Thursday, July 03, 2014

ફીફાં ૨૦૧૪ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ફુટબૉલની રમત

થોડાં વર્ષ પહેલાં અમદાવાદમાં કેટલાક ચાર રસ્તા પર એવો કાયદો લાગ્યો કે સામેની તરફ જવાનો સિગ્નલ લીલો થાય ત્યાર પછી જ ડાબી બાજુના રસ્તે વળી શકાય. વાહનચાલકો સિગ્નલથી ડાબી તરફનો વ્યવહાર સતત ચાલુ હોય એવા નિયમથી ટેવાયેલા હતા. એટલે તે સિગ્નલ જોયા વિના  સહજતાથી ડાબી બાજુ વળી જતા હતા. વળાંક લઇને એ થોડે આગળ પહોંચે ત્યાર પછી ટ્રાફિક પોલીસ પ્રગટ થતા અને સિગ્નલભંગ વિશે માથાકૂટ ચાલતી. ટ્રાફિક પોલીસની ખૂબી એ હતી કે તે વળાંક પહેલાં નહીં, વળાંક પછી જ ઊભા હોય.

યુજીસી- યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશન અને દિલ્હી યુનિવર્સિટી વચ્ચે ચાલતા શરમજનક વિવાદમાં યુજીસીની વર્તણૂંક આગળ ઉલ્લેખેલા ટ્રાફિક પોલીસના વર્તન કરતાં જરાય જુદી નથી. વળાંક પછી દંડુકો લઇને ઊભા રહેવાની યુજીસીની નીતિને કારણે વિદ્યાર્થીઓને દંડાવાનો વારો આવ્યો છે. ગયા વર્ષે દિલ્હી યુનિવર્સિટીએ (પાંચ વર્ષને બદલે) ચાર વર્ષનો બી.ટેક. અભ્યાસક્રમ શરૂ કર્યો. પરંતુ આ વર્ષે યુજીસીએ યુનિવર્સિટીને નવી પદ્ધતિનો અભ્યાસક્રમ બંધ કરવા આદેશ આપ્યો.  આખી વાતમાં રાબેતા મુજબ રાજકારણ ભળતાં, વિવાદ બરાબર વણસ્યો. દિલ્હી વડી અદાલતની વેકેશન બેન્ચે આ મામલો કાયમી બેન્ચનું ઘ્યાન માગે એવો ગણાવીને બન્ને પક્ષોને અદાલતનું વેકેશન ખુલે ત્યાં સુધી રાહ જોવા કહ્યું. છેવટે દિલ્હી યુનિવર્સિટીએ નમતું જોખીને નવો કોર્સ રદ કર્યો, પણ ત્યાં સુધી વિદ્યાર્થીઓના પ્રવેશનો મામલો અટકેલો અને લટકેલો રહ્યો.

ઘરઆંગણે ગુજરાતમાં એન્જિનિયરિંગની પ્રવેશપ્રક્રિયા પણ અટકેલી છે. (ચિંતા કરવા માટે દિલ્હી કરતાં ગાંધીનગર વધારે નજીક પડવું જોઇએ.) ગયા વર્ષથી ગુજરાતના શિક્ષણવિભાગે એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે મેરિટ લીસ્ટ તૈયાર કરવાની નવી પદ્ધતિ અમલમાં મૂકી. એ પદ્ધતિમાં અન્યાય થતો હોવાની દલીલ સાથે કેટલાક વિદ્યાર્થીઓએ ગુજરાતની વડી અદાલતમાં રજૂઆત કરી. અદાલતે શિક્ષણવિભાગની વિરુદ્ધ ચુકાદો આપ્યો, તેમની પદ્ધતિને અયોગ્ય ઠેરવી અને નવેસરથી પ્રવેશ કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું. ત્યાં સુધીમાં પ્રવેશની કામગીરી ઘણી આગળ વધી ચૂકી હોવાની દલીલ સાથે શિક્ષણ વિભાગે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી. સર્વોચ્ચ અદાલતે પ્રવેશકાર્ય ખોટકાય નહીં એ હેતુથી વડી અદાલતના આદેશ પર મનાઇ હુકમ આપ્યો અને  અરજદાર વિદ્યાર્થીઓને પ્રવેશમાં સમાવી લેવા કહ્યું.

