Sunday, January 18, 2015

આમન્યાની ઐસીતૈસી કરતી ફ્રાન્સની હાસ્ય-કટાક્ષ પરંપરા

રાજવીઓ ને ધર્મઘુરંધરો સહિત કોઇની સાડા બારી ન રાખવાની ફ્રાન્સની ‘કાર્ટૂનકુલરીતિ’ સુરુચિનાં વસ્ત્રો ઉતારીને, તેના થકી અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો વાવટો ફરકાવતાં ખચકાતી નથી- તેનાં પરિણામ ક્યારેક ‘શાર્લી એબ્દુ’ પર થયેલા ખૂની હુમલા જેવાં લોહિયાળ હોય તો પણ.

‘હારા કીરી’ - આ શબ્દ આત્મહત્યાના જાપાની પર્યાય તરીકે જાણીતો છે, પરંતુ એ નામ ધરાવતા એક ફ્રેન્ચ સામયિકે ખરેખર ‘હારા કીરી’ કરી : ૧૯૭૦માં ફ્રાન્સના પ્રમુખ ચાર્લ દ ગોલનું અવસાન થયું. તેના થોડા દિવસ પહેલાં એક નાઇટક્લબમાં લાગેલી આગમાં ૧૪૨ ટીન એજર્સ મૃત્યુ પામ્યાં હતાં. એ ઘટનાને ઘ્યાનમાં રાખીને, દ ગોલના મૃત્યુ નિમિત્તે ‘હારા કીરી’એ મુખપૃષ્ઠ પર મથાળું આપ્યું  : ‘ટ્રેજિક ડાન્સ એટ કોલોમ્બે - વન ડેડ’ (કોલોમ્બે  પ્રમુખ દ ગોલનું નિવાસસ્થાન હતું)

પ્રમુખના મોતને મજાકનો વિષય બનાવવા બદલ ‘હારા કીરી’ પર એવી પસ્તાળ પડી કે છેવટે સામયિક બંધ કરવાનો વારો આવ્યો. ‘હારા કીરી’નો નવો અવતાર એટલે ‘શાર્લી એબ્દુ’/Charlie Hebdo, જેની પેરિસની ઑફિસ પર બે અઠવાડિયાં પહેલાં ખૂની હુમલો થયો. હરીફ સાપ્તાહિકની સરખામણીમાં ‘માંડ’ કહેવાય એવું પચાસ હજારનું સર્ક્યુલેશન ધરાવતા ‘શાર્લી એબ્દુ’માં વખતોવખત પેગંબરસાહેબ અને ઇસ્લામને લગતાં કાર્ટૂન છપાતાં હતાં. તેમાંથી કેટલાંક તો કાર્ટૂન તરીકે સાવ ભદ્દાં. એવો ‘લાભ’ અલબત્ત, બીજા ધર્મોને પણ મળતો હતો. રોમન કેથલિક સંપ્રદાયના સર્વોચ્ચ વડા પોપનાં પણ બેફામ કાર્ટૂન તેમાં આવતાં.

નાસ્તિક, ડાબેરી, આત્યંતિક અને તોફાની - આવું મિશ્રણ ધરાવતા ‘શાર્લી એબ્દુ’ સાપ્તાહિકને સૌથી વઘુ મઝા આવતી હોય તો ધાર્મિકોની લાગણી દુભાવવાની. અગાઉ ડેન્માર્કના એક કાર્ટૂનિસ્ટે પેગંબરસાહેબનાં કાર્ટૂન બનાવ્યાં ને તેના કારણે થયેલાં તોફાનોમાં જુદી જુદી જગ્યાએ સંખ્યાબંધ લોકો માર્યા ગયા, ત્યારે ‘શાર્લી એબ્દુ’એ ધરાર એ કાર્ટૂન પુનઃમુદ્રિત કર્યાં હતાં. પેગંબરસાહેબનું ચિત્ર બનાવવું મુસ્લિમો માટે અધર્મ્ય હોય, ત્યાં આ તો તેમને હાસ્યાસ્પદ- કઢંગી રીતે રજૂ કરતું કાર્ટૂન. પરંતુ ‘શાર્લી એબ્દુ’ની ‘સમજ’ હતી : આ ફ્રાન્સ છે. અહીં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સૌથી મહત્ત્વનું છે- અને તે અમે કોઇના પણ ભોગે મેળવતા રહીશું. એ કાર્ટૂનો છાપવા બદલ ‘શાર્લી એબ્દુ’ સામે કેટલાંક મુસ્લિમ સંગઠનોએ કેસ કર્યો, પણ અદાલતે ‘શાર્લી એબ્દુ’ની તરફેણમાં ચુકાદો આપતાં કહ્યું હતું કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના કાયદા હેઠળ કાર્ટૂનો રક્ષણને પાત્ર છે અને તેમનો આશય ઇસ્લામની નહીં, અંતિમવાદીઓની ટીકા કરવાનો હતો.

