Thursday, August 08, 2013

રસ્તા પરના ભૂવા : સાંસ્કૃતિક-આઘ્યાત્મિક દૃષ્ટિકોણ

અમદાવાદની ઉજ્જવળ સાંસ્કૃતિક પરંપરા આગળ ધપાવતાં,  આ ચોમાસે પણ મેગાસીટીના મેગારસ્તા પર ઠેકઠેકાણે ભૂવા તરીકે ઓળખાતા મેગાખાડા- મેગાગાબડાં પડ્યાં. ગુજરાતનો વિકાસ સાંખી ન શકતા કેટલાક ટીકાખોરો આ બાબતનું મેગા-ગૌરવ લેવાને બદલે, ટીકા કરવા બેસી ગયા.

સરદાર પટેલનું સૌથી ઊંચું પૂતળું બને ત્યારે ખરું. ત્યાં સુધી સડક પરના સૌથી મોટા ભૂવાનો કે મેગાસીટીના રોડ પર કિલોમીટર દીઠ સૌથી વધારે ભૂવાનો વિક્રમ થાય, તેમાં ખોટું શું છે? સરદારનું પૂતળું બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચાવાના છે, જ્યારે સડક પરના ભૂવા એક પણ રૂપિયો ખર્ચ્યા વિના સર્જાય છે અને શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. વાંકદેખા કહેશે કે દર વર્ષે અઢળક રૂપિયા રોડ બનાવવાના કામમાં નહીં, પણ રોડ બનાવવાના નામે વપરાઇ જાય છે. તેના કારણે ભૂવા પડે છે. એટલે કે ભૂવા પેદાશ નહીં, પણ આડપેદાશ છે. જરા વિચારોઃ જે પ્રક્રિયામાંથી આટલી ગૌરવપ્રદ આડપેદાશ નીપજતી હોય, તેની મુખ્ય પેદાશ નબળી હોય તો પણ એ નુકસાનનો સોદો ગણાય?

ખરેખર તો, અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો અપાવવાની ઝુંબેશ આગળ ધપાવવી હોય તો, ભૂવા જેવી સાંસ્કૃતિક ધરોહરનું ગૌરવ લેતાં અને રૂપિયા ખર્ચીને તેમની જાળવણી કરતાં શીખવું પડે. મ્યુનિસિપલ કોર્પોરેશન આ દિશામાં અસરકારક રીતે સક્રિય છે.  દર ચોમાસે અમદાવાદ મહાનગરના વાસીઓ ભૂવાવંચિત ન રહી જાય, તેનું એ બરાબર ઘ્યાન રાખે છે. પરિણામે, દર વર્ષે રોડ પાછળ લાખો રૂપિયા ખર્ચાવા છતાં, દર ચોમાસે નિયમલેખે, સાયકલથી માંડીને સ્કૂલબસ અંદર ઉતરી શકે એટલું કદવૈવિઘ્ય ધરાવતા ભૂવા પડે છે અને મેગાસીટી અમદાવાદને શોભંતું બનાવે છે.

અમદાવાદના અને બીજાં જે ગામ-શહેરમાં ભૂવા પડતા હોય ત્યાંના કવિઓ જરા વાસ્તવદર્શી બને, તો ભૂવાનો સાંસ્કૃતિક મહિમા વધારવામાં તે મહત્ત્વનું પ્રદાન આપી શકે છે. એ બિચારા કોમી હિંસા વશે ભલે કવિતા ન લખી શકે, અમદાવાદ શહેર વિશેની કવિતાઓનાં સપાદનમાં ભલે ‘ફક્ત પોઝિટિવ પ્રકારની જ કવિતાઓ મોકલવી’ એવા ફતવા કાઢે, પણ અમદાવાદના ભૂવાની પ્રશસ્તિ લખવામાં તેમને શો વાંધો હોય? ગઝલના ગુજરાતી પિતા ‘વલી’ની મઝાર કોમી હિંસા વખતે તોડી પડાઇ હતી. એને માનભેર પુનઃસ્થાપિત કર્યા વિના, ‘વલી’ના નામનું ગઝલકેન્દ્ર ચલાવવામાં તેમને શરમ ન આવતી હોય, તો ભૂવા-પ્રશસ્તિની ગઝલો ઝીંકવામાં શાની શરમ? આ બાબતમાં ‘સરકાર માઇબાપ ગુસ્સે થઇ જાય તો? અને એવોર્ડથી વંચિત રાખે તો’ એવી બીક રાખવાની જરૂર નથી. કારણ કે ‘સરકાર’ને એન્કાઉન્ટરોની મુદતોથી માંડીને પરદેશમાં પીઆર સુધીનાં ઘણાં નક્કર- એટલે કે કવિતા સિવાયનાં- કામ કરવાનાં હોય છે.

