Wednesday, October 26, 2011

મીઠાઇઓનો સેમિનાર : કાને દેખ્યો અહેવાલ

(સૌ મિત્રોને દિવાળી- નવા વર્ષની શુભેચ્છા)
મીઠાઇઓ નિર્જીવ છે. મોટા ભાગના સેમિનાર પણ નિર્જીવ હોય છે. મીઠાઇઓ ચર્ચા કરી શકતી નથી. એમ તો સેમિનારમાં ભાગ લેનારામાંથી ઘણા, મીઠાઇ ખાઇ શકે છે છતાં, ચર્ચા કરી શકતા નથી. મીઠાઇઓ મોંઘી હોય છે. સેમિનાર પણ મોંઘા પડે છે. બન્ને અમુક માપમાં મીઠાં લાગે, પણ તેમનો અતિરેક તબિયત બગાડે છે. બન્નેમાં ગુણવત્તા કરતાં નામનો મહિમા, બ્રાન્ડ નેમની બોલબાલા અને વરખનું માહત્મ્ય વધારે હોય છે. ઘણી વાર પ્રખ્યાત (એટલે કે મોંઘી) મીઠાઇઓ ચાખ્યા પછી અને પ્રખ્યાત વક્તાઓને સેમિનારમાં સાંભળ્યા પછી એવી લાગણી થાય કે આ લોકોમાં તેમની પ્રખ્યાતિને અનુરૂપ તો કશું નથી! બન્ને દ્વારા થતા દાવા અને વાસ્તવિકતા વચ્ચે મોટું અંતર હોય છે. એટલે સમજુ લોકો દાવા પર ભરોસો કરવાને બદલે, યથાશક્તિ મીઠાઇનો નહીં તો પેકિંગનો અને સેમિનારનો નહીં તો નાસ્તાપાણીનો આનંદ માણે છે. કોઇની આપેલી (મફતિયા) મીઠાઇ અને કોઇના યોજેલા સેમિનારોમાં મહાલવાનું સારું લાગે છે, પણ બન્ને જાતે કરવામાં બહુ કડાકૂટ છે. તેમ છતાં, બન્ને ધંધામાં રોકડ કે અન્ય પ્રકારનો લાભ હોવાથી કંદોઇઓ અને આયોજકો તેનાથી કંટાળતા નથી.

આ બઘું તો બરાબર છે, પણ ધારો કે દિવાળી નિમિત્તે સજીધજીને શોકેસમાં બેઠેલી મીઠાઇઓ વચ્ચે એક સેમિનાર કે ચર્ચાસત્ર ફાટી નીકળે તો?
***
કાજુકતરીઃ હાય, એવરીબડી. ઊંઘો છો કે જાગો છો? મારી તો ઉંઘ ઉડી ગઇ છે.

મોહનથાળઃ કેમ? મીઠાઇઓની તપાસ માટે પણ લોકાયુક્ત નિમાવાનો ગવર્નરે હુકમ કાઢ્‌યો છે?

સોનપાપડીઃ ભાઇસાબ, આ મોહનભાઇ તો સારું કરે. ગમે તે વાતમાં પોલિટિક્સ લઇ આવે છે. પણ કાજુકતરી, તને શાની ચિંતા છે? તારા ઝીરો ફીગરની? તારું શરીર કતરીને બદલે રોલ જેવું ન થઇ જાય એની?

ઘારીઃ આપણું કામ ઊંઘવાનું નહીં, લોકોને ઘેનમાં ને મોજમાં રાખવાનું છે.

મોહનથાળઃ કેમ? તારી ભરતી માહિતી ખાતામાં થયેલી છે?

સોનપાપડીઃ પાછું પોલિટિક્સ?

મોહનથાળઃ પણ તું એમાં શાની આટલી અકળાય છે?

સોનપાપડીઃ ભાઇ, મને પોલિટિક્સનો બહુ ખરાબ અનુભવ છે. ચણાના લોટ ને ખાંડની ચાસણીના ગરમાગરમ પોલિટિક્સમાં જ મારી હાલત આવી તાર-તાર થઇ ગઇ છે. મારામાં ને પેલી બિચારી સુતરફેણીમાં ફક્ત આકારનો જ ફરક છે. હું લાગું ભલે નક્કર, પણ કોઇ સહેજ હાથમાં પકડે ત્યાં તો મારો ભાંગીને ભૂકો. હા, અમારામાંથી કેટલીક ‘અનુભવી’ (વાસી) થાય, પછી એ ઝડપથી ભાંગી પડતી નથી.

સુતરફેણીઃ પણ તારી નબળાઇની વાતમાં મારો દાખલો શું કામ આપે છે? હું સાવ તારા જેવી કાચીપોચી નથી. મને કોઇ સીધીસાદી ગણીને હાથમાં પકડવા જાય તો મારાં ગૂંચળામાં ક્યાંથી છેડો કાપવો, એની જ મોટા ભાગના લોકોને ખબર પડતી નથી. એટલે મને સહેલાઇથી ખાઇ જશે, એવું માનતા મોટા ભાગના લોકો મને ખાતી વખતે, તેમના મોંમાંથી બહાર નીકળતા અને તેમના હોઠે, મૂછોએ ચોંટતા મારા તાંતણાને લીધે હાસ્યાસ્પદ બની જાય છે. તેમને જોઇને કોઇને એવું જ લાગે કે આમને ખાતાં નહીં આવડતું હોય.

મોહનથાળઃ ટૂંકમાં, તું કોઇને સુખેથી ખાવા દેવામાં માનતી નથી. તો પછી હજુ સુધી ટીમ અન્નામાં કેમ જોડાઇ નથી? કરું કેજરીવાલને ફોન?

સુતરફેણીઃ ના. મને ‘બાઇટ’ આપતાં આવડતું નથી. એ કામ કાજુકતરીનું. દરેક પોતપોતાની ક્ષમતા-ઇચ્છા-ભૂખ-લોભ પ્રમાણે કાજુકતરી પાસેથી બાઇટ મેળવી શકે છે. એનું ગોઠવી દો.

કાજુ-અંજીર રોલઃ બાઇટ આપતાં તો મને પણ આવડે. મારો તો આકાર જ ટચુકડા માઇક્રોફોન જેવો છે.

મોહનથાળઃ પણ ભાઇ, ખાવા નહીં દેવાની લડાઇમાં તારા જેવો ગોળમટોળ જણ ન ચાલે. જરા સમજ. તારો ઉપયોગ બીજે ક્યાંક કરીશું.

કાજુ-અંજીર રોલઃ હું તમારા જેટલો રાજકીય નથી, પણ આ વાક્યનો અર્થ ન સમજું એટલો ડફોળ પણ નથી. ‘તમારો ઉપયોગ સંગઠનમાં કરીશું’ એવું પ્લાસ્ટિકની ચમચીનું આશ્વાસન ઇનામ મને નથી ખપતું.

મોહનથાળઃ ઓકે. તું દુઃખી ન થઇશ. આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે. ત્યાં તને મોકલી આપીશું, બસ? ત્યાં તો ખાવાની એવી બોલબાલા છે કે હાથીના હાથી તેમનાં પૂંછડાં સહિત આખેઆખા નીકળી જાય છે.

બુંદી લાડુઃ મોહનભાઇ. તમે રાજકારણમાં માહેર ખરા, પણ આ બાબતમાં હું તમારી સાથે સંમત નથી. બહેનજીના રાજમાં કાજુઅંજીર રોલ બહુ નાનો પડે. ત્યાં તો હું જ ચાલું. તમને તો યાદ હશે. એક જમાનામાં ઉત્તર પ્રદેશ ભારતનું હૃદય ગણાતો હતો અને હું મીઠાઇઓની મહારાણી.

મોહનથાળઃ હા, પણ ત્યાર પછી ભારતે બાયપાસ કરાવી લીધી.

બુંદી લાડુઃ ગમે તે હોય, પણ હું કદી અપ્રસ્તુત બનવાની નથી. છિન્ન વિચ્છિન્ન ભારત માટે મારા જેવું એકતા અને અખંડિતતાનું પ્રતીક જડવું મુશ્કેલ છે. જુઓ, મારો દરેક દાણો પોતાની ઓળખ ગુમાવ્યા વિના કેવો અલગ દેખાય છે? છતાં, તેણે પોતાની ઓળખ છોડી, એટલે તેને બુંદી લાડુનો દરજ્જો પ્રાપ્ત થયો છે.

