Tuesday, October 25, 2011
દુનિયાને દઝાડે એવી યુરોપીની આર્થિક ‘હોળી’: કટોકટીનાં અસલી કારણ જુદાં છે?
પેચદાર ફેમિલી ડ્રામાના ક્લાઇમેક્સ જેવો માહોલ છે. એક તરફ સહિયારું ચલણ ધરાવતા યુરોપના ૧૭ દેશો-યુરો ઝોન-માંથી ગ્રીસની આર્થિક હાલત પતલી છે. તેને ડીફોલ્ટ-વાયદા મુજબનાં ચૂકવણાં કરી ન શકવાની સ્થિતિ- થી બચાવવા માટે અત્યાર સુધીમાં અબજો ડોલરની સહાય આપવામાં આવી છે. છતાં, તેનું દેવું એટલું મોટું (કુલ ઘરેલુ ઉત્પાદન-જીડીપીના ૧૬૦ ટકા) છે કે બે છેડા ભેગા થાય એમ નથી. યુરોઝોનના જર્મની જેવા સદ્ધર દેશ કે યુરોઝોનનું સહિયારું કટોકટી ભંડોળ ગ્રીસને મદદ કરે, તો તેની સામે ગ્રીસની સરકારને આકરી કરકસર સહિતની શરતો સ્વીકારવી પડે છે.
ગ્રીસની સરકાર કરકસરનાં કડક પગલાં અપનાવે, પગાર-પેન્શનમાં કાપ મૂકે, કરવેરા વધારી મૂકે, તેથી ગ્રીસની પ્રજા રોષે ભરાય છે. તે સડક પર ઉતરી આવે છે અને હવે તો હિંસક વિરોધ પ્રદર્શનો કરે છે. તેમને લાગે છે કે તેમના કોઇ વાંકગુના વિના, કરકસરના નામે તેમની પર જુલમ થઇ રહ્યો છે, તેમનું જીવનધોરણ તળીયે આવી રહ્યું છે, હાલાકી વધી પડી છે, આર્થિક સલામતી ખતમ થઇ ગઇ છે.
જર્મની જેવા ખમતીધર દેશની પ્રજાને અને કેટલાક નેતાઓને લાગે છે કે ગ્રીસ આ જ દાવનું છે. અર્થકારણ સાથે સંકળાયેલા ઘણા લોકો પણ એવું માને છે કે ગ્રીસે પોતાની સાચી આર્થિક સ્થિતિ છુપાવીને યુરોપિઅન યુનિયનમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાર પછી યુનિયનમાં હોવાના (ઓછા વ્યાજે મળતી લોન જેવા) ફાયદા મેળવીને ગજા બહારનો ખર્ચ કર્યો. આમ પોતાનાં કરતૂતોથી જ તે ડીફોલ્ટની ધારે આવીને ઊભું છે. ગ્રીસની સરકાર આડેધડ ખર્ચા કરતી હોય તેની કંિમત જર્મનીના લોકોએ શા માટે ચૂકવવી જોઇએ?
યુરોઝોનની બહારના દેશોને ચંિતા છે કે ગ્રીસ ડીફોલ્ટ કરશે તો તેની સીધી અસર ગ્રીસમાં રોકાણ કરનાર યુરોપની બેન્કો પર પડશે. એ બેન્કો નાણાંભીડમાં આવી પડશે. કદાચ તેમાંથી કેટલીકના અસ્તિત્ત્વ સામે પ્રશ્નાર્થ આવી જાય. નાણાંકીય રીતે કાચા દેશોમાં ગ્રીસ પછી (પોતપોતાનાં કારણોસર) પોર્ટુગલ, સ્પેન, ઇટાલી, આયર્લેન્ડ જેવા દેશો નંબર આવે છે. યુરોઝોનના દેશોની બેન્કો અને સમૃદ્ધ દેશોની પોતાની તિજોરીઓ નબળી પડે અથવા નબળા દેશોને ઉગારવામાં ઝડપથી ખાલી થવા લાગે, તો તેની અસર અમેરિકા સહિતના વિશ્વને પણ વરતાયા વિના ન રહે. સરવાળે માંડ ટળેલી વૈશ્વિક મંદીનાં વાદળાં ફરી પાછાં ઘેરાય.
આ પરિસ્થિતિમાંથી ઉકેલ કાઢવા માટે આર્થિક રીતે સક્ષમ એવા જી-૨૦ દેશોએ યુરોઝોનના સમૃદ્ધ દેશોને જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. ફ્રાન્સ અને જર્મની જેવા સદ્ધર દેશો સહિત યુરોઝોનના દેશો વચ્ચે ગયા ગુરૂવારે થયેલી બેઠકમાં કટોકટીનો અંત કેવી રીતે આણવો તેનો આખરી નીવેડો આવી શક્યો નથી. એટલે હવે તે આ અઠવાડિયે ફરીથી મળીને, ગ્રીસ સહિત યુરોઝોનને ઊંડા કૂવામાંથી બહાર કાઢવાની વ્યૂહરચના ઘડી કાઢે એવી આશા છે.
ગ્રીસના માથે ગાળિયો?
ગ્રીસની અને તેના કારણે યુરોઝોનની આર્થિક અવદશા અંગે ઘણાખરા લોકો ગ્રીસની સરકારને પૂરેપૂરી દોષી માને છે, પરંતુ અભ્યાસીઓનો એક વર્ગ આ નિદાન સાથે સંમત નથી. તેમને લાગે છે કે ગ્રીસની સરકારે ગજા બહારના ખર્ચા કર્યા છે અને તેનાથી સ્થિતિ વણસવામાં મદદ મળી એ ખરૂં, પણ ગ્રીસની આર્થિક સમસ્યાનું મૂળ કારણ ઉડાઉગીરી નથી. અર્થશાસ્ત્રના ક્ષેત્રે પ્રદાન બદલ નોબેલ સન્માન મેળવનાર અમેરિકાના પોલ ક્રગમેને ભારપૂર્વક કહ્યું છે કે આ મામલો ખરેખર ગ્રીસની સરકારી બેજવાબદારીનો નહીં, પણ ‘કેપિટલ ઇનફ્લો’- દેશમાં ઠલવાતાં નાણાંના પ્રવાહની વધ-ઘટનો છે. ‘અત્યારના સંજોગોમાં આ કારણ સ્વીકારવાનું અઘરૂં લાગે, છતાં એ હકીકત છે’ એ મતલબની સ્પષ્ટતા પણ તેમણે કરી છે. પોતાના નિદાનના સમર્થનમાં તેમણે અર્થશાસ્ત્રી મેન્સોરીનાં બે લખાણ અને તેમાં રજૂ થયેલા આંકડા ટાંક્યા છે.
મેન્સોરીએ પોતાના બ્લોગ ‘ધ સ્ટ્રીટ લાઇટ’ પર બે હપ્તામાં યુરોઝોનની કટોકટીનાં અસલી કારણો પર, જરા જુદી રીતે પ્રકાશ પાડ્યો છે. તેમની પાયાની દલીલ એવી છે કે વર્તમાન કટોકટી જે કારણોથી અને જે નિર્ણયોના પરિણામે ઉદ્ભવી, તેની પર ગ્રીસ કે સ્પેન કે આર્યલેન્ડ જેવા ‘નબળા’ દેશોની સરકારોનો કોઇ કાબૂ ન હતો. ક્રગમેનની જેમ તેમણે પણ ‘કેપિટલ ઇનફ્લો’- બહારથી રોકાણ માટે આવતા નાણાપ્રવાહને મુખ્ય ‘વિલન’ ગણાવ્યો છે અને તેના આધારૂપ આંકડા આપ્યા છે.
તેમની દલીલ પ્રમાણે, ગ્રીસનો યુરોઝોનમાં સમાવેશ થયા પછી- એટલે કે પોતાનું નબળું ચલણ છોડીને ‘યુરો’નું સબળું ચલણ અપનાવ્યા પછી- ગ્રીસમાં રીઅલ એસ્ટેટથી માંડીને બીજાં ક્ષેત્રોમાં રોકાણ કરવાનું વધારે ફાયદેમંદ બની જાય. એ કારણથી રોકાણકારોનાં નાણાંનો પ્રવાહ ગ્રીસ તરફ વળે. તેમાં ગ્રીસને લાભ છે. મેન્સોરીના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારનો લાભ યુરોઝોનની તરફેણમાં ગણાવાતા મુખ્ય ફાયદામાંનો એક હતો.
પરંતુ આ જાતના નાણાંપ્રવાહની મુશ્કેલી એક જ છે અને તે નાની નથીઃ દેશનું અર્થતંત્ર અગાઉની જેમ જ ચાલતું હોય, તેમાં મોટી પડતી આવી ન હોય તો પણ, બહારથી ઠલવાતાં નાણાંનો પ્રવાહ, સંબંધિત દેશના કોઇ વાંકગુના વિના, રોકાણકારોનું વલણ બદલાવાને કારણે અચાનક બંધ પણ થઇ શકે. એવું થાય તો આવકમાં નોંધપાત્ર ઘટાડાને કારણે દેશમાં આર્થિક કટોકટી સર્જાવાની પૂરી શક્યતા રહે.