આટલું લખ્યા પછી પણ જેમને હજુ ‘પ્રેરણા ન જાગતી હોય’ એવા ગઝલવાળાને ઉશ્કેરવા માટે (‘આનાથી સારું તો હું લખી બતાવું’) એક નમૂનો :

સદ્‌ગત ગઝલકાર આદિલ મન્સૂરીએ લખ્યું હતું, ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’. તેમની ક્ષમા સાથે. અમદાવાદના ભૂવા વિશે કહી શકાય, ‘સડકની વચ્ચોવચ મોટા ભૂવા મળે ન મળે/ વગર પાણીના આ છીછરા કૂવા, મળે ન મળે’. આદિલે ભલે વતનની ઘૂળથી માથું ભરી લેવાની વાત કરી હોય, મેગાસીટી અમદાવાદનો કવિ, ‘ભૂવાના પ્રેમથી માથું ભરી દઉં કાતિલ’  એવા મક્તા દ્વારા ગઝલનું ભાવસભર સમાપન કરી શકે. વાતને નગરકેન્દ્રીને બદલે ભાવનાકેન્દ્રી  અને વૈશ્વિક બનાવવી હોય તો માધવ રામાનુજની ‘એક એવું ઘર મળે આ વિશ્વમાં’ પરથી પ્રેરણા લઇને કહી શકાય ઃ ‘એક એવો પથ મળે આ   શહેરમાંં/ જ્યાં ભૂવાના ભય વિના હું જઇ શકું.’

આટલું વાંચીને ઘણાને પાયાનો સવાલ થઇ શકે ઃ ભૂવા જેવી  ચીજનાં વખાણ કેવી રીતે થઇ શકે? આવો સવાલ અમુક પ્રકારની ‘આર્ટી’ ફિલ્મો કે મોડર્ન આર્ટનાં કેટલાંક ચિત્રો જોઇને પણ ઘણા લોકોને નથી થતો? પરંતુ કળાની બાબતમાં આવું પૂછવાથી અજ્ઞાનીમાં ખપી જવાય, એ બીકે તે મૌન સેવે છે. વિશાળ કળાદૃષ્ટિથી જોવામાં આવે તો ભૂવો કોઇ કળાકૃતિથી કમ નથી. કોઇ ચિત્રકારની બિલાડીએ કેનવાસ પર શાહી ભરેલો ખડિયો ઢોળી નાખ્યો, તેને લીધે પડેલા ડાઘાને ઘણાએ ઉત્તમ ચિત્ર તરીકે વખાણ્યા હોવાની દંતકથા છે. તો કોર્પોરેશનના રસ્તા પર પડતાં ગાબડાં વિશે આપણે એવી દૃષ્ટિ શા માટે ન કેળવી શકીએ? ભૂવા અંગે કોર્પોરેશનની ટાઢક જોતાં, સુખી થવા ઇચ્છતા નાગરિકો વહેલી તકે ભૂવાને કળાસ્વરૂપ ગણતા થઇ જાય, એમાં જ તેમનું હિત સમાયેલું છે.

એકધારાપણું મહાન કળાનું લક્ષણ નથી. સળંગ બેઠેલાં એકસરખાં પક્ષીઓમાંથી એકાદ જુદું તરી આવતું હોય, તો એવું ચિત્ર કે એવી તસવીર વધારે કળાત્મક લાગે છે. કંઇક એવી જ રીતે, એક પણ ખાડા વિનાનો સળંગ રસ્તો ‘હેમામાલિનીના ગાલ જેવો’ (સૌજન્યઃ લાલુપ્રસાદ યાદવ) લાગી શકે, પણ મોહમુક્ત થઇને વિચારતાં એ નીરસ, એકધારો, કંટાળાપ્રેરક લાગે છે. (રસ્તાની વાત થાય છે)

