Tuesday, January 06, 2015

ગાંધીજીનું આવવું એટલે...

જાન્યુઆરી ૯. ૧૯૧૫. એક એવો દિવસ, જે પશ્ચાદવર્તી અસરથી ભારતની તવારીખમાં ઐતિહાસિક બની ગયો. એ દિવસે ગાંધીજી અને કસ્તુરબા લંડનથી ‘અરેબિયા’ સ્ટીમરમાં લગભગ ત્રણ અઠવાડિયાંની દરિયાઇ મુસાફરી ખેડીને સવારે સાડા સાત વાગ્યે મુંબઇના દરિયાકાંઠે ઉતર્યાં. ત્યાં સુધીમાં દક્ષિણ આફ્રિકાનાં તેમનાં સત્યાગ્રહ-પરાક્રમોથી ભારતના જાહેર જીવન અને રાજકીય વર્તુળોમાં તેમનું નામ આદર સહિત લેવાતું થઇ ગયું હતું.

ભારતીય અને ખાસ તો ગુજરાતી પરંપરા પ્રમાણે, દક્ષિણ આફ્રિકામાં ધંધો જમાવીને સંતુષ્ટ થઇ જવાને બદલે બેરિસ્ટર ગાંધીએ  અજેય ગણાતી અંગ્રેજ સરકાર સામે અનોખો અહિંસક જંગ છેડ્યો હતો. સત્યના અને સત્યાગ્રહના પ્રયોગોમાં તે ખૂંપી ચૂક્યા હતા. ટૉલસ્ટૉય, થૉરો, રસ્કિન જેવા વિચારકોના ચિંતનને પોતાના મનોરસાયણમાં ભેળવીને તે કંઇક નવું, નીતાંત ભારતીય નીપજાવી રહ્યા હતા. આશ્રમજીવન, સાદગી, સ્વાશ્રય, પારદર્શકતા, અભય જેવા અનેક ગુણક્ષેત્રોમાં મેળવેલી નોંધપાત્ર ઊંચાઇનું ભાથું તેમની પાસે હતું. છતાં, જેટલું સિદ્ધ થયું તેના કરતાં અનેક ગણા મોટા પડકાર ભારતમાં ગાંધીજીની સામે હતા. એ ઝીલવા માટેની સજ્જતા અને એ સજ્જતા કેળવવા માટે નમ્રતાની ગાંધીજીમાં કમી ન હતી.

મુદ્દે, સરકારો ગમે તે કહે અને ગાંધીજીના આગમનની શતાબ્દિને ‘પ્રવાસી ભારતીય દિવસ’ સાથે સાંકળે, પણ સો વર્ષ પહેલાં મુંબઇના દરિયાકિનારે ઉતરેલા ગાંધી રીઢા કે મુગ્ધ ‘પ્રવાસી ભારતીય’ બિલકુલ ન હતા.

ગાંધી લાક્ષણિક ‘પ્રવાસી ભારતીય’ હોત, તો દક્ષિણ આફ્રિકામાં બેરિસ્ટરું ઝીંકીને પાઉન્ડ છાપવાનું ચાલુ રાખ્યું હોત. વચ્ચે વચ્ચે તે ‘પ્રવાસી ભારતીય’ તરીકે દેશમાં આવીને, તેની અવદશા વિશે ડચકારા બોલાવી જતા હોત અને પોતાની આર્થિક સમૃદ્ધિના થોડા ટુકડા અહીં ઇધરઉધર  વેરીને, પોતાની સમૃદ્ધિનો છાકો પાડીને તે પાછા ડરબનભેગા થઇ ગયા હોત. ડરબનમાં પણ તે મોઢ સમાજ, સૌરાષ્ટ્ર મોઢ સમાજ, અખિલ ગુજરાત વણિક સમાજ પ્રકારનાં સંગઠનોના પ્રમુખ, મંત્રી, ખજાનચી ને કંઇ નહીં તો ડેલીગેટ બનીને જાહેર જીવનમાં ભાગીદારીનો સંતોષ અનુભવતા હોત. ખાખરા-થેપલાં ખાઇને તે ગુજરાતી હોવાનું અને ગુજરાતની અસ્મિતાનો ઘ્વજ ફરફરતો રાખવાનું ગૌરવ પણ લેતા હોત. પરંતુ ગાંધી એવા ‘પ્રવાસી ભારતીય’ ન હતા, જે  પરદેશમાં રળવામાં અને પછી વતનપ્રેમના નામનું રડવામાં સાર્થકતા અનુભવે.

