Wednesday, October 12, 2011

સ્ટીવ જોબ્સ, ગાંધી, પરિવર્તન અને ‘આમ આદમી’


(Steve Jobs + Gandhi : Courtsey: Aneisha Allen)

‘એપલ’ના સ્થાપક, વિસ્થાપિત અને પુનઃ સર્વેસર્વા તરીકે જાણીતા સ્ટીવ જોબ્સનું ગયા અઠવાડિયે (ઓક્ટોબર ૫, ૨૦૧૧) અવસાન થયું. ભારતમાં તેમને બધા જ ઓળખતા હોય અથવા ઘણાખરાએ તેમનું ડીઝાઇન કરેલું કોઇ ને કોઇ ઉપકરણ વાપર્યું હોય તે બિલકુલ જરૂરી નથી. (ભારત જેવા વિશાળ વસ્તી, વૈવિઘ્ય અને વિષમતા ધરાવતા દેશ માટે કશું જરૂરી માની લેવાય નહીં.) એ સંજોગોમાં અંગ્રેજી સિવાયનાં અખબારો વાંચતા ઘણા ભારતીયોને સ્ટીવ જોબ્સ મહાન હતા એટલો ખ્યાલ આવે તો પણ, તે શા માટે મહાન હતા તે સમજવું અઘરું પડી શકે- હવામાંથી અહોભાવ પકડી લેવાની આદત ન હોય ત્યારે તો ખાસ.

‘સ્ટીવ જોબ્સે દુનિયા બદલી નાખી’ એવો દાવો વાંચીને ઘણા ભારતીયોને મનોમન વિચાર આવી શકે,‘એમ? અચ્છા. સારું કહેવાય. પણ એ બીજી દુનિયા હશે. કારણ કે અમારી દુનિયા તો બદલાઇ નથી.’

આમ કહીને સ્ટીવ જોબ્સની સિદ્ધિઓને ઓછી આંકવાનો બિલકુલ ઇરાદો નથી. બલ્કે, તેમની સિદ્ધિઓને વધારે વાસ્તવિકતાથી અને અહોભાવના ઉપલકીયા ઉભરાથી સહેજ આઘા ખસીને તપાસવાનો ઉપક્રમ છે.

સફળતા અને સિદ્ધિ વચ્ચે, સફળતા અને ગુણવત્તા વચ્ચે ભેળસેળ કરવાનું હવે સામાન્ય બની ગયું છે. એટલે સ્ટીવ જોબ્સ જેવા જણને માત્ર ‘અતિ સફળ’ કે ‘અતિધનિક’ કે ‘આઇકોનિક’ જેવા ખાનામાં ખતવી નખાય નહીં. કારણ કે એ ખાનામાં બિલ ગેટ્‌સથી માંડીને લેડી ગાગાથી માંડીને હિમેશ રેશમિયા સુધીના ઘણા ઉમેદવારોનો, પસંદ કરનારની રુચિ પ્રમાણે, સમાવેશ થઇ શકે છે.

સ્ટીવની જિંદગી સફળતાનો ઉત્સવ હોત કે એકધારી સડસડાટ સફળતાના માર્ગે ચાલી હોત તો તે આટલી દંતકથાસ્વરૂપ બની હોત કે કેમ, એ પણ સવાલ છે. અભાવગ્રસ્ત શરૂઆત પછી પ્રચંડ સફળતા, આસમાની સફળતા પછી ધરતી પર પટકનારી નિષ્ફળતા અને ફરી એક વાર આકાશી બુલંદીના ચગડોળ-ક્રમે જોબ્સની જિંદગીને સંપૂર્ણ બનાવી. જોબ્સની દંતકથામાં ખૂટતું છેલ્લું પરિમાણ તેમના અપેક્ષિત છતાં અકાળ અવસાનને કારણે ઉમેરાયું. તેમને મળેલી અઢળક અંજલિઓના ખડકલામાં ખોવાઇ જવાની શક્યતા ધરાવતી અને યાદ કરી લેવા જેવી કેટલીક વાતો, આજે સ્ટીવ જોબ્સની યાદમાં.


