Sunday, October 09, 2011

ચંદ્રશંકર (શુક્લ)ના જેવો જાણકાર અને મહેનતુ ચરિત્રલેખક ભાગ્યે જડે: ગાંધીજી


શાંતિકુમાર મોરારજી-સ્વામી આનંદની સહિયારી પ્રસાદી (૨)

ભારતને આઝાદી મળી તે સમય ગાંધીજી માટે સ્વપ્નસિદ્ધિનો હોવો જોઇતો હતો, પણ તેમને માટે એ સ્વપ્નભંગનો બન્યો. સરહદની બન્ને બાજુ ભડકેલી કોમી હિંસામાં ગાંધીજી પોતાની નૈતિકતાના બળે થાય એટલું કરી ખપવા ઝઝૂમતા હતા. એ સમયગાળાનો અને ગાંધીજીની હયાતીમાં જ સંસ્થાગત માળખાના પ્રશ્નો તથા તેની મર્યાદાઓનો ચિતાર પણ શાંતિકુમાર મોરારજી-સ્વામી આનંદ લિખિત ‘ગાંધીજીનાં સંસ્મરણો અને બીજી સાંભરણો’માં મળે છે. પાકિસ્તાન છૂટું થયા પછી ત્યાં રહેતા દલિતોનો પ્રશ્ન ગંભીર હતો. (હજુ પણ પાકિસ્તાના સિંધ જેવા પ્રાંતમાં દલિતોની હાલત ખરાબ છે.) હિંદુઓ તેમને હિંદુ ન ગણે. મુસ્લિમો તેમને હિંદુ ગણીને તેમને ત્રાસ આપે. વળી પાકિસ્તાની સરકાર તેમને સફાઇ કામદાર ગણીને, તેમના વિના સફાઇકામ અટકી પડે એ બીકે તેમને ભારત જતાં રોકે.

એ સમયે ગાંધીજીએ દિલ્હી રહ્યે રહ્યે શાંતિકુમારને લખ્યું, ‘સિંધમાં હરિજનો પુષ્કળ છે. એ બેહાલ થઇ ગયા છે. ખાવાનાં પણ સાંસાં છે. એને કાઠિયાવાડ પહોંચાડવા જોઇએ. એટલે તમારી કંપની (સિંધીયા સ્ટીમ નેવિગેશન) એક-બે સ્ટીમરો તેઓને સારુ મફત રોકે અને કોઇ પણ કાઠિયાવાડના બંદરમાં મૂકે, તો સહીસલામત થાય. અત્યારે તો એઓ પોતાનો ધર્મ જાળવી શકશે કે કેમ, સ્ત્રીઓનું શિયળ જાળવી શકશે કે નહિ, એ સવાલ થઇ પડ્યો છે. બાપા (ઠક્કરબાપા) આ કાગળ લઇને તમારી પાસે આવશે. થઇ શકે તો તુરત કરજો. આ કાગળ વાલચંદભાઇને કે તમારી કંપનીના જેને વં

ચાવવો ઘટે તેને વંચાવી શકો છો. આવો જ કાગળ શૂરજીભાઇ (વલ્લભદાસ)ને મોકલું છું.’
ઠક્કરબાપા સાથે મુલાકાત પછી શાંતિકુમારે નક્કી કર્યું કે સિંધના દલિતોને અડધા ભાડે દેશભેગા કરવા. પણ એ ગોઠવણ થાય તે પહેલાં ઠક્કરબાપાનો બીજો કાગળ આવ્યો. ‘સિંધીયા’ના કરાંચીના એજન્ટ અને ત્યાંના આગેવાન શેઠ હરિદાસ વાલજી વચ્ચે એવું નક્કી થયું હતું કે ભાડું આપી શકે તેવા દલિતોને પૂરા ભાડે અને ન આપી શકે તેમને મફત લઇ આવવા. એ વ્યવસ્થા અનુસાર, ‘અમારી બે સ્ટીમરો હજારેકને લઇ આવેલી’ એવું શાંતિકુમારે નોંઘ્યું છે.

ઝીણામાં ઝીણી બાબતમાં ગાંધીજીની ચીવટના અને સ્પષ્ટતાના કિસ્સા આખા પુસ્તકમાં ઠેરઠેર પથરાયેલા છે. સરદાર પટેલના ૭૦મા જન્મદિવસના થોડા દિવસ પહેલાં શાંતિકુમાર ગાંધી-સરદારનો એક મોટો ફોટો લઇને ગાંધીજી પાસે પહોંચ્યા અને તેની પર કંઇક લખી આપવા કહ્યું. એ ફોટો તે સરદારને જન્મદિવસ નિમિત્તે ભેટ આપવા માગતા હતા. ગાંધીજીએ પ્રેમથી આશીર્વાદ લખી આપ્યા, એટલે શાંતિકુમારે વિનંતી કરી, ‘નીચે સરદારના જન્મદિનની તારીખ લખી આપો.’ ગાંધીજીએ તરત કહ્યું, ‘એ ન લખાય. તે અગાઉ હું મરી જાઉં તો ખોટી ઠરે.’ અને તેમણે તારીખ ન જ લખી.

