Thursday, October 13, 2011

સ્ટીવ જોબ્સના બેસણામાં: એક અહેવાલ

મૃત વ્યક્તિ વિશે રમૂજ કરવામાં સહજ ખચકાટ થાય. પરંતુ મૃતકને બદલે મૃત્યુ સાથે સંકળાયેલી ઔપચારિકતાઓની વાત આવે ત્યારે કશો ખટકો રહેતો નથી.. ગુજરાતી વ્યવહારુજનોને અનુભવ હશે કે મૃત્યુની મજાક ઉડાડવાનો- તેની ગંભીરતા વેરવિખેર કરવાનો સૌથી જાણીતો-સમાજસ્વીકૃત પ્રસંગ છેઃ બેસણું. ‘મૃત્યું મરી ગયું રે લોલ’ એવો સાહિત્યિક કે ફિલસૂફીભર્યો નહીં, પણ ખરેખરો- વાસ્તવિક અહેસાસ બેસણામાં થાય છે. તેનું એક કારણ એ છે કે મૃત્યુ આકસ્મિક હોઇ શકે, પણ બેસણું કદી ઓચિંતું આવતું નથી. ત્રાસવાદીઓના (નહીં પકડાયેલા) પૂર્વયોજિત પ્લાનની જેમ, બેસણું પણ પૂરેપૂરું પૂર્વઆયોજિત હોય છે.

નિયત સ્થળે-સમયે બેસણાની શરૂઆત કવ્વાલીની જેમ ધીરગંભીર આલાપથી થાય છે, પણ એ તો માહોલ બાંધવા પૂરતી. એક વાર બેસણાની ગાડી ગીયરમાં આવી જાય, પછી તો એવી રમઝટ જામે કે બેસણું પૂરું થયે આપણે ગેધરિંગમાં કે ગપ્પાંગોષ્ઠિ માટે નહીં, બેસણામાં ગયા હતા એ યાદ રાખવું પડે.

બેસણા સાથે સંકળાયેલા અનેક રસ-રંગની ઝલક આપતી એક કલ્પનાઃ ધારો કે સ્ટીવ જોબ્સનું બેસણું અમદાવાદમાં રાખવામાં આવ્યું હોત તો? બેસણામાં અને બેસણાંની બહાર, પહેલાં ગુસપુસ સ્વરે અને પછી ‘પ્યાર કિયા કોઇ ચોરી નહીં કી’ જેવા ઉઘાડેછોગ અંદાજમાં બેસણાકર્મીઓ વચ્ચે કેવી, બલ્કે કેવી કેવી, વાતો થતી હોત?
***