જોબ્સ અને ગાંધીઃ અણદીઠ નાતો

દેખીતું કશું સામ્ય નથી, છતાં ગાંધીજી અને સ્ટીવ જોબ્સ વચ્ચે સરખામણી કરવાનું સૂઝે, તો વિચાર સાવ પાયા વગરનો નથી. સાવ જુદા ક્ષેત્ર અને સમયગાળાનાં બન્ને વ્યક્તિત્વો વચ્ચે થોડા મુદ્દાનું ચાવીરૂપ સામ્ય હોય અથવા તેમની વચ્ચે કોઇ પ્રકારના ભાવનાત્મક સંબંધ હોય તે પૂરતું નોંધપાત્ર ગણાય.

ના, સ્ટીવ જોબ્સ ગાંધીવાદી ન હતા કે તેમનું કાળું ટી-શર્ટ ખાદીનું ન હતું. પરંતુ ગાંધીજી પ્રત્યે તેમના મનમાં ખાસ સ્થાન હતું એવું એકથી વધારે પ્રસંગે દેખાઇ આવ્યું. એક જાણીતી ઘટના ૧૯૯૯ની છે. ‘ટાઇમ’ સામયિક એ વખતે ‘પર્સન ઓફ ધ સેન્ચુરી’ માટે સર્વેક્ષણ કરતું હતું, ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું હતું કે ‘આ માન માટે મારી પસંદગી મોહનદાસ ગાંધી છે. કારણ કે તેમણે માનવજાતની સંહારાત્મક વૃત્તિમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણને બતાવ્યો.’ ગાંધીજીએ પરિવર્તન માટે ‘પશુબળ’ને બદલે ‘નૈતિક બળ’ને આગળ કર્યું, એ માટે પણ સ્ટીવે તેમને યાદ કરીને કહ્યું હતું કે ‘માનવજાતને આ જાતના શાણપણની અત્યારે છે એટલી જરૂર અગાઉ ક્યારેય ન હતી.’

બને કે સ્ટીવના આ શબ્દોમાં કોઇને ‘ડાહી ડાહી વાતો’ પ્રકારનો ભાવ વંચાય. પરંતુ ગાંધીજી વિશેના સ્ટીવના ભાવનો ખ્યાલ તેમના જૂના સાથીદાર જોન સ્કલીએ ‘હફિંગ્ટન પોસ્ટ’ને આપેલી એક મુલાકાતમાં સાહજિક રીતે જાણવા મળ્યો. ‘પેપ્સી’માં કામ કરતા સ્કલીને જોબ્સ ‘આખી જિંદગી ગળચટ્ટાં પીણાં જ વેચ્યા કરશો?’ એવું મહેણું મારીને સ્ટીવે સ્કલીને ‘એપલ’માં ચીફ એક્ઝિક્યુટીવ તરીકે જોડાવા મનાવી લીધા હતા. પાછળથી સ્ટીવના એક પ્રોજેક્ટની નિષ્ફળતા અને મેકિન્તોશ કમ્પ્યુટરના આરંભિક ધીમા વેચાણને કારણે બન્ને વચ્ચે મતભેદ થયા. સ્કલી અને બોર્ડના બીજા સભ્યો સાથે ખટરાગના પગલે સ્ટીવને ‘એપલ’ છોડવાનો વારો આવ્યો, એ કથા જગજાહેર છે.