ગ્રીસના કિસ્સામાં એવું બન્યું હોવાનું મેન્સોરીને લાગે છે. એ માટે તેમણે યુરોઝોનના દેશોના બે પ્રકારના આંકડા આપ્યા છેઃ ૧) સરકારના ચોપડે બોલતું ફિસ્કલ બેલેન્સ (રાજકોષીય પરિસ્થિતિ), જેનો સીધો સંબંધ સરકારી વહીવટ સાથે છે અને તેની વધઘટનો સીધો દોષ સરકારે લેવો રહ્યો. ૨) કરન્ટ એકાઉન્ટ બેલેન્સ, જેમાં બહારના દેશોથી સ્વદેશમાં આવતાં-જમા થતાં નાણાંનો સમાવેશ થાય છે. એ રીતે તેનો સીધો સંબંધ આગળ જણાવેલા ‘કેશ ઇનફ્લો’ના પરિબળ સાથે છે અને તેની વધઘટ માટે સ્થાનિક સરકાર સીધી રીતે જવાબદાર હોતી નથી.
ગ્રીસને વર્ષ ૨૦૦૦માં યુરોઝોનમાં પ્રવેશ માટે લીલી ઝંડી મળી અને ૧ જાન્યુઆરી, ૨૦૦૧થી તે જોડાયું. મેન્સોરીએ ગ્રીસ સહિત બાકીના દેશોના પણ વર્ષ ૨૦૦૦થી ૨૦૦૭ (વૈશ્વિક કડાકાભડાકા પહેલાં) સુધીના આંકડા ‘ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ’- ટૂંકમાં ‘ઓઇસીડી’ના હવાલાથી આપ્યા છે. તેમાંથી જણાય છે કે ગ્રીસ, પોર્ટુગલ, ઇટાલી જેવા દેશોના અર્થતંત્રમાં જમા કરતાં ઉધારનું પલ્લું નમેલું જ હતું. ગ્રીસની વાત કરીએ તો સાત વર્ષના સમયગાળામાં તેનું સરેરાશ ‘ફિસ્કલ બેલેન્સ’ તેના કુલ ઘરેલુ ઉત્પાદન-જીડીપીની સરખામણીમાં માઇનસમાં ચાલતું હતું. (માઇનસ ૫.૪ ટકા) એવી જ રીતે પોર્ટુગલનું માઇનસ ૩.૭ ટકા અને સ્પેન-આયર્લેન્ડ તો માઇનસમાં નહીં, પણ મામૂલી પ્લસમાં (અનુક્રમે ૦.૩ ટકા અને ૧.૫ ટકા) હતાં.
ફિસ્કલ બેલેન્સની સરખામણીમાં કરન્ટ એકાઉન્ટ બેલેન્સની વાત કરીએ તો, ‘પિગ્સ’ તરીકે ઓળખાતા પાંચેય દેશોનાં ૨૦૦૦-૨૦૦૭ દરમિયાન સરેરાશ બેલેન્સ માઇનસમાં હતાં. પોર્ટુગલનું કરન્ટ એકાઉન્ટ બેલેન્સ તેના જીડીપીના માઇનસ ૯.૪ ટકા, ગ્રીસનું માઇનસ ૮.૪ ટકા, સ્પેનનું માઇનસ ૫.૮ ટકા...
આ બન્ને પરિબળોમાંથી આર્થિક બેહાલી સાથે કોનો સંબંધ ગાઢ? તેનો જવાબ પણ આંકડામાંથી મળી શકે છે. યુરોઝોનમાં સૌથી સદ્ધર હોય તો જર્મની. તેના આંકડા શું કહે છે? ફિસ્કલ બેલેન્સઃ માઇનસ ૨.૨. કરન્ટ એકાઉન્ટ બેલેન્સઃ ૩.૨ ટકા. (એટલે કે પ્લસમાં) હવે સૌથી ‘અદ્ધર’ દેશ ગ્રીસનો ચોપડો. ફિસ્કલ બેલેન્સઃ માઇનસ ૫.૪ ટકા. કરન્ટ એકાઉન્ટ બેલેન્સઃ માઇનસ ૮.૪ ટકા.
આગળના આંકડા આઠ વર્ષની સરેરાશના હતા, પણ મેન્સોરીએ દેશવાર અને વર્ષવાર થયેલી વધઘટ પણ રજૂ કરી છે. તેમની દલીલ છે કે ગ્રીસ સહિતના પિગ્સ દેશોએ યુરો અપનાવ્યા પછી શરૂઆતમાં તેમના કરન્ટ એકાઉન્ટ બેલેન્સનો ગ્રાફ ઓછેવત્તે અંશે ઊંચો ચડ્યો હતો, પણ પછી એકદમ પટકાયો છે, જેને કારણે તેમનાં અર્થતંત્રોને પણ આકરો માર પડ્યો છે.