ડ્રાયફ્રુટ હલવોઃ બહેન, આ બધી વાતો ચિંતનની કોલમોમાં ચાલી જાય. વાસ્તવિક દુનિયામાં એનું કશું મહત્ત્વ નથી. તમારો યુગ હવે આથમી ગયો. જીડીપી ને ગ્રોથ રેટમાં મહાલતા ભારતીયોને બુંદી લાડુમાં નહીં, મુદ્દામાલથી છલકાતી ચીજોમાં જ રસ પડે છે. તમે એકતાનું પ્રતીક હશો, તો હું એકતા કપૂરનું પ્રતીક છું. અન્ડરસ્ટેન્ડ?

કાજુકતરીઃ આમ અંદરોઅંદર દલીલબાજી કરવાને બદલે આપણે સૌની સામેની ખતરા તરફ ઘ્યાન આપવું જોઇએ. આપણી સામેનો સૌથી મોટો આરોપ એ છે કે આપણે બધાં ભ્રષ્ટ છીએ.

બધી મીઠાઇઓ (સમુહમાં): એવું કોણ કહે છે? કોની મજાલ છે એવું કહેવાની? આપણામાંથી ઘણાને તિહાર જેલમાં જવાનું થયું હશે, પણ એ તો તહેવારના દિવસે. કોમનવેલ્થ ગેમ્સમાં આપણી સામેલગીરી હતી, પણ આપણી સામે હજુ સુધી આંગળી સરખી ચીંધાઇ નથી.

કાજુકતરીઃ આવું હું નથી કહેતી. મોટા ભાગના શાણા લોકો માને છે કે મોટા ભાગના નેતાઓની જેમ મોટા ભાગની મીઠાઇઓ પણ ભ્રષ્ટ- ભેળસેળવાળી હોય છે. કોઇ ઓછી ભેળસેળવાળી તો કોઇ વઘુ, પણ કોઇએ પોતાના મોભાનું ગુમાન રાખવા જેવું નથી. મારી પોતાની વાત કરું. મને એવું હતું કે હું એટલે નકરી કાજુની બનેલી. ભારતીયો જેનાથી અંજાઇ જાય એવી, એકદમ ઉજળી. મારા પર ચાંદીના વરખ, મારી લોકપ્રિયતાની તોલે કોઇ ન આવે...

મોહનથાળઃ પછી?

કાજુકતરીઃ એક માથાફરેલ ઓફિસરે લેબોરેટરીમાં મારો રીપોર્ટ કઢાવ્યો.

સોનપાપડીઃ હાય હાય! એમાં શું આવ્યું?

કાજુકતરીઃ એમાંથી ખબર પડી કે સફેદ એટલા કાજુ નહીં ને ચમકે એટલી ચાંદી નહીં. ત્યારથી મારી ઉંઘ ઉડી ગઇ છે. ‘આપણે શું? ભોગ ખાનારના!’ એવું આપણને વેચનારા માની શકે, પણ આપણે તો ઇમાન જેવું કંઇ હોય કે નહીં?

મોહનથાળઃ લાગે છે કે આપણે પણ અન્ના હજારેની સેવાઓ લેવી પડશે.

(અન્નાનું નામ સાંભળતાં જ મીઠાઇઓ માણસોની જેમ ભોળા ભાવે આનંદમાં આવીને કૂદાકૂદ કરી મૂકે છે અને સૌ સારાં વાનાં થશે એવી ખાતરી સાથે ફરી પોતપોતાની જગ્યાએ ચૂપચાપ ગોઠવાઇ જાય છે.)

6 comments:

 1. આદરણીય શ્રીઉર્વિશભાઈ,

  ખૂબ સુંદર વ્યંગ. અભિનંદન સાથેજ આપને શુભ દિપાવલીમુબારક.

  ReplyDelete
 2. vah khub saras vyang che mota bhai

  ReplyDelete
 3. Jabir A. Mansuri2:16:00 PM

  Nice Humour.

  Dipawali Mubarak to you, family & All.

  Jabir

  ReplyDelete
 4. મોહનભાઇ તો સારું કરે. ગમે તે વાતમાં પોલિટિક્સ લઇ આવે છે

  ReplyDelete
 5. Fantastic Urvish. An exceptionally 'sweet' tribute for the new year, I say...

  ReplyDelete