Sunday, September 07, 2014

‘બે યાર’ : ગુજરાતીપણાનો જલસો

ફિલ્મો વિશે લખવાનું બને ત્યાં સુધી ટાળું છું. કારણ કે ફિલ્મો મોટે ભાગે અંગત પસંદગીનો વિષય હોય છે. ગમે તો ગમે. ન ગમે તો ન ગમે. ઘણા વધારે મહત્ત્વના મુદ્દા બાજુ પર મૂકીને, ફિલમ વિશે ‘ચર્ચા’ કરવી- ખાસ કરીને અઘૂરા ઘડાઓ સાથે- એ પાણી વલોવવા જેવું લાગે છે : થાક લાગે ને માખણ નીકળવાનું ન હોય. દર દસમાંથી અગિયાર લોકો ફિલ્મો વિશે લખતા હોય અથવા લખવા ઉત્સુક હોય ત્યાં સુધી ઠીક છે, પણ તેમાંથી ઘણા પોતાની જાતને ફિલ્મના જાણકાર ગણતા હોય, ત્યારે ફિલ્મ વિશે લખવાની રહીસહી ઇચ્છા પણ નાબૂદ થઇ જાય.

છતાં, ‘બે યાર’/ Bey Yaar એવી ફિલ્મ છે, જેના વિશે લખવાનો દિલથી ઉમળકો થયો. અભિષેક જૈને બનાવેલી પહેલી ફિલ્મ ‘કેવી રીતે જઇશ?’ પણ એ જ પ્રકારમાં આવતી હતી. ‘બે યાર’ સાવ જુદી રીતે, છતાં ‘કેવી રીતે જઇશ’ જેટલો જ - કદાચ એનાથી પણ વધારે- જલસો કરાવે છે.

Bey Yaar - A Gujarati Movie with a (positive) difference
આ ફિલ્મમાં (અને ‘કેવી રીતે જઇશ?’માં પણ) આરંભથી અંત સુધી ચાલતો સ્વાભાવિકતા અને હળવાશનો પ્રવાહ બહુ આકર્ષક છે. ફિલ્મમાં કશી જાડી કે સસ્તી રમૂજ વિના, કેવળ અન્ડરકરન્ટ તરીકે હ્યુમરનો પ્રવાહ વહાવવાનું અઘરું છે, પરંતુ અભિષેક જૈનને એ ‘ફાવે છે.’ (‘ફાવે છે’ એ પરમ મિત્ર, અર્બન ગુજરાતી ફિલ્મોમાં ‘બેટરહાફ’ જેવું મજબૂત પ્રદાન કરનાર અને ‘બે યાર’માં મહેમાન કલાકાર તરીકે દેખા દેતા આશિષ કક્કડનો પ્રિય શબ્દપ્રયોગ છે) આટલી સ્વચ્છ અને સ્વાભાવિક હ્યુમરમાંથી ઘણી તો રોજિંદા, બોલચાલના શબ્દોને પડદા પર બોલાતા સાંભળીને થતી હોય. પણ એની સાથે તરત જ અને સીધું જોડાણ અનુભવાય છે.

પોતીકાપણું એ ‘કેવી રીતે જઇશ?’ની જેમ ‘બે યાર’નો પણ જબરદસ્ત સ્ટ્રોંગ પોઇન્ટ છે. ગુજરાતીપણું, અમદાવાદ, ગુજરાતીઓની લાક્ષણિકતાઓ, વિચિત્રતાઓ, રમુજી ટેવો, હાસ્યપ્રેરક ને હાસ્યાસ્પદ વૃત્તિઓ- આ બઘું અભિષેક જૈને ફક્ત અરીસામાં ઝીલીને સામે બતાવવા જેવા સ્થિર ભાવે કર્યું છે. એમાં કટાક્ષનો નહીં, પણ ‘આપણે ગુજરાતીઓ કેવા છીએ, નહીં?’ એવો ભાવ છે. ગુજરાતી દર્શક તરીકે આપણે આપણી મર્યાદાઓ ઉપર પણ ખડખડાટ હસી શકીએ છીએ- અને એ અભિષેકની મોટી સિદ્ધિ છે.

ગુજરાતીઓનું કેરિકેચરિંગ- અતિચિત્રણ સિરીયલોમાં અને ફિલ્મોમાં બહુ ભદ્દી રીતે થતું હોય છે. અભિષેકની ફિલ્મો જોઇને ખબર પડે છે કે રમુજ પેદા કરવા માટે અતિચિત્રણ કરવાની કશી જરૂર નથી. સેન્સીબલ-સમભાવી એવું વાસ્તવિક ચિત્રણ જ પૂરતું છે. સાહજિકતા માટે અભિષેકે સભાન પ્રયાસ જો કર્યો હોય તો પણ એ જણાતો નથી, એ એ તેમની ખૂબી કહેવાય.