પણ સ્ટીવના મૃત્યુ પછી, ‘સ્ટીવનો કયો ગુણ તમારા મતે સૌથી મોટો છતાં ખાસ જાહેર ન થયો હોય એવો છે?’ એવા સવાલના જવાબમાં સ્કલીએ સ્ટીવની સાદગીને-નિસ્પૃહતાને બિરદાવતાં કહ્યું,‘તેને ધનદોલતનો ખડકલો કરવામાં રસ ન હતો. અમે જ્યારે સાથે કામ કરતા હતા ત્યારે સ્ટીવના ઘરમાં નહીં જેવું ફર્નિચર હતું: એક પલંગ, એક લેમ્પ અને આઇનસ્ટાઇન-ગાંધીની તસવીર. બસ!’

પોતાના ઘરના ઓછામાં ઓછા ફર્નિચરમાં ગાંધીની તસવીર રાખનાર સ્ટીવે ૧૯૯૭માં ‘થિન્ક ડિફરન્ટ’નું સૂત્ર ધરાવતી જાહેરખબર ઝુંબેશમાં બીજાં અનેક ક્ષેત્રની હસ્તીઓ ઉપરાંત આઇન્સ્ટાઇન અને ગાંધીજીના વ્યક્તિત્વનો પણ ઉપયોગ કર્યો હતો, તેની હવે ભાગ્યે જ નવાઇ લાગે.

સ્ટીવને નજીકથી જાણનારા સ્કલી જેવા બીજા ઘણા લોકોની અંજલિમાંથી ઉપસતી કેટલીક રેખાઓ અનાયાસ ગાંધીની યાદ અપાવે એવી છેઃ ઔપચારિક ભણતરને બદલે કોઠાસૂઝને મળેલું મહત્ત્વ, પોતાનું જીવનકાર્ય શોધવાની તત્પરતા- તાલાવેલી, એ ન મળે ત્યાં સુધી ઠરીને નહીં બેસવાનો નિર્ધાર અને એક વાર એ મળી ગયા પછી તેને આજીવન અપનાવી લેવાની દઢતા, ઊંચાં ઘ્યેય અને તેને પહોંચી વળવા માટે સાથીદારોની કસોટી કરી નાખે એવી આકરી અપેક્ષાઓ, નેતા તરીકે ઉત્તમ, મૌલિક અને બિનસમાધાનકારી, સૌંદર્યદૃષ્ટિ ગુમાવ્યા વિના સાદગી માટે દુરાગ્રહની કક્ષાનો આગ્રહ, પહેરવેશ અને બાહ્ય દેખાવ પ્રત્યે અનાસક્તિ, નિષ્ફળતાથી ડગવાને બદલે તેની સામે શીંગડાં ભરાવીને મુકાબલો કરવાનું ઝનૂન, પોતાના ઘ્યેય અને ‘અંદરના અવાજ’માં અતૂટ શ્રદ્ધા, પોતાની શક્તિઓની સાથોસાથ મર્યાદાઓનું અને પોતે શું કરી શક્યા નથી તેનું ભાન, પોતાના અને પછીના સમય પર ભૂગોળના સીમાડાને આંબતો તેમનો પ્રભાવ...

બન્ને વચ્ચેના વૈષમ્યની યાદી આનાથી અનેક ગણી વધારે લાંબી બને. છતાં બે જુદી સદીના, જુદા ક્ષેત્રોનાં વ્યક્તિત્વો વચ્ચે આટલી સમાનતા મળે તે પણ વિશિષ્ટ યોગાનુયોગ અથવા કદાચ એનાથી કંઇક વિશેષ ગણાય.


દુનિયા બદલવા વિશે

સ્ટીવ જોબ્સ માટે વપરાયેલાં વિશેષણોમાં એક સૌથી ચોટદાર વિશેષણ હતું: રી-ઇન્વેન્ટર. બજારમાં અસ્તિત્ત્વ ધરાવતા સાધનને નવેસરથી ‘શોધનાર’- તેને સાવ નવાં રૂપરંગ આપીને વ્યાપક જનસમુદાયમાં પ્રચલિત બનાવનાર.