હજુ સુધી એ કેસનો નીવેડો આવ્યો નથી. દરમિયાન ખુદ ગુજરાતના શિક્ષણવિભાગે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી કે ગયા વર્ષે તેમણે અપનાવેલી મેરિટ ગણવાની પદ્ધતિમાં કેટલાક ફેરફાર કર્યા છે (એટલે કે અગાઉની પદ્ધતિ સંતોષકારક ન હતી) અને હવે તે નવી પદ્ધતિ પ્રમાણે મેરિટ નક્કી કરવા ઇચ્છે છે. સર્વોચ્ચ અદાલતે એ બાબતે કશો આદેશ, ચુકાદો કે સૂચન કર્યું નથી. મતલબ કે, જૂનો કેસ હજુ ઊભો છે અને નવી પદ્ધતિને સર્વોચ્ચ અદાલતે મંજૂરી આપી નથી. સવાલ એ થાય કે વિદ્યાર્થીઓ અદાલતે ન ગયા હોત તો શિક્ષણવિભાગને પોતાની પદ્ધતિમાં રહેલી કસર દેખાત? શક્ય છે કે શિક્ષણવિભાગ એ જ પદ્ધતિને ‘નિષ્ણાતમાન્ય’ અને ‘બધી સારી સંસ્થાઓમાં આમ જ ચાલે છે’- કહીને આગળ ધપાવ્યે રાખત.

આ વર્ષે ગુજરાતના શિક્ષણવિભાગ પાસે મેરિટની નવી ફોર્મ્યુલા તૈયાર હતી. તેની સામે વડી અદાલતમાં જાહેર હિતની અરજી થઇ. સામસામી રજૂઆતો પછી ૨૦ જૂનના રોજ મુખ્ય ન્યાયાધીશ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયાધીશ જે.બી.પારડીવાલાએ શિક્ષણવિભાગની નવી પદ્ધતિની વિરુદ્ધમાં ચૂકાદો આપ્યો. શિક્ષણવિભાગની મેરિટ ગણવાની નવી પદ્ધતિને તેમણે કાયદા સાથેે વિસંગત ગણાવી અને કાયદાની હદમાં રહીને બીજી પદ્ધતિ સૂચવી. એટલે શિક્ષણવિભાગે ફરી સર્વોચ્ચ અદાલતનું શરણું લીઘું છે.

વડી અદાલતે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે મેરિટની ગણતરી બાબતે કાયદાના અર્થઘટન કરતાં શિક્ષણવિભાગનું અર્થઘટન જુદું પડે છે. અહીં ‘કાયદો’ એટલે ગુજરાત પ્રોફેશનલ ટેક્‌નિકલ એજ્યુકેશન કોલેજીસ ઓર ઇન્સ્ટીટ્યુશન્સ (રેગ્યુલેશન્સ ઓફ એડમિશન એન્ડ ફિક્સેશન ઓફ ફીઝ) એક્ટ, ૨૦૦૭. અદાલતે કહ્યું કે શિક્ષણવિભાગની નિષ્ણાતસમિતિ ગમે તેટલી પાવરધી હોય તો પણ તેને કાયદાની ઉપરવટ જવાનો અધિકાર નથી.

‘પર્સન્ટાઇલ સ્કોર’ (વિદ્યાર્થીઓની કુલ સંખ્યા સાથે સંબંધ ધરાવતો- ક્રમ આધારિત) અને ‘પર્સન્ટાઇલ માર્ક્‌સ’ (પરીક્ષામાં મેળવેલા વાસ્તવિક માર્ક આધારિત) વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં અદાલતે કહ્યું કે વિદ્યાર્થીની મેરિટ કેવળ ક્રમના પરિબળને લક્ષમાં રાખીને નક્કી કરી શકાય નહીં. પરીક્ષામાં મેળવેલા માર્કને તેની સાથે અનિવાર્યપણે સાંકળવા પડે. એટલે કે, બોર્ડની અને જોઇન્ટ એન્ટ્રન્સ (જેઇઇ) એમ બન્ને પરીક્ષાના પર્સન્ટાઇલ સ્કોરનો નહીં, પણ પર્સન્ટાઇલ માર્કનો સરવાળો કરીને મેરિટ લીસ્ટ બનાવવું પડે.

