Monday, September 22, 2014
છ દાયકા પહેલાં રવિશંકર મહારાજની ચીન-યાત્રા
પેકિંગ (હાલના બેજિંગ)માં ૧૯૫૨માં યોજાયેલી શાંતિ પરિષદમાં ભાગ લેવા અને એ બહાને ચીનની સાંસ્કૃતિક મુલાકાત લેવા માટે ભારતીય પ્રતિનિધિ મંડળ ચીન ગયું હતું. તેમાં ઉમાશંકર જોશી અને યશવંત શુક્લ જેવા ગુજરાતી સાહિત્યકારો ઉપરાંત સાદગી-સેવાના અવતાર સમા રવિશંકર મહારાજ પણ જોડાયા હતા. કેવો હતો તેમનો સામ્યવાદી ચીનનો અનુભવ?
ravishankar maharaj / રવિશંકર મહારાજ |
સૌથી પહેલાં એક સ્પષ્ટતા : અહીં જે રવિશંકર મહારાજની વાત છે તે ‘આર્ટ ઑફ લિવિંગ’વાળા (શ્રીશ્રી રવિશંકર) કે સિતારવાદક (પંડિત રવિશંકર) કે અમદાવાદમાં જેમના નામે આર્ટ ગેલેરી છે તે (કળાગુરુ રવિશંકર રાવળ) નહીં, પણ પ્રખર ગાંધીવાદી લોકસેવક. ગુજરાતમાં આવું લખતાં ખટકો તો લાગે, પણ વાસ્તવિકતા અને ગુજરાતીઓની વિસ્મરણશક્તિ ઘ્યાનમાં રાખતાં આટલી ચોખવટ જરૂરી હતી. થોડીઘણી સારી યાદદાસ્ત ધરાવતા ગુજરાતીઓ રવિશંકર મહારાજને ૧૯૬૦માં ગુજરાત રાજ્યના આરંભે આશીર્વાદ પ્રવચન કરનાર તરીકે ઓળખે છે. ઝવેરચંદ મેઘાણીએ ‘માણસાઇના દીવા’માં ‘ગાંધીટોળીના બહારવટિયા’ રવિશંકર મહારાજનું એક મહત્ત્વનું જીવનકાર્ય (બહારવટિયાઓની સુધારણા) આલેખ્યું છે. દરેક ગુજરાતી માટે વાંચવું ફરજિયાત ગણાય એવું એ પુસ્તક છે. છતાં એના નાયક રવિશંકર મહારાજ ગુજરાતમાં જ ભૂલાઇ જાય એ (ગુજરાત માટે નવી નહીં એવી) કરુણતા છે.
નિર્ભાર સાદગી અને સેવાની ગાંધીપરંપરાનાં જૂજ નામોમાં સ્થાન ધરાવતા રવિશંકર મહારાજ ચીન જઇને શું કરવાના? એવો પ્રશ્ન એ વખતે -૧૯૫૨માં પણ- ઘણા લોકોને થયો હતો. ‘સમૂળી ક્રાંતિ’ના લેખક કિશોરલાલ મશરૂવાળાએ મહારાજને એક પત્રમાં લખ્યું હતું, ‘...આપના ચીન જવાની બાબત છાપામાં વાંચી હતી ખરી. પણ સાચે જ મેં એને વજન નહોતું આપ્યું. પણ એ તો સાચી નીકળી...બાપડા ચીનાઓ તમારે માટે વિવિધ જીવજંતુઓના અને પ્રાણીઓનાં સરસ શાકભાજી, ચટણી, મુરબ્બા તૈયાર કરશે, ખેતરમાંથી ચાના લીલા પાંદડા તોડીને ચાનું પાણી ઉકાળી આપે, અને તમે મહેમાનો ઊલટી કરવા મંડશો ત્યારે તમને શું ખવડાવવું તેના જ વિચારમાં મૂંઝાઇ જશે. ચીનમાં દરિદ્રતાનું પૂરું દર્શન થઇ શકે એવા ભાગોમાં ખરું પૂછતાં પહોંચવાની જરૂર છે. પણ ત્યાં પહોંચી શકશો કે કેમ એ શંકા છે. ..