ગુલઝાર જેવા કવિએ આવી સપાટ, ખાડા વગરની સડક માટે ‘ઉમ્રસે લંબી’ જેવું વિશેષણ વાપર્યું હતું. પરંતુ એ જ રસ્તા પર વચ્ચે વચ્ચે નાનામોટા ખાડા આવતા હોય, બે-ત્રણ ઠેકાણે રસ્તો બેસી જતાં ભૂવા સર્જાયા હોય, તેની બહાર ‘વર્ક ઇન પ્રોગ્રેસ’નાં પાટિયાં લાગ્યાં હોય, ચોમાસામાં ખાડા પાણીથી ભરાઇ જતાં, રસ્તાની વચ્ચોવચ અનેક જળાશયો રચાયાં હોય..આ વર્ણન કેવું રમ્ય અને કુદરતી લાગે છે.

હકીકત એ છે કે આજનો માનવ  સુખસાહ્યબીની અને સ્વકેન્દ્રીપણાની લ્હાયમાં પ્રકૃતિથી વઘુ ને વઘુ દૂર બની રહ્યો છે. તેને સળંગ, સપાટ, ભાવશૂન્ય, કૃત્રિમ એવા સીમન્ટ કે ડામરના રસ્તા વધારે ગમે છે, પણ એ જ રસ્તા પર ઠેકઠેકાણે ખાડા કે ભૂવા સ્વરૂપે માટીનો- કુદરતનો પ્રાદુર્ભાવ થાય, ત્યારે એ મોં બગાડે છે. એ સમજી શકતો નથી કે રસ્તા પરના ખાડા અને ભૂવા કુદરતે તેને પોતાની નજીક આવવા માટે પૂરી પાડેલી વઘુ એક તક છે. કોઇ પણ મહાપુરૂષ તેમની માનવીય મર્યાદાઓ અને ક્ષતિઓને લીધે વધારે સ્વાભાવિક-વાસ્તવિક લાગે છે. રસ્તાનું પણ એવું જ છે. શહેરના રસ્તા સીધેસીધા પથરાયેલા હોય તો કોઇને એવું લાગે કે ‘આવા તે કંઇ રસ્તા હોતા હશે?  આ તો વાહનો માટેના ટેસ્ટિંગ ટ્રેક લાગે છે.’ પરંતુ રસ્તા પર વચ્ચે વચ્ચે પડેલા ખાડા-ભૂવાને લીધે જ એ રસ્તો ‘આદર્શ’ નહીં, પણ આપણા જેવો- મર્યાદાથી ભરપૂર લાગે છે અને તેની સાથે ‘પોતીકાપણું’ અનુભવી શકાય છે.

ભૂવા વિશે આવો અઘ્યાત્મરંગી અને સુખનો માર્ગ દેખાડતો  દૃષ્ટિકોણ કેળવવા માટે ‘આર્ટ ઑફ લિવિંગ’ની તરાહ પર ‘આર્ટ ઑફ ડિગિંગ’ના ક્લાસ ચાલુ કરી શકાય. સંતકવિઓએ કણકણમાં ઇશ્વર જોવાની વાત કરી હોય, તો ખાડેખાડામાં ઇશનો વાસ છે એવું શા માટે ન કહી શકાય? અઘ્યાત્મ ખાડામાં (પડેલું) હોય કે ન હોય, પણ (રસ્તા પરના) ખાડામાં અઘ્યાત્મનાં દર્શન થાય ત્યારે સમજવું કે ભારતની પ્રાચીન આઘ્યાત્મિક પરંપરા સુરક્ષિત છે અને આપણે તેના ગૌરવવંતા સંવાહક બન્યા છીએ. 

2 comments:

  1. Anonymous1:23:00 AM

    સુંદર કટાક્ષ! મજા આવી. :)

    ReplyDelete
  2. ભૂવાઓ ધૂણતા જોયા છે. પરંતુ ઉલટા ક્રમે અમદાવાદીઓને ધૂણાવતા ભૂવા જોવા છે;ઓહોહો..એ કેવા'ક હશે! -પણ...ઊફફફ!.. આ અમારો મુંબઈનો વરસાદ અહીંથી નીકળવા દ્યે તો ને!

    ReplyDelete