Monday, January 26, 2015
‘ભારતરત્ન’થી વંચિત એવા અસલી ભારતરત્ન : આર.કે.લક્ષ્મણ
(ગઇ કાલે રવિવાર ૨૫-૧૫, ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં પ્રગટ થયેલો આ લેખ હજુ બ્લોગ પર મૂકું એ પહેલાં તેમના અવસાનના સમાચાર આવ્યા છે. તેમને અંજલિના પહેલા ભાગ તરીકે આ લેખ.)
૯૪ વર્ષના કાર્ટૂનિસ્ટ આર.કે.લક્ષ્મણને ગયા સપ્તાહે પૂનાની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરાયા, ત્યારે સમાચાર જાણીને એક અણદેખીતું સામ્ય તાજું થયું : લતા મંગેશકર અને આર.કે.લક્ષ્મણ/ R K Laxman.
આઝાદ ભારતનાં સૌથી પ્રસિદ્ધ, સૌથી જાણીતાં, પ્રચંડ પ્રતિભાશાળી એવાં દસ બિનરાજકીય નામની યાદી બનાવવાની થાય તો તેમાં આ બન્ને નામ મૂકવાં પડે. ‘ભારતરત્ન’ની યાદીમાં લતા મંગેશકરનું નામ (યોગ્ય રીતે જ) છે, પણ આર.કે.લક્ષ્મણનું નામ નથી એ લક્ષ્મણ માટે નહીં, સન્માન માટે શરમજનક બાબત છે. રીઢા રાજકારણીઓને ફટ દઇને મળી જતું આ સન્માન આઝાદ ભારતના જાહેર જીવનમાં સૌથી નોંધપાત્ર પ્રદાન કરનાર હસ્તીઓમાંના એક લક્ષ્મણને ન મળ્યું હોય, તો ભોગ એ સન્માનના.
લતા મંગેશકર અને આર.કે.લક્ષ્મણ- એ બન્નેની કારકિર્દી આઝાદી પહેલાં શરૂ થઇ ચૂકી હતી. બન્નેમાં પ્રતિભાનો વિસ્ફોટ બાળવયે દેખાઇ ગયો હતો, જે સંજોગો અને યોગ્ય પ્રોત્સાહનના બળે દાયકાઓ સુધી આખા ક્ષેત્રને ઝળાંહળાં કરતો રહ્યો. આ બન્નેના પ્રદાન માટે ‘યુગસર્જક’થી ઓછું બીજું એકેય વિશેષણ વાપરી ન શકાય. અલબત્ત, એ પણ ખરું કે પોતપોતાનાં ક્ષેત્રોનાં ‘નંબર વન’ એવાં આ બન્ને કલાકારો માટે તેમના ક્ષેત્રના બીજા કળાકારોનો અભિપ્રાય મિશ્ર છે. તેમની કળાને સલામ કર્યા પછી, તેમની સફળતામાં કળા ઉપરાંતના પરિબળો (અસલામતી, હરીફાઇને ડામી દેવી, પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને પોતાનો સિક્કો જમાવેલો રાખવો) વિશે પણ ચર્ચા થતી રહી છે. એ બાબતમાં ટીકાનો લાભ લતા મંગેશકરને વધારે મળ્યો છે. કેમ કે, કાર્ટૂનકળાનો વ્યાપ અને તેના વિશેની ચર્ચા-ગોસિપ ગીત-સંગીતના પ્રમાણમાં ઓછાં જ હોય.
વ્યાવસાયિક કાર્ટૂનિસ્ટ તરીકે મુંબઇના ‘ફ્રી પ્રેસ જર્નલ’માં થોડો સમય કામ કર્યા પછી ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ લક્ષ્મણનું આજીવન ઠેકાણું બની રહ્યું. તેમની પ્રચંડ ખ્યાતિ અને પ્રતિષ્ઠા માટે તેમના કામની ગુણવત્તા ઉપરાંત દેશના નંબર વન અંગ્રેજી અખબાર સાથે દાયકાઓનો નાતો અને સતત લોકનજરમાં રહેતું તેમનું કામ પણ મહત્ત્વનાં ગણવાં પડે. લક્ષ્મણ પહેલાં અને પછી બીજા ઘણા પ્રતિભાશાળી કાર્ટૂનિસ્ટો થયા હોવા છતાં, ‘કાર્ટૂન એટલે લક્ષ્મણ’ એવી વ્યાપક છાપ ઊભી થઇ, એ પણ મહદ્ અંશે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ સાથેના તેમના લાંબા જોડાણને કારણે. લોકપ્રિયતાને કારણે તેમના કાર્ટૂનના ઘણા સંગ્રહ પ્રકાશિત થયા અને છૂટથી ઉપલબ્ધ બન્યા (જે બીજા કાર્ટૂનિસ્ટોના કિસ્સામાં શક્ય ન બન્યું).
