Tuesday, September 09, 2014

પહેલા વિશ્વયુદ્ધનો એક વિશિષ્ટ વિરોધાભાસ : જ્યારે ગાંધીજીએ સશસ્ત્ર સંગ્રામ માટે ખેડા જિલ્લામાં ભરતીઝુંબેશ ઉપાડી

દક્ષિણ આફ્રિકાથી જાન્યુઆરી, ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે વિશ્વયુદ્ધ ચાલુ હતું. રસ્તામાં થોડા મહિના લંડન રહેલા ગાંધીજી ‘બ્રિટિશ પ્રજાજન’ તરીકે યુદ્ધમાં પ્રાથમિક સારવારની સેવા આપવાની તૈયારી બતાવી ચૂક્યા હતા. એ માટેની બાકાયદા તાલીમ પણ તેમણે અને એ વખતે લંડનમાં વસતા બીજા કેટલાક હિંદીઓએ લીધી. પરંતુ ભારત આવ્યા પછી તે ભારતને સમજવામાં ગુંથાયા. બે જ વર્ષમાં  સરકાર સામે ચંપારણમાં અને ખેડામાં સત્યાગ્રહનો પ્રસંગ આવ્યો.

ખેડામાં દુષ્કાળની સ્થિતિમાં મહેસૂલમાફી માટે લડત ચાલતી હતો, ત્યારે દિલ્હીમાં વાઇસરોયે યુદ્ધ પરિષદ ભરી. તેમાં ભારતીય આગેવાનોને નિમંત્રીને યુદ્ધમાં તેમનો સહકાર માગ્યો. એ સભા પછી  ગાંધીજીએ ‘રંગરૂટ’ની ભરતીનું કામ હાથમાં લીઘું. (અંગ્રેજી ‘રિક્રુટ’ને ગુજરાતી અપભ્રંશ થયું ‘રંગરૂટ’.) આ ‘રીક્રુટ’ એટલે કે રંગરૂટે યુદ્ધમોરચે જઇને સેવાશુશ્રુષા કરવાની ન હતી. તેમણે શસ્ત્રો ધારણ કરવાનાં હતાં અને બ્રિટન વતી ખપી જવાનું હતું.

અહિંસાને વરેલા ગાંધીજીએ સશસ્ત્ર સૈન્યભરતીનું કામ કયા હેતુથી હાથમાં લીઘું? અભ્યાસી લેખક (સગપણમાં ગાંધીજીના પૌત્ર) રાજમોહન ગાંધીએ લખ્યું છે કે દિલ્હીની પરિષદમાં ગાંધીજીએ ખેડાનો સત્યાગ્રહ ચાલુ રાખવાની અને યુદ્ધમાં સરકારને સહયોગ આપવાની વાત કરી. વાઇસરોય એ વિશે વિચારવા તૈયાર હતા, પણ ગૃહમંત્રી સર વિલિયમ વિન્સેન્ટે ગાંધીજીને કહ્યું,‘તમે તો સ્થાનિક અમલદારોને ઘણો ત્રાસ આપી રહ્યા છો... યુદ્ધપ્રયાસમાં તમે શી મદદ કરી છે? એક પણ સૈનિકની ભરતી કરાવી છે?’ ટોણા જેવા આ સવાલના જવાબમાં  ગાંધીજીએ સૈન્યભરતીનું કામ હાથ ધર્યું.

ખેડા સત્યાગ્રહ ત્યારે ચાલુ હતો. સ્થાનિક લોકો સાથે ઠીકઠીક પરિચય હોવાને કારણે ગાંધીજીએ રંગરૂટની ભરતીની શરૂઆત ખેડા જિલ્લાથી કરી. આ કાર્યક્રમ કોંગ્રેસે નહીં, પણ ગુજરાત સભાએ ઉપાડ્યો હતો. (શરૂઆતનાં વર્ષોમાં ગુજરાતમાં ગાંધીજી એ સંસ્થા મારફતે સક્રિય હતા.) વલ્લભભાઇ જેવા સાથીને રંગરૂટની ભરતી અંગે ગાંધીજીનું વલણ પૂરેપૂરું ન સમજાયું. વ્યવહારુ મુશ્કેલી એ પણ હતી કે સત્યાગ્રહ વખતે  અંગ્રેજી સરકારના કડવા અનુભવો ખેડા જિલ્લાના લોકોના મનમાં તાજા હતા. હવે એ જ લોકોને, એ જ સરકાર માટે ખપી જવા માટે પ્રેરવાના હતા. પણ વલ્લભભાઇ ગાંધીજી સાથે જોડાઇ ગયા. તેમાં ગાંધીજી પ્રત્યેની શ્રદ્ધા તો ખરી જ. ઉપરાંત, રાજમોહન ગાંધીના મતે,‘ગુજરાતીઓ હથિયાર વાપરતા શીખે એ ખ્યાલ પણ તેમને ગમતો હતો.’

પહેલા વિશ્વયુદ્ધ વખતે ગાંધીજીના મનમાં બ્રિટિશ સામ્રાજ્યના ‘વફાદાર નાગરિક’ તરીકેનો ખ્યાલ દૃઢ હતો. યુદ્ધ ચાલુ હતું ત્યારે ૧૯૧૭માં ગોધરામાં ભરાયેલી રાજકીય પરિષદમાં તેમણે કહ્યું હતું, ‘સર વિલિયમ વિલસન હંટર લખી ગયા છે કે બ્રિટિશ સામ્રાજ્યમાં ધાર્યું મેળવવાનો સીધામાં સીધો રસ્તો રણસંગ્રામમાં મેળવેલો વિજય છે. જો (ભારતનો) શિક્ષિત વર્ગ મૂંગે મોંહે આ વેળા લડાઇમાં જોડાઇ શકત તો મારી ખાત્રી છે કે આપણને માગ્યું હમણાં જ મળત, એટલું જ નહિ પણ એ મળ્યાની ખુબી ઓર જ હત. આપણે ઘણી વેળા કહીએ છીએ કે હિંદુસ્તાનના ઘણા સિપાહી ફ્રાન્સનાં મેદાનમાં અને મેસોપોટેમિયાનાં મેદાનમાં કપાઇ મૂઆ છે. આનો જશ આપણે શિક્ષિતવર્ગ નથી લઇ શકતા. એ સિપાહીઓને તૈયાર આપણે નથી કર્યા. એ સિપાહીઓ દેશાભિમાનથી નથી ગયા. તેઓને સ્વરાજની ખબર નથી. લડાઇને અંતે તેઓ સ્વરાજ માગવાના નથી...’

ગાંધીજીના મતે, શિક્ષિતો માટે આશ્વાસન ફક્ત એેટલું જ હતું કે એ વર્ગને લડાઇથી અને શસ્ત્રોથી દૂર રાખવા માટે અંગ્રેજ સરકાર જવાબદાર હતી. યુદ્ધ પરિષદ સ્વરૂપે અંગ્રેજ સરકારે એ તક પૂરી પાડી. ગાંધીજીને લાગ્યું કે શિક્ષિત ભારતીયોએ આ તક ઝડપી લેવી જોઇએ.

યુદ્ધમાં જોડાવા માટે તેમણે જૂન ૨૨,૧૯૧૮ના રોજ પહેલી પત્રિકા કાઢી ત્યારે ખેડા સત્યાગ્રહ ચાલુ હતો. એ પત્રિકામાં તેમણે લખ્યું હતું, ‘સરકારને પાંચ લાખ માણસ લશ્કરને સારૂ આ સમયે જોઇએ છે. આ માણસોને ગમે તેમ કરી સરકાર મેળવશે. આપણે જો આટલાં માણસો આપીએ તો આપણે જશ મેળવીએ...ભરતીનું બઘું કાર્ય આપણે હાથ આવે એ કાંઇ જેવીતેવી સત્તા નથી...જો તેની દાનત શુદ્ધ ન હોય તો સરકાર આપણી મારફતે ભરતી ન કરાવે.’

‘ઇંગ્રેજી પ્રજાના ગુણો ઉપર મારો વિશ્વાસ છે, તેથી જ હું ઉપર પ્રમાણે સલાહ આપી શકું છું એ મારે કબૂલ કરવું જોઇએ...હું માનું છું કે એ પ્રજાએ હિન્દુસ્તાનનું ઘણું નુકસાન કર્યું છે છતાં તે પ્રજાની સાથે રહેવામાં આપણને લાભ છે. તે પ્રજાના ગુણદોષનું માપ કરતાં મને તો ગુણનું માપ ચઢીઆતું જણાય છે.’

‘જે આશા હું ખેડા જિલ્લાની અને ગુજરાતની રાખું છું તે પાંચસો-સાતસો માણસની ભરતી કરવાની નહિ, પણ હજારોની. ગુજરાત ‘નમાલા’ના કલંકમાંથી નીકળવા માગે તો તેણે હજારો સિપાહીઓ આપવા જોઇએ...જેને ઉમરલાયક દીકરા છે તેઓ દીકરાને મોકલતાં જરાએ નહિ અચકાય એવી મારી ઉમેદ છે. લડાઇમાં દીકરાનો ભોગ આપવો એ દુઃખકર નહિ પણ વીર પુરૂષને સુખકર હોવું જોઇએ. આ વેળાએ દીકરાનો ભોગ તે સ્વરાજ્યને ખાતર અપાયો હશે....’

આમ, એ સમયે ગાંધીજીના મનમાં વિશ્વયુદ્ધમાં ભાગ લેવો અને સ્વરાજ્યની લડતમાં ભાગ લેવો તે બરાબર હતું. રંગરૂટની ભરતીઝુંબેશમાં ગાંધીજી સાથે વલ્લભભાઇ ઉપરાંત મહાદેવ દેસાઇ, ઇન્દુલાલ યાજ્ઞિક, માવળંકર, મોહનલાલ પંડ્યા ‘ડુંગળીચોર’, રાવજીભાઇ પટેલ જેવા કાર્યકરો જોડાયા હતા. પણ આ કામ સત્યાગ્રહ કરતાં ઘણું વધારે કઠણ હતું. લડત માટે ટોળાંમાં ઉમટતા લોકો ભરતીની સભાઓથી દૂર રહેતા હતા. સરખો આવકાર પણ મળતો ન હતો.

ભરતીના પ્રયાસોને ધારી સફળતા ન પડતાં જુલાઇ ૨૨,૧૯૧૮ના રોજ ગાંધીજીએ નડિયાદથી બીજી પત્રિકા પ્રગટ કરી. તેમાં લખ્યું હતું, ‘...હજુ ઘણા માણસોએ ભરતીમાં આવવા પોતાનાં નામ નથી લખાવ્યાં. ભાગ્યે સો માણસ થયાં હશે...સમજુ વર્ગમાં એવા મેં જોયા કે જેઓને આ કાર્યને વિષે શ્રદ્ધા નથી. તેઓને સારૂ આ પત્રિકા લખી છે...જે સરકારે આપણી ઉપર જુલમો ગુજાર્યા છે, જેણે આપણને શસ્ત્રરહિત કર્યા છે, જેણે આપણે બ્હીવડાવીને રાજકારભાર ચલાવ્યો છે, જેણે આપણો પૈસો હરી લીધો છે તેને મદદ કરવા કેમ જઇએ? અમને ઉમળકો જ નથી આવતો. આ દલીલ ભારેમાં ભારે છે. તેનો જવાબ સહેલાઇથી નથી આપી શકાતો એ હું કબુલ કરી લઉં છું. પણ આ સવાલ આ સમયે ઉઠાવવો એ ટૂંકી નજર છે. પાછલા દોષો યાદ કરી અત્યારે થતો લાભ જતો કરવો એ વિચારવંતનું કામ નથી...’

‘યુદ્ધમાં દાખલ થવાથી આપણે આપણી ફરજ બજાવીએ છીએ એટલું જ નથી. યુદ્ધમાં દાખલ થવાથી આપણે સ્વરાજ્ય મેળવવાનો હક્ક પ્રાપ્ત કરીએ છીએ. દરેક સ્વરાજ્યવાદી બીજું કંઇ નહિ કરતાં માત્ર યુદ્ધમાં જોડાઇ જાય અને બીજાને પ્રેરે તો સ્વરાજ્ય આજે જ મળે એ હું આગલી પત્રિકામાં જ બતાવી ગયો છું...’

આટલેથી ન અટકતાં, ગાંધીજી લડતમાં જોડાવાનો આર્થિક લાભ દર્શાવવા સુધી ગયા. ‘અમે જઇએ તો અમારાં બૈરાં છોકરાંનું શું થાય? આ સવાલ તો સૌ પુછે. લડાઇમાં જનારને દર માસે કપડાં, ખાવાપીવા ઉપરાંત પગાર મળે છે. ઓછામાં ઓછો ૧૮ રૂપીઆ મળે અને લાયકાત મુજબ તેનો દરજ્જો વધે અને પગાર પણ વધે. જો તેનું મરણ થાય તો તેનાં બૈરાં-છોકરાંનું ભરણપોષણ સરકાર કરે છે. લડાઇમાંથી પાછા ફરે તેને ઇનામ અકરામ મળે છે...જે આર્થિક લાભ સિપાહીગીરીમાં છે તે બીજા ધંધામાં નથી જ મળતો...’