બેસણાકર્મી ૧: સ્ટીવભાઇના સમાચાર તમે કેવી રીતે જાણ્યા? (જવાબની રાહ જોયા વિના) આપણી ઉપર તો સિલિકોન વેલીથી જ ફોન આવી ગયેલો.
બે.ક.૨: ના હો. મારો ફોન થોડા દિવસથી બગડેલો છે. એટલે મેં તો છાપામાં જોયું ત્યારે જ જાણ્યું.
બે.ક.૩: છાપામાં એટલે સમાચારમાં?
બે.ક.૨: ના રે. સમાચાર તો બપોરે ઉંઘતી વખતે વંચાય તે ખરા. પણ આપણો નિયમ છે. સવારમાં ઉઠીને બેસણાનો વિભાગ પહેલો જોઇ લેવાનો.
બે.ક.૩ : હા, ખરી વાત છે. એમાં આપણો ફોટો ન હોય એટલે આપણે જીવતા છીએ એની તો ખાતરી થઇ જાય.
બે.ક.૨: તમને ગમ્મત સૂઝે છે, પણ ખરું કહું છું. સવારે બેસણાં જોતો હતો ત્યારે આમનો ફોટો જોયો. મને થયું કે ચહેરો બહુ જાણીતો છે. મારી જોડે સ્કૂલમાં એક રાજેશ ભણતો હતો, એનો મોટો ભાઇ સંદીપ અદ્દલ આવો લાગતો હતો...ને કુદરતની લીલા તો જુઓ, સંદીપ પણ અત્યારે અમેરિકા જ છે.
બે.ક.૪: પણ ખરૂં થઇ ગયું, નહીં! એકદમ. ઓચિંતું...
બે.ક.૫: તો તમને શું લાગે છે? જતાં પહેલાં જોબ્સ તમને આગોતરો એસએમએસ કરે કે ‘બસ, હવે હું જાઉં છું. બોલ્યુંચાલ્યું માફ’?
બે.ક.૧: એમ નહીં. પણ આઘાત તો લાગે ને. અમારા સંબંધ એવા હતા. મારો છોકરો કહેતો હતો કે હજુ હમણાં સુધી તો એમને કાળા ટી-શર્ટ ને ભૂરા જીન્સમાં જોયા છે. મારા છોકરાએ જોબ્સના ટી-શર્ટ પર એક ડાઘ જોઇને કહ્યું પણ ખરું કે સ્ટીવકાકા અબજોના આસામી થઇને આવાં ફૂટપાથિયાં ટી શર્ટ શું કામ પહેરતા હશે? એ વખતે મેં એને ટોક્યો કે આપણાથી આવું ન બોલાય. ગમે તેમ તોય તારો આઇ-ફોન એમના થકી છે.
બે.ક.૬: અમારી એક પાડોશી પણ કાળું શર્ટ જ પહેરતા હતા અને આવી રીતે ઓચિંતા જ મરી ગયેલા. હું એમને બહુ કહેતો કે આવાં કાળાં લુગડાં શીદ પહેરો છો? પણ આ સુધરેલા આપણું માને? મરી ગયા એના આગલા દિવસે હું બ્રશ કરતો હતો ત્યારે એ ચાલતા ચાલતા હાથમાં પ્લાસ્ટિકની થેલી લઇને નીકળ્યા હતા. મેં એમને પૂછ્‌યું પણ ખરું કે સવાર સવારમાં ક્યાં ઉપડ્યા?
બે.ક.૩: તમે આવું પૂછ્‌યું, એટલે એ બીજા દિવસે ગુજરી ગયા? ના, ના, એવું ન હોય.
બે.ક.૬: હું ક્યાં કહું છું કે મારા સવાલથી એ ગુજરી ગયા. કહેવાનો મતલબ કે માણસને આગલે દહાડે આપણે જોયો હોય ને બીજે દિવસે આમ ગુજરી જાય...
બે.ક.૩: હા, પણ શું થાય? દરેક માણસને મરતાં પહેલાં જીવતા હોવાનો અધિકાર નથી?
બે.ક.: તમે યાર બેસણાની ગંભીરતા સમજતા જ નથી. જવા દો એ વાત. આમ ગમે તે કહો,પણ માણસ તરીકે સ્ટીવભાઇ લાખ રૂપિયાનો.
બે.ક.૭ : લાખ રૂપિયાનો નહીં, અબજો ડોલરનો. એ તો માનવું પડે, પણ ‘આમ ગમે તે કહો’ એટલે શું? આ તો એક વાત છે. મર્યા પછી બેસણામાં એ માણસ વિશે વાત ન થાય, તે હું સમજું છું. પણ હજુ આખો એક કલાક કાઢવાનો છે.
બે.ક.૨ : મેં પણ ઉડતી ઉડતી વાત તો સાંભળી હતી કે..
બે.ક.૧: કાનને દોષ છે પણ છાપાંમાં પણ આવ્યું કે એને લગ્ન કર્યા વિના દીકરી થયેલી.
બે.ક.૬: (ગુસપુસ સ્વરે) આ લોકોમાં અક્કલ જેવું કંઇ છે કે નહીં? અહીં બેઠાં બેઠાં આવી વાતો કરતાં શરમ નથી આવતી? ભલા માણસ, કલાક રાહ તો જુઓ. એક વાર બેસણામાં બધાને ‘જેશીક્રષ્ણ’ થઇ જાય પછી બહાર લારીએ ચા પીતી વખતે વાત કરતાં તમારું શું જાય છે?
બાકીના બેસણાકર્મીઓઃ હા, વ્યવહારની વાત છે. જોયું? અનુભવી માણસ હોય એટલે આટલો ફેર પડે. ક્યાં-ક્યારે શું થાય ને શું ન થાય એ કહી શકે.
બે.ક.૬: હા, પણ અહીં બેસીને આપણે ‘એપલ’ કંપનીના શેરનું શું થશે એની વાત કરાય. એનો વાંધો નહીં. (બે.ક.૧ સામે જોઇને) શું લાગે છે તમને? તમારે તો સિલિકોન વેલીમાં ઓળખાણ છે...
બે.ક.૧: ઓળખાણ તો છે, પણ શેરબજારમાં તો એવું છે ને કે શું ભારતનું, શું અમેરિકાનું, કશું ઠેકાણું નહીં. પણ સોનાના ભાવનું કેમ લાગે છે? અને ચાંદી ક્યાં સુધી નીચી રહેશે?
બે.ક.૨: પેટ્રોલ પણ જુઓ ને, ઘુમાડા નીકળી જાય એટલું મોંધું છે.
બે.ક.૧: તમે લખી રાખો. અમેરિકા આજે નહીં ને કાલે, દેવાળું કાઢશે અને ચીન અમેરિકાને ખરીદી લેશે. એ વખતે તમે મને યાદ કરશો.
બે.ક.૩: આજનો પ્રસંગ પણ યાદ રહે એવો છે, નહીં? ‘સ્ટીવ જોબ્સના બેસણામાં એક ભવિષ્યવેત્તાની આગાહીઃ ચીન અમેરિકાને ખરીદી લેશે.’
બે.ક.૪: (રંગમાં આવી જઇને) વાહ. મને તો આ સાંભળીને જ રોમાંચ થઇ રહ્યો છે. લાગે છે કે લારી પર જઇને ચાની સાથે ચાઇનીસ સમોસા પણ ખાવા પડશે.
બે.ક.૧: ધીમેથી... આપણે બેસણામાં બેઠા છીએ.
બે.ક.૩: ના, એ કેવી રીતે ભૂલી શકાય? આપણને આવી મહત્ત્વની વાતો કરવાની તક આપવા બદલ ભગવાન સ્ટીવ જોબ્સના આત્માને શાંતિ આપે.

1 comment:

  1. ભરત ઝાલા2:31:00 PM

    પ્રથમ ચાર લીટીઓ ઉર્વિશ અંદાઝમાં લખાઇ હોય એટલી સરસ છે.વિષયપ્રવેશમાં પહેલા જ દડે સિક્સર મારી હોય એટલી મજા આવી.બાકી બેસણામાં આવું જ બધું ચાલે છે,પછી ચાહે અમદાવાદ હોય કે બીજું શહેર,શું ફરક પડે છે?

    ReplyDelete