Friday, October 07, 2011

સ્પેક્ટ્રમ કૌભાંડઃ નીતિ, નૈતિક જવાબદારી અને ‘નેતિ, નેતિ’

ગુજરાત સરકારને કોઇ પ્રકારે ‘નૈતિક જવાબદારી’નો નિયમ લાગુ પડતો નથી, એવી માન્યતામાં માથાડૂબ ઘણા લોકોને સ્પેક્ટ્રમ કૌભાંડના મુદ્દે કેન્દ્ર સરકારની નૈતિક જવાબદારીની ટીકા કરે છે, તે આનંદની વાત છે. કમ સે કેમ, ‘નૈતિક જવાબદારી’ના ખ્યાલથી તો એ પરિચિત છે.

દરેક સરકાર તેના શાસનમાં બનતી ઘટના-દુર્ઘટના-હિસા-કૌભાંડો માટે નૈતિક રીતે જવાબદાર હોય છે. કારણ કે સરકાર દ્વારા લેવાતા જશના સિક્કાની તે બીજી બાજુ છે. ‘નૈતિક જવાબદારી’નો બીજો અર્થ, સત્તાતરસ્યા વિરોધપક્ષો માને છે તેમ, ‘(મુખ્ય મંત્રી કે વડાપ્રધાનનું) રાજીનામું’ નથી હોતો. ગુનેગારને યોગ્ય-ઝડપી કાર્યવાહી પછી સજા થાય અને સરકાર ન્યાયના માર્ગમાં રોડાં ન નાખે, પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે, એ ‘નૈતિક જવાબદારી’નું આખરી પરિણામ હોવું જોઇએ. એ બાબતમાં લાલબહાદુર શાસ્ત્રીએ રેલવે અકસ્માતને પગલે કેન્દ્રિય રેલવે મંત્રી તરીકે આપેલા રાજીનામાનું ઉદાહરણ જેટલું વહેલું ભૂલી જવાય એટલું સારું છે.

વિરોધ પક્ષો સરકાર પાડવાના પ્રયાસોને બદલે ખાઇખપૂચીને ગુનેગારને ભીડવવામાં લાગી પડે, એ મુદ્દે સાચી વિગતો સાથે શક્ય એટલો લોકમત જાગ્રત કરે અને સત્તા આડપેદાશ હોવા છતાં, એ પોતાનું મુખ્ય અને અંતીમ ઘ્યેય નથી, એવું દર્શાવવા જેટલી નૈતિક હિમત કેળવે. તો નૈતિક જવાબદારીનું આખું ચક્ર પૂરું થાય. કારણ કે નૈતિક જવાબદારી ફક્ત સત્તાધીશોની જ નહીં, વિપક્ષોની પણ હોય છે, જે અદા કરવામાં ગુજરાતમાં કોંગ્રેસ વઘુ નિષ્ફળ રહી છે કે કેન્દ્રમાં ભાજપ, એ નક્કી કરવું ખરેખર અઘરું છે.

વડાપ્રધાનની ‘પ્રામાણિકતા’

કેન્દ્ર સરકારમાં મનમોહન સિઘ વ્યક્તિગત રીતે ગમે તેટલા ચોખ્ખા હોય તેનાથી કશું પુરવાર થતું નથી કે નથી તેમની સરકારની નૈતિક જવાબદારી એ હકીકતથી ઓછી થતી. ઊલટું, અત્યાર સુધી એવા એકથી વઘુ અનુભવો રહ્યા છે કે જાહેર જીવનમાં મોટા હોદ્દા પર રહેલા લોકો ક્યારેક વ્યક્તિગત પ્રામાણિકતાના અહમ્‌ની આળપંપાળમાં, સમગ્ર પરિસ્થિતિનું અને તેમાં પોતાની જવાબદારીનું વ્યાપક ચિત્ર જોઇ શકતા નથી. મનમોહન સિઘ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

