Tuesday, October 18, 2011
દિવાળીટાણે યુરોપના દેશોમાં ‘હોળી’ : સહિયારા ચલણની સજા?
છેલ્લાં બે-એક વર્ષથી ગ્રીસની સરકાર ‘આજે ડીફોલ્ટ કરશે કે કાલે?’ એવી ચિંતાભરી અટકળો થઇ રહી છે. આર્થિક પરિભાષામાં ‘ડીફોલ્ટ’ એટલે કરાર કે વાયદા મુજબનું ચૂકવણું કરવામાં થતી ચૂક. સરકારી તંત્રની પરિભાષામાં ‘કસૂર’.
સવાલ એ થાય કે ગ્રીસ ‘ડીફોલ્ટ’ કરે એમાં આપણે કેટલા ટકા?
જવાબમાં ચોક્કસ ટકાવારી આપવી તો મુશ્કેલ છે, પણ વૈશ્વિકીકરણ પછીની દુનિયામાં એકબીજા દેશનાં હિતો, અને ખાસ કરીને અહિતો, અગાઉ કરતાં ઘણાં વધારે સંકળાયેલાં બન્યાં છે. ગ્રીસ ‘ડીફોલ્ટ’ કરે એટલે ‘યુરો’નું સહિયારું ચલણ ધરાવતા બીજા ૧૬ દેશો પર, તેમની બેન્કો પર ખરાબ અસર પડે. એક ભાંગેલા દેશમાં જેટલી બેન્કોનું રોકાણ કે ધીરાણ હોય, તેમને પણ રાતા પાણીએ રોવાનો વારો આવે અથવા લાંબા સમય માટે તેમનાં નાણાં સલવાઇ જાય. રોકાણકારોના વિશ્વાસ ડગમગી જાય. એમાં પણ નબળી સ્થિતિ ધરાવતા અને તૂટું તૂટું થઇ રહેલા બીજા ત્રણ-ચાર દેશો આ બોજ ખમી શકે કે કેમ એ સવાલ.
‘યુરો’નું સહિયારું ચલણ ધરાવતા દેશોનાં અર્થતંત્રો ફટકો ખાય, તો આર્થિક કટોકટીમાંથી બહાર આવવા ફાંફાં મારતા અમેરિકા પર તેની અસર પડે, જે સરવાળે વૈશ્વિક મંદીમાં રૂપાંતર પામે. આવી ‘ડોમિનો ઇફેક્ટ’ અથવા નવજોત સિદ્ધુના શબ્દોમાં કહીએ તો ‘બાઇસિકલ સ્ટેન્ડ ઇફેક્ટ’- લાઇનબંધ ગોઠવાયેલી સાયકલોમાંથી એક પડે એટલે બાકીની બધી ધડડઘૂમ થાય- ચિંતાનો મુખ્ય વિષય છે.
ગ્રીસ સહિત યુરોપના કેટલાક દેશોની આર્થિક કટોકટી સંબંધે અનેક મત-મતાંતરો પ્રવર્તે છે. રોગની ગંભીરતા એવી છે કે તેના માટે કોઇ એક નિદાન, કોઇ એક ચિકિત્સા કે કોઇ એક જ ‘તબીબ’નો અભિપ્રાય આખરી ગણી શકાય નહીં. રોગનાં વિવિધ લક્ષણો અને તેનાં કારણો-નિવારણો વિશે જુદા જુદા અભ્યાસીઓના અભિપ્રાય જાણવાથી, પરિસ્થિતિનો થોડોઘણો ખ્યાલ આવી શકે છે.
યુરો, યુરોઝોન અને યુરોપીઅન યુનિયન
સામાન્ય ઉલ્લેખોમાં યુરો, યુરો ઝોન અને યુરોપીઅન યુનિયન જેવા પ્રયોગો એકબીજાની અવેજીમાં વપરાતા જોવા મળે છે. (જેમ કે, ‘યુરો-કટોકટી’) પ્રાથમિક સ્પષ્ટતા એટલી કે ગ્રીસના ડીફોલ્ટ અને સ્પેન-પોર્ટુગલ જેવા દેશોની ખરાબ આર્થિક હાલતને કારણે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિને, તેમના સહિયારા ચલણ ‘યુરો’ની મજબૂતી સાથે ઝાઝી લેવાદેવા નથી.