મુંબઇ ઉતરેલા ૪૬ વર્ષના ગાંધી છ વર્ષ પહેલાં ‘હિંદ સ્વરાજ’ જેવી કૃતિ આપી ચૂક્યા હતા. તે એમના જીવનની સૌથી મૌલિક, સૌથી જોશભરી અને સૌથી જલદ કૃતિ હતી. ઓછી વસ્તીવાળા યુરોપ-અમેરિકાએ ભલે મોટા ઉદ્યોગો ને યંત્રો અપનાવ્યાં, ઝાઝી વસ્તી ધરાવતા હિંદનો ઉદ્ધાર કહેવાતી આઘુનિકતાના છંદે ચડવામાં નથી, એવી તેમની દૃઢ માન્યતા હતી. સરેરાશ ‘પ્રવાસી ભારતીયો’ની જેમ તેમનો રાષ્ટ્રવાદનો અને દેશપ્રેમનો ખ્યાલ જ્ઞાતિનાં સજ્જડ ચોકઠાં, બાહ્યાચાર-કર્મકાંડ ને મુસ્લિમવિરોધી લાગણીમાં ઝબકોળાયેલો ન હતો.

મુંબઇ ઉતર્યા ત્યારે ગાંધીએ અંગરખું, ધોતિયું, ખેસ અને ફેંટો- એવો કાઠિયાવાડી પોશાક પહેર્યો હતો. જાન્યુઆરી ૯ થી જાન્યુઆરી ૧૫ સુધીના એક અઠવાડિયામાં મુંબઇમાં તેમના માનમાં અનેક મેળાવડા અને પાર્ટી યોજાયાં. ચંદુલાલ દલાલ સંપાદિત અનન્ય ગ્રંથ ‘ગાંધીજીની દિનવારી’માંથી જાણવા મળે છે કે મુંબઇમાં ફક્ત એક જ અઠવાડિયામાં તે ગોપાલકૃષ્ણ ગોખલે, લોકમાન્ય ટિળક, દાદાભાઇ નવરોજી, કનૈયાલાલ મુનશી, સર ફિરોજશા મહેતા, ઠક્કરબાપા (અમૃતલાલ ઠક્કર), લૉર્ડ વિલિંગ્ડન, મહંમદઅલી ઝીણા, સ્વામી આનંદ સહિત ઘણા લોકોને મળ્યા. હાલ ‘મણિભવન’ તરીકે ઓળખાતા મકાનના તત્કાલિન માલિક રેવાશંકર ઝવેરી ગાંધીજીના યજમાન હતા. રેવાશંકર અને તેમના ભાઇ ડૉ.પ્રાણજીવન મહેતા ગાંધીજીના જૂના સાથી હતા.

‘દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજ સરકારને હંફાવનાર વીર નર’ તરીકે ‘મિસ્ટર ગાંધી’ને ઓળખતા ઘણા લોકો કાઠિયાવાડી પોશાકમાં સજ્જ ગાંધીને જોઇને નિરાશ થયા. પરંતુ ગાંધીજી લોકોને દેખાવ કે છટાથી પ્રભાવિત કરનાર નેતા ન હતા. તેમની પાસે સૌથી મોટું બળ પોતાના આચરણનું હતું. વર્ષમાં એક વાર ભરાતા કોંગ્રેસના અધિવેશનમાં લચ્છાદાર અંગ્રેજીમાં બોલીને અને શબ્દાળુ ઠરાવો પસાર કરીને દેશની સેવા ન થઇ શકે, એટલું તે અહીં આવતાં પહેલાં સમજી ચૂકયા હતા. બાકી રહેલી કસર ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહથી તેમણે કરેલા ભારતભ્રમણ થકી પૂરી થઇ.

જરા નવાઇ લાગે એવી વાત છે, પણ દક્ષિણ આફ્રિકા જતાં પહેલાં કિશોર અને યુવાન વયે ગાંધીજીને અસલ ભારતનો એટલે કે ગામડાંનો પરિચય નહીંવત્‌ હતો. તેમણે પોરબંદર, રાજકોટ, (મેટ્રિકની પરીક્ષા માટે) અમદાવાદ અને (કૉલેજ માટે) ભાવનગર સિવાય ભાગ્યે જ બીજું કંઇ જોયું હશે. પણ દક્ષિણ આફ્રિકામાં રહીને તેમણે મેળવેલો સાચા ભારતનો ચિતાર ભાગ્યે જ કોઇ ‘પ્રવાસી ભારતીય’ પાસે હોય છે- ભલે આજનો યુગ ‘માહિતીના વિસ્ફોટ’નો સમય કહેવાતો હોય.

