Tuesday, August 13, 2013

સેન વિરુદ્ધ ભગવતી : અર્થ(શાસ્ત્રીઓ)નો અનર્થ

કહેણી એવી છે કે ‘જ્ઞાનીસે જ્ઞાની મિલે તો કરે જ્ઞાનકી બાત’. પરંતુ હંમેશાં એમ બનતું નથી. પ્રો.અમર્ત્ય સેન અને પ્રો.જગદીશ ભગવતી વચ્ચે થયેલા -અને પ્રસાર માઘ્યમોએ હદ બહાર ચગાવેલા- કડવા વિવાદે વઘુ એક વાર એ સાબીત કર્યું છે.

પ્રો.અમર્ત્ય સેન અર્થશાસ્ત્રમાં તેમના પ્રદાન બદલ નોબેલ મેમોરિયલ પ્રાઇઝ મેળવી ચૂક્યા છે, જે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તબીબીવિજ્ઞાન, સાહિત્ય અને શાંતિ માટે અપાતાં નોબેલ પારિતોષિક કરતાં અલગ હોવા છતાં, એટલું જ પ્રતિષ્ઠિત ગણાય છે. પ્રો.સેનના કટ્ટર હરીફ પ્રો.ભગવતી અર્થશાસ્ત્રમાં એ જ સન્માનના મજબૂત હકદાર મનાય છે. પ્રો.સેન હાર્વર્ડ યુનિવર્સિટી સાથે અને પ્રો.ભગવતી કોલંબિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલા હોવાથી, નોબેલ સન્માનને બાદ કરતાં બન્નેનો મોભો સમકક્ષ છે.

પ્રો.ભગવતી કરતાં માંડ નવ મહિને મોટા પ્રો.સેન આ નવેમ્બરમાં એંસી વર્ષ પૂરાં કરશે. તેમણે અર્થશાસ્ત્રી ઝ્‌યોં ડ્રેઝ સાથે લખેલું પુસ્તક ‘એન અનસર્ટન ગ્લોરીઃ ઇન્ડિયા એન્ડ ઇટ્‌સ કોન્ટ્રાડિક્શન્સ’ આ વર્ષે પ્રગટ થયું. તેમની સાથે જૂની હરીફાઇ ધરાવતા પ્રો.ભગવતીએ પ્રો.અરવિંદ પાનાગરિયા સાથે મળીને એક પુસ્તક લખ્યું : ‘વ્હાય ગ્રોથ મેટર્સ : હાઉ ઇકોનોમિક ગ્રોથ ઇન ઇન્ડિયા રીડ્યુસ્ડ પોવર્ટી એન્ડ ધ લેસન્સ ફો અધર ડેવલપિંગ કન્ટ્રીઝ’. પ્રો.પાનાગરિયા અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રો.ભગવતીના નામની ‘ચેર’ (દાનથી ઉભા કરાયેલા સ્થાન પર અઘ્યાપકપદું) શોભાવે છે.

સેન-ભગવતી વચ્ચેની સ્પર્ધા જાણકારોના મતે પાંચેક દાયકા જૂની છે. પ્રો.સેનને નોબેલ પારિતોષિક મળ્યા પછી તેમાં કડવાશનો નવો ડોઝ ઉમેરાય એ સમજી શકાય એવું છે. પરંતુ હાલની તકરારની શરૂઆત સેન-ડ્રેઝના પુસ્તકની સમીક્ષાથી થઇ. બ્રિટિશ સામયિક ‘ઇકોનોમિસ્ટ’માં એ સમીક્ષા છપાઇ, એટલે ભગવતી-પાનાગરિયાએ તંત્રીને પત્ર લખ્યો. તેમાં સેન-ડ્રેઝના પુસ્તકની અડફેટે લીઘું. તેમનો મુખ્ય આરોપ છે કે પ્રો.સેન આર્થિક વૃદ્ધિ (ગ્રોથ)ની તરફેણમાં હોવાનો કેવળ ડોળ (‘લીપ સર્વિસ’) કરે છે. તેના જવાબમાં, પ્રો.સેને પોતાના વલણનો આક્રમક બચાવ કર્યો.