એક કાગળને કે પરબિડીયાને ઉલટાવીને તેની પાછળની બાજુ ઉપયોગમાં લેવાની તેમની ખાસિયત બહુ જાણીતી છે.પરંતુ તેમાં ક્યારેક અજાણે ઓડનું ચોડ થઇ જતું હોવાનો એક કિસ્સો શાંતિકુમારે નોંઘ્યો છે. ઘણી વાર કોઇ પત્રમાં અંગત કે ખાનગી વાતો લખાઇ હોય છતાં ગાંધીજી એવા પત્રની પાછળની કોરી બાજુ પર પત્ર લખીને કોઇને મોકલી આપતા હતા. એક વાર એવો યોગાનુયોગ બન્યો કે ‘બોમ્બે ક્રોનિકલ’ના તંત્રી બ્રેલ્વી વિશે કેટલીક કડવી વાતો અને આરોપો કોઇએ ગાંધીજીને લખી મોકલ્યા હશે. એ જ પત્રની પાછળની બાજુ પર અજાણતાં ગાંધીજીએ બ્રેલ્વીને પત્ર લખ્યો હતો. શાં

તિકુમારે વધારાની માહિતી તરીકે લખ્યું છે, ‘આ કારણથી જ કહેવાય છે કે સરદાર પાછલાં વર્ષોમાં ગાંધીજીને લખેલા અગત્યના કાગળો પાછા મંગાવી લેતા હતા.’
આગાખાન મહેલમાં જેલવાસ દરમિયાન મહાદેવ દેસાઇ અને કસ્તૂરબાનું અવસાન થયું. તેમની સમાધિનું કામ શાંતિકુમાર અને પ્રેમલીલા ઠાકરસી ઉપાડવાના હતા. ધર્મગુરુ નામદાર આગાખાનના પ્રતિનિધિએ તે માટે પરવાનગી પણ આપી. પણ પાછળથી આગાખાને સૂચવ્યું કે આ બન્ને સમાધિનો ખર્ચ અને બધી જવાબદારી એ
પોતે જ ઉપાડે તે યોગ્ય ગણાય. શાંતિકુમારની નોંધ પ્રમાણે, ‘ખાનગીમાં એમ પણ કહેવડાવ્યું કે, મારું માનો તો આ સમાધિઓ મરહૂમની પાક યાદગીરીમાં મારા પોતાના તરફથી (નામદાર આગાખાન તરફથી) બંધાવવામાં આવી છે, એવો શિલાલેખ પણ ત્યાં મારવા દો. નહિ તો મારા વંશજોનું ભલું પૂછવું. ઉખાડી પણ મૂકે. મારા નામની તખતી હશે તો તેમ કરવાની કોઇની હિંમત નહીં ચાલે.’ ગાંધીજીએ આ વાત મંજૂર રાખી. આ બન્ને સમાધિઓ નામદાર આગાખાને ગાંધીજીની રજા લઇને કાળા આરસમાં તૈયાર કરાવી. (આગળ જતાં સરકારે આખો આગાખાન મહેલ એક્વાયર કરતાં હવે તે સરકારની દેખરેખમાં છે અને અત્યારે આ સમાધિઓ સફેદ આરસમાં જોવા મળે છે.)

મહાદેવભાઇની પાછળ સ્મારક અંગે મુંબઇ-ગુજરાતમાં એક ફંડ કાઢવામાં આવ્યું હતું. તેમાં રૂ.૨૫ લાખની ધારેલી રકમને બદલે રૂ.૧૨ લાખ ભેગા થયા. શરત એવી હતી કે પહેલા રૂ.૧૦ લાખ ગુજરાતના ટ્રસ્ટમાં જાય. એ વહીવટમાં ટેકનિકલ મુશ્કેલીઓ ઉભી થઇ, ત્યારે ગાંધીજી પાસે રજૂઆત થઇ હતી.એ જ રીતે મહાદેવભાઇનું ચરિત્ર લખવાનું કામ ચંદ્રશંકર શુક્લને સોંપવાનું નક્કી હતું, પણ શાંતિકુમારની નોંધ પ્રમાણે, ‘(ચંદ્રશંકરની) શરતો આકરી હતી અને સમય પણ પૂરાં ત્રણ વર્ષનો માગેલો.’

