Monday, August 26, 2013
અમીર ખુસરો : સાડા સાત સદી પહેલાંના સવાયા હિંદુસ્તાની કવિ-સંગીતકાર
Amir Khusro/ Indian Stamp |
ઇતિહાસને ભૂલી જવાની ભારતીય પરંપરામાં સાડા સાત સદી પછી પણ અમીર ખુસરો (ઇ.સ.૧૨૫૩-ઇ.સ.૧૩૨૫)ની યાદ તાજી રહે, તેમાં મોટી કમાલ અમીર ખુસરોના પ્રદાનની છે. એ બીજા અનેક દરબારીઓની જેમ કેવળ દરબારી પંડિત હોત તો ઇતિહાસનાં બીજાં ઘણાં નામની જેમ અમીર ખુસરોનું નામ હસ્તપ્રતો અને કાગળીયાંમાં દટાઇ ગયું હોત. પરંતુ ભલભલા બાદશાહ-સુલતાનોનાં નામ લોકસ્મૃતિમાંથી ભૂંસાઇ ગયાં છે, ત્યારે અમીર ખુસરો ૭૫૦થી પણ વઘુ વર્ષોથી પોતાની રચનાઓ દ્વારા જીવે છે અને રસિકજનોના પ્રેમાદરનું પાત્ર બની રહ્યા છે. આ સિદ્ધિ તેમને, એક દરબારી કવિને, ભારતના મહાન ભક્તકવિઓની હરોળમાં મુકે છે. તેનું એક કારણ એ છે કે ખુસરોએ સાત-સાત બાદશાહોની ખિદમત કરી હોવા છતાં, ભારતના જનસામાન્ય અને તેમની બોલી સાથે ખુસરોનો નિકટનો નાતો રહ્યો છે.
Amir Khusro/ Pakistan Postal Stamp |
કવિ તરીકે ખુસરોની કક્ષા વર્ણવવા માટે ગાલિબનો આ શેર પૂરતો છે : ‘ગાલિબ મેરે કલામમેં ક્યું કર મઝા ન હો/ પીતા હું ધોકે ખુસરવે શીરીં સુખન કે પાંવ.’ (મારી રચનાઓ કેમ સરસ ન હોય? હું ખુસરોની મીઠી શાયરીના પગ ધોઇને પીઉં છું.) સંગીતમાં તેમના પ્રદાનનો એક નમૂનો : હિંદુ ભજનોની શૈલી પરથી પ્રેરણા લઇને તેમણે તૈયાર કરેલો સુફી ભક્તિસંગીતનો નવો પ્રકાર - કવ્વાલી- સાતસો વર્ષ પછી પણ સંગીતપ્રેમીઓમાં એટલો જ લોકપ્રિય છે. હા, કવ્વાલી અને સૂફીસંગીત અમીર ખુસરોની દેન છે.
દરબારી કવિ હોવાના કારણે ખુસરોને સુલતાનોની તારીફ કરતી શાયરી રચ્યા વિના છૂટકો ન હતો. ઘણા સુલતાનો પોતાની બહાદુરીનાં કારનામાં લખાવવા માટે ખુસરોને પોતાની સાથે લશ્કરી ચડાઇમાં પણ લઇ જતા હતા. પોતાની ફોજની સાથે યુદ્ધમાં પણ લઇ જતા હતા. અલાઉદૃીન ખીલજીએ ચિત્તોડ પર ચઢાઇ કરી અને સૌંદર્યમૂર્તિ રાણી પદ્મિનીએ ખીલજીના શરણે જવાને બદલે જૌહર (અગ્નિસ્નાન) કર્યું, એ વખતે ખુસરો ખીલજીની ફોજ સાથે હતા. લોહિયાળ જંગ ખેલતા ક્રૂર સુલતાનોના સિતમની બિરદાવલીઓ રચવી, એ તેમની મજબૂરી હતી. બાકી, તેમનો જીવ શાયરી અને સંગીતનો હતો.
ફારસી, અરબી, તુર્કી ઉપરાંત ગ્વાલિયરથી મથુરા સુધીના પ્રદેશમાં ચલણી વ્રજભાષા, દિલ્હીની આસપાસ બોલાતી ખડી બોલી, પંજાબી જેવી ભારતીય ભાષાઓ પર ખુસરો કવિતા કરી શકાય એટલું પ્રભુત્વ ધરાવતા હતા. જુદા જુદા સરદારોની સાથે જોડાયેલા ખુસરોને ભારતના જુદા જુદા પ્રદેશોમાં ફરવાનું થયું, ત્યારે તેમણે દરબાર સિવાયના સમયમાં સ્થાનિક પ્રજા અને તેમની બોલી સાથે એકરસ થવાનો પ્રયાસ કર્યો. સામાન્ય પ્રજાનાં દુઃખદર્દ અને તેમની રોજબરોજની જિંદગીમાં રહેલા આનંદને ખુસરો પામી શક્યા. અનુભવની આ મૂડીના જોરે ફારસીમાં સુલતાનોની પ્રશંસા કરનારા ખુસરોએ, હિંદુસ્તાનના ગ્રામ્ય લોકો માટે તેમની ભાષામાં ગીતો-ઉખાણાં અને મનોરંજક ચીજો લખી. દિલ્હીની આસપાસના વિસ્તારની બોલીને ‘હિંદવી’ નામ પણ ખુસરોએ આપ્યું હોવાનું કહેવાય છે (જે આગળ જતાં ‘હિંદી’ બની).
