Friday, January 23, 2015

પ્રમુખ ઓબામાને અંગત પત્ર

પ્રિય બરાકભાઇ,

ગુજરાતી રિવાજ પ્રમાણે તો તમને લખવું પડે, ‘મુ.ઓબામાકાકા, મિશેલકાકી અને ચિ.દીકરીઓ.’ પરંતુ આપણી વચ્ચે હજુ એવો વ્યવહાર નથી- અને તમારા પ્રમુખપદાની મુદત પૂરી થવામાં છે. એટલે તમે અમેરિકાથી ‘ખાસ યાદ રાખીને’ આફ્‌ટરશેવની બોટલ કે રેઝર લેતા આવો, એવી આત્મીયતા આપણી વચ્ચે હવે કદાચ થશે પણ નહીં. એ વાતનો તમને ને મને રહે કે ન રહે, વન ડૉલર સ્ટોરવાળા ભાઇને જરૂર અફસોસ રહેશે.

આ પત્ર અંગત છે એટલે, ઓછા પરિચય છતાં તમારી સાથે પેટછૂટી વાત કરવામાં વાંધો નથી. સૌથી પહેલાં એ જાહેર કરી દઉં કે આ પત્ર દ્વારા મારે અમેરિકાથી કશું મંગાવવું નથી- કશું જ નહીં. હવે અમેરિકાનું બઘું અહીં મળે જ છે. નાનકડો પ્રોબ્લેમ એ છે કે અહીં વસ્તુઓ રૂપિયા ખર્ચીને ખરીદવી પડે છે, જ્યારે ‘ત્યાંથી’ એ ગિફ્‌ટમાં આવે છે. ખરું જોતાં અમેરિકાથી ચીજવસ્તુઓ મંગાવવા માટે તમારા જેવા વીવીઆઇપી સૌથી યોગ્ય કહેવાય. તમારે ન લગેજના વજનની ચિંતા, ન ભારતીય કસ્ટમવાળા તમને ‘કંઇક સમજવા’ કહે કે ન તમારી પાસેથી એકાદ બોટલની માગણી કરે.

આ વાંચીને તમે આશ્ચર્ય ન પામતા. તમારા દેશમાં વસતા ભારતીયોના સુખ-દુઃખની ભાળ મેળવવી હોય તો એક વાર તેમની સાથે ભારત આવી જોજો. અરે, ભારત ન આવો તો કંઇ નહીં, આવતાં પહેલાંના બે-ચાર દિવસ એમને મદદ કરાવવા પહોંચી જજો. પેક કરેલો લગેજ તમે કદી હાથકાંટાથી ઊંચકી જોયો છે? ને એમાં વજન વધતું દેખાય તો, ડૂબતા જહાજમાંથી સામાન વામી દેવો પડે એમ, બેગમાંથી સામાન કાઢીને બાજુ પર મૂકવાની કરુણ સ્થિતિ કેવી હોય એનો તમને અંદાજ છે? તમારા જેવી વજનમુક્ત, કસ્ટમમુક્ત સ્થિતિ બીજા ભારતીયોને મળે તો, એ બીજું આખું વિમાન ફક્ત ચીજવસ્તુઓ લાવવા માટે કરે.

તમને થશે કે હું હજુ મુદ્દા પર આવતો નથી. પણ મારો કશો સ્વાર્થ નથી એટલે મારો કશો મુદ્દો પણ નથી. અમારા દેશમાં અંગત સ્વાર્થ ન ધરાવતા કે એવો દાવો કરતા લોકોને મુદ્દા વગરની વાતો જથ્થાબંધ રીતે અને અધિકારથી કરવાનો પરવાનો મળી જાય છે. અમારી સંસ્કૃતિનું આ લક્ષણ ગાંઠે બાંધી રાખશો, તો અહીં લોકો જોડે વાત કરવામાં ને તેમને સહન કરવામાં મુશ્કેલી નહીં પડે.

મારા નહીં, પણ તમારા સ્વાર્થ ખાતર એટલું પૂછી લઉં કે અમારા સાહેબે તમારે ત્યાં મેડિસન સ્ક્વેર જેવો ખેલ પાડ્યો હતો, એવું આપણે અહીં કશું કરવાનું છે? કબૂલ કે અહીં તમને એટલી સંખ્યામાં અને એટલા હરખપદુડા અમેરિકનો નહીં મળે, પણ ભારતનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ તમારા જેવા સ્નેહીને કામ ન આવે તો એને શું ધોઇ પીવાનું?

તમારી જરાસરખી પણ ઇચ્છા હોય તો ફક્ત ઇશારો કરી દેજો. કમ સે કમ, આ બાબતમાં અમારા લોકો અત્યંત સમજદાર છે. સાહેબોની બોડી લેન્ગ્વેજ વાંચીને તેના આધારે કરોડોના પ્રોજેક્ટ મૂકવાની, તે સાહેબના હિતમાં છે એવું સિદ્ધ કરી આપવાની અને સરવાળે એ પ્રોજેક્ટ સરકારમાં મંજૂર કરાવી આપવાની બાબતમાં અમારી પ્રતિભાઓનો જોટો નથી. તમે ફક્ત હા પાડો અથવા એટલું પણ ન કરો- બસ, આ પ્રસ્તાવનો વિરોધ ન કરો, તો તમારા માટે કાંકરિયા-અમદાવાદના ફુટબોલ ગ્રાઉન્ડથી માંડીને દિલ્હીના રામલીલા મેદાન હકડેઠઠ ભરાઇ જાય એટલી ભીડની વ્યવસ્થા થઇ જશે. મેડિસન સ્ક્વેરમાં મોદીભૂસું વહેંચાયું હતું, તો અહીં તમારા કાર્યક્રમમાં આવનારા માટે ઓબામા-વડાની કે મિશેલ-પરાઠાની વ્યવસ્થા થઇ શકે છે.