ભાઇ માવળંકરે જેક બેલ્ડનનું ચીન વિષેનું પુસ્તક (ચાઇના શેક્સ ધ વર્લ્ડ) વાંચ્યું જ હશે. ન વાંચ્યું હોય તો એ વાંચી જાય અને ત્યાંની દરિદ્રતાથી અને સમાજસ્થિતિનાં એમાં જે વર્ણનો છે તેથી થોડા પહેલેથી આપને પરિચિત કરી દે તો સારું થશે. એ વર્ણનોમાં અતિશયોક્તિ કેટલી અને સચ્ચાઇ કેટલી છે તે જાણવાની જરૂર છે.’ (૫-૯-૧૯૫૨)
‘જન્મભૂમિ’ દૈનિકના પ્રતિનિધિએ મુંબઇમાં મહારાજની મુલાકાત લીધી ત્યારે મહારાજે તેમને કહ્યું હતું, ‘હું ત્યાં જઇ શું મેળવી શકીશ, શું કરીશ તે કંઇ જાણતો નથી. અંદરથી ધક્કો લાગ્યો છે તેથી જાઉં છું. જો મને શીખવાનું-જાણવાનું મળતું હોય તો સામ્યવાદીઓ શું, ગમે તેની વચ્ચે જવા તૈયાર છું. મારી આંખે જે જોઇશ ને સમજશક્તિથી જે સમજીશ તે લઇ આવીશ. ચીન સામ્યવાદી છે એટલા જ ખાતર ન જવું એ યોગ્ય નથી...મારે ખાસ કરીને ગામડાં જોવાં છે. જ્યાં નહેરો થઇ છે તે વિસ્તારમાં સ્વતંત્ર રીતે ફરવું છે. અત્યંત પછાત ગણાતા પ્રદેશમાં જવું છે અને એક સામાન્ય વિભાગ પસંદ કરવો છે. મારે જોવું છે કે ચીન ખરેખર સમૃદ્ધ છે કે નહિ. જો છે તો તે સમૃદ્ધિ એમણે કેવી રીતે પેદા કરી તે જાણવું છે. લાખો માણસો સ્વેચ્છાએ અંતરની ઊર્મિથી જ કામ કરે છે, પરિશ્રમ કરવાનો તેમનો સ્વભાવ છે કે નવું જોમ પેદા થયું છે, બદલારૂપે એમને શું મળે છે વગેરે જાણવું છે...’
‘ભાષાનું શું કરશો એવી પૃચ્છાના જવાબમાં મહારાજે કહ્યું હતું, ‘ભાઇ ઉમાશંકર (જોશી) અને યશવંત (શુક્લ) મારી સાથે છે. બઘું ગોઠવી આપશે.’ (મુલાકાત તા. ૧૭-૯-૧૯૫૨)
જીવનના પહેલા વિદેશપ્રવાસમાં મહારાજે સામાન શો લીધો હતો? રેંટિયો, પૂણીઓ, એક ગરમ ધાબળો, બે અંગરખા, એક ટુવાલ, જે નાહીને શરીર લૂછવામાં અને રાત્રે પાથરવામાં પણ કામ લાગે, બે થેલી, એક લોટો અને એ બીસ્તર ઝોળી દોરીથી બાંધવાની. આ ઝોળીમાં બધો સામાન આવી જાય. ચીનની ઠંડીમાં તેમણે ગરમ બંડી અને કામળીથી જ ચલાવ્યું. દેશમાં પણ ઉઘાડા પગે ફરવાની રીત ચીનમાં પણ તેમણે ચાલુ રાખી. ક્યાંક જરૂર પડે ત્યારે લાકડાની પાવડી પહેરતા. નિયમિત રેંટિયો કાંતતા, જે તેમણે પેકિંગની પરિષદ પછી શાંતિના પ્રતીક તરીકે ભેટમાં આપ્યો. ચીનમાં તેમણે કશી ખરીદી કરી નહીં. રોકડ ભેટો જે મળી, તે ત્યાં જ આપી દીધી.
