Wednesday, September 17, 2014

ઉપલી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂંકમાં તટસ્થતા-પારદર્શકતા : ફક્ત હોવી નહીં, દેખાવી પણ જોઇએ

ભારતનો રાજકીય વર્ગ પોતાનાં પગાર-પેન્શન સિવાયના કોઇ મુદ્દે એકમતીથી નિર્ણય લે ત્યારે નવાઇ લાગે.

સામાન્ય સંજોગોમાં તો રાજકીય એકમતી આદર્શ ગણાય. કેમ કે, ‘ભારે મતભેદ ધરાવતા રાજકીય પક્ષો દેશહિતના અગત્યના મુદ્દે એક થઇ ગયા’ એવું માનવું ગમે. પરંતુ વાસ્તવિકતા એ છે કે બધા પક્ષે ભાગ્યે જ એકમત થાય છે. એ હિસાબે, નવી એનડીએ સરકારે રજૂ કરેલા બે ખરડા બન્ને ગૃહોમાં જે રીતે સડસડાટ પસાર થઇ ગયા, એ કંઇક ચિંતા સાથે ઘ્યાન ખેંચે એવી બાબત હતી.

એક ખરડો હાઇ કોર્ટ- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંક માટેની ‘કોલેજિયમ પ્રથા’નો અંત આણીને, તેના સ્થાને ‘નેશનલ જ્યુડિશ્યલ અપોઇન્ટમેન્ટ્‌સ કમિશન’ નીમવા અંગેનો, જ્યારે બીજો ખરડો બંધારણમાં તદ્‌નુરૂપ ફેરફાર કરવાનો હતો.

અમર્યાદ સત્તા

સર્વોચ્ચ અદાલતની નવ ન્યાયાધીશોની એક બેન્ચના ચુકાદાથી ૧૯૯૩માં અમલમાં આવેલી ‘કોલેજિયમ સીસ્ટમ’નો ટૂંક સાર એટલો છે કે તેમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને બીજા વરિષ્ઠ ન્યાયાધીશો જ હાઇ કોર્ટ- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંક અને તેમની બદલીઓ કરી શકે. તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કે વડાપ્રધાન સુદ્ધાંનું કશું ચાલે નહીં અને કશું ઉપજે પણ નહીં. ટૂંકમાં, લોકતંત્રના ત્રણ પાયામાંથી એક પાયો - ન્યાયતંત્ર- બાકીના બે (એક્ઝિક્યુટીવ-વહીવટી તંત્ર અને લેજિસ્લેચર- ગૃહો)થી સંપૂર્ણપણે સ્વતંત્ર થઇ જાય.

કોલેજિયમ પ્રથા દાખલ કરવા પાછળનો આશય તો સારો હતો : ન્યાયતંત્રમાં નેતાઓની કશી દખલગીરી ન રહે. પરંતુ તેના કેટલાક ગંભીર પ્રશ્નો પણ હતા. સૌથી પહેલો અને પાયાનો પ્રશ્ન બંધારણીય જોગવાઇનો હતો. બંધારણમાં લોકશાહીના ત્રણે પાયાને એકબીજાથી સ્વતંત્ર છતાં કોઇ એકની સત્તા અમર્યાદ ન થઇ જાય એ રીતે મૂકવામાં આવ્યા છે. તેની જોગવાઇ પ્રમાણે (કટોકટીના અપવાદને બાદ કરતાં) ૧૯૯૩ સુધી સરકાર અને રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને જાણ કરીને ન્યાયાધીશોની નિમણૂંક કરતાં હતાં. અલબત્ત, તેમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની ભૂમિકા મર્યાદિત હતી. અસામાન્ય સંજોગો સિવાય તે નિમણૂંકમાં માથું ન મારી શકે- પોતાનું ધાર્યું કરાવવાનો તો સવાલ જ નહીં.