અભ્યાસની રીતે જોઇએ તો સ્ટીવ ન હાર્ડવેરનું ભણ્યા હતા, ન સોફ્‌ટવેરનું. ન મેનેજમેન્ટની તાલીમ લીધી હતી, ન બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની. છતાં આ દરેક બાબતમાં ‘એપલ’નાં ઉત્પાદનો માટે નિર્ણય લેવાની વેળા આવતી, ત્યારે સ્ટીવનો નિર્ણય બધા ભણેલાઓ કરતાં ચડિયાતો અને આખરી રહેતો. એનું કારણ ફક્ત એટલું જ ન હતું કે તે કંપનીના માલિક હતા.

મોટા ભાગના કર્મચારીઓ જાણતા હતા કે સ્ટીવના ચુકાદામાં દમ હોય છે. ‘એપલ’ના કમ્પ્યુટરને શરૂ થવામાં લાગતો ૩૦ સેકન્ડનો સમય ઘટાડવાની વાત હોય કે ‘આઇ-ફોન’ની આખરી ડીઝાઇન મંજૂર કરવાની વાત, સ્ટીવ કહે એટલે ફાઇનલ. એ નિર્ણયો માટે કોર્પોરેટ સ્ટાઇલમાં તેમને સર્વેક્ષણો કરાવવાની જરૂર પડતી ન હતી કે ઓપિનિયન પોલ લેવા પડતા ન હતા. આત્મવિશ્વાસુ નેતા અને ગુણવત્તાના આગ્રહી તરીકેની તેમની લાક્ષણિકતા છતી કરતું એક અવતરણ હતું, ‘ગ્રાહકોને શું જોઇએ છે એ નક્કી કરવાનું કામ એમનું નહીં, મારું છે.’ (‘પબ્લિક ડીમાન્ડ’ના કે ‘પબ્લિક ટેસ્ટ’ના નામે, ‘માર્કેટમાં આ જ ચાલે છે’ એમ કહીને દરેક ક્ષેત્રમાં નબળો માલ ઠાલવતા- સફળતાને ગુણવત્તામાં ખપાવતા સૌએ આ વાત ગાંઠે બાંધવા જેવી નથી લાગતી?)

ઇન્ટરનેટના માઘ્યમથી ફિલ્મો, સંગીત, ટીવી શો અને બીજી સામગ્રી અધિકૃત રીતે, વેચનાર અને ખરીદનાર બન્નેને પોસાય એ રીતે, પૂરી પાડવામાં સ્ટીવ જોબ્સે કરેલી પહેલથી નવો ચીલો પડ્યો. ‘ટેબ્લેટ’ કમ્પ્યુટર ઘણાં વર્ષોથી હતાં, પણ સ્ટીવ જોબ્સે તેની પર હાથ મૂક્યો ને ‘આઇપેડ’ બનાવ્યું, એ સાથે જ ટેબ્લેટ કમ્પ્યુટરના બજારમાં ધરમૂળથી પરિવર્તન આવ્યાં. પર્સનલ કમ્પ્યુટર બજારમાં હતાં જ, પણ ‘એપલ’ છોડ્યા પછી સ્ટીવે બનાવેલા ‘નેક્સ્ટ’ કમ્પ્યુટર પર સંશોધક ટીમ બર્નર્સ-લીએ આજે જેને ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે તે ‘વર્લ્ડ વાઇડ વેબ’નાં મંડાણ કર્યાં હતાં.