Ravishankar Maharaj in Peking Peace Conference, 1952 / રવિશંકર મહારાજ પેકિંગની શાંતિપરિષદમાં |
એશિયા-પેસિફિકના દેશોની શાંતિ પરિષદમાં મહારાજે તેમના પ્રવચનમાં ગાંધીજીને યાદ કરીને કહ્યું, ‘ગાંધીજીના વિચાર અને આચારના કેન્દ્રમાં શાંતિ જ હતી. ખોટા દેશાભિમાન કે સંકુચિત રાષ્ટ્રવાદથી એમણે ક્યારે પણ પોતાના ઘ્યેયને દૂષિત થવા દીઘું નથી. એ કહેતા કે દુનિયાની બધીયે વસ્તુઓ સમાજની સહિયારી છે, અને માણસજાતે એની ન્યાયી વહેંચણી કરીને એ ભોગવવાની છે. મૂઠીભર માણસોનો કે એકાદ રાષ્ટ્રનો એના પર ઇજારો ન હોવો જોઇએ.’ તેમની સાથે રહેલા ઉમાશંકર જોશીએ પોતાના પુસ્તક ‘ચીનમાં ૫૪ દિવસ’માં નોંઘ્યું છે કે ‘(મહારાજનું) ભાષણ બહુ માનપૂર્વક સંભળાયું હતું અને એ દિવસોમાં ભાષણ પૂરું થતાં ઊભા ન થવાની સૂચના હતી. છતાં આખું સભાગૃહ ઊભું થઇ ગયું હતું.’ (સ્ટેન્ડિંગ ઓવેશન)
Ravishankar Maharaj in a school in Shanghai / શાંઘાઇના બાલમંદિરમાં રવિશંકર મહારાજ અને પ્રતિનિધિઓ |
ચીનથી પાછા ફર્યા પછી ‘મારો ચીનનો પ્રવાસ’ પુસ્તકમાં મહારાજે ચીનનાં અઢળક વખાણ કર્યાં. ‘યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને અને પ્રોફેસરોને મળ્યો. ત્યાં તેમની સાદાઇ અને દેશની ભાષા પ્રત્યેના પ્રેમનો મને અનુભવ થયો...ત્યાં મેં કોર્ટો જોઇ, પણ ધંધાદારી વકીલ ન જોયા. અને કેસનો નિકાલ વગર ખર્ચે તથા ઝડપથી થતો જોયો...ત્યાંની સભાઓ જોઇ અને રાષ્ટ્રના સ્વાતંત્ર્યદિનનું છ લાખ માણસોનું સરઘસ પણ જોયું. એની શાંતિ, શિસ્ત અને વ્યવસ્થા જોઇને મને ખૂબ આનંદ થયો...હું ચીનનાં ગામડાંઓમાં ફર્યો, ખેડૂતોનાં ઘરોમાં રહ્યો, ત્યાંનાં ખેતરોમાં ધૂમ્યો... મેં ન જોયાં કોઇ કામધંધા વગરના નવરા માણસો, નાગાં-ભૂખ્યાં માણસો કે ભિખારીઓ. મેં ગરીબાઇ જોઇ, પણ ભૂખમરો ન દીઠો. સૌ ખાધેપીધે સુખી માલૂમ પડ્યાં. ત્યાં ઘણી વસ્તુઓની તંગી જોઇ, પણ નિરાશા ન ભાળી...જેને ભાગે જે કામ આવ્યું તે સૌ કોઇ ઉત્સાહ અને આનંદથી કરતાં હતાં. કોઇના ઉપર કામ કે મજૂરી લદાઇ છે એમ ન જણાયું... છ મણ (કાચા) વજન કાવડમાં ઊંચકીને સહેલાઇથી ચાલતા ખેડૂતો અને મજૂરોનાં કાંડા-બાવડાની તાકાત જોઇ. મોટાં તોતિંગ યંત્રો સિવાય, જાતમહેનતથી, ૧૨૫ માઇલની નહેર એક વર્ષમાં દસ લાખ માણસોએ તૈયાર કરેલી મેં જોઇ. મેં ૫૦ હજાર માણસોને એકી સાથે નહેર પર કામ કરતાં જોયાં અને સંઘશક્તિ અને સંઘવ્યવસ્થાનાં મને દર્શન થયાં...ત્યાં મેં રેલગાડીમાં મુસાફરી કરી, પણ ન જોયાં ગીરદી કે ચઢતાં-ઊતરતાં થતો ધસારો કે ધક્કામુક્કી. ન જોયાં મેં વિના ટિકિટે મુસાફરી કરી ભીડ કરતાં માણસો.’
