Thursday, September 25, 2014

સ્કૉટલેન્ડની ‘સ્વતંત્રતા’ : ઝંખના અને વાસ્તવિકતા

એને ‘કવિન્યાય’ નહીં, વિરોધાભાસ જ કહેવાય કે ભારત-પાકિસ્તાન, ઇઝરાઇલ-પેલેસ્ટાઇન જેવા લોહીયાળ ભાગલા પડાવનાર બ્રિટનના પોતાના ભાગલા પડતા સહેજ માટે ટળી ગયા. એમ થયું હોત તો પણ એમાં હિંસાની શક્યતા નહીંવત્‌ હતી.

બ્રિટન ઉર્ફે યુનાઇટેડ કિંગ્ડમ/ U.K.ના ચાર ભાગ. અડધા ઉપરાંતના વિસ્તારમાં પથરાયેલું ઇંગ્લેન્ડ, લગભગ ત્રીજા ભાગમાં આવેલું સ્કૉટલેન્ડ અને એ સિવાય બે નાના પ્રદેશ : વેલ્સ તથા ઉત્તર આયર્લેન્ડ. તેમાંથી સ્કૉટલેન્ડ/ Scottland સાંસ્કૃતિક અને રાજકીય રીતે બાકીના બ્રિટન કરતાં- એટલે કે બીજા ત્રણે ભાગ કરતાં- ઘણો જુદો. સ્કૉટિશ લોકોમાં બ્રિટનવિરોધી નહીં એવી અને બ્રિટિશ દેશભક્તિમાં સમાઇ રહે એવી, સ્કૉટિશ ‘અસ્મિતા’ની ભાવના પ્રબળ. પરંતુ તેમને બ્રિટનની સામે ખડા કરનારી બાબત એટલે રાજકીય મતભેદ.

૩૦૭ વર્ષથી બ્રિટનનો હિસ્સો રહેલા સ્કૉટલેન્ડમાં ઉદારમતવાદી રાજકારણની બોલબાલા, જ્યારે ઇંગ્લેન્ડ સહિતના સમૃદ્ધ પ્રદેશોમાં રૂઢિચુસ્તોનો ડંકો વાગે. કેવી રીતે રાજ ચલાવવું અને કેવી રીતે આર્થિક નીતિઓ નક્કી કરવી, એની  ચર્ચામાં એક બાજુ સ્કૉટલેન્ડ હોય અને બીજી બાજુ બાકીના ત્રણ પ્રદેશ.

બ્રિટનના તંત્રમાં સ્કૉટલેન્ડ, વેલ્શ અને ઉત્તર આયર્લેન્ડ પાસે પોતાની સ્થાનિક ધારાસભાઓ છે. (સ્કૉટલેન્ડની ધારાસભા તો ‘પાર્લામેન્ટ’ જ કહેવાય છે.) દેશની સંસદે આ ધારાસભાઓને સ્થાનિક બાબતોમાં નિર્ણયો લેવાની સત્તા આપેલી છે. એટલે ધારો કે સ્કૉટલેન્ડને લગતો કોઇ સ્થાનિક મુદ્દો હોય તો એ સ્કૉટલેન્ડની સંસદમાં જ મુકાય, ચર્ચાય અને નક્કી થાય. બીજા કોઇ તેમાં દખલ કરી શકે નહીં. સૌથી મોટો વિસ્તાર ધરાવતું ઇંગ્લેન્ડ પણ નહીં. સામા પક્ષે, ઇંગ્લેન્ડ પાસે સ્થાનિક નિર્ણયો માટે આવી ધારાસભા નથી. તેને પોતાની બધી બાબતોની ચર્ચા દેશની સંસદમાં જ કરવી પડે.  ત્યાં બાકીના ત્રણ પ્રદેશના પ્રતિનિધિઓ હોય. એટલું જ નહીં, ઇંગ્લેન્ડને લગતા વિષયોમાં એ લોકો દખલ પણ કરી શકે. આવી અસંતુલિત સ્થિતિ બ્રિટનના રાજકારણમાં ‘વેસ્ટ લોધિયન ક્વેશ્ચન’ તરીકે ઓળખાય છે. (કારણ કે એ વિસ્તારના મજૂર પક્ષના એક સભ્યે ૧૯૭૭માં પહેલી વાર આ મુદ્દો ઉઠાવ્યો હતો.)

આ અસંતુલનની સામે એ પણ નોંધવું જોઇએ કે બ્રિટનની ‘લોકસભા’ (હાઉસ ઑફ કૉમન્સ)માં કુલ ૬૫૦ બેઠકમાંથી ઇંગ્લેન્ડની ૫૩૩, સ્કૉટલેન્ડની ૫૯, વેલ્સની ૪૦ અને ઉત્તર આયર્લેન્ડની ૧૮ બેઠકો છે. (૨૦૧૦ની ચૂંટણીના આંકડા) એટલે દેખીતું છે કે જે પક્ષનું ઇંગ્લેન્ડમાં વર્ચસ્વ હોય, એ સંસદમાં પણ સર્વોપરિતા ભોગવે અને સ્થાનિક બાબતો ઉપરાંત રાષ્ટ્રિય મહત્ત્વની બાબતોમાં પણ એ પક્ષની જ પીપૂડી વાગે. કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે ત્યારે થોડી મુશ્કેલી પડે. કારણ કે વિપક્ષો સાથે મળીને સ્કૉટલેન્ડના ૫૯ સભ્યો ઠીક ઠીક અડચણો પેદા કરી શકે.

બ્રિટનમાં મુખ્ય ત્રણ પક્ષો : લેબર (મજૂર પક્ષ), કન્ઝર્વેટીવ (રૂઢિચુસ્ત પક્ષ- ‘ટોરીઝ’) અને લીબરલ ડેમોક્રેટ. એ સિવાય નાના પક્ષોના કે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટાયેલા સભ્યો પણ ખરા. ઇંગ્લેડન્માં રૂઢિચુસ્ત પક્ષની પકડ, જ્યારે સ્કૉટલેન્ડ બીજો વિકલ્પ ન હતો ત્યારે લીબરલ ડેમોક્રેટિક પક્ષ તરફ ઢળેલું. ત્યાં રૂઢિચુસ્તોની એવી ખરાબ હાલત હોય કે ૫૯ બેઠકોમાંથી માંડ એકાદ બેઠક પર તેમનો ઉમેદવાર જીતે.

કપરી પસંદગી

ઇંગ્લેન્ડની વિશિષ્ટ સ્થિતિ ઘ્યાનમાં રાખતાં, જૂથ એવાં પડવાં જોઇએ કે એકતરફ સ્કૉટલેન્ડ-વેલ્શ-ઉત્તર આયર્લેન્ડ અને બીજી તરફ ઇંગ્લેન્ડ. એને બદલે થયું છે એવું કે એક તરફ સ્કોટલેન્ડ છે અને બીજી તરફ બાકીના ત્રણે પ્રદેશ. કારણ? રાજકારણ.

અંગ્રેજોની ભાગલાવાદી નીતિ અંગે ટીપ્પણી કરતાં સરદાર પટેલે એક વાર એ મતલબનું કહ્યું હતું કે મને થોડા દિવસ માટે બ્રિટનનું રાજ આપવામાં આવે તો હું ઇંગ્લેન્ડ- સ્કૉટલેન્ડ- વેલ્શ- આયર્લેન્ડને એવાં લડાવી મારું કે એ કદી ઊંચાં ન આવે. પરંતુ એવા કોઇ બાહરી પ્રયાસ વિના સ્કૉટલેન્ડ અને બ્રિટન વચ્ચેનું અંતર વધી રહ્યું હતું. સ્કૉટલેન્ડના લોકોના મનમાં આગવી ઓળખના અને રૂઢિચુસ્ત બ્રિટનથી સ્વતંત્ર થઇને પોતાની રીતે પોતાના પ્રદેશનું રાજ ચલાવવાના ખ્યાલ જોર પકડી રહ્યા હતા.

ઘણીખરી બાબતોમાં સર્વોપરિતા ભોગવતી  બ્રિટનની સંસદે ૧૯૯૯માં સ્કૉલેન્ડની ધારાસભાને કેટલીક વઘુ બાબતોમાં સ્વતંત્રપણે નિર્ણય લેવાની સત્તા આપી. બ્રિટનની ગણતરી એવી હતી કે આ રીતે સ્કૉટલેન્ડના લોકોેનો અસંતોષ હળવો બનશે અને અલગાવ પ્રેરનારી બેચેની ઘટશે. પરંતુ બન્યું એનાથી ઉલટું. જેમ સ્કોટલેન્ડની ધારાસભાને વઘુ છૂટછાટ મળતી ગઇ, તેમ બ્રિટનના રૂઢિચુસ્ત રાજકારણ પ્રત્યે સ્કૉટલેન્ડના ઉદાર મતવાદીઓનો અસંતોષ વધતો ગયો. બધા ઉદાર મતવાદીઓ બ્રિટનથી છેડો ફાડી નાખવાના મતના ન હતા. છતાં, રાષ્ટ્રિય સ્તરના ત્રણ પક્ષને બદલે સ્કૉટલેન્ડના અલગ અસ્તિત્ત્વની હિમાયત કરનાર સ્કૉટિશ નેશનલ પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું હતું. વર્ષ ૨૦૧૧ની ચૂંટણીમાં લીબરલ ડેમોક્રેટિક પક્ષ અને મજૂર પક્ષને બદલે, અલગતાની વાત કરતી સ્કૉટિશ નેશનલ પાર્ટીએ ચૂંટણીમાં ફતેહ મેળવી. ત્યારથી અલગ સ્કૉટલેન્ડના મુદ્દે લોકમતની માગણી જોર પકડી રહી હતી.

ત્રણ વર્ષની મથામણો પછી ગયા સપ્તાહે લોકમત લેવાયો. ત્યાર પહેલાં થતા ઓપનિયન પોલમાં બન્ને પક્ષોનું પલ્લું સરભર દેખાતું હતું અને પાતળા તફાવતથી હારજીત થશે એવું લાગતું હતું. સ્કૉટિશ નેશનલ પાર્ટીના નેતાઓ અને શૉન કૉનરી (જેમ્સ બૉન્ડ પહેલો) જેવી પ્રખ્યાત સ્કૉટિશ હસ્તીઓએ અલગ સ્કૉટલેન્ડની તરફેણમાં પ્રચાર કર્યો, જ્યારે હેરી પૉટર સિરીઝનાં સ્કૉટિશ લેખિકા જે.કે.રોલિંગ અને પ્રખ્યાત ફૂટબોલ સ્ટાર ડેવિડ બૅકહમ સહિતના લોકોએ અખંડ બ્રિટનની હિમાયત કરી. બન્ને પક્ષો પાસે પોતપોતાની દલીલો હતી, પરંતુ સુખદ નવાઇ લાગે એવી વાત એ હતી કે બન્નેમાંથી કોઇ પક્ષે આ અતિસંવેદનશીલ મુદ્દાને ‘દેશપ્રેમ વિરુદ્ધ દેશદ્રોહ’નો મુદ્દો ન બનાવ્યો. બ્રિટનના ત્રણે મુખ્ય પક્ષોએ અને વડાપ્રધાને પણ સ્કૉટિશ લોકોને અપીલ કરી, વઘુ સ્વાયત્તતા માટેનાં વચન આપ્યાં, પણ એનાથી વધારે બીજું કંઇ નહીં. જોવાની વાત એ પણ સ્કૉટલેન્ડ છૂટું પડે તો તેની સીધી અસર બ્રિટન પર થાય એમ હતી. છતાં, આ મુદ્દે ‘હા’ કે ‘ના’નો મત ફક્ત સ્કૉટિશ લોકોએ જ આપવાનો હતો અને બાકીના બ્રિટને તે નતમસ્તકે સ્વીકારી લેવાનો હતો.

ઉગ્ર ભાષણબાજી જરૂર થઇ, પણ તેમાં હિંસકતા ન હતી. ઉશ્કેરણી ન હતી. સમજાવટ અને સંવેદનાને સંકોરવાના પ્રયાસ હતા.  સ્કૉટિશ નેશનલ પાર્ટીના નેતા ઍલેક્સ સૅલમન્ડ કહેતા હતા કે બ્રિટનથી અલગ થયા પછી સ્કૉટલેન્ડ પાઉન્ડનું ચલણ ચાલુ રાખશે, યુરોપીઅન યુનિઅનનું સભ્યરાષ્ટ્ર બની જશે, બ્રિટન સાથે મુક્ત સરહદો રાખશે અને વિશ્વના સૌથી ધનવાન દેશોની યાદીમાં વીસમા નંબરે આવી જશે.  ઉત્તરી સમુદ્રમાં રહેલા ઑઇલના ભંડાર આર્થિક બાબતોમાં સ્કૉટલેન્ડની મુસ્તાકીનું એક કારણ છે. પરંતુ એ બાબતે બે મુખ્ય દલીલો હતી : ૧) ઑઇલ સ્કૉટલેન્ડમાં ખરું, પણ તેને કાઢવાની કડાકૂટ અને ખર્ચ બ્રિટને કર્યો છે. ૨) ઑઇલનો પુરવઠો ઝડપભેર ઘટી રહ્યો છે.