તણાયેલી શબ્દ-તલવારો

આગ બરાબર લાગી ચૂકી હતી. દરમિયાન, નવા પુસ્તક નિમિત્તે સમાચારમાં રહેલા પ્રો.સેને એક મુલાકાતમાં કહ્યું કે તે ગુજરાતના મુખ્ય મંત્રીને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતા નથી. ગુજરાતના બહુ વખણાયેલા વિકાસ મોડેલમાં કેટલીક બાબતોની તેમણે પ્રશંસા કરી અને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે રહેલાં ગાબડાંની ટીકા પણ કરી. પ્રો.સેનનાં આ વિધાનોથી બળતામાં પેટ્રોલ હોમાયું. અર્થશાસ્ત્રની બે છાવણીઓ કોંગ્રેસ-ભાજપના રાજકીય જૂથમાં વહેંચાઇ ગઇ. ભાજપના ઉત્સાહી સાંસદ-પત્રકાર ચંદન મિત્રાએ પ્રો.સેનને અપાયેલો ‘ભારતરત્ન’ પાછો લેવા સુધીનો ઉશ્કેરાટ બતાવ્યો અને પછી માફી પણ માગી.

બન્ને વચ્ચેની તકરારનો મૂળભૂત મુદ્દો ‘ગ્રોથ’ (આર્થિક વૃદ્ધિ) અને ‘ડિસ્ટ્રિબ્યુશન’ (વહેંચણી)ને લઇને છે, પરંતુ એ ખેંચતાણ ‘પહેલી મરઘી કે પહેલું ઇંડું?’ની યાદ અપાવે એવી બની ગઇ છે. પ્રો.સેન માને છે કે સરકાર દ્વારા નાણાંની વહેંચણી યોગ્ય રીતે કરવામાં આવે, તો ગરીબ લોકો શિક્ષણ-આરોગ્ય જેવા મૂળભૂત સંઘર્ષોમાંથી ઉગરે અને જરા ઊંચા આવે. એટલે કે, સરકાર ગરીબોની મૂળભૂત જરૂરિયાતો માટે ઉદાર હાથે સબસીડી આપે, તો દેશની સર્વાંગી વૃદ્ધિ થાય. ગરીબોને પણ આર્થિક વૃદ્ધિનો લાભ મળે. ગરીબી દૂર કરવા અંગેના અર્થશાસ્ત્રીય ચિંતનને કારણે પ્રો.સેન ‘અર્થશાસ્ત્રનાં મધર ટેરેસા’ તરીકે પણ ઓળખાય છે. પરંતુ એ વિશેષણમાં પ્રશંસાની સાથોસાથ ટીકાનો ભાવ પણ છે. કારણ કે મધર ટેરેસા ઉપર પણ ગરીબોની ગરીબી જળવાઇ રહે એ રીતે તેમની સેવા કરવાનો આરોપ મુકાતો હતો.

પ્રો.સેનની ગરીબતરફી છાપથી પ્રો.ભગવતી ઘુંવાપુંવા થાય છે. એમની દલીલ છે કે ગરીબોની ચિંતા ફક્ત સેનને જ છે, એવું કોણે કહ્યું? અમે પણ સેનની જેમ જ ગરીબી દૂર કરવા ઇચ્છીએ છીએ. અમારી પદ્ધતિ જુદી છે. પ્રો.ભગવતીએ લખ્યું છે કે ‘હું સાઠના દાયકાથી આયોજન પંચમાં ગરીબીનિવારણનું કામ કરું છું. સેન તો ત્યારે ક્યાંય ન હતા.’ પ્રો.ભગવતી માને છે કે ગરીબોમાં રૂપિયા વહેંચવા માટે પહેલાં રૂપિયા જોઇએ કે નહીં? તેમની સુધારા પદ્ધતિમાં પહેલો તબક્કો (ટ્રેક ૧ રીફોર્મ) છે : દેશના અર્થતંત્રમાં વૃદ્ધિ થાય એ માટેનાં પગલાં લેવાં. ત્યાર પછી બીજા તબક્કાના (ટ્રેક ૨) સુધારા અમલમાં આવે. તેમાં આર્થિક વૃદ્ધિના પરિણામે મળેલાં નાણાં યોજનાઓ થકી નહીં, પણ સીધાં ગરીબોને મળે એ રીતે પહોંચવાં. ગરીબો એ નાણાં પોતાની પસંદગી અને પ્રાથમિકતા મુજબ વાપરી શકે અને પોતાનું જીવનધોરણ ઊંચું લાવી શકે.