ભારત આવેલા ગાંધીજી માટે રાજકીય આઝાદી એક દેખીતો આશય હતો, (જે હેતુ આજના ‘પ્રવાસી ભારતીયો’ માટે રહ્યો નથી). પણ દેશને રાજકીય આઝાદીને લાયક બનાવવા માટે બહુ લાંબો રસ્તો કાપવાનો છે, એવું તે જાણતા હતા. ‘દેશ એટલે તેના સત્તાધીશો નહીં, પણ દેશ એટલે દેશનો સામાન્યમાં સામાન્ય માણસ’ એવી ગાંધીની સમજ મૉલ-મલ્ટીપ્લેક્સ-રસ્તા જોઇને અંજાઇ જતા ઘણા ‘પ્રવાસી ભારતીયો’ ગાંધીના આગમનનાં સો વર્ષ પછી પણ કેળવી શક્યા નથી. ‘પ્રવાસી ભારતીયો’ને છેતરવા માટે અને દેશમાંથી (કે રાજ્યમાંથી) ગરીબી દૂર થઇ ગઇ છે એવું બતાવવા માટે, ગાંધીનગરમાંથી ઝૂંપડાવાસીઓને હાંકી કાઢવામાં આવે છે અથવા તેમને એવી રીતે ઢાંકી દેવામાં આવે છે કે જેથી તે વિકાસ-પ્રગતિનાં લગ્નમાં મહાલવા આવેલાં ‘પ્રવાસી ભારતીયો’નો મૂડ બગાડે નહીં.

સરકાર પ્રવાસી ભારતીયોને એટલા ‘ભોળા’ માને છે કે નજર સામેથી હાથી ગાયબ કરી દેતા જાદુગરની જેમ, નજર સામેથી ગરીબી અદૃશ્ય કરી દેતી સરકારની હાથચાલાકીથી અંજાઇને એ લોકો તાળીઓ પાડવા માંડશે. ગાંધીજીના નામે બનેલા મહાત્મા મંદિરે જતાં કારમાં બેઠેલા કોઇ પણ ‘પ્રવાસી ભારતીય’ને ગરીબો નજરે ન ચડે, તેનું પૂરતું ઘ્યાન ગુજરાત સરકારે રાખ્યું છે. અત્યાર સુધી કોંગ્રેસે ગાંધીજીના નામે ચરી ખાઘું હોય, તો ભાજપ પણ શા માટે બાકી રહી જાય?

ગાંધીજીને એન.આર.આઇ. ગણવાનો અને તેમના ભારત-આગમનને ‘(ૠતુ)પ્રવાસી ભારતીયો’ની મુલાકાત સાથ સાંકળવાનો આખો વિચાર ગાંધીજીનું માહત્મ્ય સમજતી લોકશાહી સરકારના નહીં, પણ નબળો માલ ખપાવવા માટે સબળો આઇડીયા શોધતી ઍડ એજન્સીના બરનો છે. જોકે, ઘણા સમયથી ગુજરાતની - અને હવે તો ભારતની પણ- સરકાર ઍડ એજન્સીના અંદાજમાં વિચારે છે, એવી જ સૂત્રાત્મક, ચબરાકીભરી, કૅચલાઇનની ભાષામાં વાત કરે છે, ઇવેન્ટ મૅનેજમેન્ટ એજન્સીની જેમ ઉત્સવો યોજે છે- વડફેસ્ટ જાય ને કાર્નિવલ આવે, એ જાય ને પતંગોત્સવ આવે. દાયકાઓથી જે ઉત્સવો લોકો પોતાની મેળે ઉજવી રહ્યા છે, તે સરકારે શા માટે ઉજવવા જોઇએ? લોકો સરકારને ઉત્સવોની ઉજવણીના આયોજન માટે ચૂંટે છે કે પછી આરોગ્ય-શિક્ષણ-શૌચાલયો જેવી પ્રાથમિક જરૂરિયાતો માટેનું તંત્ર ગોઠવવા માટે?  આવો સાદો સવાલ ગાંધીના કે ગમે તેના બહાને ઉત્સવબાજી કરી રહેલી સરકારને કે તેના સમર્થકોને સૂઝતો નથી.

તેનું કારણ સમજવું અઘરું નથી. ઉત્સવો પાછળ કરોડોનો ધુમાડો કરવાથી, ખેડૂતોની અવદશા અને શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રે ભયંકર સ્થિતિ પર ઉજવણાંનો રેશમી પડદો ઢાંકી શકાતો હોય અને ખુદ નાગરિકો એ રેશમી પડદાના મોહમાં ગુલતાન થઇ જાય, ત્યારે ‘પ્રવાસી ભારતીય દિવસ’ પર ખરેખર ગાંધી આવે તો શું કરે? અને ‘પ્રવાસી ભારતીયો’ શું કરે છે? એ તેમણે અને આપણે વિચારવા જેવું છે. એક સંસ્થાના સંચાલકોએ ગાંધીજીને સંસ્થા બતાવ્યા પછી નોંધપોથીમાં કંઇક લખવા કહ્યું, ત્યારે ગાંધીજીએ એ મતલબનું લખ્યું હતું કે ‘મને જેટલું બતાવવામાં આવ્યું તે સરસ હતું.’ આ ગાંધીજીને ‘પ્રવાસી ભારતીય દિવસ’ નિમિત્તે એન.આર.આઇ.ઓને આંજવા માટે થતાં સરકારી ઉજવણાં વિશે શું કહેવાનું હોત, એ ધારી શકાય એવું છે.