હિંદ અને હિંદવી માટેનો પોતાનો પ્રેમ પ્રગટ કરતા એક શેરમાં ખુસરોએ કહ્યું હતું, ‘ચુ મન તુતી-એ-હિંદમ અર રાસ્તા પુર્તી/ જિ મન હિંદવી પુર્સ તા નગ્જ ગોયમ’ (હું હિંદની તુતી છું- તેનાં ગુણગાન ગાતો પોપટ છું- મને હિંદવી વિશે પૂછો, જેથી હું હિંદવીમાં મારી કાવ્યકળા પ્રદર્શીત કરી શકું.) હિંદવી માટેનો અનુરાગની સાથે ખુસરોની પ્રયોગશીલતાનો પરિચય તેમની એક વિશિષ્ટ ગઝલમાંથી મળે છે. સાત સદી પહેલાં લખાયેલી આ ‘ફ્યુઝન’ ગઝલના દરેક શેરનો પહેલો મિસરો ફારસી અને બીજો વ્રજભાષાનો હતો. એટલું જ નહીં, પહેલા શેરમાં તો બન્ને મિસરા અડધા ફારસી, અડધા વ્રજભાષામાં છે. એ ગઝલના નમૂનારૂપ શેર :
જે હાલ મિસકીં મકુન તગાફુલ દુરાય નૈના બનાયે બતિયાં
કિ તાબે હિજ્રાં ન દારમ એ જાં ન લેહુ કાહે લગાયે છતિયાં
(આ ગરીબની દશાની ઉપેક્ષા કરશો નહીં. હવે હું વિરહ સહી શકતી નથી. મને તમારા આલિંગનમાં સમાવી લો.)
શબાન હિજ્રાં ન દારજ ચૂં જુલ્ફ વ રોજેમસલત ચૂ ઉમ્ર કોતાહ
સખી પિયા કો જો મૈં ન દેખું, તો કૈસે કાટું અંધેરી રતિયાં
( વિરહની રાતો તારાં જુલ્ફાંની જેમ લાંબી અને મિલનની ઘડીઓ જિંદગી જેવી ટૂંકી છે. પ્રિયતમનાં દર્શન વિના વિરહની અંધારી રાત શી રીતે વીતશે?)
ચુ શમા સોજાં ચુ જર્રા હૈરાં હમેશા ગીરીયાં બઇશ્ક આં મેહ
ન નીંદ નૈના, ન અંગ ચૈના, ન આપ આવે ન ભેજે પતિયાં
(પ્રેમમાં દીપકની જેમ બળું છું અને સૂર્યનાં કિરણોમાં વેરવિખેર દેખાતાં રજકણોની જેમ ગભરાઉં છું. આંખોમાં નિંદર નથી, શરીરને ચેન નથી. નથી તમે આવતા, નથી તમારો કાગળ આવતો)
સાબરી બ્રધર્સ જેવા ગાયકોના કંઠે આ પંકિતઓ સાંભળતાં એ તેરમી સદીની નહીં, એકવીસમી સદીની લાગે છે.
લેખનની જેમ સંગીતમાં પણ અમીર ખુસરોનું પ્રદાન પ્રચંડ છે. ‘મન કુંતો મૌલા’ જેવા પેગંબરવચનની ખુસરોએ બાંધેલી તરજ અને તેની સાથે ગાયકી માટે ઉમેરેલા ‘દરદિલ’ (તુમ જાનો), ‘દાની’ (દિલમેં હૈ), તનાના જેવા શબ્દો ભક્તિનો અનોખો માહોલ પેદા કરે છે. ‘હમ તુમ તાનાનાના, યાલાલી યાલાલી યાલા રે’ જેવા મહદ્ અંશે તાલ અને ઘ્વનિસૂચક શબ્દોને કારણે એક લીટીની આ કવ્વાલીને નુસરત ફતેહઅલીખાન, સાબરી બ્રધર્સ કે આબીદા પરવીન જેવા કલાકારો અડધા કલાક સુધી બહેલાવીને રસિક શ્રોતાઓને સમાધિની અનુભૂતિ કરાવી શકે છે.