સામાન્ય છાપ એવી છે કે પ્રો.સેન ગરીબતરફી છે અને પ્રો.ભગવતી બજારતરફી. પરંતુ ગરમાગરમીની સહેજ અંદર જતાં જણાશે કે પ્રો.ભગવતી પણ હાડોહાડ બજારવાદી નથી એટલે કે ‘બજાર બઘું સંભાળી લેશે’ અને ‘સરકારે બિલકુલ વચ્ચે પડવું જોઇએ નહીં’ એવું એ માનતા નથી. સરકારે ગરીબોને મદદ કરવી જોઇએ, એવો વેલ્ફેર સ્ટેટનો સિદ્ધાંત તે સ્વીકારે છે. આવી મૂળભૂત બાબતમાં સેન-ભગવતી એકમત છે.

ફરક પ્રાથમિકતાનો છે અને એ મોટો છે. દા.ત. અમર્ત્ય સેને સરકારના વિવાદાસ્પદ ફુડ સિક્યોરિટી બિલને ટેકો આપ્યો હતો. કારણ કે એ માને છે કે પહેલાં ગરીબો પાછળ ખર્ચ કરીને તેમને ગરીબીરેખાથી ઉપર લાવશો તો દેશના ‘વર્કફોર્સ’માં- કામ કરવાની ક્ષમતા ધરાવનારા લોકોમાં- વધારો થશે. પરિણામે આર્થિક વૃદ્ધિ મળશે. પ્રો.ભગવતી માને છે કે ફુડ સિક્યોરિટી બિલ-ગ્રામીણ રોજગાર યોજના જેવી અબજો રૂપિયાનું આંધણ કરનારી યોજનાથી દેશના અર્થતંત્રને ફટકો પડશે અને આર્થિક વૃદ્ધિ રૂંધાશે. આર્થિક વૃદ્ધિ જ નહીં થાય, તો ગરીબોને મદદ કરવાનાં નાણાં ક્યાંથી આવશે?

ફુડ સિક્યોરિટી બિલ અને ગ્રામીણ રોજગાર યોજના માટેની અઢળક સરકારી સબસીડીનો વિરોધ થાય ત્યારે પ્રો.સેનની દલીલ છે : ‘ગરીબોને સીધી મદદ કરતી હોય એવી સબસીડી જ તમને કેમ ખટકે છે? વીજળી, બળતણ, ખાતર, રાંધણગેસ- આ બધામાં સરકાર સબસીડી આપે છે, પણ એ મારા-તમારા જેવા લોકોના લાભાર્થે હોય છે. એટલે આપણે એનો વિરોધ કરતા નથી.’ રોજગાર યોજના કે ફુડ સિક્યોરિટીના અમલમાં ઘણાં ગાબડાં રહી જાય છે. પ્રો.સેન એ સ્વીકારે છે. ફુડ સિક્યોરિટી વિશેનો કાયદો સંસદમાં ચર્ચા કરીને આણવાને બદલે વટહુકમ તરીકે લાવવો પડે એ તેમને નાપસંદ છે. કારણ કે સંસદમાં ચર્ચાથી આ જોગવાઇમાં રહેલાં કેટલાંક ગાબડાં પુરી શકાયાં હોત. છતાં, ગરીબીનિવારણ માટેની સબસીડીની બાબતમાં પ્રો.સેન ‘આટલું પણ કોણ કરે છે?’ એવી વિચારસરણી ધરાવે છે. આ બાબતમાં બીજી સબસીડીઓનો વિરોધ ન થતો હોવાનો પ્રો.સેનનો મુદ્દો સાચો હોવા છતાં, ફક્ત એટલા કારણથી ફુડ સિક્યોરિટી માટેની અઢળક સબસિડી વાજબી ગણી શકાય?

ભાવનાનો પ્રશ્ન

કેવળ અર્થશાસ્ત્રની વાત હોય તો ઘણા મુદ્દે પ્રો.સેનના વિચાર વઘુ ભાવનાત્મક અને પ્રો.ભગવતીના વિચાર વઘુ તાર્કિક લાગે છે. (લખાણોમાં પ્રો.ભગવતી વઘુ અંગત અને કટુ જણાય છે) પરંતુ ગુજરાતના મુખ્ય મંત્રીની વાત આવે ત્યારે પ્રો.ભગવતી અને તેમના સહયોગી પ્રો.પાનાગરિયા ભાવનાશીલ બની જતા લાગે છે. ગુજરાતની આર્થિક વૃદ્ધિની કેટલીક બાબતો પ્રો.સેને નમૂનેદાર ગણાવી છે અને કેટલીકની ટીકા કરી છે, પરંતુ પ્રો.ભગવતી-પ્રો.પાનાગરિયા ‘નરેન્દ્ર મોદી ઇકોનોમિક મોડેલ’નાં વખાણ કરીને એવું સૂચવે છે, જાણે મુખ્ય મંત્રી મોદી પાસે અર્થશાસ્ત્રનું કોઇ મૌલિક મોડેલ હોય- અને મોદી વડાપ્રધાન બને તો તેને રાષ્ટ્રિય સ્તરે લાગુ પાડી શકાવાનું હોય.