ભારતમાં આધુનિક કાર્ટૂનકળાના આદિપુરુષ ગણાતા, (‘શંકર્સ વિકલી’ખ્યાત) કે.શંકર પિલ્લઇ હોય કે તેમની સાથે કામ કરી ચૂકેલા અબુ અબ્રાહમ- કાર્ટૂનક્ષેત્રે તેમનું નામ અને પ્રદાન મોટું હતું. અબુ તો બ્રિટનનિવાસ દરમિયાન લાંબા સમય સુધી ‘ગાર્ડિયન’ અખબારમાં રાજકીય કાર્ટૂન આપતા. એ રીતે તેમણે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવી હતી. ભારતમાં આવ્યા પછી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં તેમણે તીખાં રાજકીય કાર્ટૂન કર્યાં. વર્ષો પહેલાં એક ઇન્ટરવ્યુમાં અબુએ કહ્યું હતું કે લક્ષ્મણ મુખ્યત્વે સામાજિક કાર્ટૂનિસ્ટ છે. માત્ર લક્ષ્મણનાં જ કાર્ટૂનથી પરિચિત લોકોને આ વિધાન જરા વિચિત્ર લાગે, પરંતુ શંકર, અબુ અબ્રાહમ, રાજિન્દર પુરી જેવાનાં રાજકીય કાર્ટૂન જોનારને અબુની વાતમાં રહેલા તથ્યના અંશ સમજાશે.
રાજકીયને બદલે મહદ્ અંશે નિર્દોષ રમુજી કહેવાય એવાં કાર્ટૂન માટે જાણીતા સુધીર દારે એક સામયિકને આપેલી મુલાકાતમાં, લક્ષ્મણનાં કાર્ટૂનમાં થતાં પ્રતીકોના પુનરાવર્તનની વાત કરી હતી. અલબત્ત, તેમણે એ માટે લક્ષ્મણના કામના જથ્થાને જવાબદાર ગણ્યો હતો. રોજ ‘યુ સેઇડ ઇટ’નું પોકેટ કાર્ટૂન અને એ સિવાય અઠવાડિયામાં ત્રણ-ચાર મોટાં રાજકીય કાર્ટૂન - આટલા જથ્થામાં ગુણવત્તા ટકાવવાનું કેટલું કપરું બને, એ સમજાય એવું છે.
કાર્ટૂન ઉપરાંત ઠઠ્ઠાચિત્રો (કૅરિકેચર) અને હળવા કે ગંભીર સ્કેચ પણ લક્ષ્મણે અઢળક બનાવ્યા. ‘માલગુડી ડેઝ’ અને ‘ગાઇડ’ સહિત અનેક કૃતિઓથી જાણીતા મોટા ભાઇ આર.કે.નારાયણની કથાઓ માટે લક્ષ્મણે ચિત્રો બનાવ્યાં હતાં, તો ‘એશિયન પેઇન્ટ્સ’ના પ્રતીક જેવો, હાથમાં પીંછી અને રંગનું ડબલું પકડેલો બાબલો (‘ગટ્ટુ) પણ લક્ષ્મણની પીંછીની કમાલ હતો. દાયકાઓ પહેલાં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નાં પ્રકાશન ‘ફિલ્મફેર’માં દર મહિને તે ‘ધ સ્ટાર્સ આઇ મેટ’ નામે કોઇ એક કલાકારનું રંગીન ઠઠ્ઠાચિત્ર કરતા હતા, તો ‘ઇલસ્ટ્રેટેડ વિકલી ઑફ ઇન્ડિયા’માં તેમનાં કાર્ટૂન ઉપરાંત એક વાર તેમણે કરેલા સૌરાષ્ટ્રના લોકજીવનના સ્કેચ છપાયા હતા. ચંચળ અને ચતુર પક્ષી ગણાતા કાગડાનાં તેમણે કરેલાં ચિત્રોનાં તો અલગ પ્રદર્શનો પણ થઇ ચૂક્યાં છે.