જે.કે.રોલિંગ જેવાં સ્કોટિશ લેખિકાએ અખંડ બ્રિટનને ટેકો આપતો ખુલ્લો પત્ર લખ્યો. તેમના જેવા ઘણાની દલીલ એ હતી કે અખંડ બ્રિટનના ભાગ તરીકે રહેવામાં સ્કૉટલેન્ડની ભલાઇ છે. તેનાથી અલગ થયા પછી પોતાનું ફોડી લેવા જેટલી સ્કૉટલેન્ડની ક્ષમતા છે કે નહીં, એ વિશે તેમને શંકા હતી. બલ્કે ઘણી હદે ખાતરી હતી કે સ્કૉટલેન્ડને બહુ અઘરું પડશે. મુદ્દો પાઉન્ડનું ચલણ ચાલુ રાખવાનો હોય કે પછી યુરોપીઅન યુનિઅનમાં સમાવેશનો, આ બન્ને બાબતોનો નિર્ણય સ્કૉટલેન્ડના હાથમાં નહીં હોય. ઉલટું, બ્રિટનમાંથી ભૌગોલિક રીતે- જરા અતિશયોક્તિ કરીને કહીએ તો- બ્રિટનનું અંગછેદન કરીને, અલગ પડેલા સ્કૉટલેન્ડ માટે બ્રિટનના લોકોને સદ્‌ભાવ નહીં રહે. એટલે સદ્‌ભાવ ન ધરાવતા પાડોશીઓ વચ્ચે સ્કૉટલેન્ડને રહેવાનું આવશે.

પસંદગી અઘરી હતી : એક તરફ આઝાદ થવાની વર્ષોજૂની ઝંખના અને નેતાઓ દ્વારા બતાવાતી ગુલાબી સંભાવનાઓ, બીજી તરફ સ્વતંત્ર થયા પછીની કઠણાઇઓનું ચિત્ર. છેવટે, ઓપિનિયન પોલની ધારણાઓ ખોટી પાડીને અખંડ બ્રિટનના પક્ષનો વિજય થયો. સ્કૉટલેન્ડના ૫૪ ટકા લોકોએ બ્રિટનની સાથે રહેવાનું પસંદ કર્યું છે. જોકે, ૪૬ ટકા જેટલા મોટા પ્રમાણમાં સ્કૉટિશ લોકો અલગ સ્કૉટલેન્ડ ઇચ્છે છે, એ અહેસાસ અલગ સ્કૉટલેન્ડ માગનારા લોકો માટે આશ્વાસનકારી છે. લોકમતનાં પરિણામ સ્વીકાર્યા પછી સ્કૉટિશ નેશનલ પાર્ટીના નેતા સૅલમન્ડે ભવિષ્યમાં લોકમતની માગણીનાં બારણાં ખુલ્લાં રાખ્યાં છે.

આખેઆખો એક પ્રદેશ દેશથી છૂટો પડે કે નહીં, એવા અત્યંત જ્વલનશીલ મુદ્દે બ્રિટિશ પ્રજાએ એકંદરે જે સભ્યતાથી કામ લીઘું છે તે ભારે સુખદ છે. સાથોસાથ એ પણ નક્કી છે કે સ્કૉટલેન્ડ માટે આ લોકમતમાં બન્ને હાથમાં લાડુ હતા : જીતે તો સારું. ન જીતે તો વધારે સારું. જીતે તો અલગ અસ્તિત્ત્વ - અને તેની સાથે આવતી માથાકૂટો- મળે. હારે તો બ્રિટન જેવા મોટા દેશના હિસ્સા તરીકેનો મોભો જતો કર્યા વિના, આંતરિક રીતે વઘુ ને વઘુ સ્વાયત્તતા મળે.

સ્કૉટલેન્ડ જીત્યું હોત તો બ્રિટન માટે કઠણ પરિસ્થિતિ સર્જાત. સ્કૉટલેન્ડના ઑઇલ ભંડાર અને કાંઠે રહેલી બ્રિટિશ અણુસબમરીનોથી માંડીને સ્કૉટલેન્ડમાં રહેલા અનેક બ્રિટિશ વ્યાપારગૃહોના પ્રશ્નો આવત. તેમણે કદાચ સ્કૉટલેન્ડ છોડ્યું હોત. બ્રિટને પણ સ્કૉટલેન્ડમાં આર્થિક મદદ કે રોકાણો બંધ કર્યાં હોત. દુનિયાના વઘુ એક ભાગમાં તનાવને સત્તાવાર સ્વરૂપ મળ્યું હોત અને વિશ્વવ્યાપી ઉચાટમાં નાના પાયે વધારો થયો હોત.

No comments:

Post a Comment