ફ્રાન્સમાં સ્થાનિક બહુમતી અને બહારથી આવેલા મુસ્લિમોની લધુમતીનું અલગ રાજકારણ અને તેના જુદા તાણાવાણા છે. પરંતુ એ આ લેખનો મુદ્દો નથી. અહીં વાત છે ફ્રાન્સનાં અવળચંડાં, ધારદાર, ભદ્દાં, કોઇની લાગણી દુભાવાની પરવા કર્યા વિના નિરંકુશ અને બેફામ રીતે બનાવાતાં કાર્ટૂનની. એ સિલસિલો ‘સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા’નો નારો આપનાર ફ્રેન્ચ ક્રાંતિ (ઇ.સ.૧૭૮૭) થી પણ જૂનો છે. તેની સાથે ફ્રાન્સની બીજી પણ એક પરંપરા ભળેલી છે, જેના માટે વપરાતો પ્રયોગ છે : મિલિટન્ટ સેક્યુલરિઝમ- ધર્મનિરપેક્ષતાનું ઉગ્ર સ્વરૂપ, જેમાં ધર્મસત્તા અને ધર્મનાં પ્રતીકોને રતિભાર માન આપ્યા વિના, તેમની ઠેકડી ઉડાડવામાં આવે. ફ્રાન્સમાં ક્રાંતિ પહેલાં રાજ્યસત્તા અને ધર્મસત્તાના સહિયારા ત્રાસને કારણે લોકો ત્રાસ્યા હતા. તેથી લુઇ સોળમાની રાણી મેરી એન્તોનેતની જેમ એ સમયના ખ્રિસ્તી ધર્મગુરુઓનાં પણ બેફામ અને ઘણી વાર અશ્લીલ ઠઠ્ઠાચિત્રો/કૅરિકેચર બનાવાયાં હતાં.

મર્યાદા વગરના, બેશરમ અને કંઇક ઉદ્ધત હાસ્ય માટે ફ્રેન્ચ ભાષામાં એક શબ્દ છે : ગ્વાજ/ gouaille. તેના કેટલાક નમૂના બહોળા વાચકવર્ગ માટેના અખબારમાં છાપી શકાય એવા નથી. પરંતુ અહીં આપેલું એક ઉદાહરણ પ્રમાણમાં ‘નિર્દોષ’ છે. ઇ.સ.૧૭૯૧ના આ ઠઠ્ઠાચિત્રમાં રાજા લુઇ સોળમા અને તેની રાણી મેરીને એક જ ધડ ધરાવતાં બે માથાં તરીકે દર્શાવાયાં છે. કાર્ટૂનના ફ્રેન્ચ શીર્ષકનો અંગ્રેજી અનુવાદ છે : ‘ધ ટુ આર બટ વન’. (આમ જુદાં, પણ આમ એકનાં એક) તેમાં રાણી મેરીનું ચિત્રણ ગ્રીક પુરાણકથાની રાક્ષસી મેડુસા તરીકે કરવામાં આવ્યું છે. વાળને બદલે જીવતા ઝેરી સાપ ધરાવતી આ રાક્ષસીની આંખમાં જે જુએ તે પથ્થર બની જાય એવી કથા હતી. એ પ્રમાણે રાણી મેરીના વાળની જગ્યાએ પણ જીવતા સાપ દોરવામાં આવ્યા છે. રાજા લુઇના માથે દોરાયેલાં શીંગડાંનાં અનેક અર્થઘટન થયાં છે. તે જૂઠાડાવૃત્તિથી માંડીને પત્નીની બેવફાઇ જેવી બાબતોનાં સૂચક હોઇ શકે છે.

"Two are but one", 1791

એવા બીજા કાર્ટૂનમાં રાજાને ગરીબોનું બધું હજમ કરી જનાર અને તેમાંથી વિષ્ટાસ્વરૂપે અમીરો માટે લાભ આપનાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ઇ.સ.૧૮૩૧માં આ કાર્ટૂન પ્રકાશિત થયા પછી તેના સર્જક દોમિયે/ Daumier ને છ મહિનાની જેલની સજા થઇ હતી. આ કાર્ટૂન જેમાં છપાયું હતું તે ‘લ કૅરિકેચર’/ La Caricature સામયિકનો કર્તાહર્તા ચાર્લ્સ ફિલિપોં તેના રાજકીય કટાક્ષચિત્રો માટે વિખ્યાત હતો. ઇ.સ.૧૮૩૦માં ફ્રાન્સના રાજા લુઇ ફિલિપોંએ અખબારો અને કટાક્ષકારો પર આકરા પ્રતિબંધ મૂક્યા. રાજા, તેમના ગાદીવારસ કે રાજસભાના બીજા સભ્યોનું અપમાન કરનાર તંત્રી,  પ્રકાશક કે ચિત્રકાર માટે પાંચ વર્ષની સજા અને છ હજાર ફ્રાન્કના દંડની જોગવાઇ કરવામાં આવી. આટલેથી સંતોષ ન થતાં, રાજાએ છાપનારા પાસેથી આગોતરી જામીનગીરી તરીકે ઊંચી રકમો વસૂલ કરવાનો હુકમ કાઢ્‌યો, જેથી એ ન ભરી શકનારાને કામકાજ સંકેલી લેવું પડે. ફિલિપોંએ હિંમત અને ચતુરાઇથી રાજાનાં ઠઠ્ઠાચિત્રો બનાવવાનું ચાલુ રાખ્યું, પરંતુ તેમનું સૌથી જાણીતું અને કૅરિકેચરના ઇતિહાસમાં અમરત્વ પામેલું ચિત્ર હતું : La Poire ઊર્ફે પેરુ ઊર્ફે જામફળ. આ કાર્ટૂનમાં ફિલિપોંએ ચાર ચિત્રોમાં રાજા ફિલિપના ચહેરાને જામફળમાં રૂપાંતરિત કરી દીધો હતો.