આ પદ્ધતિ લાંબા સમય સુધી અને એકંદરે અસરકારક રીતે ચાલી. દેશને કેટલાક ઉત્તમ ન્યાયાધીશો આ પદ્ધતિથી મળ્યા. જોકે, તેમાં આ પદ્ધતિ કરતાં પણ વધારે જશ તે સમયના રાજકર્તાઓને અને ઊંચી નિષ્ઠા ધરાવતા ન્યાયાધીશોને આપવો રહ્યો. કોલેજિયમ પ્રથાના ચુકાદા પછી બંધારણીય જોગવાઇનું શીર્ષાસન થઇ ગયું. ૧૯૯૩માં આવેલા ચુકાદામાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને હાઇ કોર્ટ- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંકો-બદલીઓની સત્તા આપવામાં આવી. તેમની સાથે સુપ્રીમ કોર્ટના બે વરિષ્ઠ ન્યાયાધીશ ખરા. છતાં,  મુખ્ય ન્યાયાધીશનો ચુકાદો આખરી. ૧૯૯૮માં ‘પ્રેસિડેન્શ્યલ રેફરન્સ’- (કાનૂની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતને કરેલી સત્તાવાર પૃચ્છા) પછી, મુખ્ય ન્યાયાધીશ પાસેની એકહથ્થુ સત્તા લઇને, તે કોલેજિયમને આપવામાં આવી. કોલેજિયમમાં મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત સર્વોચ્ચ અદાલતના બીજા ચાર સૌથી સિનિયર ન્યાયાધીશ હોય.

કોલેજિયમ પ્રથા બંધારણના હાર્દ કરતાં વિપરીત હતી, પણ રાષ્ટ્રપતિએ તેને સ્વીકારી લીધી અને સરકારોએ આ બાબતે અદાલતો સાથે સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું. પરંતુ થોડાં વર્ષોમાં કોલેજિયમ પ્રથાની મર્યાદાઓ દેખાવા લાગી. સૌથી મોટો સવાલ ન્યાયાધીશોની નિમણૂંકમાં પારદર્શકતાના અભાવનો અને એ બાબતમાં ન્યાયતંત્રને મળેલી અમર્યાદ સત્તાનો હતો. ભારતીય બંધારણના હાર્દ પ્રમાણે, લોકશાહીના ત્રણમાંથી એક પાયાને સત્તા મળે તો એ બેફામ ન થઇ જાય, એટલે તેની છેવટની લગામ બીજા પાયા પાસે હોય. પરંતુ ન્યાયતંત્રની નિમણૂંકોની બાબતમાં કોલેજિયમનું કામકાજ રજવાડા જેવું હોવાના આરોપ થયા.ગયું. તેને કોઇ કહેનાર નહીં અને કહે તો એ સાંભળવા બંધાયેલું નહીં. કયા ન્યાયાધીશની નિમણૂંક થઇ અને કોની કેમ ન થઇ, એવા સવાલના જવાબ કદી મળે નહીં. પારદર્શકતાનું નામ નહીં. બસ, કોલેજિયમે ફેંસલો લીધો એટલે ફાઇનલ.

સુપ્રીમ કોર્ટ ઉપરાંત દેશભરની હાઇ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંક અને બદલીઓની સત્તા તો મળી, પણ તેની સાથે સંકળાયેલું વહીવટી કામ કેટલું વધી જાય? એ સંભાળવા જેટલી વહીવટી ક્ષમતા કોલેજિયમ પાસે હતી નહીં. અમસ્તી પણ ભારતના ન્યાયતંત્રમાં ખાલી રહેતી જગ્યાઓનો પ્રશ્ન ગંભીર છે. તેમાં એ કામમાંથી સરકાર સાવ નીકળી જાય અને પાંખી વહીવટી ક્ષમતા ધરાવતું કોલેજિયમ સર્વેસર્વા બને, એટલે ઘણા પ્રશ્નો ઊભા થાય.