યુરોપીઅન યુનિયન એટલે યુરોપના હાલમાં ૨૭ દેશોનો સમુહ, જે ૧૯૯૩માં ૧૫ દેશોના સમુહ તરીકે અસ્તિત્ત્વમાં આવ્યો હતો. તેમાંથી ૧૧ દેશોએ ૧ જાન્યુઆરી, ૧૯૯૯થી ‘યુરો’ તરીકે ઓળખાતું સહિયારું ચલણ અપનાવવાની શરૂઆત કરી અને ત્રણ વર્ષમાં તેમણે પોતપોતાના જૂના ચલણને સંપૂર્ણપણે વિદાય આપી. હાલમાં ‘યુરો’નું ચલણ ધરાવતા ૧૭ દેશ છે, જેમનો સમુહ દેશો ‘યુરો ઝોન’ તરીકે ઓળખાય છે. બ્રિટને ‘યુરો’સ્વીકારવાને બદલે પાઉન્ડનું ચલણ ચાલુ રાખ્યું હોવાથી, તેનો સમાવેશ ‘યુરો ઝોન’માં થતો નથી.
સમસ્ત યુરોઝોનમાં સૌથી સમૃદ્ધ દેશ જર્મની છે અને સૌથી દેવાળિયો ગ્રીસ. ‘સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ’ના ક્રેડિટ રેટિંગપ્રમાણે જર્મનીનું રેટિંગસર્વોચ્ચ - ‘ટ્રીપલ એ’- છે (જે હવે અમેરિકાનું પણ નથી). સામે પક્ષે ગ્રીસનું ક્રેડિટ રેટિંગ ‘ટ્રીપલ સી માઇનસ’ છે. ક્રેડિટની દૃષ્ટિએ ભરોસાપાત્રતાના ક્રમમાં કુલ ૧૨૬ દેશોની યાદીમાં ગ્રીસનો નંબર છેલ્લો છે.
પોતપોતાનાં અલગ ચલણ અને તેની સાથે સંકળાયેલી સ્વતંત્રતાઓ ધરાવતા દેશોએ સહિયારું ચલણ શા માટે, કઇ ગણતરીએ અપનાવ્યું? તેના માટે અપાતાં કેટલાંક મુખ્ય કારણોઃ યુરોઝોનના દેશોનું બજાર એક થઇ જાય (આર્થિક એકત્વ), જુદા જુદા દેશોનાં વિવિધ ચલણને કારણે ઊભી થતી વિનિમય દરની ખટપટો ટળી જાય, આખા યુરોઝોનમાં ચીજવસ્તુઓના ભાવમાં પારદર્શકતા આવે, બધા દેશોનું ચલણ સહિયારું થતાં, પ્રમાણમાં નબળા દેશોને ‘યુરો’ની મજબૂતીનો લાભ મળે, ઓછા દરે -એટલે કે જર્મની જેવા સમૃદ્ધ દેશોને મળતું હોય એટલા દરે-બજારમાંથી ધીરાણ મળે...
આ બધી ઊજળી શક્યતાઓ સામે જોખમો પણ ઓછાં ન હતાં. યુરોઝોનના દરેક દેશની આર્થિક સ્થિતિ અને સદ્ધરતાં જુદાં જુદાં હોય. એવા દેશોનાં અર્થતંત્રને સાંકળવાથી, એક જ ગાડે ઘોડો, ગધેડો, બકરી ને ઊંટ જોડવા જેવી સ્થિતિ ન થાય? આ સંભાવના નિવારવા માટે યુરોઝોનમાં સભ્યપદ માટેના કેટલાક નિયમ નક્કી કરવામાં આવ્યા. જેમ કે, યુરોઝોનમાં જોડાવા ઇચ્છનાર દેશની વાર્ષિક ખાધ તેના કુલ ઘરેલુ ઉત્પાદન/જીડીપીના ૩ ટકા કરતાં વધારે ન હોવી જોઇએ. તે દેશનું દેવું તેના જીડીપીના ૬૦ ટકાથી વઘુ ન હોવું જોઇએ. સાદી ભાષામાં કહીએ તો, દેશનું દેવું અને તેના વાર્ષિક સરવૈયામાં જાવકની સામે પડતી આવકની ઘટ માપમાં-અંકુશમાં હોવી જોઇએ. તો જ એ દેશને યુરોઝોનમાં પ્રવેશ અને ‘યુરો’ના સહિયારા ચલણથી થનારા લાભ મળે.
યુરોઝોનમાં પ્રવેશ માટે કડક નિયમો એટલા માટે આવશ્યક હતા કે એક વાર કોઇ દેશ યુરોઝોનનો ભાગ બને એટલે તેના અર્થતંત્રની જવાબદારી યુરોઝોનની સહિયારી થવાની હતી. ખાડે ગયેલો કોઇ દેશ યુરોઝોનમાં હોય, તો પછી તેને ખાડામાંથી બહાર કાઢવા માટે જરૂરી નાણાં યુરોપીઅન સેન્ટ્રલ બેન્કે અને આડકતરી રીતે, યુરોઝોનના બીજા સમૃદ્ધ દેશોએ કાઢવાં પડે.