La Poire By Philipon

પોતાના બચાવમાં ફિલિપોંએ રાજાના ચહેરો દોરીને પૂછ્‌યું, ‘આ ચિત્રની તમે ટીકા કરો છો?’ ત્યાર પછી બીજું ચિત્ર દોરીને પૂછ્‌યું, ‘આ ચિત્ર અને પહેલા ચિત્ર વચ્ચે સામ્ય છે કે નહીં? અને સામ્ય હોય તો તમે આ ચિત્રની કેમ ટીકા કરો છો?’ એમ કરતાં કરતાં તેણે છેલ્લા જામફળનું ચિત્ર લાવીને મૂકી દીઘું અને સાબીત કરી આપ્યું કે ‘બન્નેમાં સામ્ય હોય- એટલે કે રાજાનો ચહેરો જમરૂખ જેવો હોય- તેમાં હું શું કરું?’ આ ગુસ્તાખી બદલ ફિલિપોંને છ મહિનાની જેલ અને બે હજાર ફ્રાન્કનો દંડ કરવામાં આવ્યાં. આ કાર્ટૂનની ત્યાર પછી સેંકડો પ્રિન્ટ નીકળી.

Explanation of La Poire in court by Philipon

એક વિગત પ્રમાણે, રાજા લુઇ ફિલિપના રાજમાં ઇ.સ.૧૮૩૦થી ૧૮૩૩નાં ત્રણ જ વર્ષમાં ફ્રાન્સનાં અખબારો-સામયિકો સામે આશરે ૩૦૦ કેસ થયા. તેમાંથી ત્રીજા ભાગના કેસમાં સજાઓ પણ પડી અને વસૂલ કરાયેલા દંડની રકમ ત્રણ લાખ ફ્રાન્ક સુધી પહોંચી. પરંતુ ઠઠ્ઠામશ્કરી અટકી નહીં. એ વખતે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની તાલાવેલી હતી.

હવે સમય બદલાઇ ગયો છે. પહેલાં જેવા રાજાઓને ધર્મસત્તા રહ્યાં નથી. છતાં ‘શાર્લી એબ્દુ’એ કેટલીક હદો બેફામપણે ઓળંગવાનું ચાલુ રાખ્યું છે. તેમાં અઢારમી સદીના વ્યંગકારો જેવો રાજાશાહી સામેનો આતશ નથી, પણ સંસ્થાગત ધર્મના માળખામાં ઘા કરવાનું ઝનૂન છે. દુભાતા ધાર્મિકોને વઘુ દુભવીને પોતાનું સ્વાતંત્ર્ય સિદ્ધ કરવાની જિદ છે. તે ઘણી વાર પ્રમાણભાન ભૂલાવે છે. છતાં, ‘શાર્લી એબ્દુ’ના હત્યાકાંડમાં ટેકામાં પેરિસમાં ઉમટી પડેલા સેંકડો લોકોએ દર્શાવી આપ્યું છે કે કાર્ટૂનની ગુણવત્તા જુદી ચર્ચાનો વિષય હોઇ શકે, પણ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય સર્વોચ્ચ છે. તેનું સૌથી હૃદયસ્પર્શી ઉદાહરણ તો એ છે કે સંભવતઃ ‘ઇસ્લામના અપમાન’ બદલ ‘શાર્લી એબ્દુ’ પર ત્રણ ત્રાસવાદીઓએ કરેલા હુમલામાં મૃત્યુ પામેલો એક પોલીસ અફસર ફ્રેન્ચ મુસ્લિમ હતો. એ ઘટનાએ મુસ્લિમો ઉપરાંત ‘શાર્લી એબ્દુ’ અને ફ્રાન્સના લોકોને પણ યાદ કરાવી આપ્યું છે કે તેમની લડાઇ મુસ્લિમો સામે નહીં, અંતિમવાદ સામે હોવી જોઇએ.

2 comments:

  1. Adbhut ! Thanks a lot for writing this article.

    ReplyDelete
  2. ... ફ્રાન્સના લોકોને પણ યાદ કરાવી આપ્યું છે કે તેમની લડાઇ મુસ્લીમો સામે નહીં, અંતીમવાદ સામે હોવી જોઇએ.... ચાર્વાકના દેશમાં આ ક્યારે શક્ય બનશે?

    ReplyDelete