એ બઘું જ થયું. કેટલાક વિવાદાસ્પદ ન્યાયાધીશોને બઢતી મળી અને તેના પરિણામે ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને વેઠવું પડ્યું. ૧૯૯૩ના ચુકાદાના એક ન્યાયાધીશ જસ્ટિસ જે.એસ.વર્માએ આગળ જતાં કોલેજિયમ પદ્ધતિની મર્યાદાઓ સ્વીકારી. તેમણે કહ્યું, ‘મારા ૧૯૯૩ના ચુકાદા વિશે ઘણી ગેરસમજણો થઇ અને તેનો દુરુપયોગ પણ થયો...મારા ચુકાદામાં (તો) કહેવાયું છે કે ન્યાયાધીશોની નિમણૂંક પ્રક્રિયા એ એક્ઝિક્યુટીવ અને જ્યુડિશ્યરી એ બન્નેની સહિયારી સામેલગીરી ધરાવતી કવાયત છે.’ બીજા ઘણા ન્યાયાધીશો  અને સંસ્થાઓ વખતોવખત કોલેજિયમ પદ્ધતિની બંધારણ સાથેની અસંગતતા ચીંધતા રહ્યા છે.

દાનતનો સવાલ

યુપીએ સરકાર કોલેજિયમ પદ્ધતિ દૂર કરવા ઇચ્છતી હતી અને એ માટે સંસદમાં ખરડો લાવવા ઇચ્છતી હતી. વર્ષ ૨૦૧૦માં કોલેજિયમ પ્રથા સામે સર્વોચ્ચ અદાલતમાં એક અરજી થઇ ત્યારે સર્વોચ્ચ અદાલતના એમિકસ ક્યુરી (મિત્રવત્‌ સલાહકાર)ની ભૂમિકામાં રહેલા જસ્ટિસ એ.કે.ગાંગુલીએ પણ ૧૯૯૩ના ચુકાદા અંગે ફેરવિચારનું સૂચન કર્યું હતું. તત્કાલીન એટર્ની જનરલ જી.ઇ.વહાણવટીએ ગાંગુલીના મતને સરકારી રાહે સમર્થન આપ્યું હતું. તત્કાલીન કાયદામંત્રી કપિલ સિબ્બલે કોલેજિયમ પ્રથાને ફગાવી દેતો ખરડો લાવવાની વાત કરી હતી, પરંતુ સંભવતઃ સભ્યસંખ્યા અને મક્કમતાના અભાવે એ શક્ય બન્યું નહીં.

નવી રચાયેલી એનડીએ સરકાર એ ખરડો લાવી અને પસાર પણ કરી દીધો, ત્યારે કપિલ સિબ્બલે તેનો વિરોધ કર્યો. અલબત્ત, તેમનો વિરોધ કોલેજિયમની નાબૂદી સામે નહીં, પણ નવા રચાયેલા ‘નેશનલ જ્યુડિશ્યલ અપોઇન્ટમેન્ટ્‌સ કમિશન’ની કેટલીક જોગવાઇઓ સામે છે.  સોલી સોરાબજી જેવા વિદ્વાન ધારાશાસ્ત્રીઓએ પણ નવા રચાનારા કમિશનની કામગીરીની કેટલીક શરતો સામે વાંધો પાડ્યો છે. તેમને લાગે છે કે નવા કમિશનના માળખામાં રખાયેલી કેટલીક જોગવાઇઓ ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ મારનારી છે.

ન્યાયાધીશોની નિમણૂંક માટે ન્યાયતંત્ર, સરકાર અને બહારના  માણસોનું બનેલું કમિશન હોય, એ પ્રથા ઘણા દેશોમાં પ્રચલિત છે. બલ્કે, કેટલાક દેશોમાં (ભારતમાં અગાઉ હતું તેમ) ન્યાયતંત્રની નિમણૂંકો સરકાર દ્વારા જ થાય છે. એટલે નવા રચાનારા ‘નેશનલ જ્યુડિશ્યલ અપોઇન્ટમેન્ટ્‌સ કમિશન’ સામે તત્ત્વતઃ વાંધો પડવાનું કોઇ કારણ ન હોય.