ફિલ્મનું સંગીત એકદમ આઘુનિક હોવા છતાં, એકદમ ગુજરાતી છે. નામી સંગીતકારોને ‘ગુજરાતી’ ચીજ બનાવવાની થાય ત્યારે તે જેવો દાટ વાળે, એવું અહીં બિલકુલ નથી. બલ્કે, ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક મુખ્ય કથાપ્રવાહનો એક ભાગ બનીને આવે છે.

કેટલાક પરિચિત અને સાચા કથાતંતુ પરથી અમુક પ્લોટ વિકસાવાયા હોય એની પણ એક મજા છે. જેમ કે, અશોક જાડેજાનું એકના ડબલ કરવાનું ઠગાઇકૌભાંડ અથવા એમ.એફ.હુસૈનના અડ્ડા જેવી ચાની દુકાન ‘લકી’ની દીવાલ પર રહેલું, હુસૈને ‘લકી’ના માલિકને ભેટ આપેલું બહુમૂલ્ય ચિત્ર. આ તંતુઓનો કથામાં સરસ રીતે ઉપયોગ થયેલો હોવાથી, જેને એ ન ખબર હોય એની મઝા ઓછી થતી નથી, પણ જેમને ખબર હોય એમની મઝા વધે છે.

ખાસ્સી અઢી કલાક લાંબી (અને પકડવા ધારેલી ટ્રેન જવા દીધાનો ખેદ ન થાય એવી) આ ફિલ્મમાં ‘ઇન્ટરવલ પછી ફિલ્મ નબળી પડે છે’ એવો રીવ્યુકારોનો સ્ટાન્ડર્ડ  અભિપ્રાય લાગુ પાડી શકાય એમ નથી. હ્યુમરનો પ્રવાહ મંદ પડે અને ગંભીર ટ્રેક થોડા પ્રભાવી બને ત્યારે એવું થાય કે આ લાંબું ચાલશે તો.... પણ એવું થતું નથી. તરત મૂળ હળવો પ્રવાહ આવી જાય છે.

સામાન્ય બોલચાલમાં છૂટથી બોલાતા શબ્દકોશની અંદરના - અને કેટલાક બહારના- શબ્દો પણ એટલી સાહજિકતાથી આવે છે કે તેને ખરા અર્થમાં પાત્રાલેખનની જરૂરિયાત કહી શકાય.

***

ફિલ્મોની જાહેરખબરોમાં લખાતું હોય છે તેમ, આ ફિલ્મ ‘સપરિવાર’ જોઇ- પત્ની અને સાતમા ધોરણમાં ભણતી દીકરી સાથે. અમને ત્રણેને બહુ મઝા આવી. (છેલ્લે ફિલ્મના નિર્માતા અને કેટલાક કલાકાર સરપ્રાઇઝ તરીકે પ્રગટ રહ્યા અનેે બધાનો આભાર માનીને આ ફિલ્મ વિશે શક્ય એટલી વાત ફેલાવવા દર્શકોને વિનંતી કરી.)

થેન્ક્‌સ અભિષેક જૈન, આવી સરસ ફિલ્મ બનાવવા બદલ. અભિષેક જૈન ઉપરાંત આ ફિલ્મમાં કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે સંકળાયેલા મિત્ર અભિષેક શાહ સહિત આખી ટીમને ખૂબ અભિનંદન.

તમારે હજુ આ ફિલ્મ જોવાની બાકી છે? બે યાર...આવું ચાલતું હશે? જોઇ પાડો, વહેલી તકે.


તાજાકલમ નહીં, પણ ‘આડકલમ’ : ‘બે યાર’ વાંચું, સાંભળું કે બોલું એટલી વાર MMCJની મારી ક્લાસમેટ માનસી શાહ યાદ આવે છે. છેલ્લાં બે વર્ષમાં અનેક વાર મસ્ત અમદાવાદી વજન અને લઢણમાં એના મોઢેથી સાંભળ્યું છે : બ્બે ય્યાર..

5 comments:

 1. Dear Urvishbhai,
  Bahu j sundar lakhyu chhe. Aam jova jaie to aapani lakhavani hathoti darek kshetra ma chhe. Filmo vishe pan saru lakhi jaano chho, to pachhi aagal pan filmo vishe aapana vicharo raju karta rahesho jethi sugna vachako multiplex ma paisa na vedafi aave,

  Abhijit Bhatt,
  9099037727
  www.abhijit-t-bhatt.blogspot.com

  ReplyDelete
 2. Anonymous9:49:00 PM

  Dear Urvishbhai,
  Very nice openion, without bias and prejudice, please keep it up, we like your writing.
  Thanks,
  Manhar Sutaria