આ કશું કરવું ફરજિયાત નથી. કારણ કે તમારો વટ અમસ્તો પડેલો છે. અમારે ત્યાં નેતાઓ પ્રજાની જેટલી કનડગત કરે, એટલો તેમનો વટ પડે. ચીનના પ્રમુખ અમદાવાદ આવ્યા ત્યારે ઝૂંપડપટ્ટીની આગળ પડદા નાખી દીધા હતા ને જેમના ફ્‌લેટની બારીઓ નદીકિનારા તરફ પડતી હતી, તેમને બારી નહીં ખોલવાની સૂચના આપી હતી. તમારી સલામતી માટે ક્યાં ક્યાં પડદા નાખવા પડશે ને શું શું ઢાંકવું પડશે, એનો અંદાજ આવતો નથી.

તમારા આવવાનું મુખ્ય નિમિત્ત પ્રજાસત્તાક દિવસની પરેડ છે. એ વિશે પણ બે વાત કહી દઉં. તમે સશક્ત માણસ છો, બાકી ભૂતકાળમાં અમારા કેટલાક વડાઓ થાકીને ઢળી પડવા જેવા થઇ ગયા હોય કે ઢળી પડ્યા હોય એવા પણ કિસ્સા છે. ઘણા વિદેશી મહેમાનોને બોલાવીને ઠુસ્સ કરવા માટે પણ આવું નિમંત્રણ આપવામાં આવે છે.  પરેડમાં એક કેમેરા સતત મહેમાન તરફ તકાયેલો હોવાથી, મહેમાન વચ્ચે શક્તિદાયક પીણાં પણ લઇ શકતા નથી.  એ દિવસે પરેડમાં અમારાં શસ્ત્રોનું પ્રદર્શન પણ થશે. એ જોઇને તમે સમજી શકશો કે હજુ અમારે ત્યાં કયાં શસ્ત્રો ખૂટે છે અને તમારા સોદાગરો કયા શસ્ત્રો અમને ફટકારવાનો પ્રયાસ કરી શકે એમ છે.

એક વાત તમને આગળથી કહી દઉં : તમે ગમે તેટલું કરશો ને તમારા માટે ગમે તેટલું કરવામાં આવશે, પણ ભારતમાં તમને એનઆરઆઇ જેટલી મઝા નહીં આવે એ હકીકત છે. કારણ કે ભારતમાં આવીને તમારે નાણાં ખર્ચવાના નથી. એનઆરઆઇને ખરો આનંદ રૂપિયા ખર્ચવા કરતાં પણ વધારે, ડોલરને રૂપિયામાં ગુણવાથી થતા સમૃદ્ધિના અહેસાસને કારણે થાય છે. આ ફીલ જોઇતો હોય તો થોડા ગુજરાતીઓ-ભારતીયો સાથે રાખજો અને તેમની સાથે એકાદ વાર શોપિંગ પર જજો.

સાંભળ્યું છે કે તમે ગાંધીના પ્રેમી છો ને ઘરમાં તેમનો ફોટો રાખો છો. તમે રાજઘાટ તો જવાના જ હશો, પણ અજાણતાં અવિવેક ન થઇ જાય એટલા ખાતર કાનમાં ફૂંક મારી રાખું છું : રસ અને જિજ્ઞાસા બતાવવા ખાતર અમારા સાહેબને એ ન પૂછતા કે ગાંધીનગરના મહાત્મામંદિરને મહાત્મા ગાંધી સાથે શી લેવાદેવા છે - અને ગાંધીજીની હત્યા કોણે કરેલી એવું તો ભૂલેચૂકે ન પૂછતા. હા, તેમને સરદાર પટેલ વિશે પૂછજો, એટલે તેમને સારું લાગશે. સ્ટેચ્યુ ઑફ લિબર્ટી કરતાં ઊંચું પૂતળું બનાવવાની યોજના કરીને અમેરિકાને કમ સે કમ એક બાબતમાં પાછું પાડી દીધાનો સંતોષ તમારી હાજરીમાં લેવાથી તેમને સારું લાગશે.

અમારા સાહેબે ત્યાં આવીને અમેરિકાના કાળા લોકો સાથે રખાતા ભેદભાવ વિશે કશી પૂછપરછ કરી ન હતી ને કોઇ નિવેદન આપ્યું ન હતું. તમે પણ ભારતના દલિતોની પંચાતથી દૂર જ રહેજો. એમાં જ યજમાન અને મહેમાનની આમન્યા જળવાશે. તમારા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ને અમારા આંબેડકર, એમનાં પૂતળાં બનાવવામાં જ મઝા છે. એથી વઘું કંઇ કરવા જતાં કંસારનું થૂલું થઇ જશે.

બાકી, અહીંથી જતી વખતે લઇ જવા માટે પાપડ-મઠીયાં-ચોળાફળી-અથાણાં તો પેક કરાવી રાખ્યાં છે. એ સિવાય બીજું કંઇ પણ જોઇતું હોય તો વિના સંકોચે લખી દેજો.

તમારો ગુજરાતી-ભારતીય શુભેચ્છક

2 comments:

 1. Anonymous12:16:00 AM

  ओबामा जी और मिशेल जी के लिए शोल और साडी तैयार ही रक्खी है । वो साडी जो
  माचीसबोकस में समा जाती है । मेहमान नवाजी में कोई कमी नहीं आयेगी। कयुंकी हम
  HP प्रजा है ।

  ReplyDelete
 2. I wish this letter actually reaches Obama..... :) :)

  ReplyDelete