સબસિડીના પ્રખર વિરોધી અને ગરીબોને કેશ વાઉચર્સ દ્વારા સીધી આર્થિક મદદ મળવી જોઇએ, એવું માનનાર પ્રો.ભગવતી મુખ્ય મંત્રીના લોકરંજક આર્થિક નિર્ણયોને કેવી રીતે નજરઅંદાજ કરી શકે? (ખરું જોતાં આર્થિક નીતિની બાબતમાં યુપીએ-ભાજપ વચ્ચે પણ નહીંવત્‌ તફાવત છે.) મુખ્ય મંત્રી મોદીએ ડીઝલ સબસીડી દૂર કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. મલ્ટીબ્રાન્ડ રીટેલમાં સીધા વિદેશી મૂડીરોકાણના તે વિરોધી છે. કારણ કે આ બઘું ‘ઇટાલિયન વેપારીઓના લાભાર્થે’ હોવાનું તે માને છે. ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ કરવાથી દેખીતો આર્થિક ફાયદો છે. છતાં ગુજરાતના મુખ્ય મંત્રી એ માટે રાજી નથી. સબસીડીનો વિરોધ તો બાજુ પર રહ્યો, મોદી ખેડૂતો માટે લોનમાં ૧૦૦ ટકા રાહત અને વીજળીના બિલમાં ૫૦ ટકા રાહતની જાહેરાત કરે છે. પ્રો.ભગવતી જેના કડક ટીકાકાર છે એ ગ્રામીણ રોજગાર યોજનાને ગુજરાતના મુખ્ય મંત્રીએ મજૂરીના દરમાં વધારા સાથે અમલી બનાવી છે. (મિહિર શર્મા, ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’) પરંતુ પ્રો.ભગવતીનું જૂથ આ હકીકતો અવગણે છે. એ કદાચ એવી આશા સેવતા હશે કે એક વાર મોદી વડાપ્રધાન બની જાય તો પછી તેમને સંપૂર્ણપણે પોતાના (ભગવતીના) માર્ગે વાળી શકાશે. વાસ્તવમાં, યુપીએ સરકારની આધાર કાર્ડ અને કેશ ટ્રાન્સ્ફરની યોજનાઓ પ્રો.ભગવતીના મોડેલમાં બરાબર બેસે એવી છે.

ભારતમાં ગરીબ અને અત્યંત ગરીબ એવા બે વર્ગ પાડવામા આવે તો, અત્યંત ગરીબોનું પ્રમાણ નિર્ણાયક રીતે ઘટ્યું છે અને એ વિવાદ નહીં, પણ આનંદની બાબત હોવી જોઇએ એવી દલીલ સ્વામિનાથન અંકલેસરિયા ઐયરે કરી હતી. આ સારા સમાચાર માટે પ્રો.સેનના મોડેલ પ્રમાણેની સરકારી યોજનાઓ જવાબદાર છે કે પ્રો.ભગવતીના મોડેલ સાથે મેળ ખાતી આર્થિક વૃદ્ધિ કારણભૂત છે, એ પણ ઉગ્ર વિવાદનો મુદ્દો છે.

સાર એટલો જ કે પ્રો.સેન અને પ્રો.ભગવતી વચ્ચેની કડવાશભરી ચર્ચામાં અર્થશાસ્ત્રીય વિચારભેદ જેટલી જ માત્રામાં વ્યક્તિગત ભાવનાશીલતા-આશાવાદ અને ગમા-અણગમા ભળેલા છે. એટલે કોઇ એક પક્ષ સાથે સંપૂર્ણ સંમતિ અઘરી બની જાય છે.  

6 comments:

 1. Anonymous8:40:00 PM

  Good analysis of both theorists of Economic Advisors to Government. Only future experience would lead us to judge the predictable theory, and would prove its correctness.