‘પર્સન્ટાઇલની ગણતરીમાં ટાઇ પડે- બે કે વઘુ વિદ્યાર્થીઓના એકસરખા પર્સન્ટાઇલ થાય- ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં મેળવેલા માર્કના આધારે ક્રમ નક્કી કરવો’ - એવો સિદ્ધાંત શિક્ષણવિભાગે સ્વીકાર્યો હતો અને નિષ્ણાતોએ પણ સૂચવ્યો હતો. તેનું વ્યાપક અર્થઘટન કરતાં અદાલતે કહ્યું કે ફક્ત ટાઇ પડે ત્યારે જ શા માટે? મેરિટ લિસ્ટમાં પહેલેથી વિદ્યાર્થીના ક્રમનો નહીં, માર્કનો જ આધાર લેવાવો જોઇએ.

પર્સન્ટાઇલ સ્કોર અને પર્સન્ટાઇલ માર્કની ગણતરી અને તેને લગતી દલીલો અલગ લેખનો વિષય છે, પણ એટલું નક્કી છે કે શિક્ષણવિભાગની મમતને કારણે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનો પ્રવેશ અટકી પડ્યો છે. યુજીસીના અઘ્યક્ષ હોય કે દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ કે પછી ગુજરાતના શિક્ષણ-બાબુઓ (એજ્યુ-ક્રેટ્‌સ), એ બધાને સૌથી મોટું સુખ એ વાતનું છે કે લાખો વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક વર્તમાન સાથે તે સાગમટે અખતરા કરી શકે છે. બાબુઓેને કે તેમના સાહેબ એવા મંત્રીને તેમના નિર્ણયો ખોટા નિર્ણયો માટે ઉત્તરદાયી ઠેરવી શકાતા નથી. (કારણ કે લોકમત એટલો જાગ્રત હોતો નથી.) જવાબદારીનું ઠેકાણું ન હોય ત્યાં સજા તો બહુ દૂરની વાત છે.

સેલ્ફ-ગોલની હરીફાર્ઇ

કેટલીક લડાઇમાં જેમ બન્ને પક્ષ સાચા હોઇ શકે છે, તેમ કેટલીકમાં બન્ને પક્ષ ખોટા પણ હોઇ શકે છે. ટેક્‌નિકલ ચર્ચામાં ઉતર્યા વિના સાદી નજરે જોનારને ગુજરાતના શિક્ષણવિભાગની રીત અને તેનો વિરોધ કરનારની દલીલો- બન્ને વજૂદવાળાં લાગી શકે છે. પરંતુ દિલ્હી યુનિવર્સિટી અને યુજીસીની લડાઇ બીજા પ્રકારની છે. તેમાં બન્ને પક્ષોએ પ્રાથમિક રીતે કાચું કાપ્યું હોવાનું જણાય છે. અલબત્ત, સૌથી પહેલો અને પાયાનો દોષ યુજીસીનો છે.