દેશના સામાન્ય નાગરિક તરીકે ડો.સિઘ પ્રામાણિક હોત તો કદાચ પૂરતું ગણાત, પણ એક હોદ્દા માટે અને એ પણ ભારતના વડાપ્રધાનપદ માટે પ્રામાણિકતા એવો સદ્‌ગુણ છે, જેનું સ્વતંત્રપણે નહીંવત્‌ મૂલ્ય છે. એક સાંકળ જેમ તેની નબળામાં નબળી કડી જેટલી જ મજબૂત હોય છે, તેમ મનમોહનસિઘ અંગત રીતે નખશીખ પ્રામાણિક હોય તો પણ, વડાપ્રધાન તરીકે એમના મંત્રીમંડળના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ પ્રધાન જેટલા જ પ્રામાણિક ગણાય. ખાસ કરીને એવા સંજોગોમાં કે જ્યારે તેમણે ભ્રષ્ટાચાર વિશે જાણ્યા પછી પણ સંબંધિત પ્રધાન (એ.રાજા) સામે કાર્યવાહી કરવામાં ઇરાદાપૂર્વક અને અંગત નહીં તો પક્ષીય કે સરકારી સ્વાર્થવશ વિલંબ કર્યો હોય.

થોડા વખત પહેલાં તંત્રીઓ સાથેની વાતચીતમાં વડાપ્રધાને વાપરેલો પ્રયોગ ‘કોએલિશન ધર્મ’ (સાદા ગુજરાતીમાં, મોરચા સરકાર ચલાવવાની મજબૂરી) એ પ્રામાણિકતા સાથેની બાંધછોડનું કારણ હોઇ શકે, પણ કારણ અને વાજબીપણું બે જુદી બાબતો છે. ઘણા ગુજરાતી મિત્રોને એ મોદીના નહીં ને મનમોહનસિઘના દાખલાથી સમજાય તો પણ ઘણું. કારણ કે આખરે મહત્ત્વ મોદી કે મનમોહન સિઘનું નથી, નાગરિકો કારણ અને વાજબીપણા વચ્ચેનો તફાવત સમજે-સ્વીકારે અને પછી એ માપદંડ તમામ નેતાઓને એકસરખી રીતે લાગુ પાડે એનું છે.

કૌભાંડનો તાજો ફણગો

છેલ્લા એકાદ અઠવાડિયાથી સ્પેક્ટ્રમ કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. યુપીએ સરકારના વરિષ્ઠ મંત્રી અને ગાંધીપરિવારના ખાસ ગણાતા ચિદમ્બરમ તેમાં એક આરોપીની હેસિયતથી ઉભરે એવું વાતાવરણ એક પત્રથી સર્જાયું છે. પ્રણવ મુખર્જીના નાણાં મંત્રાલયે આ વર્ષના માર્ચમાં વડાપ્રધાનની કચેરીને લખેલા પત્રમાં એવું સૂચવાયું છે કે ૨૦૦૮માં સ્પેક્ટ્રમની ફાળવણી હરાજીના ધોરણે નહીં, પણ વહેલા તે પહેલા/ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વના ધોરણે થઇ અને તેને કારણે સરકારને ભારે નુકસાન ગયું. પરંતુ તત્કાલીન નાણાંપ્રધાન ચિદમ્બરમે ઇચ્છ્‌યું હોત તો તે ત્યારના ટેલીકોમ મંત્રી રાજાને આ દિશામાં આગળ વધતાં અટકાવી શક્યા હોત અને દેશને થતું નુકસાન અટકી શક્યું હોત.