તેમ છતાં, થવાકાળ થઇને જ રહ્યું. નવાઇ લાગે એવી વાત એ છે કે નિયમોના ભંગની શરૂઆત ખરાબ સ્થિતિ ધરાવતા દેશોએ નહીં, પણ યુરોઝોનના ખમતીધર ગણાતા જર્મની અને ફ્રાન્સ જેવા દેશોએ કરી. તેનું કારણ આર્થિક ગણતરી નહીં, પણ જુદા પ્રકારનું આર્થિક આયોજન હતું. કોઇ પણ દેશની સમૃદ્ધિ કે સદ્ધરતાનો અંદાજ કેવળ તેના દેવાની ટકાવારી કે ખાધની ટકાવારી પરથી કાઢી શકાય નહીં. એટલે જર્મની-ફ્રાન્સે નિયમો તોડ્યા છતાં તેમની હાલત મજબૂત હતી. ખરો વાંધો નિયમ તૂટવાનો દાખલો પડ્યો એનો હતો. એક વાર એ સિલસિલો શરૂ થયો એટલે બીજા દેશોએ પણ હિંમત કરી. આંકડાકીય જૂઠાણું ચલાવવામાં સૌથી ખરાબ ઉદાહરણ ગ્રીસનું હતું, જેણે યુરોઝોનમાં પ્રવેશ મેળવવા માટે ખોટા આંકડા બતાવ્યા અને ચોપડે મોટા પાયે ઘાલમેલ (‘બૂક-કૂકિંગ’) કરી.
ગ્રીસના ગોટાળા, જર્મનીની ફસામણી
‘પિગ્સ’ ના ટૂંકા નામે ઓળખાતા પોર્ટુગલ, ઇટાલી, આયર્લેન્ડ, ગ્રીસ અને સ્પેન એમ પાંચ નબળા યુરો-દેશોના સમુહમાં ગ્રીસનો કિસ્સો અત્યારે સૌથી વધારે ચગેલો છે.એકથી વઘુ વાર ‘ડીફોલ્ટ’ની સાવ ધારે આવીને, છેલ્લી ઘડીની મદદને લીધે બચતું રહ્યું છે, પરંતુ તે ક્યાં સુધી ડીફોલ્ટ ટાળી શકશે, એ સવાલ હજુ મોં ફાડીને ઊભો છે.
ગ્રીસ અને એકંદરે યુરો-ઝોનની સામે ઊભેલી આર્થિક કટોકટીના કારણોની ચર્ચા થાય, ત્યારે એ વિશેના અભિપ્રાયોમાં મુખ્યત્વે બે ભાગ જોવા મળે છે. એક વ્યાપક અને લોકપ્રિય મત પ્રમાણે, ગ્રીસ સહિતના દેશોએ યુરોઝોનમાં પ્રવેશ્યા પછી મળેલા આર્થિક ફાયદાને કારણે ખર્ચા કરવામાં પાછું વાળીને જોયું નથી. ઘરઆંગણે આવક-જાવકના સરવૈયાની પરવા રાખ્યા વિના તેમણે છૂટા હાથે નાણાં ઉડાડ્યાં છે. આ ઉડાઉગીરીના કારણે તેમનું દેવું એટલું ચડી ગયું છે કે કરોડો યુરોની મદદ પછી પણ તેમના અર્થતંત્રનું ઠેકાણું પડે એમ નથી.
જો આવું જ હોય તો, ગ્રીસ જેવા દેશની ઉડાઉગીરીને ‘બેઇલ આઉટ પેકેજ’- તોતિંગ રકમોનાં ભંડોળ- આપીને શા માટે પોસવી જોઇએ? ગ્રીસ જેવા દેશોની સરકાર આડેધડ યુરોના ઘુમાડા કરીને દેવાના ડુંગર ખડકે ને એને ભરપાઇ કરવા માટે જર્મની જેવા સમૃદ્ધ દેશે- સરવાળે દેશના નાગરિકોએ- શા માટે આર્થિક બોજો ભોગવવો જોઇએ? આવો એક મત છે.