  Urvish, the beneficiary of two different theories could also be different; (1) poor - at the receiving end (2) rich - the facilitator of theory!!!

  ReplyDelete
 2. very well written. Evan a layman can understand the economic points

  ReplyDelete
 3. ગૂડ ઉર્વીશભાઈ..વેરી મચ 'બેલેન્સ્ડ'. ખરેખર આ મુદ્દા વિષે સૌથી સારી જાણકારી અહીંથી મળી.

  ReplyDelete
 4. ઉર્વીશભાઈ,

  રસપ્રદ વિશ્લેષણ. હું અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી છું (!) અને છેલ્લા એક દસકાથી આ વિષયને ઝીણવટથી સમજવાની મથામણમાં છું. સમાજ-જીવન, આર્થિક-જીવન અને રાજકારણ જેવા સામાજિક-વિજ્ઞાનની મર્યાદા કહો તો મર્યાદા અને વિશેષતા કહો તો વિશેષતા, કે તેમની કોઈ સીમા હોતી નથી.. આ વિજ્ઞાન (?) અમર્યાદ છે..સતત વિસ્તરતું છે. અર્થશાસ્ત્રમાં એકજ સમયે બે પરસ્પર વિરોધાભાસી વાત કેહવા માટે બંને વ્યક્તિને "noble" મળેલાના દાખલા છે. જ્યાં સુધી સેન-ભગવતીની વાત છે, હું સેનસાહેબના વિશ્લેષણને અને એની પાછળના આશાવાદને સૈધાંતિક રીતે માનવા પ્રેરાઉં છું પણ જયારે વાસ્તવિકતાની વાત આવે અથવાતો જયારે વાત "pragmatism" ની હોય ત્યારે સેનસાહેબ થોડા ઓછા વ્યવહારુ ભાસે છે.. સામે પક્ષે, ભગવતી આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં ઉચિત લગે છે તેમ છતાં જયારે વાત "અમલીકરણ" ની આવે ત્યારે સાવ સાચા લગતા નથી.. આનું એક કારણ એ છે કે અર્થશાસ્ત્ર અને રાજકારણ વચ્ચે વ્યસ્ત સંબંધ છે... "Inversely Proportionate" ... દેશની આર્થિક-વ્યવસ્થા એક જટિલ મહાકાય યંત્ર સમાન છે જેમાં હમેશા કોઈ ને કોઈ પૂરજો ઢીલો હોવાનો જ.. આપડી બધી શક્તિ મરમ્મતમાં ખર્ચાય તો પછી આગે-કૂચ કેવી રીતે થશે અને જો વ્યવસ્થિત મરમ્મત નહિ થાય તો આગે-કૂચ શેના વડે કરશું? .. "Its a paradox" ...

  મને તમારું લખાણ ગમ્યું કારણકે તમે "કાંકરી-ચાળો" નથી કર્યો.. નહીતર ઘણા બેવકૂફો સમજ્યા વગર આડેધડ સલાહ-સૂચનો કરતા રહે છે..આશા છે કે આ જ રીતે "balanced manner" માં તમે દેશ અને દુનિયાને સ્પર્શતા અન્ય આર્થિક પ્રશ્નોને ચર્ચાઅર્થે રજુ કરશો..

  ફરી એક વખત..આભાર !!

  વિમલ શાહ
  વલ્લભ વિદ્યાનગર

  ReplyDelete
 5. એકદમ એકેડેમિક ચર્ચાઓની જટિલતા સાથે બાંધછોડ કર્યા વગર સરળ, પ્રવાહી શૈલીમાં લખવાનું...તમને તો ફાવે છે, યાર! :) સરસ લેખ!

  સેન-ભગવતી ચર્ચા એ દેશની એક મહત્વની ચર્ચા છે અને જાહેર માધ્યમોમાં તે આવી તે બહુ કહેવાય પણ થોડી કટુતા અને અંગત આક્ષેપો ઓછા થયા હોત તો જનતા ચર્ચાના મુદ્દાઓ પર વધુ ધ્યાન આપી શકી હોત.

  ReplyDelete
 6. Wonderful piece indeed Urvish. It's not easy to simplify (without being simplistic) the viewpoints of these two economic giants without coming across as sympathetic to one camp or the other. You have accomplished this with great maturity and an excellent understanding.

  ReplyDelete