ગાંધીજીએ આ રજૂઆત સાંભળ્યા પછી દૃઢતાથી કહ્યું હતું કે ‘ચંદ્રશંકરની માગણી વઘુ પડતી લાગતી હોય છતાં કબૂલવી. એના જેવો જાણકાર અને મહેનતુ ચરિત્રલેખક ભાગ્યે જડે. ત્રણ વર્ષનો સમય પણ દેવો.’ એક મુદ્દો એવો પણ ઉભો થયો હતો કે શાંતિકુમાર વગેરેના ટ્રસ્ટમાં ગાંધીજીની ફિલસૂફી અને તેમનાં લખાણો, તેમની લાયબ્રેરી વગેરે સિવાય બીજામાં નાણાં ખર્ચવાની છૂટ ન હતી. (મહાદેવભાઇ દેસાઇનું જીવનચરિત્ર ગાંધીજીથી અલગ ગણાય, એવી જડતા ગાંધીજીની હયાતીમાં જ આવી ગયાનું જાણીને અત્યારે નવાઇ લાગે.) એ વખતે પણ ગાંધીજીએ ‘હું રસ્તો કાઢી આપીશ.’ એવું કહ્યું હતું, પણ આ વાતચીત ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ની બપોરે થઇ હતી, એટલે મહાદેવભાઇનું ચરિત્ર વર્ષો સુધી રહી ગયું.

શાંતિકુમારની ‘બીજી સાંભરણો’માં એ કાળના બીજા કેટલાક મહાનુભાવો વિશેના સ્મૃતિ-લસરકા પણ છે. એની બેસન્ટે ‘હોમરૂલ લીગ’ની સ્થાપના મોરારજી પરિવારના પેડર રોડ પર આવેલા ‘શાંતિભવન’ બંગલે કરી હોવાનું શાંતિકુમારે જણાવ્યું છે. સિંહગઢમાં લોકમાન્ય તિલક અને ગાંધીજીની ૧૯૨૦માં થયેલી ઐતિહાસિક મુલાકાત પણ નરોત્તમ મોરારજીના બંગલે જ થઇ હતી. ગાંધીજી ત્યાં રહ્યા હતા. લોકમાન્ય વિશે શાંતિકુમારે લખ્યું છે, ‘પોતે ગણિત જ્યોતિષના ખાં. એટલે રોજ કલાવંતણીના બુરજ આગળની દીવાલ પરથી સૂર્યાસ્ત નિહાળે ને ઘડિયાળનો ટાઇમ મેળવે.’

પિતા નરોત્તમ મોરારજી સાથે ઊટી ફરવા ગયેલા શાંતિકુમારનો મહંમદઅલી ઝીણા સાથે એક પાર્ટીમાં ભેટો થયો. ત્યારે નરોત્તમ શેઠની સૂચનાથી ‘એમણે (ઝીણાએ) મારી જોડે કચ્છીમાં વાત કરી. મને અજાયબી થઇ. ભાટિયા સિવાય બીજી કોમના કોઇને કચ્છી બોલતાં આવડે એ કલ્પના જ મને તે કાળે નહોતી.’

ગાંધીજી સહિત અનેક દિગ્ગજ દેશનેતાઓના નિકટ પરિચયમાં હોવા છતાં, શાંતિકુમાર ૧૯૨૦માં પરદેશથી પાછા આવ્યા ત્યારે તેમને ‘વિદેશગમનનું પ્રાયશ્ચિત લેવા’ કાશી મોકલવામાં આવ્યા હતા. ત્યાં પણ શાંતિકુમાર મુંડનનો વિરોધ કરતા હતા ત્યારે મદનમોહન માલવીયે ટાંકેલી ‘શાસ્ત્રાજ્ઞા’થી તેમણે મુંડન પણ કરાવ્યું હતું.

ગાંધીજીની દિનચર્યાની ઝીણી ઝીણી વિગતોથી માંડીને તેમના મૃત્યુ અને ત્યાર પછીની ઘટનાઓ વિશેની કેટલીક ઓછી જાણીતી માહિતી- વિગતો માટે, સ્વામી આનંદની તળપદી અસરકારક ભાષામાં લખાયેલાં શાંતિકુમારનાં સંભારણાં મહત્ત્વનું વાચન પૂરું પાડે છે.

2 comments:

  1. Ghandhiji vishe ghani saras jankari

    ReplyDelete
  2. sandhya mehta8:23:00 AM

    Very interesting article on Shanti Kumar Moorarji . Always enjoy reading your posts on this blog .Looking forward to read more of such articles.

    ReplyDelete