સ્ટીવ જોબ્સની દેખરેખ હેઠળ તૈયાર થયેલાં (પર્સનલ કમ્પ્યુટર પછીનાં) ઉત્પાદનોની એક મોટી કમાલ એ હતી કે તેમાં રહેલી ઘણી શક્યતાઓનો તાગ ખુદ સ્ટીવ પણ પામી ન શકે. શારીરિક કે માનસિક મર્યાદા ધરાવતા દર્દીઓ માટે ‘એપલ’ના ટચસ્ક્રીન ધરાવતા ફોન, આઇપોડ ને આઇપેડ અનેક રીતે ઉપયોગી નીવડ્યાં છે- પોતાની મર્યાદા ઓળંગીને બીજા લોકો સાથે સંપર્ક રાખવામાં- પ્રતિભા ખીલવવામાં- સર્જકતા દર્શાવવામાં કે બીજા કોઇની મોહતાજી વિના આનંદ મેળવવામાં. ‘આઇ’ સિરીઝનાં ઉપકરણો બધાને એકસરખી રીતે કામ ન લાગે, પણ મર્યાદા ધરાવતા લોકોની સારસંભાળ રાખનારાં લોકોની પહેલ, વિવિધ ‘એપ્સ’ (સુવિધાઓ) અને વ્યક્તિની પોતાની લાક્ષણિકતા મુજબ, ખુદ સ્ટીવ જોબ્સે ન કલ્પ્યાં હોય એવાં પરિમાણ ‘એપલ’નાં ઉપકરણોમાં ઉમેરાયાં છે.

‘દુનિયા બદલી નાખનાર’નું બિરુદ મેળવનાર સ્ટીવ પોતે ટેકનોલોજી વડે દુનિયા બદલી નાખવાના ખ્યાલ વિશે શું માનતા હતા? વાયર્ડ’ માસિકને ૧૯૯૬માં આપેલી એક મુલાકાતમાં, આઇપોડ-આઇફોન-આઇપેડ બનાવ્યા પહેલાં, સ્ટીવે કહ્યું હતું, ‘ટેકનોલોજી જીવનને વધારે સરળ બનાવી શકે છે, આપણે અગાઉ જેમને મળવાના ન હતા, એવા લોકોના સંપર્કમાં લાવી શકે છે. ધારો કે એક બાળકને જન્મજાત તકલીફ છે, તો ટેકનોલોજીની મદદથી એ પ્રકારની તકલીફ ધરાવતાં બીજા બાળકોના માતાપિતાનો સંપર્ક થઇ શકે, તબીબી જાણકારી મેળવી શકાય, દવાઓમાં થઇ રહેલા લેટેસ્ટ પ્રયોગો વિશે જાણી શકાય. આ બાબતોની જીવન પર ઊંડી અસર પડે છે અને તેને હું જરાય ઓછી આંકતો નથી. છતાં આ બાબતોને સતત ને સતત ‘તેનાથી દુનિયા બદલાઇ જશે’ એવા સ્વરૂપે રજૂ કરવી એ કુસેવા છે. કોઇ બાબત દુનિયા બદલી નાખે એવી હોય તો જ મહત્ત્વની ગણાય એવું જરૂરી નથી.’

સ્ટીવની આ સમજણ યાદ તાજી કરીને ‘દુનિયા બદલનાર’ જેવું કોઇ વિશેષણ વાપર્યા વિના, સ્ટીવ જોબ્સને અંજલિ.

2 comments:

  1. He has started to even look like the 'Mahatma' with his lean body and round rimmed glasses...He is 'Gandhi' of the 21st Century !

    ReplyDelete
  2. ભરત ઝાલા3:19:00 PM

    સ્ટિવ જોબ્સના અજાણ્યા પાસાઓને ઉજાગર કરતો ને સાથે તેની સમજણ-સાદગીને અંજલિ આપતો લેખ સ્પર્શી ગયો.અહોભાવના વાવાઝોડામાં સ્થિર રહીને વિશિષ્ટ પ્રતિભાને સંતુલિત ને યોગ્ય સમ્માન આપનાર આ લેખ મારા મતે તમારો શ્રેષ્ઠ લેખ છે.વાંચવાની સાચે જ મજા આવી.સ્ટીવ નિષ્ણાત હતો એમ કહેવા કરતા એ કોઠાસૂઝવાળો સારો માણસ હતો,એ રીતે એને યાદ કરવાનું ક્યાંયે વધુ ગમશે.

    ReplyDelete