સરકારનું કામ એ જોવાનું છે કે પ્રવાસી ભારતીયોને - એટલે કે બિનનિવાસી ભારતીયોને- ખોટી અડચણ ન પડે, એરપોર્ટ પર તેમની પાસેથી લગેજ ક્લીઅર કરવા માટે લાંચ માગવામાં ન આવે, તેમને બહારના જાણીને તેમની પાસેથી આડેધડ ભાવ વસૂલ કરવામાં ન આવે, તેમને જડ સરકારી ઔપચારિકતાઓમાંથી મુક્ત રાખવામાં આવે, તેમને પરદેશી ગણીને શંકાની નજરે જોવામાં ન આવે... સરકાર એનાથી વધારે કંઇ પણ કરે, તે ‘પ્રવાસી ભારતીયો’ને લાંચ આપવા જેવી ચેષ્ટા છે, જેથી તે વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરીને, ‘ઑલ ઇઝ વૅલ’ના ‘ફીલગુડ’ અહેસાસ સાથે પાછા જાય.

‘પ્રવાસી ભારતીય દિન’ ઉજવવાની બીજી રીત ગાંધીની છે, જેમાં એન.આર.આઇ. ફક્ત એક દિવસ માટે, સરકારી પ્રચારજાળથી દૂર થઇને, પોતાના મનપસંદ રૂટ પર બે-ત્રણ ગામડાંની મુલાકાત લે અને ‘રસ્તા બહુ સરસ છે’ના બાળબોધી મોહમાંથી બહાર આવીને, જ્ઞાતિવાદથી માંડીને શિક્ષણ-આરોગ્યની સુવિધાઓ જેવી બીજી બાબતોની તપાસ કરે. સરકાર તો પ્રવાસી ભારતીયોને ચશ્મા પહેરાવવા ઉત્સુક છે. એ પહેરવા કે નહીં, તે મોંઘેરા મહેમાનોએ નક્કી કરવાનું છે. 

3 comments:

 1. Salil Dalal11:52:00 PM

  એક નવા નવા સંભવિત ‘પ્રવાસી ભારતીય’ તરીકે આ લેખ બહુ બધી જગ્યાએ સ્પર્શી ગયો. રાબેતા મુજબના વધુ એક ચોટદાર લેખ બદલ, હાર્દિક અભિનંદન, ઉર્વીશ!

  ReplyDelete
 2. Anonymous11:57:00 AM

  જો ખરેખર પ્રેક્ટિકલી જોવા જઈએ તો મને નથી લાગતું કે હીટલેરીયન મુસોલીનીયમ લાદેન સેલ કારસિનોમા થી પીડાતા આ વિશ્વને ગાંધીયન કિમોથેરાપી નામની દવા કામ લાગે.
  આ જમાનામાં પોસ્ટેરીયન મેઇક અપ કરાવે તોજ બિઝનેસ ચાલે.
  અને કહેવાય છે ને કે બોલે એના બોર વહેચાય.
  નહીં તો ચાઇના ધાક મારીને જ બેઠુછે. આખા વિશ્વને ચાઈનીઝમ નામ નો કોઢ કરવા જેમા વસ્તુ દેખાય તો છે વિદેશી [જેમ કોઢ માં માણસ સફેદ થઈ જાય છે ] પણ હોય છે સસ્તી ..
  અને તમારી પાસે એ વિદેશી વ્યક્તિ ની જેમ કેટલો સમય ટકશે એનુ કોઈ ઠેકાણુ હોતુ નથી.
  આમ,
  ચાઈનીઝમ વિટીલીગો (કોઢ) ની તો દવા થાય એમ છે પણ
  H.M.L cell carcinoma
  હી (ટલરીયન)
  મુ (સોલીનીયમ)
  લા (દેન ) સેલ કારસિનોમા ને હરાવવા માટે ગાંધીયન કિમોથેરાપી ને અપગ્રેડ કરવાની જરૂર છે.
  Its My own opinion dont take it personally by d way ur this blogg is really heart touching dear

  ReplyDelete