અમિતાભ બચ્ચન કે ભીમસેન જોશી જેવા ઘેધુર કંઠના સ્વામીઓ ઑલ ઇન્ડિયા રેડિયોની અવાજની કસોટીમાંથી નાપાસ થયા હતા, એવી જ રીતે આર.કે.લક્ષ્મણને મુંબઇની વિખ્યાત જે.જે.સ્કૂલ ઑફ આર્ટ્સમાં પ્રવેશ મળ્યો ન હતો. એ માટે સ્કૂલે આપેલું કારણ હતું : ‘અમારી સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે જે જાતની પ્રતિભા જોઇએ, એ તમારામાં લાગતી નથી’. વર્ષો પછી એ જ જે.જે.સ્કૂલમાં ઇનામ વિતરણ સમારંભના મુખ્ય મહેમાન તરીકે લક્ષ્મણને જવાનું થયું ત્યારે તેમણે પ્રવચનમાં પોતાને ઍડમિશન ન આપવા બદલ સ્કૂલનો આભાર માનતાં કહ્યું હતું કે, ‘જો પ્રવેશ મળ્યો હોત તો હું કાર્ટૂનિસ્ટ બનવાને બદલે કોઇક એડ એજન્સીમાં મચ્છર અગરબત્તીનાં કે કોસ્મેટિક્સનાં કે વિટામીનની જાહેરખબરો માટે રૂપકડાં બાળકોનાં ચિત્રો દોરતો પડ્યો હોત.’
લક્ષ્મણ જેમ કાર્ટૂનનો પર્યાય બન્યા, તેમ તેમનો સર્જેલો કૉમનમેન ખુદ લક્ષ્મણનો પર્યાય બની ગયો. કૉમનમેનની ક્રમિક ‘ઉત્ક્રાંતિ’ કેવી રીતે થઇ તેનાં ચિત્રો આ લેખ સાથે મુક્યાં છે. પરંતુ આઝાદ ભારતનાં સૌથી જાણીતાં અને દીર્ઘજીવી પ્રતિકોમાં આમઆદમી ઊર્ફે કૉમન મેનનું સ્થાન છે. પૂના-મુંબઇમાં કૉમન મેનનાં પૂતળાં પણ ઊભાં કરવામાં આવ્યાં છે. ભારતમાં કોઇ કાર્ટૂનિસ્ટે સર્જેલા પાત્રનું આવું સન્માન થાય, તે અસાધારણ ઘટના છે.
ભારત જેવા પ્રચંડ વૈવિઘ્ય ધરાવતા દેશમાં ‘કૉમન મેન’ વ્યાખ્યાયિત કરવાનું અઘરું છે. પણ લક્ષ્મણનો કૉમન મેન ભારતના સામાન્ય નાગરિકનું આબાદ પ્રતિનિધિત્વ કરે છે. તે કશું બોલતો નથી. ફક્ત જુએ છે. આઝાદી પછી દાયકાઓ વીત્યા, પણ તારક મહેતાના ટપુડાની જેમ કૉમન મેનનો દેખાવ બદલાયો નથી. એ જ ટોપી, ચશ્માં, ચોકડીવાળો કોટ, ધોતી, મૂછો, બહાર નીકળતા કાન, માથે ટાલ અને ટોપીમાંથી બહાર નીકળતા થોડા વાળ...આ સ્વરૂપ ૧૯૫૪માં ફાઇનલ થયા પછી જરા પણ ન બદલાવા થતાં જૂનું કે વાસી થયું નથી, એ તેનો મહીમા છે. કૉમન મેનનાં કાર્ટૂન પરથી બનેલી ટીવી શ્રેણી ‘વાગલેકી દુનિયા’ અત્યંત લોકપ્રિય બની હતી, તો થોડાં વર્ષો પહેલાં એક અહેવાલમાં વાંચ્યા પ્રમાણે, કૉમન મેનના કોટમાં ચોકડીની સંખ્યા એકી હશે કે બેકી, તેની ઉપર પણ સૌરાષ્ટ્રમાં સટ્ટો રમાતો હતો.