રાજકારણમાં બને છે તેમ, આ મુદ્દો જોતજોતાંમાં કોંગ્રેસની આંતરિક- પ્રણવ મુખર્જી અને ચિદમ્બરમ વચ્ચેની- હૂંસાતૂંસીનો બની ગયો.અમેરિકા રહ્યે રહ્યે વડાપ્રધાને ‘મને ચિદમ્બરમની નિષ્ઠામાં પૂરેપૂરો વિશ્વાસ છે’ એ મતલબના ખુલાસા કરવા પડ્યા. છેવટે સોનિયા ગાંધીની દરમિયાનગીરીથી ચિદમ્બરમ અને પ્રણવ મુખર્જીએ સંયુક્ત પત્રકાર પરિષદ કરી. પ્રણવ મુખર્જીએ કહ્યું કે ચિદમ્બરમની જવાબદારી સામે આંગળી ચીંધતી નોંધ એમની નથી. (એ જુદી વાત છે કે પત્ર પર એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ નોંધ નાણાંમંત્રીએ જોઇ છે.) ચિદમ્બરમે જાહેર કરી દીઘું કે હું મારા માનનીય વરિષ્ઠ સાથીનું નિવેદન સ્વીકારી લઉં છું અને અમારા તરફથી આ વાત પર પૂર્ણવિરામ મૂકાય છે.

પહેલી વાત તો એ કે વડાપ્રધાનની કચેરીએ સ્પેક્ટ્રમ કૌભાંડના મુદ્દે નાણાં મંત્રાલય પાસેથી ‘સિલસિલાબંધ તથ્યો’ની માગણી કરી હોય અને તેના જવાબમાં ‘તથ્યો’ની સાથે ‘અભિપ્રાયો’ મોકલવામાં આવે, છતાં નાણાંમંત્રીને એ વિશે જાણ પણ ન હોય, તે ચંિતાજનક નહીં તો શરમજનક કહેવાય. બીજો, વધારે અગત્યનો મુદોઃ સરવાળે વિવાદ કોંગ્રેસની આંતરિક જૂથબંધીનો નહીં, યુપીએ સરકારના એક નિર્ણય વિશેનો છે. એમાં બે મંત્રીઓ ઉપરીઓની સમજાવટથી એકબીજા સાથે હાથ મિલાવીને ભીનું સંકેલવાની વાત કરે, તેથી બાકીના લોકોએ પણ હવે એ વાત ભૂલી જવી- એવું કેવી રીતે બને? વાતનો તાર્કિક અંત હજુ ક્યાં આવ્યો છે? પ્રણવ મુખર્જી એ નોંધ સાથે શા માટે અસંમત છે? અને વડાપ્રધાને એ નોંધ વાંચ્યા પછી તેને ઘ્યાન ન લીધી, તો એમ કરવાનાં કયાં કારણો છે? એ હજુ જાહેર થયું નથી.

પરંતુ, નાગરિક તરીકે પૂરેપૂરી શંકા સાથે, પણ ભાજપી નારાબાજોના રાબેતા મુજબના ‘હઇસો, હઇસો’માં વહી જવાની ઉતાવળ પણ કરવા જેવી નથી. ભાજપનો વિરોધ જેમને મન આપોઆપ કોંગ્રેસની તરફેણ બની જતો હોય એવા પાયદળથી સલામત અંતર રાખીને, સ્પેક્ટ્રમ કૌભાંડમાં સરકારની ગરબડો, ગોટાળા અને કેટલીક ગેરસમજણો સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ.

કૌભાંડઃ મૂળ અને શાખાઓ

સ્પેક્ટ્રમ કૌભાંડ તરીકે ઓળખાતી ટુ-જી સ્પેક્ટ્રમની ફાળવણીની ગરબડ ત્રણ વર્ષ પહેલાં થઇ. અત્યારે તિહાર જેલમાં રહેલા ડી.એમ.કે.ના સાંસદ એ. રાજા ત્યારે યુપીએ સરકારના ટેલીકોમ મંત્રી હતા. દેશમાં ટુજી (સેકન્ડ જનરેશન)ની મોબાઇલ સેવાઓ માટેનાં લાયસન્સ અપાવાનાં હતાં. સેકન્ડ જનરેશન- બીજી પેઢીની મોબાઇલ સુવિધાઓમાં તરંગોના માઘ્યમથી થતી ડેટાની અવરજવર માટે ‘રસ્તો’ જોઇએ. ‘સ્પેક્ટ્રમ’ એટલે એવો મર્યાદિત પહોળાઇ ધરાવતો તરંગપટ. રસ્તાની સરખામણી આગળ વધારવાથી ટૂંકમાં સમજી શકાશેઃ

ધારો કે અમદાવાદથી રાજકોટ વચ્ચે ૧૨ લેનનો એક હાઇ વે ખુલ્લો મુકાવાનો છે. દરેક લેન ‘ડેડીકેટેડ’ એટલે કે અલાયદી છે. કોઇ એક જ કંપનીની બસ તેની પર ચાલી શકે. આ હાઇ વે પર બસ સેવા ચાલુ કરવા માટે ઘણી કંપનીઓ મેદાનમાં છે. બસ સેવા શરૂ કરવા માટે બે બાબત જરૂરી છેઃ લાયસન્સ અને લેન. સૌ જાણે છે કે લેેનની સંખ્યા મર્યાદિત છે. તેમાં વધારો થઇ શકવાનો નથી. એટલે લેનના ભાવ ઊંચા હશે એવી સૌની ધારણા છે. આ ઉદાહરણમાં લેનની જગ્યાએ સ્પેક્ટ્રમ અને બસની જગ્યાએ મોબાઇલ કંપનીઓ મૂકી દેતાં સ્થિતિનો અંદાજ માંડી શકાશે.

હવે આરોપો કયા કયા છે? અને કૌભાંડ ક્યાં કેવી રીતે થયું? આ બાબતો સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીન છે, પરતુ અત્યાર લગી ‘કેગ’ ના અહેવાલ અને બીજી ઉપલબ્ધ વિગતો પરથી મળતું ચિત્ર આ પ્રમાણે છેઃ
૧) ટેલીકોમ મંત્રી એ.રાજાએ સ્પેક્ટ્રમની ફાળવણી માટે હરાજી/ઑક્શનને બદલે વહેલા તે પહેલા/ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વની નીતિ અપનાવવાનું નક્કી કર્યું.
૨) મોંઘા ભાવનો સ્પેક્ટ્રમ લાયસન્સની સાથે- બંચમાં જ આપવાનું ઠરાવાયું.
૩) ‘વહેલા તે પહેલા’ની નીતિમાં પણ કેટલીક કંપનીઓને ફાયદો થાય એ રીતે રાજાએ છેલ્લી તારીખમાં મનસ્વી રીતે ફેરફાર કર્યો.
૪) એક જ કંપની એકથી વધારે સર્કલમાં લાયસન્સ - અને તેની સાથે મળતા મહામૂલા સ્પેક્ટ્રમ- માટે અરજી ન કરી શકે, એવી શરત હતી. છતાં એવી શરતોનો ભંગ કરનારી બે કંપનીઓને છાવરવામાં આવી. તેમની બીજી કેટલીક ગેરરીતિઓ સામે પણ આંખ આડા કાન કરીને તેમને ફાયદો કરી આપવામાં આવ્યો.

આ બાબતોમાંથી કંપનીઓનો ગોટાળિયા વ્યવહાર તારીખની મનસ્વી ફેરબદલ જેવી બાબતોમાં ટેલીકોમ મંત્રી રાજા, એ કંપનીના ભારતીય પ્રતિનિધિઓ, અન્ય લાભાર્થીઓની પ્રથમદર્શી સંડોવણી હતી. તેના કારણે કેટલાક ઉદ્યોગગૃહોના ટોચના અફસરો, બાલવા જેવા કંપનીના પ્રતિનિધિઓ ઉપરાંત રાજાને પણ (સરકારી વિલંબ પછી મોડે મોડેથી) તિહાર જેલમાં જવું પડ્યું. રાજાને ટેલીકોમ મંત્રીપદે મૂકવા માટે ખેલાયેલા રાજકારણ અને તેમાં મીડિયા તથા નીરા રાડિયા જેવા લોબીઇસ્ટની ભૂમિકાઓ સામે ગંભીર રીતે આંગળી ચીંધાઇ. પરંતુ છેલ્લા અઠવાડિયામાં ચર્ચાતો થયેલો સવાલ હતોઃ ‘વહેલા તે પહેલા’ના ધોરણે સસ્તા ભાવે સ્પેક્ટ્રમની ફાળવણી નાણાં મંત્રી તરીકે ચિદમ્બરમ રોકી શક્યા હોત?