છેક એપ્રિલ, ૨૦૧૨થી દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ અને યુપીએ સરકારના માનીતા ગણાતા દિનેશસિંઘે ચાર વર્ષના અન્ડરગ્રેજ્યુએટ કોર્સની જાહેરાત કરી હતી. કાગળ પર આ યોજનાની કેટલીક નોંધપાત્ર ખૂબી હતી : આ કોર્સનાં બે વર્ષ કરનારને ડીપ્લોમા, ત્રણ વર્ષ કરનારને એક મુખ્ય વિષય સાથે બેચલરની ડિગ્રી અને ચાર વર્ષ પૂરાં કરનારને વિષય પ્રમાણે બેચલર (ઓનર્સ) અથવા બી.ટેક.ની ડિગ્રી મળવાની હતી. અમેરિકન પદ્ધતિ પ્રમાણેની મોકળાશ ધરાવતા આ અભ્યાસક્રમમાં પહેલાં બે વર્ષમાં મુખ્ય (મેઇન) અને ગૌણ (માઇનર) વિષય ઉપરાંત અવનવા સામાન્ય વિષયોના ૧૧ ફાઉન્ડેશન કોર્સ કરવાના હતા. તેમાં ભાષા-સાહિત્ય-સર્જકતા, આઇ.ટી., ભારતીય ઇતિહાસ-સંસ્કૃતિ, ગાણિતીક ક્ષમતા, ફિલોસોફી-સાયકોલોજી-કમ્યુનિકેશન્સ એન્ડ લાઇફ સ્કીલ્સ વગેરેનો સમાવેશ થતો હતો. તેની પાછળનો આશય એ હતો કે વિદ્યાર્થી મુખ્ય વિષય ઉપરાંત બીજા વિષયોનું પણ ખપજોગું જ્ઞાન મેળવે, જેથી બહારની દુનિયામાં તેને મુશ્કેલી ન પડે.

પરંતુ શું ગુજરાતના કે શું દિલ્હીના બાબુઓ અને મંત્રીઓ ભૂલી જાય છે કે વર્લ્ડ ક્લાસ સીસ્ટમ લાવવાથી આપણો દરજ્જો આપોઆપ ઊંચો જતો રહેતો નથી. તેના અમલ માટે સજ્જ લોકો અને માળખાકીય સુવિધાઓ ન હોય તો, પરદેશમાં ઉત્તમ રીતે ચાલતી વ્યવસ્થા પણ આપણા દેશમાં નિષ્ફળ જાય. દિલ્હી યુનિવર્સિટી સામે મુખ્ય આરોપ એ હતો કે ચાર વર્ષના આ કોર્સને બહુ ઝડપથી અને ઊભડક ધોરણે અમલી બનાવી દેવાયો. આ ઉપરાંત ફાઉન્ડેશન કોર્સમાં આવતા વિષયોના યોગ્ય શિક્ષકો મેળવવાનું સહેલું નથી અને તેમને તૈયાર કરવા માટેનો સમય ન હતો. ૨૦૧૩-૧૪ના શૈક્ષણિક વર્ષમાં ચાર વર્ષના કોર્સમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાઇ ગયો. એ વખતે એવા પણ આક્ષેપ થયા હતા કે ખાનગી કોલેજોને ફાયદો કરાવવા માટે દિલ્હી યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત ગણાતા ઓનર્સ કોર્સને ખતમ કરી નાખવાનું આ કાવતરું છે.

કોર્સ શરૂ થયાના એક વર્ષ સુધી યુજીસીએ નિરાંતની ઉંઘ ખેંચી અને પછી તે સફાળી જાગી. ત્યાર પછીની તેની ભાષા દાદાગીરીની હતી. કોલેજોને આપવાના રૂપિયાની નાણાંકોથળી યુજીસીના હાથમાં હતી. એ જોરે તેણે દિલ્હી યુનિવર્સિટીનો હાથ આમળ્યો અને ચાર વર્ષનો કોર્સ પાછો ખેંચવા હુકમ કર્યો. એટલું જ નહીં, એ કોર્સ ગેરકાયદે છે એવી છાપામાં જાહેરખબર આપી.

દિલ્હી યુનિવર્સિટીનો કોર્સ ગમે તેવો કાચો કે અધકચરો હોય તો પણ, આ તબક્કે યુજીસી દ્વારા થયેલો હુકમ યુનિવર્સિટીની સ્વાયત્તતાનો દેખીતો ભંગ હતો. લાંબી ખેંચતાણ પછી દિલ્હી યુનિવર્સિટીએ કોર્સ બંધ કર્યો છે. નવા કોર્સમાં એક વર્ષ ભણી (બગાડી) ચૂકેલા વિદ્યાર્થીઓ થોડો સમય વિરોધ કરશે. પણ આખા કમઠાણ માટે જવાબદાર લોકો નક્કી કરીને તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાશે?

ભારતદેશરીતિ પ્રમાણે તો એ શક્ય લાગતું નથી.  

No comments:

Post a Comment