યુરોઝોનના સૌથી સમૃદ્ધ અને આ કટોકટીમાંથી યુરોઝોનને બહાર કાઢવાની ક્ષમતા ધરાવતા દેશ જર્મનીમાં આ મત એટલી હદે પ્રચલિત છે કે દેશનાં વડા એન્જેલા માર્કેલ ગ્રીસને વઘુ ને વઘુ મદદ કરવાનું સ્વીકારે તો તેમને ફરી ચૂંટાવાનાં ફાંફાં પડી જાય. બીજી તરફ, ગ્રીસ ડીફોલ્ટ કરે તો તેની ગંભીર અસરો બીજા ‘પિગ્સ’ દેશો પર અને બીજા દેશોની બેન્કો ઉપર પણ પડે. એક સંભાવના એવી પણ વ્યક્ત થઇ રહી છે કે ગ્રીસને એના પાપે ‘ડીફોલ્ટર’થવા દેતાં ક્યાંક આખેઆખા ‘યુરોઝોન’નું જ ‘અચ્યુતમ્ કેશવમ્’ન થઇ જાય. ટૂંકમાં, ગ્રીસના ડીફોલ્ટને કારણે જે સ્થિતિ સર્જાય તેના માટે પણ દોષનો ટોપલો સરવાળે જર્મનીના માથે આવે. આ પ્રમાણે માનનારા લોકોના મતે, જર્મનીની હાલત ‘લેવાદેવા વિના ફસાઇ ગયેલા અને સમૃદ્ધ હોવાનો વાંક ધરાવતા દેશ’ જેવી છે અને તેના નાગરિકોનો, ઉડાઉ દેશોને મદદ આપવા સામેનો રોષ વાજબી છે.
અગાઉ યુરોઝોનમાં દાખલ થવા માટે આચરેલા ગોટાળાથી ગ્રીસની સરકારની આબરૂનું ધોવાણ થયેલું છે. તેમાં ગ્રીસના ખર્ચાના આંકડા ભણી નજર નાખતાં, તેની સામે ફેલાયેલો રોષ અને ‘ગ્રીસ એને જ લાયક છે’ એવી લાગણીમાં તથ્ય લાગે.
યુરોઝોનમાં આવી ગયા પછી, સસ્તા દરે ઉધાર મળતું થઇ જવાને કારણે, નાગરિકો તો નાગરિકો, સરકાર પણ છૂટથી દેવું કરતી થઇ. કર્મચારીઓને પગાર આપવા જેવી બાબતોમાં ગ્રીસની સરકારે અસાધારણ ‘ઉદારતા’ દાખવી. એક ઉદાહરણ પ્રમાણે, જર્મનીમાં જે કામ માટે વર્ષે ૫૫ હજાર યુરો ચૂકવાતા હોય, એ જ પ્રકારના કામના ગ્રીસમાં ૭૦ હજાર યુરો ચૂકવાતા હતા. કિસ ખુશીમેં? બસ, યુરોની ક્યાં ખોટ છે? જોઇએ એટલા, પોસાય એવા દરે મળે જ છે ને! સરકારી કર્મચારીઓ અને પ્રજા ખુશ રહે એટલે વોટબેન્ક સલામત અને નેતાઓને નિરાંત. એક અહેવાલ પ્રમાણે, ગ્રીસની સરકાર તેના કર્મચારીઓને અમુકથી વધારે નાણાં ચૂકવી ન શકે એવો જાપ્તો આવ્યા પછી, સરકાર કર્મચારીઓનો માસિક પગાર વર્ષમાં ૧૨ ને બદલે ૧૩-૧૪ વાર કરતી હતી. સરવાળે ગ્રીસના માથે કુલ ૩૪૦ અબજ યુરો જેવું અધધ દેવું ચડી ગયું છે. જીડીપીના હિસાબે ગણતાં, ‘યુરો ઝોન’ની ૬૦ ટકાની મર્યાદા સામે, ગ્રીસનું દેવું તેના જીડીપીના ૧૬૦ ટકા જેટલું થયું છે. બબ્બે વાર ૧૦૦ અબજ યુરોથી વઘુનાં બેઇલ આઉટ પેકેજ મળ્યા પછી પણ હજુ તેનું અર્થતંત્ર ઠેકાણે પડતું નથી. ટીકાકારો કહે છે કે ગ્રીસ હજુ પૂરતા પ્રમાણમાં કરકસરનાં પગલાં લેતું નથી.
પરતું હકીકત શી છે? સમગ્ર પરિસ્થિતિનો આળીયોગાળીયો ગ્રીસ જેવા દેશોની ‘ઉડાઉગીરી’ પર ઢોળી દેવાનું વાજબી છે? એવું ન હોય તો, યુરોઝોનને આ દશામાં ધકેલનારાં બીજાં પરિબળ કયાં? અને હવે શું થઇ શકે? તેના જવાબો આવતા સપ્તાહે.
Subscribe to:
Post Comments (Atom)
Urvishbhai, very nice analysis and presented in easy to understand language.
ReplyDeleteWaiting for next part....
ખુબ સરસ લેખ, ગ્રીસની કટોકટી માટે વાંચ્યું હતું પણ સાચી અને ઊંડાણપુર્વકની માહીતી આ લેખથી મળી.
ReplyDeleteપ્રવીણ સુતરીયા