  ReplyDelete
 3. બે યાર'.....નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા એ વખતે એક ગુજરાતી તરીકે જેટલી ખુશી થયેલી એના કરતા 3 ગણી વધુ ખુશી 'બે યાર' ફિલ્મ જોઇને થઇ ! દરેક ગુજરાતીએ અચૂક જોવા જેવી આ ફિલ્મ છે ! 10 હિન્દી ફિલ્મ જેટલો આનંદ આપે તેટલો આનંદ કદાચ આ એક ગુજરાતી ફિલ્મ આપે છે અને આખી ફિલ્મ દરમ્યાન તમને વારંવાર ગુજરાતી હોવાનું અભિમાન થયા કરશે એની ગેરેંટી છે. દરેક કલાકારનો અફલાતુન અભિનય તમને એક મિનીટ માટે પણ કંટાળવા નહિ દે ! આ ફિલ્મ સાથે સંકળાયેલ દરેક વ્યક્તિને દિલ સે સલામ !!!

  P.S. તમારા નજીકના મલ્ટીપ્લેકસની મોંઘામાં મોંઘી ટીકીટ લઇ તમારી સાથે તમારા આખા કુટુંબ અને મિત્રવર્તુળને પણ જરૂર આ ફિલ્મ જોવા લઇ જશો !!!

  ReplyDelete
 4. એક ગુજરાતી તરીકે ગુજરાતી ભાષાની ફિલ્મને માણવા અને માણ્યા પછી બિરદાવવાની ભાગ્યે જ મળતી તક ગઈ કાલે સાંપડી....થોડા સમય અગાઉ આવેલી અને ફિલ્મરસિયાઓના મનમાં વસી ગયેલી ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઈશ'ના સર્જકો દ્વારા ગત સપ્તાહે રીલીઝ થયેલી આ ફિલ્મ નિહાળતી વેળાએ એક ક્ષણ પણ એ વિચાર નથી આવતો કે આપણે એક ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા છીએ......કથા, સંવાદ, સ્ક્રીન પ્લે, અભિનય।..બધું જ મજાનું અને મજા પડી જાય એવું!.... દર્શન જરીવાલા અને મનોજ જોશીની અભિનયક્ષમતાને પ્રમાણિત કરવું એ તો નરી ગુસ્તાખી કહેવાય, પણ ચકા-ટીના ના પાત્રોમાં જાન રેડનાર યુવાપ્રતિભાઓ દિવ્યાંગ ઠક્કર અને પ્રતિક ગાંધીએ ખરેખર અંતરંગ દોસ્તોની કથાને બખૂબી નિભાવી દીધી......અને વાર્તાની આ રેસિપીમાં તડકાનું કામ કર્યું ઉદયના પાત્રમાં કેવિન દવે અને પ્રબોધ ગુપ્તાના પાત્રમાં અમિત મિસ્ત્રી એ.....અમિત મિસ્ત્રી એ સ્લોગ ઓવરમાં ફટકાબાજી કરતા બેટ્સમેનની માફક વાર્તાને અંત સુધી જીવંત રાખી!... 'હું ચંદ્રકાંત બક્ષી' નામની એકપાત્રીય કૃતિમાં બક્ષીસાહેબને આબેહૂબ રજુ કરનાર પ્રતિક ગાંધીની સક્ષમતા વિષે વાંચ્યું'તું ઘણું, અને આજે અનુભવવા ય મળ્યું!.......મનભાવન વાનગીઓના રસથાળ બાદ 'ડેઝર્ટ' જેવી મોજ આવી ગઈ એ મિત્રને મળીને જેણે આ ફિલ્મની વાર્તા અને ગીતો લખવાનું કામ કર્યું છે.......એ છે ભાવનગરનો જ નિરેન ભટ્ટ, જે ટીવી સીરીયલ 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' નો લેખક પણ છે. જે ભટ્ટ કુટુંબમાંથી એ આવે છે એ કુટુંબના સંસ્કાર અને કલાનો વારસો ધરાવતા લગભગ તમામ લોકોને થોડા-ઝાઝા ઓળખવાની તક મળી છે અને નિરેન એ પરંપરા અને વાતાવરણ માં ઉછરેલ હોઈને જે હીર એણે બતાવ્યું છે એ નવાઈ નથી ઉપજાવતું! .. અભિષેક જૈનના દિગ્દર્શનમાં બનેલી આ મજ્જાની ફિલ્મ તાજગી સભર છે એ બેશક.........અંતરંગ મિત્રોની વાતચીતમાં આવતા કેટલાક શબ્દોનો ઉપયોગ ટાળી શકાયો હોત, પણ બીજો પ્રશ્ન એ ય થાય કે એમ કરવાથી એ અંતરંગ મિત્રો છે એ સ્ક્રીપ્ટ દ્વારા સાબિત કરવું કઠીન બન્યું હોત એટલે એ શબ્દો ચલાવી લેવા એ ય એક શ્રોતા તરીકે સમજણભર્યું જ ગણાશે

  ReplyDelete