અઢી મહિના સુધી તડકામાં રખડ્યા પછી ગાંધીજીએ કમિશનર પ્રાટને સો રંગરૂટોનાં નામ આપ્યાં. તેમાં પહેલું નામ ગાંધીજીનું અને બીજું વલ્લભભાઇનું હતું. થોડાં નામ આશ્રમવાસીઓનાં હતાં. આ ફોજને તાલીમ આપવા માટે ગુજરાતમાં લશ્કરી કેન્દ્ર ન હતું. કમિશનર પ્રાટે આ લોકોને બહાર મોકલવા સૂચવ્યું, પણ ગાંધીજી ખેડામાં જ લશ્કરી તાલીમ કેન્દ્ર શરૂ થાય એમ ઇચ્છતા હતા. કવાયતનો અનુભવ, કૂચકદમ અને બંદૂકબાજીથી બીજા લોકો લશ્કરમાં જોડાવા આવશે એવી તેમની ગણતરી હતી. એ બહાને પ્રજા નિર્ભય બનશે અને ભવિષ્યમાં એ નિર્ભયતાનો સત્યાગ્રહમાં ખપ લાગશે, એવો પણ તેમનો ખ્યાલ હતો.

નોંધાયેલાં સો નામની સામે ગાંધીજી અને સાથીદારોની રઝળપાટનો પાર ન હતો. રોજ વીસ-વીસ માઇલ ચાલવાનું થાય. તાપમાં રખડવાનું. ખાવા-પીવાનાં ઠેકાણાં નહીં. ક્યારેક રાંધવાનું ઠેકાણું પડે, તો ક્યારેક ગાંધીજી ભૂંજેલી સીંગ અને ગોળ પર ખેંચી કાઢે. રહેવાનું સરખું ન મળતાં વાસદના રેલવે સ્ટેશને બાંકડા પર રાત ગુજારી હોય એવું પણ મહાદેવભાઇએ નોંઘ્યું છે.

આકરા શ્રમ, અયોગ્ય ખોરાક અને નિરાશાની સહિયારી અસરથી ગાંધીજીની તબિયત બગડી. તેમને મરડો લાગુ પડ્યો. ભરતીનું કામ છોડીને તેમને અમદાવાદ જવું પડ્યું. તેમના જ શબ્દોમાં, ‘જે શરીરને હું આજ લગી પથ્થર જેવું માનતો તે શરીર ગારા જેવું થઇ ગયું.’ શરીર વળે એ માટે દૂધ, ઇંડાં કે માંસ તો એ લે નહીં. છેવટે એક ડોક્ટરે દૂધ લેવાનો આગ્રહ કર્યો. ગાય-ભેંસ ઉપર ફુક્કાની ક્રિયા થાય છે એ જાણ્યા પછી ગાંધીજીએ દૂધ બંધ કર્યું હતું, પણ કસ્તૂરબાએ બકરીનું દૂધ લેવા સૂચવ્યું. ગાંધીજીએ લખ્યું છે કે ‘સત્યાગ્રહની લડાઇના મોહે મારામાં જીવવાનો લોભ પેદા કર્યો, ને પ્રતિજ્ઞાના અક્ષરના પાલનથી સંતોષ માની તેના આત્માને હણ્યો...’ ‘આત્મકથા’માં તેમણે લખ્યું,‘બકરીનું દૂધ પીતાં રોજ દુઃખ અનુભવું છું, પણ સેવા કરવાનો મહાસૂક્ષ્મ મોહ મારી પૂંઠે લાગેલો મને છોડતો નથી.’

પહેલા વિશ્વયુદ્ધ પછીના અરસામાં ‘રૉલેટ એક્ટ’ દ્વારા અંગ્રેજ સરકારની અસલ દાનત પ્રગટ થઇ. સરકારને અબાધિત સત્તા આ કાયદા પછી ગાંધીજી બ્રિટિશ સરકારના વફાદાર પ્રજાજન મટીને ‘બળવાખોર’ અસહકારી બન્યા.  

1 comment:

  1. Anonymous2:21:00 PM

    ફુક્કાની no arth na malyo.

    ReplyDelete