મન કુંતો મૌલા (સાબરી બ્રધર્સ)
મન કુંતો મૌલા (નુસરત ફતેહઅલીખાન)
મન કુંતો મૌલા (આબીદા પરવીન)
મન કુંતો મૌલા (ઝફરહુસૈનખાન બદાયુંની)
કૌલ, કવ્વાલી, તરાના, ખયાલ, સાઝગીરી અને ખયાલ ગાયકી જેવા અનેક પ્રકાર શરૂ કરવાનું શ્રેય ખુસરોને આપવામાં આવે છે. સિતાર અને તબલાં જેવાં વાદ્યોની શોધ ખુસરોએ કરી હોવાની પણ દંતકથા છે. ‘બહુત કઠિન હૈ ડગર પનઘટ કી/ કૈસે મેં ભર લાઉં મધવા સે મટકી/પનિયા ભરન કો મૈં જો ગઇ થી/ દૌડ ઝપટ મોરી મટકી પટકી/ ખુસરો નિઝામ કે બલ બલ જાઇએ/ લાજ રાખે મેરે ઘુંઘટ પટ કી’ જેવું પદ લખનાર અમીર ખુસરોની અનેક રચનાઓ ધર્મના વાડા અને ધાર્મિક ઝનૂન સામે સદીઓથી અડીખમ રહી છે. જુદી જુદી ભાષાની તેમની શાયરીના ૯૨ સંગ્રહો છે. તેમાં ફિલસૂફી અને પ્રેમથી ઉખાણાં અને જોડકણાં સુધીના પ્રકારો સામેલ છે.
હિંદની ભૂમિ અને તેના રીતરિવાજ સાથે એકરૂપ થઇ ગયેલા ખુસરોની બીજી ભાષાની રચનાઓ અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન સહિત મઘ્ય એશિયાના ઘણા દેશોમાં ગવાય છે. ભારત-પાકિસ્તાનમાં ખુસરોની રચનાઓ સફળતાની ખાતરી જેવી ગણાય છે. કવ્વાલી અને ફિલ્મી ગીતોથી માંડીને ‘કોક સ્ટુડિયો’ સુધીનાં સ્વરૂપોમાં તેમની રચનાઓ છવાતી રહી છે. આવનારા દિવસો-વર્ષો-સદીઓમાં પણ તેમની રચનાઓ કાળને મજબૂત ટક્કર આપે એટલી નાજુક તાકાત ધરાવે છે.
દિલ્હીમાં આવેલી અમીર ખુસરોની દરગાહ (તસવીર- ઇન્ટરનેટ પરથી) |
Labels:
amir khusro,
music/સંગીત
Subscribe to:
Post Comments (Atom)
બહુ સરસ. માહિતીસભર લેખ.
ReplyDeleteआफरीन..आफरीन...
ReplyDeleteThanks for the well-reaserched article. Khiljis or the Turkic rulers encouraged Sufi sect against the orthodox Islam. There used to be tussle between to interpretations of Islam and more often than not, Sufis used to have upperhand.
ReplyDeleteAmir Khusarau's Hindvi later developed into Urdu and Hindustani. I had read some where years ago that Raag Yaman was the Khusrau's contribution to the Indian classical music. he mixed some persian and Indian elements to create this Raag. The word Yaman is derived from the word Yavana. it would help you readers if you could confirm it. I have no source at hand that I can quote right now.
thanks dipakbhai for the info. Classical music is not my area. I would love to share what i found on the net regarding your suggestion. hope it would be of some interest.
ReplyDelete---------
Its origins are obscure. There is a tendency to ascribe it to Persian origins, however this is doubtful for several reasons. The first evidence is to be found in its ancient and very secure position in carnatic sangeet. It is known as "Kalyani" in this system. The second and most important piece of evidence is the fact that it appears to be modally identical to one of the old Jatis (A brief discusion of Jati may be found at "Modes and Scales in Hindustani and Carnatic Sangeet"). Thus, when one realizes that this modal form existed in Greek music (Hypolydian mode), and music of the middle east, it would be easy to ascribe this mode to proto-IndoEuropean origins. If this is the case, we are talking of a scale which antedates the concept of raga by several thousand years. Therefore rag Yaman could simply have evolved from this ancient mode with essentially no change.
http://chandrakantha.com/articles/yaman/yaman.html
--------------------------
It is denominated variously as Yaman, Iman, Eman and Aiman. Although the raga is as old as the hills, its historical antecedents are not easy to pin down. The fog of uncertainty concerning its origins has engendered many mythologies, such as the ipse dixit that awards credit for its conception to Amir Khusro.
http://www.parrikar.org/hindustani/kalyan/
Urvish
ReplyDeleteThanks for contributing on the legend, Ameer Khushrau, who advocated and promoted Islam through one of the appealing tools of poetry and music, besides created a comfort zone in the midst of plural faiths. He was part of our legacy of harnessing and co-existence with and without difference. Simply, scholar of culture and music would compartmentalize him in Arts or Culture, whereas his poetry narrated different dimension(s) of religion he was professing. De-limiting or limiting a faith which educate submission is highly academic-debating. Thanks again
Jabir
Loved this piece and all the subsequent links. This is what they mean when they talk about India's pluralistic traditions and how they have survived the test of time. And almost 4 centuries later came Dara Shikoh, another worthy spiritual successor to Khusrau. Truly,what men, and what enduring contributions.
ReplyDeleteUrvish,
ReplyDeleteAnother great well researched and informative piece. I agree that his poetry and words have powers to be around for another 7 centuries. However, I feel sad that we have been loosing the high ideals of co-existence and pluralism in past decades. I hope it's temporary wave!
SP