આ કમિશનમાં છ સભ્યો છે : સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, સર્વોચ્ચ અદાલતના બે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ, કાયદામંત્રી અને બે અન્ય મહાનુભાવો. આ બે મહાનુભાવોની નિમણૂંક વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષી નેતા (કે સૌથી વઘુ બેઠકો ધરાવતા વિપક્ષના નેતા) અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. આમ છ સભ્યોની નિમણૂંકમાં પણ સરકારનો હાથ ઉપર હોય એવું પહેલી નજરે ક્યાંય જણાતું નથી. પરંતુ ગરબડવાળી એક જોગવાઇ એવી છે કે સમિતિના છમાંથી કોઇ પણ બે સભ્યો જો કોઇ પણ સૂચિત નામ સામે વાંધો પાડે, તો એ ન્યાયાધીશની નિમણૂંક થઇ શકે નહીં. એટલે કે, કોઇ પણ નામ સામે સમિતિના બે સભ્યો ભેગા થઇને ‘વીટો’ વાપરી શકે.

ગોપાલ સુબ્રમણ્યમ્‌ની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂંકને મામલે વર્તમાન સરકારે જેવું નકારાત્મક વલણ અપનાવ્યું, એ જોતાં પોતાનાં રાજકીય હિતોને ભૂતકાળમાં ક્યારેક નડ્યા હોય એવા કોઇ પણ તટસ્થ ન્યાયાધીશનું નામ ‘વીટો’થી ઉડી જઇ શકે. આ આશંકા સૌથી ગંભીર અને ન્યાયતંત્રની તટસ્થતા સામે જોખમ ઊભું કરનારી હોઇ શકે છે. ભવિષ્યમાં બઢતી ઇચ્છનાર ન્યાયાધીશ રાજકારણીઓ સામે કડકાઇભર્યા ન્યાયી ચુકાદા આપતાં અચકાય, એવી આબોહવાનું નિર્માણ ‘વીટો’ની જોગવાઇથી થઇ શકે.

વળતી દલીલ કરનારા કહે છે કે જેમ સરકારી પ્રતિનિધિ ‘વીટો’ વાપરી શકે, તેમ ન્યાયતંત્રના પ્રતિનિધિઓ પણ સરકારે સૂચવેલાં નામ માટે ‘વીટો’ વાપરી શકે છે. આ દલીલ સાચી છે, પણ સરકારી ‘વીટો’ને કારણે થયેલા અન્યાયનું તેનાથી નિવારણ થતું નથી. ઇચ્છનીય એ છે કે ‘વીટો’ વાપરનારાને એ માટેનું કારણ જાહેર કરવાની ફરજ પાડવામાં આવે. એટલે કે કમિશનના સભ્યોને કોઇ ન્યાયાધીશના નામ સામે વાંધો હોય તો એ વાંધાનાં વિગતવાર કારણ માત્ર કમિશન સમક્ષ જ નહીં, નાગરિકો સમક્ષ પણ રજૂ કરવામાં આવે.

આ જોગવાઇ ઉમેરાય તો પણ, છેવટનો આધાર તો અમલકર્તાઓની દાનત પર રહે છે. ખોટું કરવાની પ્રાથમિક શરમ જ જતી રહી હોય અને ખોટું થતું જોવાની- તેનો વિરોધ કરવાની નાગરિકોની મૂળભૂત શક્તિ જ હણાઇ ગઇ હોય, તો પછી કોલેજિયમ હોય કે જ્યુડિશ્યલ કમિશન, કશો ફરક પડવાનો નથી. 

No comments:

Post a Comment