથી લડેલી રાણીના મૃત્યુ પછી એવી અંજલિ આપી હતી કે એના જેવી ફક્ત એક હજાર સ્ત્રીઓ દેશમાં હોત તો આ ભૂમિ પર અમારું રાજ ન સ્થપાયું હોત. એ યાદ કરીને નેતાજી કહેતા હતા કે આઝાદ હિંદ ફોજમાં આપણે એક મહિલા રેજિમેન્ટ બનાવવી છે. ઝાંસીની રાણીનું નામ ધરાવતી એ ટુકડીમાં ઓછામાં ઓછી એક હજાર સ્ત્રીઓ હોવી જોઇએ.’
‘નેતાજીની વાત સાંભળીને હું મૂંઝાઇ.’ ડો.લક્ષ્મીએ વાત આગળ ચલાવી,‘એક હજાર સ્ત્રીઓ સીંગાપોર તો શું, આખા પૂર્વ એશિયામાંથી પણ મળવી મુશ્કેલ હતી. સીંગાપોરમાં એ વખતે સ્ત્રીઓની દશા ભારત કરતાં પણ ખરાબ હતી. એ શિક્ષકની, કારકુનની કે બગીચામાં કામદાર તરીકેની નોકરી કરતી હતી. સ્ત્રીઓ વરદી પહેરીને ખભે રાયફલ લટકાવીને પરેડ કરે એ અકલ્પનીય વાત હતી. પણ નેતાજીની મક્કમતાથી મને પણ ઉત્સાહ આવ્યો. મેં નેતાજીની સભા પહેલાં પંદર-વીસ યુવતીઓ સાથે નેતાજીને લશ્કરી ઢબે ગાર્ડ ઓફ ઓનર આપવાનું નક્કી કર્યું. એ માટે આઝાદ હિંદ ફોજના અફસરોની મદદ લીધી. બે-ત્રણ દિવસ સુધી રાયફલો સાથે અમે પ્રેક્ટિસ કરી. સભાના દિવસે નેતાજી આ ‘સરપ્રાઇઝ’થી ખુશ થઇ ગયા.
પરંતુ એ કામગીરીની શરૂઆત હતી. ડો.લક્ષ્મી સ્વામિનાથન્ને કેપ્ટનનો હોદ્દો આપવામાં આવ્યો (આગળ જતાં તેમને મેજર અને પછી લેફ્ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યાં) પરંતુ કેપ્ટન પાસે પલટણ ક્યાં હતી? રાણી ઝાંસી રેજિમેન્ટ માટે સભ્યોની ભરતી કરવાની હતી. બીજી તરફ, સીંગાપોર પર કબજો ધરાવતા જાપાનને પણ સુભાષબાબુ અને તેમની ગતિવિધિઓથી અસુખ થવા માંડ્યું હતું. છતાં, કેપ્ટન લક્ષ્મી અને બીજા સાથીદારોના પ્રયાસથી ભારતના ઇતિહાસમાં અનોખી કહેવાય એવી, સશસ્ત્ર મહિલા ટુકડી ‘રાણી ઝાંસી રેજિમેન્ટ’ તૈયાર થઇ અને મોરચે પણ ગઇ.
(વઘુ આવતા સપ્તાહે)
Subscribe to:
Post Comments (Atom)
urvish , bhai bahu maahitiprad ane bahur rasaal peshkash....aagaami bhaag ni khoob utsukta......
ReplyDeleteExcellent detailing...
ReplyDeleteExcellent piece Urvish.
ReplyDelete