હકીકત એ લાગે છે કે સ્પેક્ટ્રમની ફાળવણી ‘વહેલા તે પહેલા’ના ધોરણે કરવી કે હરાજીથી, એ કોઇ એક મંત્રીનો નિર્ણય ન હોઇ શકે- અને અત્યાર લગીની માહિતી પરથી એ માન્યતા દૃઢ થાય છે કે વડાપ્રધાનની મંજૂરી સહિત સરકાર તરફથી લેવાયેલો એ નીતિવિષયક નિર્ણય હતો. દુનિયાભરમાં સ્પેક્ટ્રમની ફાળવણી માટે આ બન્ને વિકલ્પ પ્રચલિત છે. એ નિર્ણય વિશે બે મત કે વિવાદ હોઇ શકે. પરંતુ વડાપ્રધાન તરીકે ડો.સિઘ પોતાની સરકારનો નીતિવિષયક નિર્ણય ખોંખારીને જાહેરમાં સ્વીકાર્યો હોત તો ઘણા પ્રશ્નો ઊભા ન થાત. રાજાની કથિત ગેરરીતિઓ તેનાથી સાવ અલગ હતી.

સરકારના નીતિવિષયક નિર્ણયો ચર્ચાસ્પદ કે વિરોધ-ટીકાને પાત્ર હોઇ શકે છે. એ નિર્ણયને કારણે મોટી રકમનું નુકસાન થયાની ટીકા ‘કેગ’ જેવી સંસ્થા (આંકડાની થોડીઘણી અતિશયોક્તિ સાથે) કરી શકે છે. તેમ છતાં, વડાપ્રધાને એ નિર્ણયને કોઇ મંત્રીના માથે ઢોળી દેવાને બદલે, પોતાની સરકારનો નિર્ણય ગણાવવો જોઇએ અને એના માટે થતી ટીકા ખમવાની- સરકારી નિર્ણય પાછળનાં કારણો, તર્ક સમજાવવાની તૈયારી રાખવી પડે. એવું ન થાય અને સરકારનો નિર્ણય વડાપ્રધાન પોતે જ અપનાવે નહીં, ત્યારે ‘નીતિવિષયક નિર્ણય’ ઉપર પણ ‘કૌભાંડ’નો ધબ્બો લાગવાનો.
-અને તેની જવાબદારી વિપક્ષો-ટીકાકારો કરતાં વડાપ્રધાનની વધારે ગણાય.

2 comments:

  1. વાહ ઉર્વિશભાઈ...સુંદર રીતે સમજાવ્યું...આ વિષય પર તમારા તરફથી 'આવા' લેખ ની બહુ પહેલા(અને વહેલા) આશા હતી;છેવટે ખુબ સરસ લેખ આપ્યો તમે...મારો એક સાદો(અને મારી સમજ પ્રમાણે) નો સવાલ એ છે કે આ આખ્ખો સોદો જ રદ કરી ને બધી જ કાર્યવાહી સરકાર નવેસરથી કરી શકે કે કેમ?...જો એમ થાય તો આ મુદ્દા નો અંત તો સારો આવે?...

    ReplyDelete
  2. ભરત ઝાલા2:31:00 PM

    ઉર્વિશભાઇ,ટુજી સ્પ્રેક્ટમ કૌંભાડ અંગે સરકારની ઢીલી નીતિ અને કૌભાંડ અંગે સરસ માહિતિ આપતો લેખ આપવા બદલ અભિનંદન.નિતી અને નૈતિકતા અંગેની છણાવટ ગમી.રાજીનામુ એ કોઇ ઉકેલ નથી એ વાત સાવ સાચી,ને રાજકારણીઓના શરમજનક વર્તનથી તો જણાય છે કે ઉકેલ સાથે શાસક કે વિરોધ પક્ષ એકે ય ને કોઇ લેવાદેવા છે જ નહી બંનેને પોતાનો રાજકીય રોટલો શેકવામાં જ રસ છે.

    ReplyDelete