જુદા જુદા દેશો દ્વારા થતા ખર્ચના આંકડા પણ તેમણે આપ્યા છે. ખર્ચ મુખ્ય બે પ્રકારનોઃ ૧) ઉપજાઉ, રોકાણ જેવા, લાંબા ગાળાની સુવિધાઓ ઉભા કરવામાં વપરાતી રકમ. ૨) કશી ઉપલબ્ધિ વગરનો ખર્ચ. મેન્સોરીએ સૂચવ્યું છે કે ગ્રીસ જેવા દેશો દેખીતી રીતે ઉડાઉગીરીના આરોપી ખરા. છતાં યુરો અપનાવ્યા પછી તેના દ્વારા થયેલા બન્ને પ્રકારના ખર્ચના આંકડા ઘ્યાનમાં લેતાં, તેની પરનો આરોપ ચર્ચા જેટલો ગંભીર લાગતો નથી.
સારરૂપે તેમણે ‘કેપિટલ ઇનફ્લો’ને મુખ્ય કારણ ગણાવીને કહ્યું છે કે આર્થિક કટોકટીમાં ગ્રીસ જેવા દેશોની સરકારી નીતિનો ફાળો હોવા છતાં, મુખ્યત્વે યુરોઝોનનું સર્જન થયું એ જ ઘડીથી આર્થિક કટોકટી માટેનાં પરિબળો પણ સર્જાઇ ગયાં હતાં. એટલું જ નહીં, એ કટોકટી સ્થાનિક સરકારોની સારી કે નરસી નીતિ હોવા છતાં, લગભગ અનિવાર્ય બની હતી. આ સ્થિતિ સાથે પનારો પાડવા માટે દેશનો પોતાના ચલણ પર કાબૂ હોવો જરૂરી છે, જે યુરોઝોનના સહિયારું ચલણ ધરાવતા દેશો માટે શક્ય નથી.
હવે શું થશે?
એક વાત નક્કી છેઃ ગ્રીસને ડીફોલ્ટમાં કરતું અટકાવવું એ યુરોઝોનના સમૃદ્ધ દેશો માટે ફક્ત પરોપકાર કે પરગજુપણાનો નહીં, પોતાના સ્વાર્થનો પણ મુદ્દો છે. (કારણ કે સમૃદ્ધ દેશોની સમૃદ્ધિ પણ ખાસ્સી હદે બીજા દેશો સાથેના વ્યાપારધંધા સાથે જોડાયેલી હોય છે.) એ માટે દેશો પોતપોતાના નાગરિકોને કેટલી હદે સમજાવી શકે છે અથવા તેમની સમક્ષ કેટલી હદે અળખામણા થઇને નિર્ણય લઇ શકે છે, તેની પર યુરોઝોનની આર્થિક કટોકટીના ઉકેલનો આધાર છે. સમૃદ્ધ દેશો ગ્રીસને લાંબા ગાળા માટે આર્થિક સહાય આપે, ગ્રીસે તેમને ચૂકવવાની થતી રકમમાંથી અમુક હિસ્સો માંડવાળ કરે, ગ્રીસ તથા યુરોઝોનમાં નબળી પડેલી બેન્કોની તિજોરીઓ નવેસરથી તર કરે- આ પ્રકારનાં પગલાંથી ગ્રીસની અને યુરોઝોનની કટોકટીનો અંત આવી શકે છે.
કેવળ અર્થશાસ્ત્ર કે ફક્ત રાજકીય ઇચ્છાશક્તિથી આ પરિસ્થિતિનો નીવેડો ન આવે તે બનવાજોગ છે, પણ બન્નેના યોગ્ય માત્રામાં પ્રયોગથી આર્થિક કટોકટીના અંતની દિશામાં નક્કર પગલાં ભરી શકાય છે.
Subscribe to:
Post Comments (Atom)
આજે વિશ્વના દેશો પરસ્પર વ્યાપાર માર્ગે ગાઢ રીતે જોડાયેલા હોય છે.કોઈ પણ દેશ સ્વતંત્રપણે મનસ્વી રીતે નિર્ણયો ના લઇ શકે,કેમ કે તેના અર્થતંત્રના છેડા અન્ય દેશો સાથે જોડાયેલા હોય છે.આર્થિક મંદી એ આમ જોવા જોઈએ તો ચેપી વૈશ્વિક મહામારી છે,જે ધીરે ધીરે આખા વિશ્વને પોતાના ભરડામાં લઇ લે છે.ગ્રીસની સમસ્યા એ વિશ્વની સમસ્યા બની જાય,એ શક્યતાને નકારી શકાય નહિ.એટલે જર્મની ને બીજા દેશો ગ્રીસને આર્થિક સ્થિરતા અપાવવા મથે,તે સમજી શકાય એવી વાત છે.સ્વાર્થ પણ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હકારાત્મક ભૂમિકા ભજવી શકે છે,એ સત્યનો પરિચય કરવવા બદલ ધન્યવાદ.
ReplyDelete