આ પ્રકારનું વર્ણન દેખીતી રીતે જ અહોભાવથી તરબોળ અને અવાસ્તવિક લાગે. પરંતુ ચીન વિશેની પોતાની દૃષ્ટિ સ્પષ્ટ કરતાં મહારાજે લખ્યું હતું,‘હું ચીનમાં ઉઘાડી આંખ અને ખુલ્લા કાન રાખીને ફર્યો. ત્યાં ઘણું ઘણું જોયું, પણ મેં નિર્ણય કર્યો હતો કે દોષ જોવા માટે ડોકિયું કરીને ન જોવું. તેથી મારા દેશને લાભ પણ શો? મારે તો જાણવું હતું કે કઇ રીતે તેઓએ તેમના રાજકીય, સામાજિક અને આર્થિક પ્રશ્નોનો નિકાલ કર્યો હતો અને નિરાશાના વાતાવરણમાંથી ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું. આથી વિના સંકોચે હું રોજિંદા જીવનના અનેક પ્રશ્નો પૂછતો- રાજકીય, સામાજિક અને આર્થિક. છતાં આટલા મોટા દેશમાં બે માસમાં જોવાય પણ કેટલું? વળી મેં જે જોયું અને મને જે સારું લાગ્યું તે બધાને કસોટીએ ચડાવી ખાતરી કરી નથી.’
ચીનયાત્રાનો તેમણે કાઢેલો અને તેમના ખપનો સાર આટલો હતો : ‘આ બઘું શી રીતે થયું? ત્યાં સરકાર, તંત્ર, પ્રજા અને આગેવાનો, બધા વચ્ચે સુમેળ છે અને બધા ભેગા મળીને પોતાના દેશને બેઠો કરવા પ્રયત્ન કરે છે...દેશની દૃષ્ટિએ જીવવાની ભાવના જોઇ. મને બહુ આનંદ થયો. એ આનંદ અને ઉત્સાહ સાથે મારા દેશમાં આવી ભાવના કેમ જાગે એના વિચારો કરતો હું ત્યાંથી પાછો ફર્યો.’
ચીની પ્રમુખની પાંચ કલાકની અમદાવાદ-મુલાકાત નિમિત્તે થયેલા કરોડોના છેતરામણા ભપકા વાતાવરણમાં છવાયેલા હોય, ત્યારે મહારાજ સરખા સાચકલા ગાંધીજનનું સ્મરણ કદાચ થોડાં પવિત્ર સ્પંદન જગાડે.
Labels:
China,
history/ઇતિહાસ,
ravishankar maharaj
Subscribe to:
Post Comments (Atom)
ત્રણ અન્ય રવિશંકરના નામો સાથે ભેળસેળ ન થાય એ માટે કરેલી ચોખવટ ગમી. :) બીજું એક ધ્યાન દોરવાનું કે તમારી ઘણી બ્લૉગ પોસ્ટ્સમાં "ધ" અક્ષરવાળા શબ્દો "ઘ" તરીકે દેખાય છે. જેમ કે, અહીં "આ બઘું શી રીતે થયું?"
ReplyDeletethanks nehal :-)
Deletethe problem occurs during font conversion. will try to take care of it.
A great post indeed. A great tribute to a great Indian.
ReplyDeleteઉર્વીશ ભાઈ,
ReplyDeleteઆજે તમારો શ્રી રવિશંકર મહારાજનો સુંદર લેખ વાંચ્યો અને મઝા પડી ગઈ,માણસાઈના દીવા ની જ્યોત તમે વર્ષો પછી
પ્રગટાવીને ગાંડી ગુજરાતને તમાચો ચોડી દીધો છે!! ગુજરાતની પ્રજાને સારા સારા માનવો મળ્યા છે પણ કોઈજ કદર કરતાજ
નથી,અંધશ્રદ્ધા અને ધર્મઘેલી પ્રજાને આંખે ઝામરવા આવી ગયો છે, સારકામ કરનારને બેદિવસ યાદ કરીને ભૂલી જવાની ટેવ છે.
તમારા જેવા જો વારંવાર આવા ચાબખા મારે ને તેમને જગાડતા રહે તો સમજણ પડે.
ખુબ સરસ....
ReplyDelete