કૉમન મેન જેવા સદાબહાર પાત્રના સર્જક લક્ષ્મણને આધુનિક ટેકનોલોજી સાથે બહુ ગોઠ્યું નહીં. ૧૯૯૮માં એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું, ‘આપણે આગળ વધવાનું બંધ કરી દેવા જેવું હતું. જુઓ તો ખરા, હવે કેવી કેવી ચીજો આવે છે. સેલફોન. મને આ બધી ચીજો દીઠી ગમતી નથી. એ બિલકુલ બિનજરૂરી છે. અને આ ગાડીઓ (કાર) જુઓ. પહેલાંના જમાનાની ફોર્ડ અને શેવરોલે કેવી સુડોળ અને જાજરમાન હતી. હવે તે તોતિંગ ને કદરૂપી હોય છે. અને પેન- અમે અમારી પેનના આકાર અને તેના અહેસાસને પ્રેમ કરતા હતા. આ બોલપોઇન્ટ પેન મને ગમતી નથી.’
આ વાક્યો જનરેશન ગેપનો અહેસાસ કરાવનારાં ભલે લાગે, પણ એ વાક્યો બોલનારે દોરેલાં ઘણાં કાર્ટૂન કાળને અતિક્રમી ગયેલાં- અને હજુ એટલાં જ પ્રસ્તુત, એટલાં જ ચોટદાર લાગે છે, જાણે અસલી ભારતનું ડીએનએ.
(લક્ષ્મણનાં ચિત્રોનું સૌજન્ય : ‘આર.કે.લક્ષ્મણ -ધ અનકૉમન મેન, સંકલન : ડૉ.ધર્મેન્દ્ર ભંડારી, પ્રકાશકઃ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા/ R K Laxman - The Uncommon Man, Dr.Dharmendra Bhandari, State Bank of India)
(L to R) અબુ અબ્રાહમ, મારિઓ મિરાન્ડા અને સુધીર દારે દોરેલાં લક્ષ્મણનાં કેરિકેચર/ caricature of R.K Laxman by Abu, Mario and Sudhir Dar |

Evolution of R K Laxman's common man / લક્ષ્મણના કોમન મેનની ઉત્ક્રાંતિ |
કૉમન મેન જેવા સદાબહાર પાત્રના સર્જક લક્ષ્મણને આધુનિક ટેકનોલોજી સાથે બહુ ગોઠ્યું નહીં. ૧૯૯૮માં એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું, ‘આપણે આગળ વધવાનું બંધ કરી દેવા જેવું હતું. જુઓ તો ખરા, હવે કેવી કેવી ચીજો આવે છે. સેલફોન. મને આ બધી ચીજો દીઠી ગમતી નથી. એ બિલકુલ બિનજરૂરી છે. અને આ ગાડીઓ (કાર) જુઓ. પહેલાંના જમાનાની ફોર્ડ અને શેવરોલે કેવી સુડોળ અને જાજરમાન હતી. હવે તે તોતિંગ ને કદરૂપી હોય છે. અને પેન- અમે અમારી પેનના આકાર અને તેના અહેસાસને પ્રેમ કરતા હતા. આ બોલપોઇન્ટ પેન મને ગમતી નથી.’
આ વાક્યો જનરેશન ગેપનો અહેસાસ કરાવનારાં ભલે લાગે, પણ એ વાક્યો બોલનારે દોરેલાં ઘણાં કાર્ટૂન કાળને અતિક્રમી ગયેલાં- અને હજુ એટલાં જ પ્રસ્તુત, એટલાં જ ચોટદાર લાગે છે, જાણે અસલી ભારતનું ડીએનએ.
(લક્ષ્મણનાં ચિત્રોનું સૌજન્ય : ‘આર.કે.લક્ષ્મણ -ધ અનકૉમન મેન, સંકલન : ડૉ.ધર્મેન્દ્ર ભંડારી, પ્રકાશકઃ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા/ R K Laxman - The Uncommon Man, Dr.Dharmendra Bhandari, State Bank of India)
Labels:
cartoon,
humor-satire/હાસ્ય-વ્યંગ,
media
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment